આજના યુગમાં ગાંધી વિચારની અભિવ્યક્તિની અનોખી ઢબ

આશા બૂચ
28-10-2019

ગાંધી ફાઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ અને બ્રહ્માકુમારી, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા, તાજેતરમાં, ગાંધી 150ના ઉપલક્ષ્યમાં, લંડનમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસીય પરિસંવાદ ત્રણ બેઠકોમાં વિભાજીત કરાયેલો: સંઘર્ષોનો અહિંસક ઉકેલ, આધુનિક વ્યાપારી ઢાંચો અને પર્યાવરણમાં આવતો બદલાવ. કુલ મળીને સાતેક વક્તાઓએ આપેલાં પ્રવચનોની ઝાંખી અહીં પ્રસ્તુત છે.

સંઘર્ષોનો અહિંસક ઉકેલ :

આ બેઠકના પ્રથમ વકતા બ્રુસ કેન્ટથી બ્રિટનના લોકો પરિચિત છે. તેઓ રોમન કેથલિક પાદરી, રાજકીય કર્મશીલ, અણુશસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની ચળવળના પ્રખર હિમાયતી, અને યુદ્ધ નાબૂદીની ચળવળના પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. તેમના વક્ત્યવ્યમાં રમૂજ અને વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિનું અદ્દભુત મિશ્રણ જોવા મળે. તેમના શબ્દો ટાંકું, “હું ગાંધી પરંપરાનો માણસ નથી, હું તેમના વિષે ખાસ કઈં જાણતો પણ નથી. હું ભારત ગયો છું, પણ અહિંસા પર શ્રદ્ધા ધરવાનાર વાતાવરણમાં નથી ઉછર્યો.” તો સહેજે સવાલ થાય કે તેઓએ યુદ્ધ નાબૂદી માટે અને અણુશસ્ત્રોથી મુક્તિ મેળવવા માટે જે પ્રયાસો કર્યા તે કઈ પ્રેરણાથી કર્યા? બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અગિયાર વર્ષની ઉંમરે બ્યુગલ બજાવનાર બ્રુસ લશ્કરમાં જોડાયા ત્યારે તેમને લડાઈનો ડર લાગતો, પરંતુ પોતાની ફરજના ભાગરૂપ અન્ય સૈનિકોને માર્યા હતા એ કબૂલ કર્યું. કેથલિક પાદરી હોવાને નાતે તેઓ લગ્નવિધિ કરાવતા. એક વખત કેન્સીંગટન પેરિશમાં લગ્નવિધિ કરાવવા રાહ જોઈ રહ્યા હતા. ચાર કન્યાઓ એક સાથે મોડી પડી. તપાસ કરતા માલુમ પડ્યું કે અણુશસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની તરફેણમાં માનનારાઓ દેખાવ કરતા સરઘસ આકારે જતા હતા, તેમાં એ કોડીલી કન્યાઓને ચર્ચ પહોંચતાં વિલંબ થયો. પોતાના કામમાં વિક્ષેપ પાડવા બદલ બ્રુસે ચર્ચની બહાર જઈ એ દેખાવકારોને ખૂબ ધમકાવ્યા. પણ એથી જ બ્રુસને એ સંગઠન અને તેમના કામ વિષે પરિચય થયો. ત્યાર બાદ તેઓ શાંતિ વિષે વધુ વિચારવા લાગ્યા, મોરલ થિયોલોજી ઓફ વોર વિષે જાણ્યું અને પરિણામે સવાલ થયો, શું અણુશસ્ત્રો પેદા કરવાથી શાંતિ જળવાય? શાંતિ જાળવવા એવી સામૂહિક હત્યા કરવી જરૂરી? 

કાયદાના અભ્યાસ દરમ્યાન યુ.એન. ચાર્ટર બ્રુસ કેન્ટના હાથમાં આવ્યું (જે બ્રિટનના દરેક નાગરિકને વાંચવાની ભલામણ તેમણે કરી છે) અને તેની પ્રસ્તાવના વાંચી ગયા. આમ તો તેમના મનમાં પેસિફીસ્ટ લોકોના પ્રયાસો વિષે શંકા હતી, પરંતુ જ્યારે ગાંધીજી, મધર ટેરેસા, અબ્દુલ ગફારખાન અને માર્ટિન લ્યુથર કિંગ જેવાનાં જીવન અને કાર્યો વિષે જાણ્યું, ત્યારે અહેસાસ થયો કે તેમનાં જેવાં આગેવાનોએ સમાજને બદલવા અહિંસક માર્ગને અપનાવીને એક નવી દિશા બતાવી; એટલું જ નહીં યુદ્ધ વિરોધી હોવું એટલે કશું ન કરવું એ સાચું નથી, પરંતુ તે માટે જરૂર આકરાં પગલાં લેવાં, પણ તે અહિંસક હોવાં આવશ્યક તેમ સમજાયું. અને ત્યાર બાદ તેઓ યુદ્ધ અને અણુશસ્ત્રોના વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવવા કટિબદ્ધ થયા. બ્રિટન શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાવે તે માટે પ્રયાસ કરનારાઓમાં બ્રુસ કેન્ટ અગ્રણી છે. તેમનું દ્રઢ માનવું છે કે સમાજમાં પરિવર્તન આવે છે. ગુલામી પ્રથા નાબૂદ થઇ, મહિલાઓને મતાધિકાર મળ્યો, પીટરલૂ હત્યાકાંડ થયો, પણ અંતે સાર્વત્રિક મતાધિકાર મળ્યો તેમ એક વખત શસ્ત્રોનું વેચાણ બંધ થશે. છેવટ શ્રોતાઓને તેમણે ચીમકી આપી કે દુનિયામાં માનવહિત વિરોધી જે કઈં બની રહ્યું છે તે સમયે ‘અમે તો સારા છીએ’ એમ માનીને સંતોષ મેળવવો અને આસપાસની ઘટનાઓને બેઠા બેઠા જોયા કરવાનો સમય હવે નથી. એમણે પડકાર કર્યો, ‘ઊભા થાઓ અને કઈંક કરો.’ જોઈએ, કેટલા લોકોને આ વાત સ્પર્શે છે તે.

