બ્રિટન : પ્રવાસી ભારતીયોની બીજી માતૃભૂમિ

નરેન્દ્ર ફણસે
07-10-2019

(1)

બ્રિટનની પહેલી મુલાકાત લેવાની તક ૧૯૭૬માં મળી હતી. ત્યાર બાદ કાયમી વસવાટ માટે ૧૯૮૧માં બ્રિટન ગયો, ત્યારે લંડન શહેર સાવ જુદા યુગનો અણસાર આપતું હતું. દેશમાં ચોમેર બેરોજગારી, ગરીબી અને અંગ્રેજીમાં કહીએ તો urban decay, ક્ષય-ગ્રસ્ત શહેરી જીવનનાં દર્શન થતાં હતાં. દેશમાં બેકારીનું પ્રમાણ હદથી વધી ગયું હતું. કાઉન્સિલ દ્વારા અપાતા મકાનોની પણ ભારે તંગી હતી. વધુ ને વધુ લોકો સરકાર તરફથી મળતા વેલફેર બેનિફિટ પર આધાર રાખતા થઇ ગયા હતા. આ યોજના અંતર્ગત આર્થિક લાભ મેળવવા જનતાને અનએમ્પલૉયમેન્ટ બેનિફિટ ઑફિસમાં જાતે જઇને અરજી કરવી પડે. ત્યાં હાજર લોકોની કતારોમાં આપણા અને આફ્રિકન કૅરીબિયન લોકો તેમના વર્ણને કારણે સાવ જુદા તરી આવતા હતા. (વર્ણદ્વેષી સંસ્થાઓ દ્વારા પ્રચાર થતો હતો કે નવા અશ્વેત વસાહતીઓ અંગ્રેજોનો હક્ક ખૂંચવી રહ્યા છે અને તેમને મળવા જોઇતા બેનિફિટ, મકાનો અને ઉચ્ચ શિક્ષણની સુવિધા આ 'ઇમીગ્રન્ટ્સ'ને ફાળવવામાં આવે છે. પરિણામે બ્રિટનમાં વર્ણદ્વેષની વૃત્તિ ડગલે ને પગલે તાદૃશ થતી હતી.

આમ જોઇએ તો બ્રિટનનો પરંપરાગત સમાજ ત્રણ વિભાગમાં વહેંચાયેલો હતો : Ruling class - રાજાશાહી અને વંશપરંપરાથી સમૃદ્ધ થયેલ ઉમરાવ વર્ગ; Middle Class - મધ્યમ વર્ગ એટલે વ્યાપારી, વ્યાવસાયીક વર્ગના - વકીલ, ઍકાઉન્ટન્ટ તેમ જ સફેદ (પોશ) કૉલરના કર્મચારી વર્ગના લોકો, અને છેલ્લે Working Class - રૈયત. ખેતમજૂરો અને કારખાનાંઓમાં કામ કરનારા Blue collar workersને પ્રથમ બે વર્ગના લોકોએ ત્રીજા વર્ગમાં મૂક્યા હતા. ભારતની વર્ણવ્યવસ્થા અને બ્રિટનની વર્ગ વ્યવસ્થા આમ એકબીજાંને લગભગ સમાંતર હતી.

૧૯૬૦ના દાયકામાં બ્રિટનનાં કારખાનાંઓમાં કામ કરવા માટે ભારે સંખ્યામાં ભારત, પાકિસ્તાન તથા વેસ્ટ ઇંડીઝમાંથી લોકોને બોલાવવામાં આવ્યા, ત્યારે બ્રિટનમાં ચોથો વર્ગ ઉદ્ભવ્યો.  Blacks : અશ્વેત.  આ નવા વર્ગમાં આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝથી આવેલા આફ્રિકનોની સાથે સાથે ભારતીય ઉપખંડમાંથી આવેલા ભારતીય, પાકિસ્તાની, શ્રીલંકાવાસીઓનું "Black" - અશ્વેતમાં વર્ગીકરણ થયું. નોકરી માટેની અરજીઓનાં ફૉર્મમાં વાંશીક ઉદ્ગમ(Ethnic profiling)ના કૉલમમાં ત્રણ ભેદ રાખવામાં આવ્યા : White, Black અને ‘Other’. શ્વેત વર્ણમાં પણ ત્રણ વિભાગ! અંગ્રેજ, આયરિશ અને યુરોપિયન. Black વિભાગમાં આમ લખાતું : Black (African), Black (Caribbean), Black (Asian)! અહીં ‘એશિયન’ એટલે દૂર પૂર્વના લોકો નહીં, પણ ભારતીય, પાકિસ્તાની, શ્રીલંકા તથા બાંગ્લાદેશીઓ ગણાતા. આ જાણે ઓછું પડતું હોય, વર્ણદ્વેષી લોકો ભારતીય ઉપખંડના બધા જ લોકોને પૅકી - Paki કહીને તુચ્છકારે. ૧૯૫૫થી ૬૦ના અરસામાં બ્રિટને પાકિસ્તાની નાગરિકોને ભારે પ્રમાણમાં કામદારો ‘આયાત’ કર્યા હતા. જ્યાં કોઈ ભારતીય ઉપખંડનો માણસ દેખાય અને તેને પૂછવામાં આવે કે તે ક્યા દેશનો છે, જવાબ મળતો ‘પૅકિસ્તાન’. બસ ત્યારથી આપણા વર્ણની વ્યક્તિઓને વર્ણદ્વેષી ગાળ એટલે ‘પૅકી’ થઈ હતી. આમ અશ્વેત વર્ગમાં ભેદ રાખવા ’Other’ વર્ગમાં દક્ષિણ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલન્ડ કે અમેરીકાના બન્ને ખંડમાંથી આવતા શ્વેત તથા Latinos (સ્પૅનિશભાષી લોકો), અરબ તથા દૂર-પૂર્વના રહેવાસીઓ. આ ખાનામાં અરજદારે પોતાની વાંશિકતા જણાવવી જોઇએ. 

આવી હાલતમાં આપણા ઉપખંડમાંથી આવનારા લોકોને કેટકેટલી વિટંબણામાંથી પસાર થવું પડતું હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. આ જાણે અપૂરતું હોય, આપણા પોતાના જ ગુજરાતી સમાજના વરીષ્ઠ નાગરિકોમાં આંતરિક વર્ણભેદ પ્રવર્તતો હતો. આનો દાખલો :

“ભાઇ, આ પહેલાં તમને અહીં જોયા નથી. યુગાંડાના ક્યા ગામના?” એક વૃદ્ધ સજ્જન.

“કાકા, હું યુગાંડાથી નથી ...” 

“એમ! તો કેન્યામાં ક્યાંથી?” અહીં કેન્યાનો ઉચ્ચાર એવી રીતે થાય કે આપણે જાણે કોઈ ઊતરતી જ્ઞાતિના હોઈએ. જવાબમાં તમે માથું હલાવીને ના દર્શાવો તો તરત ચોથો પ્રશ્ન.

“ઓહ! તો પછી ટાન્ઝાનિયાના. પાછલા બારણેથી આવેલા?” અહીં કુત્સિતતા વરતાય.

“ના, હું તો ભારતથી ...”

વૃદ્ધ સજ્જન નિરાશ થયેલા જણાશે અને કહેશે, “તો સીધું કહો ને, કે તમે સરકારના જમાઈ થઇને આવ્યા છો!” અને આપણે કોઇ અન્ય ગ્રહથી આવેલ વ્યક્તિ હોઇએ તેમ મ્હોં ફેરવીને ચાલવા લાગશે. ફરી કોઇ વાર સામે આવ્યા તો પહેલાં કદી મળ્યાની ઓળખાણ પણ નહીં! તે સમયે બ્રિટિશ નાગરિક યુવતી સાથે લગ્ન કરીને બ્રિટન જનારા ભારતીય યુવાનોને યુગાંડાથી બ્રિટન ગયેલા લોકોએ ‘સરકારી જમાઈ’ની ઉપાધિ આપી હતી! આ શ્રેણીમાં આવતા આપણા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોને પણ પૂર્વ આફ્રિકાના ભારતીયો આપણા લોકોની પીઠ પાછળ FOB - Fresh Off the Boat કહીને ટીખળ કરે. આ વાત તે સમયે બ્રિટનમાં હતી. આ નામકરણ બીજી પેઢીના ભારતીય-અમેરિકનોએ નવા સવા ભારતથી અમેરિકા ગયેલાં યુવક - યુવતીઓને કર્યું હતું.

આ ભેદભાવનો અનુભવ આવ્યા પછી કેટલાક યુવાનોએ તો તેનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. આશ્ચર્યકારક એવા અભ્યાસમાં જાણવા મળ્યું કે સન ૧૮૯૪થી ૧૯૬૨ સુધી યુગાંડા ‘બ્રિટિશ પ્રોટેક્ટોરેટ’ હતું. ત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં ભારતીયો - તેમાં પણ ખાસ કરીને ગુજરાતના વતનીઓ યુગાંડા પહોંચ્યા હતા. જ્યારે આ દેશને સ્વતંત્રતા મળી, મોટા ભાગના ભારતીય વસાહતીઓએ યુગાંડાનું નાગરિકત્વ સ્વીકાર્યું નહીં. તેમણે પોતાનો ‘બ્રિટિશ પ્રોટેક્ટેડ પર્સન’નો અધિકાર - અને પાસપોર્ટ ચાલુ રાખ્યો. ૧૯૭૧માં તે સમયના લશ્કરી સરમુખત્યાર ઇદી અમીને મૂળ ભારતના વસાહતીઓને એક અઠવાડિયામાં દેશ છોડી જવાનો હુકમ કર્યો ત્યારે બ્રિટિશ સરકારે એક વિશાળ અભિયાનમાં યુગાંડામાં વસતા ૭૦,૦૦૦થી વધુ ભારતીય મૂળના લોકોની જવાબદારી લીધી અને તેમને હવાઈ માર્ગે બ્રિટન લઇ ગયા. લંડન, લેસ્ટર, બર્મિંગહમ જેવાં શહેરોથી માંડીને કૉવેન્ટ્રી, નનીટન, નૉરીચ અને લૂટન જેવા નાનાં શહેરોએ ત્યાંના સ્થાનિક રહેવાસીઓના વિરોધ છતાં મ્યુનિસિપલ આવાસો આપણા લોકોને અગ્રેસરતા આપી તેમના માટે ફાળવ્યા. આવી રીતે આવેલા પ્રથમ પેઢીના યુગાંડાથી આવેલા મોટા ભાગના ભારતીયો બ્રિટન પર પ્રથમ હક્ક તેમનો છે, અને બીજા બધા ‘આલતુ-ફાલતુ’, એવું સમજતા થયા.

આ નવી વર્ણ વ્યવસ્થામાં તેઓ પોતાને ‘ઉચ્ચ કૂળ’ના immigrant ગણવા લાગ્યા હતા. તેમની દૃષ્ટિએ બીજી કક્ષાના લોકો કેન્યાવાસીઓ હતા. આમ જોવા જઇએ તો કેન્યા ‘ક્રાઉન કૉલોની’ હતી તેથી તેમની પાસે બ્રિટનનો અધિકૃત ગણાતો “Citizen of United Kingdom and Colonies’નો પાસપોર્ટ હતો. આથી તેમને ગમે ત્યારે બ્રિટન જઈને રહેવાનો અધિકાર હતો. જો કે તે સમયે બ્રિટિશ સરકાર પાસે યુગાંડાથી વિશાળ સંખ્યામાં ગયેલા લોકોને વસાવવાનું ભગીરથ કામ હતું. તેથી કેન્યાથી પણ તે પ્રકારની હિજરત થાય તો તેને પહોંચી વળવાની બ્રિટિશ સરકારની ક્ષમતા નહોતી. આ કારણસર સરકારે કેન્યાથી બ્રિટન કાયમી વસવાટ માટે જવા ઇચ્છતા માણસો માટે વર્ષ દીઠ ‘ક્વોટા’ નક્કી કર્યો અને તે પ્રમાણે કાયમી રહેઠાણના વિઝા આપવાની શરૂઆત કરી. ઘણા યુગાંડાવાસીઓ કેન્યાથી આવેલા ભારતીયોને પોતાનાથી ઊતરતી કક્ષાના ગણ્યા, કારણ કે બ્રિટન જવા માટે કેન્યાવાસીઓને લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું તથા પોતાના ખર્ચે પ્રવાસ કરવાનો હતો. જ્યારે યુગાંડાવાસીઓ તો સરકારી ખર્ચે બ્રિટન ગયેલા, પ્રથમ અધિકાર ધરાવનારા નાગરિકો હતા એવી એમની સમજ હતી. અહીં સ્પષ્ટ કરવાની જરૂર છે કે આ કથન લેખકનું નથી : તેણે પૂર્વ આફ્રિકાથી બ્રિટન ગયેલા સિનિયર સિટીઝનની સંસ્થામાં કમ્યુનિટી ડેવેલપમેન્ટ ઑફિસર તરીકે બે વર્ષ કામ કર્યું હતું ત્યાં સાંભળેલી, સમજેલી અને અનુભવેલી વાત છે.

ત્રીજી કક્ષા હતી ટાન્ઝાનિયાના ભારતવાસીઓની. આ દેશ પણ ‘બ્રિટિશ પ્રોટેક્ટેડ’ હતો. પહેલા વિશ્વ યુદ્ધ અગાઉ ટાન્ગાનિકા જર્મનીની સત્તા હેઠળ હતું અને જર્મનીની હાર પછી લીગ ઑફ નેશન્સે તેનો વહિવટ બ્રિટનના રક્ષણ હેઠળ મૂક્યો તેથી ત્યાંના રહેવાસીઓ બ્રિટિશ પ્રોટેક્ટેડ પર્સન થયા. જ્યુલિયસ ન્યેરેરેની આગેવાની હેઠળ દેશ આઝાદ થયો તે પહેલાં જે લોકોએ પોતાને બ્રિટિશ નાગરિક તરીકે રજીસ્ટર કરાવ્યા, તેમને બ્રિટન જવાનો હક્ક મળ્યો. જેમણે તે દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું તેમને છોડીને બાકીના બધા બ્રિટિશ પ્રોટેક્ટેડ પર્સન રહેવાનું પસંદ કર્યું. ત્યાર બાદ ટાંગાનિકા અને ઝાન્ઝીબાર એકત્ર થયા અને દેશને નવું નામ મળ્યું : ટાન્ઝાનિયા.

યુગાંડાની કટોકટી બાદ બ્રિટને ઇમીગ્રેશન અંગે વધુ કડક કાયદા કર્યા. અને ટાન્ઝાનિયાના બ્રિટિશ પ્રોટેક્ટેડ પાસપોર્ટ ધરાવતા લોકોને વસવાટ માટે વિઝા આપવાનું બંધ કર્યું અને એવી કડક શરતો મૂકી, જે ભાગ્યે જ કોઇ પૂરી કરી શકે. તેમને એક માત્ર સવલત મળી : વિઝીટર્સ તરીકે જવાની. સમય જતાં ટાન્ઝાનિયાના ઘણા લોકો વિઝીટર્સ વિઝા પર બ્રિટન ગયા અને ત્યાં જ રહી ગયા. બ્રિટિશ સરકાર તેમને પાછા મોકલી શકે તેવી સ્થિતિમાં નહોતી, કારણ કે આવા મુલાકાતીઓ એક રીતે બ્રિટિશ સરકારના રક્ષણ નીચે હતા! આ કારણસર બ્રિટનના ‘અધિકૃત’ રીતે આવેલા યુગાંડાવાસીઓની દૃષ્ટિએ આ ‘પાછલા બારણેથી આવેલા જણ’ હતા! આ થયા નવી  વર્ણવ્યવસ્થામાં ત્રીજી શ્રેણીના લોકો. હવે ચોથી અને છેલ્લી પંક્તિમાં કોણ આવે?

અલબત્ એવા ભારતીય, જે બ્રિટિશ નાગરિક કન્યાને પરણીને અથવા ઍમ્પ્લૉયમેન્ટ વિઝા પર બ્રિટન ગયા હતા!  જો કે ‘કુલીન’ વસાહતીઓ માટે આ બધા જ ‘સરકારી જમાઈ’ હતા! આપણી જૂની વર્ણાશ્રમ પદ્ધતિમાં સામેલ થયેલી આ નવી કક્ષામાં આ બધા સૌથી કનિષ્ઠ હતા.

(૨)

પ્રથમ ભાગનું વિવરણ અત્યંત ટૂંકમાં આપ્યું છે, અને તે પણ ઘણા ‘સરકારી જમાઈ’ તથા ઇસ્ટ આફ્રિકાથી બ્રિટન પહોંચેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યા બાદ, તેમના અનુભવો સાંભળ્યા બાદ તારવેલી માહિતી પ્રમાણે આપ્યું છે. એટલું જરૂર કહેવું પડશે કે અહીં જણાવેલી વૃત્તિ કેવળ પીઢ, પ્રથમ પેઢીના આફ્રિકાથી ગયેલ (First generation immigrants) લોકોમાં જોવા મળી. બીજી પેઢીના નવયુવાનો, કિશોર-કિશોરીઓ પાસેથી આનો ઉલ્લેખ સાંભળવામાં આવ્યો નથી. તેમની વિચારધારા તથા દૃષ્ટિકોણમાં સંકુચિતતાના દર્શન ભાગ્યે જ થયા. કદાચ બ્રિટનની પ્રગતિશીલ શિક્ષણ પદ્ધતિનું આ પરિણામ હશે. જો કે તેમની સમસ્યાઓ સાવ જુદી હતી, જેમાં વર્ણદ્વેષ મુખ્ય ગણી શકાય. શાળામાં જતાં બાળકોને તેનો ડગલે પગલે અનુભવ થતો. “You smell of curry, you b…dy Paki!” જેવા વાક્યો તેમને સંભળાવવામાં આવતા.

જે રીતે આફ્રિકાથી બ્રિટનમાં મોટા પ્રમાણમાં હિજરત ૧૯૭૧માં થઈ, પાકિસ્તાન અને ભારતથી બ્રિટનમાં જનારા લોકોની સંખ્યામાં વધારો ૧૯૫૦-૬૦ના દાયકાઓમાં શરૂ થયો અને ૧૯૬૦ના મધ્યમાં તે પરાકાષ્ઠાએ પહોંચ્યો. અહીં આનો ઇતિહાસ સંક્ષેપમાં જોઇશું જેથી બ્રિટનમાં પ્રવર્તી રહેલ ભારતીય ઉપખંડમાંથી બ્રિટન ગયેલા લોકોને એકબીજા વિશે તથા ત્યાંના આપણા પ્રત્યે પ્રવર્તતા ethnic stereotypeનો થોડો ખ્યાલ આવશે.

૧૯૫૦ના દાયકામાં બ્રિટનમાં Full Employment જેવી સ્થિતિ ઉદ્ભવી હતી. નવી ટેક્નોલૉજી પર આધારીત નવા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે સરકારે પહેલેથી ગીચ વસ્તીવાળાં શહેરોથી દૂર મિલ્ટન કીન્સ, વેલિન ગાર્ડન સિટી જેવાં નવાં શહેરો વસાવ્યાં, નવાં મકાનો બાંધ્યાં અને તે ખરીદવા માટે સવલતવાળા દર તથા ગ્રાન્ટ આપી. એટલું જ નહીં, આ શહેરોની કાઉન્સિલોએ સસ્તાં ભાડાંનાં મકાનો બાંધ્યાં. જેમને મકાન ખરીદવાની ત્રેવડ નહોતી, તેઓ અમેરિકન પદ્ધતિના આ બહુમાળી મકાનોમાં રહેવા ગયા. આમ સખત મજૂરી માગી લે તેવા labor intensive કામ - જેમ કે ધાતુ ગાળવાનાં, ઢાળવાનાં કામ, અને યૉર્કશાયર તથા લૅંકેશાયરની કપડાંની મિલોમાં કામ કરનારા મજૂરો મોટી સંખ્યામાં પોતાનાં કામ છોડી નવા ઉદ્યોગોમાં આકર્ષક પગાર પર કામ કરવા ગયા. તેમણે છોડેલી નોકરીઓમાં કામ કરવા મજૂરોની ભારે તંગી ઊભી થઈ. તેમણે ખાલી કરેલાં, ગીચ વિસ્તારમાં આવેલાં મકાનો વણવપરાયેલ હાલતમાં પડી રહ્યાં. તે સમયે બ્રિટનમાં આવી સ્થિતિ પ્રવર્તતી હતી.

લંડનની વાત ખરેખર રસપ્રદ હતી. ત્યાંનો ઇસ્ટ એન્ડનો વિસ્તાર, જે હાલમાં ટાવર હૅમ્લેટ્સના નામથી ઓળખાય છે, સાવ ગંદી હાલતમાં હતો. પહેલા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં યહૂદીઓ પર વાંશિક દ્વેષને કારણે સીતમ ગુજારવામાં આવતો હતો. તેનાથી ત્રાસીને યુરોપમાંથી અનેક યહૂદી પરિવારો બ્રિટનમાં નાસી આવ્યા હતા. મોટા ભાગના લોકો ઘણું ખરું લંડનના ઇસ્ટ એન્ડ વિસ્તારમાં વસી ગયા. લંડનનો હાલનો કમર્શિયલ રોડ તથા તેની આસપાસના બ્રિક લેન, લાઇમ હાઉસ, ઇસ્ટ હૅમ જેવા લત્તાઓમાં યહૂદી લોકો રહેતા હતા. ત્યાં જ તેમણે પોતાની દુકાનો અને વ્યાપાર સ્થાપ્યાં. જેમ જેમ તેઓ સમૃદ્ધ થતા ગયા, તેઓ લંડનની ઉત્તર અને ઇશાન દિશામાં આવેલા હૅમ્પસ્ટેડ, સ્ટૅનમોર, એજવેર, બાર્નેટ જેવા પરાંઓમાં રહેવા ગયા. તેમણે ખાલી કરેલા વિસ્તારોમાં ગીચ અને બિસ્માર હાલતનાં મકાનોમાં રહેવા માટે કોઇ તૈયાર નહોતું કારણ કે તેની ખ્યાતિ - કે કુખ્યાતિ વધુ જાણીતી હતી.

આ વિસ્તારોમાં સૌ પ્રથમ રહેવા ગયા હોય તો પૂર્વ પાકિસ્તાનના લોકો. મોટા ભાગે આ લોકો સિલેટ, ખુલ્ના, ચટગાંવ જેવા શહેરોનાં તથા તેની આસપાસના નાવિક-ખલાસીઓ હતા. તેઓ લંડનમાં રહી પડ્યા અને ઇસ્ટ એન્ડમાં વસવા લાગ્યા. વાચકોને અનુભવ હશે કે નવા દેશમાં ગયેલા લોકોને ક્યાં ય સ્થિર સ્થાવર થવું હોય તો તેમના સમાજની વ્યક્તિ જે વિસ્તારમાં રહેતી હોય ત્યાં રહેવા જવાનું વધુ પસંદ કરે. તેથી જેમ અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં એડીસન, જર્સી સિટી વગેરે જેવાં શહેરોમાં અને તે પણ અમુક વસ્તીઓમાં આપણા લોકો રહેવાનું વધુ પસંદ કરતા હોય છે, તેમ લંડનના ટાવર હૅમ્લેટ્સમાં બાંગ્લાદેશીઓની સૌથી વધુ વસ્તી છે - ખાસ કરીને બ્રિક લેન, સ્પીટલ્સ ફીલ્ડ જેવા વિસ્તારોમાં. ભારતીયો અને પાકિસ્તાનના લોકો લંડનના માઇલ એન્ડ, ઇલ્ફર્ડ, વેસ્ટ હૅમ, વૉલ્થમસ્ટો જેવા વિસ્તારોમાં વસી ગયા. પૂર્વ આફ્રિકાથી લંડન ગયેલા ગુજરાતી ઉગમના લોકો લંડનના વેમ્બલી, હૅરો, નૉર્થોલ્ટ જેવા વિસ્તારોમાં અને પંજાબીઓ સાઉથૉલ, યેડીંગ અને તેની આસપાસના વિસ્તારોમાં વસ્યા. અંગ્રેજો આની મજાક ઉડાવવા કહેતા, “આ તમે પોતે ખડી કરેલી ghetto (જાિતવાદી વાડાઓની) મનોવૃત્તિ છે!”

બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટનમાં નૅશનલ હેલ્થ સર્વિસમાં સૌ પ્રથમ પાકિસ્તાનમાંથી ડૉક્ટરો ગયા અને ત્યાર બાદ ભારતથી. દેશની આર્થિક હાલત એકદમ સુધરવા લાગી. નવા ઉદ્યોગો અને વ્યાપાર સ્થપાયા. અંગ્રેજ પરિવારો નવા શહેરોમાં રહેવા ગયા. સરકારે પ્રજાજનો માટે મકાન ખરીદ કરવા ખાસ સબ્સીડી આપવાનું શરૂ કર્યું (જેને First Time Buyers’ Grant કહેવામાં આવતી). ઇસ્ટ એન્ડની સાંકડી ગલીઓમાં રહેતા અંગ્રેજો મોકળાશવાળી જગ્યાએ રહેવા ગયા. બ્રિટનનાં શહેરોની, ખાસ કરીને લંડનની બસો ચલાવવા માટે ડ્રાઇવર - કંડક્ટરો પણ કામ છોડી સારા પગારની નોકરી કરવા નવાં શહેરોમાં ગયા. આમ સખત મજૂરીનાં અને ઊતરતી શ્રેણીનાં તથા પ્રમાણમાં ઓછું વેતન આપનારા કાપડની મિલો જેવા ઉદ્યોગોમાં મજૂરોની તીવ્ર અછત ઊભી થઇ. આ અછત દૂર કરવા બ્રિટનની સરકારે ભારે સંખ્યામાં મજૂરોની ભરતી કરવાનો નિર્ણય લીધો. આમ જોવા જઇએ તો ભારતમાં કાપડ ઉદ્યોગ એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલો હતો કે યૉર્કશાયરની મિલો માટે જોઇએ એટલા મજૂરોની ભારતમાંથી ભરતી થઇ શકી હોત. પણ બ્રિટનની સરકારે ભરતી માટે પ્રાધાન્ય પાકિસ્તાનને આપ્યું. આનું કારણ ઐતિહાસિક અને રાજકીય હતું.

લૉર્ડ માઉન્ટબૅટનના ADC સ્વ. નરેન્દ્રસિંહ સરીલાના પુસ્તક The Shadow of the Great Gameનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ થશે કે ભારત આઝાદ થયા બાદ બ્રિટનને સામ્યવાદી  રશિયાનો અફઘાનિસ્તાન તથા દક્ષિણ એશિયામાં થતો પગપેસારો રોકવો હતો. નહેરુની રશિયા તરફી વૃત્તિ એટલી કૂણી હતી કે અમેરિકા તથા બ્રિટનનું ભારત પ્રત્યેનું વલણ શંકાશીલ થયું. વળી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેનારા સૌથી વધુ ક્રાન્તિકારીઓ ભારતીયો હતા અને તેમનો પ્રતિકાર કરવા માટે સરકારે બલુચિસ્તાન, પખ્તુનખ્વા અને પશ્ચિમ કાશ્મીરના મીરપૂર જેવા વિસ્તારોમાંથી આવેલા સૈનિકોનો ઉપયોગ કર્યો હતો. આમ આપણા દેશ અને દેશવાસીઓની સરખામણીમાં બ્રિટનને પોતાને અનુકૂળ હોય તેવો Buffer દેશ અને દેશવાસીઓ જોઇતા હતા. આ મકસદ પૂરો કરવા તેમણે પાકિસ્તાનનો પાલવ ખેંચ્યો અને પાકિસ્તાન પોતાના આર્થિક અને લશ્કરી સ્વાર્થ સાધવા તેમના લશ્કરી જૂથ(SEATO)માં જોડાયું. તેમણે પોતાના દેશના લશ્કરી મથકો બ્રિટન અને અમેરિકા માટે ખોલી નાખ્યા. આપને કદાચ યાદ હશે કે અમેરિકાના U 2 વિમાનકાંડમાં જગજાહેર થયેલ વિમાન પાકિસ્તાનના પેશાવર ઍર બેઝથી રશિયા પર જાસૂસી કરવા ઊડ્યું હતું. પાકિસ્તાન તરફથી આવી સવલત અમેરિકાને હજી મળે છે.

