હજારો વરસોનું ચોમાસું?

રમણીક અગ્રાવત
16-10-2019

અયોધ્યાપતિ જુએ છે રાહ
ચોમાસું વીતવાની.
ચોમાસું છે કે વીતતું નથી
હજાર-હજાર વરસોથી.
ટાટનાં મંડપ હેઠળ છે
કેટકેટલા કાળથી
રઘુવીર, મા જાનકી, ભૈયા લખમણ
અને ઉભડક પગે બેઠેલા હનુમાનજી,
ભીંજાતાં વાછંટમાં.
કરુણાનિધાન કશું બોલતાં નથી
લક્ષ્મણની ઉગ્રતા પણ થોભી ગઈ છે
વિશાલાક્ષી જનકસુતા આંખ ઊંચી કરે તો જુએને
આ ટાટ, આ અયોધ્યા, આ વરસોનો અનરાધાર વરસાદ.
નત નયન જુએ છે જગતજનની શ્રીચરણકમળને.
હનુમાનજી જ્યાં પંડે જ પલળે છે,
ત્યાં ફિકર કરે ક્યાંથી દૂર પડેલી ગદાની.
હજાર-હજાર વરસોથી
થંભી ગયું છે દ્દશ્ય હજાર-હજારો આંખોમાં
અને શ્રીરામ પંચાયત સદાની.

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિ. ભરુચ, ૩૯૨ ૦૧૫.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑક્ટોબર 2019; પૃ. 16

Category :- Poetry