એક વૈષણવજન – કિશોર રાવળ

હરનિશ જાની
19-06-2013

કિશોરભાઈ મારા મિત્ર હતા. તે સાહિત્યકાર હતા. તે ચિત્રકાર હતા. તે કમ્પ્યુટર ઉસ્તાદ હતા.

કનૈયાલાલ મુન્શી સાહિત્યકાર હતા. કલાગુરુ રવિશંકર રાવળ ચિત્રકાર હતા. સ્ટીવ જોબ કમ્પ્યુટર વિઝર્ડ હતા. તેઓના મૃત્યુની મારા જીવન પર કાંઈ અસર થઈ નથી, પરંતુ કિશોરભાઈના મૃત્યુથી, મારા જીવનમાં એક ખાલીપો સર્જાયો છે. 

મારા બન્ને પુસ્તકોના કવરની ડિઝાઈન તેમણે કરી હતી. મારા કરતાં તેમનો ઉત્સાહ ઘણો હતો. તે મને એક ડિઝાઈન આપે. તે હું ચેક કરું ન કરું અને બીજા બે કવર ચિતરી નાખે. પછી એમના ઉત્સાહથી બચવા એક કવરની ડિઝાઈન ઓકે કરું, ત્યાં બીજી બે આવી હોય.પછી હું મશ્કરી કરું કે ‘યાર, પેલો કાપડિયો પણ સ્ત્રીઓને આટલી ઝડપથી સાડીઓ નહીં બતાવતો હોય.’

મારા માટે તો કલાગુરુ કિશોર રાવળ જ ગણાય ને !

મારા પુસ્તકના પ્રુફ રિડીંગની જવાબદારી પણ તેમણે લીધી હતી. મારા કમ્પયુટરમાં વરસો પહેલાં, ગુજરાતી ફોન્ટ એમણે ડાઉનલોડ કરી આપ્યા હતા. અને મારી નાની મોટી કમ્પ્યુટરની મુસીબતોના તારણહાર એ હતા. છેલ્લે મારે ત્યાં આવ્યા ત્યારે મારે બેસીને  વાતો કરવી હતી. અને એમને ખબર પડી કે મારા લેપટોપમાં માઈક્રોસોફટ વર્ડ પ્રોગ્રામ નથી. મારા લેપટોપ પર મારી ઘણી ય આજીજીજી છતાં મારી વાત ન માની અને મારી ઓફિસમાં બેસી ગયા. લેપટોપની સામે. હવે મહેમાન આપણા કામ માટે આટલો ઉત્સાહ બતાવે તો નફ્ફટ થોડું થવાય. હું પણ એમની સાથે બેઠો. મારા કમ્પ્યુટરના કોઈ પણ પ્રોબ્લેમ એમને કહેતા ગભરાતો. કારણ કે એ સાહેબ ફોન પર જ મને સમજાવવા લાગે. અને પૂછે આ કર્યું ? તે કર્યું? મનને તેમાં બહુ સમજ ન પડે તો ય હું ખોટું ખોટું હા બોલું. અને છેવટે કહું કે ‘તમારા કહ્યા પ્રમાણે બધું કર્યું છતાં કમ્પ્યુટર નથી ચાલતું.’ તે સમજી જાય કે મેં એમના કહ્યા પ્રમાણે કાંઈ કર્યું નથી. તો કહે કે ‘તમે મારે ત્યાં આવો છો કે હું તમારે ત્યાં આવું ?’

મારા સ્ટીવ જોબ એટલે કિશોર રાવળ.

મારા એક આર્ટિકલનો થોડો ભાગ મહેન્દ્રભાઈ મેઘાણીએ પોતાના પુસ્તક ‘મારી અર્ધી સદીની વાચન યાત્રા’ના ચોથા ભાગમાં લીધો છે. તેના હું મિત્રો આગળ ફાંકા મારું છું. ઘેર આવતાં મહેમાનોને બતાવું છું. મારે માટે મહેન્દ્ર મેઘાણીની પસંદ એ એક એવોર્ડ સમાન છે. હવે તે જ પુસ્તકમાં કિશોરભાઈની ‘દાદાની દાદાગીરી’ – આખી વાર્તા મહેન્દ્રભાઈએ લીધી છે.

હવે આ સાહિત્યકાર મિત્ર મારે મન મુન્શીજીથી પણ મોટા હતા. કારણકે એ મારા હતા.

તેથી પણ વધુ એ સારા માનવ હતા. એમના મોઢે મેં કદી કોઈનૂં ભૂંડું સાંભળ્યું નથી. પછી ભલેને તે વ્યક્તિએ એમનું ભૂંડું કર્યું હોય. (એક સાચા પ્રસંગનો હું સાક્ષી રહ્યો છું )

હવે આ વ્યક્તિ વૈષણવજન જ ગણાય ને !

(લખ્યા તારીખ–૨૪મી મે ૨૦૧૩)

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion