દેશનાં લોકતંત્ર માટે ખતરો તો છે, પણ વિકલ્પ ક્યાં છે ?

રમેશ ઓઝા
22-08-2019

ભૂલ્યા ત્યાંથી પાછા ગણો એવી એક કહેવત છે, પણ એ રાજકીય પક્ષો માટે શક્ય છે? ભારતમાં જેને ગંભીર કહી શકાય એવા રાજકીય પક્ષો ખાસ ઉદ્દેશ માટે રચાયા હતા. પછી રાજકીય પ્રવાસમાં સત્તાની કે બીજી લાલચે ભટકી પડ્યા અને રાહ ચૂકી ગયા એવું લગભગ દરેક રાજકીય પક્ષની બાબતમાં બન્યું છે. જ્યાં સુધી સફળતા મળતી હતી ત્યાં સુધી સમાધાનો કરવામાં પાછા વળીને જોયું નહોતું. હવે જ્યારે સફળતા મળતી બંધ થઈ ગઈ છે અને અસ્તિત્વનું સંકટ પેદા થયું છે ત્યારે જ્યાંથી શરૂઆત કરી હતી અને જે ઉદ્દેશ માટે શરૂઆત કરી હતી ત્યાં પાછા ફરીને નવેસરથી શરૂઆત શક્ય છે?

એક વાત તો નક્કી છે કે જો એ એટલું સહેલું હોત તો દરેક રાજકીય પક્ષે લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી તેની શરૂઆત કરી દીધી હોત. બે સમસ્યા છે. જે બિંદુએથી યાત્રા શરૂ કરી હતી એ બિંદુ એના એ સ્વરૂપમાં એની એ જગ્યાએ રહેતું નથી. સમાજ સતત પરિવર્તનશીલ હોય છે. તેના સ્વરૂપમાં અને સ્થાનમાં ફરક પડી ગયો છે એટલે એ જ બિંદુએ અને એ જ જગ્યાએ પાછા ફરવું શક્ય નથી. બીજી સમસ્યા એ છે કે રાજકીય પક્ષનું ચારિત્ર્ય ઘડનાર એક વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ તેમાં પરિવર્તન લાવનાર અનેક લોકો હોય છે. જેમકે કૉન્ગ્રેસનું ચારિત્ર્ય મુખ્યત્વે ગાંધીજીએ ઘડ્યું હતું, પરંતુ એ પછી હજારો લોકોએ પોતપોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તનો કર્યા હતાં અને કૉન્ગ્રેસ તેના મૂળ ચરિત્રથી દૂર ધકેલાઈ ગઈ. ચિત્ર દોરનાર ચિત્ર દોરીને આગલી પેઢીના લોકોને આપીને જતો રહ્યો. આગલી પેઢીના લોકોએ પોતાના તાત્કાલિક સ્વાર્થને ધ્યાનમાં રાખીને એ ચિત્ર પર ચિતરામણ કરીને ચિત્ર બગાડી નાખ્યું.

હવે પાછા કેવી રીતે ફરી શકાય અને કોણ પાછા ફરવાની જહેમત ઊઠાવે? એક તપ મહેનત કરો ત્યારે કદાચ પરિણામ મળવાનાં હોય તો મળે. કદાચ, ખાતરી તો નહીં જ અને પાછાં એ ક્યાં આપણને ભોગવવા મળવાનાં છે? જો મૂળ ઉદ્દેશ માટે બહુ મમતા હોય અને દેશના કે સમાજના હિતમાં અંગત સ્વાર્થને બાજુએ રાખીને ઘસાવા તૈયાર હો, પ્રચંડ ધીરજ હોય તો કદાચ ભૂલ્યા ત્યાંથી પાછા ગણવાનો એક પ્રયાસ જરૂર થઈ શકે; પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે બીજા લોકો એ યજ્ઞમાં શા માટે સમિધા થાય? કાલ કોણે જોઈ છે અને કાલ માટે આજનો ભોગ કોણ આપે?

