સેક્સના 'સેબ’ની લૂંટાયેલી ટોકરી : એકલતા અને અલગાવની કહાની

રાજ ગોસ્વામી
21-08-2019

સેક્સ વિશે, મ્હોં મચકોડ્યા વગર, સસ્તી મજાક કર્યા વગર, કોઈ જજમેન્ટ પાસ કર્યા વગર, લખવું એ ચેલેન્જ છે. મારી એક જૂની પોસ્ટ આ વાતની ગવાહ છે. એ ફરી વાઈરલ થઈ, એ જ સાબિતી છે કે, સેક્સ વિશે ગંભીર રીતે વાંચનારા લોકો છે. એક રિ-કેપ: સેક્સના 'સેબ’ની લૂંટાયેલી ટોકરી : એકલતા અને અલગાવની કહાની.

હિ‌ન્દી સાહિ‌ત્યના દિગ્ગજ કહાનીકાર અને 'હંસ’ સામયિકના સંપાદક રાજેન્દ્ર યાદવે 'સ્વસ્થ વ્યક્તિ કે બીમાર વિચાર’ નામની કિતાબમાં, રાની નામની એમની સખી સાથેના પ્રથમ સેક્સ અનુભવની વાતો લખી છે. આપણે એની વિગતોમાં ન જઈએ, પણ એ લખ્યા પછી યાદવ કહે છે, 'વિચારકો હંમેશાં સેક્સ અને મૃત્યુને આપસમાં જોડે છે. જેની સેક્સ લાઇફ સંતુષ્ઠ હોય, એને કોઈ ઈશ્વર કે ભગવાનની જરૂર હોતી નથી. એના માટે મૃત્યુ પણ ભવિષ્યની કોઈ ઘટના છે, જે આવશે ત્યારે જોયું જશે. આનંદની આ અનુભૂતિ દબંગ છે, જે આપણને સંસાર પ્રત્યે બેપરવા બનાવે છે. દુનિયા માટે હું ભલે ગમે એટલો બદનામ હોઉં, મારા પ્રત્યે એટલા જ ઇમાનદાર રહેવાની મેં કોશિશ કરી છે.’

સેક્સ અઘરો વિષય છે. માનવજીવનમાં સેક્સની સ્વભાવિકતા શ્વાસોશ્વાસ જેવી છે, પરંતુ એના વિશેની આપણી સમજ મામૂલી છે. સેક્સની શક્તિનું પરિવર્તન, ઊર્ધ્વીકરણ શક્ય નથી. પ્રકૃતિથી સેક્સ સ્વાર્થી, સ્વકેન્દ્રિ‌ત છે. સેક્સ આદિમ છે. સેક્સનો વિકાસ અસંભવ છે. એટલે જ સમાજ જેટલો વિકસે છે, સેક્સનું દમન એટલું જ વધે છે. સમાજમાં સૌથી વધુ દમન સેક્સનું થાય છે, કારણ કે સેક્સ વ્યવસ્થા-વિરોધી છે, એની પ્રકૃતિ વિભાજક છે. સેક્સથી બચવાનો, એને નજરઅંદાજ કરવાનો આપણો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે અને પરિણામ એ છે કે સેક્સથી આપણો ટકરાવ હર વક્ત, હર જગહ થતો રહે છે.

ગયા સપ્તાહે બે જગ્યાએ થયો, થિયેટરમાં અને બુક સ્ટોરમાં. એક તરફ અજય બહલની ફિલ્મ 'બી.એ. પાસ’ સેક્સના અભાવ અથવા અસંતોષમાંથી પેદા થતા ક્રિમિનલ જૂનૂનની વાત કરે છે, ત્યારે એ જ સપ્તાહે પ્રગટ થયેલી ફિલોસોફર એલન ડી બોટોનની 'હાઉ ટુ થિંક મોર અબાઉટ સેક્સ’ નામની કિતાબ, સેક્સ શા માટે આપણા જીવનમાં 'સમસ્યા’ બનીને રહી ગયો છે તેની વાત કરે છે.

સેક્સનો ઇતિહાસ એટલો જ જૂનો છે, જેટલો જૂનો ઇતિહાસ માનવ જાતિના જન્મનો છે. 'બી.એ. પાસ’માં અજય બહલનું ફિક્શનલ અને 'હાઉ ટુ થિંક મોર અબાઉટ સેક્સ’માં એલન ડી બોટોનનું નોન-ફિક્શનલ નેરેશન, સેક્સ પ્રત્યેની આપણી મૂંઝવણ અને મુસીબત એ ઇતિહાસના સંદર્ભ સાથે રજૂ કરે છે.

