દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન પત્રકારોએ લીધેલી ગાંધીજીની મુલાકાતો (૧૮૯૩-૧૯૧૪)

કિરણ કાપુરે
12-10-2019

ગાંધીજીએ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન અંદાજે ૬૨૫થી વધુ અખબારી મુલાકાતો આપી છે, જેમાંથી ૬૭ મુલાકાતો ગાંધીજીએ તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન આપી છે. આ ગાળો ગાંધીજીના જીવનમાં એવો રહ્યો, જ્યાં તેઓ જાહેર જીવન તરફ પ્રયાણ કરી રહ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં જ ગાંધીજી લોકો પ્રત્યે થતા અન્યાય વિશે જાણતા થયા. અહીં જ તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવતાં શીખ્યા, ‘સર્વોદય’ના સિદ્ધાંતનો પરિચય કેળવાયો, સત્ય અર્થે ઝઝૂમ્યા, આશ્રમ જીવનનો આરંભ કર્યો. આવાં અનેક કારણે ગાંધીજીના જીવનમાં દક્ષિણ આફ્રિકાનું વિશેષ મહત્ત્વ છે, અને એથી જ દક્ષિણ આફ્રિકામાં અખબારો સમક્ષ ગાંધીજી જે બોલ્યા છે, તે તેમના પ્રારંભિક વિચારોને સમજવા માટે આધારભૂત સ્રોત બની રહે છે. ત્રીસીની ઉંમરમાં જાહેરજીવનમાં પ્રવેશેલા ગાંધીભાઈ અખબારોને કેવી રીતે મુલાકાતો આપતા અને તેમની સાથે સંવાદ કેવી રીતે કરતા અને તેમાં કઈ વાતોને પ્રાધાન્ય આપતા, કયા કયા વિષયોને મુલાકાતોમાં આવકારતા, પત્રકારોના સવાલોના જવાબો આપવામાં કેવી કુશળતા દાખવતા અને ક્યાં મુક્ત થઈને બોલતા વગેરે બાબત જાણવી જરૂરી બને છે.

તત્કાલીન અખબારો પર એક નજરઃ

વર્તમાન સમયની માફક એ કાળે પણ દક્ષિણ આફ્રિકામાંથી અનેક ચોપાનિયાં અને મુખ્ય ધારાનાં અખબારો પ્રકાશિત થતાં હતાં. આફ્રિકા એ કાળે નાતાલ, ટ્રાન્સવાલ, ઑરેન્જ ફ્રી સ્ટેટ અને કૅપટાઉન એમ ચાર સંસ્થાનોમાં વહેચાયેલું હતું; અને આ ચારેય સંસ્થાનોમાંથી વિવિધ અખબારો પ્રકાશિત થતાં હતાં. મોટા ભાગનાં અખબારોની ભાષા અંગ્રેજી જ રહેતી. કેટલાંક અખબાર આફ્રિકાની સ્થાનિક ભાષાઓમાં પણ પ્રકાશિત થતાં. જો કે, તેની સંખ્યા આંગળીના વેઢા પણ વધી પડે એટલી અલ્પ હતી.

