જો જોરશોર સે જિન્નાહ કા વિરોધ કર રહે થે ...

કેયૂર કોટક
15-01-2020

“જબ અર્જ-એ-ખુદા કે કાબે સે
સબ બુત ઉઠવાએ જાયેંગે
હમ અહલ-એ-સફા મરદૂદ-એ-હરમ
મસનદ પે બિઠાયે જાયેંગે
સબ તાજ ઉછાલે જાયેંગે
સબ તખ્ત ગિરાયે જાયેંગે ....”

આ પંક્તિઓને લઈને અત્યારે દેશમાં ધર્મયુદ્ધ (જ્હિાદ?!) છેડાઈ ગયું છે. હિંદુસ્તાનની માટીમાં જન્મેલા અને હિંદુસ્તાની રંગે રંગાયેલા પ્રસિદ્ધ શાયર ફૈઝ અહમદ ફૈઝની એક લોકપ્રિય કવિતા ‘હમ દેખેંગે’ની આ પંક્તિઓ છે. જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી, કાનપુરનાં વિદ્યાર્થીઓએ આ પંક્તિઓ ઉચ્ચારી, ત્યારે આ સંસ્થાનાં આકાઓને એમનો તાજ ઉછળવાનો ડર લાગ્યો હશે - કે ક્યાંક હિંદુવાદી અભિગમ ધરાવતી સરકાર તો અમને નહીં જોઈ લે ને?!

૧૯૮૦ના દાયકામાં પાકિસ્તાની સરમુખત્યાર ઝિયા-ઉલ-હકનાં વિરોધમાં લખાયેલી આ કવિતાની પંક્તિઓ કોઈ પણ દેશમાં અન્યાયી અને અત્યાચારી શાસક સામે બાંયો ચઢાવવા માટે જનતાને પ્રેરિત કરે છે, ખાસ કરીને યુવા પેઢીને. આ કવિતાની પ્રસ્તુતતા ઝિયાનાં શાસનકાળ પૂરતી મર્યાદિત નથી, પણ દુનિયાનાં દરેક દેશમાં હંમેશાં માટે પ્રસ્તુત રહેશે.

આપણે જાણીએ છીએ કે, ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે ચઢાવીને પાકિસ્તાનની સત્તાને જનરલ ઝિયા-ઉલ-હકે પચાવી પાડી હતી. પછી ઝિયાએ પાકિસ્તાનનું તાલિબાનીકરણ કરવાની શરૂઆત કરી હતી. એના વિરોધમાં ફૈઝે આ કવિતાનું સર્જન કર્યું હતું. પણ આ પ્રસિદ્ધ માનવતાપ્રેમી શાયરને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે સમતાવાદી સમાજની રચના કરવા માટે પ્રેરિત કરતી અને અમાનવીય, અત્યાચારી શાસકોને ચેતવણી આપતી આ કવિતા ‘હિંદુ વિરોધી છે કે નહીં’ એવી બેવકૂફીભરી તપાસ કરવાનું ફરમાન ‘ધર્મનિરપેક્ષ’ ભારતની એક જગપ્રસિદ્ધ ટેકનોલોજી સંસ્થા કરશે!

પ્રસિદ્ધ ફિલ્મ ‘રેફ્યુજી’નાં કર્ણપ્રિય ગીતની પંક્તિઓ છે : પંછી, નદીયાઁ, પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઉન્હેં રોકે. એ જ રીતે સર્જકનાં શબ્દોને પણ સીમાડા નડતા નથી. સર્જનની નિસબત પીડા સાથે છે -  વ્યક્તિની પીડા સાથે, સમાજની વેદના સાથે. જ્યારે હૃદય દ્રવિત થઈ જાય છે, ત્યારે કવિની કલમમાંથી શબ્દો રૂપી વ્યથા પ્રકટ છે. સાચા સર્જકનું સર્જન સમાજ સાથે નિસબત ધરાવે છે, નહીં કે કોઈ ધર્મ, દેશ કે જ્ઞાતિ-જાતિ સાથે. સાહિત્યકારનાં સર્જનને કોઈ ધર્મ, સંપ્રદાય, જાતિ, જ્ઞાતિ કે દેશ જેવી સંકુચિત વિચારસરણીમાં કેદ કરી શકાતું નથી.