પ્રથમ બેઠકના બીજા વક્તા હતાં અનોખું વ્યક્તિત્વ ધરાવતા એક મહિલા જેઓ ફિલિપાઇન્સના મૂળ વાતનીઓના અધિકારો માટે અહિંસક લડત લડવા માટે જાણીતાં છે. વિક્ટોરિયા તાઉલી-કોર્પઝ [Victoria Tauli-Corpuz] અને તેમના પતિએ TEBTEBBA નામનું એક સંગઠન શરૂ કરેલું જેના વિષે એક અલગ લખાણ લખી શકાય. www.tebtebba.org પર એ વિષે વધુ માહિતી મળી શકે. 2001ની સાલમાં વિક્ટોરિયાએ અન્ય કર્મશીલો સાથે જોડાઈને લંડનમાં માઇન્સ એન્ડ કમ્યુનિટીઝ નામના એક કેન્દ્રની સ્થાપના કરી, જે દુનિયા આખીમાં ખાણ અને ધાતુના ખનન ઉદ્યોગોથી સ્થાનિક આદિવાસીઓ અને જે તે સ્થળના મૂળ વતનીઓના માનવ અધિકારને લઈને સંઘર્ષ પેદા થાય છે તેના ઉકેલ માટે કાર્યશીલ રહે છે. આ ક્ષેત્રમાં યુ.એન.માં નોંધપાત્ર કાર્ય કરવાને પરિણામે વિક્ટોરિયાને ઘણી પ્રશસ્તિ મળી છે, પરંતુ ફિલિપાઇન્સ એક એવો દેશ છે જેના પ્રેસિડેન્ટ ખુલ્લેઆમ માનવ અધિકાર માટે માંગણી કરનારાઓને આતંકવાદી જ માને છે, અને તેથી જ વિક્ટોરિયા ફિલિપાઇન્સના આતંકવાદીઓની યાદીમાં સામેલ હતાં. તેમની ગમે ત્યારે ધરપકડ થઇ શકે અને સતત હત્યાના ભય નીચે જીવવાની સ્થિતિમાં તેઓ રહી ચૂક્યાં છે. ગાંધી ફાઉન્ડેશન યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા એનાયત થતું 2018નું પારિતોષિક તેમને તે દિવસે અર્પણ કરવામાં આવ્યું હતું.

ફિલિપાઇન્સના મૂળ વતનીઓના માનવાધિકાર માટે મોટી મોટી કંપનીઓ સામે અહિંસક લડત લડવાના પોતાના અનુભવો વિક્ટોરિયાએ વર્ણવ્યાં. ઘણાં વર્ષો પહેલાં તેમના વતનમાં એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રકલ્પ હેઠળ મોટો બંધ બાંધવાની યોજનાના અમલને પરિણામે, ત્યાંના લગભગ 2,00,000 વતનીઓના કબ્રસ્તાન પર કંપનીએ કબ્જો જમાવી લીધો. વિરોધ કર્યો, તો એ સમૂહ પર બૉમ્બમારો કરવામાં આવ્યો. માર્શલ લૉ જાહેર કરવામાં આવ્યો. મૂળ વતનીઓ જાણતા નહોતા કે આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે શું કરવું. તેવામાં વિક્ટોરિયા અને તેમના સાથીદારોને યુ.એન.ના ચાર્ટરની જાણ થઇ. આદિવાસી કોમના વડીલોએ રોબર્ટ મેકનમારાને પત્ર લખી કહ્યું, “તમે આ બંધ બાંધવાની મંજૂરી આપવાની હિંમત કેવી રીતે કરી?” પરંતુ સરકાર તરફથી એ પ્રજાના હકોનાં રક્ષણ માટે કશું જ કરવામાં ન આવ્યું. આ ઘટનાના 25 વર્ષ બાદ, કંપની અને સરકારી અમલદારોએ સ્વીકાર્યું કે તે સમયે જેનોસાઇડ-સામૂહિક હત્યા થયેલી અને અસંખ્ય લોકોને વિસ્થાપિત થવું પડેલું. જાન ગુમાવી બેઠેલાનાં સ્વજનો અને આજીવિકાની તકો ગુમાવીને અશક્ય બનેલા તથા પોતાની સંસ્કૃતિને વિનાશને આરે બેઠેલી જોનારા લોકો માટે એ ઘણું મોડું થઇ ગયેલું.

માઇન્સ એન્ડ કમ્યુનિટીઝ વિષે વિક્ટોરિયાએ વધુ વિગતો આપી તે જાણી લઈએ. ભારતને સ્વતંત્રતા મળી ત્યાર બાદ આદિવાસી કોમના સભ્યોએ જવાહરલાલ નહેરુને કહેલું, “તમે અમને લોકશાહી આપી નહીં શકો, અમારે તે લોકશાહી ઢબે મેળવવી પડશે.” એ બાબત ફિલિપાઇન્સના મૂળ વતનીઓને પણ લાગુ પડે. ગાંધીજીએ અર્થકારણ, શિક્ષણ, રાજકારણ અને સામાજિક મુદ્દાઓને સ્પર્શતી તમામ અન્યાયી પરિસ્થિતિઓનો હલ કરવા માટે ઉપયોગમાં લીધેલ અહિંસક પદ્ધતિનાં સાધન સમાન અસહકારનું દ્રષ્ટાંત નજર સામે રાખીને વિક્ટોરિયાએ આદિવાસી જાતિઓ, જે અન્યાય અને જુલ્મ સહન કરે છે તેને અધિકારો અપાવવા જંગ માંડ્યો. ધાતુની ખાણોનો ઉદ્યોગ શરૂ થવાને કારણે સ્થાનિક પર્યાવરણને પારાવાર નુકસાન થયું, પ્રજાની સંસ્કૃતિ નાશ પામી, તેમની આજીવિકાના સાધનો ગયાં અને સહુથી વધુ તો તેમના માનવ અધિકારો પર તરાપ પડી. જળ-જમીન અને જંગલની પેદાશ પર નભતી આદિવાસી પ્રજા સંસ્થાનવાદી વહીવટને કારણે ખૂબ જ ખરાબ સ્થિતિમાં રહેવા મજબૂર બની. જો ધાતુઓ મેળવવા ખાણ હોવી અનિવાર્ય જ હોય, તો તેનો માનવ જીવન અને પર્યાવરણને પુષ્ટિ કરે તેવો ઢાંચો હોવો અનિવાર્ય છે તેમ તેઓ કહે છે. હવે જો કે પેટ્રોલ અને ડીઝલના વપરાશથી પેદા થતા પ્રદૂષણને નાથવા વીજળીથી ચાલતાં વાહનો બનાવવાં લિથિયમ વાપરીને બનાવાતી બેટરીની માગ વધવાને કારણે કોબાલ્ટની ખાણો વધવા માંડી છે. બકરી કાઢતાં ઊંટ પેસે તે આનું નામ! 

ગાંધી ફાઉન્ડેશન યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા એનાયત થતું 2018નું શાંતિ માટેનું પારિતોષિક મેળવનાર વિક્ટોરિયાએ તેમણે હાથ ધરેલ એક ચુનૌતી વિષે વધુમાં જણાવ્યું કે છેક 1969માં ફિલિપાઇન્સની એ મૂળ આદિવાસી કોમનો ‘માનવ’ જાતિમાં સમાવેશ કરવામાં આવ્યો, અને ત્યાર બાદ તેમને માનવ અધિકારો અપાવવા માટે કેટલાક લોકો કાર્યરત થયા. એ દિશામાં ઘણી પ્રગતિ થઇ છે, છતાં હજુ ઘણું કામ બાકી છે. પોતે પણ એ જ મૂળ વતનીઓના સમૂહના સભ્ય હોવાને નાતે વિક્ટોરિયાએ કહ્યું કે, “અમને અમારી આસપાસ બનતી ઘટનાઓ અને ખાસ કરીને ગુનાઓ માટે ખોટી રીતે જવાબદાર ઠેરવવામાં આવે છે, હજુ પણ શોષણ કરવામાં આવે છે.” આમ છતાં નોંધ લેવા જેવી બાબત એ છે કે એ મૂળ વતનીઓ અહિંસક સાધનોનો ઉપયોગ કરીને જ પોતાના અધિકારો માટે વર્ષોથી લડી રહ્યાં છે. સ્થાનિક કોર્પોરેશન, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સરકાર તરફથી આ કર્મશીલોને અને મૂળ વતનીઓની ખૂબ કનડગત કરવામાં આવે છે, પરંતુ ગાંધીનો આદર સાચવવા અહિંસક રીતે જ લડત જારી રાખવા તેઓ વચનબદ્ધ છે. તે પ્રજા અને વિક્ટોરિયા જેવા કર્મશીલોને સાદર વંદન.

Initiatives of Change UKના મુખ્ય સૂત્રધાર પૉલ ગટરીજના વક્તવ્યથી પહેલી બેઠક સંપન્ન થઇ. વિશ્વમાં વ્યક્તિગત સ્તરે મૂલ્યોમાં બદલાવ લાવીને શાંતિ સ્થાપવાની નેમ ધરાવતા પૉલ છેલ્લા બે દાયકાથી Third Sectorના વિવિધ સંસ્કૃતિ, ધર્મ અને રાજકીય પૃષ્ઠભૂમિના લોકો સાથે મળીને કામ કરે છે. સામાજિક, આર્થિક, ધાર્મિક અને જાહેર સેવાઓના આગેવાનો સાથે કામ કરીને તેઓ પરિવર્તનનું વહેણ નીચેથી ઉપર તરફ ગતિમાન કરવા કોશિશ કરી રહ્યા છે. આ પ્રકારના કાર્યમાં જોડાવા પાછળનો પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું, ઇંગ્લેન્ડમાં થયેલ કોમી રમખાણો સમયે તેમનો જન્મ. સાત-આઠ વર્ષની ઉંમરે હિંસા આચરાતી જોઈ. પોતાની માતાને તેની બૂરી અસર થયેલી. તે વખતે ખ્યાલ આવ્યો કે big doors swing on small hinges - મોટું બારણું નાના મજાગરા પર ઝૂલતું હોય છે. આપણે આગેવાન થવાની જરૂર નથી, પણ આગેવાન જેવા કાન - સાંભળીને સમજવાની શક્તિ હોવી જોઈએ. આજે પ્રસરી રહેલી હિંસાનું કારણ વ્યક્તિત્વવાદ અને વ્યક્તિનું નાના નાના કણમાં રૂપાંતર થઇ જવું તે છે.

પૉલના પિતા સ્પેશ્યલ ફોર્સીસમાં સૈનિક હતા. પોતાની ફરજના ભાગ રૂપ આક્રમણ કરનારાઓને રોકવા બળ વાપરતા. વધુ બળવાન શક્તિ બળનો ઉપયોગ કરે ત્યારે ઓછા બળવાન પોતાને લાચાર અને શક્તિહીન અનુભવે. તો એક વ્યક્તિ તરીકે નાના મોટા હિંસક બનાવોનો સામનો કેમ કરવો એ સવાલ છે. એ માટે આ સત્ય સમજવું જરૂરી છે કે આપણે એક મોટા ચિત્રના એક ભાગ રૂપ છીએ. આખર પ્રેમનો જ જય થાય છે એ વિશ્વાસ હોવો જોઈએ. તેમને તેમની માતાને મારનારને હાનિ પહોંચાડવાની ઈચ્છા  થઇ, પણ હિંસા ગમતી નહોતી; છતાં એ રોકવા અસમર્થ હતા તેમ લાગ્યું. હિંસાનો અહિંસક સામનો કરવો એ બુદ્ધિથી સાવ સહેલો માર્ગ લાગે, પણ લાગણીની દ્રષ્ટિએ ઘણો કઠિન રસ્તો છે. એક કરતાં વધુ વ્યક્તિ સાથે મળીને આ દિશામાં પરિવર્તન લાવી શકીએ એવી તેમને શ્રદ્ધા બેઠી.

પૉલને અહેસાસ થયો કે આપણે વ્યક્તિ તરીકે કોઈ એક અણુ માત્ર નથી, પણ પરસ્પર સંકળાયેલા છીએ. હા, આપણે પણ આત્યંતિક થઇ શકીએ, પણ અત્યંત ઉદાર, અત્યંત પ્રેમાળ, અત્યંત સહનશીલ અને અત્યંત અહિંસક. અને આ બધાની પ્રક્રિયા અંતરમાં શરૂ થાય. તેઓ પોતે કાઉન્સિલના ઘરમાં ઉછરીને મોટા થયા. આસપાસ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા લોકો વસે. તેઓ ઉદ્દામ મતવાદી બની ગયા હોત. ઉદ્દામવાદને સકારાત્મક સંજ્ઞાથી કેવી રીતે જોઈ શકાય? ઉદ્દામ વિચારો ફેલાવતા રાજકારણીઓને સુધારવાને બદલે સારા - ઉદાર માણસોને રાજકારણમાં સક્રિય કરી શકાય. આથી જ પૉલ અને તેમના જેવા વિચારો ધરાવતા લોકો પાડોશીઓ અને સ્થાનિક સંગઠનોનો સંપર્ક કરીને તેમને એ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. આપણે સમજવું રહ્યું કે સામાન્ય પ્રજાની આર્થિક વિડંબણાઓ અને અણુશસ્ત્રો પર ખર્ચાતા કરોડો પાઉન્ડને સીધો સંબંધ છે એ જ રીતે વિઘટિત થતા સમાજને અને હિંસાને પણ સીધો સંબંધ છે. 

પૉલે પોતાની વાતને સમેટતાં કહ્યું, કુદરતના નિયમો અને માનવીનાં મૂળભૂત મૂલ્યો દરેક જગ્યાએ લગભગ સરખાં હોય છે. પરંતુ ધન, સત્તા અને મોજશોખના આ જમાનામાં આપણું ધ્યાન ‘હું અથવા મારા’ પર છે, ‘અમે કે આપણા’ પર નહીં. આપણી ફરજ છે, લોકોને આર્થિક ન્યાયની યાદ અપાવવી. ગાંધીએ એ જ કર્યું. આર્થિક રીતે ન્યાયી સમાજ જ અહિંસા શીખવી શકે. તેમણે અંતમાં ગાંધીને ટાંકીને કહ્યું, “જીવન પરમ પાવન છે એટલે મારે તો કોઈને ન મારવો જોઈએ, પણ સામા માણસે પણ મને ન મારવો જોઈએ. મને મારવામાં એ ક્યારે ય સફળ ન થાય તે મારે જોવું જોઈએ.” ગાંધીજીના મનમાં એ વિચાર હશે કે મને મારવાથી સામા માણસને પવિત્ર જીવન હણી લેવાનું પાપ લાગે તે મારે ન થવા દેવું જોઈએ. અહિંસાની કેટલી હદે પરવા? પોતાને દુ:શ્મન માનનારને પણ પાપમાં ન પાડવા દે!

આધુનિક વ્યાપારી ઢાંચો :

પરિષદની બીજી બેઠક વિષે મારા મનમાં વિશેષ ઇંતેજારી હતી. ગાંધી વિચારની સહુથી વધુ અવમાનના ઉત્પાદન અને વેપારના ક્ષેત્રોમાં થઇ છે તેવું જોવા મળે છે, એથી એ ત્રણે વકતાઓ પોતપોતાના દ્રષ્ટિબિંદુ દ્વારા શું પ્રતિપાદિત કરશે તેના વિષે ઉત્કંઠા હતી. આ બેઠકનાં સંચાલિકા જીના લાઝેનબી એક વકતા, લેખિકા, શિક્ષિકા, માર્ગદર્શક અને મહિલાઓનાં સ્વાસ્થ્ય માટેના સમર્થક એવી બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમનું માનવું છે કે મૂડીવાદ અહીં અડ્ડો જમાવીને બેઠો જ છે, તો હવે સજાગ મૂડીવાદ લાવવાની કોશિષ કરવી રહી. જીનાનું મંતવ્ય છે કે હાલનો મૂડીવાદ એક નવ પ્રભાત લઈને આવ્યો છે. એ વિષે ત્યાર બાદના વકfતાઓએ વધુ માહિતી આપી તે જોઈએ. 

એન્ડ્રુ સીમ્સની એક ઓળખ પોલિટિકલ ઈકોનોમિસ્ટની અને ન્યુ વેધર ઇન્સ્ટિટ્યૂટના સહ સંચાલક તરીકેની છે, તે ઉપરાંત અનેકવિધ સંગઠનોમાં કાર્યરત રહેતા અર્થકારણના અભ્યાસુ અને જાણકાર તરીકે પણ સ્થાન મેળવી ચુક્યા છે. તેમણે ‘અર્થ ઓવરશૂટ ડે’ એવો નવો શબ્દ પ્રયોગ યોજ્યો છે, જે આપણે જે દહાડાથી આપણી પાસેના પ્રકૃતિક સંસાધનો ખતમ થયા બાદ પણ જીવિત રહેવા લાગશું તે દિવસની નોંધ લેવા માટે ઉપયોગમાં લીધો છે. તદુપરાંત આપણાં શહેરોની મુખ્ય બજારો એક સરખા ચેઇન સ્ટોર્સ હોવાને કારણે કેવી બીબાંઢાળ દેખાઈ રહી છે તે વિષે પણ ધ્યાન દોર્યું છે.

આધુનિક વ્યાપારી ઢાંચા વિષે વાત કરતાં પહેલાં એન્ડ્રુએ કહ્યું કે આજનો મૂડીવાદ કુદરતને ચાર હાથે લૂંટવા બેઠો છે. જે ઝડપથી આપણા સ્રોતો વાપરીએ છીએ તે વિનાશક છે. ગાંધીજીએ કહેલું, “મારા ઘરને દીવાલો હશે, પણ બારી-બારણાં ખુલ્લાં રાખીશ જેથી બહારની હવા અંદર આવે. તેમ છતાં મારા પગ જમીન પરથી ડગી જાય તેવી પરિસ્થિતિનો હું તદ્દન અસ્વીકાર કરું છું.” તેમણે ભારતવાસીઓને ચેતવેલા કે બ્રિટન પોતાની જરૂરિયાતો સંતોષવા એક ગ્રહમાં ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપભોગ કરે છે, જો ભારત પણ એ રસ્તે જશે તો તેને સાત ગ્રહોની જરૂર પડશે. અહીં તેમણે ભૂખાળવા ઉપભોક્તાવાદ અને તેને સંતોષતા મૂડીવાદ સામે લાલ બત્તી ધરી હતી. આપણી પાસે કુદરતી સંસાધનો ટાંચા છે, ખતમ થવા આવ્યા અને છતાં તેના પર જીવન નભાવીએ છીએ. આ ગતિએ દુનિયાનો અંત જોવો સહેલો છે, પણ આર્થિક પરિસ્થિતિમાં કોઈ બદલાવ નથી લાવતા. શા માટે?

વાહનવ્યવ્હારમાં થયેલ પ્રગતિ અને વ્યાપારી વિકાસને સીધો સંબંધ છે. એન્ડ્રુના કહેવા મુજબ બધાં સાધનોમાં ટ્રેન સારી ગણાય. 19મી સદીમાં બ્રિટનમાં 4,400 માઈલ રેઇલ નાખેલી. ઔદ્યોગિક ક્રાંતિને પગલે આવેલ રેલવેએ દેશની સિકલ બદલી નાખી. અર્થ વ્યવસ્થા થોડી જટિલ હોય છતાં તે પર્યાવરણનો થોડો પણ ખ્યાલ કરે તેવી હોવી જરૂરી છે અને તે રેઇલ રોડનો ઉપયોગ કરવાથી થોડે ઘણે અંશે જળવાઈ રહેલું. આપણે ગુણવત્તામાં ઉત્તમ એવી અર્થવ્યવસ્થા ઊભી કરવાની હતી, મોટી નહીં. હાલ તો પાણીનું ચક્ર બદલાઈ જવાથી આબોહવાનું સંતુલન જોખમમાં આવી પડ્યું છે. બધા ઉદ્યોગ ધંધાઓ ચલાવવા શક્તિ સ્રોત જોઈએ, પણ એ લાવવા ક્યાંથી? આપણો ખોરાક, રાંધવાની રીત, જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ એ તમામ બાબતોમાં ધરખમ ફેરફાર થયા છે. એક વખત વાપરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ હાનિકારક છે તેમ જાહેર કર્યું, પણ તે માટે આપણે શું કર્યું? ગ્રેટા થુનબર્ગની ચળવળ શરૂ થયા બાદ સ્વીડનમાં 8% લોકોએ એર ફ્લાઈટ ઓછી લીધી. જે ઝડપથી આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ એ ઝડપ અને તેટલી માત્રામાં પરિવર્તન આવશે ખરું? દુનિયાની એકે એક વ્યક્તિએ પોતાના રોજબરોજના જીવનમાં બદલાવ લાવવો પડશે. તે માટે મહેનત કરવી પડશે, લોટરી લાગવાથી મળે તેવો લાભ આ નથી. એન્ડ્રુએ સહુને ઘણા મુદ્દાઓ વિષે વિચારતા કર્યા.

