છત્તીસગઢના આદિવાસીઓની અહિંસક લડત - 21 વર્ષે અણનમ રહેલ પ્રજા

આશા બૂચ
12-09-2019

ગાંધી - એક વિશ્વ માનવ શ્રેણી મણકો - 10

અહિંસક લડાઈના એક અસરકારક સાધન તરીકે અસહકાર અને સવિનય કાનૂનભંગ ભારતની આઝાદી જંગનું જ એક માત્ર શસ્ત્ર નહોતું. ત્યાર પહેલાં ભારતમાં અને વિશ્વમાં અનેક સ્થળોએ આ યુક્તિનો ઓછી વધતી સફળતા સાથે ઉપયોગ થઇ ચુકેલો એ આપણે જાણીએ છીએ. 

આપણે આજે વાત કરીએ એકવીસમી સદીના એક એવા જનસમુદાયની સંઘર્ષ-કથાની, જે સારી એવી ખ્યાતિ પામી ચૂકી છે.

છત્તીસગઢના ગારે પેલમા કોલસાની ખાણમાં કામ કરતાં આદિવાસીઓ છેલ્લાં એકવીસ વર્ષથી પોતાની જ જમીન પર પોતાના કાયદેસરના અધિકારની સુરક્ષા અને કોલસાનું ખનન, તેના પર થતી પ્રક્રિયાઓ અને બળતણ તરીકે થતા તેના ઉપયોગના અનુસંધાને પર્યાવરણની સુરક્ષા વિષે ચાલતા વિવાદનો નિવેડો લાવવા શાંતિમય ઉપાયો અજમાવી રહ્યાં છે.

રાયગઢ જિલ્લાની કોલસાની આ ખાણ છ ગામડાંઓને આવરી લે અને કુલ 965 હેકટર્સ જમીન રોકે તેવડી વિશાળ છે, જેમાં 247 ટન જેટલો કોલસાનો જથ્થો જમા છે. આ ખાણની માલિકી ભારતની જિંદાલ સ્ટીલ અને પાવર લિમિટેડની છે. 

નાના મોટા ઉદ્યોગો અને આધુનિક જીવન પદ્ધતિને નિભાવવા મશીનો અને વાહનોના સંચાલન અને વીજળીના ઉત્પાદન અર્થે કોલસા, અને તે પણ પ્રચૂર માત્રામાં હોવા અનિવાર્ય છે. ઉપર ઉલ્લેખ કર્યો તેવી મોટી કોલસાની ખાણો કાળું સોનુ પૂરું પાડે, તેની સાથે બીજા પ્રશ્નો પણ સર્જે. પર્યાવરણની જાળવણી અને તેને સંબંધિત ન્યાય મેળવવાના મુદ્દાને લઈને કામ કરતાં જય ચેતના મંચ અને આદિવાસી કિસાન એકતા સંઘ જેવાં સંગઠનો ગારે પેલમાના પરિસરમાં વસતાં આદિવાસીઓની આ ચળવળમાં જોડાયેલા છે જેમના વિષે વધુ માહિતી તેમની વેબસાઈટ પરથી મળી રહે છે. 

આ મુદ્દો બૃહદ્દ અંશે ખાણમાં કામ કરનારા મઝદૂર અને તેની આસપાસના આદિવાસી સમૂહોને જ સ્પર્શતો હોય તેમ માનવાનું મન થાય, પરંતુ કોઈ પણ વિસ્તારમાં માત્ર એક વ્યવસાય કરનારી પ્રજા નથી વસતી હોતી. આથી જ તો કોસંપલીની આ ચળવળે આસપાસ વસતા ખેડૂતો, મૂળ વતની આદિવાસીઓ, ભૂમિહીન કિસાનો, સ્થાનિક સરકારી નોકરો, પાડોશી ગામ/કસબાના નાગરિકો, મજદૂર અને વેપારી સંગઠનના સભ્યો, મહિલાઓ, જાતિ અને કોમના ભેદભાવથી અસર પામેલા લોકો એમ અનેક સમુદાયોને પોતાના અધિકારો માટે જાગૃત કરીને ગતિશીલ બનાવી દીધા છે.

