બાપુની સાદગી કઈ રીતે સચવાય?

સુદર્શન આયંગાર
02-10-2019

ગાંધી ૧૫૦ સમયે એક જુવાળ ઊભો થયો છે, જે સામાન્ય છે. સોડા બોટલ ફોડીએ તો ગૅસના પરપોટા ઉપર આવે અને પછી બધું શમી જાય. ગાંધી-શતાબ્દીમાં એવું થયું અને ગાંધી ૧૨૫માં પણ એવું જ  થયું, ગાંધી ૧૫૦માં એવું જ થવાનું. બાપુ લોકોના હૃદયમાં તો છે, પણ અંગત વ્યવહારમાં આત્મસાત્‌ નથી થતા. આ પ્રસંગે પણ કાર્યક્રમો ઘણા થશે. સરકારી કાર્યક્રમો પણ ભવ્ય હશે અને બીજી સંસ્થાઓ જે ગાંધીવિચારની સંસ્થાઓ કહેવાય છે, તે સમુદાય પણ પોતાની શ્રદ્ધા અને સંસાધનોની મર્યાદામાં કાર્યક્રમો ગોઠવશે.

ગાંધીજયંતી પસાર થઈ જશે અને પછી આપણે સૌ આપણે રાહે. એક વાતનો વસવસો રહી જાય છે. અમદાવાદ ગાંધીજીના આશ્રમ અને ગઢ રહ્યું હતું. કોચરબ આશ્રમ(૧૯૧૫)થી સાબરમતી આશ્રમ સંકુલ (૧૯૧૭), ગૂજરાત વિદ્યાપીઠ (૧૯૨૦), નવજીવન પ્રકાશન મંદિર, મજૂર મહાજન જેવી સંસ્થાઓ અને દેશભરમાં અને વિશેષ તો સેવાગ્રામ આશ્રમ અને વર્ધામાં બાપુના સમયની કેટકેટલી સંસ્થાઓ, આ બધાનું હીર, અલબત્ત ઝાંખું ઝાંખું, પણ ઝળકે તો છે. યુદ્ધિષ્ટરનો રથ તો ધરતીને અડકી ગયો છો (જો કે ગાંધી તો ધરતીના જ માણસ હતા). પણ આવા એક સમયે આ સઘળી સંસ્થાઓના કાર્યકરો નમતા સૂરજની સાખે બાપુના સાબરમતી આશ્રમમાં અથવા સેવાગ્રામ આશ્રમમાં મોટી સંખ્યામાં એકઠાં થઈ હાથમાં દીવો લઈ દેશને સંદેશો આપી શક્યા હોત કે ‘બધું બરાબર નથી’.

જે વ્યક્તિએ પ્રેમબળની મદદથી દેશના પ્રત્યેક વર્ણ, ધર્મ, ભાષાના લોકોને નજીક લાવવા સામી છાતીએ ગોળીઓ ઝીલી પ્રાણનું નૈવેદ્ય ચડાવ્યું, તે બાપુનો દેશ આજે ઘૃણા અને હિંસામાં નવેસરથી તરબોળ થઈ માનવતાને પીંખી રહ્યો છે. આવા સમયે વિકાસ અને સમૃદ્ધિના નામે થઈ રહેલા શરીરકેન્દ્રી આધુનિક 'સુ'ધારાની પહાડ જેવી ભૂલ તરફ પુન:નિર્દેશ સાથે ગ્રામ સમાજ અથવા વિકેન્દ્રિત સમાજ માટે અમે ઊભા છીએ, એવી વાત જનતા સામે મૂકી હોત, તો તે બાપુને ૧૫૦માં વર્ષે યોગ્ય શ્રદ્ધાંજલિ આપી કહેવાત. સાથે આવનાર સમયમાં ગાંધીદર્શન અને વ્યવહારના માનનાર વ્યક્તિઓ ઈમાનદારીપૂર્વક પોતાનાથી શરૂઆત કરી સમાજપરિવર્તન અંગેનો સંકલ્પ કરશે, ઉપરાંત સરકાર અને સમાજ બીજી દિશામાં જાય તો તેની સામે સત્યાગ્રહ કરવાનો નિર્ધાર કર્યો હોત તો બાપુને સાચી શ્રદ્ધાંજલિ કહી શકાત. મારી કોશિશ ચાલે છે અને ચાલતી રહેશે. અલબત્ત ગાંધી સાથે સહમત થઈને કે ‘મો સમ કૌન કુટિલ ખલ કામી ...’