એક વકીલ, કરવેરા વિશેના સલાહકાર અને આંતરરાષ્ટ્રીય વકીલાતની ફર્મના ભાગીદાર એવી ત્રિવિધ વ્યવસાયિક ભૂમિકા ભજવનાર આધુનિક વ્યાપારી મોડેલ વિષે વાત કરી શકે તેવી કલ્પના આવવી મુશ્કેલ. પરંતુ દ્વિતીય બેઠકના વક્તા ગ્રેઅમ નટલ એક એવી વ્યક્તિ છે જેઓ ઉપર ઉલ્લેખ કર્યો છે તે તમામ કામગીરી બજાવવા ઉપરાંત યુનાઇટેડ કિંગ્ડમની સરકારને નોકરિયાતો નાની મોટી કંપનીઓ અને ઉદ્યોગોના માલિક બને અથવા નફામાં સહભાગી બને તે માટે નીતિ ઘડવામાં મદદરૂપ થયા છે. સરકારે તેમના સૂચનોને માન્ય કરીને કંપની અને કરવેરા અંગેના કાયદાઓમાં ફેરફાર કર્યા છે. નોકરિયાતોના હિત માટે નીતિ ઘડવા બદલ તેમને OBEનો ઇલકાબ મળ્યો છે. વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાને પરિણામે ગ્રેઅમનો અનુભવ કહે છે કે નાનોસૂનો બદલાવ મોટી અસર ઉપજાવી શકે છે. એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ આ સિદ્ધાંત ઉપર સ્થપાયું. મૂડીવાદ પૂરજોશમાં પકડ જમાવી બેઠો છે જેને કારણે આર્થિક વિકાસ થતો જોવા મળે છે પરંતુ તેનાથી મળતો લાભ જે તે કંપનીના માલિકોને અનેક ગણો  અને નોકરિયાતોને ઓછો મળે છે, જે સમાજમાં આર્થિક અને સામાજિક અસમાનતા પેદા કરે છે. આ હકીકતનો અહેસાસ થવાથી મિલકત ઊભી કરવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાનું નિર્માણ કરવાના વિચાર સાથે ઘણી કંપનીઓ શેર હોલ્ડર્સને તેના માલિક બનાવવા લાગી છે. જ્હોન લુઈસ અને ઇલેક્ટ્રોનિક સાધનોના વેપારી રિચર સાઉન્ડ્સ તેના ઉદાહરણ છે. આ દેશમાં લગભગ 400 જેટલા એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ સ્થપાઈ ચુક્યા છે. આ દિશામાં કામ કરનારાઓને વિશ્વાસ છે કે ઉત્પાદન અને વ્યાપારના ક્ષેત્રમાં આ નવીન રીતિ અપનાવવાથી આવકમાં અસમાનતા ઘટશે, નોકરિયાતો અને કામદારોમાં સ્વનિર્ભરતા વધશે અને સહકારથી કામ કરવાને કારણે માલની ગુણવત્તા પણ સુધરશે.

જીના લાઝેનબી, એન્ડ્રુ સિમ્સ અને ગ્રેઅમ નટલની વાતનો સાર એ નીકળ્યો કે વ્યાપાર અને ઉદ્યોગો તથા એને લગતા વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને ખ્યાલ આવ્યો છે કે મૂડીવાદ એ એક એવી વિચારસરણી છે જેને અનુસરવાથી થોડા લોકોના હાથમાં મોટા ભાગની મિલકત સંચિત થાય. આ સ્થિતિ નૈતિક રીતે સાચી કે સારી નથી. તો સવાલ એ છે કે ઉત્પાદક કંપનીઓ અને વ્યાપારીઓ પિતાની નીતિમત્તા વિષે જાગૃત ક્યારે અને કેવી રીતે થશે? માણસ પોતાને જરૂરી વસ્તુઓ જ બનાવે, ઊગાડે અને વેંચે, નહીં કે પોતાની ‘ઈચ્છાઓ’ને પોષવા વધુને વધુ વેપાર કરે તો પર્યાવરણનું સુપેરે રક્ષણ થાય. યુનાઇટેડ કિંગ્ડમમાં ડી-કાર્બનાઇઝેશન બિલ પસાર થયું છે. તેનાથી શો ફાયદો થયો? આજનો સમાજ નાગરિકોનો નહીં, ગ્રાહકોનો બનેલો છે. જીવનને સ્પર્શતા દરેક કાર્યક્ષેત્રો વ્યાપારી ધોરણે કામ કરે છે, શાકભાજી અને અનાજ, કાપડનો વેપાર થાય તે સમજાય, પણ હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, ધર્મસ્થાનો, પ્રાકૃતિક સૌંદર્ય ધામો અને ખુદ સરકારી વહીવટી તંત્ર પણ નફા-તોટાનો હિસાબ કરીને ચલાવવામાં આવે ત્યારે સમજવું કે નાગરિક્ત્વની સાથે સંસ્કૃતિ પણ લુપ્ત થવાને આરે આવી ઊભી છે. પરંતુ એમ્પ્લોઈ ઓનરશિપ ટ્રસ્ટ જેવા સંગઠનો ઊભા થતાની સાથે આખર માનવ જાત પોતાની ભૂલ સમજીને સહકારી મંડળીઓ અને નફાની સમાન ભાગીદારી વાળી માલિકીથી ચાલતા ઉદ્યોગ-ધંધા તરફ વળી રહી છે તેવી ખાતરી થાય.

પર્યાવરણમાં આવતો બદલાવ :

છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણમાં આવતા ધરખમ ફેરફારોને કારણે તેને સુરક્ષિત રાખવાની હિલચાલ જોર પકડતી જાય છે. તે વિષે ચિંતન અને સંશોધન કરનારાઓને ખ્યાલ આવ્યો કે માનવ જીવન પરનું કુદરતી સંકટ ટાળવા અને નિવારવા માટે આપણે આપણી જીવન પદ્ધતિમાં ફેરફાર અને તે પણ તાત્કાલિક કરવા પડશે. પરિષદની ત્રીજી બેઠક આ મુદ્દાને સમર્પિત હતી. ગાંધી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને જીવિકા ટ્રસ્ટના બોર્ડના સભ્ય માર્ક હોડાએ ત્રીજી બેઠકનું સંચાલન કર્યું. જીવિકા ટ્રસ્ટ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી અને નિમ્ન જ્ઞાતિની ગણાતી મહિલાઓ માટે રોજગારીની તકો પૂરી પાડવાનું કાર્ય કરે છે. 

એ બેઠકના વક્તા લિંડસી ફિલ્ડર કુક જીનિવા સ્થિત કવેકર યુનાઇટેડ નેશન્સ ઓફિસ ખાતે ક્લાઈમેટ ચેન્જ માટેના પ્રતિનિધિ તરીકે સેવાઓ આપે છે. QUNO પર્યાવરણમાં આવતાં પરિવર્તનોને શાંતિ અને ન્યાયના દ્રષ્ટિકોણથી જુએ છે. લિંડસી વિવિધ દેશો સાથે માનવીની વર્તનભાત પર્યાવરણને પોષક બને તેવી રીતે બદલાય તે માટે વાટાઘાટો કરવાનું કાર્ય કરે છે તેમ જ મનુષ્યની પર્યાવરણ પર થતી અસરો માટેનાં સંશોધન તથા માનવ અધિકાર માટેની સમિતિમાં સક્રિય ફાળો આપી રહ્યાં છે. તેમણે રાજકારણ, સાહિત્ય અને ક્લાઈમેટ ચેન્જના વિષયો સાથે અનેક ઉપાધિઓ મેળવી છે, અને યુનાઇટેડ નેશન્સ સાથે માનવ અધિકાર માટે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં પણ કામ કર્યું છે.