સામાન્ય રીતે જ્યાં અસમાનતા અને અન્યાય પ્રવર્તતો હોય, ત્યાં હિંસા થવાની વધુ શક્યતા હોય. પરંતુ કોસંપલી ચળવળના હથિયારો છેઃ ધરણા, નાકાબંધી, બહિષ્કાર, અસહકાર, સહકારી ધોરણે વિકાસનું આયોજન અને તેનો અમલ, દેશના અને વિદેશના બિન સરકારી સંગઠનોની સામેલગીરી, કોર્ટનો આશ્રય લઈને કાયદાઓ પસાર કરાવવા, પત્રો અને સામૂહિક અરજીઓ દ્વારા વિનંતી કરવી, દેખાવો અને યાત્રાઓ યોજવી, હડતાલ તેમ જ ભૂખ હડતાળ પર જવું. અહીં નોંધવા યોગ્ય હકીકત એ છે કે બંનેમાંથી એક પણ પક્ષે જોર-જુલમ કે ભાંગ-ફોડ કરીને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો થયેલ નથી.

ખાણ ઉદ્યોગને કારણે થતી અસરોમાં મુખ્યત્વે પર્યાવરણ પર થતી અસરો જોઈએ તો હવા, અવાજ અને પાણી પ્રદૂષિત થવા, જંગલો અને તેના આધારે જીવતી જીવસૃષ્ટિનો નાશ થવો, વૈશ્વિક તાપમાનનું ઊંચું જવું, જમીન અને માટી પ્રદૂષિત થવાં, પાણીનાં તળ નીચે જવાં વગેરે અસરો બહોળા જનજીવનને સ્પર્શે છે. તો સ્વાસ્થ્ય પરની અસરો જુઓ તો માનવ હત્યા અને ખૂનના કિસ્સાઓમાં વધારો, બળત્કાર, હિંસા અને આત્મહત્યાનો ઊંચો આંક વગેરે સ્થાનિક સમાજને ડહોળી રહ્યા છે.

મોટા ઉદ્યોગો રોજગારીની તકો પૂરી પાડે અને કહેવાતો વિકાસ સંભવ બનાવે તેથી જ તેને ઉદ્યોગોના માલિકો અને તેને આધારે જીવતી પ્રજા હોંશે હોંશે સ્વીકારી લે છે. પરંતુ તેની આડ અસર રૂપે થતી નકારાત્મક આર્થિક-સામાજિક અસરોની યાદી પણ નાની સૂની નથી જેમ કે લાંચ-રૂશ્વતનો પ્રસાર, સ્થાનિક લોકોનું વિસ્થાપન, હિંસા અને ગુનાઓમાં વધારો, રોજગારીની તકોની અસુરક્ષા, બેકારીમાં વધારો, પારંપરિક જ્ઞાન, સંસ્કૃતિ અને કલાનો નાશ, જે તે વિસ્તારનું લશ્કરીકરણ, માનવ અધિકારનો ભંગ અને ભૂમિહીન પ્રજાની સંખ્યામાં વધારો. શું આર્થિક ‘વિકાસ’ અને માનવ અધિકારની સુરક્ષા એકબીજાથી વિમુખ જ હોવી જરૂરી છે?