જાણીતા હિંદી ગઝલકાર દુષ્યંત યાદ આવે છે, ‘હો ગઈ હૈ પીર પર્વતસી, અબ પિઘલની ચાહિયે,’ પણ ગંગા અવતરણ થાય તેવો હિમાલય કયાં? સિત્તેર બોંત્તેર વરસથી હિંદુસ્તાનમાં આપણી જ સરકાર છે. પણ તેનું વલણ શું? તે તો ભવ્યતામાં પડી  જણાય છે, બધું ભવ્ય, ઝાકઝમાળવાળું. સેલફોનની ઘંટડીઓ રણકે છે, સામેથી પૂછાય છે કે 'સાબરમતી આશ્રમ વર્લ્ડક્લાસ સ્મારક બનવા જઈ રહ્યો છે? સરકાર બધી જમીનો લઈ લેવાની છે? વારસમાં મળેલા મકાનો અને નિશાનીઓ ધરાશાયી થઈ આધુનિક સ્મારકોનું નિર્માણ થવાના ભણકારા છે. તમારે શું કહેવું છે? તમે તો ગાંધીવાળા કહેવાઓ. હું શું કહું? પહેલાં તો એ કે રાજ્ય કે સરકાર ગાંધીજી જે સ્થાવર થાણાં મૂકી ગયા છે આપણા વારસામાં, તે અનામતને સાચવશે જ એવી સમજ અને અપેક્ષા પૂરેપૂરી છે. એમાં ક્યાંય સમજફેર હોય તો નમ્ર વિનંતિ કે એ વારસાને યથા સ્વરૂપે સાચવે કારણ કે આજે પણ લોકો હજારોની સંખ્યામાં આ મહાન આત્માના સ્થળેની તીર્થયાત્રા કરી માથું નમાવવા આવે છે. સુખદ આશ્ચર્ય અને સદ્બભાવનો પ્રસાદ લઈને જાય છે.

અલબત્ત, હવે સાબરમતી આશ્રમ સ્મારક જ રહી ગયો છે, જીવંત આશ્રમ નથી. ગાંધીજી બાદની પેઢીઓમાં કૌવત રહ્યું નહીં કે ગાંધીદર્શનના નમૂનાને જીવંત રાખી દુનિયા સમક્ષા રજૂ કઈ શકે. અગાઉ જણાવ્યા અનુસાર કોઈ સંસ્થા  આમ કરી શકી નથી. પરંતુ પ્રેરણા તો સ્મારકમાંથી પણ મળી શકશે. આશ્રમમાર્ગ પર સાત સિતારા હૉટેલ આવી ગયી છે. શરીરસુખ માણવાના દરેક કરણ-ઉપકરણ ઉપલબ્ધ છે. રોજે રોજ એક-બે બી.એમ.ડબલ્યુ. પણ પસાર થઈ જાય છે. આ માર્ગ બંધ થાય અને ગાંધીનો આ સાબરમતી આશ્રમ એક શાંત અને નિર્મળ સ્મારક સ્થળ બને, જ્યાં પ્રવાસી આવીને ગાંધીયુગની કલ્પના કરી શકે અને જરૂર લાગે તો ધ્યાન કરી શકે, સ્વને ઢઢોંળી શકે, ખોજ કરી શકે કે શું એ બાપુની વાતોની નજીક છે? આ અંગે કોઈ એક એક સંકલ્પ લઈને જઈ શકે. હાલ આ સંસ્થાઓના સંચાલકો (જેમાં હું સામેલ છું) આવું ભારપૂર્વક કહી અને કરી શક્યા નથી. પણ એ નિર્વિવાદ કે એવું થવું જરૂરી છે. આપણે નવેસરથી પ્રયાસ આદરવાની આવશ્યકતા છે. બને તો બાપુના સ્વપ્નના અહિંસા સમાજના નિર્માણ માટે જરૂરી રચનાત્મક કાર્યક્રમોને નવા સ્વરૂપે પુન: ચલાવવાનો પ્રયત્ન થવો જોઈએ.

પરંતુ ભવ્યતાના નામે તો ‘વર્લ્ડક્લાસ’ મેમોરિઅલ બનાવવાની કોઈ યોજના હોય અને જો ગાંધીજીના જીવન અને દર્શન અંગે શૂન્યવત્‌ સમજ ધરાવનારા સ્થપતિઓ, વિદ્વાનો અને કલાકારો પોતાના આગવા સૌંદર્યબોધ લઈ દુનિયાને આંજી નાખે એવું સ્મારક, મૂળ સ્થાવર વારસો રાખીને પણ, કરવાના હોય તો ભલે દૃષ્ટિ કોઈની પણ હોય, મારો નમ્ર પણ દ્રઢ વિરોધ નોંધાવું છું. બાપુના આ સ્મારકમાં કોઈ સ્થાવર બાંધકામ ઊમેરવાની જરૂર નથી. જે કંઈ કુરૂપતા અણસમજથી આવી ગઈ છે તે દૂર કરી, ગાંધીજીના સૌંદર્યબોધને પુષ્ટ કરનારી નવી સર્જનાત્મકતા ઉમેરાય તેવુ કરવું એ આપણી અંજલિ છે. તેમાં સાદાઈ, નિર્મળતા અને પ્રકૃતિ સાથે કોમળતાભર્યો વ્યવહાર હશે. સંગેમરમરનો તાજમહલ દુન્યવી અજાયબી ભલે હોય, પણ મારે તો સાહિર લુધિયાન્વીને યાદ કરવા પડે :

ताज तेरे लिये इक मज़हर-ए-उल्फ़त ही सही

तुझको इस वादी-ए-रंगीं से अक़ीदत ही सही


मेरी महबूब कहीं और मिला कर मुझ से!   

એવું જો થાય તો ગાંધીનું સ્મારક વર્લ્ડક્લાસ નહીં હોય, પણ શું તેને વર્લ્ડક્લાસ બનાવવાની જરૂર ખરી? 

e.mail : [email protected]

Category :- Gandhiana