પ્રતિષ્ઠા પંડયાનો સાવ અનોખો કાવ્યોદ્‌ગાર : ‘ળળળ’

નિસર્ગ આહિર
29-10-2019

પ્રથમ સંગ્રહથી જ ગુજરાતી કાવ્યસાહિત્યમાં વિશિષ્ટ સર્જનભાત આંકી આપે છે પ્રતિષ્ઠા પંડયા. ‘ળળળ’ શીર્ષક જેટલો જ નિરાળો છે સંગ્રહનો કવિતાવૈભવ. ‘ળળળ’ કોઈ વાતના અસ્વીકાર માટે જીભ કંપાવીને કરવામાં આવતો ધ્વનિ છે. પ્રતિષ્ઠા પંડ્યાના કાવ્યોમાં અંદરની અને બહારની વિસંવાદિતા અથવા કદર્યતા સામે પ્રતિકારના રૂપમાં, પ્રતિધ્વનિના રૂપમાં પ્રતીકાત્મક ભાવમુદ્રાઓ કલારૂપ પામી છે. બીજાને ન દેખાતા, સાવ અપ્રગટ રહી જતા વિશ્વ સાથે કવયિત્રીનો સંયોગ એને ઉશ્કેરે છે, પ્રેરે છે. બહુધા તો એ ઘવાય છે રુક્ષતાથી, પરંપરિત ઘટમાળથી. એવી વેદના કે સંવેદનામાંથી આ કાવ્યો જન્મ્યાં છે. અહીં કોઈ આક્રોશ નથી, ફરિયાદ નથી પણ ઈંગિતો જરૂર છે. કવયિત્રી જાણે અંગુલિનિર્દેશ કરે છે બધું સંવેદવાની, સંવાદી થવાની, ઋજુદિલ થવાની. સમગ્રતાથી જીવતી એક સ્ત્રીનું કલાસિદ્ધ રસવિશ્વ છે અહીં.

સંવેદનશૂન્યતા, સ્થગિત સંબંધો, ચોકઠામાં જીવાતી જિંદગી, ભાવવિહીન એકસૂરીલી રફતાર, રૂઢ વ્યવહારો, બરડતા સામે કવયિત્રીની સંવેદનશીલતા, પ્રેમપ્રગાઢતા, નિસબત, ક્ષણેક્ષણ અનુભવાતી જિંદગીની સંપ્રજ્ઞતા વિરોધાય છે એટલે એક પ્રકારની ટીસ ઊઠે છે. ક્વચિત્‌ કોઈ પ્રતિકાર ન કરીને, પ્રતિભાવ ન આપીને પણ તે કલાત્મક અર્થવલયો રચી આપે છે. વિષયો નવા છે તેમ તાજા પણ છે. સ્ત્રીની બીંબાઢાળ ઘટમાળ, યંત્રવત્‌ જીવાતી જિંદગી, એકવિધતાથી ગ્રસ્ત કર્તવ્યો, ટેવરૂપ થઈ ગયેલા સંબંધોની અનેકવિધ સૂક્ષ્મસંકુલ ભાવછબીઓ છે આ સંગ્રહમાં. પિતાનું મૃત્યુ, માતાપુત્રી વચ્ચેનો પ્રગાઢ સંબંધ, લગ્નજીવનમાં પ્રવેશી ગયેલી શુષ્કતા, પૌરાણિક પાત્રોનું માનવીય રૂપ, વીતેલા સમયની ચાહત, પ્રિય સ્થળોનો અનુબંધ અહીં કાવ્યરૂપ ધરે છે. આંતર-બાહ્ય દ્વંદ્વ, આંતરિક પૂર્ણતા સામે બાહ્ય અધૂરપનો વિરોધાભાસ, ભીતરી સંવેદના સામે બહારની બરડતાથી જન્મતી વિસંવાદિતામાંથી પ્રગટતા પ્રભાવક ઉદ્‌ગારો છે આ કવિતાઓ. જે તે સંવેદન, પ્રસંગ, ઘટના, નિરીક્ષણને કલારૂપ આપવાની કવયિત્રી પાસે આગવી સર્ગશક્તિ છે.

