ટૉલ્સ્ટૉય શતાબ્દી

મો. ક. ગાંધી
01-12-2019

વડીલોનું શ્રાદ્ધ

મારી પોતાની માનસિક સ્થિતિ અત્યારે મુદ્દલ એવી નથી કે હું એક્કે તિથિ અથવા એકે ઉત્સવ ઉજવવાને લાયક રહ્યો હોઉં. થોડા વખત પર नवजीवन કે यंग इन्डियाના એક વાચકે મને પ્રશ્ન પૂછેલો : "તમે શ્રાદ્ધ વિશે લખતાં લખી ચૂક્યા છો કે વડીલોનું ખરું શ્રાદ્ધ તેમની પુણ્યતિથિને દિવસે તેમના ગુણોનું સ્મરણ કરવાથી ને તે પોતાનામાં વણી કાઢવાથી થઈ શકે છે. તેથી હું પૂછું છું કે તમે તમારા વડીલની શ્રાદ્ધતિથિ કઈ રીતે ઊજવો છો?'' વડીલની શ્રાદ્ધતિથિ હું જુવાન હતો ત્યારે ઊજવતો. પણ અત્યારે તમને કહેતાં શરમાતો નથી કે મને વડીલની શ્રાદ્ધતિથિનુ સ્મરણ સરખું ય નથી. કેટલાંયે વર્ષો થયાં એક પણ શ્રાદ્ધતિથિ ઊજવ્યાનુ મને સ્મરણ નથી. એટલી મારી કઠિન સ્થિતિ છે, અથવા કહો કે સુંદર સ્થિતિ છે, અથવા કેટલાક મિત્રો માને છે તેમ ગાઢ મોહની સ્થિતિ છે. જે કાર્ય હાથમાં લીધું હોય તેનું ચોવીસે કલાક રટણ કરવું, મનન કરવું, જેટલે અંશે બને તેટલે અંશે તેને સુવ્યવસ્થિત કરવું તેમાં બધું આવી જાય છે એવું મારું માનવું છે.

એમાં વડીલોની શ્રાદ્ધતિથિ ઊજવવાનુ આવી જાય છે, ટૉલ્સ્ટૉય જેવાના ઉત્સવો પણ આવી જાય છે. દાક્તર હરિપ્રસાદે મને જાળમાં ન ફસાવ્યો હોત તો તદ્દન સંભવિત છે કે આ દસમી તારીખ મેં કોઈ પણ રીતે આશ્રમમાં ઊજવી ન હોત; એવો પણ સંભવ છે કે હું તે વીસરી ગયો હોત. ત્રણ માસ પૂર્વે મારી પાસે એલ્મર મૉડ તેમ જ ટૉલ્સ્ટૉયનુ સાહિત્ય એકઠું કરનારા બીજાઓ તરફથી કાગળો આવેલા કે આ શતાબ્દી નિમિત્ત મારે કંઈક લખી મોકલવું, અને આ તારીખનું હિંદુસ્તાનમાં સ્મરણ દેવડાવવું. એલ્મર મૉડના કાગળનું તારણ કે આખો કાગળ यंग इन्डियाમાં છાપેલો તમે જોયો હશે. તે પછી પાછો હું આ વાત તદ્દન ભૂલી ગયેલો. આ પ્રસંગ મારે સારુ એક શુભ અવસર છે. છતાં ય એ હું ભૂલી ગયો હોત તો પશ્વાત્તાપ ન કરત પણ યુવકસંઘના સભ્યોએ આ તિથિ અહીં ઊજવવાનો પ્રસંગ આપ્યો એ મારે માટે આવકારલાયક છે.

ધર્મગુરુને શોધું છું

દત્તાત્રેયની માફક મેં જગતમાં ઘણા ગુરુ કર્યા છે એમ હું મારે વિશે કહી શકું તો મને ગમે, પણ મારી એ સ્થિતિ નથી. મેં તો એથી ઊલટું કહ્યું છે કે હું હજી સુધી ધર્મગુરુને શોધવા મથી રહ્યો છું. ગુરુ મેળવવાને મોટી લાયકાત જોઈએ છે એવી મારી માન્યતા છે, અને તે દિવસે દિવસે દઢ થતી જાય છે. જેને એ લાયકાત મળી રહે છે તેની પાસે ગુરુ ચાલીને આવે છે. મારામાં એ લાયકાત નથી. ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્ર પરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા. એ મારી સ્થિતિ કોઈ ધર્મગુરુને વિશે નથી.

