શાશ્વત ગાંધી અને ગાંધીવિચાર

ચંદુ મહેરિયા
02-10-2019

આલ્બર્ટ આઇંસ્ટાઈને ગાંધીહત્યા પછી, ‘આવો હાડચામનો માણસ આપણી વચ્ચે સહેદે જીવતો હતો એવું ભવિષ્યની પેઢી માનશે નહીં’, એવાં અમર અંજલિવચનો ઉચ્ચાર્યાં હતાં. તેમના જન્મને દોઢસો વરસ વીતી ગયાં પણ ગાંધી અને ગાંધીવિચાર ભૂંસાયા નથી.

બેરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકા જાય છે તો વકીલાત સારુ પણ મેરિત્સબર્ગ સ્ટેશને છતી ટિકિટે માત્ર હિંદી હોવાના કારણે જ રંગભેદનો ભોગ બની ફંગોળાય છે અને એક સત્યાગ્રહી બની ભારત પરત આવે છે. મુંબઈમાં એમના જાહેર સત્કાર વખતે એકઠી થયેલી મેદનીમાં એક પારસી સ્ત્રીને કાઠિયાવાડી પહેરવેશ ધારણ કરેલા ગાંધીમાં, બેરિસ્ટર ગાંધીમાં, ‘આ તો આપણો ઢનો દરજી’ ભળાય છે એ એમની સફ્ળતા હતી. પંડિત નહેરુએ ગાંધીજીની હયાતીમાં વિદેશી પત્રકારોને કહેલું: “શહેરી શિક્ષિતો સાથેની બૌદ્ધિક ચર્ચામાંથી ગાંધીજીનો પ્રભાવ ઊભો થયેલો નથી. ગાંધીજીની લોકપ્રિયતા તેમના સામાન્ય માણસ પરના પ્રભાવમાં છે.”

‘મારું જીવન એ જ મારી વાણી’ કહેતાં ગાંધીજીના વિચારની સફ્ળતા તે આચારમાં પરિણમ્યા તેમાં છે. ‘વિચાર’ અને ‘આચાર’ નોખા નથી, કેમ કે ગાંધીજીએ તેમના આ વિચારો કોઈ પુસ્તકમાંથી નહીં જીવનની પાઠશાળામાંથી જ મેળવ્યા હતા.

courtesy : "The Times of India", 02 October 2019

સમગ્ર ગાંધીવિચારને જો કોઈ બે કે ત્રણ શબ્દોમાં વર્ણવવા હોય તો સત્ય, અહિંસા અને સાધનશુદ્ધિ કહી શકાય. ગાંધીજીનો ‘સત્ય’ માટેનો આગ્રહ કે સત્ય માટેની શોધ એ જીવનભર એમની મથામણ રહી છે. શું ‘સત્ય’ જેવું શાશ્વત મૂલ્ય ક્યારે ય અપ્રસ્તુત ગણાય ખરું? મૂળભૂત રીતે ધાર્મિક કે આધ્યાત્મિક એવા ગાંધીજી માટે ‘સત્ય’ એ જ ઈશ્વર છે. એટલે જ તે ‘મરતાં પણ સત્ય ન છોડવું’ એમ કહી શકે છે. આજે અંગત અને જાહેરજીવનમાં જ્યારે જૂઠની બોલબાલા હોય ત્યારે સત્યની પ્રતિષ્ઠા થવી ખૂબ જ જરૂરી છે.

જેનો સૂર્ય ક્યારે ય આથમવાનો નથી એવા બિટિશ શાસનને ગાંધીજીએ, ‘સાબરમતીના સંતે’, ‘બિના ખડગ, બિના ઢાલ’ નમાવ્યું તેના મૂળમાં ગાંધીજીનો ‘અહિંસા’નો વિચાર રહ્યો છે. અંગ્રેજોની બેરહેમ હિંસા સામે ઉંહકારો પણ કર્યા સિવાય, કશા જ પ્રતિકાર વિના, માત્ર ને માત્ર અહિંસા દ્વારા જ સમગ્ર આઝાદીની લડત ચલાવી. સર્વત્ર હિંસા અને યુદ્ધની જ બોલબાલા હોય ત્યારે ગાંધીજીના અહિંસાના પ્રયોગો દુનિયામાં આજે પણ ક્યાંક ને ક્યાંક અજમાવાય છે અને તે સફ્ળ પણ થતા રહ્યા છે. ગાંધીજી માટે અહિંસા એ કોઈ આંદોલનનો મુદ્દો નહોતો એટલે જ એ કહેતા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિંસાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિંસક રહે ને બહાર હિંસક રહે એ ન બની શકે. વ્યક્તિને અહિંસાની તાલીમ લેવાની જરૂર હોય તો રાષ્ટ્રને તો એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે.” અહિંસક રાજ્ય કે અહિંસક સમાજરચના ગાંધીનું સ્વપ્ન હતું. જો કે આજની સરકારો જે રીતે પડોશી દેશો સાથે કાયમ યુદ્ધની મુદ્રામાં જ રહે છે અને જંગી સંરક્ષણ બજેટ ફળવે છે ત્યારે ગાંધીજીની અહિંસા કસોટીની સરાણે ચડે છે.

