મારો દોસ્ત કિશોર રાવળ

ડૉ. રજની શાહ (આર.પી.)
24-06-2013

સાલુ જિંદગી આખી કરિયાણાની દુકાનના ગંજી પહેરેલા વાણિયાના માલખા જેવી છે. માલખાના તારમાં કોચી કોચીને પત્તીઓ ભરી છે. એમાં ઠાંસીને ભર્યું છે બધું લેણદેણ, દ્વેષ, સોદાબાજી, ઠાકોરજીની ઊછરામણી, ગ્રાંડ ચીલ્ડૄનોના પૉસિબલ નામોની યાદી. આજે એ પત્તીઓ ફિરાવી ફેરવી વાંચવા જઇએ તો અક્ષરો ઉકલતા નથી, શાહી ફૂટી ગઈ છે, તેથી હશે કે પછી મારો મોતિયો ઉતરતો હશે. હૂ નોઝ.

પણ એક જમા / પુરાંતની પત્તીમાં આ નામ છે : કિશોર રાવળ. કોને ખબર કયી સાલ, કોના થ્રુ, અમે મળ્યાં હોઇશું.

કિશોર રાવળપણ એ માણસે એક ઈ-મેગેઝીન “કેસૂડાં” કાઢેલું. વન મેન શૉ ! એમાં ચિત્રો આવે, ક્વીક રસોઈની રેસીપી આવે અને ગુજરાતી  ટાઇપ કેમ કરવું એવું બધું આવે. મને તો મજા આવી ગઈ. પછી તો ફોન કોલ્સ થવા માંડ્યા. ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રોગ્રામોમાં કિશોર અને એની પત્ની કોકિલાને મળવાના વાયદા કરવા લાગ્યો. જો કે પ્રોગ્રામના સ્થળે મળીએ પછી ભાગ્યે જ વાતો થાય કારણ એમ કરવા જઇએ તો હું બટાકાવડા ને ચા ગુમાવી બેસું એવો ડર લાગે. એટલે મનમાં કોન્સોલેશન લઈ લઈએ કે હાય-હલો પછી લાંબી વાતો તો ટેલિફોન પર ક્યાં નથી થતી ?

એટલે ટેલિફોન પર વાતો થવા માંડી. વાતોના વિષય શું ? એન્ની સબજેક્ટ. આપણા પગના અંગૂઠાથી તે ભગવાનની ચોટલી સુધી. ઇંગ્લિશ કવિઓ, જર્મન ચિત્રકારો, પેરિસની કેથેરીન ડેનાહ્યુ કે હોમોસેક્સ્યુલ ઝ્યાં કોકટો, કે કેબરે ડાન્સરો, હેન્રી જેમ્સો, કૌભાંડી ઉમરાવો ને કામુક રાણીઓ, વિશ્વયુધ્ધો, હીટલર, સત્યજીત રે, ફૂલકાં બાંયવાળી હાઈ સોસાયટીની માયાવી લલનાઓ, કે નાઇન ઈલેવનના તાલીબાનો, એ બધા મેઘધનૂષી રંગોથી અમારી પિચકારીઓ ભરાતી.

એમાં એક બીજો મિત્ર ભળ્યો હિરેન માલાણી. અહા ! જલસો થઈ ગયો. પણ માલાણી અકાળે અવસાન પામ્યો. જલસા ઊંધા પડી ગયા. જો કે એના ગયા પછી કિશોર સાથેના મારા ફોન કોલ્સ વધી ગયા. એની તેજસ્વી પર્સનાલિટીનું મિસ્ટ મને હવે લાગવા માંડ્યું. હું ભીંજાયો. એના વૉઇસમેઇલના જવાબ આપવા હું અધીરો થવા માંડ્યો. “ગુર્જરી”માં એની છપાતી વાર્તાનું ચીપ્પાચીપ્પણ કરવા માંડ્યું. એટલે એ મને વિવેચક માનવા માંડ્યો એટલે ફૂલાઇ જઇને મેં એને કહ્યું,

‘કિશોર ! હું તો સૂંઠને ગાંગડે ગાંધી થઈ ગ્યો !’

મારી એ મશ્કરીમાં એને કોઈ ગેબી સાઉન્ડ સંભળાયો હશે, તેથી એણે મને એક દિવસે એકદમ ફોન કર્યો,

‘આરપી ! મારા વાર્તા સંગ્રહ ‘અમે ભાનવગરના’ની પ્રસ્તાવના તમારે લખવાની છે.’

એમાં મારે તો હા જ કહેવાનું હતું. નો વિકલ્પ. પણ એમાં ચક્રમવિદ્યા એ હતી કે હજુ મારું પોતાનું તો એકેય પુસ્તક છપાયું નહતું ને હું સીધ્ધોસટ્ટ પ્રસ્તાવના લખવા બેસી જાઉં ? પણ પછી એક ફેસ સેવીંગ પ્રસંગ બન્યો ને એમાંથી હું એક્ઝીટ લઈ શક્યો. હાશ ! એ આડંબરમાંથી હું બચ્યો. જો કે એ બહુ ગીલ્ટી થઈ ગયેલો. અસ્તુ.                                                        

*

કિશોરની ભાષા ચિતારાની હતી. કાં ના હોય ? આખરે એ હતો કોણ ? રવિશંકર રાવળનો ભત્રીજો ! રગોમાં એ જ લોહી ! એ  ભાષાના ઉદાહરણ માટે  ‘દાદાની દાદાગીરી’ વાર્તાનો એક અંશ બતાવું.

