પ્રથમ નમું ગિરિજાસુત ગણપતિ

નંદિની ત્રિવેદી
12-09-2019

હૈયાને દરબાર

પ્રથમ નમુ ગિરિજાસુત ગણપતિ
પ્રાત: સમય ઊઠ કર મૈં ધ્યાઉં
સુમિરત નામ તિહારો તિહારો
એક દંત ગજકર્ણ કહાવે
રિદ્ધિ સિદ્ધિ કે દાતા હોવે
વંદન તુઝ કો હે પરમેશ્વર
પૂરણ કામ હમારો હમારો
સબ દેવો મેં પહેલે પૂજા
મહાદેવ ભી આયે દૂજા
લંબોદર હાથ મેં મોદક
મૂષક પર પધારો પધારો

•  ગીતકાર-સંગીતકાર : આશિત દેસાઈ •  ગાયક કલાકાર : આશિત દેસાઈ-હેમા દેસાઈ

--------------------

જગતમાં વિદાય હંમેશાં વસમી જ હોય, ચાહે એ કન્યા વિદાય હોય, મૃત્યુની વિદાય હોય, ઘર- વતન છોડવાની વિદાય હોય કે પછી શાળા-કોલેજની વિદાય વેળા હોય, લાગણીના તાણાવાણા એવી રીતે જોડાયેલા હોય છે કે વિદાય હંમેશાં આપણું હૈયું ભીંજવી જાય. આ બધી સંયોગાત્મક વિદાય છે છતાં આપણે વ્યથિત થઈએ છીએ તો આજે તો આપણા વહાલા દેવ ગણપતિને વિદાય આપવાનો દિવસ છે.

દસ દિવસ ભરપૂર લાડ લડાવ્યા પછી એમને પૂઢચ્યા વર્ષી લવકર યા … કહીને આજે દરિયામાં વહાવી દેવાના છે, ત્યારે વિદાય દિને ગણેશવંદના જ કરી લઈએ ને! હેમંત મટ્ટાણી, સોના-રૂપા નિર્મિત ‘જય ગણેશ’ સિરીઝમાં આશિત-હેમા દેસાઈને કંઠે સાંભળેલી રચના, પ્રથમ નમું ગિરિજાસુત ગણપતિ ... મારી પ્રિય ગણેશ સ્તુતિ છે. અત્યંત મધુર રાગ યમન કલ્યાણ પર આધારિત આ વંદનાની મ્યુઝિક અરેન્જમેન્ટ, ગાયન, વાદન ખૂબ સરસ છે. સાંભળીને પવિત્ર વાતાવરણ બંધાઈ જાય. ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં પ્રચલિત આ સ્તુતિ આશિતભાઈએ પોતે લખી છે.

ભગવાન શ્રીગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર ગણી પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા કહેવાય છે. કોઈ પણ હિંદુ મંદિરમાં તમે દાખલ થાઓ ત્યારે તમને એક બાજુ રિદ્ધિ-સિદ્ધિના દેવ ગણપતિ અને બીજી બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિમાઓ અચૂક જોવા મળે.

દરેક મંગલ કાર્યમાં ગણેશજીને સૌથી પહેલાં પૂજવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્ત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંતચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશચતુર્થીથી સતત દસ દિવસ સુધી મહાભારત કથા ભગવાન શ્રીગણેશને સંભળાવી હતી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવી ને એવી) જ લખી હતી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા, ત્યારે તેમણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. તેમને ખબર જ ન પડી કે કથાનો ગણેશજી પર શું પ્રભાવ પડી રહ્યો છે. મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત ૧૦ દિવસ સુધી કથા સાંભળતાં સાંભળતાં ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું. તેમને પુષ્કળ તાવ આવી ગયો હતો. તેથી મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઈ જઈને ડૂબકી લગાવડાવી જેનાથી તેમના શરીરનું તાપમાન ઓછું થયું.

