અભય કવચ વિકસાવ્યું કોણે ? એ કવચ ભેદાશે કઈ રીતે ?

રમેશ ઓઝા
10-10-2019

મુંબઈના મારા એક ગુજરાતી પત્રકાર મિત્રએ કહેલો આ કિસ્સો છે. તેઓ ઘર ખરીદવા માટે ગુજરાતીઓની કોઑપરેટિવ બૅંકમાં ગયા. તેમણે તેમની સિક્યુરિટીઝ અને લોન પાછી વાળવાની ક્ષમતા બતાવતા આવકનાં કાગળિયાં બતાવ્યાં, ત્યારે લોન મંજૂર કરનારા અધિકારીએ કહ્યું કે, ‘સાહેબ, અમે તમને લોન તો આપીએ પણ તમે માગો છો એટલી નહીં કારણ કે તમારી સિક્યુરિટીઝ અને આવક ઓછાં પડે છે.’

મારા મિત્રએ ઓફિસે જઈને બૅંકના ચેરમેનને ફોન કર્યો અને જે બન્યું તે કહીને મદદ કરવા વિનંતી કરી. ચેરમેને બૅંકમાં ફોન કરી દીધો અને લોન મંજૂર કરવાનો આદેશ આપ્યો. બીજા દિવસે લોન મંજૂર કર્યા પછી એ અધિકારીએ મારા મિત્રને કહ્યું કે સાહેબ, તમને તો લોન મળી ગઈ, પણ આ બૅંક એક દિવસ ઊઠી જવાની છે એમાં કોઈ શંકા નથી. દરેક ડાયરેક્ટર આ રીતે લોન અપાવે છે અને દરેકના કોટા છે.

બે વરસમાં બૅંક ઊઠી ગઈ. મારા પત્રકાર મિત્ર અને બૅંકના ચેરમેનને હું ઓળખું છું. એ બન્ને હાડોહાડ દેશપ્રેમી છે. પાકિસ્તાનનું નામ પડે અને શરીર કાંપવા લાગે. સવાલ એ છે કે દેશપ્રેમના યુગમાં અનીતિનો પારો ક્યારે ય નહોતો એટલો ઉપર કેમ છે? આનો જવાબ સેમ્યુલ જ્હોન્સન નામના બ્રિટિશ વિચારકે આમ કહીને આપ્યો છે : Patriotism is the last refuse of the scoundrel. અર્થાત્ ધુતારાઓ માટે છેલ્લો આશ્રય દેશપ્રેમ છે. એકવાર દેશપ્રેમી થઈ ગયો પછી હાથ ન લગાડાય. એક યુગમાં જે સ્થાન હિંદુઓમાં બ્રાહ્મણોનું હતું એ આજે દેશપ્રેમીઓનું છે. એ સમયના હિંદુ રાજા ગો-બ્રાહ્મણ પ્રતિપાલક હતા તો અત્યારના ગો-દેશપ્રેમી પ્રતિપાલક છે. એ યુગમાં બ્રાહ્મણો કાયદાની ઉપરવટ હતા તો આજે દેશપ્રેમી છે. આટલા મોટા પ્રમાણમાં દેશપ્રેમીઓ ફૂટી નીકળ્યા છે, જેમાં થોડા ભોળિયા છે અને વધુ તો ધુતારાઓ છે. 

જો કોઈક પ્રકારના અભયનું કવચ ન હોય તો મુંબઈમાં પંજાબ અને મહારાષ્ટ્ર કોઑપરેટિવ બૅંકના સંચાલકો સાધારણ ગ્રાહકોની જમાપૂંજી(થાપણ)માંથી ૭૫ ટકા રકમ કોઈ એક બિલ્ડરને આપે ખરા? બધા ઈંડા એક જ ટોપલીમાં ન રખાય એટલી સાદી સમજ આ જગતમાં કોણ નથી ધરાવતું? તેમને પણ આ સાદી સમજ હતી અને છતાં ૭૫ ટકા કરતાં વધુ મોટી રકમ એક જ બિલ્ડરને આપી હતી. તો સવાલ એ છે કે આ અભયનું કવચ કઈ રીતે વિકસ્યું છે? કોણ એનો લાભ લે છે અને કોણ તેને હાથ લગાડવા દેતું નથી?

આ કવચ નરેન્દ્ર મોદીએ વિકસાવ્યું નથી. નરેન્દ્ર મોદીનો રાજકીય ઉદય થયો એ પહેલાંથી તે વિકસેલું છે. વધુમાં વધુ એમ કહી શકાય કે નરેન્દ્ર મોદી એ કવચને ભેદવા માટે કાંઈ કરતા નથી તો તેમની પહેલાંના શાસકોએ પણ કાંઈ નહોતું કર્યું. પહેલાંના શાસકો ભ્રષ્ટ અને દેશદ્રોહી હતા એટલે કાંઈ થતું નહોતું એટલે આપણે સ્વચ્છ દેશપ્રેમીઓને લઈ આવ્યા; પણ એ પછી પણ કવચ ભેદવામાં આવતું નથી. શા માટે? શું સ્વરૂપ છે એ કવચનું અને કોણ એને બચાવે છે એ સમજી લેવું જોઈએ. એમાં એવી કઈ તાકાત છે જે દેશપ્રેમને પણ નિરસ્ત કરે છે. દુશ્મનની તાકાત સમજી લીધા વિના દુશ્મનને જેર કરી શકાતો નથી.

વાત એમ છે કે આપણી આખી વ્યવસ્થા મૂડીલક્ષી અને સત્તાલક્ષી બની ગઈ છે. જે વેપાર કરે છે એને કોઈ પણ કિમંતે પૈસો રળવો છે, પછી નીતિ ગઈ ભાડમાં. રાજકારણીઓને પણ કોઈ પણ કિંમતે સત્તા સુધી પહોંચવું છે, પછી નીતિ ગઈ ભાડમાં. બન્નેને ખબર છે કે જો નીતિથી ચાલશું તો બીજા આગળ નીકળી જશે અને આપણે તક ગુમાવી દેશું. કાંઈ નહીં મેળવવાની ચિંતા નથી, કારણ કે અનેક પ્રામાણિક માણસો નીતિ સાચવીને પેટ ભરે જ છે; પણ આગળ નહીં નીકળી શકાય અને બીજા આગળ નીકળી જશે એની ચિંતા છે. આજના યુગમાં જે નીતિધર્મ સાચવીને ચાલે છે એ બેવકૂફ છે.

દેશના કાયદાઓથી ડરવાનું હોય અને દેશના કાયદા હાથ લગાડી ન શકે એવી પાક્કી વ્યવસ્થા અંકે કરી લીધા પછી ડરવાનું કોનાથી? કોઈ આસ્તિક શ્રદ્ધાવાન કહેશે, ઈશ્વરના કાયદાથી. એ કોઈને છોડતો નથી. તો એ બાબતે અભય-કવચ આપવાનું કામ ધર્મગુરુ કરે છે. દેશના કાયદાથી જે આંબી શકે એ શાસક આંગળિયે હોય અને ઈશ્વરના કાયદાનો કહેવાતો રખેવાળ એક ધર્મગુરુ પાળેલો હોય (ગુરુ માટે વપરાતો પાળેલો શબ્દ પણ સૂચક છે) પછી ડર કઈ વાતનો? વાસ્તવમાં આજે ધર્મગુરુઓ નૈતિકતાની ઐસીતૈસી કરનારા વેપારી અને રાજકારણીને કેરેક્ટર સર્ટિફિકેટ આપવાનું કામ કરે છે.

કેરેક્ટર સર્ટિફિકેટ બહુ જરૂરી છે. દશેરાને દિવસે તો અસત્યનો પરાજય અને સત્યનો જ વિજય થવો જોઈએ. દસ્તૂર એવો છે, શું થાય? ધર્મગુરુઓ બન્નેને સર્ટિફિકેટ આપે છે. આપણા ગુરુએ આપણા નેતાને કેરેક્ટર સર્ટિફિકેટ આપી દીધું એટલે પત્યું. બીજું જોઈએ શું? અને જે શેઠ સામે આંગળી ચિંધવામાં આવે છે તેણે આપણા ગુરુના કહેવાથી અબજો રૂપિયાનું દાન કરી દીધું એટલે આપણે રાજી.

તો વાત એમ છે કે આ ત્રણેયનો ત્રિકોણ રચાયો છે. નેતા, વેપારી અને ધર્મગુરુ. આ ત્રિકોણ ઘણો જૂનો છે. નરેન્દ્ર મોદીનો ઉદય થયો એ પહેલાંનો. ૧૯૭૦ના દાયકામાં મેં પહેલીવાર જાણીતા વિચારક દાદા ધર્માધિકારીને મોઢે તખ્ત (રાજકારણી) તિજોરી (વેપારી) અને ત્રિશુળ (ધર્મગુરુ)ના ત્રિકોણની વાત સાંભળી હતી. પાંચ દાયકા પહેલાં. તેઓ મળીને કામ કરે છે. શાસક વ્યવસ્થાને એના એ જ સ્વરૂપમાં વેપારીને ફાયદો થાય એ રીતે ટકાવી રાખવાનું કામ કરે છે. વેપારી તેને લૂંટવાનું કામ કરે છે અને ધર્મગુરુ પ્રજાને કલોરોફોર્મ આપવાનું કામ કરે છે. ત્રણેય લૂટેલો માલ વહેંચી લે છે.

વીતેલા દાયકાઓ દરમ્યાન આપણા દેશમાં એક ત્રિકોણ રચાયો છે. એ ત્રિકોણ સ્વાર્થનો ત્રિકોણ છે. ત્રણેય એકબીજાનું ધ્યાન રાખે છે. એ ત્રિકોણ વિષે દાયકાઓ પહેલાથી ચેતવણી આપવામાં આવી રહી છે. એક સમયે કહેવામાં આવતું હતું કે કૉન્ગ્રેસ જશે એટલે ત્રિકોણ ભેદાશે અને અભય-કવચ તૂટશે. ૧૯૭૭માં કૉન્ગ્રેસ ગઈ હતી, ૧૯૮૯માં ગઈ હતી, ૧૯૯૬માં ગઈ હતી, ૧૯૯૮માં ગઈ હતી અને ૨૦૧૪થી કૉન્ગ્રેસ સત્તામાં નથી; પણ કવચ એવુંને એવું અકબંધ છે. એ પછી કહેવામાં આવ્યું કે દેશપ્રેમીઓ સત્તામાં આવશે તો આ કવચ ભેદાશે. આ દેશે બાર વરસ દેશપ્રેમીઓનું પણ શાસન જોયું છે; પણ કવચ ભેદાતું નથી. હું તો કહું છું કે વધારે મજબૂત બન્યું છે, કારણ કે દેશપ્રેમનો દુરુપયોગ કરવામાં આવે છે.

અહીં આપણે જે ચર્ચા કરી એ વ્યવસ્થાને ટકાવી રાખનારા બાહ્ય કવચની વાત કરી. તેના સ્વરૂપની વાત કરી. આવતા અઠવાડિયે વ્યવસ્થાના સ્વરૂપ વિષે વાત કરીશું જેને તોડવી અને સુધારવી જરૂરી છે. જરૂરી નહીં, અનિવાર્ય છે. પણ એ ત્યારે જ તૂટશે જ્યારે તેને સુરક્ષિત રાખનારું બાહ્ય કવચ તૂટશે. અને એ ત્યારે થશે જ્યારે આપણી આંખો પરના પડળ તૂટશે.

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑક્ટોબર 2019

Category :- Opinion / Opinion