કોરો કાગળ

યોગેશ પટેલ
06-01-2020

ચાલ્યા  કર્યું  છે  મેં  કોરો  કાગળ  થઈને
લખ્યું નાં કંઈ જ તમે થોડા આગળ થઈને
                                         … ચાલ્યા કર્યું છે

અર્થ વગરનો અમથો થોથો પાગલ થઈને
બેઠો  છું   વાટે   પીંછું  ને   કાજળ  લઈને
ખોટી  ખોળાખોળ કરી  છે  અક્ષર થઈને
અર્થ નથી કે શબ્દો, ભમતો અટકળ લઈને
                                         … ચાલ્યા કર્યું છે

શીલાલેખો શેના  છે  આ  ભાષણ થઈને?
ખોડંગાયો  છું  પથ્થરનો   કાગળ  થઈને
અલખ નિરંજન કરતાં કરતાં ગોકુળ થઈએ
ઊડી જઈએ, પતંગ થઈએ, ઝાકળ થઈએ
                                        … ચાલ્યા કર્યું છે

Category :- Poetry