એવું પણ કહેવાય છે કે ભગવાન ગણપતિ ગણેશચતુર્થીથી અનંતચતુર્દશી સુધી એ જ મૂર્તિમાં સગુણ સાકાર રૂપમાં સ્થાપિત રહે છે. જે મૂર્તિને ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છાપૂર્તિ કરવા ઇચ્છે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. ગણેશ સ્થાપના પછી ૧૦ દિવસ સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંતચતુર્દશીના દિવસે વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે. આ બધી છેવટે તો લોકવાયકા છે, પરંતુ જે રીતે એમને વિસર્જિત કરવામાં આવે છે એ ઘણીવાર બહુ દુ:ખદાયી છે. તાજેતરમાં જ એક વીડિયો જોયો, એમાં સાત દિવસના વિસર્જન પછી ગણપતિની ખંડિત મૂર્તિઓ રસ્તે રઝળતી હતી. કંઈક આવું જ દૃશ્ય આજે સાંજ પછી જોવા મળે તો નવાઈ નહીં! ઉત્સવની ઉમંગભેર ઉજવણી ભલે કરીએ, પણ ઘોંઘાટનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને ફટાકડા ફોડીને વાયુ પ્રદૂષણ ફેલાવવાનો અધિકાર આપણને ગણપતિ બાપ્પાએ નથી આપ્યો. એમને તો એવી રીતે વિદાય આપવાની કે આવતે વર્ષે ફરીથી એમને આવવાનું મન થાય. ડૉ. સ્મિતા ખંભાતીએ વિસર્જનની સ્તુતિ બહુ સુંદર રચી છે :

જાઓગે જબ દૂર નઝર સે
હૃદય સે જા નહીં પાઓગે
રહ ન સકોગે હમ બિન બાપ્પા
વાપસ લૌટ કે આઓગે
ચૌથ કે દિન જબ ઘર આઓગે
પ્રેમ સે તુમ્હેં સજાયેંગે
જો હમ ખાયેં વો હી ખિલાયેં
અપના તુમ્હેં બનાયેંગે
અપના બન કે રહો જહાં પે
ઉસ ઘર સે કૈસે જાઓગે ...
અનંત ચૌદસ કે મંગલ દિન
ઐસી ધૂમ મચાયેંગે
ગુલાલ કી હોલી બરસા કે નાચેંગે
શ્રદ્ધા ભક્તિ દેખ હમારી
જા કે ભી તુમ પછતાઓગે ...!

વિદાય એવી આપવાની કે બાપ્પાને ફરી ફરી આવવાનું મન થાય. સોલી કાપડિયાએ થોડાં વર્ષો પૂર્વે ‘ગણેશ ઉત્સવ’ નામે આલ્બમ તૈયાર કર્યું હતું. વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. સ્મિતા ખંભાતી રચિત સુંદર ગણેશ સ્તુતિઓને સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી અને સોલી-નિશાના કંઠે એ આલ્બમ રજૂ થયું હતું. ‘ગણેશ ઉત્સવ’ આલ્બમમાં વિસર્જનનું આ ગીત સોલી કાપડિયાએ ગાયું અને સ્વરબદ્ધ કર્યું છે.

નારાયણ સ્વામીએ ગાયેલી અન્ય એક ગણેશ સ્તુતિ પણ સરસ છે :

સરસ્વતી સ્વર દીજિયે
ગણપતિ દીજિયે જ્ઞાન
બજરંગજી બલ દીજિયે
સદ્ગુરુ દીજિયે સાન
પ્રથમ પહેલાં પૂજા તમારી
મંગળ મૂર્તિવાળા ગજાનન
કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારાં
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાળુ દયાવાળા
સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભય ભંજન રખવાળા
સર્વ સફળતા તમ થકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા
અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળાં

ગણેશોત્સવ આપણે ત્યાં બહુ મોટો ઉત્સવ છે. વિઘ્નહર્તા ગજાનન ગણેશના ઉત્સવમાં લોકો ભક્તિથી તરબોળ બની ગયા હોય છે. ગણેશચતુર્થીએ લાડુનો પ્રસાદ તો હોય જ. નાનાં બાળકો ગણેશજીને ભરપૂર લાડ લડાવે, આરતી ઊતારે, ફૂલ ચડાવે ને પ્રશસ્તિ ગાન કરે. દસ દિવસ ગણરાયાને લાડ-પ્યાર કર્યા પછી વિસર્જન વખતે વિદાય આપવાનું આકરું લાગે પણ એ જ આપણી રીત અને એ જ આપણી પરંપરા.

