ગઝલ / થી

સિદ્દીક ભરૂચી
18-01-2020

બે લાગણીના શબ્દો રૂપી રક્તદાનથી,
ગઝલો છે તંદુરસ્ત, તમારા જ માનથી.

મારા  ઘરે  તમારી શમાની  હો  રોશની,
એવું  કરો  આ  કામ  તમારા  મકાનથી.

હોદ્દા, ધનીક, ડિગ્રીઓ લજવાય છે અહીં
ઈન્સાન ઓળખાય છે વર્તનના જ્ઞાનથી.

મુજને હજાર  શંકા  જગાવે છે મંચ પર,
દુશ્મન મને નિમંત્રી શકે માનપાનથી?

ધરતી ઉપર બગાડ કરો પણ વિચારજો,
ઉતરી શકે છે એની સજા આસમાનથી.

જાગી રહ્યા છે કેમ આ રસ્તા હજી સુધી,
માંગી રહ્યા છે, લોક અહીં કંઈ દુકાનથી.

મુકામ પોસ્ટ રાજપારડી, તાલુકા ઝઘડિયા, જિલ્લો ભરૂચ, ગુજરાત, ભારત

e.mail : [email protected]

Category :- Poetry