પ્રસિદ્ધ સાયન્સ ફિક્શન લેખક કાર્લ સગાનના પુત્ર ડોરિયન સગાને, એની દિલચસ્પ કિતાબ 'ડેથ એન્ડ સેક્સ’માં લખ્યું હતું કે 'આપણે પ્રેમ કે સેક્સમાં બીજી વ્યક્તિ સાથે જોડાઈને એ પુરવાર કરીએ છીએ કે આપણો અલગાવ કાયમી નથી.’ આપણી આ સૌથી આદિમવૃત્તિની કહાની એકલતા અને અલગાવની કહાની છે.

સેક્સમાં સરળ કે સહજ થવું અસંભવ છે. સેક્સ સાથેનો આપણો ભાવનાત્મક, સાયકોલોજિકલ, સામાજિક અને પારિવારિક સંઘર્ષ ત્યારથી શરૂ થયો છે, જ્યારથી માણસે એની આદિમ અવસ્થામાંથી બહાર આવીને સંગઠિત સ્વરૂપે રહેવાનું શરૂ કર્યું છે. સેક્સને એટલા માટે જ 'જંગલીવૃત્તિ’ ગણવામાં આવી છે. સંગઠિત જીવન (ઓર્ગેનાઇઝડ લાઇફ) જીવવાના આપણા પ્રયાસમાં આપણે સૌથી પહેલું નિયંત્રણ સેક્સ પર મૂક્યું હતું. એક રીતે જોઈએ તો આપણા તમામ ધાર્મિ‌ક નિયમો, નૈતિક ધોરણો અને કાનૂની સંહિ‌તાઓ સેક્સને રેગ્યુલેટ કરવાની, સંગઠિત કરવાની, 'પવિત્ર’ કરવાની જરૂરિયાતમાંથી આવી છે.

જગતની એક પણ સંસ્કૃતિ સંપૂર્ણપણે મુક્ત સેક્સની અનુમતિ આપતી નથી. એક યા બીજા અંશે તમામ સભ્યતાઓએ સેક્સવૃત્તિને નિયંત્રિત કરવા પ્રયાસ કર્યો છે. 'સેક્સ એન્ડ પનિશમેન્ટ: ફોર થાઉસન્ડ યર્સ ઓફ જજીંગ ડેઝાયર’ નામની કિતાબમાં એરિક બેક્રોવીત્ઝ લખે છે કે ધર્મની જરૂરિયાત જ સેક્સને નિયંત્રિત કરવામાંથી આવી હતી. એલેન ડી બોટોન લખે છે કે, 'સેક્સ આપણી પ્રાથમિકતા ન બની જાય એની ચિંતા માત્ર ધર્મ જ કરે છે. માત્ર ધર્મને જ સેક્સની વિધ્વંશાત્મકતાનો સાચો અંદાજ છે.’

સેક્સ સાથેનો આપણો સંબંધ સંઘર્ષનો, ઇન્કારનો, શર્મનો, અપરાધનો અને ફોબિયાનો છે. સેક્સ આપણા સંતુલન અને વ્યવસ્થાને ખોરવી નાખે છે. પ્રાઇવેટ અને પબ્લિકની આખી ધારણા આપણા સેક્સુઅલ અસ્તિત્વમાંથી આવી છે. આપણી પ્રાઇવેટ ગહરાઈ અનંત અને તીવ્ર છે. આ ગહરાઇ હંમેશાં આપણા પબ્લિક અસ્તિત્વને તિતર-બિતર કરે છે.

પ્રાઇવેટ-પબ્લિકનો આ ટકરાવ બેડરૂમમાં એકબીજાના અલગાવને યથાવત્ રાખે છે. આપણે જેને એકાત્મનું સાધન માનીએ છીએ, સેક્સ હકીકતમાં વિભાજનને મજબૂત કરે છે, કારણ કે સેક્સમાં આપણું મૂલ્યાંકન થાય એનો આપણને ડર લાગે છે. આપણા સાથીદારને પણ આવો વિચાર સતાવે છે, એ હકીકત આપણે નજરઅંદાજ નથી કરી શકતા. સેક્સની ઇમાનદારી અને પ્રમાણિકતા તર્ક અને વિવેકબુદ્ધિથી આગળ જાય છે. ઇન્દ્રિ‌યની પ્રમાણિકતા એટલી ગજબની હોય છે કે આપણે સાવ અજાણી વ્યક્તિ સાથે પણ સૂવા તૈયાર થઈ જઈએ છીએ. સેક્સના ઇન્કાર અને સ્વીકારમાં ગજબનો ફોર્સ છે. આપણે કોઇની સાથે સૂવા તૈયાર થઈએ છીએ, કારણ કે એમાં આપણો સંપૂર્ણ સ્વીકાર છે અને સેક્સનો ઇન્કાર આપણને હત્યા કે આત્મહત્યા સુધી પણ લઈ જઈ શકે છે, કારણ કે એનાથી મોટું અપમાન કે અસ્વીકાર બીજું કશું નથી.

સેક્સ શા માટે? આ સવાલ 'ઊંઘ શા માટે?’ જેટલો જ સરળ લાગે, પણ હકીકતમાં એનો જવાબ વિજ્ઞાનને પણ મળ્યો નથી. આનો પારંપરિક જવાબ એ છે કે સેક્સ પ્રજનન માટે છે. આપણામાં સેક્સ છે, કારણ કે એનાથી આપણે આગામી પેઢીમાં જીવતા રહી શકીએ છીએ. પણ માણસો બચ્ચાં પેદા કરવાનું બંધ થયા પછી પણ સેક્સ કરે છે. ઇન ફેક્ટ કોન્ડોમ, પીલ કે વાયેગ્રાની શોધ જ પ્રજનનથી સામેના છેડાના ઉદ્દેશ માટે થઈ છે.

ઓનલાઈન પત્રિકા, ‘હફીંગ્ટન પોસ્ટ’ની સાયન્સ લેખક કારા સાન્તા મારિયા લખે છે કે માણસો જ નહીં, તમામ પ્રાણીઓ આનંદ માટે સેક્સ કરે છે. ફરક એ છે કે એમને આનંદની ખબર નથી. સેક્સમાં આનંદ ન હોત તો સેક્સ ન હોત અને સેક્સ ન હોત તો પ્રજનન ન હોત, એમ મારિયાનો તર્ક છે. એના કહેવા પ્રમાણે બહુ બધાં પ્રાણી-પશુમાં ઓટોઇરોટિઝમ અથવા માસ્ટરબેશન છે, જે પ્રજનન નહીં પણ આનંદનું સૂચક છે.

પ્રકૃતિએ સેક્સમાં આનંદ કેમ મૂક્યો હશે? એનો કોઈ જવાબ હજુ ઉપલબ્ધ નથી. પરંતુ આનંદને અમર બનાવવાની, પર્મેનન્ટ બનાવવાની, એક ક્ષણના ય દુ:ખ વગરનો સુખનો ખજાનો બનાવવાની માણસની અપ્રાકૃતિક વૃત્તિમાંથી સેક્સ મુસીબત બની ગયો છે. એલેન ડે બોટોન લખે છે કે, 'સેક્સ સીધો અને સરળ છે એ વાત જ વાહિ‌યાત છે. સેક્સને બદલી કે 'સુધારી’ શકાય એમ નથી. સમાજમાં વ્યવસ્થા જળવાઈ રહે અને એક પ્રજાતિ તરીકે આપણી માનસિક તંદુરસ્તી બરકરાર રહે તે માટે અમુક અંશે સેક્સુઅલ દમન અનિવાર્ય છે. આપણામાં કેમિકલ લોચા છે.’

એક બીજા ચિંતક યુ.જી. કૃષ્ણામૂર્તિ‌ આમાં સૂર પુરાવતાં કહે છે, 'મૂળભૂત રીતે આપણે બધા બાયોલોજિકલ છીએ, એમાં સાઇકોલોજિકલ કે સ્પિરિચ્યુઅલ કશું નથી. આપણા શરીરમાં જે પણ કંઇ થાય છે એ ર્હોમોનની બલિહારી છે અને ર્હોમોનના લોચા નૈતિક આચારસંહિ‌તાઓથી નહીં પણ કેમિકલ પરિવર્તનથી જ બદલી શકાય છે.’

'બી.એ. પાસ’ના પ્રારંભિક દૃશ્યમાં જ કિટ્ટી પાર્ટીમાં સેવા કરતા મુકેશને જોઈને સારિકા કહે છે, 'કલ ઘર આ જાના. સેબ કી ટોકરી રખી હૈ’ સેક્સની બદમાશીથી સુપરિચિત મોટાભાગના વયસ્ક દર્શકોને પ્રતિબંધિત 'સેબ કી ટોકરી’નું સિમ્બોલીજીમ ત્યારે જ સમજાઈ જવું જોઈતું હતું, પરંતુ એટલો સહજ હોય તો સેક્સ શાનો? મુકેશની એ 'કલ’ કયામતની છે, એવી મોડી ખબર આપણને ત્યારે પડે છે જ્યારે સારિકા બીજા દિવસે' એના વાંકોડિયા વાળમાં હાથ પ્રસરાવતાં કહે છે, 'તુમને આને મેં દેર કર દી. સેબ કી આખરી ટોકરી બચી થી વો મૈંને આજ સુબહ હી દે દી. ભૈયા કે બગીચે સે જલ્દ હી ઔર આ જાયેંગી.’

વધતા ઓછા અંશે, સેક્સના મામલે આપણા તમામની 'સેબ કી ટોકરી’ લૂંટાયેલી જ રહી છે.

(August 19, 2013)

https://www.facebook.com/raj.goswami.31/posts/2652741311442862  

Category :- Opinion / Opinion