સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારાં કામ, આપણી સાથે કાયમ રહેજો ઘટ ઘટ વસતા શ્રીભગવાન

અાશા બૂચ
03-07-2013

થોડાં અઠવાડિયાં પહેલાં, એક સૈનિકને લંડનના લશ્કરી મથક પાસે જ એક ઝનૂની માણસે મોતને ઘાટ ઉતાર્યો, એ સમાચારથી બ્રિટનની તમામ કોમનું હૈયું હજુ રુદન કરે છે તે સંભળાય છે. આ હિચકારા કૃત્યને વખોડવા દરેક કોમના આગેવાનો જ નહીં, સામાન્ય લોકો પણ આગળ આવ્યા છે, એ કોમી એખલાસની એક શુભ નિશાની છે. ખાસ કરીને ઇસ્લામ ધર્મને અનુસરનારોએ ‘Walk for Peace’નું આયોજન કરીને પોતાનો ધર્મ શાંતિપ્રિય છે એ વાત લોકો સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો છે તે સરાહનીય છે.

ખૂન કરનારે ‘અલ્લાહ’ના નામના પોકાર સાથે એક આશાસ્પદ ડ્રમરનો જાન લીધો તેથી એની પાછળના આતંકવાદી સંગઠન અને વ્યક્તિઓની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. તેવે સમયે થોડા દિવસો પહેલાં ગાર્ડિયનમાં Andrew Brown લિખિત ‘Why religion and violence so closely linked?’ નામનો લેખ વાંચ્યાનું સ્મરણ થઈ આવે છે. મને પણ હંમેશ નવાઈ ઉપજે કે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના હિંસક હુમલા અને બે કે તેથી વધુ દેશો વચ્ચેની લડાઈઓ અથવા તો કોઈ એક સરકારની તેની પ્રજા ઉપરના હિંસક અત્યાચારોને અને ધર્મને શી લેવા દેવા હશે, ભલા ?

આમ જુઓ તો ધાર્મિક યુદ્ધો પરાપૂર્વથી થતાં આવ્યાં છે. પણ ૧૯૪૦ના દાયકા પછી તેને નામે થતા આંતરિક ઝઘડાઓ અને યુદ્ધોની સંખ્યા અને તીવ્રતા વધી છે. ધર્મને નામે થતી લડાઈઓ ઉપરાંત એથનિક ક્લેન્સિંગ, આર્થિક અને સંસ્કૃિતક સંઘર્ષો પણ વધ્યા છે. અરે, બુદ્ધ ધર્મ કે જે શાંતિ અને અહિંસાનો સૌથી મોટો પ્રણેતા ગણાય છે, એના અનુયાયીઓની સંખ્યા દુનિયામાં ઘણી ઓછી છે. પરંતુ તેની સરખામણીમાં તેઓ વધુ સંખ્યામાં હિંસક આક્રમણોમાં સંડોવાયેલા જોવા મળે છે. આની પાછળ કયું પરિબળ કામ કરતુ હશે ? શું બુદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં ખામી છે ? તેના અનુયાયીઓ અહિંસાનો બોધ સમજીને અમલમાં મૂકી નથી શકતા એ કારણ હશે ? કે પછી જ્યાં બુદ્ધ ધર્મનું પાલન થાય છે તે દેશના રાજ્યકર્તાઓની બે ધર્મો વચ્ચે વૈમનસ્યનાં વાવેતર કરવાની નીતિ જવાબદાર હશે ?

ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ધર્મનો પ્રચાર પ્રસાર કરવા રાજ્યકર્તાઓએ હિંસક માર્ગ અપનાવીને લડાઈઓ કરી, જેને માટે ધર્મને આગળ ધર્યો, અને એ વાત બાઇબલના જમાના જેટલી જૂની છે. ખરી ધાર્મિક પ્રજા એવું જ ઇચ્છતી હશે કે મારો ધર્મ જો અનુસરવા લાયક હોય તો બીજા આપ મેળે તેમાં ભળે. પરંતુ સત્તા ભૂખ્યા રાજાઓએ ધર્મગુરુઓના આશીર્વાદ લઈને રણભૂમિ તરફ પ્રયાણ કરવાની પ્રણાલિ ઊભી કરી, જેથી એમને ધર્મનું ઓઠું મળી રહ્યું. ખરું જોતાં રાજકીય મહત્ત્વાકાંક્ષા, સરહદી ઝઘડા અને અર્થકારણમાં પેઠેલી બજારુ વૃત્તિને ધર્મ સાથે સ્નાન સૂતકનો ય સંબંધ નહીં, તો આજના આક્રમણોને ધર્મ પ્રેરિત કેમ માનવામાં આવે છે ? મારા દેશ કે સંસ્કૃિત ઉપર બીજા દેશની સરકાર કે વ્યાપારી નીતિ ખતરો પેદા કરતી લાગે, તો મારો ધર્મ મને એવા લોકો અને સરકાર સામે કેવી રીતે રક્ષણ મેળવવું એ માર્ગ બતાવે કે આત્મઘાતી હુમલાઓ કરીને મારા જ દેશના કે અન્ય દેશની વ્યક્તિઓ કે સમૂહોનો નાશ કરવાનું ચીંધે ? પ્રજા અને સરકાર વચ્ચેના કે બે દેશો વચ્ચેના સંઘર્ષો વાટાઘાટોથી હલ ન થાય એવી દલીલો રાજકીય વર્તુળોમાં પ્રચલિત છે – એ કહેનાર કોણ છે ? રાજકારણીઓ, કે જેમની સત્તા લડાઈમાં વિજયી થવાથી ટકી રહે છે અને લડાઈ સંબંધી ઉદ્યોગો ચલાવનારા કે જેની રોજી રોટી અન્યના સંહાર પર નભે છે.

કોઈ પણ દેશની આંતરિક બાબતો વિષે કે બે દેશો વચ્ચે સરહદી મુદ્દાઓ પર પ્રશ્નો ઊભા થાય, ત્યારે પ્રજા અને સરકારી તંત્ર અથવા બે દેશોની સરકારો સંઘર્ષની સ્થિતિ સુધી ન પહોંચી જાય, એ માટે બેમાંથી એક પક્ષે અથવા બંને પક્ષે થોડું થોડું જતું કરવું જરૂરી છે. અને તો જ પ્રશ્નોનો બંને પક્ષે લાભદાયી ઉકેલ આવે, નહીં તો બંને અથવા બેમાંથી એક પક્ષ હારે અને પરિણામે હારેલ પક્ષ બદલો લેવા કે પોતાની માગ પૂરી કરવા હિંસક માર્ગ અપનાવે.

