શ્રદ્ધાની બારસાખે

પંચમ શુક્લ
14-09-2019

જ્ઞાની હોય કે ઘડચા,
સાક્ષરો ઠર્યા ચમચા.
ધર્મના રખેવાળો,
દિશદિશે રચે દમચા.
ચાર ચાંદ ચડવાના,
ચોરે ચૌટે થઈ ચરચા.
સાધુ, બાવાને બખ્ખા,
લોક છો ભરે ખરચા.
કાબુ બહાર જીભલડી,
લાડુ દ્યો કે દ્યો કુલચા.
ગાડાં ઊંધાં વાળી લ્યે,
ગાળ દઈ, દઈ ગુલચા.
લોભિયા ત્યાં ધૂતારા,
છળ, કપટ અને પરચા.
બારસાખે શ્રદ્ધાની,
લીબું ગુમ ને ગુમ મરચા.
અષ્ટગંધ વિખરાયું,
અસ્તવ્યસ્ત થઈ અરચા.

***

14/9/2019

દમચાઃ ખેતરના ખૂણા ઉપર બાંધવામાં આવેલ મચાણ. તેના ઉપર બેસી ખેડૂત ખેતરનું રખોપું કરે છે.

કુલચાઃ એક જાતની રોટી

ગુલચાઃ ગાલ ઉપર પ્રેમપૂર્વક ધીમેથી મરાતી લપાટ

અષ્ટગંધઃ આઠ જાતની સુગંધી વસ્તુનું ચૂર્ણ. 

અરચાઃ અર્ચન, પૂજન

e.mail : [email protected]

Category :- Poetry