વિનોબાના સવા શતાબ્દી વરસના આરંભે

ચંદુ મહેરિયા
11-09-2019

મહાત્મા ગાંધી(૧૮૬૯-૧૯૪૮)ના સાર્ધ શતાબ્દીના સમાપન દિવસોમાં વિનોબા ભાવે(૧૮૯૫-૧૯૮૨)ની સવા શતાબ્દી વરસનો આરંભ થાય છે તે કેવળ યોગાનુયોગ નથી. ઉમરમાં ગાંધીજીથી પચીસ વરસ નાના વિનોબાનું પિતૃપદ ગાંધીજીએ સ્વીકાર્યું હતું. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહના પહેલા સત્યાગ્રહી તરીકે નહેરુ-સરદારને બદલે જ્યારે ગાંધીજીએ વિનોબાની પસંદગી કરી ત્યારે વિનોબાનો તત્ક્ષણ પ્રતિભાવ તો, ‘બાપુનું તેડું અને યમરાજનું તેડું બરાબર’નો હતો. ગાંધીમંત્રી મહાદેવભાઈએ પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબાની પસંદગી અંગે જણાવ્યું હતું કે, “વિનોબામાં કેટલાક એવા ગુણ છે જે બીજા કોઈમાં નથી.” ગાંધી-સર્વોદય વિચારધારામાં આજે પણ વિનોબા સ્કૂલનું વિદ્યમાન હોવું તેમના કાર્ય અને વિચારની પ્રસ્તુતતા દર્શાવે છે.

૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા વિનોબાનો ગુજરાત સાથે નિકટનો નાતો હતો. મૂળ નામ તો વિનાયક નરહરિ ભાવે પણ અમદાવાદના સાબરમતી આશ્રમમાં સ્થાયી થયા ત્યારે આશ્રમવાસીઓએ (અને શાયદ મામાસાહેબ ફ્ડકેએ) મહારાષ્ટ્રની પરંપરા અને તેમની સંત પ્રકૃતિને સોહે એવું વિનોબા નામ દીધું હતું, જે કાયમી ઓળખ બન્યું. ગાંધીજીના બનારસ હિંદુ યુનિવર્સિટીના ભાષણે વિનોબાને તેમનું ઘેલું લગાડયું હતું. એટલે તે કાયમ ગાંધીરંગે રંગાઈ ગયા. પિતા વડોદરાની કાપડ મિલમાં અને પછી રાજ્યની નોકરી કરતા હતા એટલે જીવનના આરંભનાં ઘણાં વરસો અહીં વીત્યાં હતાં. પ્રાથમિક શિક્ષણ ઘરે મેળવી બાર વરસની વયે વડોદરા હાઈસ્કૂલમાં દાખલ થયા. ભણવામાં અવ્વલ હતા, પરંતુ ધર્મ અધ્યાત્મ, બ્રહ્મચર્ય અને ગૃહત્યાગના વિચારો સતત ચાલતા હતા. ઈન્ટર આર્ટ્સની પરીક્ષા આપવા મુંબઈ જતા હતા ત્યારે રસ્તામાં સુરતથી મુંબઈ જવાને બદલે બનારસની વાટ પકડી. ‘જીવનમ્‌ સત્યશોધનમ્‌’ની જે લગની લાગેલી તે પૂરી કરવા ૨૧ વરસે ગૃહત્યાગ કર્યો.

બંગાળની ક્રાંતિ અને હિમાલયનો જ્ઞાનયોગ બેઉ તેમને આકર્ષતા હતા. ક્રાંતિ, શાંતિ અને જ્ઞાનનો સમન્વય તેમને ગાંધીમાં લાધ્યો. બાળપણથી જ વિનોબા ભારે વાચોડી હતા. વડોદરાવાસ દરમિયાન વડોદરાના સયાજી પુસ્તકાલયનાં અનેક પુસ્તકોનાં પાનાં એમની છરીથી જ કપાયાં અને વંચાયાં. કાશીમાં અન્યો જે ધર્મગ્રંથોના વાચન માટે બાર વરસનું તપ કરતા તે વિનોબાએ બાર માસમાં એકલકોટડીમાં પુરાઈને કર્યું. માંદલી તબિયતે જ્યારે ગાંધીના આશ્રમથી એકાદ વરસનું જુદારું કરવાનું થયું તો મહારાષ્ટ્રના વાઈની પાઠશાળામાં છ મહિના અધ્યયનમાં કાઢયા.

અનેક ભાષાના જ્ઞાતા વિનોબા એટલે પોથીપંડિત નહીં, સ્વરાજ સૈનિક પણ. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પહેલી પસંદગી પામેલા વિનોબાએ જીવનમાં કુલ છ વખત સાડા પાંચ વરસનો કારાવાસ વેઠયો છે. તેમાંનો કેટલોક તો આકરો પણ હતો. ૧૯૩૨માં તેઓ ધૂળિયા જેલમાં હતા ત્યારે સ્ત્રી કેદીઓ સહિતના સઘળા કેદીઓ સમક્ષ તેમણે રોજેરોજ ગીતાનાં પ્રવચનો આપ્યાં હતાં. એમના કેદી શ્રોતાઓમાં સાને ગુરુજી પણ હતા. જેમણે આ પ્રવચનોની નોંધ ટપકાવી રાખી, જે પાછળથી ભારતની તમામ અને વિદેશની પાંચેક ભાષામાં ગ્રંથસ્થ થઈ. ધર્મઆરાધક માતા અને વિજ્ઞાન આરાધક પિતાનું આ જયેષ્ઠ સંતાન ધાર્મિક વૃત્તિનું હોય તે સહજ હતું પણ તે કોઈ એક ધર્મમાં બદ્ધ નહોતા. એટલે જ કુરાનસાર પણ તેમની પાસેથી મળે છે. વિશ્વમાનુષ વિનોબાએ જે વિશ્વશાંતિ ઝંખી છે તેણે જ તેમની પાસે ‘જય જગત’ના નારાનું સર્જન કરાવ્યું હશે !

૧૯૨૧માં નાગપુર પાસેના વર્ધામાં ગાંધીજીએ વિનોબાની દેખરેખમાં સેવાગ્રામ આશ્રમ બનાવ્યો. ગાંધીના સ્વરાજની લગન સાથે વિનોબા રચનાત્મક કામોમાં લાગી ગયા. ૧૯૩૮માં વર્ધા નજીક પવનારમાં એમણે પરમધામની સ્થાપના કરી જ્યાં જીવનના અંત સુધી રહ્યા. ગાંધીહત્યા અને સાને ગુરુજીની આત્મહત્યાથી વિનોબા ભારે દુઃખી હતા, પરંતુ જાતને સંભાળી, આંસુ લૂછી આગળનાં કામો હાથ ધર્યાં. વિનોબા અને પદયાત્રા એ જાણે કે પર્યાયવાચી શબ્દો હોય એટલું બધું તે ચાલ્યા છે. જીવનમાં એમણે બાવન હજાર માઈલની પદયાત્રા કરી હોવાનું કહેવાય છે. આઝાદી પછી રચાયેલા પ્લાનિંગ કમિશન અને પહેલી પંચવર્ષીય યોજના વિશે વિમર્શ કરવા પંડિત નહેરુએ તેમને દિલ્હી બોલાવ્યા. તો ૮૦૦ માઈલની પદયાત્રા કરીને દિલ્હી પહોંચ્યા હતા. પહેલી પંચવર્ષીય યોજના અંગે તેમનો અભિપ્રાય હતો કે આ યોજના નેશનલ નહીં પાર્શિયલ છે. અને જો શાસને પાર્શિયાલિટી રાખવી જ હોય તો તે ગરીબો તરફ્ની રાખે. ગાંધીના છેલ્લા માણસના કલ્યાણની વાત આ રીતે તેમણે જીવંત રાખી હતી.