લિંડસીએ ગાંધીજીનું પર્યાવરણવાદી તરીકેનું પાસું શ્રોતાઓ સમક્ષ ખડું કરતાં કહ્યું કે તેઓ આજે વપરાશમાં લેવાતી ભાષામાં નહોતા બોલ્યા, પરંતુ એક ખરા પર્યાવરણપ્રેમી તરીકેનું જીવન જીવ્યા અને દુનિયાને સાચો રાહ બતાવ્યો. કદાચ એનું કારણ એ છે કે પર્યાવરણ એ સામાજિક ન્યાય સાથે પણ જોડાયેલ મુદ્દો છે. ઊંડો વિચાર કરતા જણાશે કે ઔદ્યોગિકરણ થયા બાદ ઉત્પાદન અને વ્યાપારની પદ્ધતિ અને જીવનરીતિ ખૂબ બદલાયાં. ગાંધી લંડન અભ્યાસાર્થે આવ્યા, ત્યારે તેમના પર કવેકરની વિચારસરણીની અસર થયેલી, આજે હવે કવેકર તેમના વિચારો સમજીને અનુસરવા માગે છે! વિશ્વના વિકસિત અને વિકાસ પામી રહેલા દેશોને અહેસાસ થયો છે કે પર્યાવરણને થતું નુકસાન તાકીદનાં પગલાં માગી રહ્યું છે, જો મોડું થશે તો પૃથ્વી પરના માનવી અને કુદરત વચ્ચેનું સંતુલન જળવાશે નહીં. આધુનિક જગતમાં વિકાસની ઝડપ અને દિશા ઘણા લોકોને અસરકર્તા નીવડી છે. સંશોધન કરનારા સંગઠનો સરકારી નીતિ માનવ અધિકારની વિરુદ્ધમાં જણાય તો કોર્ટનો આશ્રય પણ લે છે. સમય આવ્યો છે કે આપણે સ્વીકારીએ કે જૈવિક વ્યવસ્થા પડી ભાંગવાને આરે આવી ઊભી છે. આપણે જરૂર તેને નાશ થતી અટકાવી શકીએ કેમ કે તે આંશિક રીતે માનવ જાતિએ લીધેલાં પગલાંઓનું જ પરિણામ છે.

માનવી એમ ધારે કે પાણી, આકાશ કે જમીન પર રહેતાં જીવો નાશ પામે તેમાં મારું શું બગડે? પરંતુ જળ, જમીન અને જંગલની પેદાશો પર જીવનારા લોકોને પૂછો તો કહેશે કે એમ થવાથી અમારી રોજગારીની તકો જાય, પૃથ્વીનું તાપમાન વધવાથી પૂર વધુ સંખ્યામાં આવે, તો જમીન ડૂબી જાય અને કુદરતી આફતો વધુ ને વધુ સમૂહોને ભરખી જાય. પ્રકૃતિમાં જે ફેરફારો એક હજાર વર્ષમાં આવેલા તે 100 કે 150 વર્ષમાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ઔદ્યોગિક ક્ષેત્રમાં શોધખોળો કરી ત્યારે તેના થકી આવનારા બદલાવને કારણે કેવું અર્થકારણ રચાશે તેનો ખ્યાલ નહોતો. મોટા ઉદ્યોગોને ટકાવવા કેટલી ઊર્જા વપરાશે, ખાધા ખોરાકીનો કેટલો સામાન જોઈશે અને અમર્યાદ પ્રમાણમાં ઉત્પાદન કરેલી વસ્તુઓને વેંચવા દેશ પરદેશ મોકલવા કેવાં પ્રકારનાં વાહનોની આવશ્યકતા પડશે તે વિષે લાંબો વિચાર કોઈએ નહોતો કર્યો. તે સમયે બસ વિજ્ઞાન અને ટેક્નોલોજીએ આપેલ નવાં ઉપકરણોના ઉપયોગથી ભૌતિક સુખ સગવડો વધારવા પાછળ માનવી પાગલ થયો. કુદરતની જાળવણીનો તેને જરા પણ ખ્યાલ નહોતો. આજે હવે એ સમસ્યા એક નૈતિક જવાબદારી બનીને ઊભી છે.

લિંડસીએ પર્યાવરણ વિષે વાત કરતાં એક બીજી મજાની વાત તરફ ધ્યાન દોર્યું. ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ શાસન દ્વારા આચરવામાં આવતી રંગભેદી નીતિનો અનુભવ કર્યો. તેમણે વિચાર કર્યો, આ અન્યાય થયો તેની અવગણના કરું કે પડકારું? અન્યાયનો સામનો કરવાના નિર્ણયમાંથી અહિંસાનો જન્મ થયો. તેઓ એકલા કઇં ન કરી શક્યા હોત. હિટલર પણ એકલો અત્યાચાર ન કરી શક્યો હોત. ગાંધી પાસેથી પાઠ ભણીને આપણે પર્યાવરણને બચાવવા એકજૂટ થઈએ. આપણે સહુ જાણીએ છીએ કે માંસાહાર કરવાથી માંડીને શસ્ત્રો બનાવવા અને વાપરવાથી વાતાવરણને પારાવાર નુકસાન થાય છે. તેથી જ તો વીગન ન બની શકો તો શાકાહારી બનવા ભલામણ થઇ રહી છે. દુનિયાના 80% લોકો અપૂરતા અને કુપોષણથી પીડાઈ રહ્યા છે, તો સામે છેડે બે મિલિયન જેટલા વધુ પડતું વજન ધરાવતા અને સ્થૂળકાય લોકો પણ મોટી સમસ્યા સર્જી રહ્યા છે. ભારતને તો એક વધુ સમસ્યાનો પણ સામનો કરવો પડે છે અને તે છે જમીનમાં તળનું પાણી શોષાઈ રહ્યું છે જે પર્યાવરણ માટે અતિશય ગંભીર સમસ્યા ઊભી કરે.