ગાંધીજીએ મુખ્યત્વે ‘નાતાલ મર્ક્યુરી’, ‘કેપ ઑર્ગસ’, ‘ધિ સ્ટાર’, ‘પ્રિટોરિયા ન્યૂઝ’, ‘ટ્રાન્સવાલ લીડર’, ‘રેન્ડ ડેલી મેલ’, ‘ધ ડેલી એક્સપ્રેસ’, ‘ઇવનિંગ ક્રોનિકલ’ અને ‘રૂટર’ જેવાં અનેક અખબારોના પ્રતિનિધિઓને મુલાકાત આપી છે. સૌથી વધુ મુલાકાત ગાંધીજીએ નાતાલ અને ટ્રાન્સવાલ ખાતે આપી છે. આજે તો આમાંનાં કેટલાંક અખબારો બંધ થઈ ચૂક્યાં છે; જ્યારે ‘કેપ ઑર્ગસ’, ‘કેપ ટાઇમ્સ’, ‘નાતાલ મર્ક્યૂરી’, ‘ધ સ્ટાર’ જેવાં અખબારો આજે પણ ચાલે છે. હિંદુસ્તાનમાં જે રીતે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તથા રાજકીય જાગૃતિને સારુ ‘ડાંડિયો’, ‘સત્યપ્રકાશ’, ‘બુદ્ધિવર્ધક’ અને ‘સ્ત્રીબોધ’ જેવાં સમાચારપત્રોનો જન્મ થયો હતો, તેવું કંઈક અહીંનાં કેટલાંક અખબારો બાબતે પણ હતું. આવું જ એક મહત્ત્વનું અખબાર ‘કેપ ઑર્ગસ’ હતું. તેના સ્થાપકો રંગભેદનાબૂદી, માનવતાવાદ, સ્ત્રીસમાનતાના સિદ્ધાંતોને સ્વીકારતા હતા. આ જ કારણે ગાંધીજીની હિંદીઓના હક માટેની લડતને આ અખબારમાં સમયાંતરે વ્યાપક કવરેજ મળ્યા કરતું. આ અખબારને ગાંધીજીએ પાંચ વખત મુલાકાત આપી હતી.

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી કાયમી વિદાય લઈ રહ્યા હતા, ત્યારે ‘કેપ ઑર્ગસ’ના પ્રતિનિધિએ તેમનો અંતિમ સંદેશો લેવા સારુ ગાંધીજી જે સ્ટીમરમાં મુસાફરી કરી રહ્યા હતા, તે સ્ટીમર કિન્ફોન્સ કેસલ પર તેમની મુલાકાત લીધી હતી. ગાંધીજીએ આ અંતિમ મુલાકાતમાં સંદેશો આપતાં કહ્યું હતુંઃ “ઠીક, તો હું એટલું કહીશ કે હું મારી સાથે અહીંનાં સૌથી સુખદાયક સ્મરણો લેતો જાઉં છું અને મને આશા છે કે ત્યાં દૂર રહે જો મને એટલું જાણવા મળશે કે દક્ષિણ આફ્રિકામાં મારા દેશબંધુઓ જોડે ન્યાયપૂર્ણ વર્તાવ રાખવામાં આવે છે, તો તેથી મને આનંદ જ થશે.”

આ અંતિમ મુલાકાત બાદ હિંદ પહોંચવા માટે ઇંગ્લેન્ડ જતા જહાજમાં તેઓ નીકળ્યા અને તરત જ ‘રૂટર’ના પ્રતિનિધિને વાયરલેસથી એક ટૂંકો આભાર - સંદેશ મોકલ્યો, જે ‘નાતાલ મર્ક્યુરી’માં ૨૦ જુલાઈ, ૧૯૧૪ના રોજ પ્રકાશિત થયો હતો. દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર ગાંધીજીએ કંઈ કહ્યું હોય અને અખબારમાં છપાયું હોય, તેવી આ અંતિમ ઘટના હતી.

ગાંધીજીની મુલાકાતો - સંખ્યાની દૃષ્ટિએ :