કૉન્ગ્રેસમાં અત્યારે આ મથામણ ચાલી રહી છે. એમ કહેવાય છે કે રાહુલ ગાંધી ભૂલ્યા ત્યાંથી પાછા ગણવાની હિમાયત કરી રહ્યા છે. પક્ષને તળિયેથી બેઠો કરવામાં આવે, સમર્પિત કાર્યકર્તા તૈયાર કરવામાં આવે, તેમની અંદર સર્વસમાવેશક ભારત અંગેની વૈચારિક સફાઈ પેદા કરવામાં આવે, વિચારનિષ્ઠા વિકસાવવામાં આવે, પક્ષની અંદર લોકતંત્ર દાખલ કરવામાં આવે, સંગઠનાત્મક ચૂંટણી યોજવામાં આવે અને એક દિવસ કૉન્ગ્રેસ પક્ષને નેહરુ-ગાંધી પરિવાર પરની નિર્ભરતાથી મુક્ત કરવામાં આવે. એમ કહેવામાં આવે છે કે આવો આગ્રહ તેઓ પક્ષ ધરાશયી થયો એ પછીથી કરી રહ્યા છે એવું નથી, કેન્દ્રમાં ડૉ. મનમોહન સિંહની સરકાર હતી ત્યારથી કરી રહ્યા છે; પણ કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી.

સાંભળે પણ શા માટે? ફાયદો શું? આવનારી પેઢી માટે કોણ ખેતી કરે? હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપિન્દર સિંહ હૂડા આનું પ્રમાણ છે. જે માણસે કહેવાતા કૉન્ગ્રેસ કલ્ચરનો સૌથી વધુ દુરુપયોગ કર્યો અને કૉન્ગ્રેસના કલ્ચરને હજુ વધુ તળિયે લઈ જવામાં ભાગ ભજવ્યો એણે એકપક્ષીય જાહેરાત કરી દીધી છે કે આવતા ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ પક્ષના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેઓ પોતે હશે. આનો શો અર્થ કરશો? કૉન્ગ્રેસ હજુ પણ રાજકીય રીતે વટાવી ખવાય એટલી ક્ષમતા ધરાવે છે એટલે જો કૉન્ગ્રેસનું બેનર મળતું હોય તો ઉત્તમ પણ એ બેનર એટલું શક્તિશાળી પણ નથી કે મારે એ બેનર મેળવવા માટે આજીજી કરવી પડે અથવા પક્ષના નિર્ણયને માનવો પડે. મારું મુખ્ય પ્રધાનપદ માન્ય રાખીને કૉન્ગ્રેસનું બેનર મને આપશો તો હું મારી શક્તિ તેમાં ઉમેરીશ અને જો ન આપવા માગતા હો તો તમે તમારે રસ્તે અને હું મારા રસ્તે એવો આમાંથી સૂર નીકળે છે. કૉન્ગ્રેસમાં આવા લોકો જ બહુમતીમાં છે. ભુપિન્દર સિંહ હૂડા એકલા નથી.

જ્યારે બાપાએ સ્થાપેલી કોર્પોરેટ કંપની તૂટે છે અને દીકરાઓને લાગે કે હવે કંપનીને પાછી ઊભી કરવામાં બહુ મહેનત પડે એમ છે ત્યારે ભાઈઓ પોતે જ એકબીજાને અંધારામાં રાખીને કંપનીને લૂંટવા માંડે છે. ગઈ સદીની જે મોટી મોટી કંપનીઓ આજે આથમી ગઈ છે તેનો ઇતિહાસ તપાસશો તો તેમાં આ જ જોવા મળશે. ભૂલ્યા ત્યાંથી પાછી ગણતરી કોણ માંડે, ભરો ખિસ્સા અને નીકળો બહાર. જ્યાં અંગત સ્વાર્થને બાજુએ મૂકીને બાપનો વારસો ઉગારવા કોઈ તૈયાર થતું નથી તો આ તો રાજકીય પક્ષ છે.

રાહુલ ગાંધીએ ગયા મે મહિનામાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પછી તરત જ પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના નેતાઓ રાહુલના રાજીનામાં અંગે કોઈ નિર્ણય જ નહોતા લેતા. મુક્ત અને સાર્વગ્રાહી ચર્ચા-વિચારણા સુદ્ધાં કરવામાં નથી આવી. કૉન્ગ્રેસના નેતાઓને એકબીજા પર ભરોસો નથી એ તો ગૌણ વાત છે, પોતાના પર પણ ભરોસો નથી. જ્યારે કોઈ વિકલ્પ હાથ નહીં લાગ્યો ત્યારે સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યાં અને તેઓ બન્યાં પણ. એમ લાગે છે કે કૉન્ગ્રેસનો મદાર સમય પર છે. એડહોક તો એડહોક સ્વરૂપમાં રિંગમાં ઊભા રહો, નરેન્દ્ર મોદીનો સમય બદલાશે ત્યારે મોકો મળશે અને મોકો નહીં પણ મળે તો આપણી રાજકીય ઇનિંગ પૂરી થઈ જશે. વળી પક્ષ ક્યાં નથી બદલાતો. આમ રાહુલ ગાંધી સાથે મજૂરી કરવા કોઈ તૈયાર નથી અને રાહુલ ગાંધીને તકલાદી રાજકારણ કરવું નથી. જો આ વાત સાચી હોય તો રાહુલને તેમની ઈમાનદારી માટે અભિનંદન આપવા જોઈએ.

અને બીજા રાજકીય પક્ષો? ડાબેરી પક્ષોને છોડીને બાકીના પક્ષો પણ કૉન્ગ્રેસની માફક સમાધાન કરતા કરતા રસ્તો ચૂકી ગયા છે. કેટલાક પક્ષો બાપીકી પેઢીમાં ફેરવાઈ ગયા છે. આવા રાજકીય પક્ષોનું ભવિષ્ય નથી અને તેમાં દેશનું હિત છે.

બીજાની ક્યાં વાત કરો, હજુ સાત વરસ પહેલાં સ્થપાયેલ આમ આદમી પાર્ટીને ભૂલ્યા ત્યાંથી પાછા ગણવાનો ભરોસો નથી. ૨૦૧૧નો એ સામાજિક પડાવ હાથથી નીકળી ગયો છે અને મધ્યમવર્ગની એ નિરાશા નરેન્દ્ર મોદીની તરફેણમાં આશામાં ફેરવાઈ ગઈ છે. રાજકીય પક્ષોમાં મોવડી મંડળના નામે અથવા સર્વોચ્ચ નેતાના નામે જે નેતૃત્વની આપખુદશાહીની સંસ્કૃતિ છે એ કેજરીવાલ અપનાવવા ગયા એમાં પક્ષ રસ્તો ચૂકી ગયો. આપના નેતા અરવિંદ કેજરીવાલનું તાજેતરનું નિવેદન એમ બતાવે છે કે તેમણે હથિયાર હેઠાં મૂકી દીધા છે. દિલ્હીમાં હિંદુ મત ગુમાવવા ન પડે એ માટે તેઓ કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિનું સ્વાગત કરી રહ્યા છે. તેમનામાં એટલું કહેવાની પણ હિંમત નથી કે કાશ્મીરનો પ્રશ્ન કેન્દ્ર સરકારે જે રીતે હાથ ધર્યો એમાં લોકતંત્રનું કાસળ કાઢવામાં આવ્યું છે અને કાશ્મીર સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી દિલ્હી પૂરતો પ્રાદેશિક પક્ષ છે. કેજરીવાલ પણ ભૂલ્યા ત્યાંથી પાછા ગણી શકે એમ નથી ત્યાં બીજાની ક્યાં વાત કરીએ!

બીજા તો બહુ ઊંડા કળણમાં ફસાયેલા છે.

લોકતંત્રને રાજકીય વિકલ્પની જરૂર હોય છે. જો વિકલ્પનો શૂન્યાવકાશ હોય તો સરમુખત્યારશાહી આવે અને જો શાસકો બહુમતી રાષ્ટ્રવાદી હોય તો ફાસીઝમ આવે. પહેલાં કરતાં બીજો ખતરો મોટો છે.

પણ માર્ગ શું? ભારતીય લોકતંત્ર સામે આ એક યક્ષપ્રશ્ન છે.

20 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 ઑગસ્ટ 2019

Category :- Opinion / Opinion