પાકિસ્તાની પ્રજાની અંગ્રેજો પ્રત્યેની વફાદારી ઐતિહાસિક હતી. બ્રિટિશ-ભારતીય સેનાનાં પશ્ચિમ પંજાબ અને બલુચીસ્તાનથી ભરતી થયેલા સૈનિકો બ્રિટનને ૧૮૫૭થી માંડીને બન્ને વિશ્વ યુદ્ધોમાં અટળ રીતે વફાદાર રહ્યા હતા. આથી ૧૯૫૦ના દાયકામાં તેમણે કામદારોની ભરતી માટે નિવૃત્ત થયેલા પાકિસ્તાની સૈનિકો તથા જે કોઇ પરિવારને બ્રિટિશ સેના સાથે પારિવારિક લેણાદેણી હોય તેમની વિશાળ પાયા પર બ્રિટનનાં યૉર્કશાયર અને લૅંકેશાયરમાં આવેલા કારખાનાંઓ અને મિલો માટે ભરતી શરૂ કરી. તેમને રાજકીય દૃષ્ટિએ આજ્ઞાંકિત, શિસ્તપાલન કરનારા અને વફાદાર પ્રજાજનોની જરૂર હતી. આમ જોવા જઇએ તો ભારતમાં બ્રિટિશ સરકારની સામે ક્રાન્તિકારી ચળવળ કરનારાઓમાં ભારતીયો પ્રમુખ સ્થાને હતા. આપણે ત્યાં શિક્ષણનો પ્રાદુર્ભાવ પણ ભારે હતો. ભારત સરકારની સમાજવાદી, રશિયા પર આસ્થા રાખનારી વૃત્તિઓને કારણે બ્રિટન-અમેરિકાને આપણા પ્રજાજનો પર અવિશ્વાસ હતો. પાકિસ્તાન બ્રિટિશ કૉમનવેલ્થનું સભ્ય હોવાથી તે સમયે તેમના નાગરિકોને ઇમીગ્રેશન કે વિઝાના નિયંત્રણો નહોતાં. તેથી બ્રૅડફર્ડ, બોલ્ટન, ઓલ્ડહમ, બ્લૅકબર્ન જેવાં કાપડની મિલો ધરાવતાં શહેરોમાં પાકિસ્તાની ઉગમનાં લોકો મોટી સંખ્યામાં મળી આવશે. આમ ૧૯૫૦ અને ૬૦ના બે દશકમાં પાકિસ્તાનમાંથી બ્રિટનમાં આવેલા લોકોની વિશાળ વસ્તીને કારણે ત્યાંના અંગ્રેજો માટે આપણા વર્ણનાં બધા જ લોકો પાકિસ્તાની હતા. “You all look so alike, it does not matter what you are,” કહેવાતું. ટૂંકમાં, તમે બધા અમારા માટે પૅકી (Paki) છો.  વર્ણદ્વેષી લોકોએ ભારતીય ઉપખંડમાંથી ગયેલા બધા લોકોને એક નામ આપ્યું. શરૂઆતથી જ પાકિસ્તાનના વસાહતીઓની બ્રિટનમાં બહુમતિ હોવાથી, અને ‘તમે ક્યા દેશના છો’નો જવાબ મોટા ભાગે ‘પૅકિસ્તાન’ હોવાથી બધા એશિયનો  - ભારતીયો માટે પણ સ્ટિરીઓટાઇપ લાગી ગયું : ‘પૅકી.’

ભારતમાંથી કામદાર વર્ગ તથા ડૉક્ટર, એન્જીનિયર કે ઍકાઉન્ટન્ટ જેવા વ્યાવસાયિકો ૧૯૫૦ના અરસામાં બહુ ઓછા પ્રમાણમાં ગયા હતા. ૧૯૬૦ના દશકમાં બ્રિટને કૉમનવેલ્થમાંથી બ્રિટન જવા માગતા લોકો પર નિયંત્રણ મૂકવાનો નિર્ણય કર્યો, ત્યારે તેનો અમલ કરવાની તારીખ પહેલાં ભારે સંખ્યામાં ભારતીયો અને વેસ્ટ ઇન્ડીઝનાં નાગરિકો બ્રિટન ગયા. આમ બ્રિટન ગયેલા લોકોમાં વ્યવસાયની દૃષ્ટિએ આપણે પોતે જ એકબીજાંથી અભેદ્ય વિભાગ પાડ્યા : પ્રથમ વર્ગમાં હતા ડૉક્ટર્સ, બૅરિસ્ટર્સ અને સૉલિસીટર્સ. બીજી શ્રેણીમાં ઍકાઉન્ટન્ટસ્ તથા સફેદ કૉલરના વ્યાવસાયીકો. ત્રીજી અને કનિષ્ઠ કક્ષા હતી ફૅક્ટરીમાં કામ કરનાર ભાઈ બહેનોની. આમ બ્રિટનમાં આપણી ભારતીય સમાજ વ્યવસ્થાનું નવું રૂપ જોવા મળ્યું. આ પ્રથા એટલી રૂઢ થઇ હતી કે ફૅક્ટરીમાં કામ કરનારાઓને અન્ય લોકો હીન ભાવે જોવા લાગ્યા. આફ્રિકાના ગુજરાતીઓ આપણી મધ્ય વયીન સ્ત્રીઓને 'માસી' કહીને બોલાવતાં. બ્રિટનમાં હિજરત કરીને આવેલી સ્ત્રીઓને પણ પુરુષ સમોવડી બનીને કામ કરવું પડતું. લેખકે ઑફિસમાં કામ કરી ઘેર જતી બહેનો વચ્ચે બસમાં થતી વાત જાતે સાંભળેલી છે: "પાંચ વાગ્યા પછીની બસ ના લેશો.  ઇસ્ટ લેનની ફૅક્ટરીઓમાં કામ કરતી માસીઓથી બસ ભરાઈ જાય અને તેમાં આ માસીઓ એવી મોટે મોટેથી વાતો કરતી હોય છે, આપણને શરમ આવે. આ ધોળિયાઓ તેમની સામે ગુસ્સાથી ટગર ટગર જુએ, પણ માસીઓને કશાની પડી નથી હોતી!" ધોળિયા એટલે આપણે અંગ્રેજો માટે વાપરતા તે વર્ણદ્વેષી શબ્દ! આફ્રિકન વંશના લોકો માટે કયો શબ્દ વપરાતો હશે એની કલ્પના આવી હશે.

(3)

૧૯૭૦ બાદ આપણી પ્રજામાં એક નવો વર્ગ ઊભો થયો : ‘કૉર્નર શૉપ’ અથવા ‘ટૉબેકોનિસ્ટ ઍન્ડ ન્યૂઝ એજન્ટ’ નામની દુકાનોના માલિકો. આનો અનધિકૃત ઇજારો મુખ્યત્વે ઇસ્ટ આફ્રિકાથી આવેલા વસાહતીઓ પાસે હતી. ન્યુઝ એજન્ટનું બીજું નામ છે ‘કન્ફેક્શનર ઍન્ડ ટોબેકોનિસ્ટ.’

બ્રિટનના સમાજમાં કેટલાક અવિભાજ્ય અંગ છે. નાનામાં નાનું ગામડું હશે ત્યાં તમને ચાર સંસ્થાઓ અચૂક જોવા મળશે : ગામની સૌથી મહત્ત્વની સંસ્થા હોય છે Pub. આ Public Houseનું સંક્ષિપ્ત નામ છે. સામાન્ય રીતે પબ ચલાવનાર પતિ-પત્ની હોય છે, અને ત્યાં પીરસાતું ભોજન ‘Pub food’ તરીકે ઓળખાય. રાંધનાર સામાન્ય રીતે લૅંડલૉર્ડનાં પત્ની! Pubમાં રોજ બપોરે તથા સાંજે ગામના કે સ્થાનિક વિસ્તારના લોકો હંમેશાં ભેગા થશે. આ છે ઇંગ્લિશ મધ્યમ વર્ગ અને કામદાર વર્ગનું સામાજિક મિલનસ્થાન. અહીં લોકો dartsની રમત રમે અને તેની હરીફાઈ થાય. વીક-એન્ડમાં કૅરીઓકી, સ્થાનિક કલાકારોના વાદ્યસમૂહ(Band)નો કાર્યક્રમ યોજાય.

અન્ય ‘સંસ્થા’ઓ છે સ્થાનિક ચર્ચ, ગ્રોસરી સ્ટોર, પોસ્ટ ઑફિસ અને હા, ન્યૂઝ એજન્ટ. નાનકડાં ગામોમાં અને શહેરોનાં પરાંઓમાં ગ્રોસરી સ્ટોરના માલિક પોસ્ટ ઑફિસ ચલાવતા હોય છે. ન્યૂઝ એજન્ટની દુકાનમાં રાષ્ટ્રીય અને સ્થાનિક અખબારો, સામયિકો, તમાકુના ઉત્પાદનો (સિગરેટ, સિગાર, વગેરે), ચૉકલેટ્સ અને વિવિધ પ્રકારની ઇંગ્લિશ મીઠાઈઓ, બસના પાસ વેચાય. સ્થાનિક દુકાનોના છેવાડે, ખૂણામાં આવેલ દુકાનો તે કૉર્નર શૉપ્સ! આ પણ ન્યુઝ એજન્ટ જેવી દુકાન હોય છે.

ઇસ્ટ આફ્રિકાથી આવેલા હજારો ભારતીયોએ બ્રિટનનાં શહેરો અને ગામડાંઓમાં આવેલી આ ન્યૂઝ એજન્ટ, કૉર્નર શૉપ્સ અને ગ્રોસરી સ્ટોર ખરીદી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆતમાં મોટા ભાગની દુકાનો પટેલ ભાઈ-બહેનોએ ખરીદી હોવાથી એક મોટો stereotype થઈ ગયો : ન્યુઝ એજન્ટ ભારતીય જ હોય અને તેની અટક પટેલ હોય! શાળામાં આપણાં બાળકોને અંગ્રેજ બાળકો પૂછે, ‘તારા બાપુની કૉર્નર શૉપ છે ને?’

આપણા લોકોએ આ વ્યવસાય શા માટે સ્વીકાર્યો તેની પાછળ પણ એક મોટું કારણ હતું.

વર્ણભેદ!

૧૯૭૦-૮૦ના દશકમાં બ્રિટનમાં મંદીનું મોજું ફેલાયું હતું. સરકારે તો જાહેર કર્યું હતું કે નોકરી, મકાનના ઍલોટમેન્ટ તથા શિક્ષણનાં ક્ષેત્રોમાં કોઈ પણ જાતનો વર્ણભેદ કરવો ગુનાને પાત્ર છે. આ માટે સરકારે કમિશન ફૉર રેશિયલ ઇક્વૉલિટી(CRE)ની સ્થાપના કરી. કોઈ પણ બિનગૌર વ્યક્તિને એવું લાગે કે તેના પ્રત્યે ઉપર જણાવેલી બાબતમાં ભેદભાવ થયો છે, તે સીધો CRE પાસે અરજી કરી ન્યાય માગી શકે. મંદીના કારણે નોકરીઓની અછત હતી. આપણા દેશમાં જેમ રોજગાર ખાતાની કચેરી હોય છે, તેવી આખા બ્રિટનમાં Job Centre નામની કચેરીઓ સ્થાપવામાં આવી હતી. રોજગાર વગરના લોકો અહીં જઈને જુએ કે ત્યાં રાખેલા ‘જોઇએ છે’ના કાર્ડમાં ક્યાં ક્યાં ખાલી જગ્યાઓ છે. પોતાની કેળવણી અને અનુભવને અનુરૂપ  જે ખાલી જગ્યાની જાહેરાતનું કાર્ડ હોય તેનો રેફરેન્સ નંબર લઈ એમ્પ્લૉયમેન્ટ ઑફિસર પાસે જાય. તેઓ કમ્પ્યુટર પરથી વિગતો મેળવી જાહેરાતકર્તાને ફોન કરે અને ઇન્ટરવ્યૂની ઍપોઇન્ટમેન્ટ મેળવી આપે. આવી સવલત અને કાયદો હોવા છતાં આપણાં લોકોને નોકરી મળતી નહોતી. એમ્પ્લૉયમેન્ટ ઑફિસર જાહેરાતકર્તાને ફોન કરે અને તે અરજદારનું નામ સાંભળીને યા તો કહેશે, 'જગ્યા ભરાઈ ગઈ છે. તમને જણાવવામાં મોડું થયું છે તે માટે માફ કરશો.' અથવા આપણા લોકોને ઍપોઇન્ટમેન્ટ આપશે, અને ત્યાં ગયા પછી કહેશે, You are over-qualified! સરકારી નોકરીવાળા અફસર કહેશે, “Sorry, you do not have the relevant experience.”

આપણા લોકોને કાઉન્સિલ(એટલે મ્યુનિસિપાલિટી)ની માલિકીનાં મકાનની ફાળવણી બાબતમાં પણ એવાં બહાનાં અપાતા, કે આપણા લોકોને મકાન ન મળે.

આવી હાલતમાં લાચાર થાય તો તે ગુજરાતી શાનો! ગૌરવથી જીવનારી આપણી પ્રજાએ તેમાંથી પણ રસ્તો કાઢ્યો. તેમણે ન્યુઝ એજન્ટની દુકાન, ગ્રોસરી સ્ટોર, કૉર્નર શૉપ્સ ખરીદ કરી, self employed - સ્વ-નિર્ભર થયા. સરકારી આવાસ ન મળે તો મકાનો ખરીદી તેમાં રહેવાનું શરૂ કર્યું. તે સમયે ત્રણ બેડરૂમ, હૉલ, કિચન અને બાથરૂમનું સેમી ડિચૅચ્ડ કે ટૅરેસ્ડ હાઉસ ૫,૦૦૦થી ૭,૦૦૦ પાઉંડમાં મળી જતા. આપણી શાખ પણ મજબૂત હોવાથી બૅંક અને બિલ્ડીંગ સોસાયટીઓએ કરજ આપવામાં પાછી પાની ન કરી, આમ સમગ્ર બ્રિટનમાં એક નવો સ્ટીરીઓટાઇપ ઊભો થયો. અત્યાર સુધી આફ્રિકામાં નોકર-ચાકરથી ભરેલાં ઘરમાં આરામનું જીવન જીવનાર બહેનોને મોરગેજનાં હપ્તા ભરવા નોકરી કરવી પડી. બહેનોને તે સમયે ફૅક્ટરીઓમાં નોકરી મળી જતી તેથી ભણેલી અને ઉચ્ચ શિક્ષણ પામેલી બહેનોને પણ ત્યાં કામ કરવું પડ્યું. આ જ બહેનોને ઑફિસોમાં કરનારી યુવતીઓ ‘ફૅક્ટરીની માસીઓ’ કહેતી! આનાથી વધુ કરુણ વક્રોક્તિ કઈ હોઈ શકે? ફૅક્ટરીમાં કામ કરનાર એક ગુજરાતી બહેન સ્વ. જયાબહેન દેસાઈએ એક શક્તિશાળી ઉદ્યોગ સામે વર્ણભેદ સામે લડત ઉપાડીને દેશવ્યાપી લડત ચલાવી હતી, તે ઑફિસમાં કામ કરનારી મોટા ભાગની બહેનોને જાણ નહોતી અને તે પણ ન જાણવાની કોશિશ કરી.

તે સમયે દેશમાં પ્રવર્તતા stereotype, વર્ણદ્વેષ અને તેનો પ્રતિકાર કરી, નવા દેશમાં સફળ થવા માટે આપણા લોકોએ દર્શાવેલ પોતાની આંતરિક શક્તિનું વર્ણન કરવાનો આ પ્રયત્ન છે. આપણા લોકો પર લાગેલો સૌથી મોટો સિક્કો હતો - એશિયન એટલે ન્યુઝ એજન્ટ. એ શ્રીમંત જ હોય કારણ કે તેઓ ઘરનું ઘર ધરાવતા મકાનમાલિક હોય છે!

અહીં વાચકોના મનમાં કદાચ પ્રશ્ન ઊભો થાય : બ્રિટનમાં વર્ણભેદના મૂળ શા માટે ઊંડા થયા હતા? તેની પાછળ કોઇ ખાસ કારણો હતા? બ્રિટનની પ્રજા, ખાસ કરીને મધ્યમ વર્ગનાં લોકોમાં એક પ્રકારની જાગૃતિ હતી, ઉદારમતનું વર્ચસ્વ તેમની વિચારસરણીમાં હતું, તેમ છતાં ત્યાં આવી પરિસ્થિતિ શા માટે અને કેવી રીતે ઉદ્ભવી? લેખકને આ વિષયમાં અભ્યાસ કરવાની તક જ્યારે તે લંડનની સાઉથ બૅંક યુનિવર્સીટીમાં શિક્ષણ મેળવવા ગયો ત્યારે મળી.

ભારતથી બ્રિટન ગયેલા વિવિધ વર્ગના લોકોના સંપર્કમાં આવ્યા બાદ તથા તેમણે વ્યક્ત કરેલા વિચાર મુજબ આફ્રિકામાં વસેલા આપણા લોકો એક ‘થીજી ગયેલા સમય’માં જીવી રહ્યા હતા. તેમના કહેવા પ્રમાણે આફ્રિકા ગયેલા ભારતીયો - ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રના લોકો વીસમી સદીની શરૂઆતમાં પૂર્વ આફ્રિકા ગયા. જ્યારે તેઓ ત્યાં ગયા, ત્યારે તેમની સાથે તેમના સમયના જે આચાર, વિચાર, માન્યતા અને સંસ્કાર લઇને ગયા હતા તે તેમણે તેમની આવનારી બધી પેઢીઓમાં તેમની ભાષા, જ્ઞાતિ-જાતિના વિચાર, તથા તે અંગેની માન્યતાઓ સિંચ્યા હતા. ઘણા ભારતીયો એવું માનતા થયા હતા કે પૂર્વ આફ્રિકન ભારતીયોની ઓગણીસમી કે વીસમી સદીની શરૂઆતની જે મૂલ્ય પદ્ધતિ(value system)માં તસુભર ફેર નહોતો પડ્યો. આનું ઉદાહરણ : ૧૯૯૦માં એક નાનકડી સભામાં કેન્યાથી આવેલા એક કાર્યકર્તાને માઇક્રોફોન પર કહેતા સાંભળ્યા છે, “બાયડીઓ માટેનાં ટોઇલેટ હૉલની ડાબી કને છે!”

એક અન્ય વાત એવી પણ સાંભળવા મળી કે પૂર્વ આફ્રિકન દેશો ભારતની આઝાદી બાદ પણ અનેક વર્ષો સુધી અંગ્રેજોની ગુલામી હેઠળ રહ્યા હતા. તેથી જૂના જમાનાથી ત્યાં વસેલા આપણા લોકોની અંગ્રેજો પ્રત્યેની ભક્તિ, તેમને આદર્શ ગણવાની માન્યતા જેવી ને તેવી રહી હતી. પૂર્વ આફ્રિકાના દેશોમાં તે સમયના હાકેમ અંગ્રેજોએ ગુલામી ચાલુ રાખવા અને સ્થાનિક પ્રજાને જ્ઞાનના પ્રકાશમાંથી વંચિત રાખવા શિક્ષણના ક્ષેત્રમાં કોઈ ઉત્તેજન કે રોકાણ કર્યું નહીં. ભારતમાં શિક્ષણ પર ભાર આપવાથી જનતામાં સ્વાધીનતાનો જુસ્સો જાગ્યો હતો, તેવી હાલત ખનિજ અને ધાતુઓથી સમૃદ્ધ એવા આફ્રિકાના દેશોમાં ન થાય તે માટે પૂર્વ આફ્રિકાના ત્રણે દેશોમાં કોઈ વિશ્વવિદ્યાલય જ નહોતું. સામાન્ય વર્ગના ભારતીય યુવક-યુવતીઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળ્યો નહીં. મધ્યમ વર્ગનાં સુખવસ્તુ ભારતીય માતાપિતા તેમનાં બાળકોને ભણવા ભારત મોકલતા અને ધનાઢ્ય પરિવારો ઇંગ્લંડ. સૌનો આખરી ઉદ્દેશ તો ‘માતૃભૂમિ’ - ઇંગ્લંડ જવાનો હતો. ભારતને તેમણે નામ પૂરતું ‘વતન’ સમજ્યું, પણ આખરી વિસામા તરીકે ગણ્યો હોય તો ફક્ત એક દેશ : ઇંગ્લંડ.

આ હતી ભારતથી બ્રિટન ગયેલા લોકોની પૂર્વ આફ્રિકાના ભારતીયો પ્રત્યેની માન્યતા! આના પૂરાવા રૂપે ભારતથી બ્રિટન ગયેલા નાગરિકોએ એવી દલીલ પેશ કરી કે જ્યારે ઇદી અમીને યુગાન્ડાથી ભારતીયોને બહાર કાઢ્યા ત્યારે લગભગ સોએ સો ટકા ભારતીયો લોકોએ બ્રિટન જવાનું પસંદ કર્યું. ઘણા લોકો કૅનેડા, સ્વીડન, નૉર્વે જેવા દેશોમાં ગયા. મૂળ વતન, ભારત જવા કોઇ જ તૈયાર થયું નહીં. જે થોડા ઘણા લોકો ગયા, તેઓ એકાદ બે વર્ષ બાદ બ્રિટન ગયા.

સામ્યવાદી સમાજશાસ્ત્રીઓનાં દૃષ્ટિકોણથી જોઈએ તો એક જુદું ચિત્ર ઉપસી આવશે. તેમના વિષ્લેષણ પ્રમાણે કોઈ પણ દેશનો શાસક વર્ગ પોતાના હાથમાં સત્તા રાખી પ્રજાનું શોષણ કરતો રહે છે. તેમાં સામેલ હોય છે સરકારની શોષક નીતિનું સમર્થન કરનારા ઉચ્ચ વર્ગના પણ જનતાથી અળગા રહેનારા ઉમરાવ - Ruling Class. આ શાસકોથી ઊતરતી કક્ષા એટલે તેમની નીચે કામ કરનાર મધ્યમ વર્ગ. મધ્યમ વર્ગના લોકોનું કામ જનતા પાસેથી કર ઉઘરાવવાનું, પ્રજા પર કાયદાનું અનુશાસન (ન્યાય ખાતું, પોલીસ તથા મિલિટરી) અને જનતા સાથે સીધા સમ્પર્કમાં રહી સરકારી વહીવટ કરવો.

આ ઉપરાંત એક અન્ય મહત્ત્વનો વર્ગ છે : વ્યાપારીઓ. Colonial imperialist દેશો પોતાની વસાહતોમાં ઉત્પન્ન થતો સસ્તો કાચો માલ - કપાસ, તમાકુ વગેરે મોકલે. તેમાંથી તેમનાં કારખાનાંઓમાં તૈયાર થયેલ ઉત્પાદિત માલ-સામાનની આયાત આફ્રિકા કે ભારત જેવા દેશોમાં આવેલી તેમની વસાહતોમાં કરી તેને સામાન્ય જનતામાં વેચવો. આના માટે તેમણે નાના વ્યાપારીઓને ઉત્તેજન આપ્યું. આફ્રિકાના નાનાં નાનાં ગામડાંઓમાં દુકાનો ખોલીને દુકાનદારો કપાસ ખરીદ કરે અને આયાત કરેલ કાપડ અને અન્ય માલ વેચે. આમ આ વ્યાપારી વર્ગને પણ સામ્યવાદીઓ શોષણકર્તા સમજતા થયા હતા. કારણ દેશમાં વાહનવ્યવહારની અછતના કારણે finished product સહેલાઈથી મળતો નથી. આમ તેની ખરી કે કૃત્રિમ કમી હોવાને કારણે આ છૂટક માલ વેચનારા વેપારીઓ ગરીબ પ્રજાને મરજી મુજબની કિંમતે માલ વેચે, ભારે વ્યાજથી માલ સામાન ઉધાર આપે અને ઓછી કિંમતે તેમનો કાચો માલ ખરીદી તેના પર ઊંચો નફો કમાવે. મધ્યમ વર્ગ તથા સરકારી નીતિનો ફાયદો ઊઠાવી સરકારને વફાદાર રહેનાર વેપારી વર્ગને સામ્યવાદીઓ 'Agents of the State' કહે છે. પૂર્વ આફ્રિકામાં નાનાં નાનાં ગામોમાં પણ ભારતીયોએ આવી દુકાનો ખોલી હતી.

સમાજમાં છેલ્લે આવે છે શોષિત વર્ગ એટલે ખેત મજૂરો અને કામદારો. સામ્યવાદી સમાજશાસ્ત્રીઓ આ ત્રણે વર્ગોને અનુક્રમે નામ આપ્યા છે Ruling Class, Bourgeoisie તથા Proletariat.

આફ્રિકામાં બ્રિટિશ શાસનકર્તા અને તેમના ઇટન કે હૅરો તથા ઑક્સફર્ડ/કેમ્બ્રીજમાં ભણી આવેલા શ્રીમંતોનાં નબીરાઓ પ્રથમ વર્ગના capitalist/imperialist, જેમના થકી તેઓ જે દેશમાં શાસન કરતા. કર ઉઘરાવતા અને કાયદાનું પાલન કરવા માટે પોલીસ તથા ન્યાય ખાતાનો ઉપયોગ કરતા તે અમલદારો હતા ‘મધ્યમ વર્ગ‘ના બુર્ઝવાઝી - bourgeoisie. આફ્રિકામાં આ સમગ્ર વર્ગ લગભગ ભારતીયોથી બનેલો હતો. તેમને મર્યાદિત સત્તા, અને સારું પગાર ધોરણ આપેલું હોવાથી તેમની વફાદારી બ્રિટિશ હાકેમો તરફ જ હતી. ૮૦-૯૦ ટકા જેટલા વ્યાપારીઓ ભારતીય હતા તેથી તેઓ પણ સરકારના અનુયાયી હતા.

શોષિત વર્ગમાં હતા સામાન્ય આફ્રિકન નાગરિકો. વર્ણદ્વેષી અંગ્રેજો તો તેમને હીન ભાવથી જોતા. આપણા ભારતીયો તેમનાથી એક ડગલું આગળ ચાલતા. અહીં જે કહ્યું છે તે લેખકનું કહેવું નથી : તેના સમ્પર્કમાં આવેલા અનેક પૂર્વ આફ્રિકાથી આવેલા ભારતીયોએ આનું વિશદ વર્ણન કર્યું હતું. દાખલા તરીકે ઘરમાં કામ કરતા નોકરોને અંગ્રેજ હાકેમ ‘બૉય’ કહેતા. આપણા લોકો તેમને “બૉયટા” કહેતા, ‘બૉય’ પણ નહીં!

પૂર્વ આફ્રિકાના ભારતીયોને ભારતના લોકો પ્રત્યે પૂર્વગ્રહ હોવાનું કારણ એક દિવસ અચાનક જાણવા મળ્યું. તેમની દૃષ્ટિએ ભારતના લોકોની નજર હંમેશાં પરદેશ રહેતા તેમના ધનાઢ્ય સગાંવહાલાંઓના ‘ખિસ્સા’ તરફ હોય છે. એક સજ્જને જણાવ્યું કે ૧૯૫૦-૬૦ દરમિયાન તેઓ જેટલી વાર ભારત ગયા, તેમનાં સગાં-સંબંધીઓએ તેમની પાસેથી એક યા બીજા બહાને પૈસા કઢાવવાનો પ્રયત્ન કર્યો હતો અને કાઢ્યા પણ હતા. તે જમાનામાં  ગુજરાતમાં ‘ચેત મછંદર’ નામનું સામયિક પ્રસિદ્ધ થતું હતું. તેમાંનું એક કાર્ટૂન હજી યાદ છે. આફ્રિકાથી આવેલ એક યુગલ  સ્ટીમર પરથી ઊતરતું હતું ત્યારે તેમની પાસે ભારે ભારે બૅગ્સ હતી અને શરીર ઘરેણાંઓથી સજાયેલ હતું. જતી વખતે એક એક બૅગ અને ઊતરેલાં ચહેરા અને લગભગ ચિંથરેહાલ હાલતમાં પાછાં જઈ રહ્યાં હતાં. તે સમયે ભારતમાં પરદેશથી માલ મગાવવા પર પ્રતિબંધ હતો તેથી આફ્રિકાથી આવેલા પ્રવાસીઓનાં મોંઘા અને જાપાનની મિલોની સાડીઓ તથા પુરુષોનાં કપડાં સગાંઓએ માગી લીધાં હતાં. ‘તમે તો ત્યાં જઈને બીજા લઈ શકશો. અમને આવી ચીજો ક્યાં મળવાની હતી?’ મહેમાનો જતાં જતાં કહેતાં હતાં, ‘સગાંઓને મળવાં આવ્યાં હતાં. આ વખતે છેલ્લી વાર!’

આથી વિપરીત વાત એક ભારતીય સજ્જનની મુલાકાતમાં જાણવા મળી તે પણ આશ્ચર્યજનક હતી. તેમના અંગત અનુભવની વાત એવી હતી કે તેઓ વાણિજ્યના અનુસ્નાતક હતા. સાવ સામાન્ય અને ગરીબ પરિવારના. માતાપિતાએ પેટે પાટા બાંધીને પુત્રને ભણાવ્યો, એ આશાથી કે તેને સારી નોકરી મળશે તો પરિવાર ઊંચો તરી આવશે. ભાઈની આવડત અને શિક્ષણ જોઈ પૂર્વ આફ્રિકાના તેમના પરિચીત પરિવારે તેમને તેમની દીકરી માટે પસંદ કર્યા. સ્પૉન્સરશીપ આપી. ભાઇને થયું બ્રિટન જઈ તેમનાં જ્ઞાન અને આવડતથી એટલી પ્રગતિ કરશે કે છેલ્લી ત્રણ પેઢીથી ભાડાંના મકાનમાં ભારતમાં રહેતા તેમના પરિવાર માટે ઘરનું ઘર લેવા જેટલા પૈસા મોકલી શકશે તથા તેમના પ્રત્યે મોટા પુત્ર તરીકેની જવાબદારી નિભાવી શકશે.

ઘરજમાઈ થયેલા યુવાનની આવક પર પત્ની તથા તેના પરિવારનો હક્ક બની ગયો. વીસ વર્ષના વસવાટ બાદ આંસુભરી આંખે તેમણે લેખકને કહ્યું, “મારા પિતાજી તેમના ભાડાંના મકાનમાં જ મરી ગયા. મા અને બાકીનો પરિવાર હજી ત્યાં જ છે. હું તેમને કદી પૈસા મોકલવા માગું તો ઘરમાં એવો તો કંકાસ થાય, જીવ આપવાનું મન થતું. અહીં અમારાં બે મકાન છે. એકમાં રહીએ છીએ અને બીજું આવક માટે ભાડે આપવા માટે લીધેલું. તેમાંની એક પણ પાઈ મારા મા-બાપ માટે નથી. આ મારો એકલાનો અનુભવ નથી. આવા દસ જણ સાથે તમારી મુલાકાત કરાવી આપીશ. અમે સમદુ:ખિયા મહિનામાં એક સાંજ કિંગ્ઝબરીના xxx પબમાં ભેગા થઈને સુખદુ:ખની વાતો કરીએ છીએ. તમારે આવવું હોય તો, ભલે પધાર્યા! હું તમને ફોન કરીને જણાવીશ.”

તેમને મળ્યા પછી ત્રણ વર્ષ બાદ જાણવા મળ્યું કે આ ભાઈનું અવસાન થયું હતું.

(4)

લંડનમાં સમાજ સેવા વિભાગની નાણાંકીય મદદથી સ્થપાયેલી ભારતથી આવેલા પરિવારોના સિનિયર નાગરિકો માટે એક સંસ્થા સ્થપાઈ હતી. સંસ્થા દ્વારા યોજાયેલ નાનકડી ચર્ચા સભામાં વર્ણભેદ (Racial discrimination) અને તેમાંથી ઉદ્ભવેલ વર્ણદ્વેષ (Racism) અને તેનાં કારણો પર વક્તવ્ય થયાં. એક ઉદાર મતવાદી અંગ્રેજ વક્તાના મત અનુસાર પૂર્વગ્રહ(prejudice)ને કારણે વર્ણભેદ નિપજે છે. જ્યારે પૂર્વગ્રહમાં સત્તાનું સામર્થ્ય ભળે - પછી ભલે તે શાસનના ગુપ્ત અથવા પરોક્ષ સમર્થનને કારણે હોય કે સામાજિક પરિબળોને કારણે, તેની નિષ્પત્તિ વર્ણદ્વેષમાં થતી હોય છે. બ્રિટનમાં અને અન્ય યુરોપીય દેશોમાં વર્ણદ્વેષ મોટા પ્રમાણમાં જોવા મળે છે. બીજા વિશ્વ યુદ્ધ અગાઉ સમગ્ર યુરોપમાં યહૂદીઓ તથા જિપ્સીઓ પ્રત્યે ઉગ્ર પ્રમાણમાં વર્ણદ્વેષ થતો હતો અને હજી પણ તે કેટલાક દેશોમાં જોવા મળે છે.

બ્રિટનની વાત કરીએ તો જ્યાં સુધી અખંડ ભારત પર તેમનું એકછત્રી રાજ્ય હતું, સામાન્ય અંગ્રેજોની ભારતીયો પ્રત્યેની ભાવના રાજાઓને તેમની રૈયત પ્રત્યે હોય તેવી હતી : patronising. પંજાબમાં દોડતા ટ્રકોની પાછળ મજાનાં વાક્યો લખાય છે, તેમાંનું એક ‘પ્યારસે દેખો, મગર દૂર સે!” વાક્ય અહીં લાગુ પડશે. જ્યાં સુધી તમે દૂર છો, અમે પણ તમારી તરફ પ્રેમથી જોઇશું. પણ અમારા દેશમાં, અમારી નજીક ન આવશો!

લેખકના વિશ્લેષણ પ્રમાણે બ્રિટનમાં પ્રવર્તતા વર્ણદ્વેષ પાછળનું કારણ ઐતિહાસિક છે અને તેમાં બ્રિટનના રાજ્યકર્તાઓની કુશાગ્રતા છુપાયેલી છે. જૂના રાજાશાહી કાળમાં બ્રિટન તથા ફ્રાન્સના વર્ગકલહ (class conflict) એક સમાન હતા. બન્ને દેશોમાં ruling class, bourgeoisie અને proletariatની સ્થિતિ પણ એક સરખી હતી. રૈયત ભૂખે મરતી હતી, જ્યારે અમીર, ઉમરાવ તથા રાજકર્તાઓ મોજમઝામાં રમમાણ હતા. ઇંગ્લંડમાં ભિખારીઓની સંખ્યા વધતી હતી અને ગામલોકો તેમને ગામ બહાર હાંકી કાઢતા હતા. રોજ સાંજે ભિખારીઓનાં ટોળાં ભીખ માગવા ગામમાં આવતાં અને લોકો લાકડીઓ લઈ, તેમને મારી મારીને કાઢી મૂકવા તૈયારી કરતા. અહીં એક જૂની કવિતા યાદ આવે છે: “Hark! Hark! Dogs do bark / Beggars are coming to the town.” ત્યાર બાદ તો Poor Laws થયા - જવા દો. અહીં ઇતિહાસની પુનરાવૃત્તિ નહીં કરીએ. મૂળ મુદ્દા પર આવીએ.

વર્ગકલહની પરાકાષ્ઠા થતાં ફ્રાંસમાં ક્રાંતિ થઈ. જનતાએ સમ્રાટ સોળમા લુઇ, સામ્રાજ્ઞી મૅરી ઍન્ત્વાનેત તથા તેમના ઉમરાવોનાં મસ્તક ગિલોટિન નીચે કાપી નાખ્યાં.  બ્રિટનમાં આમાંનું કશું થયું નહીં. આથી વિપરીત એટલે ઇંગ્લંડના રાજા(Kings)ની ઉન્નતિ રાજામાંથી શહેનશાહમાં (Emperor) થઇ! ઉમરાવોની સંખ્યામાં વધારો થતો ગયો. આનું મુખ્ય કારણ એ હતું કે અંગ્રેજ શાસકોએ તેમની પ્રજાને ઊંધા ચશ્માં પહેરાવ્યાં હતાં. જનતાની નજરને પોતાની ગરીબીમાંથી હઠાવી વિશ્વમાં ફેલાયેલા બ્રિટિશ સામ્રાજ્ય તરફ દોડાવી. જનતાને ભ્રમનો કસુંબો પાયો કે તેઓ એવા જગત પર રાજ્ય કરે છે જ્યાં સૂર્ય કદી અસ્ત પામતો નથી. તેમના સામ્રાજ્યનું સૌથી વધુ પ્રકાશમાન હીરો ભારત છે - The brightest jewel in British Empire! સામ્રાજ્યના રત્ન સમાન ભારત એવો દેશ હતો જ્યાંના સેંકડો રાજાઓ અને મહારાજાઓ બ્રિટનના હાકેમ સામે કુર્નીસાત કરતા હતા. સૌ જાણતા હતા કે ભારત મણિ-રત્નોની ખાણ છે. હિંદુસ્તાનની મલમલ, રેશમ, તેજાના, કિનખાબ અને હીરા-પન્ના જેવા રત્નોની છોળ બ્રિટનમાં ઊડતી હતી. આવા ધનાઢ્ય દેશની માલિક એવી બ્રિટિશ પ્રજા કેવી રીતે ગરીબ હોઈ શકે? જનતા આ ભ્રમમાં રાચવા લાગી કે ‘અમે અર્ધાથી વધુ વિશ્વ પર રાજ કરીએ છીએ!’ પ્રજાએ તેમની પોતાની ખુદની દયનીય સ્થિતિની દખલ લીધી નહીં કેમ કે તેને કદી પ્રસિદ્ધિ અપાઈ નહીં. ગરીબ અને દેવાંના ભાર નીચે પીડતી પ્રજાને મોટાં શહેરોમાં Work Housesમાં ગોંધી તેમની પાસેથી અઢાર જેટલા કલાક કામ કરાવાતું હતું અને બદલામાં બ્રેડ અને સૂપ જેવો ખોરાક અને અલ્પાતિઅલ્પ મહેનતાણું અપાતું. દેવું ચૂકવી ન શકનાર વ્યક્તિની જેલમાં રવાનગી થતી. ચાર્લ્સ ડિકન્સની નવલકથાઓમાં આનું તાદૃશ વર્ણન જોવા મળશે. આવા ‘વર્કહાઉસ’માં પોલીસની હાજરી હંમેશાં રહેતી.

સરકારી જાહેરાતો, સામ્રાજ્યનાં દિવાસ્વપ્નોએ અંગ્રેજ પ્રજામાં એક પ્રકારની ગુરુતાગ્રંથિ જન્માવી હતી - ખાસ કરીને ભારતીય ઉપખંડની પ્રજા પ્રત્યે. ઓગણીસમી સદીના અંતમાં આ જ્ન્મેલી ભાવના તેમના અંતરમાંથી કદી જ ગઇ નહીં. બ્રિટનમાં ક્રિકેટ રમનારા, ત્યાંની વિશાળ જમીનો તથા country mansionsના માલિક અને લંડનના મેફૅર જેવા અમીર વિસ્તારમાં રહેનારા એવા મહારાજાઓ તથા શરૂઆતમાં ઉચ્ચ અભ્યાસ માટે જનારા ભારતીયો પ્રત્યે “આ લોકો પણ અમારા સમ્રાટ/સામ્રાજ્ઞી આગળ સલામી-ગુલામી કરનારી વફાદાર પ્રજા છે”, એવી ભાવનાથી જોનારા અંગ્રેજોના દેશમાં જ્યારે મોટી સંખ્યામાં ભારતીયો આવ્યા ત્યારે આપણા પ્રત્યેનું તેમનું સઘળું માન ઓગળી ગયું. હવે આપણા લોકો ‘પૅકી’ થયા અને તેમને ઊતરતી કક્ષાના, બીજા વર્ગના નાગરિક (second class citizens) સમજવા લાગ્યા. જ્યારે દેશના કાયદા પ્રમાણે નૂતન ભારતીય ઉપખંડમાંથી આવેલા લોકોને સુવિધાઓ આપવી પડી, સમાજ સુરક્ષાના કાયદા (social security acts) અનુસાર તેમને આવાસ તથા આર્થિક મદદ વગેરેમાં આપવાની ફરજ પડી, ત્યારે અંગ્રેજ પ્રજાને શૂળ ઉપજી. જોવા જઇએ તો આવી મદદ સરકાર આપણા લોકોને કોઈ ઉપકાર તરીકે નહોતી આપતી. લોકોને તે મેળવવાનો અધિકાર હતો અને તે માટે લોકો કર તથા ‘નૅશનલ ઇન્સ્યોરન્સ’નું પ્રિમિયમ ભરતા હતા, તેથી આ સુવિધાઓ જનતાને આપવાની સરકારની ફરજ હતી. પણ તે સમયે અંગ્રેજોની અલ્પ શિક્ષિત, આમ જનતામાં આપણા લોકો સામે જે નરમ વિરોધ હતો તેને વર્ણદ્વેષનું સ્વરૂપ આપી સામાન્ય રોગચાળાની જેમ ફેલાવવા માટે બ્રિટિશ નૅશનલ પાર્ટી (BNP)એ મહત્ત્વનો ભાગ ભજવ્યો. લંડનના ઇસ્ટ એન્ડમાં BNPના ‘ટેડી બૉય્ઝ’ આપણી પ્રજાને ઢોર માર મારવા સુધી ઊતરી આવ્યા હતા. તેમણે ભારતીય ઉપખંડના લોકોની વિરુદ્ધમાં લંડનના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર વર્ણદ્વેષી પોસ્ટર લગાવ્યા. એક પોસ્ટરમાં તેમણે ભયાનક ચહેરાવાળો, પાઘડી પહેરેલો અને દાઢીમૂછવાળો કદરૂપો માણસ ચિતર્યો, જે જનતા સામે આંગળી ચિંધીને કહે છે, “I want your homes! I want your jobs!”

***

વર્ણદ્વેષ બે રીતે પ્રકટ થાય છે : પ્રકટ અને પરોક્ષ. ઉપર વર્ણવ્યો તે અલબત્ત પ્રકટ હતો. અપ્રકટ કે પરોક્ષ દ્વેષ મુખ્યત્વે બે સ્તર પર જોવા મળે છે. એક તો છે Institutionalised Racism - જ્યાં સરકાર (મધ્યસ્થ સરકાર / જિલ્લા-સ્તરીય સ્થાનિક સરકાર - જેમ કે કાઉન્ટી, શહેરની મ્યુનિસિપલ કાઉન્સિલ વગેરે) કોઈ એક વિશેષ વર્ગ પ્રત્યે પરોક્ષ રીતે ભેદભાવ કરે. જો કે તેમની નીતિની જાહેરાતમાં મોટે મોટેથી નગારાં પીટશે કે ‘અહીં કોઈ પણ પ્રકારનો વર્ણભેદ કે વર્ણદ્વેષ સાંખી લેવામાં નહીં આવે”! દાખલા તરીકે સરકારી કે કાઉન્સિલની નોકરી માટે કોઈ પણ ભારતીય ઉપખંડની સ્નાતક કે અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ મેળવેલી વ્યક્તિ અરજી કરે તો તેને મુલાકાત માટે અવશ્ય બોલાવવામાં આવશે. તેની સાથે મીઠાશથી વાત થશે, પણ નોકરી નહીં અપાય. બ્રિટનમાં કોઇ ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો હોય અને તેને નોકરી ન અપાય તો તેને તેનું કારણ પૂછી શકાય અને જે તે સંસ્થાએ તેનો જવાબ પણ આપવો પડે. અહીં આવી વાતચીત સાંભળવા મળતી :

“તમારી પાસે જરૂરી અનુભવ નથી,” નોકરી માટે ઈન્ટરવ્યૂ લેનાર કહેશે.

“મારા દેશમાં તમારી અંગ્રેજ પદ્ધતિની સરકારી નોકરીમાં પ્રથમ વર્ગના અફસરનો મને વીસ વર્ષનો અનુભવ છે.”

‘પણ તે અહીં લાગુ ન પડે, કારણ તમારા દેશમાં સદીઓ જૂની પદ્ધતિ હતી. અહીં આધુનિક પદ્ધતિઓ ચાલે છે. તમારી પાસે બ્રિટનમાં કામનો એક વર્ષનો પણ અનુભવ હોત તો અમે તમને જરૂર રાખી લેત, કારણ તમે બીજી બધી રીતે લાયક છો!”

“મને અહીં નોકરી જ ન મળે તો આ દેશનો અનુભવ ક્યાંથી લાવું?”

“માફ કરશો, આ catch 22ની સ્થિતિ છે. આ દેશમાં કામ ન કરો તો અનુભવ ન મળે, અને અનુભવ ન હોય તો નોકરી ન મળે. વારુ, ત્યારે, સાહેબજી! ગુડ લક. આવજો.”

તે ઑફિસમાં કામ કરનાર આપણા કોઈ ઓળખીતા હોય તો તે તેમની પાસે તપાસ કરતાં જણાશે તે જગ્યા પર શાળામાંથી મૅટ્રીક(ત્યાંના GEC Level)ની પરીક્ષા પાસ થયેલ અંગ્રેજ યુવક કે યુવતીને વિના અનુભવે પણ નોકરીએ રખાયા છે.

બીજું અપાતું કારણ, ‘તમે over-qualified છો!’

નોકરીમાં તેમ જ સરકારી આવાસની ફાળવણીમાં આવો પરોક્ષ ભેદભાવ થતો હતો. સારા પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલ સરકારી આવાસ અશ્વેત લોકોને કદી ન મળે. લંડનની જ વાત કરીએ તો ચૉકહિલ, સ્ટોનબ્રીજ, પેકમ (Peckham) જેવી કાઉન્સિલ એસ્ટેટ, જ્યાં દરરોજ ખૂન, મારામારી, લૂંટ થતાં હોય, ત્યાં આપણા લોકોને મકાન અપાતા. ઇલીંગ, હિલીંગ્ડન, રાયસ્લિપ જેવા વિસ્તારોમાં આવેલ કાઉન્સિલનાં મકાનોમાં બિનગૌર લોકો ભાગ્યે જ જોવા મળતા.

વર્ણદ્વેષ પ્રદર્શીત કરવાનો પરોક્ષ બીજો માર્ગ હતો બનાવટી સહાનુભૂતિ દર્શાવવાનો. “અમને તમારા પ્રત્યે ઘણી દિલસોજી છે, પણ તમારા પ્રશ્નોનો હલ અહીંના અશિક્ષિત પ્રજાજનો સમજતા નથી. આ બધું સહન કરવા કરતાં તો તમે જ્યાંથી આવ્યા છો, ત્યાં પાછા જાવ તો તમારી બધી સમસ્યાઓ દૂર થશે!”

હવે જોઈએ બ્રિટનની વેલ્ફેર બેનિફીટ પદ્ધતિ.

બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટનમાં મજૂર સરકાર આવી ત્યારે તેમણે સ્કૅન્ડીનેવિયન રાષ્ટ્રોમાં પ્રવર્તી રહેલ વૅલ્ફેર સ્ટેટની પદ્ધતિ અપનાવી. વૅલ્ફેર સ્ટેટની ટૂંકી વ્યાખ્યા એવી થઇ શકે કે જે રાષ્ટ્ર તેના દરેક નાગરિકની તેના જન્મથી લઈ મૃત્યુ સુધીની - cradle to graveની જવાબદારી લેતું હોય તે વૅલ્ફેર સ્ટેટ કહેવાય. આ સિદ્ધાંત અંતર્ગત બાળકના જન્મથી તેના પોષણની, તેના આરોગ્યની, તેને પૂરતાં અન્ન-પાણી, રહેઠાણ, ભણતર, નોકરી, બેકારીમાં ભરણ પોષણ મળતાં રહે, તથા વૃદ્ધાવસ્થામાં લોકોની માવજત અને સાર-સંભાળ લેવાય, અને છેલ્લે, અંત્યેષ્ઠીની પણ જવાબદારી સરકારની રહે છે અને બેનિફીટ પર રહેલ વ્યક્તિના પરિવારને ધારાધોરણ મુજબ કૉફિન વગેરે માટે નાણાંકીય મદદ આપવામાં આવે છે.

બ્રિટનની સરકારે તેના નાગરિકોની આ બધી જવાબદારીઓ સંભાળી લીધી છે.

વેલ્ફેર સ્ટેટના આ સિદ્ધાંતો બ્રિટનમાં કેવી રીતે કામ કરે છે તેનું વિવરણ અહીં જોઇએ.

અહીં બાળકનો જન્મ થતાં જ તેની માતાને દર અઠવાડિયે Child Benefit નામનું એલાવન્સ મળવા લાગે છે, પછી ભલે તે કરોડપતિ હોય કે અત્યંત ગરીબ અવસ્થામાં. દરેક માતાને તેના દર બાળક દીઠ આ ભથ્થું તેનાં બાળકો અઢાર વર્ષનાં થાય ત્યાં સુધી મળ્યા કરે. આ રકમ બાળકનાં પોષણ માટે વપરાય તો તેનું આરોગ્ય સારું રહે અને ભવિષ્યનો આ નાગરિક સુદૃઢ અને સશક્ત બને, આ તેનો ઉદ્દેશ. ત્યાર પછી આવે છે તેના ભણતરની વ્યવસ્થા જેમાં તેને હાઇ સ્કૂલ સુધીનું શિક્ષણ, તેનાં પાઠ્યપુસ્તકો, શાળાનો યુનિફૉર્મ, બૂટ, ગરમ કપડાં, બપોરનાં ભોજનનો ખર્ચ સરકાર તરફથી કરવામાં આવે છે. આમાંના કેટલાક લાભ - દા.ત. બપોરનું ભોજન, યુનિફૉર્મના પૈસા - means tested હોય છે; એટલે કે તેનું વિતરણ બાળકના વાલીઓની આવક પર આધાર રાખે છે. ૧૯૮૦ના દાયકા અગાઉ તો વિદ્યાર્થીઓને કૉલેજનાં શિક્ષણ માટે પણ ગ્રાન્ટ ભરપૂર પ્રમાણમાં અપાતી જેમાંથી તેના ભણતરનો પૂરો ખર્ચ નીકળી જાય.

બાળક ૧૮ વર્ષનું થાય અને તેને આગળ અભ્યાસ ન કરવો હોય, કે તેનું શિક્ષણ પૂરું થતાં નોકરી મળે ત્યાં સુધી તેને અનએમ્પ્લૉયમેન્ટ બેનિફીટ અથવા ઇન્કમ સપોર્ટ મળવાની શરૂઆત થઈ જાય. નોકરી મળ્યા બાદ તે નિવૃત્ત થાય, ત્યારે તેને પેન્શન પણ સરકાર તરફથી મળે. અંતમાં જ્યારે કોઇ વ્યક્તિ મૃત્યુ પામે, અને તેના અંત્યસંસ્કાર કરવા માટે તેના વારસદાર પાસે નાણાં ન હોય તો તેના માટે પણ અગાઉ જણાવ્યા મુજબ સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે. ભારતમાં જે રીતે આધાર કાર્ડ હોય છે, તેમ બ્રિટનના દરેક નાગરિક પાસે નૅશનલ ઇન્સ્યોરન્સ કાર્ડ હોવું જોઇએ, જે સોશિયલ સિક્યોરિટી ઑફિસમાં જાતે જઈને મેળવવું પડે.

બ્રિટિશ સરકાર શબ્દશ: વેલ્ફૅર સ્ટેટ હતું. લેખકે માલાવીથી આવેલા આપણા એક વૃદ્ધ સજ્જનને કહેતાં સાંભળ્યા છે: “ભૈ, રામરાજ હાંભળ્યું’તું, પણ આંયા આવ્યા પસેં કેવું હોય સે, ઇ ભાળ્યું!" તેમના વિધાનમાં એક પણ શબ્દનો ફેરફાર કર્યો નથી!

વૅલ્ફેર સ્ટેટની જવાબદારી પૂરી કરવા રાષ્ટ્રીય સરકારને નાણાંની જરૂર પડે તેની તથા આ બધી સગવડો કેવી રીતે પૂરી પાડવી તેનું સંક્ષિપ્ત વર્ણન હવે જોઈએ.

(5)

બ્રિટન નાનકડો દેશ છે, તેથી તેનું વહીવટી વિભાજન રાજ્યોમાં કરવાને બદલે જિલ્લાઓમાં - ‘કાઉન્ટી’માં થયું - જેમ કે હૅમ્પશાયર, મિડલસેક્સ, લેસ્ટરશાયર (Leicestershire), વૉરીકશાયર (Warwickshire) વગેરે. આ કાઉન્ટીઓમાં સ્થાનિક સરકાર છે અને તેમને કાઉન્ટી કાઉન્સિલ કહેવામાં આવે છે. બર્મીંગહમ, મૅન્ચેસ્ટર, લીડ્ઝ જેવા શહેરોને સિટી કાઉન્સિલ અને મહાનગર લંડનને ગ્રેટર લંડન મેટ્રોપોલિટન કાઉન્સિલનું સ્થાન અપાયું. લંડનની વસ્તી એક કરોડથી વધુ હોવાથી અને તેનું વિભાજન બત્રીસ બરો કાઉન્સિલોમાં થયું, જેમાં દોઢથી બે લાખથી વધુ વસ્તીવાળા વિભાગો આવે. આમ ગ્રેટર લંડન કાઉન્સિલમાં બ્રેન્ટ, હૅરો, સધર્ક, લૅમ્બથ, વૉન્ડ્ઝવર્થ વગેરે જેવા ‘બરો’ નિર્માણ થયા.

બ્રિટનમાં વૅલ્ફેર સ્ટેટની વ્યવસ્થાનો ભાર રાષ્ટ્રીય સરકાર અને સ્થાનિક (કાઉન્ટી કે સિટી) કાઉન્સિલ વચ્ચે વહેંચાયો છે. દેશની આવકના મુખ્ય સ્રોત વિશે તો આપ સહુ જાણો છો. કાઉન્ટી તથા શહેરોની કાઉન્સિલોની આવક બે સ્રોતમાં હોય છે : એક તો કાઉન્ટીમાં આવેલાં રહેઠાણ તથા વ્યાપારી સંસ્થાઓનાં મકાનોના માલિકો પાસેથી કર ઉઘરાવીને, જેને ‘રેટ્સ’ કહેવાય છે. (આને ‘પોલ ટૅક્સ’ પણ કહેવાય છે). બીજી આવક છે મધ્યસ્થ સરકાર પાસેથી મળતી રકમ. આ રકમ રાષ્ટ્રીય સરકારને મળતા ઇન્કમ ટૅક્સ, VAT (વૅલ્યુ ઍડેડ ટૅક્સ) વગેરેમાંથી દરેક કાઉન્ટીને વસ્તી પ્રમાણે ફાળવવામાં આવે છે, જેને ‘રેટ સપોર્ટ ગ્રાન્ટ’ કહેવામાં આવે છે. 

આમ બ્રિટનની વૅલ્ફૅર પદ્ધતિનો વહીવટ બે વિભાગમાં વહેંચાયો : રક્ષા, વિદેશ, આરોગ્ય (નૅશનલ હેલ્થ સર્વિસ), સોશિયલ સિક્યોરિટી, ટપાલ, વગેરે જેવા ખાતાં મધ્યસ્થ સરકારે પોતાની પાસે રાખ્યા. જ્યારે સમાજ સેવા (સોશિયલ સર્વિસીસ), વસવાટ (હાઉસીંગ), પર્યાવરણ તથા જાહેર સુખાકારી, શિક્ષણ વગેરેની જવાબદારી શહેરી કાઉન્સિલ અને કાઉન્ટી કાઉન્સિલો પાસે. આ કાર્યવાહીમાં મધ્યસ્થ સરકારનો હસ્તક્ષેપ હોતો નથી, પરંતુ સરકારે નક્કી કરેલી નીતિના માળખાંમાં રહીને આ વહીવટ કરવાનો હોય છે. જો કે કોઈ પણ સ્થાનિક સરકારમાં બેહદ ગેરરીતિ થાય તો મધ્યસ્થ સરકાર તેનો વહીવટ પોતાને હસ્તક લઈ શકે.

બીજા વિશ્વ યુદ્ધ બાદ બ્રિટનમાં મજૂર સરકાર આવી અને તેમણે બે મહત્ત્વનાં કામ કંર્યા. એક તો નૅશનલ હેલ્થ સર્વિસ(NHS)ની સ્થાપના કરી. આ સેવા અંતર્ગત દેશના દરેક નાગરિકની આરોગ્ય અંગેની સંપૂર્ણ જવાબદારી સરકારની છે, અને તેમાં વૈદ્યકીય સેવાઓ મેળવવાનો જનતાને પૂરો અધિકાર છે. નાગરિકોને સામાન્ય ટૉન્સીલ(કાકડા)ના ઑપરેશનથી માંડી હાર્ટ-બાયપાસ સુધીની શસ્ત્રક્રિયા મફત મળે છે. ગમે એટલી મોંઘી દવા હોય તે પણ દરદીને સરકારે નિયત કરેલી જૂજ રકમમાં મળે. દા. ત. કોઇ પણ દવાની કિંમત સેંકડો પાઉન્ડની હોય તો પણ દરદીઓને (૨૦૧૩માં) ફક્ત સાત પાઉન્ડ અને ૮૫ પેન્સમાં મળતી, અને બેરોજગાર વ્યક્તિઓ અને પેન્શનરોને સાવ મફત. દેશની એક પણ વ્યક્તિ આ સેવાથી વંચિત ન રહે તેની પૂરી તકેદારી રાખવામાં આવી છે. આનો ખર્ચ ઉપાડવા માટે નૅશનલ ઇન્સ્યોરન્સ સ્કીમ શરૂ કરી, જેમાં દરેક વ્યક્તિ તેની આવક પ્રમાણે વિમાના પ્રિમિયમની જેમ ફાળો આપે. શરૂઆતમાં આ ‘પ્રિમિયમ’ માટે ટપાલની ટિકિટ જેવી સ્ટૅમ્પ ખરીદવી પડતી તેથી કામદાર વર્ગના લોકો તેને હજી પણ ‘સ્ટૅમ્પ’ કહે છે! ત્યાર બાદ પગારમાંથી જ રકમ કપાવા લાગી. જે સંસ્થામાં લોકો કામ કરતા હોય તેના માલિકોને પણ દરેક કામદાર ભરે તેના પ્રમાણમાં પોતાનો ફાળો આપવો  પડે છે. આમ એકઠી થતી રકમમાંથી લોકોને સાર્વત્રિક (universal) આરોગ્ય સેવાનો લાભ મળવા લાગ્યો. આ પદ્ધતિ અનુસાર માણસને નિવૃત્તિનું પેન્શન સરકાર તરફથી અપાય છે. તેમાં સરકારી નોકરિયાત કે ખાનગી પેઢીમાં કામ કરનાર વ્યક્તિ વચ્ચે કોઈ ભેદ રાખવામાં આવતો નથી.

કોઇ વ્યક્તિએ પૂરતા નૅશનલ ઇન્સ્યોરન્સનાં પ્રિમિયમ ન ભર્યા હોય તેના માટે સરકારે નાણાંકીય સીમા રેખા બનાવી છે. જેને ભારત અને અમેરિકા 'Poverty Line' અથવા ‘ગરીબી રેખા’ કહે છે, તેને બ્રિટનમાં પ્રજાનું ગૌરવ સચવાય એટલા માટે તેને ‘subsistence level’ નામ આપીને દેશમાં પ્રવર્તતા બજારભાવના આંક પ્રમાણે તથા દરેક પરિવારમાં હાજર સભ્યોની સંખ્યા પ્રમાણે ભથ્થું નક્કી કરી દરેક પરિવારને અપાય છે. Income Support નામથી ઓળખાતું આ ભથ્થું હાલ અઠવાડિયાના ૬૫ પાઉન્ડ છે. કોઇ બેરોજગાર વ્યક્તિ પોતાના મકાનમાં રહેતી હોય અને તેને મોરગેજનો જે હપ્તો ભરવો પડતો તે પણ તેને સરકાર તરફથી અપાય. જે પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય તો તેનું મકાન ભાડું સ્થાનિક સરકાર - એટલે કાઉન્ટી, શહેર અથવા મેટ્રોપોલિટન કાઉન્સિલ આપે. આ છે ‘હાઉસીંગ બેનિફિટ’.

અહીં એક મહત્ત્વની વાત કહેવી જોઇએ : નાગરિકોના વસવાટની જવાબદારી સ્થાનિક સરકારની હોવાથી કોઈ પણ વ્યક્તિ ઘરબાર વગરની હોય, તો તેમનાં રહેઠાણની વ્યવસ્થા કાઉન્સિલને કરવી જ પડે! કોઇ પણ પરિવાર કાઉન્સિલના હાઉસીંગ ખાતામાં જઈ પોતે ઘરબાર વગરનાં છે તેવું જાહેર કરે, તો તેમના કામચલાઉ રહેઠાણની વ્યવસ્થા કાઉન્સિલના ખર્ચે કરવામાં આવે. તે સમયે રોજના ૨૫થી ૫૦ પાઉન્ડના ભાડાના બેડ-ઍન્ડ-બ્રેકફાસ્ટ (B&B) કે હોટેલનું ભાડું કાઉન્સિલ આપે. અને ભાડવાત પાસેથી કાઉન્સિલે નિયત કરેલ વ્યાજબી ભાડું - જે તે સમયે માસિક  ૧૨૫ પાઉન્ડ જેટલું હતું, એટલું જ વસૂલ કરે. બેરોજગાર પરિવાર તેમને કાઉન્સિલ મકાન આપે ત્યાં સુધી આવી હોટેલમાં મફત રહે.

હાલની જ પ્રત્યક્ષ જોયેલી વાત છે.

એક B&Bમાં સગાંને મળવા ગયા હતા. સવારે બ્રેકફાસ્ટ હૉલમાં લગભગ વીસે’ક જેટલા હંગેરીના નાગરિકો આવ્યા, નાસ્તો કરી, સરસામાન ઉપાડી જતા રહ્યા. અમે મૅનેજરને પૂછ્યું તો તેમણે કહ્યું, “આ તો સામાન્ય વાત છે. પૂર્વ યુરોપના આવા લોકો રાત્રે અહીં આવે છે, અને સવારે સીધા કાઉન્સિલના ‘હોમલેસ પર્સન્સ’ ખાતામાં જાય છે. કાઉન્સિલને તેમની વ્યવસ્થા અન્ય કોઇ હૉટેલ કે B&Bમાં અથવા કાઉન્સિલની માલિકીના મકાનમાં કરવી જ પડે! આ લોકો ગઇ કાલે રાતે આવ્યા અને હવે સીધા હોમલેસ પર્સન્સ ડિપાર્ટમેન્ટ જશે.”

મકાનની બાબતમાં સરકારે નિયમ બનાવ્યા હતા. કોઇ પરિવારને બે બાળકો હોય, તો બન્નેની સંયુક્ત ઉમર ૧૩ વર્ષથી વધુ હોય તો તેમને સૂવા માટે જુદા જુદા ઓરડા હોવા જ જોઇએ. આમ મકાનમાં overcrowding ન થાય તે માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

આ અનુસંધાનમાં એક હકીકત જાણવા જેવી છે. બ્રિટનમાં એક પત્ની હયાત હોય તો બીજાં લગ્ન કરવા પર પ્રતિબંધ છે. કોઈ કરે તો તે ગુનો બને છે. જો તે બીજા દેશમાં તે ગેરકાયદેસર ન હોય અને ત્યાં એકથી વધુ પત્નીઓ હોય તો બધી પત્નીઓને બ્રિટન આવવાનો અધિકાર છે. એક બાંગ્લાદેશી સજ્જનને જેસોરમાં ત્રણ પત્નીઓ હતી. મહાશય ત્રણે પત્નીઓ તથા તેમનાં સાત બાળકોને બ્રિટન લઇ આવ્યા. નોકરી નહોતી તેથી તેમને લાંબા સમય સુધી B&Bમાં રાખ્યા બાદ કાઉન્સિલે તેમને પાંચ બેડરૂમનો બંગલો રહેવા માટે મેળવી આપ્યો અને બેકારી ભથ્થામાં ત્રણે સ્ત્રીઓ માટે રકમ ઉમેરી. ત્યાંના સ્થાનિક અખબારોએ બૂમાબૂમ કરી મૂકી : બ્રિટનના કરદાતાઓએ એક બેકાર અશિક્ષિત માણસ, તેની ત્રણ પત્નીઓનાં જનાનખાનાનો તથા સાત બાળકોનો ખર્ચ શા માટે વેઠવો જોઇએ?

જવાબ સીધો અને સાદો હતો.

બ્રિટન વેલ્ફેર સ્ટેટ છે. અહીં બધું સરકારનાં નીતિનિયમો પ્રમાણે થાય.

***

બ્રિટનનો કોઇ બિનગૌર નાગરિક નોકરીમાં, મકાનની ફાળવણીમાં કે શિક્ષણમાં વર્ણદ્વેષનો ભોગ ન બને તે માટે સરકારે દરેક કાઉન્સિલમાં Race Relations Officerની નિયુક્તિ કરવાનો આદેશ આપ્યો હતો. તેમનો સીધો સંપર્ક રાષ્ટ્ર કક્ષાના Commission for Racial Equality સાથે રહેતો. કોઇ પણ વ્યક્તિને લાગે કે તે કાઉન્સિલ દ્વારા થયેલા કોઇ ભેદભાવનો ભોગ બનેલ છે, તે સીધો સંપર્ક રેસ રિલેશન્સ સાથે કરી, તેની ફરિયાદ પર તરત અમલ કરાવી શકતો.

***

બ્રિટનની વર્ણવ્યવસ્થામાં જાગૃતિ

૧૯૮૧ના વર્ષમાં લંડનના લૅમ્બથ બરોના બ્રિક્સટન વિસ્તારમાં વર્ણીય તોફાન ફાટી નીકળ્યા. આ વિસ્તારમાં આફ્રિકન-કૅરિબિયન પ્રજા ભારે સંખ્યામાં રહેતી હતી. કાઉન્સિલનાં મકાનોની ફાળવણીમાં, નોકરી, શિક્ષણ - આમ દરેક જગ્યાએ તેમના પર અત્યંત વર્ણભેદ દાખવવામાં આવતો હતો. ગરીબી ચારે તરફ ફેલાઈ હતી અને જ્યાં ગરીબી હોય ત્યાં ગુનાઓ વધે જ એવું સમીકરણ જ બની ગયેલું હોવાથી અહીંના કોઈ પણ અશ્વેત યુવાનને દિવસના કોઈ પણ સમયે પોલીસ મન ફાવે ત્યારે રોકે અને તેમની ઝડતી લે. આ અપમાનાસ્પદ વર્તાવ હદ બહાર કરવામાં આવતો હતો. આખા દેશના તો શું, લંડનના અન્ય વિભાગોના પ્રમાણમાં બ્રિક્સટનમાં stop and searchનું પ્રમાણ અનેકગણું હતું.

૧૧મી એપ્રિલ ૧૯૮૧ના દિવસે પોલીસ અને એક યુવાન અશ્વેત યુવાન વચ્ચે આવો જ એક પ્રસંગ બની ગયો અને પોલીસ અને બ્રિક્સ્ટનની અશ્વેત પ્રજા વચ્ચે લગભગ યુદ્ધ ફાટી નીકળ્યું. અનેક મકાનો, દુકાનો અને વાહનો આગમાં તારાજ થઈ ગયા. પોલીસે દમનની માઝા મૂકી હતી. આખા દેશમાં હાહાકાર મચી ગયો.

તે સમયની કૉન્ઝર્વેટિવ સરકારે લૉર્ડ જસ્ટીસ સ્કાર્મનને બ્રિક્સ્ટનમાં થયેલા તોફાનોની તપાસ માટે પંચ તરીકે નીમ્યા. તેમના રિપોર્ટમાં લૉર્ડ સ્કાર્મને સ્પષ્ટ રીતે જણાવ્યું કે બિનશ્વેત પ્રજા, ખાસ કરીને આફ્રીકન-કૅરિબિયન પ્રજા પ્રત્યે દરેક બાબતમાં ભારે ભેદભાવ થાય છે. પોલીસ તેમની કાર્યવાહીમાં આ પ્રજાને નિશાન બનાવી હેરાન તો કરે જ છે, પણ ઘણી વાર અમાનુષ વર્તન પર સુધ્ધાં ઊતરી આવે છે. આ પ્રજામાં અસંતોષનો અગ્નિ વધવાનું કારણ રાજ્યની વેલ્ફેર વ્યવસ્થા દ્વારા વર્ણીય દ્વેષને કારણે થતો ભેદભાવ - જે લગભગ તેમને આ લાભમાંથી વંચિત રાખવામાં આવ્યા હતા. Institutionalised Racismનો આ નમૂનો હતો. આ કારણસર બિનશ્વેત પ્રજા ગરીબી, બેકારી અને અભાવથી પીડાતી હતી. લૉર્ડ સ્કાર્મને આ બાબતમાં પૂરી તપાસ તથા અનેક વ્યક્તિઓ તથા સંસ્થાઓની વાત સાંભળ્યા બાદ પૂરાવા એકઠા કર્યા. તેમના રિપોર્ટમાં લૉર્ડ સ્કાર્મને અનેક  ભલામણો કરી, જેમાં પોલીસની કાર્યવાહી સામે તપાસ કરવામાં નિષ્પક્ષ પંચ (Police Enquiries Commission) નીમવામાં આવે. કેવળ બ્રિક્સટનમાં જ નહીં, દેશભરમાં ભારતીય સમેત બધી બિનગૌર પ્રજા પ્રત્યે સરકારની બેદરકારીને કારણે થયેલ અધોગતિને રોકવા સક્રિય પગલાં લેવામાં આવે. સરકારે તેમની ભલામણો સ્વીકારી.

બ્રિક્સટનનાં હુલ્લડ તથા લૉર્ડ સ્કાર્મનના રિપોર્ટે આખા દેશને તેમની વર્ણભેદ અંગેની નીતિ અંગે જાગૃતિ આણી. દરેક કાઉન્સિલમાં Race Awareness Trainingની શરૂઆત કરવામાં આવી. બ્રિટનના શિક્ષિત અને સજાગ ઉદારમતવાદીઓએ આ અભિગમને અમલમાં આણી તેને ગતિશીલ બનાવ્યો. કેવળ અમુક વિભાગોમાં - જ્યાં બ્રિટિશ નૅશનાલિસ્ટ પાર્ટી જેવી વર્ણવિરોધી સંસ્થાઓનું જોર હતું તે છોડીને બધા વિભાગોમાં રહેતા લોકોમાં એક પ્રકારની સહિષ્ણુતા આવી.

Race  Awarenessના પ્રશિક્ષણમાં સરકારી તથા સ્થાનિક સરકારના કર્મચારીઓ માટે વર્ગો યોજવામાં આવ્યા. જુદા જુદા અશ્વેત વર્ણોની સાંસ્કૃતિક વિશેષતા, તેમના આચાર વિચાર, તેમની સામાજીક રૂઢિઓ તથા પરસ્પર વહેવારની આમ જનતાને માહિતી આપી તેમના પ્રત્યે લોકોના મનમાં જે ખોટા ખ્યાલ હતા તે દૂર કરવા માટે આ ખાસ પ્રશિક્ષણ વર્ગો ઘણા ઉપયોગી નિવડ્યા. આમ મહદ્અંશે લોકોની વૃત્તિમાં ફેરફાર આવવા લાગ્યો. પણ સંસ્થાકીય વર્ણભેદ (Institutionalised Racism)માં અમુક અંશે ભેદભાવ ચાલુ જ રહ્યો.

નાની કક્ષાની સફેદ કૉલરની નોકરી (સરકારી કારકૂન વગેરે)માં આપણા લોકોની ભરતી પર ભાર અપાયો, પણ જ્યાં પ્રમોશનની વાત આવે, ગોરાઓને અગ્રતા અપાતી. આવાં સ્થાન પર આપણા લોકોને ગોરાઓ કરતાં બમણી યોગ્યતા - શિક્ષણ, કાબેલિયત, જ્ઞાન એવા દરેક વિભાગમાં હોય તો અમુક અંશે સફળતા મળે! પણ મોટા પદમાં ભાગ્યે જ કોઇ બિનગૌર વ્યક્તિ જોવા મળે.

બ્રિક્સ્ટન બાદ ખાસ કરીને સ્થાનિક કાઉન્સિલોના સમાજ સેવા વિભાગોમાં ભારે બદલાવ આવ્યો. તેમણે ‘એશિયન સ્પેશિયાલિસ્ટ’ અને ‘વેસ્ટ ઇન્ડિયન સ્પેશિયાલિસ્ટ’ સોશિયલ વર્કર્સની જગ્યાઓ ઊભી કરી. ભારતીય ઉપખંડની તથા કૅરિબિયન ટાપુઓની પ્રજાને સોશિયલ સર્વિસીઝ તરફથી ક્યા ક્યા લાભ મળી શકે છે, તેની માહિતી આપી તે તેમને મેળવી આપવા માટે unqualified social workers નીમ્યા. એક વર્ષની નોકરી બાદ તેમને પૂરા સમયનું પ્રશિક્ષણ પૂરા પગાર સાથે મળે તેવી વ્યવસ્થા કરી. તેમને એક વધારાનું કામ એ પણ સોંપાયું કે તેમના ખાતામાં કામ કરનારા અન્ય સોશિયલ વર્કર્સ, ઑક્યુપેશનલ થેરાપિસ્ટ, વૃદ્ધ અને અશક્ત નાગરિકોને ઘરકામમાં મદદ કરવા અંગેના ખાસ અધિકારીઓને આપણા સમાજની સાંસ્કૃતિક જરૂરિયાતો સમજાવવી. વળી ખાતામાં ખાલી જગ્યામાં કોઇની નિમણૂંક કરવાની હોય તો આપણા પ્રતિનિધિ તરીકે આ સોશિયલ વર્કર સિલેક્શન પૅનલમાં બેસે અને ખાતરી કરે કે આપણા અરજદાર પ્રત્યે કોઇ ભેદભાવ નથી થયો. બ્રિટનની લગભગ બધી સિટી કાઉન્સિલોમાં આ યોજના અમલમાં આવી. આ ઉપરાંત દરેક કાઉન્સિલમાં ‘Race Relations Section’ની સ્થાપના થઈ અને તેમને વિશેષ અધિકાર આપવામાં આવ્યા. પરિણામે દેશમાં લઘુમતિ સમાજની સાંસ્કૃતિક જરૂરિયાતો તરફ કાઉન્સિલોએ ખાસ ધ્યાન આપવાની શરૂઆત કરી. કર્મચારીઓ માટે ખાસ પ્રશિક્ષણના કાર્યક્રમ રાખવામાં આવ્યા. સાર્વજનિક ઉત્સવો માટે ખાસ સવલત આપવાનું શરૂ કર્યું. આમાંના બે ઉત્સવ દેશભરમાં ઉજવાય છે : ભારતીય સમાજનો નવરાત્રીના નવ દિવસનો કાર્યક્રમ અને આફ્રિકન-કૉરિબિયન સમાજ દ્વારા યોજાતો નૉટીંગ હિલ કાર્નિવલ. નવરાત્રીમાં કાઉન્સિલ નજીવા દરે શાળાઓના હૉલ ભાડે આપે છે. નૉટીંગ હિલમાં લંડનના નક્કી કરેલા રસ્તાઓમાં ટ્રાફીક બંધ રાખવામાં આવે છે અને પોલીસ દ્વારા ટ્રાફીકના નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવે છે.

રાજ્ય તરફથી આટલી સુવિધા મળવા છતાં આપણી પ્રજાની વૃત્તિમાં કેટલો ફેર પડ્યો હશે?

આમ જોવા જઇએ તો આપણા સમાજમાં ત્રણ દૃશ્યમાન ભેદ પડી ગયા હતા : બ્રિટનના સામાજિક પ્રવાહમાં ભળી ગયેલ વિકાસશીલ વિચારસરણીની વ્યક્તિઓ; જૂની વિચારસરણીને વળગી રહેલો મોટા ભાગનો સમાજ; અને ત્રીજો એટલો જ મહત્ત્વનો વિભાગ જે સમાજમાં, દેશમાં અને ભારતમાં શું થઈ રહ્યું છે તેના વિશે જાગરૂક પરંતુ અલિપ્ત રહેલો ‘ઉચ્ચ’ અને ધનાઢ્ય વર્ગ. અહીં કોઇ પણ વ્યક્તિ પર કટાક્ષ નથી, પણ અનુભવેલી હકીકત છે.

વિકાસશીલ વર્ગ લઘુમતિમાં હોવા છતાં તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. દાખલા તરીકે લંડનમાં ગુજરાતીઓની સારી એવી વસ્તી વાળો વિસ્તાર બ્રેન્ટ (વેમ્બલી) હતો. આ બરોમાં સોશિયલ સર્વિસીઝ ખાતામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરના પદે ‘ડૉન’ નાયકની નિમણૂંક થયેલી. તેમણે બરોની છ મુખ્ય કચેરીઓમાં એક એક ‘એશિયન સ્પેશિયાલિસ્ટ’ સોશિયલ વર્કરની જગ્યા નિર્માણ કરી. ગ્રૅજ્યુએટ કક્ષાનું શિક્ષણ પામેલા તથા ભારતીય ઉપખંડની પ્રજાનું વૈવિધ્ય, તેમની સાંસ્કૃતિક જરૂરિયાતો વગેરેનો અભ્યાસ હોય તેમને નીમ્યા. તેમાંના બે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અને એક બહેન મુંબઈની ટાટા સ્કૂલમાંથી MSW થયેલાં ભાઇ બહેનો હતાં. એક બહેન ઝરીન મૂળ કેન્યાનાં હતાં અને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સનાં સ્નાતક હતાં. સૌએ મળીને કાઉન્સિલની સોશિયલ સર્વિસીઝમાં કામ કરનાર ભાઈ બહેનોનું મંડળ બનાવ્યું અને આપણા નાગરિકો માટે સેવાઓ ઉપલબ્ધ કરાવવા ઠોસ કાર્યક્રમ હાથ ધર્યાં. આમાં ઝરીને આગેવાની લઇ ‘એશિયન મેન્ટલ હેલ્થ ડે સેન્ટર’ની સ્થાપના માટે ભરપૂર પ્રયત્ન કર્યો અને ૧૯૮૮માં તેની સ્થાપના થઈ. કિંગ્ઝબરીના રો ગ્રીન પાર્કમાં ઑગણીસમી સદીના નાનકડા મહેલમાં સમાયેલું આ કેન્દ્ર સમગ્ર બ્રિટનમાં આ પ્રકારની આ એકમેવ સંસ્થા હતી. તેના કાર્યક્રમો જોવા દેશભરમાંથી સમાજસેવા વિભાગના અધિકારીઓ આવવા લાગ્યા હતા. અહીં ભારત અને પાકિસ્તાની ઉગમના માનસિક વ્યથા અને માંદગીથી પીડાતા સભ્યોને સવારના દસ થી બપોરના ચાર વાગ્યા સુધી કાઉન્સેલીંગ, Art Therapy, Group Work Therapy આપવામાં આવતી.

કાઉન્સિલની Meals on Wheels સેવામાં ગુજરાતી શાકાહારી ભોજન આપવાની શરૂઆત કરવામાં આગેવાની લેનારા સમાજના આગેવાન સ્વ. કાન્તિલાલ અમીન તથા ઇન્દુબહેન પટેલનાં પ્રયત્નોથી આપણા સમાજમાં સવલતના દરે બપોરનું ભોજન પૂરું પાડવામાં આવ્યું. મનોરુગ્ણ કેન્દ્રમાં આવનાર ભાઇબહેનોને તે સમયે દોઢ પાઉન્ડના દરે આ ભોજન આપવામાં આવતું. કાઉન્સિલના ખર્ચમાં કપાતના કારણે વીસ વર્ષ બાદ આ કેન્દ્ર બંધ પડી ગયું, પણ સમગ્ર બરોમાં ભોજનની સગવડ હજી પણ ચાલુ જ છે. આવી જ રીતે કેટલાંક ભાઇબહેનોએ મળીને ‘કિરણ’ નામની સંસ્થા સ્થાપી અને ગુજરાતી ભાષી અંધજનો માટે ઑડિયો કૅસેટ પર રેકોર્ડ કરાયેલ અગત્યના સમાચાર, વાર્તા, રસપ્રદ લેખો વિનામૂલ્યે વહેંચવાની સેવા શરૂ કરી. આના માટે કાઉન્સિલે સમયાનુસાર ગ્રાન્ટ આપી અને ૧૯૮૫થી શરૂ થયેલ આ સંસ્થા હજી પણ આ સેવા વિના મૂલ્યે આપે છે. કેવળ ગુજરાતીમાં શરૂ થયેલ ‘બોલતું અખબાર’ હવે હિંદી અને બંગાળીમાં પણ કૅસેટનું વિતરણ કરે છે. આવી જ રીતે હસુમતી ગાંગડિયાએ બ્રેન્ટમાં ગુજરાતી શિક્ષણના વર્ગો સતત ૫ચીસ વર્ષ સુધી અવિરત રીતે ચલાવ્યાં અને હાઇ સ્કૂલની કક્ષાનું ગુજરાતીનું શિક્ષણ આપ્યું.

ઉપર દર્શાવેલ બીજો વર્ગ હજી પણ તેમના જૂના વાતાવરણમાંથી બહાર આવ્યો નથી. આનો દાખલો :

૧૯૮૩માં બ્રેન્ટ કાઉન્સિલમાં ગુજરાતી સમાજના આગેવાનોએ કાઉન્સિલ પાસે નવરાત્રીના નવ દિવસ માટે સ્થાનિક શાળાઓના હૉલ ઉત્સવ ઊજવવા માટે માગ્યા. શરૂઆતમાં સત્તાવાળાઓએ આ હૉલ વિના મૂલ્યે આપવાનું નક્કી કર્યું. લગભગ દરેક શાળાના હૉલ બૂક થઇ જવા લાગ્યા. એક પરિવાર તેમના વિસ્તારમાં આવેલી શાળાના હૉલમાં ગયો ત્યારે દરવાજા પરના સ્વયંસેવકે તેમને રોક્યા અને પૂછ્યું, “કઇ જ્ઞાતિના છો?”

“કેમ? અમે તો આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યાં છીએ. જ્ઞાતિનો શો સંબંધ?”

“આ હૉલ xxx ગામના xxx સમાજ માટે બૂક થયો છે. તમે ક્યા ગામના છો?”

“હું ભાવનગરનો છું. મારાં પત્ની દારેસલામના છે. દીકરી લંડનમાં જન્મી છે અને .....”

“ભાઇ, આ પુરાણ રહેવા દો. તમે અમારી જ્ઞાતિના છો કે નહીં એ ચોખ્ખું કહો. નહીં તો તમે અંદર આવી નહી શકો.”

દાંડિયા રમવા બની ઠનીને ગયેલી બહેનોને લઈ આ પરિવાર બીજા હૉલમાં પહોંચ્યો. આ હૉલ “ગુર્જર સુથાર” જ્ઞાતિની એક વિશેષ શાખાનો હતો. ત્યાં પણ પ્રવેશ ન મળ્યો. ત્રીજા હૉલના સ્વયંસેવિકા બહેન સજ્જન હતાં. તેમણે આ પરિવારને તે સાંજ પૂરતાં માતાજીનાં દર્શન લેવાની રજા આપી અને જતી વખતે કહ્યું કે છેલ્લા નોરતા માટે હૅરોના લેજર સેન્ટરમાં સાર્વજનિક ગરબા રાખવામાં આવ્યા છે ત્યાં દરવાજા પર ફી ભરીને દાંડિયા રમવા જઈ શકશો! આ વાત ૧૯૮૦-૯૦ના દશકની છે!

ત્રીજા વર્ગના લોકોની વાત કરીએ તો તેમાંના કેટલાક લોકોમાં Abraham Maslowના સિદ્ધાંતની Hierarchy of Needsનું પ્રાત્યક્ષીક જોવા મળશે. તેમના જીવનની પ્રથમ બે એટલે ભૌતિક તેમ જ સુરક્ષાની જરૂરિયાતો પૂરી કરી, ધનાઢ્ય થયા બાદ તેમનો ઉદ્દેશ બ્રિટનનાં મહારાણી તરફથી દર વર્ષે અપાતા માનચાંદની લહાણીમાં MBE (મેમ્બર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર), OBE (ઑફિસર ઑફ ધી ઑર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયર) કે એવા જ કોઇ ઇલ્કાબ મેળવવાનો પ્રયત્ન હોય છે. આનો સરળ માર્ગ હોય છે કોઇ પણ રાજકીય પક્ષને લાખો પાઉન્ડ દાનમાં આપવા અને પક્ષ દ્વારા મહારાણી પાસે મોકલાયેલી શિફારસ પર નાઇટહૂડ કે લૉર્ડશીપ મેળવવી. પોતાનાં ઘરકામ, નોકરી તથા પરિવારની જરૂરિયાતો સંભાળવા ઉપરાંત જનતા સાથે કામ કરનાર સોશિયલ સર્વિસીઝની બહેનો  ઝરીન ગૉમ્પર્ટ્સ, સ્મિતા પટેલ, શોભા દેસાઈ તથા અંધજનો માટે ગુજરાતી ભાષામાં ટૉકીંગ ન્યૂઝપેપર શરૂ કરનાર પાયાનાં સ્વયંસેવક કલ્પના પટેલ કે છેલ્લાં પચીસ વર્ષથી બાળકો માટે હાઇસ્કૂલની કક્ષા સુધી માતૃભાષા ગુજરાતીનું શિક્ષણ આપનાર હસુબહેન ગાંગડિયા કોઇને યાદ નથી! આવી જ રીતેે ભૂપેન્દ્ર દેસાઈ, ડૉન નાયક, ડૉ. નવીદ સમી જેવા અદના સમાજસેવકો પણ ભુલાઈ ગયા છે.

***

આ છે બ્રિટનની આપણી તથા દેશની નવી વર્ણવ્યવસ્થા. રાષ્ટ્રીય સ્તર પર તે વર્ગ પદ્ધતિ પર આધારિત હતી અને ભારતીય સમાજમાં સાવ જુદી અને વિશિષ્ઠ પ્રકારની. પ્રથમ પેઢીનાં વસાહતીઓમાં કોઇ ફેરફાર નથી. બીજી અને ત્રીજી પેઢીના લોકોમાં તેમની પરંપરા, સાંસ્કૃતિક વારસા અંગે જિજ્ઞાસા હજી જીવંત છે. તેઓ સમાજની કેટલીક સંકુચિત પ્રથાઓ પ્રત્યે વિમાસણ, વિચાર અને વિરોધ કરતાં જોવા મળી શકશે. હાલની પરિસ્થિતિ એવી છે કે છેલ્લાં દસ વર્ષમાં એટલી ભારે સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયીકો બ્રિટન પહોંચ્યા છે, કે સમાજમાં હવે ત્રણ પ્રવાહ જોઈ શકાય : નવાંગતુક ભારતીય, પૂર્વ આફ્રિકાના વસાહતી તથા બ્રિટનમાં જન્મેલ ભારતીય ઉગમની પ્રજા. તેમની વચ્ચે કેવો અને કેટલી હદ સુધી સમન્વય થયો છે તેનો જુદો જ અભ્યાસ કરવો જરૂરી થશે!

[8,689 શબ્દો]

e.mail : [email protected]

પ્રગટ : ‘બ્રિટનમાં ભારતીયો : ભેદભાવની સાપસીડી’ નામે દીર્ઘ લેખ, “સાર્થક જલસો − 12”, મે 2019; પૃ. 128-144

Category :- Diaspora / Features