ટૉલ્સ્ટૉયની અસર

છતાં એટલું તો કહું કે ત્રણ પુરુષોએ મારા જીવન પર મોટામાં મોટી અસર કરી છે. એમાં પહેલું સ્થાન હું રાજચંદ્ર કવિને આપું છું. બીજું ટૉલ્સ્ટૉયને, અને ત્રીજું રસ્કિનને. ટૉલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીવન વિશે હું વધારે જાણું તો બેમાં કોને પહેલાં પૂરું એ નથી જાણતો. પણ અત્યારે તો બીજું સ્થાન ટૉલ્સ્ટૉયને આપું છું. ટૉલ્સ્ટૉયના જીવન વિશે ઘણાએ વાંચ્યું હશે તેટલું મેં નથી વાંચેલું. તેમણે લખેલાં પુસ્તકનું મારું વાચન પણ બહુ ઓછું છે એમ કહીએ તો ચાલે. એમનાં જે પુસ્તકની અસર મારા પર બહુ જ પડી તેનું નામ Kingdom of God Within You એનો અર્થ એ કે ઈશ્વરનું રાજ્ય તમારા હૃદયમાં છે, એને બહાર શોધવા જશો તો ક્યાં ય નહીં મળે. એ મેં ચાળીસ વરસ પર વાંચેલું. તે વેળા મારા વિચારો કેટલીયે બાબતમાં શંકાશીલ હતા; કેટલીયે વખત મને નાસ્તિકતાના વિચારો આવી જતા. વિલાયત ગયો ત્યારે તો હું હિંસક હતો; હિંસા પર મને શ્રદ્ધા હતી, અને અહિંસા વિશે અશ્રદ્ધા હતી. આ પુસ્તક વાંચ્યા પછી મારી એ અશ્રદ્ધા ચાલી ગઈ. ત્યાર પછી એમનાં કેટલાંક બીજાં પુસ્તકો મેં વાંચ્યાં તેની દરેકની શી અસર થઈ તે ન કહી શકું; પણ તેમના સમગ્ર જીવનની શી અસર થઈ તે જ કહી શકું છું.

સત્ય અને અહિંસાની મૂર્તિ

એમના જીવનમાંથી બે વસ્તુ મને પોતાને ભારે લાગે છે. એ કહે તેવું કરનાર પુરુષ હતા. એમની સાદાઈ અદ્ભુત હતી; બાહ્ય સાદાઈ તો હતી, એ અમીર વર્ગના માણસ; આ જગતના છપ્પને ભોગ તેમણે ભોગવેલા. ધનદોલતને વિશે મનુષ્ય જેટલું ઇચ્છે તે બધું તેમને સાંપડેલું. છતાં એમણે ભર જુવાનીમાં પોતાના સુકાનને ફેરવ્યું. દુનિયાના અનેક પ્રકારના રંગો જોયા છતાં, અનેક પ્રકારના સ્વાદ ચાખ્યા છતાં, જ્યારે એમને લાગ્યું કે આમાં કંઈ જ નથી ત્યારે તેમણે પૂંઠ ફેરવી; અને છેવટ સુધી પોતાના વિચારોમાં કાયમ રહ્યા. તેથી એક ઠેકાણે તો મેં લખી મોકલ્યું છે કે ટૉલ્સ્ટૉય આ યુગની સત્યની મૂર્તિ હતા. એમણે સત્યને જેવું માન્યું તેવી રીતે ચાલવાને ઉગ્ર પ્રયત્ન કર્યો; સત્યને છુપાવવાનો કે મોળું કરવાનો પ્રયત્ન ન કર્યો. લોકોને દુ:ખ થશે કે સારું લાગશે, મોટા શહેનશાહને ઠીક લાગશે કે નહીં, એનો વિચાર કર્યા વિના તેમને જે પ્રકારે જે વસ્તુ ભાસી તે જ પ્રકારે તેમણે કહી. ટૉલ્સ્ટૉય એ પોતાના યુગને માટે અહિંસાના એક ભારે પ્રવર્તક હતા. અહિંસાને વિશે જેટલું સાહિત્ય પશ્ચિમને સારુ ટૉલ્સ્ટૉયે લખ્યું તેટલું સોંસરવું ચાલી જાય એવું બીજા કોઈએ લખેલું મારી જાણમાં નથી. એથી આગળ જઈને કહું તો અહિંસાનું સૂક્ષ્મ દર્શન ટૉલ્સ્ટૉયે જેટલું કર્યું, અને એના પાલનનો જેટલો પ્રયત્ન ટૉલ્સ્ટૉયે કર્યો, એટલો અમલ કે એટલો પ્રયત્ન કરનાર અત્યારે હિંદુસ્તાનમાં કોઈ છે એવો મને ખ્યાલ નથી, એવા કોઈ મનુષ્યને હું જાણતો નથી.

