ગુજરાતીને શણગારનાર અંગ્રેજ ટેલર

દીપક મહેતા
22-11-2019

“હું દક્ષિણ આફ્રિકા ગયો ત્યારે સાથે કેટલાંક ગુજરાતી પુસ્તકો લઇ ગયો હતો. તેમાં ટેલરનું ગુજરાતી વ્યાકરણ હતું. એ મને બહુ જ ગમ્યું હતું. હું શાસ્ત્રી તો નહિ જ, પણ ગુજરાતી ભાષાનો પ્રેમી તો છું જ. એ વ્યાકરણ સુંદર હતું.” આ શબ્દો છે આ વર્ષે જેમની ૧૫૦મી જન્મ જયંતી ઉજવાઈ રહી છે તે મહાત્મા ગાંધીના. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૨મા સંમેલનના પ્રમુખ હતા ગાંધીજી. સંમેલનને અંતે પોતાના ઉપસંહાર ભાષણમાં ગાંધીજી આ શબ્દો બોલ્યા હતા. ગાંધીજી જેને સુંદર વ્યાકરણ કહે છે તે પુસ્તક કયું? તેના લેખકનું નામ ‘ટેલર’ કહે છે. તો આ ટેલર કોણ?

ટેલરનું વ્યાકરણ, ૧૮૬૭

પણ ટેલરની વાત કરતાં પહેલાં જેની સાથે તેઓ સંકળાયેલા હતા તે પ્રોટેસ્ટન્ટ પંથની લંડન મિશનરી સોસાયટીની થોડી વાત કરવી પડે. તેની સ્થાપના થઇ ૧૭૯૫માં. તેનો મુખ્ય હેતુ હતો વિદેશોમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો. સોસાયટીની શાખા સ્થાપવાના હેતુથી રેવરન્ડ જેમ્સ સ્કિનરે ૧૮૧૫ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે સુરતની ધરતી પર પગ મૂક્યો. તેમના સહાધ્યાયી રેવરન્ડ વિલિયમ ફાઈવી થોડા દિવસ પછી સુરત પહોંચ્યા. બંનેએ સુરતમાં લંડન મિશનરી સોસાયટીની શાખા શરૂ કરી. ધર્મપ્રચારના કામની સાથોસાથ બંને ગુજરાતી ભાષા શીખ્યા. શરૂઆતમાં કેટલાક ‘ટ્રેક’ના અનુવાદ કરી એને મુંબઈમાં છપાવ્યા. પછી શરૂ કર્યું બાઈબલના અનુવાદનું કામ. પણ એવું મોટું પુસ્તક સુરત રહીને મુંબઈમાં છપાવવું મુશ્કેલ જણાતાં બંનેએ આજના ગુજરાતી રાજ્યમાંનું સૌથી પહેલું છાપખાનું સુરતમાં શરૂ કર્યું. એ છાપખાનું ‘શિલાછાપ’ (લિથોગ્રાફ) નહિ, પણ મુવેબલ ટાઈપ વાપરીને છાપકામ કરતું હતું.  તે પ્રેસમાં છાપીને પોતે કરેલો બાઈબલનો અનુવાદ બંનેએ પ્રગટ કર્યો, ૧૮૨૧ના જુલાઈ મહિનામાં.  ત્યાર બાદ થોડા જ વખતમાં સ્કીનરનું અવસાન થયું અને તેમની જગ્યાએ ફાઈવીના ભાઈ એલેક્ઝાન્ડર ફાઈવી ૧૮૨૨માં સુરત આવીને સોસાયટીમાં જોડાયા. 

