રાજકારણમાં પ્રાયશ્ચિત - મહાત્મા ગાંધીનો દ્રષ્ટિકોણ : ગોપાલકૃષ્ણ ગાંધી

આશા બૂચ
19-08-2019

લોર્ડ ભીખુ પારેખની અધ્યક્ષતામાં, તારીખ 31 મે 2019ના દિને, અહીં લંડન મધ્યે, નહેરુ સેન્ટર અને ગાંધી ફાઉન્ડેશન લંડન દ્વારા આયોજિત વાર્ષિક પ્રવચન શ્રેણીમાં, ગોપાલકૃષ્ણ ગાંધીએ આપેલ ઉપરોક્ત વિષય પરના પ્રવચનની ઝાંખી પ્રસ્તુત છે.

પ્રવચનની પૃષ્ઠભૂમિકા સમાન અપાયેલ માહિતી પહેલાં જાણીએ. એક ઐતિહાસિક ઘટના પર નજર નાખીએ જે આપણને સહુને કદાચ વિદિત છે. સમ્રાટ અશોકે લગભગ સમગ્ર ભારત ખંડ પર ઈ.સ. પૂર્વે 286થી 232 સુધી શાસન કર્યું. જો તેમણે જાહેરમાં પાષાણના શિલાલેખો પર રાજાજ્ઞા દ્વારા પ્રાયશ્ચિત અભિવ્યક્ત ન કર્યું હોત, તો ઇતિહાસની તવારીખમાંથી અને રાજા-મહારાજાઓની સારણીમાંથી તેમની યાદ કદાચ ભૂંસાઈ ગઈ હોત. તેમણે પડોશી દેશ કલિંગ પર ચડાઈ કરી જેમાં મેળવેલ વિજયને પરિણામે 1,00,000 લોકોના મોત થયાં અને આશરે 1,50,000 પ્રજાજનો વિસ્થાપિત થયા. સમ્રાટ અશોકનો પશ્ચાતાપ - અનુશોચ ગૌતમ બુદ્ધના ઉપદેશની ફલશ્રુતિ રૂપે થયેલો. તથાગત બુદ્ધના દુઃખ અને અહિંસાના વિચારોની તેમના પર ખાસ્સી અસર પડી હતી.

બે દેશો વચ્ચેના રાજકીય સંબંધો અને સમાજના આંતરિક વિખવાદોને કારણે ખેલાતાં યુદ્ધો માનવ જીવન પર સતત અસરકર્તા પરિબળ રહ્યા છે. પરંતુ સમયાન્તરે ‘અશોક ક્ષણ’ આવતી હોય છે. જ્યારે નૈતિક તાકાત ધરાવનાર કોઈ નેતા પોતાની ભૂલોનો એકરાર કરે, ત્યારે એવા જાહેર પશ્ચાતાપ થતા હોય છે. ગાંધી અને પોતે કરેલ ભૂલોનો સ્વીકાર એ એકબીજા સાથે અનિવાર્યપણે જોડાયેલા છે. તેમની ‘હિમાલય જેવડી ભૂલ’ તો એક સૂત્ર સમાન બની ગઈ છે.

આવી ભૂલો થઈ છે તેનો અહેસાસ થવો અને તે માટે પોતાની જવબદારી સ્વીકારવી એ બંને બિંદુઓને આ પ્રવચન આવરી લેશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇતિહાસના જુદા જુદા તબક્કે ખાસ કરીને આજના જોખમી અને વિખવાદથી ભરેલ સમયમાં પ્રામાણિકપણે કરેલ જાતનું મૂલ્યાંકન, જાતની કરેલ સમાલોચના, અને ભૂલનો સુધાર કરવાની શક્યતા સાથે કરેલ પ્રાયશ્ચિતની આ વાત છે.

મુખ્ય વક્તાનો પરિચય મેળવીએ, ગોપાલકૃષ્ણ ગાંધી દેવદાસ ગાંધી અને લક્ષ્મી ગાંધીના પુત્ર છે અને રાજમોહન ગાંધી, રામચંદ્ર ગાંધી તથા તારા ભટ્ટાચારીજીના અનુજ બંધુ છે. તેમના પિતામહ મહાત્મા ગાંધી, અને માતામહ સી. રાજગોપાલાચારી (રાજાજી) હતા. ગોપાલ ગાંધીએ દિલ્હીની સેન્ટ સ્ટીવન કોલેજમાંથી ઇંગ્લિશ સાહિત્યમાં અનુસ્નાતકની ઉપાધિ મેળવેલ છે. તામિલનાડુ રાજ્યમાં 1968થી 1985 સુધી IAS ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો. ત્યાર બાદ 1985-1987 ભારતના ઉપરાષ્ટ્રપતિના સેક્રેટરી પદે રહ્યા, ભારતના રાષ્ટ્રપતિના સહ મંત્રી (1987-1992) પણ રહી ચુક્યા છે. 1992માં તેઓ યુનાઇટેડ કિંગ્ડમ દરમિયાન એલચીપદે નિયુક્ત થયા અને નહેરુ સેન્ટર - લંડનના ડાયરેક્ટર બન્યા. તદુપરાંત દક્ષિણ આફ્રિકા, લિસોથો, તેમ જ શ્રીલંકા,  ખાતે ભારતીય આયુક્ત તથા નોર્વે અને આઇસલેન્ડ ખાતે એલચી તરીકે સેવાઓ આપી. 2003માં નિવૃત્ત થયા. 2004માં તત્કાલીન ગવર્નર વીરેન જે. શાહની મુદ્દત પૂરી થવાથી પશ્ચિમ બંગાળના ગવર્નરપદે નિમાયા. 2006માં થોડા માસ માટે બિહારના ગવર્નર તરીકે પણ સેવા આપી. 2011-2014 દરમ્યાન કલાક્ષેત્ર ફાઉન્ડેશન ચેન્નાઈના ચેરમેન પણ હતા. એમણે લખેલાં પુસ્તકોની યાદી લાંબી છે. 2015માં તેમણે તમિલ ભાષાના પુસ્તક તિરુક્કુરલનો ઇંગ્લિશમાં અનુવાદ કર્યો. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના ગવર્નિંગ બોડીના ચેરમેન અને પ્રેસિડેન્ટ પણ હતા. હાલમાં તેઓ અશોક યુનિવર્સિટીમાં ઇતિહાસ અને પોલિટિક્સના અધ્યાપક છે.

કાર્યક્રમનો આરંભ કરતાં અને ગોપાલકૃષ્ણ ગાંધીને આવકારતાં ભીખુભાઈ પારેખે કહ્યું, “ઘણા કિસ્સાઓમાં વ્યક્તિનાં કાર્યોનો વૃત્તાન્ત તેમની સિદ્ધિઓને ન્યાય નથી આપતો હોતો. ગોપાલકૃષ્ણ ગાંધીએ  આઈ.એ.એસ. [Indian Administrative Service] ઓફિસર તરીકે અનેક અગત્યના પદો સંભાળ્યા છે, એ જ માત્ર મહત્ત્વનું નથી. બીજી બે ત્રણ બાબતો તરફ તમારું ધ્યાન દોરવા હું માગું છું. એક તો તેઓ એક પ્રતિષ્ઠિત વિદ્વાન છે, ઘણી વિદ્યાશાખાઓના વિઝિટિંગ ફેલો છે અને અશોક યુનિવર્સિટી જેવી નામાંકિત યુનિવર્સિટીમાં હાલ અધ્યાપન કાર્ય કરે છે. તેઓ ઘણી ભાષાઓ લખી-વાંચી શકે છે. તાજેતરમાં તમિલના પ્રાચીન ગ્રંથનું ભાષાંતર કર્યું એ તેમની મોટી સિદ્ધિ ગણાય. આ ઉપરાંત પણ તેમણે અન્ય પુસ્તકોના અનુવાદો કર્યા છે. તેઓ ભાષા દ્વારા દેશને એકસૂત્રે બાંધી શકે છે. તેઓ ભારતનો અંતરાત્માનો અવાજ છે, એ બાબત પર હું ભાર મુકું છું. જ્યારે પણ સરકાર ખોટાં પગલાં ભરે કે દેશ અયોગ્ય દિશામાં ગતિ કરતો જણાય, ત્યારે પોતાનો અવાજ એમણે ઉઠાવ્યો છે. તમે વ્યક્ત કરો તે મત સાચો છે કે ખોટો એ બીજા નક્કી કરે, પણ તેમ કરવા માટે હિંમત અને ન્યાય નિષ્ઠા જોઈએ જે તેમનામાં છે. એ રીતે  તેમણે  દેશને ચેતવ્યો પણ છે. ગાંધીએ ટાગોરને ભારતની પ્રજાના અંતરરાત્માના અવાજ તરીકે નવાજેલા. ગોપાલ ગાંધીએ એ સ્થાન લીધું છે. મને ખ્યાલ છે ત્યાં સુધી પશ્ચિમ બંગાળના ગવર્નર હતા, ત્યારે અજ્ઞાતવેશે લોકો વચ્ચે ફરીને પ્રજા સરકાર વિષે શું વિચારે છે એ જાણી લેતા. હૃદય જેનું ભારતની પ્રજાને વરેલું છે અને દિમાગ જેનું ભારતની શક્તિ-ક્ષતિઓને સમજી શકે એવી આ પ્રતિભા છે.”

ઔપચારિક વિધિ પૂર્ણ થયા બાદ વાર્ષિક પ્રવચનનો પ્રારંભ થયો.

ડાબી બાજુથી : અતિથિ વક્તા ગોપાલકૃષ્ણ ગાંધી, ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુ પારેખ અને બૌદ્ધ સાધુ રેવરન્ડ નાગાસે 

ગોપલાકૃષ્ણ ગાંધીના પ્રવચનનો સાર:

એવું કહેવામાં આવે છે કે ‘નાના શિંગડાવાળા ઢોર તેમનાં શારીરિક લક્ષણો પોતાના વંશજને વારસામાં આપવામાં ઘણા સફળ બનતા હોય છે.’ સરળ શબ્દોમાં કહું તો, નાના શિંગડાવાળા ગાયના વાછડાં જરૂર નાના શિંગડાવાળા જન્મશે. જ્યારે ઉચ્ચ વિચારો ધરાવનાર માનવ જાતિ પોતાનાં સંતાનોમાં પોતાનાં લક્ષણો વારસામાં આપવામાં ઘણે ભાગે બિનઅસરકારક પુરવાર થયા છે. સાદી ભાષામાં કહીએ તો ઉચ્ચ વિચારો ધરાવનારાઓના વારસદારો તેમના પૂર્વજોની વિચાર ભૂમિકાથી તદ્દન વિરુદ્ધ ઊંચાઈની વિચાર શક્તિ ધરાવનારા બની શકે. આથી જો કોઈ પોતાના મહાન પૂર્વજની વાત કરે તો તે કોઈ એક અળશિયું પૃથ્વી વિષે વાત કરે તેટલું જ પ્રાભાવિક ગણી શકાય.

પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ તથા ગાંધી ફાઉન્ડેશનના સભ્યોએ મોહનદાસ કરમચંદ ગાંધી જેવા ખમતીધર અને સહુને બળ પૂરું પાડે તેવા વ્યક્તિત્વ ઉપર પ્રવચન આપવા મને નોત,ર્યો જેણે મને એક આકરી કસોટી પર મૂકી દીધો. મને ખબર નથી કે મને આમંત્રણ આપવા બદલ તેમના આશાવાદ વિષે કે એ સ્વીકારવા માટેના  મારા સાહસ માટે આશ્ચર્ય અનુભવવું. જે હોય તે, હું તેઓ સહુનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને આવું  ઉચ્ચ સન્માન આપ્યા બદલ તે સહુની કદર કરું છું. અહીં હાજર રહેલા સહુ શ્રોતાઓને ખાતરી આપું છું કે હું ગાંધીના એક વંશજ તરીકે નહીં, પરંતુ જેને ગાંધીના વિચારો જોડે પોતાના વિચારો સાંકળવામાં અનેરી દિલચસ્પી છે, અને પોતાની આશાઓ તથા ભયને વહેંચવામાં અદ્દભુત આનંદ આવે છે એવી વ્યક્તિ તરીકે વાત કરીશ. અને એ સહેલું નથી છતાં હું કોશિશ કરીશ કે તેમનું હાર્દ અને નિષ્ઠા, કે જેમાં રમૂજનો પણ સમાવેશ થાય છે તેને અનુસરીશ. એક સત્તર વર્ષના તરુણ તરીકે મેટ્રિક્યુલેશનની પરીક્ષા આપતી વખતે મોહનદાનસને ઇંગ્લિશ ભાષામાં નિબંધ લેખન માટે થોડા વૈકલ્પિક વિષયોની સૂચિ આપવામાં આવી હતી. તેમણે ‘રમૂજી સ્વભાવના લાભ’ એ વિષે નિબંધ લખવાનું પસંદ કરેલું. એ નિબંધ તો કચરા ટોપલીમાં ગાયબ થયો, કે જે શરમની વાત છે કેમ કે સાંપ્રત સમયમાં ખુશહાલીને એક લાગણી તરીકે વ્યક્ત કરવા બાબત પડકારવામાં આવે છે; જ્યારે અન્યને ભોગે હસવાનું - ખાસ કરીને હરીફાઈયુક્ત રાજકારણમાં પુષ્કળ પ્રચલિત છે.