ફૈઝ નખશિખ હિંદુસ્તાની શાયર હતા. એમની શાયરીઓ પૂરા સમાજની વેદના બયાન કરે છે, ફક્ત મુસ્લિમોની નહીં. એમની શાયરીનો નાતો માનવતા સાથે છે, નહીં કે મુસ્લિમો સાથે. ટેકનોલોજી સાથે સંબંધિત સંસ્થાઓનું સંચાલન કરીને રોબોની જેમ આદેશોનું પાલન કરવાની માનસિકતા ધરાવતા આઇ.આઇ.ટી. કાનપુરનાં આકાઓને આ નજમના અમુક શબ્દો સામે વાંધો છે, જેમ કે ‘બુત’ અને ‘અલ્લાહ’. તેમણે એવી તપાસ કરવા એક સમિતિ રચવાની જાહેરાત કરી કે ફૈઝની આ રચનામાં હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ તો પહોંચતી નથી ને? કારણ કે એમાં બુત અને અલ્લાહ શબ્દનો પ્રયોગ થયો છે!

ફૈઝે આ કવિતા લખીને ઝિયાને સંકેત આપ્યો હતો કે જ્યારે શાસકોનાં જુલ્મ-ઓ-સિતમ વધી જાય છે, ત્યારે પ્રજા એમને એમના પૂતળાઓ સહિત ઉખાડીને ફેંકી દે છે. એમાં મૂર્તિપૂજક હિંદુઓને નિશાન બનાવવાનો ઇરાદો લેશમાત્ર નહોતો. ચોક્કસ, હિંદુસ્તાનનાં વિભાજનની કરુણાંતિકા સમયે ફૈઝે પાકિસ્તાનને પોતાનું ઘર બનાવ્યું હતું, પણ એમનાં હૃદયમાં હિંદુઓ પ્રત્યે કોઈ દ્વેષ નહોતો. તેઓ વિભાજન સમયે નિર્દોષ હિંદુઓ અને મુસ્લિમોની કતલેઆમથી એક સમાન વ્યથિત થઈ ગયા હતા અને ‘સુબહે આઝાદી’ નામની કવિતાનું સર્જન કર્યું હતું. એમાં તેમણે લખ્યું હતું કેઃ

યે દાગ-દાગ ઉજાલા, યે શબ ગજીદા સહર
વો ઇન્તજાર થા જિસકા, યે વો સહર તો નહીં

કથિત હિંદુવાદીઓને અને ‘એક્સિડેન્ટલ ચીફ મિનિસ્ટર’ યોગી આદિત્યનાથને એ યાદ નહીં હોય કે ભારતનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પાકિસ્તાનની મુલાકાત દરમિયાન પ્રોટોકોલ તોડીને ફૈઝ અહેમદ ફૈઝને મળવા ગયા હતા. એ સમયે વાજપેયી પ્રધાનમંત્રી નહોતા. કટોકટીની વિદાય પછી મોરારજી દેસાઈનાં નેતૃત્વમાં રચાયેલી ખીચડી સરકારમાં વાજપેયી વિદેશ મંત્રી હતા. તેઓ વિદેશમંત્રીની રૂએ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા અને અગાઉથી જ તેમનો બધો કાર્યક્રમ નક્કી હતો. બન્યું એવું કે આ જ ગાળામાં બૈરુતમાં વનવાસ ગાળી રહેલા ફૈઝ એશિયન-આફ્રિકન રાઇટર્સ ફેડરેશનનાં પ્રકાશન વિભાગનાં અધ્યક્ષ હતા અને તેઓ કોઈ કામ માટે પાકિસ્તાનમાં આવ્યા હતા. વાજપેયીને આ વાતની જાણ થતાં તેઓ પ્રોટોકોલ તોડીને ફૈઝ મળ્યા હતા. આ મુલાકાતમાં વાજપેયીએ ફૈઝને કહ્યું હતું કે ‘હું ફક્ત એક શેર માટે તમને મળવા આવ્યો છું.’ પછી વાજપેયીએ જ આ પ્રસિદ્ધ શેર ફૈઝને સંભળાવ્યો હતો.