આપણે રખેને માનીએ કે માત્ર ખોરાકમાં બદલાવ લાવવાથી પર્યાવરણ બચી જશે. સારી ય માનવ જાતિએ અનેક બાબતોમાં ધરખમ પરિવર્તનો લાવવા જરૂરી છે. લિંડસીએ મુદ્દાની વાત કરી, લડાઈ પહેલાં માણસના મસ્તિષ્કમાં આકાર લે છે, એટલે શાંતિનાં બીજ પણ માનવીના મગજ અને દિલમાં જ વાવવાં જોઈશે. વધુ પડતો ભુખાળવો ઉપભોક્તાવાદ વિનાશક છે એ જાણ્યું, તો એ ટેવ કેમ બદલવી? તે માટે અવિચારી ખરીદ-વેચાણની ટેવ કેવી રીતે પડી તે  વિચારવું પડે. પર્યાવરણ પ્રદૂષણથી દુષિત થાય છે તે ખરું, પણ રાજકારણમાં પ્રદૂષણ પેઠું છે તેનું શું? કદાચ એ પ્રદૂષણ બીજાં ક્ષેત્રોને દુષિત કરનારું પરિબળ હોઈ શકે તે નોંધવું રહ્યું. ઔદ્યોગીકરણનાં પગરણ બ્રિટનમાં થયેલ, તેથી તેને પરિણામે તથા નુક્સાનને રોકવા અને તેનું નિવારણ કરવાની જવાબદારી તેની વધુ છે. યુરોપિયન યુનિયન આ દિશામાં પગલાં ભરવામાં આગળ છે. પક્ષીય લોકશાહીનો ગેફાયદો એ છે કે રાજકીય પક્ષને મોટા મોટા ઉદ્યોગપતિઓ પ્રચાર અર્થે નાણાં આપે એટલે સરકાર પર્યાવરણની રક્ષા માટે કે કામદાર વર્ગનું થતું શોષણ અટકાવવા માટે ગમે તેટલા કાયદા ઘડે, તો પણ મૂળ પ્રશ્ન હલ ન થાય. લિંડસીના આ વિધાનો સહુને વિચારતા કરી મૂકે તેવા છે.

ત્રીજી બેઠકના આખરી વકતા બ્રહ્મા કુમારીઝનાં યુરોપ ખાતેના ડાયરેક્ટર સિસ્ટર જયંતીએ અત્યંત મૃદુ કંઠે પર્યાવરણ, અહિંસા અને ગાંધી વિચારને સુંદર રીતે સાંકળી આપ્યાં. આધ્યાત્મિક મૂલ્યોનાં અનુસરણથી પૃથ્વી પરનાં તમામ જીવો અને સંસાધનોની રક્ષા થઇ શકે એ વાત રાજકારણીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિકોની ચર્ચા સભાઓમાં ધીરજ પૂર્વક કહેનાર સિસ્ટર જયંતીએ ડાવોસ ખાતેની વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2018 વહેલી સવારે ધ્યાનની બેઠકથી શરૂ કરાવીને અધ્યાત્મ અને પર્યાવરણ તથા આર્થિક વિકાસને સીધો સંબંધ છે તે બતાવી આપ્યું. તેમનું કહેવું છે કે ગાંધીનો અવાજ બુલંદ અને સ્પષ્ટ છે - પ્રકૃતિના એટલે કે માનવીએ ન બનાવેલ કુદરતના તમામ પાસાં પવિત્ર છે. કુદરતી સંસાધનોના વપરાશ સાથે નૈતિકતા અને અહિંસાના ખ્યાલો જોડાયેલા છે. આથી જ કુદરતને એક ભૌતિક પદાર્થ નહીં પણ પાવક ધરોહર તરીકે જુઓ તો તેની જાળવણી કરશો. માનવ સમાજની જવાબદારી પ્રકૃતિના તમામ સર્જનની સંભાળ રાખવાની છે. ખરું જુઓ તો બીજા કોઈ પ્રાણી-પક્ષી માનવ જાત જેટલો સંહાર નથી કરતાં. આ હકીકત હવે ઘણા સ્વીકારે છે.

તો પર્યાવરણની વિશુદ્ધિ જાળવવા શું કરીશું? વધુ વૃક્ષો વાવો, જીવન સાદગીભર્યું જીવો, શાકાહારી બનો, ફરીથી વાપરી શકાય તેવી ઊર્જા પેદા કરો અને વાપરો, એ બધું જ કરો, છતાં એ પૂરતું નથી. માનવ હૃદયનું પરિવર્તન કરવું જરૂરી છે. આપણી બાહ્ય ઓળખ મહત્ત્વની બને એટલે આંતરિક અને આધ્યાત્મિક ઓળખ વિલીન થતી જાય. Shop till drop જેવા સૂત્રોને અનુસરીને જીવતો સમાજ આજના સઘળાં સંકટોનું કારણ છે. ખરું સુખ માનવના હૃદયમાં છે જે ખરીદી શકાતું નથી એ સમજાશે ત્યારે પર્યાવરણ અને માનવ અધિકારોનું જતન થશે.  સિસ્ટર જયંતીના વિધાનોને મૂક શાંતિમય પ્રાર્થના વડે સહુએ સંમતિ આપી.

પરિષદનો સંક્ષેપમાં સારાંશ આપતાં પ્રોફેસર (લોર્ડ) ભીખુભાઈ પારેખે સુંદર વક્તવ્ય આપ્યું. તેમણે કહ્યું, આપણે જાણીએ છીએ કે સત્ય અને અહિંસા ગાંધી માટે અત્યંત મહત્ત્વનાં મૂલ્યો હતા. ક્રિશ્ચિયન આગેવાનોએ તેમને ધ મેન ઓફ નોન વાયોલન્સ તરીકે ઓળખાવ્યા અને જીસસ ક્રાઈસ્ટ સાથે સરખાવ્યા. કેમ કે તેમણે વ્યક્તિગત અહિંસાનો સિદ્ધાંત કોઈ સમૂહ પણ અમલમાં મૂકી શકે તે બતાવી આપ્યું. આખર અહિંસા છે શું? પ્રેમ અને કરુણાનું મૂર્ત  સ્વરૂપ. અને એ ધારણા મૂળે આપણે બધા એક છીએ, તેથી કોઈ એકબીજાથી જુદા નથી એ વિચારમાંથી પ્રગટી.

ગાંધીના આશ્રમમાં એક માંદા વાછરડાને ગાંધીએ ગોળી મારવા કહેલું તેનો જૈન સમાજે વિરોધ કરેલો. ગાંધીજીએ તેનો પ્રતિભાવ આપતાં કહેલું, કે એ કર્મ જરૂર હિંસક હતું ,પણ તે પાછળનો હેતુ હિંસક નહોતો. એ વાછરડાને અસહ્ય પીડાથી દુઃખી થતો જોવો અને જેનો અંત આખર મૃત્યુ નિશ્ચિત હતો તેને પીડામાંથી મુક્તિ આપવા એ પગલું લીધેલું. અહિંસક વ્યક્તિ જેમ બીજાને ઇજા ન કરે તેમ કોઈના દ્વારા કરાતી ઇજા સહન પણ ન કરે. વિચારમાં પણ હિંસા ન ચલાવી લેવાય કેમ કે તે આખર આચારમાં પરિણામે. જીવો જીવસ્ય જીવનમ્‌ એ જીવનનો ક્રમ છે એટલે અનાજ આરોગવામાં હિંસા હોય તો પણ એ ન ખાવું એટલી હદે અહિંસાનું આચરણ કરવું શક્ય નથી તેમ તેઓએ સ્વીકારેલું. અહિંસાની પણ મર્યાદા છે. હિટલરની હિંસક અધમતાને અટકાવવા પોલીશ પ્રજાએ લીધેલાં પગલાંને ગાંધીજીએ ‘પરમીસેબલ વાયોલન્સ’ એટલે કે માન્ય હિંસા તરીકે ખપાવેલી.  