આશરે સંવત ૧૯૨૦-૩૦ના દેશી રજવાડાની વાત છે. ભાવનગરમાં દિલ્હીથી વાઇસરોય આવે છે તે પ્રસંગ આલેખ્યો છે. કિશોર એક ભોમિયાની અદાથી આપણને એના ગામની ટૂર આપે છે. શેરીની હલચલ, મર્મર, ઘોંઘાટ, અમળાટ એ સઘળું જાણે આપણે યુ-ટ્યૂબમાં જોતા હોઇએ એવું લાગે. મોતીબાગમાં ડીસ્ટેંપરનો રંગ, દેરીની બગલની લીલ જે નાળિયેરના કાચલાથી ઘસાતી હોય. પૉસ્ટ અૉફિસ પર પીળી માટીના કૂચડા મરાય અને બેન્કને ગળિયેલ ચૂનાથી ધોળાય. ગામમાં જયાં ને ત્યાં રાજા અને વાઇસરોયના પોસ્ટરો ચોંટાડાય. આપણે જાણે કોઈ મ્યુિઝયમમાં ડચ પેઇન્ટીંગ જોતા હોઇએ એવું ભાસે.

આટલું ઓછું હોય તો એના ઉપર તમને નવટાંક હાસ્ય પણ બોનસમાં આપે. એ લખે છે :

‘સ્મશાનની દીવાલો પર પાપીઓ પણ ચિતા ઉપરથી ઊઠી પશ્ચાત્તાપ કરવા લાગે તેવાં યમરાજાના અને નરકની વાસ્તવિકતાના ભયંકર ચિત્રો વચ્ચે કોઇએ વાઇસરોયની છબી લગાડેલી!’ એકવાર તો મને પણ એ ચિત્રો જોવાનું મન થઈ ગયું, મારાં પાપ માટે રડી લઉં. હે રામ ! મને કોઈ એ દાન્તેનું નરક ચિતરીને બતાવો !

બ્રાવો ! બ્રાવો! આને આપણે શું કહીશું ? કટાક્ષ ? કે પ્રજાનું શુધ્ધ ભોળપણ? અહીં કિશોરે આપણને એક મસમોટું મોન્ટાજ દોરી આપ્યું જાણે આ મારો દોસ્ત ન્યુયૉર્કના ગ્રીનિચ વિલેજનો પીટર મેક્સ કે અૅન્ડી વૉરહોલના અવતાર તરીકે મને મળ્યો.

અડધી સદીની વાતો એણે જે રીતે રીકૉલ કરી છે તેને તો નેશનલ આર્કાઇવ્ઝમાં મુકવી જોઇએ. દા.ત. આ વર્ણન જૂઓ :  પિત્તળિયા પાવા, બ્યૂગલો અને ભૂંગળોને બ્રાસો લગાડી ચકમકતા કરવામાં આવ્યાં … કિટસન લાઇટોમાંના ઝળી ગયેલા રેશમી મેન્ટલો બદલાયાં.’

નવા જનરેશનને ક્યારેક પ્રશ્ન થશે, વોટ ઇઝ ધીસ કીટસન લાઇટ ને આ લાઇટો પાછી મેન્ટલ ?

બિચારા એ લોકો વીકીપીડિયા ઉઘાડશે ત્યારે સમજશે કે એ કિટસન મેન્ટલો શું હતાં. ઓત્તારીની, આ તો બત્તીની અંદર પેલી ઝળહળ ઝગારા મારે તેવી રેશમી જાળીની બચુકડી કોથળી !

એને વાર્તાકાર તરીકે મૂલવું. એ જ વાર્તામાં દાદાનો હજામ જશલો ગુજરી જાય છે. તેથી એની વહુ લખુ ‘પોસ પોસ આંસુએ રડી’ કારણ એને હસ્બંડની જોબ જોઇએ છે. એક તો કારમી ગરીબાઈ અને ઉપરથી બે નાના બાળકો. કાકલૂદી કરતી એ બાઈ પર દયા ખાતર દાદા એને પોતાની હજામત કરવાની નોકરી આપે છે. એક બાઈ માણસ પુરુષની દાઢી કરે? અનહોની કી હોની કરવાની વાત હતી. આ પ્રસંગની તો શૉર્ટ ફિલ્મ બને અને એને હું અૉસ્કાર માટે પણ મુકું એવો શેખચલ્લી વિચારે ય મને આવેલો. આ સ્ક્રીપ્ટનું વિઝ્યુઅલ જૂઓ :

‘સવારમાં આદેશ પ્રમાણે લખુ વહેલી આવી ગઈ. લાજ કાઢી. સામે સાડલો સંકોરી ઉભડક બેઠી.