મકામ ‘ફૈઝ’ કોઈ રાહ મેં જઁચા હી નહીં,
જો કૂ-એ-યાર સે નિકલે તો સૂ-એ-દાર ચલે.

આ સાંભળીને ફૈઝ ભાવુક થઈ ગયા હતા અને પછી તેમણે વાજપેયીને આખી ગઝલ સંભળાવી હતી.

ગુલો મેં રંગ ભરે, બાદ-એ-નૌ-બહાર ચલે,
ચલે ભી આઓ કે ગુલશન કા કાર-ઓ-બાર ચલે .....

વાજપેયી પ્રશંસક અને ચાટુકાર વચ્ચેનો ભેદ સારી સમજતા હતા. એમને ચાટુકરો પસંદ નહોતા. તેઓ જાણતા હતા કે ટીકાકાર કરતાં વધારે નુકસાન ચાટુકારો પહોંચાડે છે. અત્યારે નરેન્દ્ર મોદીને એમના ટીકાકારો કરતાં ચાટુકારોથી જોખમ વધારે છે. ચાટુકારો પોતાના આકાઓને ખુશ કરવા વિવેકબુદ્ધિનો ત્યાગ કરીને કોઈ પણ હદે જઈ શકે છે અને આઇ.આઇ.ટી.ના આકાઓએ આ જ કર્યું છે. તેઓ જાણવા ઇચ્છે છે કે ફૈઝે એમ કેમ લખ્યું હશે કે : બસ નામ રહેગા અલ્લાહ કા. પણ તેમને જે સમજાતું નથી એ ‘અવામ-એ-હિંદુસ્તાન’ સમજી ગઈ છે. આઇ.આઇ.ટી. કાનપુરનાં આ સંચાલકો સોશિયલ મીડિયા પર કેટલી હદે હાંસીપાત્ર બની ગયા છે એનું એક વધુ ઉદાહરણ આ લખાઈ રહ્યું છે ત્યારે સામે આવ્યું છે.

ફૈઝની ઘટના પછી સોશિયલ મીડિયા પર કોઈએ અફવા ઉડાવી કે આઇ.આઇ.ટી. કાનપુરે કૈલાશ ખેરનાં ગીત ‘અલ્લાહ કે બંદે’માં હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચે છે કે નહીં એની તપાસ કરવા પણ સમિતિ રચી છે. વાત એ હદે વકરી ગઈ કે આઇ.આઇ.ટી. કાનપુરને સ્પષ્ટતા કરવી પડી કે કૈલાશ ખેરની ગીતની તપાસ કરવાની વાત માત્ર અફવા છે. પણ અબ પછતાવે ક્યાં હોવે …. જો અત્યારે ફૈઝ હયાત હોત, તો ભારત અને પાકિસ્તાન બંનેને (અવ)દશા પર પેટ પકડીને હસતાં હોત …. કદાચ અડવાણી વિચારતા હશે કે,

જો જોરશોર સે જિન્નાહ કા વિરોધ કર રહે થે,
વો આજ ઉસી કી રાહ પર ચલ નિકલે હૈ,
યે વો હિંદુસ્તાન તો નહીં હૈ,
જિસકે લિયે મેં સિંધ સે આયા થા .....

Email : [email protected]

સૌજન્ય  : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2020; પૃ. 06 - 07

કાવ્ય સૌજન્ય : "ભૂમિપુત્ર", 01 જાન્યુઆરી 2020; પૃ. 11

ફૈઝના અવાજમાં આ ગઝલને માણીએ :

https://www.youtube.com/watch?time_continue=26&v=RNuU_lBRCDI&feature=emb_logo

Category :- Opinion / Opinion