આજકાલ ધર્મના પ્રચાર કે દેશની સીમાઓના વિસ્તારને કારણે યુદ્ધો નથી ખેલાતાં પણ ‘War on terror’ એ એક નવું કારણ અપાઈ રહું છે. મેઘનાદ દેસાઈએ આ ‘વોર ઓન ટેરર’ના મૂળિયાં ભૂમધ્ય પ્રદેશના ભંગાણમાં છે, એ વાત સુંદર રીતે સમજાવી છે. એમનું કહેવું છે કે ૧૯૧૮માં ઓટોમન એમ્પાયર બ્રિટન અને ફ્રાંસ વચ્ચે વહેંચાઈ ગયું. જેરુસલેમ પહેલી વખત બિન મુસ્લિમના તાબા નીચે ગયું, સીરિયા અને લેબેનોનનો વહીવટ ફ્રેંચ સરકાર પાસે ગયો, જોર્ડન અને ઈરાક જેવા દેશોનું સર્જન બ્રિટને કર્યું, તો પેલેસ્ટાઈનની જવાબદારી પણ બ્રિટનને શિરે હતી. આ વિઘટનના વમળોની અસર વિશ્વવ્યાપી બની છે. તેમાં વળી સાઉદી અરેબિયામાં ખનીજ તેલના વિપુલ ઉત્પાદનથી નાણું વધ્યું. એટલે છેક પશ્ચિમ એશિયાના દેશો સુધી વહાબી ખ્યાલનો પ્રસાર થયો, એથી પણ હિંસાત્મક પ્રવૃત્તિઓને વેગ મળ્યો. અલ-કાયદા અને તાલીબાન જેવાં અંતિમવાદી સંગઠનોનો ઉદ્દભવ અમેરિકા અને રશિયા જેવાની વણનોતરી દરમ્યાનગીરીનું પરિણામ છે, જેના પરિણામે એ દેશોના ભારત સહિતના સાગરિતોને પણ આતંકવાદનો ભોગ બનવું પડે છે. હવે આ હકીકત સૌ શિક્ષિત લોકોના મનમાં સવાલ ઊભો કરે છે કે આજનો આતંકવાદ જુદા જુદા ધર્મોની સત્તા સ્થાપવા માટે અસ્તિત્વમાં આવ્યો છે કે એ એક રાજકીય રમતનું દાયકાઓ પહેલાં ઊંધું પડેલ પાસું છે, જે હજુ એક કરતાં વધુ દેશોમાં હિંસાનું તાંડવ ખેલે છે ?

બીજી હકીકત પણ ધ્યાન ખેંચે તેવી છે. શું માત્ર ધાર્મિક રૂઢીચુસ્ત લોકો જ લડે છે ? નાસ્તિક નથી લડતા ? નાસ્તિક્તાનો અતિરેક પણ એવો જ ઘાતક હોય છે. એટલે જ તો ધર્મ યુદ્ધો કરતાં રાજકીય મહત્ત્વાકાંક્ષા અને સરહદી ઝઘડાને કારણે ખેલાયેલી લડાઈઓ વધુ ખૂનખાર હોય છે તે આપણે જોયું છે. બે જુદા જુદા ધર્મના લોકો લડે જેમ કે, હિંદુ-મુસ્લિમ, ક્રિશ્ચિયન-મુસ્લિમ તે સમજાય (?!) પણ જયારે અંદરોઅંદર હિંસા આચરવામાં જેમ કે આયર્લેન્ડમાં કેથોલિક-પ્રોટેસ્ટંટ કે ભૂમધ્ય પ્રદેશમાં શિયા-સુન્ની; તો એનો અર્થ એ કે હિંસાનું કારણ બીજા ધર્મો પ્રત્યેની અસહિષ્ણુતા અને વેરભાવ છે કે માનવીની હિંસક વૃત્તિ ? પોતાના ધર્મ અને સંસ્કૃિતનું પાલન પોષણ જરૂરી, પણ તેમ કરવા જતાં બીજાના ધર્મ અને સંસ્કૃિત વિષે અજાણ રહેવાથી તેમના વિશેનું અજ્ઞાન વધે છે, પૂર્વગ્રહ ઊગે, ભય, નફરત અને તિરસ્કાર પાંગરે એ તો શી રીતે પોસાય ? પોતાના ધર્મમાં રૂઢીવાદ અને ‘કલ્ટ કલ્ચર’થી વાડાબંધી વધે છે, એ જાણ્યા પછી, સાચા ધર્મ પ્રેમીઓએ તેનો અમલ કરનાર વ્યક્તિઓ અને સંગઠનોનો સદંતર બહિષ્કાર કરવો રહ્યો. ધર્મ ભાવના, રાષ્ટ્રભાવના અને નાસ્તિકતા એકબીજાના વિરોધી ન હોવા જોઇએ. માનવ જાત અદ્દભુત છે, એ પ્રેમ કરવાના હજાર રસ્તા જાણે છે. ધર્મને કદિ હિંસા સાથે સંબંધ નહોતો તો હવે શા સારુ જોડવો ?