ગાંધીનું પ્રાયશ્ચિત વિષે યથાર્થ દર્શન

ગાંધી દ્વારા લખાયેલ એક બીજું લખાણ વિલીન થયું છે, અને તે છે પોતાના બિમાર પિતાને લખેલી ચિઠ્ઠી. તેઓ પંદર વર્ષના હતા અને પોતાની માતૃભાષા ગુજરાતીમાં એ ચિઠ્ઠી લખેલી હતી કેમ કે તેમના શાણા અને બહાદુર પિતા માત્ર એ જ ભાષા જાણતા હતા. તેમાં મોહને (જે નામથી તેમને ઘરમાં બોલાવવામાં આવતા હતા) પોતાને માફ કરવા વિનંતી કરેલી. તેમના મતે એ મોટા ભાઈના વધતા જતા દેવાની ચુકવણી માટે પોતે કરેલી ચોરી હતી. પોતાની આત્મકથામાં ગાંધી લખે છે, “મેં એક કાગળના ટુકડા પર લખ્યું. તેમાં મેં માત્ર મારી ભૂલનો એકરાર જ ન કર્યો, પણ તે માટે મને એને યોગ્ય સજા કરવા માટે પણ કહ્યું અને એ ચિઠ્ઠી પૂરી કરતાં વિનંતી કરી કે મારા વાંક બદલ તેઓ પોતાને શિક્ષા ન કરે. સાથે સાથે વચન પણ આપ્યું કે પોતે ભવિષ્યમાં કદી ચોરી નહીં કરે.” મોહનદાસ લખે છે, તેમના પિતાએ એ ચિઠ્ઠી ચૂપચાપ વાંચી, આંખો આંસુથી ભરાઈ આવી અને માફી આપતા, આશિષ આપતા અને હૃદયને વિશુદ્ધ કરતા હાથમાં પકડેલ ચિઠ્ઠી પર એ આંસુ પડ્યાં.

એ ગાંધીનું પ્રથમ પ્રાયશ્ચિત હતું, ત્યાર બાદ અનેક ઘટનાઓ બની જ્યારે તેમણે પ્રાયશ્ચિત કરેલું.

પ્રાયશ્ચિત કરવા માટે ત્રણ મુખ્ય ઘટકોની હાજરી હોવી જરૂરી : પ્રથમ, પોતાનાથી થયેલ કસૂરનો એકરાર કરવો; બીજું, તેને માટેની યોગ્ય સજાની માગ કરવી; અને ત્રીજું, ફરી વખત એવી ચૂક કે ભૂલ ન થાય તે માટે વચનબદ્ધ થવું. જો કે તેમાં ચોથું તત્ત્વ પણ અભિપ્રેત છે : જેની પાસે ક્ષમા યાચવામાં આવી હોય તે સામી વ્યક્તિએ કરેલ ગુનો અને પરિણામે તે માટે ભોગવવી પડતી સજા પોતાના ઉપર સ્વેચ્છાએ ઓઢી લે તે સંભવ છે કેમ કે આખર Atonement એ at-one-ment એટલે કે એકાત્મ ભાવ પણ પ્રબોધે છે.

ગાંધીએ પોતાની ભૂલ કબૂલ કરી, પસ્તાવો કર્યો, સંતાપ અનુભવ્યો, પ્રાયશ્ચિત કરવાની તૈયારી બતાવી અને પોતાના પિતાને પોતાની જાતને હાનિ ન પહોંચાડવાની વિનંતી કરી તેની સાથે એક પ્રકારની જવાબદારી જોડાયેલી છે, પરંતુ યુવાન પિતા તરીકે પોતે તેને જ અનુસરેલા; પણ એ તમામ તેમના વ્યક્તિત્વનાં અંતરંગ પાસાં છે. અનશનનો ઉલ્લેખ કરું તો 1914થી 1948ના સમય ગાળા દરમ્યાન ગાંધીએ લગભગ ત્રીસ જેટલા મુદ્દાઓ પર અનશન કરેલા, જે આશરે કુલ 150 દિવસના ઉપવાસ થયા. એ અનશન આત્મશુદ્ધિ ખાતર, જેને ઉદ્દેશીને અનશન કર્યા હોય તેને પ્રાયશ્ચિત કરવાની જરૂર છે તેવો અહેસાસ કરાવવા માટે અથવા કોઈ મુદ્દા માટે ઉચિત પસ્તાવો કરવા માટે આદરવામાં આવ્યા હતા. એ બધું તેમના ઉછેરને કારણે નિજી વ્યક્તિત્વના અભિન્ન પાસારૂપ હતું. માતાની જૈન ધર્મ પરની દ્રઢ શ્રદ્ધા અને ગાંધી પરની તેમની માતાની અસર એ મુખ્ય કારણ હતું તેમ મારુ માનવું છે. પરંતુ, છેવટ ગાંધીને પોતાને જ મોટા થતાં સત્ય-અસત્ય વિશેની સમજ કેળવાઈ, માત્ર વાણીથી જ પોતાની ભૂલ માટે દિલગીરી વ્યક્ત કરવા ઉપરાંત નિજના અને જેના કર્તવ્ય માટે પોતે જવાબદાર હતા તેવા સાથીદારોની ભૂલો માટે પોતાના વર્તનથી ભૂલ સુધારવાનું મહત્ત્વ સમજાયું એ જ પ્રાયશ્ચિત કરવા માટે ખરું કારણ હતું.

અને જેમ જેમ ગાંધીનું જીવન રાજકારણમાં અનિવાર્યપણે ગૂંથાતું ગયું તેમ તેમ પ્રાયશ્ચિત તેમના રાજકારણ સંબંધિત જીવનનું એક અંગ બની ગયું જે વિવિધ યુદ્ધોમાં બજાવેલી અલગ અલગ ભૂમિકાઓ દ્વારા કાર્યાન્વિત થયું. જેમ કે બોઅર યુદ્ધમાં તેઓએ નિઃશસ્ત્ર સ્વયંસેવક તરીકે ભાગ લીધો, ત્યાર બાદ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં યુદ્ધ અને તેની ગતિવિધિઓ વિષે પહેલાં એક ઉત્સાહી નાગરિક તરીકે અને પછી તેના વિરોધી તરીકે સક્રિય ભાગ લીધેલો. અને સહુથી મહત્ત્વની બ્રિટિશ શાસનથી મુક્ત થવા સ્વાતંત્ર્ય સંગ્રામની અહિંસક લડાઈમાં તેમની મધ્યવર્તી ભૂમિકા રહી હતી. તેમની અહિંસા એ ન્યાયોચિત અને ઉચિત હેતુ માટે ન્યાયસંગત અને ઉમદા સાધનોનો ઉપયોગ કરનારી હતી. અને એ ચળવળો અને લડાઈઓની કામગીરીની પ્રક્રિયામાં અહિંસાના માર્ગથી ચ્યુત થવાના પ્રસંગે પોતાની જાતને શિક્ષા કરવી એ તેમની નીતિનો મુખ્ય અંશ  હતો.

રાજકારણમાં પ્રાયશ્ચિત

1947માં મેળવેલ આઝાદી વિભાજનથી રક્ત રંજીત હતી, અસંખ્ય પરિવારો વિચ્છિન્ન થયાં, શાંતિના શત શત ટુકડા થઇ ગયા, આશરે 14  કરોડ લોકો વિસ્થાપિત થઈ ગયા કેમ કે યા તો તેઓ હિન્દુ અથવા શીખ હતા અને મુસ્લિમ વિસ્તારમાં રહેતા હતા, અથવા મુસ્લિમો હતા જે હિન્દુ અથવા શીખ વિસ્તારમાં રહેતા હતા. આશરે બે કરોડ લોકોએ જાન ગુમાવ્યા અને લગભગ એંશી હજાર સ્ત્રીઓનું અપહરણ થયું. અપહરણ માટે નાનામાં નાનો આંકડો પણ અસ્વીકાર્ય છે. હરેક  અપહરણ એ એક અતિ દુઃખદ મંચ પરની મહા કરુણ કથા હતી અને ગણાવી પણ જોઈએ. ભારત અને પાકિસ્તાન પોતાના અંતરાત્મા પર લાગેલ અપરાધની લાગણી સાથે કેવી રીતે જીવ્યા અને હજુ જીવી શકે છે તે સમજ બહારની વાત છે. જ્યારે ભારત વિભાજનના ફળસ્વરૂપ પેદા થયેલ અરાજકતા અને ખૂનામરકીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે 78 વર્ષના અત્યન્ત દુઃખી એવા ગાંધી બંગાળ અને બિહારમાં હતા. “મને મારી નાખો, મને મારી નાખો.” કલકત્તામાં ગાંધીના નિવાસસ્થાને બંગાળના મુખ્યમંત્રી સુહરાવર્દીને શોધીને બદલો લેવા આવેલ મેદનીને તેમણે કહ્યું, તેમ જ લોકોને સંબોધીને પૂછ્યું, “હું પૂછું છું, તમે શા માટે મારી હત્યા નથી કરતા?” અને પછી કલકત્તામાં શાંતિ અને પ્રજામાં શાણપણ પાછું લાવવા માટે પ્રાયશ્ચિત રૂપે અનશન કર્યા. થોડા સમય પહેલા જ હજુ તો તેમણે ગવર્નર જનરલ માઉન્ટ બેટને કરેલી તેમના આ કૃત્યની કદર મેળવી જ હતી, તેવામાં તેમના માટે અસ્તિત્વને પડકારે તેવી ખૂબ મહત્ત્વની ગણાય તેવી બીજી કટોકટી દિલ્હીમાં સર્જાઈ.

વિભાજન સમયે થયેલ સમજૂતી અનુસાર ભારત સરકારે પાકિસ્તાનની સરકારને 750 કરોડ રૂપિયા આપવાના હતા. તેના પહેલા હપ્તા તરીકે ભારત સરકારે 200 કરોડ રૂપિયા આપી દીધેલા. બાકી રહેલ રૂ. 550 કરોડની ચુકવણી થાય તે પહેલાં કાશ્મીર પર આક્રમણ થયું. વડાપ્રધાન નહેરુ અને નાયબ વડાપ્રધાન પટેલને એમ લાગ્યું કે બીજો હપ્તો આપી દેવાથી પાકિસ્તાનનું સશસ્ત્ર આક્રમણ વધુ જોર પકડશે તેથી એ હપ્તો આપવાનું મુલતવી રાખ્યું. ગાંધીને મન એ અનૈતિક અને અસહ્ય પગલું હતું. “પૈસા આપી દો.” તેમણે પોતાની જ, ભારતની સરકારને કહ્યું. જ્યારે તેમ કરવા માટે હિચકિચાહટ થતો જોયો, ત્યારે તેમણે પોતાનો જાણીતો પ્રાયશ્ચિત્તનો માર્ગ; પોતાની જાતને સજા કરવાનો રસ્તો અપનાવ્યો. તેમના કહેવા મુજબ તેમણે ભારતના આત્મસન્માન ખાતર અનશન શરૂ કર્યા. એમ લાગે છે કે જાણે તેઓ જાણતા હતા કે આ તેમના અંતિમ અનશન છે. નહીં કે તેમણે એમ વિચારેલું કે તેઓ ફરી ઉપવાસ નહીં કરે કે નહીં કરી શકે, પરંતુ તેમની હત્યા કરવામાં આવી, તેથી એ ગાંધીના અંતિમ ઉપવાસ ઠર્યા. તેમના હત્યારાને મન પાકિસ્તાનને રૂ. 550 કરોડની ચુકવણીની માગણી ગાંધીની હત્યા કરવા માટેનું પ્રેરક બળ હતું. એ ત્રણ ગોળીઓનો અવાજ જાણે દ્વિતીય વિશ્વયુદ્ધના અસ્ત્ર-શસ્ત્રોના ભયાનક ધ્વનિના પ્રતિઘોષ સમાન લાગ્યો.