કોઈ વ્યક્તિ પરદેશમાં એક વર્ષના ટૂંકા ગાળા માટે માત્ર આજીવિકા રળવા સારુ ગઈ હોય અને પછીથી એક આખી કોમ પર થતા અન્યાય સામે કોમના આગ્રહથી ત્યાં લડત ઉપાડે અને પૂરા બે દાયકા સુધી ત્યાં વસવાટ કરીને શાસનમાં રહેલા સામે અહિંસક માર્ગે ચળવળ કરે અને પરિવર્તન આણે ત્યારે નિશ્ચિતપણે તે વ્યક્તિ અને તેનાં કાર્યો અખબારો માટે અતિ મહત્ત્વના બની રહે. આજનાં માધ્યમોની ભાષામાં તેને માટે ‘ન્યૂઝ વૅલ્યૂ’ જેવી ટર્મ પ્રયોજવામાં આવે છે. આ ટર્મની તર્જ પર ગાંધીજી દક્ષિણ આફ્રિકાનાં અખબારો દ્વારા સતત રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું કાર્યક્ષેત્ર ટ્રાન્સવાલ (કેન્દ્ર જોહાનિસબર્ગ) અને નાતાલ (કેન્દ્ર ડરબન) વિશેષ રહ્યાં હતાં. એથી અહીંનાં અખબારોમાં ગાંધીજીની હાજરી વધુ દેખાય છે. ગાંધીજીએ આ દરમિયાન ૬૭ જેટલી મુલાકાતો વિવિધ અખબારોને આપી છે. જો કે, અહીં એક વાત ખાસ નોંધવી રહી કે, ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં તેમનાં પ્રારંભિક વર્ષોમાં જાહેર જીવનથી અળગા રહ્યા હતા. એટલે આ ગાળા દરમિયાન ગાંધીજીએ કરેલી પ્રવૃત્તિઓને નોંધવાનું અખબારોને જરૂરી લાગ્યું નહોતું.

હિંદીઓના હક સારુ પ્રયત્નો આદર્યા બાદ ગાંધીજીએ છેક જૂન, ૧૮૯૬ ‘ધ નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’માં દક્ષિણ આફ્રિકામાં તેમની પહેલી મુલાકાત આપી. અલબત્ત, આ માહિતી ઉપલબ્ધ સ્રોતના સંદર્ભને અનુલક્ષીને છે. કારણ કે આ ગાળાની મુલાકાતો અંગેની ગાંધીજીના અક્ષરદેહ, દિનવારી જેવા ઉપલબ્ધ સ્રોતમાં જે માહિતી છે, તે ઘણેખરે અંશે ઇન્ડિયન ઓપિનિયન પર આધારિત છે. ગાંધીજીએ અન્ય અખબારોને આપેલી મુલાકાતોમાંની મોટા ભાગની મુલાકાતો ઇન્ડિયન ઓપિનિયન(CWMG અને ગાંધીજીનો અક્ષરદેહ)માં પણ સંપાદિત અંશ સાથે અથવા પૂર્ણ રીતે પ્રકાશિત થઈ છે. આજે તેમાંથી મોટા ભાગનાં અખબારોનાં મૂળ સ્રોત પ્રાપ્ય નથી, ત્યારે ઇન્ડિયન ઓપિનિયનમાં છપાયેલી આ મુલાકાતોનો આધાર લેવામાં આવ્યો છે. એટલે ‘ધ નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’ની મુલાકાત પહેલાં સંભવતઃ ગાંધીજીએ ક્યાંક કોઈ મુલાકાત આપી હોય, તો તે શક્ય છે કે સ્રોતના અભાવે ક્યાં ય નોંધાઈ ન હોય. અહીં ‘ધ નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’(૪ જૂન, ૧૮૯૬)ને આપેલી મુલાકાતને જ ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની પ્રથમ મુલાકાત ગણી છે.

ગાંધીજીની મુલાકાતોનું વિશ્લેષણ :

ગાંધીજીની ૬૭ મુલાકાતોનું વિષયવસ્તુ મહદ્‌અંશે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની તત્કાલીન પરિસ્થિતિ, હિંદીઓનો મતાધિકાર, ટ્રાન્સવાલ વટહુકમ, ગિરમીટિયા-હિંદી મજૂરોની સ્થિતિ, એશિયાટિક લૉ એમેન્ડમેન્ટ, હિંદીઓના વ્યાપારિક હકો, અંગ્રેજોની બેવડી નીતિ, ઇન્ડિયન નાતાલ કોંગ્રેસ અને તેનું ધ્યેય, સત્યાગ્રહની લડત, લડતની વ્યૂહરચના, ટ્રાન્સવાલ કૂચ, લડત સંદર્ભે અંગ્રેજોની ભૂમિકા અને જનરલ સ્મટ્‌સની કૂટનીતિ વગેરે રહ્યા છે.

દક્ષિણ આફ્રિકામાં લાંબો વખત રહેવાનું નક્કી કર્યા બાદ ગાંધીજી પરિવારને મળવા અને હિંદના નેતાઓને દક્ષિણ આફ્રિકાની સ્થિતિથી વાકેફ કરવા હિંદ જવા નીકળ્યા, એના આગલા દિવસે ‘નાતાલ ઍડવર્ટાઇઝર’ને તેમની જે પહેલી મુલાકાત આપી, તેમાં ગાંધીજીએ હિંદીઓના હક અને કૉન્ગ્રેસની ભૂમિકાની જ વાત કરી હતી. તેમણે કહ્યું હતું : કૉન્ગ્રેસ તેમની (હિંદીઓની) સિદ્ધિ માટે દરેક કાનૂનમાન્ય સાધનો વડે પોતાનું કાર્ય ચાલુ રાખશે અને તે હિંદી કોમ માટેના કાનૂનોમાં રંગ અંગેનો ભેદભાવ દાખલ કરવાના કોઈ પણ પ્રયાસનો વિરોધ કરશે. આ જ મતલબની વાત ગાંધીજીએ હિંદ જઈને પરત આવ્યા ત્યારે કુરલેન્ડ સ્ટીમર પર જ ‘નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’ના પ્રતિનિધિએ લીધેલી વિસ્તૃત મુલાકાત(૧૩ જાન્યુઆરી, ૧૮૯૭)માં કહી હતી : “બેશક સંસ્થાનમાં પ્રવેશતા હિંદીઓના સ્વાતંત્ર્ય પર અંકુશ મૂકતા જે કોઈ કાયદા પસાર કરવામાં આવે, તેનો વિરોધ તો અમારે કરવો જ જોઈએ.૫ ગાંધીજીની મોટા ભાગની મુલાકાતોમાં હિંદીઓના હક, ન્યાયપૂર્ણ વર્તાવની વાત અને તેમની સાથે થતા અન્યાય સામે વિરોધની વાત સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ સિલસિલો છેક ગાંધીજીએ તેમની અંતિમ મુલાકાત સુધી જાળવી રાખ્યો હતો, જેમાં તેમણે વિદાય લેતી વખતે ‘કે ઑર્ગસ’ના પ્રતિનિધિને કહ્યું હતું : “મને આશા છે કે ત્યાં દૂર રહ્યે જો મને એટલું જાણવા મળશે કે દક્ષિણ આફ્રિકામાં મારા દેશબંધુઓ જોડે ન્યાયપૂર્ણ વર્તાવ રાખવામાં આવે છે, તો તેથી મને આનંદ જ થશે.”આ ઉપરાંત ગાંધીજીએ મરકીના ઉપદ્રવ વખતે આપેલી મુલાકાતોમાં સ્વચ્છતા, લોકોનાં સ્વાસ્થ્ય અને આરોગ્ય ખાતા અંગે પણ વાત કરી છે. જેલના અનુભવ વિશે, ગોપાલકૃષ્ણ ગોખલેની મુલાકાત અંગે અને લડતમાં સાથ આપનારા અંગ્રેજો વિશે પણ તેઓ બોલ્યા છે.

ભાષા અને જવાબની શૈલી :

ગાંધીજીના લખાણમાં જેમ વાક્યો સરળ અને ટૂંકાં જોવા મળે છે, તેમ તેમણે આપેલી મુલાકાતોમાં પણ ભાષાની સરળતા જોઈ શકાય છે. ગાંધીજીની મુલાકાતોમાં લાંબાં વર્ણનો, અલંકાર, કટાક્ષ, આક્ષેપ સ્પષ્ટ રીતે ટાળેલાં જોઈ શકાય છે. કેટલીક મુલાકાતો પ્રશ્નોત્તરી રૂપે છે, તો કેટલીક મુલાકાતોમાં ગાંધીજી જે-તે મુદ્દાઓ અંગે વિગતે બોલ્યા છે અને અખબારના પ્રતિનિધિએ એ મુદ્દાઓને વિસ્તૃત રીતે છાપ્યા છે. મુલાકાતનું સ્વરૂપ કોઈ પણ હોય, પરંતુ તેમાં ગાંધીજીએ ટૂંકાં, સરળ અને સ્પષ્ટ વાક્યોમાં જવાબો આપ્યા છે. બે નાનકડાં ઉદાહરણ જોઈએ :

મુલાકાતી : સમાધાન થવા સંબંધી હવે તમને કંઈ શંકા છે ?