હિંસા આપણને કાયર બનાવે અને સ્વ રક્ષા કરતી રોકે, તેવો ગાંધીનો આદેશ નહોતો. ભારતના વિભાજન સમયે આશરે દસ મિલિયન લોકો સ્થળાંતરિત થયેલા ત્યારે જો કોઈ સ્ત્રી પોતાના પર બળાત્કાર થાય તેની સંભાવના જુએ તો એ માણસને મારવો યોગ્ય છે તેમ તેમણે કહેલું. એક માણસ જો મોટા સમૂહને મારવા નીકળે તો તેને ગોળીએ વિંધવો એ ટ્રુથ ટુ ટ્રુથનો સિદ્ધાંત છે તેમ પણ ગાંધીજીએ કહેલું. એક વાત સહુએ સમજવા જેવી છે કે ગાંધીજી કોઈ એક સપાટી પર જડ બનીને સ્થગિત થઇ જનારામાંના એક નહોતા, તેઓ સતત વિકાસશીલ હતા અને વિચારોની ઉત્ક્રાંતિ કરનારાઓમાંના એક હતા. તેથી જ હંમેશ પોતાના વિચારો અને કાર્યને તત્કાલીન સંયોગો અને સાધ્ય સામે સતત મૂલવતા રહેતા. કોઈ પૂછી શકે, આજે ગાંધી જીવિત હોત તો અણુશસ્ત્રો માટે શું કહેત? જો તેઓ હિટલરના સમૂળા સામૂહિક નાશ કરવાના કેમ્પમાં હોત તો શું કરત? તેઓ લાચારીથી મોતને ભેટવા કરતાં સ્વમાનભેર મરવાનું પસંદ કરતા, તેથી તેમનો એ વિશેનો અહિંસાત્મક પગલાં લેવા બાબતનો અભિપ્રાય કદાચ જુદો હોત. તેઓ કહેતા, હિંસા તમને મારવાની કળા શીખવે, અહિંસા મરવાની કલા શીખવે. અને એ જ પાયાનો તફાવત છે. મૃત્યુ તો સહુને આવવાનું છે, પરંતુ સુંદર રીતે આવતું મૃત્યુ જ ખપે. જુઇશ પ્રજાએ અત્યાચારો થવા લાગ્યા ત્યારે અહિંસાનો પ્રયોગ કરવો જોઈતો હતો, 1944માં બહુ મોડું થઇ ગયું હતું. કોઈ પણ હિંસક પરિસ્થિતિ પેદા થતી અટકાવો અને તે માટે ન્યાયી અર્થકારણ, સમાજ વ્યવસ્થા અને શિક્ષણ પદ્ધતિનું આયોજન કરવાનો માર્ગ તેમણે અમલમાં મૂકી બતાવેલો. પેલેસ્ટાઇન-ઈઝરાઈલ અને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા મતભેદ અને સંઘર્ષને હલ કરવા માટે ઘણાં વર્ષો પહેલાં અહિંસક માર્ગ અપનાવવો જોઈતો હતો. હિંસા ના આચરવી પડે તે માટે બધું કરી છૂટવું એ જ સાચો ઉપાય, છેલ્લે તબક્કે કશું ન થાય. તેમણે એમ પણ કહેલું, “હું મરું પછી મારું લખાણ બાળી મુકજો, પણ  મારા વર્તન પરથી શીખજો.”

ગાંધીજી મૂડીવાદ તેમ જ સામ્યવાદના વિરોધી હતા. હું કોઈ વસ્તુનો માલિક નથી, ટ્રસ્ટી છું એ જ સિદ્ધાંત સાચો એમ ભારપૂર્વક કહેતા. નફો બધાને સરખે ભાગે વહેંચવો અને કારીગરને માલિક બનાવો તો જ ન્યાયી અર્થ વ્યવસ્થા સ્થપાય. સરકારની માલિકીના ઉદ્યોગોને કારણે આર્થિક શક્તિમાં રાજશક્તિ અને સત્તા ભળે અને સરવાળે તે કલ્યાણરાજ્ય માટે વિનાશક સાબિત થાય. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકા અને ભારતમાં પોતે ખૂબ અન્યાય અને દમન સહન કર્યા અને બીજાને કરતા જોયા. તેના પરથી વિચાર્યું, દુનિયામાં શા માટે અસમાનતા પ્રવર્તે છે? સત્તા કેમ આટલી દમનકારી બને છે? ઊંડા ચિંતનને અંતે તેમને અહેસાસ થયો કે જેના પર દમન થાય છે તેઓ પોતે જ દમન કરનારાઓને ત્રાસ ગુજારવા દે છે તેથી એ ચક્ર ચાલુ રહે છે.. પોતાની જાત સામે જ બળવો કરો. દમિત લોકો સંગઠિત થશે તો દમન કરનારાઓની ક્રૂરતા અટકશે. તેમની દ્રઢ માન્યતા હતી કે ભારત પર આટલું મોટું સામ્રાજ્ય સ્થાપવા અંગ્રેજોને આપણે જ સાથ આપેલો. જે ક્ષણે ભારતની પ્રજાએ અસહકાર કર્યો કે તરત વિદેશી સરકારના પાયા ઢીલા પડી ગયા. હિંસા આચરવામાં કાયરતા છે, અહિંસામાં હિંમત છે. દમન કરનાર સામે દમિત મોટા છે. દરેક વ્યક્તિ દમનકારી સરકારના આદેશ પ્રમાણે હું નહીં જીવું અને મરવા તૈયાર રહું એમ વિચારે તો જ તેને તો દમનમાંથી મુક્તિ મળે. રાજ્યને પોતાના પર આક્રમણનો ભય લાગે છે માટે લશ્કર ઊભું કરે છે, મૃત્યુનો ભય ન હોય તો લશ્કર અને શસ્ત્રોની જરૂર ન રહે. તો નાહક હિંસામાંથી ઉગરી જવાય. લોર્ડ ભીખુભાઈ પારેખના સચોટ વક્તવ્યથી એ પરિષદનું સમાપન થયું.

એકવીસમી સદીને જે ત્રણ મુખ્ય સમસ્યાઓ સતાવે છે : ઘણા દેશોમાં ચાલતા આંતરિક સંઘર્ષો અને તેમાં અન્ય દેશોની હિંસક શસ્ત્રોની લે-વેચથી થતી દખલગીરી, કેન્દ્રિત ઉદ્યોગ અને વ્યાપારી ઢાંચો જે મિલકતની અસામાનતામાં પરિણમે છે અને પર્યાવરણમાં આવતો બદલાવ જે માનવ જીવન માટે ખતરા રૂપ છે. વિવિધ સંગઠનોમાં જુદા જુદા પદ પર કાર્ય કરતા અનેક દેશોના કર્મશીલો અહિંસક રીતે આ તમામ પરિસ્થિતિઓનો હલ શોધવા કાર્યરત થઇ રહ્યા છે તે સાંભળીને ગાંધી ભુલાઈ ગયા છે એવો ભાવ કઈંક અંશે બદલાઈ ગયો.

e.mail : [email protected]

Category :- Gandhiana