૧૯મી સદીનું સુરત

હવે વાત કરીએ ટેલરની, અને ગુજરાત તથા ગુજરાતી ભાષા માટેની તેમની સાચા દિલની ખેવનાની. મદ્રાસ(હાલના ચેન્નાઈ)માં ૧૭૯૧ના ઓક્ટોબરની આઠમી તારીખે જન્મેલા રેવરંડ જોસેફ ટેલરનાં કુલ ૧૩ સંતાનોમાંના બીજા તે જોસેફ વાન સામરન ટેલર (જે.વી.એસ. ટેલર). પિતાની જેમ આ દીકરાએ પણ જીવનનો મોટો ભાગ હિન્દુસ્તાનમાં વિતાવ્યો, અને ખ્રિસ્તી ધર્મના પ્રચારની સાથોસાથ ગુજરાતી ભાષાની સેવા કરી. તેમણે લખેલું ગુજરાતી ભાષાનું વ્યાકરણ ૧૮૬૭માં પ્રગટ થયું. જો કે તે પ્રગટ થયું તે પહેલાં કવિ નર્મદે ‘ડાંડિયો’માં બે લેખ લખી તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ નર્મદનું માનવું હતું કે એક પરદેશી પાદરી પાસે ગુજરાતી ભાષાનું એટલું જ્ઞાન ક્યાંથી હોય કે તે તેનું વ્યાકરણ લખી શકે. છતાં એ જમાનામાં ટેલરનું વ્યાકરણ એટલું પ્રચલિત થયેલું કે તેના લેખક ‘ગુજરાતી વ્યાકરણના પિતા’ તરીકે ઓળખાવા લાગ્યા. ગાંધીજીએ જેનો ઉલ્લેખ કર્યો છે તે આ જ વ્યાકરણ. સાર્થ ગુજરાતી જોડણીકોશમાં પહેલેથી આજ સુધી ટેલરના વ્યાકરણમાંથી ગુજરાતી ભાષા અંગેનો લાંબો ઉતારો છપાતો આવ્યો છે તે ગાંધીજીના પ્રતાપે.

