એટમ બોમ્બથી આપણે શું ધડાકા કરી લીધા?

દિવ્યેશ વ્યાસ
17-07-2013

અમેરિકાએ ૧૬ જુલાઈ, ૧૯૪૫ના રોજ એટમ બોમ્બનું પહેલી વાર પરીક્ષણ કર્યું અને માનવજાતે સૌથી વિનાશક શસ્ત્ર વિકસાવ્યું. પછી તો દુનિયાભરમાં પરમાણુ શસ્ત્રો વિકસાવવાની હોડ શરૂ થઈ, પણ એ આંધળી દોડમાંથી માનવજાતને શું મળ્યું?

૧૬જુલાઈ, ૧૯૪૫ની વહેલી સવારે સૂરજ ઉગવાને હજુ થોડી વાર હતી ત્યારે પૃથ્વીની સપાટી પર એક પ્રચંડ વિસ્ફોટ થયો. વિસ્ફોટને પરિણામે મશરૂમ આકારનો અગનગોળો ઉછળ્યો, જેની આગ ૪૦,૦૦૦ ફીટ ઊંચે સુધી ફેલાઈ હતી. આ પરીક્ષણની સાથે માનવજાતે સૌથી વિનાશક શસ્ત્ર - એટમ બોમ્બની શોધ કરી હતી. એટમ બોમ્બ એટલે નામ પ્રમાણે જ પરમાણુમાં રહેલી શક્તિનો વિસ્ફોટ કરતું શસ્ત્ર. એક પરમાણુમાં જ પરમ બ્રહ્માંડનો વિનાશ વેરવાની તાકાત સમાયેલી હોય છે, તે માનવજાતે શોધી કાઢયું હતું. હા, માનવજાતની મૂઢતા અને અણસમજ એ હતી કે ત્યારે આ તાકાતને માણસોના જ વિનાશ માટે પ્રયોજવાનો હેતુ હતો!

અમેરિકાએ ૧૬ જુલાઈ, ૧૯૪૫માં વહેલી સવારે ૫:૨૯:૪૫ વાગ્યે ન્યૂ મેક્સિકોના અલામોગોર્ડોના રણપ્રદેશમાં પરમાણુ બોમ્બનું પ્રાયોગિક પરીક્ષણ કર્યું અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં એટલે કે ૬ ઓગસ્ટ, ૧૯૪૫ના રોજ એટમ બોમ્બનું પ્રેક્ટિકલ પરીક્ષણ જાપાનના હિરોશિમા શહેર પર કર્યું. હિરોશિમા પર એટમ બોમ્બ ફેંકીને અમેરિકા અટકી ન ગયું પણ તેણે ત્રણ દિવસ પછી ૯મી ઓગસ્ટના રોજ જાપાનના જ બીજા શહેર નાગાસાકી પર બીજો એટમ બોમ્બ ઝીંક્યો. આ પરમાણુ બોમ્બને કારણે ક્ષણ-બેક્ષણમાં હિરોશિમા અને નાગાસાકી શહેરો હતાં-ન હતાં બની ગયાં. ઘડીના છઠ્ઠા ભાગમાં એક સાથે ૮૦,૦૦૦ લોકો હણાયા અને પરમાણુ બોમ્બના વિકિરણની વિઘાતક અસરથી માત્ર એક વર્ષના ગાળામાં બીજા ૬૦,૦૦૦ લોકો મોતને ભેટયા હતા. માત્ર જાપાનમાં જ નહીં, દુનિયાભરમાં હાહાકાર મચી ગયો. જાપાને ઓન ધ સ્પોટ હાર સ્વીકારી લીધી અને આ સાથે જ બીજું વિશ્વયુદ્ધ ખતમ થઈ ગયું, પણ દુનિયાના દેશો વચ્ચે એક આંધળી હોડ શરૂ થઈ ગઈ - પરમાણુ શસ્ત્રો વિકસાવવાની, પરમાણુ શક્તિસમ્પન્ન રાષ્ટ્ર બનવાની.