અહિંસા એટલે પ્રેમસાગર

મારે સારુ આ સ્થિતિ દુ:ખદાયક છે, મને એ ગમતી નથી. હિંદુસ્તાન કર્મભૂમિ છે. હિદુસ્તાનમાં ઋષિમુનિઓએ અહિંસાના ક્ષેત્રમાં મોટામાં મોટી શોધો કરેલી છે. પણ આપણે વડીલોપાર્જિત મિલકત પર નભી નથી શકતા. એમાં જો વૃદ્ધિ ન કરતા રહીએ તો એને ખાઈ જઈએ છીએ. એ વિશે ન્યાયમૂર્તિ રાનડેએ આપણને ચેતવી મૂકેલા છે. વેદાદિ સાહિત્યમાંથી કે જૈન સાહિત્યમાંથી મોટી મોટી વાતો ગમે એટલી કરીએ, કે સિદ્ધાંતોને વિશે પ્રમાણો ગમે એટલાં ટાંકીએ અને દુનિયાને આશ્ચર્યચકિત કરીએ, તો પણ દુનિયા આપણને ખરા નહીં ગણે. તેથી રાનડેએ આપણો ધર્મ એ બતાવેલો કે આપણે એ મૂડીમાં વધારો કરવો; બીજા ધર્મવિચારકોએ લખેલું હોય તેની સાથે એની સરખામણી કરવી; તેમ કરતાં કાંઈ નવું મળી આવે કે નવું અજવાળું પડે તો તેનો તિરસ્કાર ન કરવો. પણ આપણે તે પ્રમાણે કર્યું નથી. આપણા ધર્માધ્યક્ષોએ એકપક્ષી જ વિચાર કર્યો છે, તેમનાં વાચન, કથન અને વર્તનમાં એકમેળ પણ નથી. પ્રજાને સારું લાગે કે નહીં, જે સમાજમાં પોતે કામ કરે છે તે સમાજને સારું લાગે કે નહીં તો પણ ટૉલ્સ્ટૉયની માફક ચોખ્ખેચોખ્ખું સંભળાવનારા માણસો આપણે ત્યાં નથી મળી આવતા. એવી આપણા આ અહિંસાપ્રધાન મુલકની દયામણી દશા છે.

આપણી અહિંસા નિંદવાલાયક છે. માંકડ, મચ્છર, ચાંચડ, પક્ષી અને પશુઓને જેમ તેમ કરીને નભાવવામાં જાણે આપણે અહિંસાની સમાપ્તિ જોઈ રહ્યા છીએ. તે પ્રાણીઓ રિબાય તો ફિકર નથી કરતા; રિબાવવામાં પોતે ભાગ લેતા હોઈએ તોયે ફિકર નથી કરતા. પણ રિબાતા પ્રાણીને કોઈ પ્રાણમુક્ત કરે, અથવા આપણે તેમાં ભાગ લઈએ, તો તેમાં આપણને ઘોર પાપ લાગે છે. એ અહિંસા નથી એવું હું લખી ગયો છું. અને ટૉલ્સ્ટૉયનુ સ્મરણ કરાવતી વખતે ફરી કહું છું કે અહિંસાનો અર્થ એ નથી. અહિંસા એટલે પ્રેમનો સમુદ્ર; અહિંસા એટલે વેરભાવનો સર્વથા ત્યાગ. અહિંસામાં દીનતા, ભીરુતા ન હોય, ડરી ડરીને ભાગવાનું ન હોય. અહિંસામાં તો દૃઢતા, વીરતા, નિશ્વલપણુદ્ધ હોવું જોઈએ.

મહાપુરુષોને કેમ મપાય?

ટૉલ્સ્ટૉયે પોતે જ કહેલું કે જે પોતાને આદર્શ પહોંચ્યો માને તે ખલાસ થયો સમજવો, ત્યારથી એની અધોગતિ શરૂ થઈ. જેમ જેમ આદર્શની નજીક જઈએ તેમ તેમ આદર્શ દૂર ભાગતો જાય છે. જેમ તેની શોધમાં આગળ વધતા જઈએ તેમ જણાય છે કે હજી એક ટૂક ચડવી બાકી છે. કોઈ ઝપાટાબંધ ટૂકો ન જ ચડી શકે. એમ માનવામાં હીણપત નથી, નિરાશા નથી, પણ નમ્રતા અવશ્ય છે. તેથી આપણા ઋષિઓએ કહ્યું કે મોક્ષ એ શૂન્યતા છે. મોક્ષ મેળવનારે શૂન્યતા મેળવવાની છે. એ ઈશ્વરપ્રસાદ વિના ન આવે. એ શૂન્યતા જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આદર્શરૂપે જ રહે છે. એ વસ્તુને ટૉલ્સ્ટૉયે ચોખ્ખી જોઈ, તેને બુદ્ધિમાં અંકિત કરી, તેની તરફ બે પગલાં ભર્યા, તે જ વખતે એમને લીલી સોટી જડી. એ સોટીનુ એ વર્ણન ન કરી શકે, મળી શકે એટલું જ કહી શકે. છતાં મળી એમ કહ્યું હોત તો ટૉલ્સ્ટૉયનુ જીવન સમાપ્ત થાત.

ટૉલ્સ્ટૉયના જીવનમાં જે વિરોધાભાસ દેખાય છે તે ટૉલ્સ્ટૉયની નામોશી કે ઊણપ નથી, પણ જોનારાની છે. એમર્સને કહ્યું છે કે અવિરોધ એ નાનકડા માણસોનું ભૂત છે. આપણા જીવનમાં કદી વિરોધ નથી આવવાનો એમ બતાવવા જઈએ તો આપણે મૂઆ પડ્યા છીએ. તેમ કરવા જતાં ગઈકાલનું કાર્ય યાદ રાખીને તેની સાથે આજનો મેળ કરવો પડે, અને એવો કૃત્રિમ મેળ સાધતાં અસત્ય આચરવું પડે. સીધો રસ્તો જ એ છે કે જે ઘડીએ જે સત્ય લાગે તે આચરવું. આપણી જો ઉત્તરોત્તર વૃદ્ધિ થતી હોય તો આપણાં બધાં કાર્યોમાં બીજાને વિરોધ ભાસે તેથી શું? ખરું જોતાં એ વિરોધ નથી પણ ઉન્નતિ છે. તેમ ટૉલ્સ્ટૉયના જીવનમાં જે વિરોધ જણાય છે તે વિરોધ નથી, પણ આપણા મનમાં લાગતો વિરોધનો ભાસ છે. મનુષ્ય પોતાના હૃદયમાં કેટલા પ્રયત્નો કરતો હશે, રામ રાવણના યુદ્ધમાં કેટલી જીતો મેળવતો હશે એનું ભાન એને પોતાને નથી હોતું. જોનારાને તો ન જ હોઈ શકે. તે જરાક લપસ્યો તો તે કંઈ જ નથી એમ જગતને લાગે છે; અને લાગે છે તે સારું જ છે. તેને સારુ જગત નિંદાને યોગ્ય નથી. તેથી સંતોએ કહ્યું છે કે જગત જ્યારે આપણને નિંદે ત્યારે આપણે આનંદ માનવો, અને સ્તુતિ કરે ત્યારે થથરવું. જગત બીજું ન કરી શકે; તેણે તો મેલ જુએ ત્યાં તે નિંદવો જ રહ્યો. પણ મહાપુરુષનું જીવન જોવા બેસીએ ત્યારે મેં કહેલી વાત યાદ રાખવી. પોતે હૃદયમાં કેટલાં યુદ્ધો કર્યા હશે અને કેટલી જીતો મેળવી હશે એનો પ્રભુ સાક્ષી છે; એ જ નિષ્ફળતાઓ એ સફળતાનાં નિશાન છે.

