ચાલ સખી, પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ

નંદિની ત્રિવેદી
10-10-2019

હૈયાને દરબાર

સ્ત્રી અને પુરુષનું સર્જન કરીને ઇશ્વરે કમાલ કરી છે. પતિ-પત્ની ઘર માંડે અને સ્નેહનું શિલ્પ રચાવા માંડે. પરંતુ, એ સ્નેહ ઘણીવાર ટૂંક સમયમાં જ સુકાવા લાગે છે. સંબંધની નાવ હાલકડોલક થવા માંડે ત્યારે જ ચેતી જઈને એને બચાવી લેવાની હોય છે. એ માટે સંબંધમાં બસ, તાજગી ઉમેરવાની હોય છે.

જિંદગી ફરી લીલીછમ કરવાની વાત કેવી નાજુકીથી આ ગીત ચાલ સખી...માં કવિએ કરી છે! કુદરતને અપાર ચાહનારા અને કુદરત વચ્ચે જ રહેવાનું પસંદ કરતા કવિ ધ્રુવ ભટ્ટ જુદી જુદી પંક્તિઓમાં કેવાં ટ્વીસ્ટ લાવે છે એ તો જુઓ! પહેલી પંક્તિમાં :

ચાલ સખી પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ …. કહેનાર કવિ અંતરામાં કહે છે, પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ … એ જ પંક્તિ છેલ્લે આ રીતે પ્રગટે છે કે ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે, ચાલ સખી એક વાર મૂકીએ ...!

અદ્ભુત અભિવ્યક્તિ! આ ગીત સંબંધોમાં, જિંદગીમાં લાગણીની ભીનાશ સીંચીને એને લીલીછમ બનાવવાની વાત વ્યક્ત કરે છે. છોડને ઉછેરવા જેમ ખાતર-પાણીની જરૂર પડે એમ સંબંધને ઉછેરવા, ટકાવવા અને મહેકતો રાખવા લાગણીરૂપી ખાતર-પાણીનું સિંચન કરતાં રહેવું પડે, સંબંધમાં તાજગી બરકરાર રાખવી પડે, મનગમતા સાથીને સમય આપવો પડે, એકબીજાંને ગમતાં રહેવું પડે. સુખ દુ:ખ ભરતી-ઓટ જેવાં છે. વેદના તો અડીખમ ઊભેલો કાંઠો છે, ઉછળતાં મોજાં એને કોતરતાં રહે પણ સુખ સાથે તો આપણો જળનો સંબંધ છે બસ, વહેતાં રહેવું, વહાવતાં રહેવું.

આ ગીતના રચયિતા ધ્રુવ ભટ્ટ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય નવલકથાકાર-કવિ છે. એમની નવલકથાઓ ‘સમુદ્રાન્તિકે’, ‘તત્ત્વમસિ’ અને ‘અતરાપિ’ના વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે અને તેમને વિવિધ એવોર્ડ મળ્યા છે. કવિતા સંગ્રહ ‘ગાય તેનાં ગીત’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળ્યો છે.

ધ્રુવ ભટ્ટે આ ગીતના સંદર્ભમાં કહ્યું કે, "આ ગીત બહુ જૂનું છે. પહેલાં તો હું ગીત-કવિતાઓ જ લખતો હતો. નવલકથાઓ લખવાની પછી શરૂ કરી. આ ગીતમાં એક ઘરમાં સાથે રહેતાં પતિ-પત્નીની વાત છે, જેમનાં સંબંધો કાળની કેડીએ થોડા શુષ્ક થવા લાગે ત્યારે એમાં ભીનાશ, તાજગી ઉમેરવાની વાત છે. નાનકડી જિંદગીને તરબતર કરવાની છે.

માણસમાત્રની ઝંખના હોય છે કે તેની ગતિ તમસો મા જ્યોતિર્ગમય બને, જડતામાંથી લાગણીશીલતા તરફ આગળ વધે. કાર અને મોબાઈલનાં મોડલ બદલાય એમ માણસ સંબંધો પણ ફટાફટ બદલે છે, પણ એનું મન છેવટે તો ઝંખે છે ભીના, મઘમઘતા અતૂટ ભાવભર્યા સંબંધને! દૈહિક સુખને અતિક્રમીને એનું મન ઝંખે છે સાચા પ્રેમને! ફેસબુક અને વોટ્સ એપના સાંનિધ્યમાં જીવતો માણસ ક્યારેક તો ઝંખે છે સાંજના રતૂંબલ આકાશને! દરિયા પર અસ્તાચળના ઓળાની સાખે ઓતપ્રોત થઈ જવાની એષણા એનામાં જાગે છે. આધુનિકતા અને ભૌતિકવાદમાં સપડાયેલા મનુષ્યને સમય જ ક્યાં છે પત્નીના બે બોલ સાંભળવા કે સમજવા માટે? ટચ સ્ક્રીન ઉપર અટવાયેલા અને એનાથી જ ટેવાયેલા માનવીને સહજ સ્પર્શ ઝંકોરતો નથી એટલે જ કવિને પ્રશ્ન થાય કે ટેરવાનો સ્પર્શ એ એક શારીરિક ઘટના માત્ર છે કે લાગણીનો ઘૂઘવતો સમુદ્ર?

જિંદગી યંત્રવત્ બની ગઈ છે. વેદના, દુ:ખ, ચિંતામાં ઘેરાયેલો માણસ રાતોની રાતો ઊંઘી નથી શકતો. પણ સવારે એ કોઈક આશા સાથે જાગે છે. વેલની નાનકડી પાંદડી પર પડેલાં ઝાકળનાં ટીપાં જેવી આશા! ઝાકળનું ક્ષણિક જીવન પાંદડીની મૃદુતામાં, પાંદડીની લીલાશમાં સુરક્ષિત છે. પાંદડી પરથી ખરી પડતું ઝાકળ ધરતીની રુક્ષતામાં મૃત્યુ પામે છે. એમ જિંદગી પણ ક્ષણિક છે, નાજુક છે. એવી જિંદગીને ક્યાં મૂકીશું? સવારના એ દૃશ્યમાંથી જવાબ મળે છે કે ભીની ભીની, લીલી લીલી લાગણીઓમાં!

જિંદગીમાં વેદના, દુ:ખ તો અડીખમ ઊભાં હોય છે - જેમ કંઠાર એટલે કે સમુદ્રકિનારાનો પ્રદેશ ગમે તેટલી જુવાળ એટલે કે ભરતી આવે છતાં અડીખમ ઊભો છે તેમ! જિંદગીમાં આપણો સુખ સાથેનો સંબંધ આ દરિયાનાં પાણી જેવો છે. કાંઠા એટલે કે કંઠારરૂપી વેદનાને ઢાંકવા પાણી કાંઠા ઉપર ફરી વળે છે અને પળ બે પળમાં તો ઓસરી જાય છે! કિનારા ઉપરનું પાણીનું ફરી વળવું, ક્ષણમાં ઓસરી જવું; અને કિનારાનું અસ્તિત્વ તો ત્યાંનું ત્યાં જ - એમ ‘થોડુંક સુખ અને ઝાઝી વેદના’ આ ઘટનાક્રમમાંથી બહાર ત્યારે જ અવાય જ્યારે એ કિનારાને છોડીને છીપલાની હોડીને શઢથી શણગારી કાંઠો છોડીને સાથે મઝધારમાં ઝૂકવામાં આવે. એ મઝધારે જ્યાં જળરૂપી લાગણીઓની ભીનાશ છે, મઝધારમાં એકબીજાના સહારે સુખ-દુ:ખથી પર થઈ જવાની આ વાત છે! જિંદગી બહુ જ નાજુક છે, તે આ સુખ-દુ:ખની થપાટો સહન નથી કરી શકતી, એટલે ફરી પાછું, પાંદડી પર ઝાકળનાં ટીપાંને મૂકી આ જિંદગીને લીલી લીલી લાગણીઓમાં મૂકવાની ઝંખના જાગે છે. અને પછી તો યાદ આવે છે પ્રેમના એ શરૂઆતના દિવસો કે જ્યારે આજે આ પૂનમના ચાંદની ચાંદની સુંદર છે એવું આપણે ન’તા કહેતાં, પણ કહેતાં હતાં કે આ ચાંદ નથી પણ હું છું, અને આ ચાંદની નથી પણ તું છે! યાદ આવે છે એ દિવસો કે જ્યારે ચાંદનું ઊગવું અને ચાંદનીનું ફેલાવવું એ એક ઘટના નહીં પણ લાગણીસભર અભિવ્યક્તિ બની જતી હતી.

માણસ ક્યારેક દિશાભ્રમિત થઈ જાય છે, ક્યારેક ભૌતિકતાના પ્રવાહમાં તણાઈ જાય છે, વગર કારણે બિઝી થઈ જાય છે, સંજોગોને આધીન થઈ જાય છે, જીવનમાં રુક્ષતા આવી જાય ત્યારે પાંદડી પર પડેલાં ઝાકળ અને દરિયાની અગાધ જલરાશિમાં સમાયેલો ઈશ્વર ફરીથી આપણને એક ભાવમય જીવન જીવવાનો સંદેશ આપી જાય છે. આ સુંદર કાવ્યને વધારે જીવંત બનાવ્યું છે અમર ભટ્ટના મધુર અવાજ અને ક્ષેમુ દીવેટિયાના સંગીતે!

ક્ષેમુભાઈએ આ ગીતની દીર્ઘ પંક્તિઓ રાગ ચારૂકેશીમાં સ્વરબદ્ધ કરી છે ચારૂકેશીનો વિરહ ભાવ બહુ સરસ અહીં ઝિલાયો છે. શબ્દોને અનુરૂપ ગીત કમ્પોઝ થાય એ ખૂબ અગત્યનું છે. સજ્જ સંગીતકાર જ શબ્દોને ઉઘાડી આપે. મેલોડિયસ મેલડીના માલિક ક્ષેમુભાઈએ સ્વરબદ્ધ કરેલું કવિ ધ્રુવ ભટ્ટનું આ ગીત અમદાવાદમાં ‘સ્પંદન’ના જાહેર કાર્યક્રમમાં સૌપ્રથમ ૧૯૮૫માં અમર ભટ્ટે ગાયું હતું. એ પછી ક્ષેમુભાઈએ બહાર પાડેલી ‘સંગીત સુધા’ કેસેટ્સ-સીડીમાં અમર ભટ્ટના કંઠમાં જ રેકોર્ડ થયું હતું. આ ગીત વિશે અમર ભટ્ટ કહે છે, "ક્ષેમુભાઈએ મારા જેવા એ વખતે સાવ નવા ગાયક પાસે એ ગવડાવ્યું, ખૂબ લોકપ્રિય થયું. એમને યુવા ગાયકોમાં અપાર શ્રદ્ધા હતી. મારા દરેક કાર્યક્રમમાં આ ગીત ગાવાની ફરમાઈશ થાય છે જ. ગીતની લોકપ્રિયતાને લીધે મારી બહેન કહેતી હતી કે તારું નામ અમર ભટ્ટ નહીં પણ ’ચાલ સખી’ ભટ્ટ રાખવું જોઈએ.

બીજી એક વાત હળવી યાદ આવે છે. આ ગીતની પ્રથમ પંક્તિના શબ્દોમાં મારા એક વકીલ મિત્રને ‘જિંદગી નવેસરથી શરૂ કરવાની ઑફર’ દેખાયેલી. એણે કહેલું કે છૂટાછેડાના કેસોમાં સમાધાન માટે આ ગીત પક્ષકારોને સંભળાવો તો તરત સમાધાન થઇ જાય.

સાધારણ રીતે સ્થાયી/મુખડું મધ્ય સપ્તકમાં સ્વરબદ્ધ હોય અને અંતરા તાર સપ્તકમાં જાય. અહીં સ્થાયીની પ્રથમ પંક્તિ અને અંતરાની પ્રથમ પંક્તિ બંને તાર સપ્તકમાં છે. ચાલ સખી એ શબ્દોના સ્વરાંકનમાં નિમંત્રણ સંભળાશે ને એ બે શબ્દો વારંવાર ગણગણવા ગમે તેવું એમનું સ્વરાંકન છે. ધ્રુવ ભટ્ટના આ ગીતના શબ્દો લાજવાબ છે.

નીલા ટેલી ફિલ્મે ગુજરાતી સાહિત્યમાં એક આગવી શરૂઆત કરી છે. ધ્રુવ ગીત (Dhruv Geet) નામે યુટ્યૂબની ચેનલ ઉપર ધ્રુવ ભટ્ટનાં ‘ગાય તેનાં ગીત’ સંગ્રહની કવિતા, તેને અનુરૂપ વીડિયો સાથે મૂકવામાં આવે છે. આ ગીતો અનેકો સુધી પહોંચ્યાં છે. જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર કૌશિક ઘેલાણીએ આ વિશે જણાવ્યું, "ગુજરાતના નવા ઉદય પામતા ગાયકો અને સંગીત સર્જકોએ કરેલા સર્જન અને નવા કંઠની હલક ગુજરાતમાં ગુંજતી થઈ રહી છે.

નિશાળોથી માંડીને સંગીતના કાર્યક્રમોમાં ગવાતાં આ ગીતો અન્ય રાજ્યોમાં બિનગુજરાતીભાષીજનોના કંઠ સુધી પણ પહોંચ્યાં છે. ગામેગામથી તસવીરકારોએ પોતાના વીડિયોઝ ભેટ આપ્યા છે. ધરમપુરના યુવાનોની ટીમે વરસતા વરસાદમાં પહાડો ચડીને જંગલ અને ઝરણાં તો જાફરાબાદના ખારવા સમાજે સમુદ્રમાં ઉછળતાં વહાણોના વીડિયો અને ફોટા ત્યાંના તસવીરકારો પાસેથી લઈને મોકલાવ્યા છે. સુરત, કેશોદના અને મહુવાના તસવીરકારો કે અલગારી પક્ષીવિદો અને વાઈલ્ડલાઈફના નિવડેલા તસવીરકારોએ પોતાની કળા ‘ગાય તેનાં ગીત’ને ગીતોને શણગારવા ભેટ ધરી છે.

ગુજરાતી સાહિત્યને ચાહનાર ખૂણે ખૂણે છે એ વાત નીલા ટેલી ફિલ્મે ધ્રુવદાદાનાં ગીતો મૂકવાની શરૂઆત કરી ઉજાગર કરી છે. આ બાબતે યુવાનોના ચહીતા ધ્રુવદાદાએ કહ્યું કે યુવાનો સાહિત્ય સાથે જોડાયા તે એમની જીવંત સંવેદનાને આભારી છે.

ચાલ સખી સહિત ધ્રુવ ભટ્ટનાં ગીતો સાંભળીને યુવાનો સુધી પહોંચાડવાના એમના યજ્ઞમાં આપણે પણ આહુતિ આપીશુંને?

--------------------

ચાલ સખી, પાંદડીમાં ઝાકળનાં ટીપાંની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઊભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

• કવિ : ધ્રુવ ભટ્ટ  •  સ્વરકાર: ક્ષેમુ દીવેટિયા   •  ગાયક: અમર ભટ્ટ

http://tahuko.com/?p=650

https://www.youtube.com/watch?time_continue=7&v=SCtNDKddmDc

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 ઑક્ટોબર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=590317

Category :- Opinion / Opinion