સવાલ જરૂર થાય, બબ્બે દાયકાઓથી ચાલી આવતી અહિંસક ચળવળનું પરિણામ શું આવ્યું? સારું અને માઠું પરિણામ આવ્યું. લાંચ લેવા-દેવાના બનાવો વધ્યા, કર્મશીલોને ગુનેગાર ઠેરવવા એ રોજનું થયું એ ઘણું અનિચ્છનીય પરિણામ. કોર્ટનો નિર્ણય આદિવાસીઓની તરફેણમાં આવ્યો, પર્યાવરણના મુદ્દે ઉઠાવેલ પ્રશ્નમાં વિજય થયો તે ઇચ્છનીય પરિણામ, તો બીજી બાજુ દેખાવકારોનું દમન વધ્યું, ચળવળમાં ભાગ લેનારાઓની શક્તિ વધુ મક્કમ બની એટલે કર્મશીલો પર હિંસક હુમલામાં વધારો થયો એટલું જ નહીં હાલ પૂરતો આ પ્રકલ્પ મુલતવી પણ રાખવો પડ્યો.

પર્યાવરણની અને સ્થાનિક આદિવાસી પ્રજાના રોજગારની સુરક્ષા માટે ન્યાય મેળવવા થયેલ આ ચળવળમાં થોડી ઘણી સફળતા પણ મળી છે. કોર્ટે એક ખાસ સમિતિ નિમવાનો આદેશ આપ્યો જે પર્યાવરણની સુરક્ષા અંગેના કાયદાઓનો ભંગ કરનાર પર ચાંપતી નજર રાખે. વળી, ખાણને કારણે અસરગ્રસ્ત લોકોને કાઉન્સિલ અને જિંદાલ તરફથી વ્યક્તિદીઠ પાંચ કરોડ રૂપિયા બોન્ડ રૂપે વળતર તરીકે ચુકવવામાં આવ્યા એ લાંબી ચાલેલી ચળવળની સફળતા ગણાવી શકાય. બીજી બાજુ આ ખાણ વિષે ભવિષ્યમાં શી યોજના છે તે સ્પષ્ટ નથી કહેવાયું.

ખાણ ઉદ્યોગના ખાતાની નીતિ હતી : divide and mine -  જમીનના ભાગલા પાડો અને ખાણ ચાલુ રાખો. જ્યાંથી કોલસો મળી આવવાની સંભાવના હોય તેવી જમીનને નાના ટુકડાઓમાં વિભાજીત કરી વેંચી શકાય તેવી યોજના હતી એ. કેટલાક લોકોના ઘર તો કોલસા બાળવામાં આવતા હતા કે જમીનમાં સ્ફોટક પદાર્થ ફોડવામાં આવતો હતો ત્યાંથી માત્ર 80 કે 160 મીટરની દૂરી પર જ હતાં. તો શું એ પ્રજાને સુરક્ષિત રહેવાનો અધિકાર કોલસાની પ્રાપ્તિમાં બળીને ભસ્મ થઇ જાય? એ પ્રજાની માંગણી સરળ હતી - વધુ ખનન કરવાનું બંધ કરો અને ખોદાયેલ જમીનને સમથળ કરો. આપેલાં વચનો નિભાવો, જેમ કે જો કોઈ ખેડૂતની જમીન ખાણ ઉદ્યોગ માટે જપ્ત કરવામાં આવી હોય તો તેને પૂરતું વળતર આપો અને ત્વરિત ગતિથી તેમને નવો રોજગાર પૂરો પાડો. આદિવાસી લોકોના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કહ્યું, “અમે તમને નવી ખાણ શરૂ કરવા પરવાનગી નથી આપતા.” આ ચળવળના નેતા ભગવતી ભગતે કહ્યું, “જિંદાલ સાથેના મામલામાં અમે ઘણી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરેલો, હવે ફરી ફરી એ સ્થિતિમાંથી પસાર નથી થવું.” 

ઉદ્યોગ અને વ્યાપાર પ્રધાન મૂડીવાદી અર્થકારણ અપનાવી લીધેલ હોવાને કારણે મોટા ઉદ્યોગો અને ખાનગી વ્યાપારી કંપનીઓ સ્થાપી તે હવે કાયમ રહેવાની, પરંતુ તેમને જો હવે ટકવું હોય તો પ્રજાહિતના ભોગે નહિ બને એ હવે સ્પષ્ટ છે.