કહેવાતા ‘ઇસ્લામોફોબિયા’ના સંદર્ભમાં અસગર અલી એન્જિનિયરનું કથન વિચાર પ્રેરે છે કે જો  ઇસ્લામ કે બીજા કોઈ ધર્મમાં હિંસા આચરવાનો બોધ નથી અપાયો, ઉલટાનો તેનો વિરોધ થયો છે, તો ધર્મને નામે આજે આટલી હિંસા કેમ આચરવામાં આવે છે ? ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોમાં થતાં કોમી રમખાણો કે દુનિયાના બીજા દેશોમાં બે જાતિ-ધર્મ વચ્ચે ઊભા થતા સંઘર્ષો માટે જે તે પ્રાંતીય કે કેન્દ્રીય સરકાર તથા પોલિસનું પક્ષપાતી વલણ અને છાપાંઓનું કોમી વલણ જવાબદાર હોય છે. કેટલાક નિરીક્ષકોનું તારણ એવું છે કે નાના બનાવોનો કોમી સંગઠનો  દુરુપયોગ કરે છે, અફવાઓ ફેલાવી અરાજકતા લાવે છે અને કોમી વલણવાળા સરકારી તંત્ર અને પોલિસની નિષ્ક્રિયતાથી લઘુમતી કોમની સ્થિતિ વધુ બગડે છે. અસગરઅલી એન્જિનિયરે હંમેશ ઘટના સ્થળે અભ્યાસ હાથ ધરેલા તેથી તેની વિશ્વસનીયતા વધુ છે. તેઓ ગુજરાતના ૨૦૦૨નાં રમખાણો પાછળ છેલ્લા ત્રણ દાયકાઓની લાપરવાહી અને સંસ્થાગત કોમવાદ કારણભૂત ગણાવે છે. આવાં રાજકીય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરનાં રમખાણો અચાનક નથી થતાં હોતાં, તેની પાછળ આયોજન હોય છે. અંતિમવાદી સંગઠનો અને જે તે દેશની સરકાર લઘુમતી કોમ વિરુદ્ધ ખોટો પ્રચાર કરે, પાયા વગરની માન્યતાઓ ફેલાવે અને પછી એકાદ નાની ઘટના લઈને હિંસા ફેલાવે જેમાં વિજયી થવાથી પોતાની સત્તા ટકાવી રાખે એવું બનતું હોય છે. દેશ અને દુનિયાના ભૂતકાળ સાક્ષી પૂરે છે કે વખતોવખત બે જુદી જુદી પ્રજાઓ સાથે રહે ત્યારે તેમની વચ્ચે પહેલાં સંઘર્ષ થાય, પછી હળી મળીને સાથે રહે. કોમવાદ ધર્મ કરતાં અલગ વસ્તુ છે. એ વધુ સાંકડો વિચાર છે, જે રાજકીય કે ધાર્મિક સત્તાધરીઓના સ્થાપિત હિતને કારણે અસ્તિત્વમાં આવે છે. મધ્યકાલીન યુગમાં લડાઈઓ હિંદુ અને મુસ્લિમ ધર્મ વચ્ચે નહીં સત્તા અને ધનની લાલસાથી પ્રેરિત થયેલા રાજાઓ વચ્ચે થયેલ એ હકીકત ઇતિહાસને પાને નોંધાયેલી છે. ભારતીય નાગરિકોને મુસ્લિમોએ હિંદુ મંદિરોનો નાશ કર્યો અને જજિયા વેરો નાખ્યો એ વાતની સાથે સૂફી અને ભક્તિ સંપ્રદાયથી ભારતની પ્રજાને થયેલ સામાજિક અને આધ્યાત્મિક  સુસંગતીના અનુભવોની જાણ કરી હોત તો હિંદુ-મુસ્લિમો વચ્ચે આટલું વેર ન થાત.

