આરોહણ

વસુધા ઈનામદાર
18-09-2019

લઘુવાર્તા

આરોહી આજે ખૂબ જ ઉત્સાહમાં હતી. હવેથી તેને હંમેશની જેમ દાદીમાને લઈને ડાયાલેસિસ માટે હોસ્પિટલમાં નહીં આવવું પડે. કિડની મેળવવા માટે ચાર વર્ષ રાહ જોયા પછી એની દાદીનો નંબર લાગ્યો હતો. આરોહી કિડની ટૃાન્સફર વિશે દાદીને સમજાવતી હતી. દાદી પણ કૌતુકતાથી પૌત્રીની વાત સાંભળતાં હતાં. ક્યારેક હળવેથી આરોહીનો હાથ પકડીને ચૂમી લેતાં ને કહેતાં, ‘ઓ દીકરી, તું મને બહુ વહાલી છો!’

આરોહી મધુર સ્મિત કરીને કહેતી, ‘બા, મને ખબર છે. મને એ પણ ખબર છે કે તમે મારાથી થોડાં નારાજ છો. હું પર્વતારોહણ માટે જઉં છું, તે તમને ઓછું ગમે છે. તમને એમ છે કે આવાં જોખમી સાહસ કરીને હું ક્યાંક હાથ-પગ ભાંગી બેસીશ. પણ બા, તમારે ચિંતા નહીં કરવાની. ઉપર ચડવાની મજા જ કાંઈ ઓર છે!!!’

દાદીમાં ફીક્કું હસ્યાં ને આરોહીનો હાથ જોસથી પકડી રાખ્યો. આરોહીએ પૂછ્યું, ‘બા, તમને બીક લાગે છે?’

બા જવાબ આપે તે પહેલાં કિડનીના વિશેષજ્ઞ ને સાથે બેચાર ડૉક્ટરોનું ટોળું એમની પ્રાઇવેટ રૂમમાં જાણે ધસી આવ્યું ! ક્ષણેક તો દાદીમા ગભરાઈ ગયાં. પણ ડૉક્ટરે એમના ખબર-અંતર પૂછીને વિનંતીના સૂરમાં કહ્યું, ‘માજી, અમને ખબર છે કે તમે ઘણાં સમયથી રાહ જુઓ છો. પણ એક વીસ વર્ષની પેશન્ટ ઇમરજન્સીમાં આવી છે. અને તમને આપવાની કિડની એને મેચ થાય છે. જો તમે હા પાડો તો કિડની એમને આપીએ તો એને નવું જીવન આપી શકાય ને બીજી કિડની મળતાં જ … … ’

ડૉક્ટર કશું કહે તે પહેલાં જ દાદી બોલ્યાં, અરે, એમાં વિનંતી શું કરવાની ? કિડની એને આપી દો!’ આરોહી દાદીને અટકાવતાં બોલી, ‘દાદી … તમે કેમ હા પાડો છો?’

દાદીએ પ્રેમથી આરોહીને કહ્યું, ‘દીકરી, એ પણ કોઈની આરોહી હશે ને? અને તને સમજાય છે, આ તો મારું આરોહણ છે ! તું કહે છે તેમ ઉપર ચઢવાની મજા જ કાંઈ ઓર છે.’ ને દાદીએ આંખો મીંચી. એમના ચહેરા પર મૌન ભરી પ્રસન્નતા ફરી વળી!

આરોહી મનોમન બોલી ઊઠી, ‘બા, તમારી વાર સાચી, આ જ તમારું આરોહણ.’ ને તે દાદીમાને એકી ટશે, બસ, જોતી જ રહી !!!

e.mail : [email protected] 

Category :- Opinion / Short Stories