‘બ્રેડ લેબર’ અથવા યજ્ઞધર્મ

બીજી એક અદ્ભુત વસ્તુનું ભાન ટૉલ્સ્ટૉયે લખીને અને પોતાના જીવનમાં ઉતારીને કરાવ્યું. અને તે ‘બ્રેડ લેબર’. એ એમની પોતાની શોધ ન હતી. એક લેખકે એ વસ્તુ રશિયાના સર્વસંગ્રહમાં લખેલી. એ લેખકને ટૉલ્સ્ટૉયે જગત આગળ ઓળખાવ્યો, અને એમની વાત પણ મૂકી. જગતમાં જે અસરખાપણું જણાય છે, દોલત અને કંગાલિયત દેખાય છે, તેનું કારણ એ છે કે આપણે જીવનનો કાયદો ભૂલી ગયા છીએ. એ કાયદો તે ‘બ્રેડ લેબર’. ગીતાના ત્રીજા અધ્યાયને આધારે હું એને યજ્ઞ કહું છું. ગીતાએ કહ્યું છે કે યજ્ઞ કર્યા વિના ખાય તે ચોર છે, પાપી છે. તે જ વસ્તુ ટૉલ્સ્ટૉયે કહી બતાવી છે. ‘બ્રેડ લેબર’નો આડોઅવળો ભાવાર્થ કરી આપણે તેને ન ઉડાવી દઈએ. એનો સીધો અર્થ એ છે કે શરીર વાંકું વાળીને જે મજૂરી ન કરે તેને ખાવાનો અધિકાર નથી. આપણે દરેક જણ ખાવાપૂરતી મહેનત કરી નાખીએ તો જે ગરીબાઈ જગતમાં દેખાય છે તે ન જોઈએ. એક આળસુ બેને ભૂખે મારે છે, કારણ તેથી તેનું કામ બીજાને કરવું પડે છે. ટૉલ્સ્ટૉયે કહ્યું કે લોકો પરોપકાર કરવા મથી રહ્યા છે, તેને નિમિત્તે પૈસા ખરચે છે ને ઇલકાબ મેળવે છે પણ તેમ કરવાને બદલે જરાક જેટલું કામ કરે — એટલે કે બીજાના ખભા પરથી ઊતરી જાય તો બસ છે. અને એ ખરી વાત છે. એ નમ્રતાનું વચન છે. પરોપકાર કરીએ પણ અમારા એશઆરામાંથી લવલેશ ન છોડીએ એમ કહેવું એ તો અખા ભગતે કહ્યું એના જેવું થયું : “એરણની ચોરી, સોયનું દાન.” એમ કંઈ વૈમાન આવી શકે?

ટૉલ્સ્ટૉયે કહ્યું તે બીજાઓએ નથી કહ્યું એમ નહીં. પણ એમની ભાષામાં ચમત્કાર હતો; કેમ કે જે કહ્યું તેનો એમણે અમલ કર્યો. ગાદીતકિયે બેસનાર તે મજૂરી કરવા લાગ્યા. આઠ કલાક ખેતીનું કે બીજી મજૂરીનું તેમણે કામ કર્યું. એટલે એમણે સાહિત્યનું કામ ન કર્યું એમ નહીં.

