નવજીવન શતાબ્દી વર્ષ

કિરણ કાપુરે
06-11-2019

વાચકો પાસે આજે માહિતી મેળવવાના અમર્યાદિત વિકલ્પો છે; તે ઇચ્છે તે સ્વરૂપમાં માહિતી મેળવી શકે છે. પણ વિકલ્પોની ભરમાર વચ્ચે જ્યારે વાચક વિશ્વસનીય, તટસ્થ અને તાર્કિક કન્ટેન્ટની શોધ આદરે છે, ત્યારે માહિતીના દરિયામાં તે અસહાય દેખાય છે.

આમ કેમ? તે પ્રશ્નના જવાબ ઘણા હોઈ શકે, પણ તેમાં સૌથી પ્રાથમિક તારણ નિસબત અને દાનતનો અભાવ છે, જેથી કરીને માધ્યમો તળિયે બેસી જવાના આરે દેખાય છે. સમયે-સમયે માધ્યમોની આ દશા થતી રહી છે. અંગ્રેજ શાસન વખતે ય તેની સામે લડનારાં ઘણાં અખબાર-સામયિક હોવા છતાં તે શાસનને હલાવે-ડોલાવે તેવાં અખબાર-સામયિકની ખોટ વર્તાતી હતી. જો કે આ ખોટ પૂરી કરવાનું અને પોતાના દેશવાસીઓ સારુ પોતાની વાત અભિવ્યક્ત કરવાનું એક મંચ नवजीवन બન્યું. મૂળે આ અખબાર ઇન્દુલાલ યાજ્ઞિકનું અને ત્યારે તેનું નામ नवजीवन अने सत्य હતું. ગાંધીજીના તંત્રીપણા હેઠળ તે પ્રકાશિત થવા માંડ્યું ત્યારે તેનું નામ नवजीवन થયું. नवजीवनનો પ્રથમ અંક ૭મી સપ્ટેમ્બર ૧૯૧૯ના રોજ પ્રકાશિત થયો અને પ્રથમ અંકથી જ તેનો અખબારી જગતમાં ધમાકેદાર પ્રવેશ થયો. તેના પહેલા અંકની નકલોની સંખ્યા પાંચ હજારને આંબી ગઈ હતી! કોઈ ગુજરાતી સામયિકને મળેલી આ અદ્વિતીય સફળતા છે. (સો વર્ષ પછી પણ આજે કોઈ સામયિકના પ્રથમ અંકની આટલી નકલો જાય તે દિવાસ્વપ્ન જેવી ઘટના ભાસે છે.)

नवजीवनની આ સફર આરંભાઈ અને જેમ-જેમ ગાંધીજીના સેવાકાર્યનો યજ્ઞ હિંદુસ્તાનમાં વિસ્તરતો ગયો તેમ नवजीवनનાં પાનાં પર દેશની ઐતિહાસિક ઘટના નોંધાતી રહી. नवजीवनની આ ભૂમિકા ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અમૂલ્ય લેખાય છે. ગાંધીજી હિંદુસ્તાન આવ્યા ત્યાર બાદ તેમનું માતૃભાષામાં વિપુલ જાહેર લખાણ नवजीवन થકી જ મળ્યું છે. આ કાળમાં ગાંધીજીના ઘડાતા-ઘડાયેલા વિચારોનું પ્રતિબિંબ પણ नवजीवन દ્વારા જ ઝિલાયું છે. यंग इन्डिया, नवजीवनના સમાંતરે અંગ્રેજી ભાષામાં આ જ ભૂમિકા ભજવી રહ્યું હતું.

આ અગાઉ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ નિયમિત રીતે इन्डियन ओपिनियन અખબાર ચલાવ્યું હતું, પણ નવજીવન સંસ્થાના અભ્યાસી મણિભાઈ ભ. દેસાઈ નોંધે છે તેમ, દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી નિષ્ઠાવાન રાજભક્ત હતા. જ્યારે नवजीवन અને यंग इन्डियाનું સંપાદન હાથમાં લીધું ત્યાર પછી થોડા જ વખતમાં તેઓ એકનિષ્ઠ રાજદ્રોહી બનનાર હતા. હિંદુસ્તાનની ભૂમિ પર ગાંધીજીએ એકસાથે અનેક મોરચે સેવાકાર્યો હાથ ધર્યાં હતાં, તેને અનુલક્ષીને જ તેમણે નવજીવનના ઉદ્દેશમાં જણાવ્યું છે : “નવજીવનની પ્રવૃત્તિ એવી ચાલશે કે જેથી રાજા-પ્રજા વચ્ચે વેરભાવ મટી મિત્રતા થાય, અવિશ્વાસ મટી વિશ્વાસ થાય, હિંદુ મુસલમાન વચ્ચે અંતઃકરણની એકતા થાય, હિંદુસ્તાન આર્થિક સ્વતંત્રતા મેળવે અને હિંદુસ્તાનમાં સર્વત્ર પ્રેમ સિવાય બીજું કંઈ જોવામાં ન આવે. જગત પ્રેમમય છે. નાશમાંયે ઉત્પત્તિ ભરી છે.”

નવજીવનનો આ ઉદ્દેશનો સાર ત્યાર બાદ પણ તેની બધી જ પ્રવૃત્તિઓમાં રેડાયો છે. પુસ્તકપ્રકાશન ક્ષેત્રે નવજીવનની પ્રવૃત્તિ અનન્ય ઘટના છે, જે અંતર્ગત ગાંધીજી અને તેમના સમકાલીનોનાં પુસ્તકો પ્રકાશિત થયાં. આરંભ અને પછીના સમયમાં નવજીવનને સતત અંગ્રેજ શાસનનું દમન, કાગળની મોંઘવારી અને છાપખાનાની અગવડો રહી, પણ છતાં તેનું કાર્ય વિસ્તરતું ગયું. અને એક સમય એવો આવ્યો જ્યારે ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારની સઘળી જવાબદારી નવજીવનની થઈ. તે સમયનાં મહદંશે ગાંધીજીનાં બધાં જ પુસ્તકો નવજીવન દ્વારા પ્રકાશિત થતાં રહ્યાં. ૧૯૪૦માં તો ગાંધીજીએ પોતાનાં લખાણોના કૉપીરાઇટના તમામ હકોનો વારસો નવજીવનને સોંપ્યો. આમ, નવજીવન આરંભથી લઈને આજ દિન સુધી ગાંધીસાહિત્યના પ્રચાર-પ્રસારનું વહન કરી રહ્યું છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી સહિત કુલ સોળ ભાષાઓમાં ગાંધીજીની આત્મકથા નવજીવન પ્રકાશિત કરી ચૂક્યું છે. આ ઉપરાંત, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, જવાહરલાલ નેહરુ, મહાદેવભાઈ દેસાઈ, મેડલિન સ્લૅડ, મણિબહેન પટેલ, સુશીલા નૈય્યર, પ્યારેલાલ સહિત ગાંધી સમકાલીનોનાં પુસ્તકો નવજીવનની મૂડી છે. આઝાદીની લડત અને તે કાળનો અતિ મૂલ્યવાન ઇતિહાસ આમનાં લખાણો થકી સચવાયો છે, જેનું જતન અને નજીવી કિંમતે પ્રચાર-પ્રસાર નવજીવન કરતું આવ્યું છે અને કરતું રહેશે.

નવજીવનની વાત આટલી માંડીને કરી તેનો મુખ્ય ઉદ્દેશ નવજીવનનું શતાબ્દી વર્ષ છે, જેની પૂર્ણાહુતિ ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ થઈ. સમય સાથે નવજીવનનું સેવાકાર્ય વિસ્તર્યું છે અને કેટલાક નવા પ્રકલ્પો સાથે ગાંધીવિચારને નવી પેઢી સુધી લઈ જવાનો સંકલ્પ કર્યો છે. આ પ્રકલ્પોમાં ‘કર્મકાફે’ અને ‘સ્વત્વ’ અગ્રહરોળમાં છે. તદ્ઉપરાંત ‘સત્ય આર્ટ ગૅલેરી’ દ્વારા પણ ગાંધીવિચારના પ્રસારનું કાર્ય સમયાંતરે થાય છે. નવજીવન પરિસરમાં આવેલો જિતેન્દ્ર દેસાઈ મેમૉરિયલ હૉલ પણ નવજીવનની નવી ઓળખ છે.

ગત વર્ષ ગાંધીજીની દોઢસોમી જન્મજયંતીનું હતું, તેવી જ રીતે નવજીવનના શતાબ્દીનું પણ હતું. ગાંધીકાર્યની ઉજવણી તો અંતિમજનની ઉન્નતિથી થતી રહી અને તે દિશામાં નવજીવન દ્વારા શતાબ્દી વર્ષ અગાઉ જ સાબરમતી મધ્યસ્થ જેલ સાથે બંદીવાનોના સુધારા કાર્યક્રમ હાથ ધર્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત બંદીવાનો વચ્ચે પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનો કોર્સ, ગાંધીવિચારની પરીક્ષા, કર્મકાફેના આંગણે બંદીવાનોના ભજન, ઇકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવવાં જેવાં વિવિધ કાર્યો નવજીવન કરી રહ્યું છે. છેલ્લાં ચાર વર્ષમાં નવજીવન દ્વારા સાબરમતી જેલમાં થયેલાં કાર્યથી આજે બંદીવાનો માટે નવજીવન ભગિની સંસ્થા જેવું સ્થાન ધરાવે છે, જ્યાં તેઓને હરહંમેશ આવકાર મળ્યો છે.

નવજીવનનો ગૌરવભર્યો ઇતિહાસ અને વર્તમાનની ઝલક આપ્યા છતાં તેનાં સઘળાં કાર્યોનો ખ્યાલ આટલા શબ્દોમાં ન આપી શકાય. તે માહિતીની ગરજ તો પુસ્તક જ સારી શકે, જેનો એક પ્રયાસ મણિભાઈ ભ. દેસાઈ દ્વારા થયો છે. ‘નવજીવન વિકાસવાર્તા’ નામના આ પુસ્તકમાં નવજીવન સંસ્થાના આરંભથી લઈને તેના પચાસ વર્ષનો ઘટનાક્રમ નોંધાયો છે.

હવે નવજીવનના શતાબ્દી વર્ષના અનુસંધાને આપના હાથમાં મુકાયેલા આ વિશેષ અંક વિશે. આ અંકમાં નવજીવનમાં આવેલા વિવિધ ચુનંદા લેખોને સામેલ કરવામાં આવ્યા છે. નવજીવનમાં વિષયોની કેવી ભરમાર રહેતી, વિશેષ તો તેનો આ ઉપક્રમ છે. આ લેખો નવજીવનમાં સર્વકાલીન શ્રેષ્ઠ લેખોમાં સ્થાન પામે એ જરૂરી નથી, પણ નવજીવનમાં વિવિધ વિષયો પર કેવાં લખાણો આવતાં, તેની ઝલકમાત્ર છે. તે કાળની રાજકીય ગતિવિધિના લેખો આમાં સામેલ કરવામાં આવ્યા નથી, કારણ કે તેના ફલકનો વિસ્તાર ખૂબ બહોળો છે એટલે તેમાં સ્વતંત્રપણે કોઈ એક લેખ આપી દેવાનું મુનાસિબ લાગ્યું નહીં. આજથી નવ દાયકા અગાઉ સુધીના લેખ હોવાથી તે સમય-સંદર્ભ હોય તે સ્વાભાવિક છે, પણ તેની પ્રસ્તુતતામાં શાશ્વતમૂલ્યની ઝાંખી થાય છે. બલકે કેટલાક લેખોમાં આજનું તાદૃશ્ય વર્ણન પણ ઝિલાય છે. આ ઉપરાંત અંકના આરંભે નવજીવનના ઉદ્દેશ અંગેના ગાંધીજી અને સરદાર પટેલના ક્રમશઃ લેખ અને વક્તવ્ય મૂક્યાં છે. નવજીવનમાં ગાંધીજીનાં પુસ્તકોના પ્રકાશન કાર્યનો એક અહેવાલ રજૂ કર્યો છે. અંતે નવજીવનના શતાબ્દી નવસંસ્કરણ દ્વારા સંસ્થાની સફરની ઝલક મળી રહે છે. આશા છે અમારો આ પ્રયાસ વાચકોને ગમશે.

સૌજન્ય : “नवजीवन નો અક્ષરદેહ”, ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯; પૃ. 264-5

Category :- Gandhiana