રેવરન્ડ જોસેફ વાન સામરન ટેલર

જે.વી.એસ. ટેલરનો જન્મ તે વખતના મુંબઈ ઈલાકામાં જેનો સમાવેશ થતો હતો તે બેલ્લારીમાં ૧૮૨૦ના જુલાઈ મહિનાની ત્રીજી તારીખે થયેલો. પહેલાં તો તેમને કલકત્તાની બિશપ કોલેજમાં ભણવા મોકલેલા પિતાએ, પણ માત્ર તેર વર્ષની ઉંમરે એ કોલેજમાંથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી. કારણ? ૩૯ કલમો ધરાવતા એક સોગંદનામા પર બધા વિદ્યાર્થીઓને સહી કરવાનું કહેવામાં આવ્યું. બીજા બધાએ તો મૂંગે મોઢે સહી કરી આપી, પણ જે.વી.એસ. ટેલરે સહી કરવાની ના પાડી દીધી. એટલે તેમને કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા. ખિસ્સામાં પૈસા ઝાઝા નહીં. હવે શું કરવું? કલકત્તાથી મદ્રાસ જતાં એક વહાણમાં કેબિન બોયની નોકરી લઈને મદ્રાસ પહોંચ્યા. પણ પોતાની પાસે રાખવાને બદલે પિતાએ તેમને ભણવા માટે સ્વદેશ મોકલી દીધા. એસેક્સના ઓન્ગરની સ્કૂલમાં ભણ્યા પછી તેઓ ગ્લાસગો યુનિવર્સિટીમાં દાખલ થયા અને ૧૮૪૫માં બી.એ.ની ડિગ્રી મેળવી. ધાર્યું હોત તો સ્વદેશમાં રહીને મોજશોખભરી જિંદગી જીવી શક્યા હોત. પણ ડિગ્રી મળી કે તરત જ ૧૮૪૫ના જુલાઈની ૧૫મી તારીખે લંડનની જમૈકા રો ચર્ચમાં જઈને જોડાઈ ગયા લંડન મિશનરી સોસાયટીમાં. એ જ મહિનાની ૨૯મી તારીખે હિન્દુસ્તાન આવવા માટેની દરિયાઈ મુસાફરી શરૂ કરી અને છેક ૨૮મી ડિસેમ્બરે મુંબઈમાં તેમણે પગ મૂક્યો. તેમની નિમણૂક મદ્રાસમાં કરવામાં આવી હતી પણ મદ્રાસ જતાં પહેલાં બેલગામ જઈને પિતાને મળ્યા, અને પછી ઉપડ્યા મદ્રાસ. પણ ત્યાં પહોંચ્યા કે તરત તેમને કહેવામાં આવ્યું કે તમારે તો વડોદરા જઈને મિસ્ટર ક્લાર્કસન સાથે જોડાવાનું છે. એટલે ૧૮૪૬ના નવેમ્બરમાં પહોંચ્યા વડોદરા. પણ થોડા વખતમાં ગાયકવાડ સરકારે વડોદરામાંની મિશનરી પ્રવૃત્તિ બંધ કરાવી એટલે ક્લાર્કસન અને ટેલર પહોંચ્યા મહીકાંઠા. ગુજરાત આવ્યા પછી તેઓ ગુજરાતી ભાષા શીખ્યા, શીખ્યા એટલું જ નહીં, તેના પર એવું પ્રભુત્ત્વ મેળવ્યું કે ધર્મભાવનાનાં અનેક કાવ્યો અને ગીતો તેમણે ગુજરાતીમાં લખ્યાં, અને તે પણ સંસ્કૃત છંદોમાં અને ગુજરાતી ‘દેશીઓ’માં. આ રચનાઓ છપાવતાં પહેલાં તેની હસ્તપ્રત તેમણે ગુજરાતીના અચ્છા જાણકાર રેવરંડ ડૉ ગ્લાસગોને જોવા મોકલી. જોઈને ગ્લાસગો તો ભડક્યા: ખ્રિસ્તી ધર્મના પ્રચારની કવિતા, અને તે અંગ્રેજી કવિતાના છંદોમાં નહીં, અને ‘દેશીઓ’ના છંદોમાં! આવું કેમ ચાલે? અને તેનું પાછું પુસ્તક! ન છપાવાય. પણ ટેલરે તેમની વાત માની નહીં અને કાવ્યાર્પણ નામનો સંગ્રહ ૧૮૬૩માં પ્રગટ કર્યો. તેમાંની રચનાઓ ખ્રિસ્તી સમુદાયમાં એટલી તો પ્રચલિત થઇ કે તેમાંની કેટલીક તો આજે પણ ગુજરાતનાં દેવળોમાં ગવાય છે.

જ્યાં ટેલર ભણ્યા તે ગ્લાસગો યુનિવર્સિટી

પણ ટેલરના ગુજરાતપ્રેમ સામે આનાથીયે વધુ મોટો પડકાર આ પહેલાં પણ ઊભો થયો હતો. ૧૮૫૯માં લંડન મિશનરી સોસાયટીએ તેની ગુજરાતમાંની પ્રવૃત્તિ સંકેલી લેવાનું નક્કી કર્યું. પોતાનાં કામકાજ અને મિલકત આયરિશ પ્રેસબિટેરિયન (આઈ.પી) મિશનને સોંપી દેવાનું ઠરાવ્યું. પિતાએ આખી જિંદગી લંડન મિશનરી સોસાયટીની સેવામાં ગાળેલી. પોતે પણ એવા વિચાર સાથે જ સોસાયટીમાં જોડાયેલા. પણ હવે જો સોસાયટીમાં રહે તો ગુજરાત છોડવું પડે. પણ એ તે કેમ બને? એટલે સોસાયટી છોડીને જોડાઈ ગયા આઈ.પી. મિશનમાં! ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેના ફેલો બન્યા, તેની જૂદી જૂદી પરીક્ષાઓમાં ગુજરાતીના પેપર સેટર અને એક્ઝામિનર બન્યા. વ્રજલાલ શાસ્ત્રી સાથે મળીને તેમણે ગુજરાતીના ધાતુઓની ઉત્પત્તિ દર્શાવતો ‘ધાતુસંગ્રહ’ નામનો કોશ પણ તૈયાર કરેલો.

લંડન મિશનરી સોસાયટીનો લોગો

ટેલરે પહેલું લગ્ન મહીકાંઠા જતાં પહેલાં ૧૮૪૭ના ડિસેમ્બરની ૩૦મી તારીખે એલીઝા પ્રિચાર્ડ સાથે કરેલું. ૧૮૫૬માં પતિ પત્ની બંનેની તબિયત બગડતાં બંને સ્વદેશ ગયાં, જ્યાં ૧૮૫૮માં પ્રસૂતિ પછી એલીઝાનું અવસાન થયું. આ પહેલા લગ્નથી કુલ ત્રણ સંતાનો થયાં. સ્વદેશવાસ દરમ્યાન જ ટેલરે ૧૯૫૯માં જ્યોર્જીના બ્રોડી સાથે બીજાં લગ્ન કર્યાં. તે પછી બન્ને હિન્દુસ્તાન પાછા આવી આઈ.પી. મિશનમાં જોડાયાં. બીજા લગ્નથી એક દીકરો, નામે આર્થર. આ આર્થરે વખત જતાં ‘હિસ્ટ્રી ઓફ ધ ટેલર ફેમેલી’ નામનું પુસ્તક લખ્યું. પહેલા લગ્નનાં ત્રણ સંતાનોમાંથી જોસેફ ફીલ્ડ ટેલર ગુજરાતમાં જ રહીને મિશનરી બન્યા. તેમણે પણ અંગ્રેજી ભાષામાં ગુજરાતીનું વ્યાકરણ લખ્યું જે હજી આજ સુધી ફરી ફરી છપાતું રહ્યું છે. તો ત્રીજા દીકરા ડૉ. બર્ડવૂડ વાન સામરન ટેલર મિશનરી ડોક્ટર થઇ ચીનમાં કામ કરવા ચાઈનીઝ મિશનરી સોસાયટીમાં જોડાયા. જિંદગીનાં છેલ્લાં વર્ષો જે.વી.એસ. ટેલરે સ્વદેશમાં જઇ ગાળ્યાં. ૧૮૮૧ના જૂન મહિનાની બીજી તારીખે એડિનબરામાં તેમનું અવસાન થયું. પોતાના ગુજરાતી વ્યાકરણનું સમાપન કરતાં ગુજરાત અને ગુજરાતીના ખરા પ્રેમી ટેલરે લખ્યું છે: “પરભાષાના સંપાદનનાં શ્રમ કરતાં સ્વભાષામાં પ્રવીણતા મેળવવાનો આયાસ અધિક છે. શામળાદિક કવિઓના ગ્રંથ જુઓ, તૂકે તૂકે અયાસનાં પ્રમાણ દેખાય છે … મનોયત્ન કર્યા પૂર્વે ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી પાકી જણાશે. યત્નકારી અધૂરો તો તેની ભાષા પણ અધૂરી, પણ જો વાપરનારના યત્ન સંપૂર્ણ તો ગુજરાતી પણ સંપૂર્ણ. હા, શણગારેલી પણ દેખાય. ગુજરાતી, આર્યકુળની, સંસ્કૃતની પુત્રી, ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ કદી અધમ કહે? પ્રભુ એને આશીર્વાદ દેજો. જુગના અંત સુધી એની વાણીમાં સત્ વિદ્યા, સદ્જ્ઞાન, સદ્ધર્મનો સુબોધ હોજો. અને પ્રભુ – કર્તા, ત્રાતા, શોધક, એનું વખાણ સદા સુણાવજો. ”

xxx xxx xxx

e.mail : [email protected]

“ગુજરાત સમાચાર”(લંડન)ના દીપોત્સવી અંકમાં પ્રગટ થયેલો મારો લેખ

Category :- Opinion / Literature