ગાંધીજી : હું સમજું છું ત્યાં સુધી કશી મુશ્કેલી આવવી જોઈએ નહીં, કારણ કે ગેરસમજૂતી કે અસ્પષ્ટતા ટાળવા દરેક પક્ષે પૂરતી સાવચેતી લીધી છે. અલબત્ત, જનરલ સ્મટ્‌સ પોતે કરેલી જાહેરાતનો કેવો અમલ કરે છે તેના પર ઘણો આધાર રહેશે. સામાન્ય લોકોના મનમાં સરકારના ઇરાદા વિશે લગભગ ન ભૂંસી શકાય એવો વહેમ છે. … (ધ સ્ટાર, એપ્રિલ ૨૮, ૧૯૧૧).

પ્રતિનિધિ : કિલ્લા જેલમાં આપની સાથે કેવો વર્તાવ રાખવામાં આવ્યો હતો ?

ગાંધીજી : નિયમો પ્રમાણે ગવર્નર મારી જેટલી સંભાળ રાખી શકે, તેટલી રાખવામાં આવી હતી. ત્યાં અધિકારીઓએ અમારી સાથે જે પ્રકારનો વર્તાવ કર્યો, તેની મારે પ્રશંસા કરવી જ જોઈએ, પરંતુ આ બાબતમાં એમના અધિકાર મર્યાદિત છે.

પ્રતિનિધિ : અને ખોરાક ?

ગાંધીજી : હંમેશનો ખોરાક.

પ્રતિનિધિ : જેલના કયા વિભાગમાં આપને રાખવામાં આવ્યા હતા ?

ગાંધીજી : દેશી લોકોના વિભાગમાં. (રેન્ડ ડેલી મેલ, ૩૦ જાન્યુઆરી, ૧૯૦૮)

અહીં એક વાત નોંધવી રહી કે ગાંધીજીએ તેમની મુલાકાતોમાં અનેક વાર કહ્યું છે કે તેઓ બે પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માગે છે; હિંસા, ધિક્કારને મિટાવવા માંગે છે. ‘નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’(૧૩ જાન્યુઆરી, ૧૮૯૭)ને આપેલી મુલાકાતમાં ગાંધીજીએ કહ્યું છે : “હું અહીં પૈસા પેદા કરવાના ઇરાદાથી નહીં, પણ બે કોમો વચ્ચે નમ્ર દુભાષિયાનું કામ કરવા માટે પાછો આવ્યો છું. બે વચ્ચે બહુ ગેરસમજ પ્રવર્તે છે ને બંને કોમ મારી હાજરી સામે વાંધો નહીં લે. ત્યાં સુધી હું એ દુભાષિયાની જગા પૂરવા કોશિશ કરીશ.” લડત પૂરી થયા બાદ પણ ગાંધીજીના મુખેથી કડવાશ, ફરિયાદ અથવા સામા પક્ષે માટે આક્ષેપો નથી નીકળ્યા. લડતને અંતે ‘ટ્રાન્સવાલ લીડર’(૧૪ જુલાઈ, ૧૯૧૪)ને આપેલી મુલાકાતમાં તો ગાંધીજીએ કહ્યું છે : “એ કૂચ દરમિયાન હું માનવી પર વધુ પ્રેમ કરતાં શીખ્યો અને સમજ્યો કે માનવ આત્મા ભલે યુરોપના કે હિંદના, પશ્ચિમના કે પૂર્વના આકાશ નીચે વિકસી રહ્યો હોય, પરંતુ તે સમાન સંજોગોમાં માનવતાના સાદનો પ્રત્યુત્તર સમાન રીતે વાળી શકે છે.”૧૦