જ્યારે તે શરીરમહેનત કરતા થયા ત્યાર પછી તો એમનું સાહિત્ય વધારે શોભ્યું. એમણે જેને પોતાનું મોટામાં મોટું પુસ્તક કહેલું છે તે कळा एटले शुं? (वोट इझ आर्ट?) એ તેમણે આ યજ્ઞકાળમાં મજૂરી ઉપરાંતના વખતમાં લખેલું. મજૂરીથી તેમનું શરીર ન ઘસાયું. તેમની બુદ્ધિ વધારે તેજસ્વી થઈ એમ તેમણે પોતે માનેલું. અને એમના ગ્રંથોના અભ્યાસીઓ કહી શકશે કે એ સાચી વાત છે.

રત્નત્રયી

આપણે નિશ્વય કરીએ કે સત્યની આરાધના છોડવાના નથી. સત્ય માટે દુનિયામાં સાચી અહિંસા એ જ ધર્મ છે. અહિંસા તે પ્રેમનો સાગર છે. તેનું માપ જગતમાં કોઈ કાઢી જ શક્યું નથી. એ પ્રેમસાગરથી આપણે ઊભરાઈ જઈએ તો આપણામાં એવી ઉદારતા આવે કે તેમાં આખા જગતને આપણે સંકેલી શકીએ છીએ. એ કઠિન વસ્તુ છે ખરી, છતાં સાધ્ય છે. તેથી આપણે શરૂઆતની પ્રાર્થનામાં સાંભળ્યું કે શંકર હો કે વિષ્ણુ, બ્રહ્મા હો કે ઇન્દ્ર, બુદ્ધ હો કે સિદ્ધ, મારુ માથું તેને જ નમે જે રાગદ્વેષરહિત છે, જેણે કામો જીતેલા છે, જે અહિંસાની — પ્રેમની મૂર્તિ છે. એ અહિંસા લૂલાંલંગડાં પ્રાણીને ન મારવામાં જ નથી આવી જતી. એમાં ધર્મ હોય ખરો, પણ પ્રેમ તો એથી અનંત ગણો આગળ જાય છે. એની ઝાંખી જેને નથી તે લૂલોલંગડાં પ્રાણીઓને બચાવે તો ય શું? ઈશ્વરના દરબારમાં એની કિંમત ઓછી જ અંકાશે. ત્રીજી વસ્તુ તે ‘બ્રેડ લેબર’ — યજ્ઞ. શરીરને કષ્ટ આપીને, મહેનત કરીને જ ખાવાનો આપણને અધિકાર છે. પારમાર્થિક દૃષ્ટિએ કરેલું કામ તે યજ્ઞ. મજૂરી કરીને પણ સેવાને અર્થ જીવવાનું છે, લંપટ થવાને કે દુનિયાના ભોગો ભોગવવા માટે જીવવાનું નથી. કોઈ કસરતી જુવાન આઠ કલાક કસરત કરે તો એ ‘બ્રેડ લેબર’ નથી. તમે કસરત કરો, શરીરને મજબૂત બનાવો, એને હું અવગણી નાખતો નથી. પણ જે યજ્ઞ ટૉલ્સ્ટૉયે કહ્યો છે, ગીતાના ત્રીજા અધ્યાયમાં બતાવ્યો છે તે એ નથી. જીવન એ યજ્ઞને ખાતર છે, સેવાને ખાતર છે એમ જે માનશે તે ભોગોને સંકેલતો જશે. એ આદર્શ સાધવાના પ્રયત્નમાં જ પુરુષાર્થ છે. એ વસ્તુ ભલે સંપૂર્ણતાએ કોઈએ મેળવી નથી. એ દૂર જ ભલે રહે. ફરહાદે શિરીનને સારુ પથ્થરો ફોડ્યા તેમ આપણે પણ ફોડીએ. આપણી એ શિરીન તે અહિંસા. એમાં આપણું નાનકડું સ્વરાજ તો સમાયેલું જ છે. પણ એમાં તો બધું  છે.

[નવજીવન, તા. ૧૬-૯-૧૯૨૮માંથી સંપાદિત]

o

સૌજન્ય : नवजीवनનો અક્ષરદેહ, ઑગસ્ટ-સપ્ટેમ્બર 2019; પૃ. 284-288

Category :- Gandhiana