વિનોદ મેઘાણીની વિદાય

ઉર્વીશ કોઠારી

મેઘાણી સાહિત્યનાં ઉત્તમ સંપાદનો અને કેટલાકના અનુવાદ દ્વારા સાહિત્યરસિકોમાં પ્રિય બનેલા વિનોદ મેઘાણીનું ગઈ કાલે કીડનીની બીમારીથી અવસાન થયું. સુરતથી ફયસલ બકીલી અને અમદાવાદથી સંજય ભાવેએ સમાચાર આપ્યા, ત્યારે સહજ સવાલ થયોઃ વિનોદભાઈ અત્યારે શાનું કામ કરતા હતા? સંજયભાઈએ કહ્યું,’મહાદેવભાઈની ડાયરીનું સંપાદન’.

અને નારાયણભાઈ દેસાઇના એક ઇન્ટરવ્યુ વખતે તેમની સાથે થયેલો સંવાદ યાદ આવ્યો. મહાદેવભાઈની ડાયરીના અધૂરા કામ વિશે પૂછતાં તેમણે કોઈ અંધશ્રદ્ધાની રીતે નહીં, પણ દુઃખદ સંયોગ તરીકે કહ્યું હતું કે એ કામ કરી શકે એવા માણસો ઓછા છે અને જે હાથમાં લે તે પૂરું કરે એ પહેલાં જ વિદાય થાય છે. તેમણે અગાઉના બે-ત્રણ દાખલા (નરહરિભાઈ પરીખ, ચંદુભાઈ દલાલ, મહેન્દ્ર દેસાઇ) પણ આપ્યા હતા. વિનોદભાઈના અવસાનથી એ સંયોગ વધુ દૃઢ થશે.
વિનોદભાઈ-હિમાંશીબહેન (શેલત)ની જોડીમાંથી હિમાંશીબહેનનું નામ વાર્તાકાર-સાહિત્યકાર તરીકે જાણીતું, જ્યારે વિનોદભાઈનું વધારે જાણીતું પ્રદાન એ તેમનાં સંપાદનો અને અનુવાદો. અરવિંગ સ્ટોને લખેલા ચિત્રકાર વાન ગોગના ચરિત્રનો વિનોદભાઈએ ‘સળગતાં સૂરજમુખી’ શીર્ષકથી અનુવાદ કર્યો હતો. એ પુસ્તક દ્વારા વાન ગોગના જીવનસંઘર્ષના સ્ટોને કરેલા આલેખનને વિનોદભાઈએ પૂરી સફળતાથી ગુજરાતીમાં ઉતાર્યું અને ગુજરાતી વાચકોને ન્યાલ કર્યા. અરવિંગ સ્ટોનની પરવાનગી મેળવ્યા પછી આ પુસ્તકનો પહેલો અનુવાદ તેમણે 1971માં કર્યો. પછી 1990માં વાન ગોગની શતાબ્દિ નિમિત્તે એ જ પુસ્તકના અનુવાદનું નવેસરથી કામ વિનોદભાઈએ નવેસરથી હાથમાં લીધું. કારણઃ ‘શબ્દે શબ્દે વાક્યે વાક્યે અનુવાદની નબળાઇઓ દાંતિયા કરવા લાગી.’

વિનોદભાઈએ મેઘાણીની કેટલીક કૃતિઓના અંગ્રેજી અનુવાદનું મોટું કામ કર્યું. ‘માણસાઇના દીવા’ને ‘અર્થન લેમ્પ્સ’ તરીકે તથા સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓને ‘એ નોબેલ હેરીટેજ’, ‘ધ શેડ ક્રીમ્સન’ અને ‘એ રુબી શેટર્ડ’ એમ ત્રણ અંગ્રેજી સંગ્રહોમાં તેમણે મુકી. હિમાંશીબહેન સાથે મળીને તેમણે કરેલું પિતા ઝવેરચંદ મેઘાણીના પત્રોનું દળદાર સંપાદન ‘લિ.હું આવું છું’ ઉડઝૂડિયાં સંપાદનોથી ગ્રસ્ત સાહિત્યક્ષેત્રે જુદું તરી આવે એવું છે.

ઝવેરચંદ મેઘાણીના પત્રોમાં જેમનો ઉલ્લેખ ‘બાબો’ અથવા ‘બાબાભાઈ’ તરીકે વાંચવા મળે છે તે વિનોદભાઈ, મેઘાણીનાં નવ સંતાનોમાંથી મૃત્યુમાર્ગે પિતા પાસે પહોંચનારા પ્રથમ છે. થોડા દિવસ પહેલાં મહેન્દ્રભાઈ મેઘાણીએ ભાઈ બીરેન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મેઘાણીનાં નવે સંતાન હયાત છે, પણ હવે મારો નંબર છે.’

73 વર્ષના વિનોદભાઈના અવસાનથી મેઘાણીના વારસોની બિરાદરીમાં ખોટકો પડ્યો છે. એ તેમની અંગત ખોટ તો છે જ. સાથે અનેક સાહિત્યરસિકોની પણ ખોટ રહેશે. 

Category :- Samantar Gujarat / Samantar