ઘર

રમણીક અગ્રાવત
02-09-2019

આ દુનિયા મને પસંદ નથી
… શું કરું, મારું ઘર આ ભૂમિમાં ઊગેલું છે
એક દિવસમાં તો નથી થયું ઘર
કોઈને ક્યાં એમ એકાએક ઘર મળે છે
મારા ઘરને ઘર બનતું મેં અનુભવ્યું છે
એક-એક ધબકારે તો ચણાયું છે,
મારા ઘરને ઘેરી લેતા રસ્તા ય કેવા જટાજૂટ છે
ઝેરીલા -
તો ય મને ગમે છે એ
વળીવળીને આવ્યો છું પાછો ઘર ભણી,
ઘુમાવી-થકાવીને એ પાછા મૂકી જાય મને મારે દરવાજે
હું ય કંઈ ઓછો નથી
ગાળો, બખાળા, ચીડ કાઢતો રહું છું રસ્તા ઉપર
સતત શંકાની નજરે એને ધિક્કાર્યા છે,
ચાહ્યા છે ભરપેટ
ઘરમાં રહ્યે-રહ્યે કેટલી ય વાર નાસી છૂટ્યો છું ક્યાં ય
બે-ત્રણ હજાર વરસ ઉપરે ય આમ કરેલું,
પાછો ‘ભિક્ષાંદેહિ’ કહી ઊભો રહ્યો હતો યશોધરાને આંગણે
ચૌદ-ચૌદ વરસ એ જ ઘર,
પાછળ પાછળ ભમ્યું છે, ભટક્યું છે, રઝળ્યું છે
પંચવટીમાં દંડકારણ્યમાં કિષ્કિંધામાં-રાક્ષસનગરીમાં
ન જાણે ક્યાં-ક્યાં
અરે આ જ હાથે બાળ્યું છે એને ખાંડવવનમાં મેં
જરાસંઘની ગદાથી ધ્વસ્ત થયેલા ઘરને,
ફરી ખડું થતું જોયું છે મેં દ્વારિકામાં
એટલે છેટે નથી જવું,
થોડાંક સો વરસો પહેલાં
ઘોડા હાથી, ઊંટો લાદી-લાદી, પોઠો ભરી-ભરી
અરબરણમાં લઈ જઈ રહેંસી નાખ્યું છે મેં મારા ઘરને
ઠાંસોઠાંસ વહાણોમાં, ઠાંસોઠાંસ આગબોટોમાં ખડકી,
ફેંદી મૂક્યું છે એને ઇંગ્લૅન્ડ યુરોપ સુધી
હજી નજીક અટવીએ ચડેલું આ રહ્યું એ ઘર
અમેરિકાની ક્રાંતિ સળગાવી ગઈ કોનાં કોનાં ઘર?
આફ્રિકામાં ગુલામીખતમાં લખાયાં કોનાં ઘર?
ભારતવિભાજનની કરવતથી વહેરાયાં કોનાં-કોનાં ઘર?
ઇરાકમાં, અફઘાનિસ્તાનમાં, શ્રીલંકામાં સળગાવાયાં કોનાં ઘર?
સિરિયાના તાંડવમાં રહેસાયાં કોનાં- કોનાં ઘર?
સ્થળ પર જઈ તપાસ કરનારને દરેક વખતે હણાયેલો મળ્યો
એકનો એક માણસ, એનો એ જ બધે.
એનો એ જ.
કેટલી વાર - કેટલી વાર હણાયો એકનો એક માણસ?
કેટલી વાર - કેટલી વાર હણાશે એકનો એક માણસ?
હળાહળ વાસ્તવમાં ક્યાં ય કરસનની ખોલી તૂટી જાય,
ક્યાં ય રહીમની ઝૂંપડી સળગી જાય,
ક્યાં ય નાનકની દુકાન લૂંટાઈ જાય
ક્યાં ય મામદની બકાલાંની નાની વાડી ભેળાઈ જાય,
ક્યાં ય બજરંગનો ખૂમચો ઝૂંટવાઈ જાય,
સરવાળે તો રસ્તા પર રહેનારને રસ્તો જ રહે નસીબ,
હણાઈ જાય કોઈના સપનાનું અમથું ઘર
જ્યાં એક ટુકડો આકાશ, થોડી મજરે ભૂમિ
અને પોતાનો શ્વાસ લેવાની મોકળાશ
જ્યાં નિરાંતની પલાંઠી વાળી શકાય, જ્યાં હાશમાં લંબાવી શકાય
એવું અદના આદમીનું ઘર
હણાતું રહે શસ્ત્રોથી, છળથી, પીડાથી આંસુથી, ઉદ્વેગથી, તર્કથી, ભ્રમથી
ભૂંસાતું રહે ઘર ફરીફરી
તો ય અનુભવાય ક્યારેક એ
અંદર, છાતીમાં ડાબી બાજુએ
સાક્ષાત્‌, દઝાડતું.

(૧૯૯૪માં લખાયેલું આ કાવ્ય થોડા સુધારાવધારા સાથે.)

૭, મુક્તાનંદ સોસાયટી,  નર્મદાનગર, જિ. ભરુચ, ૩૯૨ ૦૧૫.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 16

Category :- Poetry