ગાંધીજીના આશ્રમી અને વ્યક્તિગત જીવનના પ્રયોગો અને અખબારો :

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જાહેર જીવન અને આશ્રમ જીવનની સાથે સાથે આહાર-પાણી-માટી, બ્રહ્મચર્ય, ઉપવાસ, કેળવણી અંગે પણ અનેક પ્રયોગો કર્યા હતા. ગાંધીજી સમયાંતરે આ અંગે ઇન્ડિયન ઓપિનિયનમાં લખતા પણ રહ્યા હતા. પરંતુ ગાંધીજીના આ પ્રયોગો અન્ય અખબારોમાં ગાંધીજીએ આપેલી મુલાકાતોમાં ખાસ સ્થાન નહોતા પામ્યા. છૂટીછવાઈ એક-બે મુલાકાતોમાં સ્વચ્છતા, આહાર વિશે તેમણે વાત કરી છે, પરંતુ વિસ્તૃત રીતે ગાંધીજીએ મુલાકાતોમાં આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. આ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે દક્ષિણ આફ્રિકા ભલે તેમના માટે પ્રયોગોની ભૂમિ સમાન રહ્યું હોય, પરંતુ વ્યાપક સ્તરે ગાંધીજીએ સત્યાગ્રહ, સત્ય, અહિંસા, હિંદીઓના હક જેવા જાહેર મુદ્દાઓને જ તેમની મુલાકાતોમાં સ્થાન આપ્યું છે.

ગાંધીજીએ માત્ર દક્ષિણ આફ્રિકાના જ નહીં, પરંતુ વિશ્વભરના પત્રકારો-ખબરપત્રીઓને મુલાકાતો આપી છે. પત્રકારના ધંધાને સેવાભાવી ન્યાયાધીશનો ધંધો માનતા ગાંધીજી આ મુલાકાતો વખતે પણ ખૂબ જવાબદારીપૂર્વક વર્ત્યા છે. મુલાકાતોનો તૈયાર થયેલો અહેવાલ ગાંધીજી વાંચવાનો આગ્રહ રાખતા; જરૂર પડે ત્યાં સુધારા પણ કરાવતા. ક્યાં ય સામા પક્ષને હાનિ ન થાય, વિવાદ ન થાય, ધિક્કાર ન ફેલાય તે રીતે બહુ ચોકસાઈથી ઉત્તરો આપતા હતા. જાહેરજીવનના પ્રારંભે પત્રકારોને આપેલી મુલાકાતોમાં પણ ગાંધીજી આટલી જ જવાબદારીપૂર્વક વર્ત્યા હોવાનું આ અભ્યાસને આધારે તારવી શકાય છે.

સંદર્ભસૂચિ :

૧. ગાંધીજીનો અક્ષરદેહ ૧૨. પૃ. ૪૪૨

૨. એજન પૃ. ૪૪૨

૩. દલાલ, ચંદુલાલ ભગુભાઈ, ૧૯૭૬. ગાંધીજીની દિનવારી(૧૮૬૯થી ૧૯૧૫ સુધી) પ્રસ્તાવના પૃ. ૪

૪. ગાંધીજીનો અક્ષરદેહ ૧. પૃ.૨૬૯

૫. ગાંધીજીનો અક્ષરદેહ ૨. પૃ.૧૨૦

૬. ગાંધીજીનો અક્ષરદેહ ૧૨. પૃ.૪૪૨

૭. ગાંધીજીનો અક્ષરદેહ ૧૧. પૃ.૬૨

૮. ગાંધીજીનો અક્ષરદેહ ૮. પૃ.૩૯

૯. ગાંધીજીનો અક્ષરદેહ ૨. પૃ.૧૧૯

૧૦. ગાંધીજીનો અક્ષરદેહ ૧૨. પૃ.૪૧૮

Email : [email protected]

‘નવજીવનનો અક્ષરદેહ’ના સંપાદક

સૌજન્ય : “અભિદૃષ્ટ”, ઑક્ટોબર 2019; પૃ. 06-09

Category :- Gandhiana