દસ દસ દિવસથી ભગવાનની પૂજા-અર્ચના-આરતી સાથે બાપ્પાની વિદાયનો સમય આવી ગયો છે. દસ દિવસથી ગણેશમય બની ગયેલાં ભક્તોને આજનો દિવસ કપરો લાગશે. દરરોજ ઢોલ-નગારા સાથે બાપ્પાની આરતીઓ કરવી, ડીજેના તાલમાં ગણેશ પંડાલ ગજવવા, બાપ્પાના સાંનિધ્યમાં ગરબાનો રંગ જમાવવો વગેરે સાથે ગણેશનો પાવન તહેવાર પૂરો થશે, ગણેશમય માહોલ દૂર થઇ જશે અને નવરાત્રિની તૈયારી પૂરજોશમાં ચાલશે.

નવરાત્રિના આગમનને ગણતરીના દિવસો બાકી છે અને ગણેશોત્સવ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે નિનુ મઝુમદાર રચિત ખૂબ વખણાયેલો ચોપાટનો ગરબો યાદ આવે છે જેમાં એમણે માતાજીની સાથે ગજાનન તથા ભગવાન શંકરનું આખું કુટુંબ ચોપાટ રમતું હોય એવી સુંદર કલ્પના છે. જેના શબ્દો છે :

સર્વારંભે પરથમ નમીએ, રિદ્ધિ-સિદ્ધિ સ્વામી ગણપતિ,
સાથે મળીને ચોપાટ ખેલે, ઈશ્વર ને સતી પારવતી ...!

પાસાં પાડે મંગલ રીતે, પહેલો દાવ ગજાનન જીતે
સાવ સોનાની સોગઠી પીળી, બાજીએ નીસરતી રમતી

બીજો દાવ તો રિદ્ધિ સિદ્ધિનો, પૂર્ણ રચાવે ખેલ વિધિનો
ભક્તિનું મહોરું લીલું સદાનું, ઊતરે અંતર આરતી

ત્રીજે ભુવન માતાજી બિરાજે, જય જય નાદે ત્રિભુવન
ચુંદડી રંગી સોગઠી રાતી, ગોળ ઘૂમે ગરબે રમતી

ચોથા પદનું તત્ત્વ વિચારી, રમતને નીલકંઠે ધારી
અનંત ભાસે અગમ રંગે, વિશ્વ રમાડે વિશ્વપતિ ...!

એનો અર્થ એ છે કે ભગવાન શંકરે રમતમાં ભાગ લીધો છે પણ એ દાવ રમતા નથી, પરંતુ વિશ્વ આખાને રમાડે છે. કેવી સરસ કલ્પના છે! એ વખતનાં ગરબા ક્વીન વીણા મહેતાએ આ ગરબો નિનુભાઈ પાસે ખાસ લખાવ્યો હતો અને એમના ગરબા ગ્રુપે એ રજૂ કર્યો હતો.

અનંત ચૌદશે આજે વિઘ્નહર્તા ગજાનનને અશ્રુભીની આંખે વિદાય આપી પ્રાર્થના કરીએ કે આખું વર્ષ આપણા સૌને માટે, સમાજ તથા દેશને માટે નિર્વિઘ્ને પસાર થાય. હવે મા અંબેના આગમનને વધાવવા તૈયાર થઈ જઈએ ને?

ગણપતિ બપ્પા મોરયા
પુઢ્ચ્યા વર્ષી લવકર યા!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 સપ્ટેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=577852

Category :- Opinion / Opinion