પ્રાયશ્ચિત અને યુદ્ધ

હાલના સમયમાં સારાયે વિશ્વમાં એટલા બધા બનાવો બન્યા છે, જેમાંના કેટલાક તો એટલા હિંસક બનાવો ઘટ્યા છે કે બીજું વિશ્વયુદ્ધ તો જાણે રાજકીય તખતા પરથી ક્યાં ય અળગું થઈ ગયેલું ભાસે છે. જે પ્રકારના બંધનો અને વળતરના નિયમો તે વખતે લાદવામાં આવેલા તે હવે સામાન્ય રસનો વિષય ન રહેતાં  ઇતિહાસવિદો માટે અભ્યાસ કરવાનો વિષય બની ગયો છે. પરંતુ આપણે હજુ એ યુદ્ધના ઓછાયા હેઠળ અને ત્યાર બાદ બનેલી ઘટનાઓ સમાન શીતયુદ્ધની અસરમાં જીવીએ છીએ.

બર્લિન-રોમ-ટોકિયોના ધરી રાષ્ટ્રોને હાથે જે કઇં બન્યું તેની પોતાના પર ફરમાવેલ સજા રૂપે જર્મન ફેડરલ રિપબ્લિકન બંધારણની કલમ 26માં 1949ના સંગઠન બાદ જે સુધારા વધારા કર્યા, જે આજે પણ લાગુ પડે છે; તેમાં કહેવાયું છે કે, “કોઈ પણ દેશ સાથેના શાંતિમય સંબંધોમાં ખલેલ પહોંચે એવાં કોઈ પગલાં લેવા તરફનો ઝોક હોય કે એવા પગલાં ભરવામાં આવે; ખાસ કરીને હિંસક લડાઈ માટે તૈયારી કરવામાં આવશે તો એ કૃત્ય બિન બંધારણીય ગણાશે. એવાં પગલાં આક્રમક હોઈને સજાને પાત્ર ગણાવા જોઈએ.” લશ્કરી પગલાંઓને રોકવા ઉપરાંત પોત્સદામ [Potsdam] સમજૂતી મુજબ જર્મની મિત્ર રાજ્યોને મશીનરી અને એ બનવનારા કારખાનાંઓના રૂપમાં 2,300 કરોડ અમેરિકન ડોલર્સ આપવા બંધાયેલ હતું. ઇટાલીના બંધારણની 11મી કલમ મુજબ ઇટાલીએ “યુદ્ધને બીજી પ્રજાની સ્વતંત્રતા વિરુદ્ધ આક્રમણ કરવાના એક સાધન તરીકે નકારવું જોઈએ અને એ દંડને આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ લાવવા માટેનો માર્ગ માનવો જોઈએ, તથા બીજા દેશો પ્રત્યેની સમાનતાનો સ્વીકાર કરીને પોતાની સર્વોપરિ સત્તા પર મર્યાદા મુકવી પડે કે જેથી એવી ન્યાય પદ્ધતિ અસ્તિત્વમાં આવે કે જેથી બે દેશો વચ્ચે અમન અને ન્યાય જળવાઈ રહે તો એ પણ કબૂલ કરવું જોઈએ.” અમેરિકા દ્વારા લખાયેલ જાપાનનું બંધારણ વધુ કડકાઈભર્યું ભાસે છે. તેમાં કહ્યું છે, “ન્યાય અને વ્યવસ્થાના આધાર પર સ્થાપાયેલી શાંતિની હૃદયપૂર્વક મનોકામના સેવવા માટે જાપાનીઝ પ્રજાએ યુદ્ધ ઉપરનો અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો નિપટાવવા માટે બળનો ઉપયોગ કે તે માટેની ધમકી પરનો પોતાનો અબાધિત અધિકાર હંમેશને માટે જતો કરવો જોઈએ. આગલા ફકરામાં ઉલ્લેખ કર્યો છે એ હેતુની પૂર્તિ વાસ્તે સૈન્યદળ, નૌકાદળ કે હવાઈદળ કે અન્ય સંભવિત યુદ્ધ નીતિઓ કદી પણ વિકસાવવામાં નહીં આવે. દેશનો યુદ્ધની તત્પરતા માટેનો અધિકાર સ્વીકારવામાં નહીં આવે.”

આ પ્રકારની બંધારણીય કલમો દ્વારા જે તે દેશના પસ્તાવાને રાજકીય પ્રાયશ્ચિત તરીકે ઓળખાવવું એ કદાચ તદ્દન યોગ્ય નથી, કેમ કે એ નિયમો લાગતા વળગતા અન્ય દેશો દ્વારા લાદવામાં આવ્યા હતા; પરંતુ એ રીતે પ્રાયશ્ચિત કરવું તદ્દન અયોગ્ય પણ નથી કેમ કે એ પ્રકારના કરારો હજુ પણ વળતર ચૂકવવા માટે માન્ય છે, આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત થાય છે અને સ્વનિયંત્રિત ધારાઓ ઘડવા માટે એટલા જ પ્રસ્તુત છે.

જર્મની, ઇટલી અને જાપાન જેવા બીજી રીતે આગળ પડતા દેશો આ જ કારણસર સાત કે તેથી વધુ દાયકાઓથી યુનાઇટેડ નેશન્સની સલામતી સમિતિમાં સામેલ નથી રહ્યા. જે દેશોએ તેમને બાકાત રાખ્યા તેઓએ અલબત્ત પોતાનો યુદ્ધ માટેની સજ્જતાનો ઉજળો વૃત્તાન્ત કાયમ કરી લીધો છે. જર્મનીને જે સંયોગોમાંથી ગુજરવાની ફરજ પડેલી તેનાથી એ દેશને પોતાના અસ્તિત્વને જોખમાવે તેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડેલું. કોનરાડ એડેનાવર[Konrad Adenauer]નું નામ આજે કદાચ ઘણાને યાદ નહીં હોય. ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને યુદ્ધ બાદના પશ્ચિમ જર્મનીના પ્રથમ ચાન્સેલર એડેનોરે જે કાર્ય કર્યું, તે જેમણે પોસ્ટદામ કરાર જર્મની પર લાગુ કર્યો, તેમને એવું કર્મ કરવાની કલ્પના પણ ન આવે એવું હતું. તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન ડેવિડ બેન-ગૂરિયોન David Ben-Gurion સાથે એક વધુ વળતર આપવા વિષે વાટાઘાટ આરંભી. એ માત્ર હૃદયની લાગણીનો સવાલ નહોતો, તેમાં નાણાંના રોકાણનો મુદ્દો પણ હતો.  એડેનાવરને ગાંધીના પાકિસ્તાનને રૂ. 550 કરોડ ચૂકવવાના મુદ્દા વિષે જાણ હોય તે સંભવ નથી. અને છતાં તેઓ જાણે ગાંધીના સ્વરમાં બોલી રહ્યા હતા. પોતાની ધારાસભાને પ્રસ્તાવ મુકેલ નાણાકીય વ્યવસ્થાને મંજૂર કરવા માટે કહ્યું.  એડેનાવરે જર્મનીને કેટલું દેવું ચૂકવવું પડશે તે વિષે બોલતાં કહ્યું, “જર્મનીની પ્રજાને નામે યુદ્ધમાં હારેલ પક્ષ પાસેથી ભૌતિક અને નૈતિક રૂપમાં નુકસાનની ભરપાઈ કરવાનું કહીને અકલ્પનીય અપરાધ કરવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સરકાર ભૌતિક નુકસાનની ભરપાઈ કરવા માટે એક વિકલ્પ સૂચવી શકે તેમ છે અને એ રીતે તેમને ભોગવવી પડતી અનંત યાતનાઓનો એક આધ્યાત્મિક ઉકેલ આપી શકાશે.” તેમના આ વિચારનો વિરોધ થયો અને ખુદ પોતાની જ સરકારના નાણા મંત્રીએ તેમની વિરુદ્ધમાં મત આપ્યો. આમ છતાં એડેનાવરે પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા, જે કદમ કદાચ મૂળે તો નિશ્ચિત રૂપે પ્રાયશ્ચિતની ભાવનાથી જ દોરવાયેલ હતા. નોર્થ એટલાન્ટિક ટૃીટી ઓર્ગનાઇઝેશન [NATO] અને જુઇશ પ્રજા તરફથી તેમના પર મુકવામાં આવેલ દબાણને હું જરા પણ ઓછું નથી આંકતો, પરંતુ એડેનાવરનો પ્રયાસ નૈતિક ક્રાંતિ લાવવાનો હતો.

જ્યારે કોઈ સજ્જન કે સન્નારી હિંમત કે શાણપણ દાખવે, ત્યારે તેઓ પ્રભાવશાળી કે ખાનદાન ગણાય છે. કર્મશીલો, લેખકો અને તત્વવેત્તાઓને પણ એ દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેઓ જો કોઈ પદ માટે હરીફ તરીકે ઉમેદવારી નોંધાવે અને તેમાં હાર મેળવવા જેટલા નસીબદાર હોય તો તેઓને એથી પણ ઉચ્ચ આસને બેસાડવામાં આવે છે. ગુજરાતી કે હિન્દીમાં તેઓને ‘ચારિત્રવાન’ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ રાજકારણી જો ડહાપણ ભરી વાત કરે કે હિંમત ભર્યું પગલું ભરે તો એ જાણનાર પૂછશે, આ તે વળી કેવી રમત રમે છે? રાજ્કારણીઓને અનિવાર્ય પણે શાણી વ્યક્તિના વેશમાં બુદ્ધિશાળી માનવામાં આવે છે, બહાદુર હોય તો હોશિયાર ગણાય છે; અહીં ગુજરાતી કે હિન્દી શબ્દ ‘ચતુર’ યોજાય છે. હું તો કહીશ કે રાજકારણીઓ માટે એ ગેરવ્યાજબી છે. હિંમત, શાણપણ અને ખાનદાની પણ રાજકીય હોઈ શકે અને હોવાં જોઈએ કેમ કે જાહેર જીવનના દરેક ક્ષેત્રમાંના વિચારો અને પગલાંઓ આખર રાજકારણી હોય છે. 

એલ્ટન જોહ્નનું ગીત ‘Sorry’ એ એક સંગીત રચના છે, પણ સાથે સાથે રાજકારણની ઊંડામાં ઊંડી હકીકત પણ દર્શાવે છે. એ જ રીતે દરેક રાજકારણી લાગણીઓ ધરાવતું મસ્તિષ્ક અને વિચારો કરતું હૃદય ધરાવનાર વ્યક્તિ હોવાથી એ પણ માનવ સાથે સંબંધિત દરેક રાજકીય કાર્ય માટે શાણો, સંવેદનશીલ અને માનવીય લાગણીઓ ધરાવતો હોય છે અને હોવો પણ જોઈએ. એ જ માનવતા છે.

2,000 વર્ષ પહેલાં સમ્રાટ અશોકની રાજાજ્ઞા, અથવા તો સાર્વત્રિક માનવ અધિકારની ઘોષણા જેવું ઉમદા અને સાથે જ રાજનૈતિક આપણા યુગમાં બીજું કઈં નથી. હોશિયાર હોવું તે સારું છે અને સારા બનવા માટે વધુ હોશિયાર થવું પણ સારું છે - એથી હોશિયારીને ફાયદો થાય પણ અફસોસ એ વાતનો કે અચ્છાઈ માટે તે એટલું ફાયદાકારક ન પણ બને. 

એડેનાવર એ કોઈ ધર્મની વિલક્ષણ કૃતિ નહોતી, પરંતુ રાજકારણીય ઘટનાઓમાંથી ઉત્પન્ન થતા શાણપણમાંથી ઘડાયેલ વ્યક્તિત્વના તેઓ ધણી હતા. 7 ડિસેમ્બર 1970ને દિવસે એક ઘટના બની જે કોઈ દંતકથા કે લોકકથા નહોતી, પરંતુ પીડા, પરિતાપ અને પશ્ચાતાપના ઇતિહાસ તરીકે નોંધાય તેવી ઘટના હતી. તત્કાલીન જર્મન ચાન્સેલર વિલી બ્રાન્ડ્ટ વૉરસો - પોલેન્ડમાં હતા અને યહૂદી લોકોની વસતીના વાડામાં થયેલ બળવાના સ્મારકની મુલાકાત લઇ રહ્યા હતા. એ ઘટનાનો ભોગ બનેલાઓની સ્મૃતિમાં પુષ્પહાર અર્પણ કર્યા બાદ ત્યાં હાજર રહેલાઓ સહુના આશ્ચર્ય વચ્ચે તેઓ અનપેક્ષિત કહેવાય તેવું વર્ત્યા. તેઓ ગોઠણભેર નમ્યા. લગભગ ઘડિયાળના કાંટાના હિસાબે અર્ધી મિનિટ મૌન રહ્યા, પરંતુ પ્રાયશ્ચિતના સંદર્ભમાં અનંતકાળ લાગે તેટલો સમય શાંત ઊભા રહ્યા. એ કૃત્યની તસવીર માઈકલ એંજલોના શિલ્પની બરોબરી કરે તેવી છે અને પથ્થર પર કોતરેલી એ પ્રતિમા તે સ્મારકની બાજુમાં સ્થિત છે. તેના શિલ્પી વિક્તોરિયા ચેકોસ્કા - એન્તોનીયેવસ્કા [Wiktoria Czechowska-Antoniewska” આ વર્ષે 90 વર્ષની ઉંમરે પહોંચ્યાં. ગાંધીએ એક વખત કહેલું, તેમની પાસે સમય હોત તો તેઓ યુરોપના કલાના ખજાનાનો અભ્યાસ કરવા કલાકો અને દિવસો વ્યતીત કરત. તેઓ આ મહિલાનાં નમ્રતા અને પ્રાયશ્ચિતના પ્રતીકના પાષાણમાં ઢાળેલ નિરૂપણને લાંબા સમય સુધી પ્રેમથી નીરખતા રહ્યા હોત.

એ જાણવું પણ જરૂરી છે કે બ્રાન્ડ્ટની એ ચેષ્ટા માત્ર ઉપલક ક્રિયા પૂરતી જ મર્યાદિત નહોતી; એ મુલાકાતમાં તેમણે રાજકીય મહત્ત્વ ધરાવતા જર્મની અને પોલેન્ડ વચ્ચેના વૉરસો કરાર પર પોલેન્ડની નવી સરહદોને માન્યતાની ખાતરી આપતી કબૂલાત પર સહી કરી, કે જેનાથી શીત યુદ્ધ દરમ્યાન પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના તણાવ હળવા થયા. એટલી જ મહત્ત્વની હકીકત એ હતી કે ચાન્સેલરનું ઘૂંટણીએ પડવું અને કરાર પર સહી કરવી એ તેમના વતનમાં તરત માન્ય નહોતું ગણાયું. બહુ નાની બહુમતીએ તેમને ટેકો આપેલ એડેનાવરની જેમ તેમને પણ પોતાના જ પક્ષના સભ્યોના વિરોધનો સામનો કરવો પડેલો.  ‘ડેર સ્પીગલ’ [Der Spiegel] - હેમ્બર્ગથી પ્રકાશિત થતા સાપ્તાહિક - તે સમયે અહેવાલ આપેલો કે પશ્ચિમ જર્મનીના 48 % લોકો માનતા હતા કે ઘૂંટણીએ પડવાની ચેષ્ટા જરા વધુ પડતી હતી, 41% લોકોએ કહ્યું, એ યોગ્ય પગલું હતું અને 11% - ભગવાન તેમનું ભલું કરે - લોકો એ વિષે કોઈ મત નહોતા ધરાવતા. એપ્રિલ 1972માં બ્રાન્ડ્ટ પાર્લામેન્ટમાં માત્ર બે મતથી વિશ્વાસની દરખાસ્ત જીત્યા અને તે વર્ષના અંતે ચૂંટણીમાં વિજયી બન્યા.

જર્મન ચાન્સેલર એંગલા મર્કલે પોતાની જાપાનની 2015ની મુલાકાત દરમ્યાન 1985માં તત્કાલીન પશ્ચિમ જર્મનીના પ્રેસિડેન્ટ રિચર્ડ વૉન વેઈઝસાકરના વક્તવ્યનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કહેલું કે જર્મનીનો યુદ્ધમાં પરાજય તે પોતાના દેશની પણ હાર હતી, ‘મુક્તિ દિન’ હતો. ચાન્સેલર મર્કલે પોતાના તરફથી ઉમેર્યું, “અમારા દેશનાં કૃત્યોથી જે યાતનાઓ યુરોપ અને દુનિયાના બીજા દેશોને ભોગવવી પડેલી તે છતાં અમારા તરફ સમાધાનનો મૈત્રીપૂર્ણ હાથ લંબાવવામાં આવ્યો હતો તે અમે, જર્મન પ્રજા કદી નહીં વીસરીએ.”

એક બીજું નામ કેટલાકની સ્મૃતિને ઢંઢોળી જશે, અને તે છે જાપાનની લડાઈના તહોમતદાર અને યુદ્ધ બાદના નેતા તથા બે વખત વડાપ્રધાન રહી ચૂકેલા Nobusuke Kishi - નોબુસુકે કીશી. તેઓ હાલના જાપાનના વડાપ્રધાન શિનઝિ એબેના માતામહ પણ થાય. જાપાને યુદ્ધ સમયે ચીન, બર્મા અને ઇન્ડોનેશિયા પર કરેલ અપરાધોને ફરી દોહરાવવાની અહીં જરૂર નથી. નાનકિંગમાં થયેલ સામૂહિક હત્યાકાંડ એ માનવ ઇતિહાસનો અત્યંત ગમગીનતા ભર્યો હિસ્સો છે. એ ભુલાયો નથી. પરંતુ આપણને એ યાદ નથી કે યુનાઇટેડ સ્ટેટ્સ 1952માં ટોકિયોએ સાનફ્રાન્સિસ્કો શાંતિ કરાર પર સહી કરી અને ટોકિયોની સુનાવણીનો ચુકાદો સ્વીકાર્યો ત્યાં સુધી જપાન પર કબજો ધરાવતું હતું. 22 ડિસેમ્બર 1948ને દિવસે ટોજો અને બીજા છ જપાનીઝ નેતાઓને ફાંસીએ ચડાવવામાં આવ્યા અને બાકીના 18 કેદીઓને 400 દિવસના કરાવસાની સજા થઈ. વડાપ્રધાન કીશીએ 1957માં બર્માની પ્રજા પર જપાને ગુજારેલ યાતના અને હત્યાઓના સંદર્ભમાં કહેલું, “આજનું જપાન એ ભૂતકાળમાં હતું તે નથી, તેનું બંધારણ કહે છે તેમ એ એક શાંતિપ્રિય દેશ છે.” તેમણે ઉમેર્યું, “અમે યુદ્ધ દરમ્યાન બર્માની પ્રજા પર જે ત્રાસ ગુજારેલો તેને માટે અત્યંત ખેદ અનુભવીએ છીએ. એ માટે થોડે ઘણે અંશે પણ એ જે દુઃખ અને પીડા સહેવી પડેલી તેનો પશ્ચાતાપ કરવાની ચેષ્ટા રૂપે જપાન પૂરેપૂરી શુભ ભાવનાઓ સાથે પોતાનું ઋણ ચૂકવવા યુદ્ધનું વળતર આપવા તૈયાર છે.”

વૉરસોમાં જેમ બ્રાન્ડ્ટની તક્તિ છે તેમ યાંગોનમાં કીશીની તક્તિ પણ મૂકી શકાય. ત્યાર બાદના જપાનના વડાપ્રધાનોએ પણ ક્ષમા માંગી છે, પસ્તાવો વ્યક્ત કર્યો છે અને યુદ્ધ સમયના અપરાધો માટે - ખુદ પોતાની પુત્રીઓ, કે જેમને ગણિકાઓ તરીકે કામ કરવા ફરજ પડેલી તેમને પણ - વળતર આપવાની દરખાસ્ત કરી છે અને વળતર આપ્યું પણ છે. મને નથી લાગતું કે પ્રાયશ્ચિતનું આવું ઉમદા ઉદાહરણ જપાન સિવાય બીજા કોઈ દેશ પાસેથી જોવા મળે.

પ્રાયશ્ચિતનું દરેક કર્મ પસ્તાવા અને અંતરાત્માના અવાજની પૈદાઈશ હોવાને કારણે અત્યન્ત વ્યક્તિગત બાબત છે. સત્તા પર બેઠેલા જે કોઈ પદાધિકારીઓએ શીત યુદ્ધનો અંત લાવવાની કોશિશ કરી અને તેમના સ્થાનનો એ પાપમુક્તિ માટે ઉપયોગ કરેલો તેમાં મિખાઈલ ગોર્બાચોવ સહુથી ઉચ્ચ સ્થાને બિરાજી શકે. તેઓ એક દુઃખદ, એકાકી અને છતાં અટલ વ્યક્તિત્વ ધરાવનાર પાત્ર છે. તેઓ પોતાના અમર્યાદ સત્તા ધરાવતા સ્થાને હોવા છતાં પણ અત્યંત વ્યથિત હતા, તેઓ અનેક ભૂલો સુધારવા બેચેન હતા. તાજેતરના વર્નર હરઝોગના અભ્યાસના તારણ મુજબ ગોર્બાચોવના પુરોગામીઓ, કે જેઓ ‘સોવિયેટ’ હતા અને તેમના અનુગામીઓ, કે જેઓ ‘રશિયન’ હતા તેઓએ પોતાના લોકો અને પોતાના વિરોધીઓ સાથે એક સરીખો જ વ્યવહાર કરેલો. ગોર્બાચોવ તેમનાથી અલગ પડે છે. તેમની મુરાદ આજે જેમ બર્ની સાંડર્સ નિષ્ઠુર અને આક્રમક સમાજને ન્યાયપ્રિય અને સમન્વયકારી બનાવવાની કોશિશ કરે છે, તેવો પોતાના દેશનો સમાજ બનાવવાની હતી. ગોર્બાચોવ ઘણી રીતે નિષ્ફળ ગયા ગણાય, પરંતુ તેમની એ નિષ્ફળતામાં, તેમની કારકિર્દીના કરુણાન્તના એકાંતમાં જ તેમની મહત્તા પ્રદર્શિત થાય છે. તેમનું પ્રાયશ્ચિત મહાસત્તાને કોઈ પણ પ્રકારની ધાંધલ ધમાલ વિના ત્યાગી દેવાના રૂપમાં જોઈ શકાય; સંસ્કૃતમાં તેને માનવતાના યજ્ઞમાં પોતાના પદનો બલિ ચડાવ્યો અથવા આહુતિ આપી એમ કહી શકાય.

પ્રાયશ્ચિત અને સામૂહિક સંહારનાં શસ્ત્રો

આજના યુગમાં દુનિયાની કેટલીક મહાસત્તાઓ - યુ.એસ.એ., ગ્રેટ બ્રિટન, રશિયા, ફ્રાન્સ, ચીન; અને જન્મ સમયની ભારે પીડામાંથી પસાર થઈને એક દિવસને અંતરે ઊભરી આવેલ બે દેશો ભારત અને પાકિસ્તાન, તેમ જ ઉત્તર કોરિયા અને સંભવ છે કે ઇઝરાયેલ એ બધાને એક એવી શક્તિની સાંકળે જોડી દીધા, કે જેનો મારે ઉલ્લેખ કરવાની જરૂર નથી. તેની શરૂઆત 14 જુલાઈ 1945થી થઈ ગણાય. એ તારીખે હાલના મેક્સિકોમાં આવેલ અત્યારે ટ્રિનિટી ટેસ્ટના નામે પ્રખ્યાત થયેલ સ્થળે દુનિયાના પ્રથમ અણુ બોમ્બનું પરીક્ષણ થયેલું. લોસ આલામોસના કંટ્રોલ બંકરમાં બૉમ્બ લેબોરેટરીના વડા - અણુ બોમ્બના જનક જે. રોબર્ટ ઓપનહાઈમર સાથે અમેરિકાના બ્રિગેડિયર જનરલ થોમસ ફારેલ હાજર હતા. તેમણે ઓપનહાઈમરનો પ્રતિભાવ આ મુજબ વર્ણવ્યો, “જેમના શિરે બહુ મોટી જવબદારીનો બોજ હતો તેવા ડૉ. ઓપનહાઈમર જેમ જેમ ક્ષણો વીતતી ગઈ તેમ તેમ વધુ ને વધુ ચિંતિત થવા લાગ્યા. તેઓ માંડ માંડ શ્વાસ લેતા હતા. તેમણે નજીકના થાંભલાનો પોતાને સ્થિર રાખવા ટેકો લીધો. છેલ્લી થોડી ક્ષણો તેઓ સીધી દિશામાં એક ધારી નજર ઠેરવી ઊભા રહ્યા અને જ્યારે ઉદ્દઘોષકે ‘Now’ કહ્યું ત્યારે પ્રકાશનો ભયાનક પુંજ અને વિસ્ફોટનો ધડાકો સંભળાયો ત્યારે તેમના ચહેરા પર ભારે ચિંતામાંથી છૂટકારો મળ્યાની રાહતની લાગણી પ્રસરી ગઈ.”

મારે મહાન ગુગલ ભગવાનનો પાડ માનવો જોઈએ જેણે માહિતી આપી કે ટ્રિનિટી પરીક્ષણ બાદ તરત એક વિજયી બોક્સરની માફક બંને હાથ ભીડીને ઓપનહાઈમર સ્ટેજ પર ગયા, લોકો ખુશીના માર્યા ચિચિયારી કરતા હતા. પરંતુ શાણપણ અને પ્રાયશ્ચિત હજુ હવે પ્રગટ થવાનું હતું. થોડા સમય પછી તેમણે કહેલું, જ્યારે તેમણે એ મહા વિસ્ફોટ જોયો, ત્યારે તેઓને ભગવદ ગીતાના બે શ્લોકોનું સ્મરણ થયું - એકમાં દીવી સૂર્ય સહસ્રય - ‘સેંકડૉ સૂર્યનું તેજ એકસાથે આકાશમાં પ્રજ્વલિત થઇ ઊઠ્યું’ તે, અને બીજો શ્લોક: કાલોસ્મિ  લોકક્ષય પ્રવૃદ્ધો  …  ‘હું કાલ છું, સર્વ સૃષ્ટિનો નાશ કરનાર’ ઓપનહાઈમરને તે સમયે પોતાના કર્મનું અનિવાર્ય ફળ શું આવશે તેની પ્રતીતિ થઈ.

હિરોશિમા પર 6 ઓગસ્ટને દિવસે બૉમ્બ ફેંકાયો, નાગાસાકી પર ત્રણ દિવસ બાદ. ગાંધી આઘાતથી મૌન થઇ ગયેલા. તેમની બુદ્ધિ ચકરાવે ચડી ગયેલી. અમેરિકાના એસોસિયેટેડ પ્રેસના ખબરપત્રીના પ્રશ્નનો જવાબ આપતા તેઓ બોલ્યા, “જો હું કરી શકું તો મારે કઈ કરવું જોઈએ.” હીરોશિમા વિષે વધુ જાણ્યા બાદ તેમણે કહ્યું, “મેં મારી જાતને કહ્યું, ‘જો હવે દુનિયા અહિંસા ન અપનાવે તો માનવ જાત માટે તે જરૂર આત્મહત્યા સાબિત થશે.’” જ્યારે પૂછવામાં આવ્યું કે આ વિસ્ફોટથી તેમની અહિંસા પરની શ્રદ્ધા ડગી ગઈ છે ખરી? ત્યારે તેમણે કહેલું, એ શ્રદ્ધા જ એક માત્ર બળ  છે જેનો અણુ બૉમ્બ નાશ ન કરી શકે.

દસેક દિવસ બાદ 17મી ઓગસ્ટને દિવસે અત્યંત વિક્ષુબ્ધ થઈ ગયેલા ઓપનહાઈમર વોશિંગ્ટન ગયા અને સંરક્ષણ મંત્રી હેન્રી એલ. સ્ટીમસનને હાથોહાથ એક પત્ર આપ્યો જેમાં પોતાના વિચારોમાં આવેલ અચાનક પરિવર્તન અને અણુશસ્ત્રો પર પ્રતિબંધ લગાવવાની પોતાની ઇચ્છા દર્શાવેલ હતી. 1945માં તેમણે તત્કાલીન પ્રેસિડન્ટ હેરી એસ. ટ્રુમેન સાથે મુલાકાતનો સમય મળ્યો. એ મિટિંગ કેવી રહી તે વિષે જુદા જુદા અહેવાલો પ્રાપ્ત છે. પરંતુ એ બધામાં એક સામાન્ય વાત સ્પષ્ટ તરી આવે છે તે એ છે કે ઓપેનહાઈમરના શબ્દોમાં કહીએ તો “તેમના હાથ લોહીથી ખરડાયેલા છે.” એવું તેમને પ્રતીત થયેલ. ઓપેનહાઈમરે મિટિંગ ટૂંકમાં પતાવી અને પ્રેસિડન્ટ ટ્રુમેને પોતાના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ડીન અચેસનને કહ્યું, તેઓ ઓપેનહાઈમરને ફરી કદી પોતાની ઓફિસમાં જોવા નથી માગતા. એક મત મુજબ પ્રેસિડન્ટ ટ્રુમેને અચેસનને એમ પણ કહ્યું કે “ઓપેનહાઈમર તો ‘વિજ્ઞાનના એક રોતલ બાળક જેવા છે.”

આ વક્તવ્ય પ્રાયશ્ચિત વિષે છે, નિરર્થક બાબતોને સ્થાન નથી. આથી ટ્રુમેન વતી વાણીમાં અપેક્ષિત રાજનૈતિક વિશુદ્ધિ બાબત માફી ચાહતાં હું આગળ વધુ છું. આગળ જતાં ઓપેનહાઈમરે અણુશસ્ત્રોની દોડનો અને ખાસ કરીને હાઇડ્રોજન બૉમ્બ બનાવવાનો વિરોધ કર્યો. અમેરિકન વહીવટી તંત્ર ઓપેનહાઈમરમાં સામ્યવાદ પ્રત્યે પ્રચ્છન્ન રીતે સહાનુભૂતિ પ્રવેશી રહી હોય તે બાબત તેમના વિષે ઊંડી દહેશત સેવતું હતું અને કેનેડીના યુગમાં નવાં રાજકીય મૂલ્યો પુનઃસ્થાપિત થયા અને ઓપેનહાઈમરને પુરસ્કારથી નવાજવામાં આવ્યા ત્યાં સુધી  તેમના પર શંકાની નજરે જોવામાં આવતું હતું. તેમના પર કડી દેખરેખ રાખવામાં આવતી હતી.

ટ્રિનિટી અણુ શક્તિના ટેસ્ટના ડાયરેક્ટર કેનેથ બ્રેનબ્રિજની ભૂમિકા અને તેમના પ્રત્યાઘાતો વિષે બહુ ઓછી માહિતી મળે છે. અણુ વિસ્ફોટ બાદ તરત જ તેમણે એ આખી ઘટનાને ‘ઘૃણા ઉપજાવે તેવું  ભયાનક પ્રદર્શન હતું.’ એ રીતે વર્ણવેલું. સ્વયંસ્ફૂર્ણાથી કહેવાયેલ ઉક્તિ માટે જાણીતા થયેલ કથન મુજબ બ્રેનબ્રિજે ઓપેનહાઈમરને કહ્યું, “હવે આપણે બધા. ….. ના સંતાનો છીએ.” સ્ફોટક [Explosions] અને અનુપૂરક [expletives] શબ્દોમાં તેના પ્રથમ ચાર અક્ષરો ઉપરાંત પણ ઘણું સામ્ય છે. આ વક્તવ્ય પ્રાયશ્ચિત વિષે હોવાને કારણે એ ઘટના બાદ કેનેથ બ્રેનબ્રિજ અણુ શક્તિ પર પ્રજાના અંકુશ અને તેના પરીક્ષણનો સ્વેચ્છાએ ત્યાગ કરવાની ભલામણ કરનારા સ્પષ્ટ વકતા બન્યા એ હકીકતથી મારું ધ્યાન વિચલિત નહીં કરું. 1950માં બાર નામાંકિત વૈજ્ઞાનિકોએ પ્રેસિડન્ટ ટ્રુમેનને યુનાઇટેડ સ્ટેટ્સ કદી પ્રથમ હાઇડ્રોજન બોમ્બનો ઉપયોગ નહીં કરે તેવું જાહેર કરવા માટે અરજી કરેલી તેમાંના એક બ્રેનબ્રિજ હતા.

આખર જીની બોટલમાંથી બહાર નીકળી ગયેલો, અને આપણે જાણીએ છીએ કે આજે માનવ જાત ક્યાં જઈને ઊભી છે. શંકાશીલ વ્યક્તિ પૂછી શકે, “ઓપેનહાઈમરની માનવ જીવન માટેની લાગણી અને બ્રેનબ્રિજનો અંતરાત્મા તેઓ જ્યારે લોસ આલામોસની પ્રયોગશાળામાં અખતરાઓ કરતા હતા ત્યારે ક્યાં ગયેલા?” સાચો ઉત્તર તો એ છે કે એ ચેતનાઓ લાસ આલામોસમાં હતા ત્યારે સુષુપ્ત થઈ ગયેલી. તે સમયે બીજી જ કોઈ શક્તિ જાગૃત થઈ ગયેલી. અને ખરું જુઓ તો લોસ આલામોસની ટુકડીમાં વૈજ્ઞાનિકો હતા, કવેકરના સભ્યો નહીં. એ પરીક્ષણ બાદ બ્રેનબ્રિજનાં અને હીરોશિમા-નાગાસાકી પરના હુમલા બાદ એ ટુકડીના લોકોના ચિત્તમાં જે ધ્રુજારી જન્મી એ એક અપૂર્વ ઘટના ગણી શકાય. અને જો તેમનું લાસ આલામોસ ખાતેનું કાર્ય વિજ્ઞાનથી દોરવાયેલું હતું તો તે પછી પસ્તાવાથી પ્રેરિત લીધેલાં પગલાંઓ એ સર્વ રીતે રાજકારણથી દોરવાયેલાં હતાં. ત્યાર બાદ કરેલા તેઓનાં કાર્યોનાં પ્રાણ, સ્વરૂપ અને તેની અસર તમામ રાજકારણ પ્રેરિત જ હતાં. 

બરાક ઓબામા કઇં વિલી બ્રાન્ડ્ટ નથી, પરંતુ તેમની અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકેની 2016ની હીરોશિમાની મુલાકાત બ્રાન્ડ્ટની જર્મન ચાન્સેલર તરીકેની 1970ની વૉરસોની મુલાકાતને મળતી આવે છે. ત્યાં કોઈ પ્રણિપાત - ઘૂંટણભેર થઈને નમન કરવાનું કૃત્ય ઘટ્યું નહોતું, પરંતુ તેઓએ ‘પડવા’ શબ્દનો ઉલ્લેખ કરેલો. ઓબામાએ લિંકનના ‘ચાર વીસી અને …’ એ શબ્દોને ટાંકતાં જે કહ્યું, તે ઓપેનહાઈમરના ભગવત્‌ ગીતાના ઉચ્ચારણની યાદ અપાવી જાય તેવું હતું. તેમણે કહ્યું, “71 વર્ષ પહેલાં એક નિર્ભર આકાશવાળી સુંદર સવારે આસમાનમાંથી મૃત્યુ પડ્યું અને દુનિયા બદલાઈ ગઈ. એક પ્રકાશનો મોટો પુંજ ફેલાયો અને આગની દીવાલ રચાઈ જેણે આખા શહેરનો વિનાશ કર્યો અને માનવ જાત પોતાનો વિનાશ કરવાની ક્ષમતા ધરાવે છે તે બતાવી આપ્યું.”