સમયે સમયે કેટલાક નેતાઓ, સંગઠનો અને વિચારકો સામાન્ય જનતા વચ્ચે ધર્મ અને સંસ્કૃિત વિષે અને સાચી તટસ્થ સમજણ કેળવવા પ્રયત્ન કરે છે. અસગરઅલી એન્જિનિયરે પોલિસ દળમાંથી કોમવાદ નાબૂદ કરવા ઘણા વર્કશોપ કર્યા, તેનું પરિણામ શું આવ્યું ? એમણે Centre for Study of Society and Secularism દ્વારા કર્મશીલો અને શિક્ષકોને તાલીમ આપી તેનો શો ફાયદો થયો ? તેઓએ આતંકવાદને નામે લઘુમતી કોમના સભ્યોની ધરપકડ અને સજા તથા તેમના વિષે ખોટા પ્રચાર કરવાનું બંધ કરાવવાની પણ કોશિશ  કરી જે વ્યર્થ ગઈ તેમ આજે પૂરવાર થયું છે. પશ્ચિમના દેશોમાં પણ આવા પ્રયત્નો વિફળ ગયા છે એ દુ:ખદ હકીકત છે અને એટલે જ તો કદાચ હિંસાત્મક પ્રવૃત્તિઓમાં ઓટ નથી આવતી.

હિંદુ ધર્મના શ્રધ્ધાળુ લોકો હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ જપે છે. તેમાં હવે દુનિયાના મુખ્ય છ ધર્મોમાં વપરાતા શાંતિ માટેના શબ્દોની ‘શાંતિ ષષ્ઠ નામાવાલી’નો ઉમેરો કરવાની ધ્રુષ્ટતા કરું છું જે આ પ્રમાણે છે :

            ધર્મ                    ભાષા                    શાંતિ માટેનો શબ્દ

           જુઇશ                  હિબ્રુ                       શાલોમ

           ખ્રિસ્તી                 ઇંગ્લિશ                   પીસ

           ઇસ્લામ                આરેબીક                  સલામ

           હિંદુ                     સંસ્કૃત                     શાંતિ

           બુદ્ધ                     પાલી                      અયુદ્ધ

           સીખ                    સંસ્કૃત                    સુખ શાંતિ

અહીં એ નોંધવું ઉપયોગી થશે કે મૂળ સંસ્કૃતનો ‘શાંતિ’ શબ્દ પંજાબી, નેપાળી, સિંધી, તેલુગુ, બંગાળી, હિન્દી, આસામી, ભુતાની વગેરે તમામ પ્રાંતીય ભાષાઓમાં પણ વપરાય છે જે એ બધી પ્રજાઓ વચ્ચેના સંસ્કૃિતક સામ્યનું દ્યોતક છે. જો વિશ્વની આ મુખ્ય ભાષાઓ બોલનારાઓ એક બીજા વિશેની સાચી સમજણ કેળવીને આ ‘શાંતિ ષષ્ઠ નામાવાલી’નો પાઠ કરે તો હિંસાને અવકાશ નહીં રહે.

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિગત વૈર ભાવના, સામૂહિક મતભેદો, વેપારી લોભ વૃત્તિ કે રાજકીય કાવાદાવાઓથી ધર્મ ઘણી ઉત્કૃષ્ટ વિચારધારા છે. એને નામે ખૂન, રમખાણો કે લડાઈઓ જેવાં અમાનવીય કૃત્યો કરીને ધર્મને બટ્ટો નહીં લાગવા દઈએ. ધર્મને નામે જો કાંઈ કરવું હોય તો સાથે રમીએ, જમીએ, સારા કામ કરીએ જેથી ઘટ ઘટમાં વસતા ગોડ, અલ્લાહ, ભગવાન કે ગુરુદેવ સહુની વચ્ચે જીવી શકે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion