સર્વત્ર સદ્‌બુદ્ધિ પ્રવર્તો

ચંદ્રકાંત ટોપીવાળા
03-12-2019

‘નિરીક્ષક’(૧૬ નવેમ્બર, ૨૦૧૯)માં છપાયેલા સુમન શાહના પત્ર અંગે નુક્તેચીની કરતો એ જ અંકમાં આપનો પ્રત્યુત્તર પણ છપાયો એ યોગ્ય થયું છે. તમે મોઘમમાં પણ ઘણું ખુલ્લું કરી આપ્યું છે, તેમ છતાં બે-ત્રણ મુદ્દાઓ એવા છે, જે ખૂલીને પ્રગટ થવા જોઈએ અને એ જ કારણે હું આપને લખવા પ્રેરાયો છું :

૧. પહેલી વાત તો સુમન શાહે આશ્ચર્યજનક રીતે પોતાની ભૂમિકા બદલી છે. સાહિત્ય સાહિત્ય-૨ મુદ્દે પણ એમણે જાહેર કરેલું કે ‘હું એમ નથી માનતો કે ચૂંટણી હોય તો જ સ્વાયત્ત થવાય’ અને પછી ત્યાં સુધી ઉચ્ચારેલું કે ‘સરકાર મનઘડંત કરશે એમ માની લેવું પણ દુરાશય કહેવાય’ આ એમનું બચાવ-ઉચ્ચારણ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’માં એમણે સ્વીકારેલી એમની સક્રિય ભૂમિકામાંથી આવ્યું હતું. આજે કોઈ કારણસર, ગુજરાત સાહિત્ય અકાદમીથી પોતે ફારેગ થયા પછી અકાદમી પર હલ્લો કરાવવા તેઓ ઉત્સાહિત થયા છે, એ અત્યંત દુઃખદ બાબત છે.

૨. એમનો બીજો આક્ષેપ છે કે પરિષદના ‘પહેલા બે ય બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે. બને કે એમનો હૃદયાભાવ કરમાઈ ગયો હોય’. આ બાબતમાં તત્કાલીન પ્રમુખનો ‘પરબ’નો ‘સ્વાયત્તતા’ અંક જોઈ જવા એમને વિનંતી છે. એમાં પૂરી કામગીરીનો નકશો અપાયો છે. આ નિરાધાર વિધાન છે.

૩. આ જ પત્રમાં એમણે નિર્દેશ્યું છે કે ‘મેં એક-દોઢ વર્ષ પહેલાં પરિષદ પ્રતિ આ જ કૉલમમાં લખેલું કે લડત ચાલુ રાખો પણ ફતવો પાછો ખેંચી લો. અકાદમીને લખેલું કે કાર્યવાહક અને માર્ગદર્શક બંને સમિતિઓની નવરચના કરો, નહીં તો આપખુદ લાગશો.’ અહીં સ્વાયત્તતાની કોઈ પણ ભૂમિકાનો સ્વીકાર કર્યા વગર સુમન શાહે બે બાજુ થાપ લગાવવાનો પ્રયત્ન કરી સ્વાયત્તતાને હાંસીપાત્ર બનાવી છે. ખરી વાત તો એ છે કે પરિષદે જાહેર કરેલો એ ‘ફતવો’ નહોતો. કોઈ પણ સ્વમાની અને સંવેદનશીલ ગુજરાતી લેખકની સહજ પ્રતિક્રિયાનો એ સંભવિત આલેખ હતો.

જાનફેસાની માટેનો આ જ સર્વોત્તમ સમય નથી, પણ જે ક્ષણે ગુજરાત સાહિત્ય અકાદમીનું બંધારણ કોરાણે મુકાયું, ત્યારે જ સુમન શાહ અકાદમી પક્ષે પ્રવૃત્ત થવાને બદલે અન્યથા પ્રવૃત્ત થયા હોત અને એમની જોડે અન્યો પણ જોડાયા હોત, તો ચિત્ર કાંઈક જુદું હોત, ખેર, હજી પણ સુમન શાહ લોકોને સક્રિય થવાની હાકલ કરવા સાથે પોતે પણ સક્રિય થાય અને એમના જેવા બીજા પણ સક્રિય થાય તો સાહિત્યજગતની સરકાર તરફથી થયેલી આ માનહાનિમાંથી જલદી ઊગરી શકાશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 13

Category :- Opinion / Opinion