અહીં સો એક વર્ષ પહેલાં ચંપારણના ગલીના ખેડૂતોએ કરેલી માગણીઓનું સ્મરણ થયા વિના ન રહે. કદાચ એ અહિંસક ચળવળની ચિનગારી હજુ ઢબુરાઇને પડી હશે તે ફરી પ્રજ્વલિત થઇ ઊઠી.

1998થી આ ખાણના પ્રવેશદ્વાર પાસે નાકાબંધી શરૂ થઇ. નીચેની તસ્વીરમાં આદિવાસી મહિલાઓ ખાણના પ્રવેશદ્વાર પાસે બાંધેલ તંબુમાં પોતાની મુસીબતોનું બયાન કરવાં એકઠાં મળેલ દર્શાવાયાં છે. મહિલાઓ અને બાળકો ખનન કરેલ કોલસાની રજ અને તેમાંથી ઊડતી રાખને કારણે ભોગવવા પડતાં સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નોથી પીડાઈ રહ્યાં છે તે વિષે વાત કરવા શાંતિમય માર્ગ લઇ રહ્યાં છે.

જેને આપણે ‘અશિક્ષિત’ અને ‘પછાત’ કહીને નવાજીએ છીએ તેવા પોતાની સમસ્યાઓ વિષે ઊંડી સમજ ધરાવનાર યુવાનો અને મહિલાઓની ફૌજ સતત લડતી રહી છે. જમણી બાજુ પર કન્હાઇ પટેલ છે જેઓ ભૂખ હડતાળ પર ઉતરેલા નીચેની તસ્વીરમાં દેખાય છે.

તો અહીં જુઓ કોસંપલિ ગામડાનાં બાળકો ખાણમાં વિસ્ફોટ થશે તેવી ચેતવણી પાસેથી પસાર થઇ રહ્યાં છે.

આ વિસ્તારમાં આદિવાસીઓની માલિકીની જમીન ખાનગી ઉદ્યોગપતિઓને વેંચવા પર પ્રતિબંધ છે - બંધારણમાં તેમને રક્ષણ અપાયું છે એટલે હવે તે પ્રજા સુરક્ષિત છે તેમ માની શકાય. પરંતુ અવકાશ વિજ્ઞાન દુર્ભાગ્યે હજુ આ લડત ચાલુ જ છે કેમ કે સાંપ્રત સરકારના વહીવટી અમલદારો સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને પણ ખાનગી કંપનીને ખાણનું લીલામ કરવા તૈયાર થઇ રહ્યા છે. સરકાર અને મોટા ઉદ્યોપતિઓની સાંઠગાંઠ સામાન્ય પ્રજા, કે જે જળ, જમીન અને જંગલના ખરા માલિક છે, તેમની ન્યાયી માંગણીને સદંતર અવગણીને સ્વાર્થ સાધવા બેઠા છે. 

‘સત્યમેવ જયતે’ એ સૂત્ર પર છત્તીસગઢમાં વસતી નિઃશસ્ત્ર પ્રજા, કે જેણે બબ્બે દાયકાઓથી સંપૂર્ણ શાંતિમય ઉપાયો અજમાવીને પોતાના હકની જમીન સાચવવા અને ગુમાવેલી જમીનને પાછી મેળવવા અને સાથે સાથે પર્યાવરણને સુરક્ષિત કરવા પારાવાર કષ્ટ સહ્યાં તેમને કોણ સહાય કરશે? શું G-7 સમિટમાં ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં જનાર આપણા વરિષ્ઠ પદાધિકારીઓ આ અને આવા અસંખ્ય પ્રશ્નોનું નિરાકરણ લાવશે? 

(મુખ્ય સ્રોત : આદિવાસી કર્મશીલો માટેની વેબસાઈટ તથા અખબારો)

e.mail : [email protected]

Category :- Opinion / Opinion