દાદાની આંખો ન દેખાય એટલે છેડો ઊંચો કરી, જેમ એકલવ્યે ખાલી પક્ષીની આંખ ઉપર મીટ માંડી હતી તેમ દાઢી ઉપર કેન્દ્રિત થઈ, પાણી લગાડ્યું અને સાબુનો કૂચડો લગાડી ફીણ ફીણ કરી અસ્ત્રો ઉપાડ્યો.’

પછી કિશોર એક આબાદ વિંઝણો નાંખે છે, અન્ય વાર્તાકારોને એની ઈર્ષા આવે તેવો. એ લખે છે :

‘અસ્ત્રાની હારોહાર એની જીભ પણ ઉપડી. તે બાપુજી, આ વાઇસરોય તેની બાયડીને પણ હારે લાવે છે?’

આનું નામ સ્ટોરી ટેલીંગ. હજામ સાથે તો ટાઢા પ્હોરના તડાકા, ગોસિપ્સ અને ચૅટ્સજ હોય. એ આખું યુનિવર્સલ સત્ય એણે એક અસ્ત્રાના સ્ટ્રોકમાં બતાવી દીધું. લાજ કાઢેલી સ્ત્રીમાં પણ પેલા હજામના ધંધા સાથે ચીટકેલા વાતોના સાપોલિયા સળવળ્યા. અહાહા ! સુભાનલ્લા!

આવાં અટકચાળાં વાક્યોથી એ મારી અૉર નજીક આવ્યો. અમારી દોસ્તીમાં કહું તો હવે ક્રેઝી ગ્લૂ ચોંટી. એ વધારે ઊઘડ્યો. એટલે મેં પણ મારી ખોપરીના નસજાળાં ખોલી નાંખ્યાં. મેં એને વટલાવ્યો. પછી તો “ન્યુયૉર્ક ટાઇમ્સ”ના કોલમો લખનારા ડીક કેવટ કે ટૉમ ફ્રીડમેન કે એનો ફેવરીટ પી.જી.વુડહાઉસ કે ફોરેન ફિલ્મના બયાનો, સંવાદો કે એડલ્ટ ઓન્લી દ્રશ્યોના કલાકો સુધીના લાંબા ફોન કોલ્સ થયા. અમે બેઉ એકબીજાથી ‘ચાર્માઈ’ ગયા. (charm શબ્દને ગૉલીગૉલીને એનું ધર્માંતર કરી નાંખ્યું!) અહમ્ બ્રહ્માસ્મિ જેવી પવનચક્કી ફરવા માંડી.

*

એનાં મૃત્યુ પછી મને કોઈવાર એવો વિચાર આવે છે કે આ માણસ મોટી ઉંમરે મારી સાથે આટલી સહજતાથી ચિપકાયો કેવી રીતે ? સાંભરે રે ! અમે બન્ને રીટ્રોના એવા ઘરડા લેખકોની નકલ કરવા મંડ્યા, જેમ સિનેમાનો ચરિત્ર અભિનેતા નાના પલસીકર વાક્યો બોલે તેમ.

‘હશે ભઈલા આપણાં કોઈ પૂરવ જનમનાં ડીએનએના તાલમેલ. અન્ય તો શું હોઈ શકે?’ પછી એ પલસીકરના બોખા દાંતમાંથી વ્યંજનો ખરી પડે તેમ ખીખી કરીને એના ચાળા પાડીએ ‘આફટર ઓલ, વોટ ઈઝ લાઇફ’ 

પછી એકદમ ફોનકોલ કટ પણ કરવો પડે છે.

‘કિશોર !  કોઇ ડોરબેલ વગાડે છે. આ વિન્ડૉમાં દેખાય છે .. ફૅડેક્સવાળો છે. આઇ થીંક સાઇન કરવી પડશે. લેટ મી કોલ યુ બેક. બાય.’

હું સાઇન કરીને જલદી જલદી પેકેજ ચેક કરી લઉં છ,ું અને પાછો તરત,જ એને ફોન કરું છું.  તો એનો વૉઇસમેલ આવે છે.

યસ. એ ચાર પાંચ મિનિટોમાં એ અને કોકિલા બહાર નીકળી ગયાં. ગૉન.

ચિત્તમાં નાનો પલસીકર પાછો દેખાય છે. મારો એને જવાબ છે : લાઇફ ઈઝ ઊભી ખો. ફાયનલ. લૉક કિયા જાય.

અરેરે ! હજુ તો અમારે કેટકેટલા લેખકોના ડાયલોગોની નકલ કરવાની હતી. એ અમારાં અધૂરાં અભરખાંનું શું ?

અને આ મારું દુ:ખ રીયલ દુ:ખ છે એ પણ સમજાવું કોને ?

*

New York,   June 23, 2013

E-mail: [email protected]      

Category :- Opinion Online / Literature