આપણે એમ પણ કહી શકીએ કે ઓબામાએ ઓપેનહાઈમરના વિચારો વાંચેલા અને તેને આત્મસાત્‌ કર્યા. વ્હાઇટ હાઉસમાં પણ વિશાળ વાંચન ધરાવતા મહાનુભાવો રહેતા હતા, અને હજુ પણ હોઈ શકે. સમ્રાટ અશોકના શિલાલેખો પરની રાજાજ્ઞા ઓબામાને મન રસપ્રદ વાંચન હોય તેની મને શંકા છે. સમ્રાટ અશોક પોતાનો ઉલ્લેખ ત્રીજી વ્યક્તિ તરીકે કરતા. તેમના મુખ્ય શિલાલેખ 13 પરનું લખાણ જુઓ, “જ્યારે ઈશ્વરના પ્રિય એવા પ્રિયદર્શીનો (અશોક) રાજ્યાભિષેક થયો, તેના આઠ વર્ષ બાદ કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1,50,000 લોકોને હદ પાર કરવામાં આવેલા, આશરે 1,00,000ના જાન લેવાયા, તેનાથી અનેક ગણી સંખ્યામાં લોકોનો નાશ થયો. કલિંગ પર વિજય મેળવ્યા બાદ ઈશ્વરના પ્રિય એવા અશોકને પશ્ચાતાપ થયો કેમ કે જ્યારે કોઈ સ્વાયત્ત દેશ પર વિજય મેળવવામાં આવે ત્યારે કરવામાં આવતી કાપાકાપી, તેનાથી નિપજતાં મૃત્યુ અને દેશનિકાલની સ્થિતિ અત્યંત ભયાનક હોય છે અને એનો ભાર પ્રિયદર્શીના મનમાં અસહ્ય બન્યો. પ્રિયદર્શીને એનાથી પણ વધુ ખેદજનક તો એ લાગ્યું કે ત્યાં રહેતા બ્રાહ્મણો, શ્રમણો કે અન્ય વર્ણના લોકો અને ગૃહસ્થો પોતાના ગુરુજનો પ્રત્યે આજ્ઞાંકિતતા દર્શાવતા અને પોતાના મિત્રો, પરિચિત લોકો, સાથે કામ કરનારા લોકો, સંબંધીઓ, ગુલામો અને સેવકો પ્રત્યે સદ્ભાવ સેવતા તે બધાને પોતાના પ્રિયજનોની હિંસા, ખૂન અને વિયોગનો અનુભવ કરવો પડ્યો.”

આ હતું શિલાલેખ પરનું લખાણ. હવે હીરોશિમા ખાતેના ઓબામાના વક્તવ્યને ધ્યાનમાં લો, “આપણે સહુ 1,00,000 જેટલા જાપાનીઝ સ્ત્રી-પુરુષો, અને બાળકોના સદ્દગત આત્મા માટે શોક કરવા એકઠા થયા છીએ. હજારો કોરિયન્સ અને ડઝન બંધ અમેરિકન યુદ્ધ કેદીઓના આત્મા આપણી સાથે વાત કરે છે. તેઓ આપણને કહે છે, આત્માની અંદર ઝાંકો અને આપણે કોણ છીએ અને કેવા બનશું તેનો હિસાબ લો. દરેક ખંડમાં ઉદ્ભવેલી સભ્યતાઓ યુદ્ધોના ઇતિહાસથી ભરપૂર છે, પછી તેનું કારણ અન્નની તંગી હો કે સુવર્ણ મેળવવાની ભૂખ હો, રાષ્ટ્રવાદનો જુસ્સો હો કે ધાર્મિક ઝનૂન હો. સામ્રાજ્યો બન્યા અને નાશ પામ્યાં. પ્રજાને તાબેદાર બનાવાઈ છે, તો તેને મુક્ત પણ કરવામાં આવી છે. અને દરેક સંજોગમાં નિર્દોષ માનવોએ યાતના ભોગવી છે, અસંખ્યોનો ભોગ લેવાયો છે, તેમનાં નામ સમય જતાં વિસ્મૃતિની ગર્તામાં અદ્રશ્ય થઇ ગયાં છે.”

બારાક ઓબામા અને સમ્રાટ અશોકના વક્તવ્ય વચ્ચેનું સામ્ય ગજબનું છે. પ્રિયદર્શી અશોક ફરી 2000 વર્ષ બાદ બારાક ઓબામા દ્વારા બોલે છે, શક્તિશાળી સત્તાધારીઓએ બલહીન પ્રજા પર આચરેલી હિંસા માટે પસ્તાવો પ્રગટ કરે છે. સમ્રાટ અશોકના સમયમાં થયેલી એવા જ પ્રકારની હિંસા બદલ, એવી જ હત્યાઓ કરવા બદલ, એવી જ લૂંટફાટ કરવા બદલ, એવા જ પ્રકારની યાતનાઓ ભોગવવા બદલ, પણ જુદી ધરતી પર, જુદા દુ:શ્મનો સામે અને જુદી ટૅકલનોલોજીનો ઉપયોગ કરીને આચરેલા અત્યાચાર બદલ બારાક ઓબામા પોતાના આત્માની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવાની ઇચ્છા ધરાવે છે. સમ્રાટ અશોક બીજાને યાતના આપનાર હતા, જ્યારે ઓબામા એવી યાતનાઓ આપનારાઓ રૂઝવેલ્ટ અને ટ્રુમેનના સીધા અનુગામી છે. સમ્રાટ અશોકની જેમ ઓબામા પણ પ્રાયશ્ચિત કરવા ઇચ્છે છે. અને તાજ્જુબીની વાત એ છે કે પોતાના મોટા કાન દ્વારા ગાંધી ક્યાંક આ ‘પ્રાયશ્ચિત’ શબ્દ સાંભળી રહ્યા છે. ચાર દેશોએ રાજકારણમાં અસંભવ લાગે તેવું કઈંક કર્યું છે; પોતાના અણુશસ્ત્રોનો ત્યાગ કર્યો. ભૂતપૂર્વ સોવિયેત યુનિયન પાસેથી બેલારુસ, કઝાખસ્તાન અને યુક્રેઇનને અણુશસ્ત્રો વારસામાં મળેલા. એ દેશો આ શસ્ત્રોને નિભાવી ન શકે તેમ કહેવું એ ઘણું કઠોર વચન કહેવાય. પરંતુ એ દેશોએ જો કોઈ પણ પ્રકારે એ શસ્ત્રો રાખ્યાં હોત તો આજે દુનિયામાં મોટી સંખ્યામાં અણુશસ્ત્રો ધરાવનાર સત્તાઓ ગણાતા હોત.

દક્ષિણ આફ્રિકાએ પોતે ઉત્પાદન કરેલ અણુશસ્ત્રોનો જુદા સંયોગોમાંથી પસાર થયા હોવાને કારણે નાશ કરી નાખ્યો. એમ કહેવાય છે કે રંગભેદી નીતિ ધરાવતા દક્ષિણ આફ્રિકાના છેલ્લા નેતા એફ.ડબ્લ્યુ.ડી. ક્લર્ક એ સત્તા નેલ્સન મંડેલાને હસ્તક નહોતા આપી જવા માંગતા. એ તેમની ઘણી ચતુરાઈ, હોશિયારી હતી. પરંતુ યુરી ફ્રિડમેન સાથેની 2017ની મુલાકાત દરમ્યાન ડી. ક્લર્કે સાચી હકીકત બયાન કરી, “જ્યારે હું પ્રેસિડેન્ટ બન્યો ત્યારે અમારી પાસે પૂર્ણ થયેલાં છ અણુશસ્ત્રો હતાં, અને સાતમું અર્ધું બનેલ હતું. એ હીરોશિમા પર નાખવામાં આવેલ તેવાં શસ્ત્રો હતાં. મને એમ લાગ્યું કે જંગલમાં ખેલાતા યુદ્ધમાં આવા બૉમ્બ વાપરવા નિરર્થક છે, અને અમારા પડોશી દેશના કોઈ શહેરનો સમૂળો વિનાશ કરવાનો વિચાર કરવો તે પણ કલ્પનાતીત છે.” ત્યાર બાદ રંગભેદ અને જાતિ ભેદના બારામાં મૂળભૂત પરિવર્તનો આવવા લાગ્યા. ત્યાર બાદ મંડેલાએ પોતાના સામા પક્ષના નેતામાં જે જોયું અને પારખ્યું તે ડી. ક્લર્કે ફ્રિડમેનને કહ્યું. “અમે રંગભેદની નીતિ અને જાતીય ભેદભાવની નીતિ નૈતિક દ્રષ્ટિએ અસ્વીકાર્ય છે અને અયોગ્ય છે તેમ સ્વીકારેલું. રંગભેદની નીતિને કારણે જે  નુકસાન, દુઃખ અને યાતનાઓ ભોગવવા પડેલાં એ માટે મેં ખરા દિલથી માફી માગી. અંતરમાં પડેલી ગુનેગાર હોવાની લાગણી આંતરરાષ્ટ્રીય દબાણ કરતાં દિલ પર વધુ મોટો બોજ બની જાય છે.” 

અન્ય પરિસ્થિતિઓમાં પ્રાયશ્ચિત

સમ્રાટ અશોકના વિરોધમાં કેટલીક વાતો કહેવાય છે કે એ તો ક્રૂર રાજા હતો, કલિંગ પર વિજય મેળવ્યા બાદ કોઈ બીજું રાજ્ય જીતવાનું બાકી નહોતું, એટલે અને એ પ્રાયશ્ચિત તો એક આત્મસંતુષ્ટિ માટેની યુક્તિ હતી માટે તેણે પ્રાયશ્ચિત કરેલું. બરાક ઓબામાની પ્રેસિડેન્સી માટે ઘણા ટીકાકારો છે. ખાસ કરીને તેમની સીરિયા વિશેની નીતિ વિવાદાસ્પદ રહી છે. મૂળ હકીકત એ છે કે તેઓએ નીતિમત્તાનાં ધોરણોમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત છે, તે વાત કરી અને એ તેમણે પોતાના શાસનકાળનો સૂર્ય તપતો હતો ત્યારે જાતે જ અમલમાં મૂક્યું અને જે પરિવર્તન જોવા ઇચ્છતા હતા તેના મધ્યમાં પોતાની જાતને જ મૂકી.

કેટલીક બાબતોમાં દુનિયા ધરમૂળથી બદલાઈ ગઈ છે. દુનિયાના મોટા ભાગના દેશોએ ફાંસીની સજા નાબૂદ કરી છે, પરંતુ ભારત, ચીન અને અમેરિકાએ તે નથી નાબૂદ કરી. દુનિયાની મોટા ભાગની પ્રજા હજુ ફાંસીની સજાની છાયામાં જીવતી હોય છે. ગુના કબૂલ કરાવવાના રાજ્યના એક સાધન તરીકે રિબામણીને અપનાવવાને કારણે થોડો બદલાવ આવ્યો છે. 10 ડિસેમ્બર 1984ને દિવસે મળેલ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની મિટીંગથી દુનિયાનો અંતરાત્માનો અવાજ સળવળી ઊઠ્યો. તે દિવસે એ કમિટીએ ક્રૂરતા, અમાનવીય વર્તાવ કે અપમાનજનક વર્તન કે સજા કરવા વિરુદ્ધ ખરડો પસાર કર્યો. એ કન્વેનશન ક્રૂરતા વિરોધી યુનાઇટેડ નેશન્સના કન્વેનશન તરીકે ઓળખાય છે, જેનાથી વિશ્વ આખામાં ક્રૂરતાભર્યો અત્યાચાર અટકાવવાની નેમ છે. ખાસ કરીને એ કન્વેનશન સરકાર ક્રૂરતાને નિવારવા માટે અસરકારક પગલાં લે અને જે દેશોમાં ક્રૂરતાભર્યું વર્તન થવાની શક્યતા હોય તેવા દેશોમાં શકમંદ લોકોને મોકલવા પર પાબંદી લગાવવામાં આવે તેવી અપેક્ષા સેવે છે. સહુથી મહત્ત્વનો મુદ્દો તો એ છે કે યુદ્ધ કે યુદ્ધનો ભય, આંતરિક રાજકીય અસ્થિરતા, સાર્વજનિક કટોકટી, આતંકી હુમલા કે કોઈ અન્ય પ્રકારના સશસ્ત્ર સંઘર્ષ જેવા અસાધારણ સંયોગોમાં પણ ક્રૂરતાભર્યા કૃત્યને વ્યાજબી નહીં ગણવામાં આવે તેવી બાંયધરી આપવાની ફરજ દરેક રાષ્ટ્રને આ કન્વેનશનથી પાડવામાં આવી. આ કન્વેનશનમાં  દર્દ શામક અને નુકસાનની ભરપાઈ કરી આપનારું કોઈ તત્ત્વ છે.  

અહીં એ નોંધવું રહ્યું કે ભારત સરકારે આ કન્વેનશન પર સહી કરવામાં તેર વર્ષનો સમય લીધો, છેવટ આઈ.કે. ગુજરાલના અગિયાર મહિનાના વડાપ્રધાન પદ હેઠળ, 14 ઓક્ટોબર 1997માં ભારતે સહી કરી. પરંતુ કન્વેનશન પર સહી કરવી એ તો પ્રથમ ચરણ છે. જ્યાં સુધી તેને બહાલી આપવામાં ના આવે અને તે પહેલાં કે સહી કર્યા બાદ કાયદાઓ ઘડવામાં ન આવે કે જેનાથી બહાલી આપનાર પક્ષને સંમતિ આપવા બાધ્ય ન કરે તો એ સહી સિક્કા કરવાનો કોઈ મતલબ ન રહે. ભારતે હજુ એ કન્વેનશનને બહાલી નથી આપી. બંદી પકડાયેલના શરીર કે મન પરની સત્તા સમ્રાટ અશોકના વારસદારો કે ગાંધીના વંશજો દ્વારા પણ સહેલાઈથી જતી કરવામાં નથી આવતી. અટકાયત દરમ્યાન આચરવામાં આવતી ક્રૂરતા એ કન્વેનશનથી નાબૂદ કરી શકાય, પરંતુ તેને તદ્દન બંધ કરવા માટે સરકારો અને સમાજોએ સમજવું રહ્યું કે ક્રૂરતા એ એક જુગુપ્સા પ્રેરે તેવું કૃત્ય છે, અસંસ્કૃત સમાજનો મળેલ વારસો છે. વ્યક્તિ નિત્ય આશામાં જીવી શકે છે. પણ એ જ વ્યક્તિ એ જ શાશ્વત્‌ સમયમાં મૃત્યુના ભયથી એક નહીં પણ સેંકડો વખત મરણ પામતી રહે છે.

પ્રાયશ્ચિત અને આતંક

વિશ્વના વિકાસનો માનવ જાતના કલ્યાણ તરફનો ક્રમ અસંસ્કારિતાના વારસા સમાન આતંકના કોરડાએ કઠોર રીતે અતિક્રમી દીધો છે. તમામ સંભવિત ટેક્નોલોજીને આતંકવાદીઓએ બાન પકડી લીધી, અને જે રાજ્ય પાસે નથી અને માત્ર પોતાના તાબામાં જ છે તેવા સોફ્ટવેરમાં હાર્ડવેર બનાવીને ઉમેરી દીધી : આત્મઘાતી આવેશ છે આ. સમગ્ર માનવ જાત, આ આખી દુનિયા અને યુનાઇટેડ નેશન્સના દરેક સભ્ય દેશ મોતનો વેપાર કરનાર આતંકના બલિ છે. દુનિયાના સંસ્કૃત નાગરિકોનો આત્માનો અવાજ કહે છે કે આતંકીઓ પ્રત્યેની ક્રૂરતાને પણ એ કન્વેનશને હઠાવી દીધી છે, પણ ખુદ આતંકનું શું? એ કોઈની પરવા કરે છે? ના, લગીરે નહીં. પોતાની જાત પ્રત્યે મહત્તમ અને આત્યંતિક હિંસા આચરવા પ્રતિબદ્ધ  હોય તેવા આતંકીઓ પોતે જેને દુ:શ્મન માને છે તેમને ખતમ કરવા ખચકાતા નથી, એટલું જ નહીં, તેનો આનંદ માણે છે. તેની પાસે મગરને આ કોબીજનું કાચું કચુંબર છે, એમ કહેવા માટે જેટલો સમય હોય તેટલો રાજકારણમાં પસ્તાવો કરવાનો સમય હોય છે. 

ક્રાઈસ્ટ ચર્ચ - ન્યુઝીલેન્ડમાં થયેલ હત્યાકાંડ માટે જવાબદાર ખૂની શખ્સની દાદીમા મારી ફિટ્ઝેરાલ્ડે કહ્યું, “આપણે બધા અવાચક થઈ ગયેલા છીએ. આપણને ખબર નથી શું કહેવું તે.” Gob-smacked. આ શબ્દ પ્રયોગ મેં પહેલાં કદી નથી સાંભળ્યો, મારું ઇંગ્લિશનું જ્ઞાન આદિમ યુગનું છે. ઇંગ્લિશના કયા શબ્દકોશમાં એ જોવા મળે? સામાન્ય બોલચાલનો, સમાંતર ઇંગ્લિશ કે પછી નિરર્થક વર્ગનો? મારે મન આ શબ્દ આઘાતના શબ્દકોશનો છે, એક દાદીમાના આઘાતનો, જેને કોઈ ભાષા નથી, કોઈ અર્થ નથી, કોઈ કપટ નથી. તેમણે બાદમાં ઉમેર્યું, “હું ભાંગી પડી છું.” એ ખરો શબ્દ છે.

એ એકાકી શખ્સે ક્રાઈસ્ટ ચર્ચમાં આચરેલ ક્રૂર કર્મને કારણે શ્રીલંકામાં ક્રિશ્ચિયનો સામે આત્મઘાતી હુમલાઓ કરવા લોકોને ઉશ્કેર્યા હોય એ શક્ય છે. હું એ શોકમગ્ન મહિલા અનુષા કુમારી - એક પત્ની અને માતા, કે જેણે પોતાના પતિ, પુત્ર અને પુત્રી ગયે વર્ષે ઇસ્ટરમાં નેગોમ્બો ગામના સેન્ટ સેબાસ્ટિયન ચર્ચના બોમ્બિંગમાં ગુમાવ્યા, તેનો ચહેરો ભૂલી નથી શકતો, કોણ ભૂલી શકે? તેમણે કહેલું, “તમે માની નહીં શકો પણ મારો આદર્શ પરિવાર હતો. 24 વર્ષનાં અમારાં લગ્નજીવન દરમ્યાન હું અને મારા પતિ કદી વાદ-વિવાદમાં નહોતા ઉતર્યા.” તેના ધર્મ, ઈશ્વર પરની શ્રદ્ધા અને જીવની ઉત્પત્તિ વિષે શા વિચારો હશે? સારા થવામાં શી કિંમત ચુકાવવી પડે એ વિષે તે શું વિચારતી હશે? તેને ક્રાઇસ્ટને વધસ્તંભ પર ખિલ્લા ઠોકેલા અને રક્ત ટપકતી હાલતમાં જોવાથી શાતા વળશે? પેલું દુઃખ મકાનના પ્લાસ્ટરમાં છે, અનુષાનું દર્દ પતિ અને બાળકોનાં હાડ-માંસનું બનેલું છે.

પ્રતિકારાત્મક હિંસાથી શ્રીલંકાના મુસ્લિમો પણ નથી બચ્યા. આવી વ્યક્તિઓ અને સંગઠનો એવું જ પરિણામ આવે તેમ ઈચ્છે છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસીંડા આર્ડેમે એ જ ન બનવા દીધું. તેમના આ કૃત્યથી ક્રાઈસ્ટ ચર્ચના એ હુમલાથી લોકોનો ઘા રૂઝાયો, પ્રાયશ્ચિત થયું. જેસીંડા આર્ડેમે જ્યારે “અમે તેઓ જ છીએ.” નહિ કે “તેઓ અમારામાં એક છે.” કે “તેઓ અમારા જેવા છે.” અને ખૂન કરનાર માટે “તે અમે નથી.” એ શબ્દ પ્રયોગ કર્યો તે જ ક્ષણે તેઓ મારા મનથી શાંતિ માટેનું નોબેલ પારિતોષિક જીતી ગયાં. જાણે જેસીંડા આર્ડેમના શબ્દોમાં ચીફ આલ્બર્ટ લુથૂલી, માનનીયશ્રી દલાઈ લામા અને મધર  ટેરેસાનો સંગમ થયો.

આપણને જાણ છે કે આતંકવાદને ખતમ કરવાનો માર્ગ કોઈ ફરીશ્તાનો સુંવાળો માર્ગ નથી. ઘૂંટણે પડવાનું કૃત્ય ઇસ્લામિક સ્ટેટ કે અલ કાયદાને પ્રભાવિત કરવાનું નથી. માત્ર બળ તેમને પરાસ્ત કરશે. પરંતુ આખા મુસ્લિમ જગતને આત્યંતિક્તા અને શહીદીના  જુઠ્ઠા લોભામણા ઝેરી પ્રચારથી બચાવવું જોઈશે. ક્રાઈસ્ટ ચર્ચના હત્યાકાંડમાં બાંગ્લાદેશથી આવેલ 59 વર્ષના ફરીદ અહમદે 44 વર્ષની પોતાની પત્ની હુસ્નાને ગુમાવી. જ્યારે અલ નૂર મસ્જિદમાં સ્ત્રીઓ અને બાળકોના વિભાગમાં ગોળીબાર શરૂ થયો, ત્યારે તેણે કેટલાંકને બગીચામાં સલામત જગ્યાએ ખસેડવામાં મદદ કરી. પછી તે જ્યાં આગ લાગેલી તે વિભાગમાં પોતાના પતિની સંભાળ લેવા આવી, જેઓ 1998માં શરાબ પીધેલા ડ્રાયવરથી લાગેલ પછડાટને કારણે વિલચેર વશ થઈ ગયેલ છે. હુસ્નાએ તેમને પણ બહાર નીકળી જવામાં મદદ કરી, પરંતુ થોડી જ ક્ષણોમાં આતંકીઓની એક ગોળીએ તેને જમીનદોસ્ત કરી નાખી. આ ઘટનાના ઊંડા આઘાતથી કંપી ઊઠેલા છતાં શાંત રહેલ ફરીદે અત્યંત ગહન અને ગમગીન અને છતાં પ્રદીપ્ત કરી દે તેવો પ્રતિભાવ શ્વેત લોકોની શ્રેષ્ઠતામાં માનતા એ આતંકી વિષે આપતાં કહ્યું, “ઉત્તમ વસ્તુ છે, ક્ષમાવૃત્તિ. હું તેને કહું છું, તેનામાં એક ઉદાર માનવી બનવાની, દયાળુ માણસ બનવાની, એક સારો નાગરિક બનવાની ક્ષમતા છે.” અહીં હું ઓલ સિલોન જામિયાથુલ ઉલામાના ખાલિદ મહમૂદને યાદ કરવા માગું છે જેણે કહેલું, તેનું ઇસ્લામિક સંગઠન મક્કમપણે આ બોમ્બિંગને અમાનવીય, ઘૃણાસ્પદ અને શરમજનક માનીને મક્કમતાથી વખોડે છે, અને આવા સમયે આપણે આપણાં ખ્રિસ્તી ભાઈ-બહેનો સાથે ઊભા રહેવું જોઈએ.

મારું માનવું છે કે વડાપ્રધાન આર્ડમે તત્કાલ પૂરતો, પરંતુ પૂરી પ્રામાણિકતાથી, ઉત્સુકતાપૂર્વક, અને પોતાની રાજકીય કારકિર્દી તેમ જ વ્યક્તિગત સલામતીનું જોખમ વહોરીને આપણને માર્ગ બતાવ્યો છે. મારા મતે ફરીદ, ફિટ્ઝેરાલ્ડ અને આર્ડેમ મળીને એક ત્રિમૂર્તિ બની છે, જેવી ત્રિમૂર્તિ લૉસ આલામોસની હતી. તેઓ ભૂલ ભરેલ કૃત્ય અને ભૂતકાળમાં અને આજે પણ ભૂલો કરનારાઓ વતી at-one-ment - પ્રાયશ્ચિત કરે છે.

ફરીદ અહમદ, મારી ફિટ્ઝેરાલ્ડ, જસીંડા આર્ડમ, અનુષા કુમારી અને ખાલિદ મહમૂદના મનમાં પીડા હતી, તેમનો આત્મા દુઃખી હતો. તેઓ પાસે ગાંધી નામના ઘણા વખત પહેલાં અવસાન પામી ચૂકેલા એ વૃદ્ધ પુરુષ અને તેમના પ્રાયશ્ચિત વિશેના દ્રષ્ટિકોણ વિષે વિચાર કરવાનો સમય નહોતો કે જરૂર પણ નહોતી. અને છતાં એ ગાંધી, પ્રાયશ્ચિત કરતા ગાંધી, એ જ ગાંધી, જે તેમની પૌત્રીઓને ધક્કો મારીને એક માણસ તેમની સમક્ષ હાજર થયો ત્યારે ક્ષણ ભર નારાજ અને ગુસ્સે પણ થયા હશે તે નિઃશંક છે. પરંતુ બીજી જ ક્ષણે જ્યારે એ શખ્સે એક, બે, ત્રણ ગોળીઓ તેમના શરીરમાં ધરબી દીધી ત્યારે તેને માફ પણ કર્યો. એ ગાંધીએ ક્રાઈસ્ટ ચર્ચ અને નેગોમ્બોમાં બનેલ ઘટનાથી આહત થયેલાઓની રગેરગમાં પ્રસરેલા દુઃખ અને તેમની પાપમુક્તિની ભાવનાના અણુએ અણુમાં  પ્રેરણાનો સંચાર કર્યો.

મને ભય છે કે આવા બનાવો હજુ ભવિષ્યમાં પણ બનતા રહેશે. મને ખબર નથી, આ વિષચક્રનો જો ક્યારે ય પણ અંત આવશે તો ક્યારે આવશે. ન્યૂઝીલેન્ડનાં વડાં પ્રધાને કોઈ પણ દેશની સરકારે મક્કમપણે પણ કરુણાથી કેવી રીતે પગલાં ભરવા જોઈએ તે દર્શાવી આપ્યું. પરંતુ આપણે સામાન્ય માણસોએ માનવી અને બૉમ્બ કે કોઈ કોમ અથવા સમૂહના લોકો વચ્ચે ભેળસેળ કર્યા વિના ફરીદ અને ખાલિદ બનવું પડશે. At-one; એમની સાથે - એમાંનાં જ એક.

પ્રાયશ્ચિત અને પર્યાવરણીય કટોકટી

મિત્રો, આપણે બધા એક બાબતે સહમત થઈએ છીએ કે એક નક્કર હકીકતને આપણે લક્ષમાં નથી લઇ શકતા કે આપણે સહુ આપણા આપસી વાતાવરણ સાથે જોડાયેલા છીએ અને તેના આપણા હાથે થતા નાશ માટે સહભાગી છીએ.

મેં આ વક્તવ્યની શરૂઆત ગાંધીએ પોતાના પિતાને હાથોહાથ આપેલ ચિઠ્ઠીથી કરેલી જે તેમના મતે ચોરીનું કૃત્ય હતું તેના વિષે હતી. હું સમાપન એક એવા પત્રથી કરવા માગું છું જે હજુ લખાયો નથી, પણ લખાવો જોઈએ અને આપણા સહુની માતા - ધરતી માતાને અર્પણ કરવો જોઈએ. અને મોટા નિગમોના અધિપતિઓ, મોટે ભાગે ગેરકાયદેસર જમીનની ખનીજ સમ્પત્તિને લૂંટનારાઓ, જંગલનાં વૃક્ષોને વીજળીક કરવત વડે વેરનારાઓ, પહાડો-પર્વતોને ધ્વસ્ત કરનારાઓ, સિમેન્ટના ખડકો ઊભા કરનારાઓ, આપણાં બાળકો અને તેનાં બાળકો જે હવામાં શ્વાસ લે છે તેમાં ઝેરી વાયુઓ અને પીવાના પાણીમાં દૂષિત તત્ત્વો ઑકનારાઓએ ઘૂંટણે પડીને એ પત્ર આપવો જોઈશે. જે લોકોએ હાનિકારક પ્લાસ્ટિક આપણી માટી અને જળ સ્રોતોમાં ભેળવ્યા છે, જેઓ મિસાઈલ્સ છોડવામાં આવે તેને આનંદાશ્ચર્યથી તાળીઓથી વધાવી લે, અને તેમાં ય જ્યારે એક મિસાઈલ બીજા સાથે ટકરાય ત્યારે વધુ હર્ષોલ્લાસ અનુભવે; જાણે પેલા શાળામાં ભણતાં બાળકો કાચની લખોટીથી રમતા પોતાના બળનું પ્રદર્શન કરે અને જ્યારે પૃથ્વી નિવાસીઓ અવકાશમાં કે ચંદ્ર પર સ્ટેશન તરતું મૂકે (બિચારો સ્વચ્છ અને પવિત્ર ચંદ્રમા!) ત્યારે તો ઑર જોરથી તાળીઓ પાડે છે તે સહુએ “અમે ચોર છીએ. અમે ચોરી કરી છે. અમે અમારા બાળકો અને જેઓ હજુ જન્મ્યાં નથી તેમના મુખમાંથી ખોરાકની ચોરી કરી છે, અમે આબાલ વૃદ્ધ સૌના ફેફસાંમાંથી શુદ્ધ હવાની ચોરી કરી છે, અમે ખેડૂતો અને ફેક્ટરીઓમાં કામ કરનારાઓના ખિસ્સામાંથી ચોરી કરી છે, અમારા ઉત્તમ બૌદ્ધિકોના મસ્તિષ્કના સેલ્સની ચોરી કરી છે. હે ધરતી માતા, તારી હૃદયની ઉદારતા અને આત્માની કૃપાથી જે કઇં પણ આપતી હતી તે બધું જ અમે બે હાથે લઈ લીધું, તેના પર કબજો જમાવ્યો. તું અમને આપતી રહી જેથી અમે તેનો સદુપયોગ કરીએ, લોભ-લાલચ ન રાખીએ, એ તારી બક્ષિસ વહેંચવા માટે હતી, સંગ્રહ કરવા માટે નહીં. અમે ચોર છીએ.” આ કહેવા માટે સામૂહિક સંહાર કરી શકે તેવા અણુશસ્ત્રોના ખડકલાઓ, બાયોલોજીકલ, કેમિકલ, આણ્વીક અને હવે ડિજિટલ ક્ષમતા ધરાવતાં શસ્ત્રો જોઈને જેને જરા પણ ક્રોધ નથી આવતો તેવા લોકોએ પણ જોડાવું જોઈશે.

લગભગ એક સો પાંત્રીસ વર્ષ પહેલાં એક આજાર વૃદ્ધ પિતાએ રાજકોટમાં કરેલું તેમ પૃથ્વી માતા પણ ક્ષમા આપતાં, દર્દ દૂર કરતાં અને આશિષ આપતાં અશ્રુ એ પત્ર પર વહાવશે. ભાઈઓ અને બહેનો, કોને ખબર છે, એ કદાચ એમ ન પણ કરી શકે. કદાચ બધા જીવનદાયી સ્રોત નામશેષ થવા આવ્યાં હશે.

હું આ પ્રવચનનું સમાપન ગાંધીની પસંદગીના વિષય ખુશમિજાજ સ્વભાવના ફાયદાને ભૂલીને ન કરી શકું. હું નિરાશાના સૂરથી પૂરું ન કરી શકું. અને મારી પાસે એમ ન કરવાનું કારણ પણ છે. હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ચાર્લ્સના દરિયામાં ઠલવાતા પ્લાસ્ટિક, આબોહવામાં આવતા પરિવર્તનો, વૈશ્વિક પર્યાવરણની રક્ષા જેવા મુદ્દાઓ માટેનું નેતૃત્વ સર્વ સ્વીકૃતિ પામ્યું છે, પણ એ માટે કરવું જરૂરી કામ જેટલું તાકીદે થવું જોઈએ તેટલું નથી થયું. પેરિસ ખાતેની પરિષદમાં તેમણે માનવ જાતને આબોહવામાં પડેલ ભંગાણની ઊંડી ખીણમાં ધસી પડતી અટકાવવા આપણા ‘સહિયારા પ્રમાદ’નો સ્વીકાર અને ‘માનવીય સહકાર્ય’ની જરૂરિયાતની અરજીનું સ્થાન માનવ જાતના અંતરાત્માના અવાજના વસિયતનામા અંગેના પત્રક સરીખું ગણાય તેમ તેમણે વર્ણવ્યું. પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના ભાવિ રાજા છે. પરંતુ ભવિષ્ય એ ભવિષ્ય છે; એક શક્યતા. વર્તમાન એ વર્તમાન છે; એક વાસ્તવિકતા. આજે તેઓ દુનિયાના સહુથી મોટા પર્યાવરણ અંગેના તત્ત્વજ્ઞાની છે અને એથી ય વધુ તો પર્યાવરણ માટે આશાનું સાતત્ય જાળવનાર અને આપણી શ્રદ્ધાને બચાવનાર એક વ્યાસપીઠ સમાન છે.  

થોડા સમય પહેલાં બ્રિટિશ પાર્લામેન્ટે રાજકીય પ્રાયશ્ચિત કરવા તરફ એક મોટું પગલું ભર્યું તે જોઈને પ્રિન્સ ચાર્લ્સ ખુશ થયા હશે. પર્યાવરણ અને આબોહવાની કટોકટી જાહેર કરતો ખરડો પસાર થયો. આમ કરનાર દુનિયાની સર્વ પ્રથમ બ્રિટનની ધારાસભા છે. એ વિષે બોલતાં જેરેમી કોર્બિને પૂછ્યું, “આપણા બાળકોને ભાંગેલ તૂટેલ ગ્રહ વારસામાં આપી જવા આપણે સંતુષ્ટ છીએ? બહુ મોડું થઈ જાય તે પહેલાં તે વિષે કશું કરવાની આપણને તક છે. આવનારી પેઢીને એ તક નહીં મળે. આ ઐતિહાસિક તક લેવાની આપણી ફરજ છે.

સમાપન

કુદરતી રચનાના ભાગ રૂપ લાલ દાંત અને નહોર ધરાવતા હોમોસેપિયન્સ શું સ્વાભાવિક રીતે અને આગળ વધતાં વધુને વધુ પાશવી બને છે?  કે ઉત્ક્રાંતિ પામતા જીવ તરીકે સ્વાભાવિક રીતે અને આગળ વધતાં વધુને વધુ માનવીય બને છે? આપણને કદી માલુમ નહીં થાય. પુરાવાઓ સંમિશ્રિત, સંદિગ્ધ, અને મૂંઝવનારા હશે. પરંતુ આટલું તો કોઈ પણ કબૂલ કરી શકે અને કરવું જોઈએ : માત્ર સ્વ-હિત પોષવા હેતુ લીધેલ એક એક પગલું અને અન્ય પર તેની શી અસર થશે તે વિશેની નરી ઉદાસીનતા સાથે છુપાં પગલે કંઈક બીજું પણ આગળ આવશે; જે કંઈક અકલ્પનીય કરશે: એ ઘડિયાળને સમય બતાવશે.

ગાંધીજીની દ્વિતીય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વેળાની 1931ની લંડનની સફર સમયે તેમના પર દિવસ અને રાત સ્કોટલેન્ડ યાર્ડના બે ગુપ્ત પોલીસના માણસો દેખરેખ રાખતા હતા. ગાંધીને સાર્જન્ટ એવન્સ અને રોજરને ઓળખવાની સારી તક મળી અને ભારતના કિનારે પહોંચતાં જ તેમણે એ બંનેને યાદગીરી રૂપે તેમના નામ કોતરાવેલી બે કાંડા ઘડિયાળ ભેટ મોકલી. એ બ્રિટનમાં બનેલ હતી, જેની ગુણવત્તાની એ બંને ગુપ્ત પોલીસના કર્મચારીઓ કદર કરી શકે તેમ હતું. ગાંધીએ તેમને કહ્યું, આપણા વચ્ચેની સાંકળને કોઈ શક અસર કરે તેમ ન બનવું જોઈએ, કોઈ કડવાશ નહીં, નફરતનો તો ઉલ્લેખ પણ ન હોવો જોઈએ.

સંસ્થાનવાદે ભારતને હાથક્ડીઓ પહેરાવી હતી. અહીં ભારત પોતાની કાંડા ઘડિયાળ સંસ્થાનવાદ પર બાંધતું હતું. અને કહેવાય છે કે સમય ભોગ માંગતો હોય છે, પરંતુ એ ક્યારેક થોડા સમયમાં ઝખ્મ રુઝાવે પણ છે, at-one-ment; પ્રાયશ્ચિત રૂપે.

[ગોપાલકૃષ્ણ ગાંધીની અનુમતિથી મૂળ અંગ્રેજી પરથી કરેલ અનુવાદ : આશા બૂચ]

https://gandhifoundation.files.wordpress.com/2019/07/atonementinpolitics.pdf

Category :- Gandhiana