મારી માતૃભૂમિમાં મા સલામત નથી

અનિલ જોશી
01-02-2020

ગરબો

શાહીન બાગના ગરબામાં
દીવો પ્રગટી ગયો
બાગ હવે ચાચરનો ચોક બની ગયો
મા ખુદ ગરબે રમવા આવી છે
આ નવરાત્રી નથી
અનેક રાત્રીઓનું જાગરણ છે.
ઉજાગરો નથી.
ગરબે ઘૂમે રે મા ગરબે ઘૂમે
આજ મારી અંબિકા ગરબે ઘૂમે
કડકડતી ટાઢમાં રાક્ષસો ભલે એના બનૂસ-ધાબળા
લઈ જાય પણ મા એ તો પંચમહાભૂતનું હૂંફાળું બનૂસ ઓઢ્યું છે
માને ટાઢ નથી વાતી
ટાઢિયો તાવ તો સત્તાની મર્દાનગીને આવે
કવિતાના છંદને પણ બંધારણ હોય છે
ગાગાલગા લલલગાલલગાલ ગાગા
આ વસંતતિલકાનું બંધારણ છે
વિશ્વમ્ભરી અખિલ વિશ્વ તણી જનેતા
માની આ સ્તુતિ વસંતતિલકાના બંધારણમાં છે.
છંદ અને લયમાં ઘરની ધોરાજી ના ચાલે
મા વાગીશ્વરીના હાથમાં વીણા
શુભ્રવસ્ત્રા શ્વેતપદ્માસના છે
તે લુહારની દુકાનમાં ચુપચાપ બેઠી છે
વીણાનો તૂટેલો તાર ફરી
નવો મળે એની પ્રતીક્ષામાં છે
કોઈવાર રાક્ષસોના પ્રહારથી મા લોહીઝાણ થઈ જાય
મા પર એસિડ ફેંકાય કે તરત
ગાંધીના રેટિયાની રૂની પૂણી
માનું વહેતુ લોહી અટકાવે છે
સત્તાના બાળોતિયાં ધોવાની
માએ હવે સાફ ના પાડી દીધી છે
હાજી હાજીના નપુંસક મર્દોનાં ટોળાંમાં
માની “ના ના ના”
મારી માતૃભૂમિમાં મા સલામત નથી
એ દેશ મારો નથી
હું નોમેન્સ લેન્ડનો નાગરિક છું

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 01

Category :- Poetry