ગરલના ગૃહપતિ નીલકંઠી પ્રભુ

પંચમ શુક્લ
09-09-2019

ડોકમાં ઝૂલતી તુલસીકંઠી પ્રભુ,
સ્વપ્નમાં આવતી કંબુકંઠી પ્રભુ.


મન ઉપાસી રહ્યું કવ્વાઠેંઠી પ્રભુ,
હૃદયમાં ફડફડે ઝલ્લકંઠી પ્રભુ.


મૌન રહી બેસું વાળી પલોઠીં પ્રભુ,
હર વિચારે બજે મૃદુલકંઠી પ્રભુ.


તપ તપી ક્ષીણ થઈ ગાત્રગંઠી પ્રભુ,
મનમાં મ્હોરી ઊઠી ઊર્ધ્વકંઠી પ્રભુ.


ગરલના ગૃહપતિ નીલકંઠી પ્રભુ,
વમન થઈ વિલસતી કંઠાકંઠી પ્રભુ.

9/9/2019

કંબુકંઠી - શંખ જેવું જેનું ગળું હોય તેવી સ્ત્રી; કંબુગ્રીવા; શંખની માફક કંઠ ઉપર ચામડીની ત્રણ સુંદર આવલીવાળી સ્ત્રી

કવ્વાઠેંઠીઃ અપરાજિતા, દુર્ગા, છપ્પન દિક્કુમારિકા માંહેની એ નામની એ

ઝલ્લકંઠીઃ પારેવી,કબૂતરી

મૃદુલકંઠીઃ કોમળ કંઠવાળી, મધુર અવાજવાળી.

ગાત્રગંઠીઃ અવયવોના સાંધા

ઊર્ધ્વકંઠીઃ મહાશતાવરીનો વેલો, ઊંચું મોઢું રાખનારી, શતાવરી શરીરને તથા મગજને પુષ્ટિ આપનાર છે

ગરલઃ વિષ, ઝેર, રહસ્ય

ગૃહપતિઃ શિવનું એક નામ, યજ્ઞ કરનાર યજમાન, કુટુંબનો મુખી, છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી

કંઠાકંઠીઃ સામસામાનું ગળું પકડી ઝઘડવાની ક્રિયા

Category :- Poetry