ભૂમિહીનો માટે જમીનનો પ્રશ્ન આઝાદી પછી તરત સપાટી પર આવ્યો. જમીનની અસમાન માલિકી દેશમાં મોટા પ્રમાણમાં હતી. તેના માટે હિંસક અહિંસક સંઘર્ષો પણ ચાલતા હતા. વિનોબાએ કાનૂન કે કતલને બદલે કરુણાનો માર્ગ લઈ ભૂદાન આંદોલન છેડયું. ભૂદાન આંદોલને પ્રગતિશીલ ડાબેરી જમીન સુધારા ચળવળને કેવી અને કેટલી પાછળ ધકેલી તે સવાલ તો છે જ. જો કે જે પચાસેક લાખ એકર જમીન ભૂદાનમાં મળી તેનાથી ત્રીજા ભાગના જ વાસ્તવિક કબજા મળ્યા.

મોટે ભાગે અતડા કે એકલજીવી રહેવા ટેવાયેલા વિનોબા કંઈક વિચિત્ર લાગે તેવા પણ હતા. ગાંધીજીએ તેમને ‘આશ્રમનાં દુલર્ભ રત્નોમાંના એક’ ગણાવી તેઓ ‘આશ્રમમાં કંઈક પામવા નહીં, આપવા આવ્યા છે’ તેમ કહ્યું હતું. વિનોબાએ પણ લખ્યું છે કે, “હું સ્વભાવે જંગલી જાનવર રહ્યો છું. હું બાપુનું પાળેલું પ્રાણી છું. જે કંઈ છું તે બાપુની આશિષનો ચમત્કાર છું.’ પરંતુ ગાંધીજીએ એક પત્રમાં ‘તમારા જેવો ઉચ્ચ આત્મા મેં ક્યાં ય જોયો નથી” એમ લખ્યું તો તેમણે તે પત્ર ફડીને ફેંકી દીધો હતો. કુલપતિ ઉમાશંકર જોશી તેમને ગુજરાત યુનિવર્સિટીના ડી.લિટ કહેતાં ડોક્ટર ઓફ લિટરેચરની ઉપાધિ આપવા પવનાર ગયા તો તેમણે ડી.લિટની ઉપાધિ તો સ્વીકારી પણ એ જ દિવસે દાઢી-મૂછ મૂંડાવી નાંખ્યા. આશ્ચર્યચકિત આશ્રમવાસીઓ સમક્ષ ખુલાસો ક ર્યો, “ઉપાધિ ઉતારી નાંખી!” કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધી મળવા ગયાં તો મૌનવ્રતી વિનોબાએ સત્તા માટે દેશને કેદખાનું બનાવી મૂકનાર વડાપ્રધાનને પૂછયું, “સમ્રાટ અશોકની જેમ સત્તા છોડી ક્યારે નીકળે છે?” ગૌહત્યાબંધીના ચળવળકાર વિનોબાએ ૧૯૭૫ની ઇંદિરાઈ કટોકટીને અનુશાસન પર્વ ગણ્યાનો વિવાદ પણ તેમના નામે છે.

રાજનીતિને લોકનીતિમાં પરિર્વિતત કરવા મથનારા વિનોબા જયપ્રકાશની જેમ કટોકટી વખતે ખૂલીને સામે નહોતા આવ્યા. સર્વ સેવાસંઘ અને સર્વોદય સમાજ મારફ્ત તેમણે ગાંધીને જીવંત રાખ્યા. ગાંધીવિચાર કરતાં ગાંધીઆચાર પર બળ મૂકતાં તેમણે લખ્યું છે, “સબળ ગાંધીવિચાર આવનારાં વરસોમાં વધુ પ્રસ્તુત બનવાનો છે. ગાંધીવિચાર મરવાનો નથી. સવાલ ગાંધીઆચારનો છે. એ ઝડપથી ઢીલો કે નબળો પડતો જાય છે. મારું કામ એ ગાંધીઆચારની દિશામાંનું છે.” એટલે જ છેવાડાના માણસની ખેવનાનું ગાંધી તાવીજ કે અધોળ આચરણનો ગાંધીઆગ્રહ પળાય તેમાં જ ગાંધીદોઢસો અને વિનોબાસવાસોની ઉજવણીની સાર્થકતા છે.

e.mail : [email protected]

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 11 સપ્ટેમ્બર 2019

Category :- Gandhiana