એક ટાલિયાનું શબ

યૉસેફ મેકવાન
16-01-2020

અંધારી રાતમાં
એક ટાલિયો
લાકડી લઈ હાથમાં
ચોમેર - તૂટ્યાફૂટ્યા ખાડાખૈયાંભર્યા
રસ્તા પર
ચાલતો હતો સંભાળીને,
આગળ-પાછળ આજુબાજુ,
ઝૂંપડપટ્ટીઓ ... બંગલાઓના
ઢગલે-ઢગલા પર લથડતી તેની નજર
બની ગઈ શૂન્ય!
સત્તાના રઘવાટ વચ્ચે -
અહંકારના સળગતા અંગાર,
જૂઠાણાંના કકળાટનો ભાર,
એય ... ભાષણોના ધુમાડાના ગોટેગોટથી
એની આંખો ભીંજાઈ ... ટપકી રહી
શબ્દો સરી પડ્યા હવામાં -
જ્યારે મનુષ્ય અશુદ્ધ સાધનોનો
ઉપયોગ કરે છે, ત્યારે
તેનું સાધ્ય પણ અશુદ્ધ બને છે.
થોર ઉપરથી દ્રાક્ષ અથવા આવળ ઉપરથી
અંજીર ઊતરે ખરાં?
બોલી એ ટાલિયો થઈ મૂર્છિત ઢળી પડ્યો!
થઈ ગયો લોહીલુહાણ
શબ એનું
થયું હવામાં અધ્ધર-અધ્ધર ઊંચકાયું.
સમગ્ર દેશ પર છવાયું ...
હવામાં -
જુઓ ... દેખાય છે?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ. 15

Category :- Poetry