વિશેષણો અને ક્રિયારૂપોની ગતિ સર્જીને તેઓ પોતાના કથયિત્વને તીવ્રતા બક્ષે છે, વળ ચડાવે છે. અલંકારોનો ખાસ ઉપયોગ કર્યા વિના કેવળ ભાષાના બળથી કવિતાને પ્રભાવી બનાવી આપે છે. ધ્વનિ અને વ્યંજનાનો સુભગ વિનયોગ થયો છે. લગભગ તમામ કવિતાઓ સ્ત્રીત્વનો વિશેષ પામીને પ્રગટી છે. બહુ ઓછી કવિતાઓમાં સ્ત્રીની આટલી સૂક્ષ્મતા, નજાકત અને બારીકાઈ પ્રગટી શકતાં હોય છે. આમાંની મોટા ભાગની કવિતાઓ વાંચીને કહી શકાય કે આ તો સંવેદનપટુ સ્ત્રીની જ રચના હોઈ શકે. પ્રતિષ્ઠા પંડ્યાની કવયિત્રી તરીકેની આ સિદ્ધિ છે. એમાં સચ્ચાઈ છે, જીવનરસની ગહનતા છે અને કવયિત્રી તરીકેની પ્રતિભા પણ છે.

આ કાવ્યોમાં સૌથી વધારે ગમી જાય ચમત્કૃતિ અને પ્રતીતિ. કવયિત્રી વિષય, ભાષા, રચનારીતિ, પદબંધમાં સતત નવોન્મેષ સિદ્ધ કરે છે એટલે અણધાર્યો કાવ્યરસ પ્રાપ્ત થાય છે. આવો ચમત્કારોનો એક અલાયદો વિસ્મયલોક છે અહીં. વળી, કવયિત્રીની નિસબત, સંવેદનપટુતા, અનુભૂતિઘન અભિવ્યક્તિને કારણે દરેક કાવ્ય ચોટદાર અને પ્રતીતિકર બને છે. આ કવિતાઓ કાવ્યાનંદ તો આપે છે, પણ ત્યાં અટકી જતી નથી. એ ભાવકના ચિત્તને કેથાર્સિસની કક્ષાએ મૂકી આપે છે, ચિત્તક્ષોભ આપે છે, વિચારતા કરી મૂકે છે, હૃદય ઝંકૃત કરે છે.

કમલ વોરાની કાબિલેદાદ પ્રસ્તાવના, અતુલ ડોડિયાનું આકર્ષક આવરણચિત્ર, નવજીવનનું ઉત્કૃષ્ટ પ્રકાશન અને પ્રતિષ્ઠા પંડ્યાની વિશિષ્ટ પરિપાટી સિદ્ધ કરતી કવિતા ગુજરાતી કાવ્યજગતનું એક વિશિષ્ટ સોપાન છે. કવયિત્રીને માનભેર આવકાર અને અભિનંદન !

ઉદાહરણરૂપ એક કવિતા : ‘કદી થયું છે ?’

હાથ પકડીને એ લઈ આવે
ચોરાહે તને
ને હળવેથી છોડી તારો હાથ
કહે :
‘જા ...’
સામે પડેલા
રસ્તા બેચાર
તું જોયા કરે
રસ્તાને આંખોથી
માપ્યા કરે
દિશાઓ ને અંતર ને પગલાંની
ત્રિરાશિ માંડ્યા કરે
ને પછી પાછું વળીને
એને જોયા કરે
મન મૂકીને એની પર
મોહ્યા કરે
તસતસતા હૈયામાં
બાંધેલો પ્રેમ
તું આંખોથી એને
આલિંગ્યા કરે
ન નજરું આગળ માંડે
ન ડગલું પાછળ માંડે
તું ચોરાહે રાતદિ’
તરસ્યા કરે
અંદર ને અંદર કંઈ વરસ્યા કરે
આવું તને કદી થયું છે ?

(‘ળળળ’, પૃ. પ૩)

Category :- Opinion / Literature