વિશ્વવિજેતા બનવાના હિટલરના ખ્વાબને સાકાર કરવા માટે જર્મની પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું હતું ત્યારે અમેરિકા પણ પોતાનું સૈન્યબળ વિકસાવવા વિચારણા કરી રહ્યું હતું. ૧૯૩૯માં અમેરિકામાં રાજ્યાશ્રય ભોગવી રહેલા ઈટાલીના ભૌતિક વિજ્ઞાની એન્રિકો ફર્મી અમેરિકન નેવી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કોલમ્બિયા યુનિવર્સિટીમાં મળ્યા હતા અને એટમ બોમ્બ પ્રકારના વિસ્ફોટક શસ્ત્રનો લશ્કરી હેતુથી કઈ રીતે ઉપયોગ કરી શકાય, એની ચર્ચા કરેલી. એ જ વર્ષે આલ્બર્ટ આઇન્સ્ટાઇને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલીન રુઝવેલ્ટને પત્ર લખીને જર્મનીના સામના માટે એટમ બોમ્બ બનાવવા માટે આગ્રહભરી વિનંતી કરતો પત્ર લખ્યો હતો. આઇન્સ્ટાઇનના પત્ર પછી અમેરિકા આ અંગે થોડું ગંભીર બન્યું હતું. અમેરિકાએ પરમાણુ બોમ્બ માટે ફેબ્રુઆરી-૧૯૪૦માં ૬૦૦૦ અમેરિકી ડોલરનું મામૂલી ગણાય એટલું ભંડોળ ફાળવ્યું હતું. પણ, ડિસેમ્બર, ૧૯૪૧માં જાપાને જ્યારે અમેરિકાના પર્લ હાર્બર પર ઘાતક હુમલો કરીને તેને બીજા વિશ્વયુદ્ધમાં ઢસેડયું અને ૧૯૪૨માં અમેરિકાએ જ્યારે જાણ્યું કે જર્મની યુરોનિયમ બોમ્બ બનાવવા મથી રહ્યું છે ત્યારે અમેરિકા સફાળું જાગ્યું અને એટમ બોમ્બ બનાવવાના પ્રોજેક્ટ માટે વધારે નાણાં અને સંસાધનો પૂરાં પાડયાં હતાં. અને આખરે ૧૬ જુલાઈ, ૧૯૪૫ની વહેલી સવારે ન્યૂ મેક્સિકોના રણમાં એટમ બોમ્બનું પરીક્ષણ શક્ય બન્યું, જેને બે દિવસ પછી ૬૮ વર્ષ થશે. માનવજાતે એટમ બોમ્બ બનાવ્યાના સાડા છ દાયકાથી વધારે સમય વીતી ગયો છે, ત્યારે પહેલો વિચાર એ આવે કે એટમ બોમ્બે આ દુનિયાને શું આપ્યું? તેનાથી આ દુનિયાને ફાયદો થયો કે નુકસાન?

અમેરકા પછી વિશ્વભરના દેશોમાં એટમ બોમ્બ બનાવવાની આંધળી દોડ શરૂ થઈ. ૧૯૪૯માં રશિયાએ એટમ બોમ્બનું પરીક્ષણ કર્યું, ત્યાર બાદ બ્રિટને ૧૯૫૨, ફ્રાંસે ૧૯૬૦, ચીને ૧૯૬૪માં પરમાણુ પરીક્ષણો કર્યા. એક પછી એક પરીક્ષણોને લીધે આખી દુનિયા '૫૦ અને '૬૦ના દાયકામાં સતત ભય તળે જીવતી હતી. એક અંદાજ મુજબ ૧૯૬૧માં દુનિયાએ એટલા એટમ બોમ્બ બનાવી નાખ્યા હતા, જેનાથી આખી દુનિયાનો વિનાશ થઈ શકે. છતાં પરમાણુ શસ્ત્રો બનતા રહ્યા છે. હવે તો ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જેવા દેશો પણ પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે. ઈઝરાયેલ પાસે પણ પરમાણુ શસ્ત્રો હોવાની વાત છે. વિશ્વના મોટાભાગના દેશોએ ન્યૂક્લીઅર નોનપ્રોલીફરેશન ટ્રીટી પર હસ્તાક્ષર તો કર્યા છે, પણ છતાં પરમાણુ સત્તા બનવાની આંધળી દોડ અટકી નથી.

પરમાણુ શસ્ત્રોએ માનવ જાતને એક ભય તળે તો રાખી જ છે ઉપરાંત તેને કારણે દુનિયાનાં અપાર સંસાધનો ઉપરાંત ખર્વો રૂપિયા ખર્ચાયા છે. વિચાર કરો, આટલા રૂપિયા જો ગરીબ-વંચિત લોકો માટે ખર્ચાયા હોત તો દુનિયામાં આજે કોઈ ગરીબ-વંચિત, બીમાર-લાચાર હોત ખરું? ખેર, માનવજાતે હવે પરમાણુ શક્તિનો ઉપયોગ વિનાશ નહીં પણ વિકાસ માટે કરવાની પહેલ કરી છે, તે સારી બાબત ગણી શકાય, છતાં પરમાણુ ઊર્જાનાં જોખમોને નજરઅંદાજ કરી શકાય એમ નથી. દક્ષિણ આફ્રિકાએ પોતાનાં પરમાણુ શસ્ત્રોનો નાશ કર્યો છે તો જાપાને પરમાણુ ઊર્જાનો વપરાશ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ભસ્માસૂરનો નાશ કરવો જ રહ્યો!

Jul 13, 2013; સમય-સંકેત

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion