વિશ્વ શાંતિ અને મૈત્રી યાત્રાના યાત્રી નીતિન સોનેવાને

આશા બૂચ
04-11-2019

ગાંધી - એક વિશ્વ માનવ શ્રેણી મણકો - 12

ગામ રાશિન, જિલ્લો અહમદનગર - મહારષ્ટ્રના રહીશ નીતિન સોનાવને, ઉમ્મર વર્ષ 28. ગભરાશો નહીં, આ કોઈ બેન્કના નાણાં લઈને વિદેશ પલાયન થયેલા વીરની કથા નથી. એક તરવરિયા યુવાનના દિલમાં શાંતિદૂત બનવાની તમન્ના જાગી અને દુનિયા આખી ખૂંદી વળવા નીકળી પડ્યો, તેની કહાણી છે, આ. 

નીતિને 2013માં ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિક્મ્યુનિકેશન્સમાં એન્જીનિયરની ઉપાધિ સિંહગઢ-પૂનાથી મેળવી. ટેલિકોમના ક્ષેત્રમાં માત્ર છ મહિના કામ કર્યું. મહારાષ્ટ્ર ગાંધી સ્મારક નિધિ દ્વારા સ્થાપિત શાંતિ દળમાં શાંતિ દૂત તરીકે જોડાયા. દોઢેક વર્ષ સુધી જ્ઞાતિઓ વચ્ચેના ભેદભાવ હઠાવવા અને ધર્મો વચ્ચે સુસંવાદિતા લાવવા એ સંગઠન સાથે કામ કર્યું.

આ યુવાનના જીવનની થોડી પૂર્વભૂમિકા જાણીએ. નીતિનભાઈના જ શબ્દો ટાંકુ, “બચપણથી જ હું ચાર ધર્મોને અનુસરતા મારા વડીલો સાથે મોટો થયો. મારુ કુટુંબ હિન્દુ છે. મારી માતાએ ક્રીશ્ચિયાનિટી અપનાવી, હું તેને બાઇબલ વાંચી સંભળાવતો. મારા પિતાજી રમઝાન મહિનામાં એક મહિનો રોજા રાખતા, હું તેમની સાથે મસ્જિદમાં જતો અને ઇફ્તારમાં ભાગ લેતો. મારી દાદીમા ધન નિરંકારજીને (શીખ ધર્મનો એક ફાંટો) અનુસરતાં. મારા ઘરમાં દરેક વ્યક્તિ જુદો જુદો ધર્મ પાળતાં છતાં મેં ક્યારે ય તેમની વચ્ચે કોઈ વિખવાદ નથી જોયો. એક જ દીવાલ પર બધા ભગવાન પૂરેપૂરી શાંતિથી રહેતા હતા.”

બુદ્ધ, ગાંધી, બાબાસાહેબ આંબેડકર અને મહારાષ્ટ્રના અગ્રણી સમાજ સુધારક, કર્મશીલ અને રાજકારણના વિવેચક ડૉ. કુમાર સપ્તર્ષિનાં જીવન અને કાર્યોથી પ્રેરિત એવા નીતિનભાઈ અલગ અલગ કોમ અને ધર્મના લોકોને એકમેકની સાથે સુમેળથી રહેતા કરવાના પ્રયાસમાં છે, જેથી એક શાંતિપ્રિય સમાજની રચના થાય. જ્યાં કોમી રમખાણો વધુ થતાં તેવા વિસ્તારોમાં જ્ઞાતિના ભેદભાવ વિહોણા સમાજની રચના કરવા શિબિરો યોજી. જ્યાં કોમી રમખાણો વધુ થતાં તેવા વિસ્તારોમાં ધર્મો વચ્ચેનાં વૈમનસ્ય મિટાવવા સક્રિય થયા. તે ઉપરાંત મહારષ્ટ્રમાં દુષ્કાળ પીડિત લોકોનાં સ્વાસ્થ્ય માટે કામ કરવા જોડાયા. વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પમાં સેવાઓ અને આદિવાસી વિદ્યાર્થી કલ્યાણ સારુ થતી પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહ્યા.

ટેલિકોમ ક્ષેત્રમાં કારકિર્દીની શરૂઆત અલ્પજીવી નીવડી. ભાઈ નીતિનને પોતાની કોમ અને બહોળા સમાજને વધુ ઉપયોગી થવાના વિચારે શાંતિથી બેસવા ન દીધા. ‘વિશ્વ શાંતિ અને મૈત્રી’ યાત્રાનું આયોજન કરીને 18 નવેમ્બર 2016ને દિવસે સેવાગ્રામ - વર્ધાથી સાઇકલ લઈને નીકળી પડયા. તેમની સાથે થાઈલેન્ડના અજય હાપસે પણ જોડાયા. સાબરમતી આશ્રમને ‘કાગડા કૂતરાને મોતે  મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું’ એમ જાહેર કરીને ગાંધીએ ત્યાગી દીધેલો અને વર્ધા પાસેના સે ગાંવમાં સેવાગ્રામ આશ્રમ બનાવીને રહ્યા હતા, એ જ આશ્રમથી આ શાંતિ યાત્રાનો પ્રારંભ થયો. નીતિન સોનેવાનેની યાત્રા આશરે 1,095 દિવસ ચાલવાની યોજના છે. ભારતમાં તેઓએ અનેક સ્થળોએ જઈને વિશ્વશાંતિનો સંદેશ પહોંચાડ્યો અને ત્યાર બાદ થાઈલેન્ડ, કંબોડિયા, વિયેતનામ, ચીન, હોંગકોંગ, મકાઉ, જપાન, દક્ષિણ કોરિયા અને જેસુ ટાપુ પણ ગયા. ત્યાંથી છલાંગ મારી કેનેડા, અમેરિકા, ગ્વાટેમાલા, હોન્ડયુરસ, એલ સાલ્વાડોર, નિકારાગુઆ, કોસ્ટારિકા, પનામા, કોલમ્બિયા, એક્વાડોર અને પેરુ, એ બધા દેશોમાં સાઇકલ પ્રવાસ કર્યો.

હજુ એક બીજો ખંડ ખૂંદવાનો બાકી હતો. જેની શરૂઆત દક્ષિણ આફ્રિકાથી કરી, જ્યાં છ મિત્રો ભારતથી અને જપાનના એક બૌદ્ધ સાધુ યાત્રામાં જોડાયા. ગાંધી અને નેલ્સન મંડેલાનાં પગલે બે મહિના સુધીની મજલમાં આ મિત્રોએ સાથ આપ્યો. કેનિયા, ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, તાન્ઝાનિયા, રુવાન્ડા અને યુગાંડા સુધી બૌદ્ધ સાધુએ સાથ આપ્યો. ત્યાર બાદ ઇથિયોપિયા, સુદાન અને ઇજિપ્તની સફર એકલ પંડે પૂરી કરી.

નીતિનભાઈને યુનાઇટેડ કિંગ્ડમ સુધીની યાત્રા કરતાં લગભગ ત્રણ વર્ષ થયા. ગ્લાસગોથી લંડનની 600 માઈલની મજલ પદયાત્રાથી પૂરી કરતાં 44 દિવસ થયા. 2 ઓક્ટોબર 2019ને દિવસે ટાવિસ્ટોક સ્કવેરમાં ગાંધી સ્મારક પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરીને નીતિન તથા અલગ અલગ સંગઠનોના 25-30 જેટલા પ્રતિનિધિઓએ કૂચ કરીને પાર્લામેન્ટ સ્કવેર પર ખડી કરાયેલી ગાંધીની પ્રતિમા પાસે જઈ ગાંધી 150ની ઉજવણી કરી. એ કૂચમાં સ્વાતંત્ર્ય સંગ્રામના નજીકથી સાક્ષી બનેલાં એક નાનીમા, આઝાદી બાદ તરત જન્મીને દેશપ્રેમથી ભરપૂર એવા નવા વાતાવરણમાં જન્મેલ પુત્રી અને યુનાઇટેડ કિંગ્ડમમાં જન્મીને સ્થાયી થયેલ દોહિત્ર એમ ત્રણ પેઢીના સભ્યોને એક સાથે ‘વૈષ્ણવ જન તો…’ અને ‘રઘુપતિ રાઘવ રાજારામ’ ગાતાં જોવાં-સાંભળવાં એ ય એક લ્હાવો હતો. નીતિન હવે યુરોપના દેશો અને ભૂમધ્ય પ્રદેશના કેટલાક દેશોમાં યાત્રા ગોઠવવાની પેરવીમાં છે. તેઓ ફ્રેન્કફર્ટથી બર્લિન પદયાત્રા કરવા ધારે છે. ત્યાર બાદ ભૂમધ્ય પ્રદેશના દેશોમાં, જેમાં ટર્કી, ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને ઈરાનનો સમાવેશ છે, ત્યાં જવાનું આયોજન છે. આ યાત્રા લાહોર - પાકિસ્તાન ખાતે સંપૂર્ણ થશે.

નીતિનભાઈએ ઘણા રેડિયો સ્ટેશન પર ઉપર મુલાકાતો આપી અને છાપાંઓમાં અહેવાલો છપાયા. તેમને પુછાયેલા સવાલોના જવાબો તારવીને અહીં મુક્યા છે. તેઓ દિવસના ચાર પાઉન્ડ જેટલી મૂડી પર નભે. બ્રેડ, પી-નટ બટર અને શાક ખાઈને ચલાવે. ત્રણ વર્ષ પહેલાં લીધેલ તંબુ ખોડવા માટે સલામત જગ્યા શોધીને પોઢે. સુદાનના લોકોએ ખૂબ જ મિત્રતા બતાવી. એ દેશમાં ખૂબ રાજકીય જ અશાંતિ છે, પણ લોકોએ શાંતિની વાતો અત્યંત રસપૂર્વક સાંભળી. ત્યાં ધનવાનો નથી, પણ આદરસત્કારની ખામી નથી. લોકો પોતાને ઘેર રહેવા બોલાવતા હતા અને ભોજન આપતા હતા. અને એ સુખદ અનુભવ હતો. જો કે ત્રણ વર્ષથી સતત સાઇકલ અને પદયાત્રા કરવા નીકળી પડેલા આ યુવાનને સૌથી મોટો પડકારનો સામનો કરવો પડે છે તે શરીરને સ્વસ્થ રાખવાનો. રુવાન્ડામાં ખોટા પ્રકારના શૂઝ પહેરવાને કારણે પગમાં ઇજા થઇ, ત્રણ અઠવાડિયા સુધી ચાલી ન શક્યા. આરામ કરવા કોઈ એક જગ્યાએ રોકાવું બહુ મુશ્કેલ હતું. હોન્ડયુરસ અને ગ્વાટેમાલામાં ક્યાં ય રહેવાની જગ્યા ન મળી. ત્યાંનું હિંસક વાતાવરણ જાણીતું એટલે જરા ભયજનક સ્થિતિમાં આવી પડેલા. નવાઈની વાત એ છે કે મેક્સિકોમાં ડ્રગની ગેંગના કેટલાક સભ્યોને તેઓ મળ્યા અને પોતાના શાંતિ, પ્રેમ અને અહિંસાના વિચારો વહેંચ્યા!

કોઈ પણ વ્યક્તિ પોતાનું વતન છોડીને દૂર સુદૂરના દેશમાં જાય તો ઘણું અવનવું જોવા-અનુભવવા મળે, જયારે નીતિનભાઈએ તો એક પછી એક એમ એકબીજાથી નિરાળા દેશોમાં થોડા થોડા દિવસો રહેવાનું બીડું ઝડપ્યું એટલે તેમને ઘણી વાર ક્લચર શોક લાગ્યો. ઘણા દેશોમાં ફર્યા, પરંતુ અલ્પ સમયનું રોકાણ હોવાને કારણે ત્યાંની સંસ્કૃતિ સમજતાં વાર લાગે. સુદાનમાં વધુ મૂંઝવણ થઇ કેમ કે ક્યારે ય મુસ્લિમ દેશમાં નહોતા ગયા. આફ્રિકાની સંસ્કૃતિ દક્ષિણ અમેરિકા કરતાં તદ્દન અલગ છે. ભારતમાં હોઈએ ત્યારે આ બધા દેશો વિષે કશી જાણકારી ન હોય તે સ્વાભાવિક છે અને તેથી એ ખંડોના રહેવાસીઓ, તેમનો ખોરાક, આબોહવા અને લોકોની રીતભાત અને સ્વભાવ વિષે શું અપેક્ષા રાખવી તે ખબર જ નહોતી.

અન્ય ભારતીયોની માફક નીતિનભાઈ પણ અમેરિકાને સહુથી વધુ ધનાઢ્ય માનતા હતા. પરંતુ ત્યાંના મુખ્ય માર્ગો અને શેરીઓમાં ફરતાં તેમને તો એ સહુથી વધુ ગરીબ પણ લાગ્યો. સાનફ્રાન્સિસ્કોમાં મુખ્ય વિસ્તારમાં ફરતાં આંતરરાષ્ટ્રીય બેંકો અને વ્યાપારી મથકો, ઉત્તમ ખાણી પીણીની જગ્યાઓ જોઈ અને થોડે આગળ જતાં ડાબી બાજુ વળ્યા તો ઘરબાર વિનાનાં ભૂખ્યાં લોકો શેરીમાં બેઠાં જોવાં મળ્યાં, જેનાથી તેમને તેનાથી બહુ આઘાત લાગ્યો. ગરીબ-તવંગર વચ્ચે આવો વિરોધાભાસ દુનિયામાં બીજે નથી જોવા મળતો એવું નીતિનભાઈના અનુભવે લાગ્યું.

વિશ્વશાંતિ અને જ્ઞાતિ તથા ધર્મો વચ્ચે સહઅસ્તિત્વની ભાવનાનો સંદેશ ફેલાવવાના ઉત્તમ આશય સાથે ત્રણ વર્ષ પહેલાં પોતાના કુટુંબીજનોને છોડીને આ યુવક નીકળી પડ્યો. પરંતુ તેમને કુટુંબીઓ બહુ યાદ આવે. તેમના શબ્દોમાં બયાન જાણીએ, “હું પૈસાદાર કુટુંબમાંથી નથી આવતો, પિતા ગુજરી ગયા ત્યારે 14 વર્ષનો હતો. મારા કુટુંબીઓને હું આવી યાત્રા પર કેમ નીકળ્યો તે સમજાવવું મુશ્કેલ છે. મારા પરિવારમાં આગળ અભ્યાસ કરનારો હું પ્રથમ. મારા બે મોટા ભાઈઓ સખત કામ કરીને ગુજરાન ચલાવે છે, તેમને વિશ્વના પ્રશ્નો વિષે કોઈ ખ્યાલ નથી, એટલે મારી આ યાત્રાનો હેતુ સમજી નથી શકતા. પરંતુ જ્યારે સમાચારમાં કે ટેલિવિઝન પર મને જુએ ત્યારે ખુશ થાય!” સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર ગણી બેઠેલા ભાઈ નીતિને અંગત લાગણીઓને થોડા સમય માટે સંયત રાખીને આ ઉમદા ધ્યેય પાર પાડવાનું વ્રત લીધું છે.

ગાંધી વિષે દુનિયા શું જાણે એમ તમે ઈચ્છો છો? એ પ્રશ્નના જવાબમાં નીતિનભાઈએ કહ્યું, “ગાંધીએ સહુથી મહત્ત્વની વાત એ કહી કે તમે તમારું સત્ય પોતાના જીવનની સફર દ્વારા, જાતે શોધખોળ કરીને, પ્રકૃતિ પાસેથી અને વાંચીને શોધો અને પછી એ સત્યને અહિંસાના માધ્યમથી અનુસરો. અને હું એ સંદેશ દુનિયાના નાનામાં નાના માણસ સુધી પહોંચાડવા માંગુ છું. મને સમજાયું કે એક માત્ર માનવ જાતિ જ આ સૃષ્ટિ પર નથી જીવતી. મારે પર્યાવરણમાં આવતા નુકસાનકારક બદલાવને રોકવા અને દરેક પ્રકારના ભેદભાવને નાબૂદ કરવા કામ કરવું  છે. હું નીચલી જ્ઞાતિમાં જન્મેલ વ્યક્તિ છું અને મારે જ્ઞાતિ પ્રથાના ભેદભાવ સામે લડવું છે. મને ખાતરી છે કે ગાંધીને સાંપ્રત વૈશ્વિક સમસ્યાઓમાંથી પર્યાવરણમાં થતા ધરખમ ફેરફારો વિષે ઘણી ચિંતા થઇ હોત અને તેને અટકાવવા લડત આપી હોત. તેમણે ગ્રેટા થુનબર્ગને જરૂર ટેકો આપ્યો હોત. આ યાત્રામાંથી હું એ પણ શીખ્યો કે દુનિયા આખીમાં જ્યાં પણ ગયો, લોકો ખૂબ જ પ્રેમાળ છે તેમ અનુભવ્યું. તમે તેમને કઈ રીતે સંપર્ક કરો છો તેના પર તેમની ભલાઈનો આધાર રહે. આખી દુનિયામાં આટલા બધા દેશોમાં ભ્રમણ કર્યા બાદ પ્રતીત થયું કે શાંતિ સ્થાપવી અને ટકાવવી શક્ય છે.” આશા રાખીએ કે નીતિનભાઈના આશાવાદનો ચેપ આપણને પણ લાગે.

પોતાની ત્રીસેક જેટલા દેશોની સફર દરમ્યાન નીતિનભાઈએ નોંધ્યું કે નાનાં મોટાં ગામડાં અને શહેરોમાં લોકો ગાંધીને શાંતિના દૂત અને અહિંસાના પ્રચારક તરીકે ઓળખે છે, તેમનાં બાવલાં જીસસ અને ગૌતમ બુદ્ધની જેમ ઠેર ઠેર જોવા મળે છે. તેઓ હજુ અહિંસક પ્રતિકારમાં જીવિત છે એમ અનુભવાય છે.

આ સાથે ભાઈ નીતિને જે તે દેશોની મુલાકાત લીધેલી ત્યાંની કેટલીક તસ્વીરો શામેલ છે :-

જાપાનમાં હિરોશિમા અને નાગાસાકી વચ્ચેની પદયાત્રા

હિરોશિમા પીસ મેમોરિયલ (Genbaku Dome) 6 ઓગસ્ટ 1945માં પ્રથમ અણુબોંબ ફેંકાયો ત્યાર બાદ એકમાત્ર બચવા પામેલ ઇમારત

જાપાનમાં શાંતિ યાત્રાનો પહેલો દિવસ. તસ્વીરમાં એક વયસ્ક મહિલા અને તદ્દન નાનું બાળક પણ શામેલ થયા!

ઓકિનાવા જાપાન. અમેરિકન હવાઈ મથક સામેનો પ્રતિકાર

બ્રોન્ઝ સ્કલ્પ્ચર સ્વીડિશ શિલ્પકાર કાર્લ ફ્રેડરીક રૂટરવોર્ડ બનાવેલ, જે ન્યુયોર્કના યુનાઇટેડ નેશન્સની ઇમારત પાસે ખડું છે.

અમેરિકામાં એક હાઈસ્કૂલમાં વાર્તાલાપ

હોન્ડુરાસની એક શાળાની મુલાકાત

કોલંબિયાના મૂળ વતની સાથે

દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાની પ્રતિમા પાસે

પિટરમેરિત્ઝબર્ગ સ્ટેશન-જ્યાં ગાંધીજીને ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા

રોબિન આઇલેન્ડ, જ્યાં નેલ્સન મંડેલાને વીસથી ય વધુ વર્ષ કેદ રખાયેલ

દક્ષિણ આફ્રિકા - શાંતિ યાત્રા 

નીતિન સોનેવાનેને તેમની આગામી સફર માટે અનેક શુભેચ્છાઓ પાઠવીએ. 

e.mail : [email protected]

Category :- Gandhiana