ગાંધીજી માટે સાધ્ય જેટલું જ મહત્ત્વ સાધનનું પણ હતું. ગાંધીવિચારનો અર્ક આ સાધનશુદ્ધિના ખ્યાલમાં રહેલો છે. જ્યારે અસહકારનું આંદોલન એની ચરમસીમાએ હોય ત્યારે ચૌરીચૌરામાં સિપાઈને જીવતા જલાવી દેવાનું કૃત્ય સત્યાગ્રહીઓ આચરે તે ગાંધીજી સહન કરી શક્યા નહોતા. તમામ દેશનેતાઓની વિનંતિ છતાં તેમણે ચૌરીચૌરાની હિંસાને માફ કરી નહોતી અને આંદોલન મોકૂફ રાખી દીધું હતું. સાધનશુદ્ધિ માટેનો ગાંધીજીનો અણિશુદ્ધ આગ્રહ તેમના આ પગલાંમાં દેખાય છે. ગાંધીજી સિદ્ધિ કરતાં સાધનને વધુ મહત્ત્વ આપતા હતા. સિદ્ધિ પર નહીં સાધન પર માનવીનો અંકુશ છે એટલે તે તો શુદ્ધ જ હોવાં જોઈએ તેમ માનતા હતા. પણ આજે સાધનશુદ્ધિની વાત કરીએ તો લોકો હસવા માંડે એવો ઘાટ છે.

ગાંધીજીનાં અગિયાર વ્રતો, “સત્ય અહિંસા ચોરી ન કરવી / વણજોતું નવ સંઘરવું, / બ્રહ્મચર્ય ને જાતે મહેનત, / કોઈ અડે નવ અભડાવું, / અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગને / સર્વધર્મ સરખા ગણવા / આ અગિયાર મહાવ્રત સમજી / નમ્રપણે દૃઢ આચરવાં”માં, ગાંધીવિચારના આચરણની ગુરુચાવી છે. આ વ્રતો પાછળ તેઓ ધર્મ-અધ્યાત્મનું બળ પણ ઉમેરે છે. સર્વધર્મસમભાવ, આભડછેટ વિરોધ, સ્વદેશી જેવાં વ્રતોનો માત્ર મહિમા જ નથી કરતા તેના આચરણના રસ્તા પણ શીખવાડે છે. આ વ્રતો અને વિચારોના અમલ માટે ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો ઘડી કાઢયા હતા. ગાંધીજી રચનાત્મક કાર્યક્રમોને તેમના આઝાદી આંદોલનની રાજકીય લડત જેટલું જ મહત્ત્વ આપતા હતા. ભારતમાં રાજકીય લડતોની સાથે જ સમાજ સુધારણાનાં આંદોલનો પણ ચાલ્યાં, તે ગાંધીના કારણે. જો કે કૉન્ગ્રેસના સભ્ય થવા માટે ખાદી પહેરવી ફરજિયાત હતી તેમ આભડછેટમાં ન માનવું તે ફરજિયાત નહોતું. આજની વિકસતી દલિત ચેતનાને તેમાં ગાંધીજીની દિલચોરી દેખાય છે, પણ ગાંધીજીએ આઝાદી આંદોલન દરમિયાન અસ્પૃશ્યતાનો પ્રશ્ન રાજકીય એજન્ડા પર મૂક્યો અને તેને સામાજિક ચળવળનું બળ પૂરું પાડયું તે બાબત નાનીસૂની નહોતી. હવે આજની સરકારો સામાજિક સુધારણા માટેના કાયદાઓ ઘડીને બેસી રહે છે.

દુનિયામાં નવી અર્થનીતિ છવાયેલી હોય અને વૈશ્વિકીકરણ, ઉદારીકરણ, ખાનગીકરણની બોલબાલા હોય ત્યારે ગાંધીજીનું અર્થશાસ્ત્ર કેટલું સાર્થક બની રહે તે પ્રશ્ન સૌથી મોટો છે. ગાંધીજીએ તેમના અર્થકારણને ગ્રામકેન્દ્રી કે માનવકેન્દ્રી બનાવ્યું હતું. મોટા અને ભારે ઉદ્યોગો કે યંત્રોના વધુ પડતા વપરાશના તેઓ વિરોધી હતા. ગાંધીજીએ સત્ય અને અહિંસા જેવા આધ્યાત્મિક વિચારોનું રાજકારણમાં પાલન કરાવીને રાજકારણને એક નવી દિશા આપી હતી. ધર્મ અને રાજકારણની ભેળસેળ થવા દીધી નહોતી. જો કે ખિલાફત જેવી સંકીર્ણ અને કોમી ચળવળને સમર્થન આપનાર ગાંધીજીની એ ભૂલ આજે દેશમાં વકરતી ધર્મની રાજનીતિમાં જોવા મળે છે. કોમી રમખાણો અને તેમાં રાજ્યની સામેલગીરી પછી તો ગાંધીજીનો સર્વધર્મ સમભાવનો વિચાર કસોટીએ ચડેલો છે. સર્વધર્મ સમભાવ હજુ આ દેશમાં પૂર્ણપણે પ્રગટી શક્યો નથી તે કમનસીબી છે. ગાંધીજીના દારૂબંધી અને બ્રહ્મચર્ય જેવા વિચારોની પણ લગભગ એવી જ હાલત છે.

ગાંધીજીની દોઢસોની પૂર્ણાહુતિના દિવસોમાં ગાંધીવિચારની પ્રસ્તુતતા વિશે વિચારીએ છીએ ત્યારે ગાંધીવિચારો આજે અક્ષરશઃ અમલી બની શકે કે તેમ તે પણ તપાસનો મુદ્દો તો છે જ. વિનોબા સાચું જ કહે છે કે,”આજે વિજ્ઞાનયુગમાં માર્ક્સ નહીં ચાલે, તેમ પુરાણા કાળનો મનુ પણ આજે નકામો નીવડશે અને ગેરસમજ ન કરો તો હું નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે ગાંધી પણ આજે એવો ને એવો નહીં ચાલે.”

e.mail : [email protected]

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 02 ઑક્ટોબર 2019

Category :- Gandhiana