ગુજરાતી સાહિત્ય સૃષ્ટિ અને ગાંધીજી

મનોજ રાવલ
17-08-2019

ગુજરાતી સાહિત્યમાં જાહેર રીતે ગાંધીજીના વજૂદની નોંધ તેમની જિંદગીના ૪૬ વર્ષની ઉંમર સુધી લેવાઈ હોય તેવું લાગતું નથી. અલબત્ત બ.ક. ઠાકોરની સાથે તેમને સ્કૂલના દિવસોથી સંબંધ હતો. પણ ગુજરાતી સાહિત્ય જગતને એ વાત અત્યારના સમયમાં નોંધપાત્ર નથી લાગતી. ભારતમાં આફ્રિકાથી આવ્યા તે પહેલાં ગાંધીજી સારા વાચક, અખબારનવીસ તથા ચળવળકાર તરીકે પ્રખ્યાત બનેલા. પણ આ બાબતોની ગુજરાતી સાહિત્યકારને ખાસ નિસ્બત નહીં. એમ તો ૧૮૫૭ના બળવા સમયે નર્મદ શબ્દકોષની રચના કરતો હતો. પણ તેની સમાજ સાથે નિસ્બત એટલી હતી કે એક વખત તે સુરતથી મુંબઇ વહાણમાં ગયો તો મુંબઈ બંદરે તેનું સ્વાગત કરવા લગભગ દસેક હજાર માણસ એકઠું થયેલું. તેમ ગાંધીજી પણ ગુજરાતમાં લોકપ્રિય હતા. પરંતુ સમાજ પરના ગાંધીજીના પ્રભાવક વલણનો સાહિત્યજગતે સ્વીકાર પ્રમાણમાં મોડો કર્યો. પ્રથમ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગાંધીજીના નામની દરખાસ્તને બહાલી મળી ન હતી. એ જમાનામાં રમણભાઈ નીલકંઠ અને ગાંધીજીને સંબંધ એટલા સારા હતા કે રમણભાઈનાં મેલાં કપડાં ગાંધીજીને રૂચતાં નહીં. હળવેથી તે પર નુક્તેચીની થતી. પરંતુ ‘ભદ્રંભદ્ર’ના રચનાકાર જેવા પંડિતોને ગાંધીજી કોશ હાંકનાર કોશિયો પણ સમજી શકે તેવી ભાષા યોજવાનું કહી શકતા. એ જમાનાના નવલકથા જેવા સાહિત્ય સ્વરૂપોની સામગ્રીની ગાંધીજીએ ટીકા કરી હતી. તો પણ ગુજરાતના યુગમૂર્તિ વાર્તાકાર ગણાતા ર.વ. દેસાઈએ પોતાની કેટલીક રચનામાં ગાંધીવિચારને પ્રગટ કર્યો. જો કે ગાંધીજી આવ્યા પહેલાં ‘સરસ્વતીચંદ્ર’કાર ગો.મા.ત્રિ.એ ‘કલ્યાણગ્રામ’ની વાત મૂકી હતી. પરંતુ ર.વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’નું અનુસંધાન ‘કલ્યાણગ્રામ’ કરતાં ‘હિંદસ્વરાજ’વાળા ગામડાના મોડેલનું સ્વીકારાયું હોય એવું લાગે છે

ર.વ. દેસાઈની ‘દિવ્યચક્ષુ’થી લઈ ‘હૃદયનાથ’ ઉપરાંત ઘણી કૃતિઓમાં ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમને સ્થાન અપાયું છે.

આ સાહિત્યકાર ગાંધી વિચારનો આદર્શ સિદ્ધ થતો ન અનુભવતાં ‘છાયાનટ’, ’ઝંઝાવાત’ જેવી કૃતિઓમાં સામ્યવાદને પણ નિરૂપે છે. પણ સ્વીકારવું જોઈએ કે તે ગાંધી વિચારનો પ્રતિભાવ છે.

ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળ અંગે લખતા તેમના કેટલા ય સાથીઓ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકારો ગણાયા. જેમ કે સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર (જે બાદમાં મુન્શી પછી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બનેલા) જેવાં નામો યાદ કરીએ છીએ. પરંતુ તેમને શુદ્ધ સાહિત્યકાર તરીકે સ્વીકારાયા છે એ રા.વિ. પાઠક વકીલાત છોડી ગાંધી વિચાર અપનાવે છે. એ જમાનામાં તે પ્રયોગશીલ વાર્તાકાર હતા. પરંતુ નિબંધ અને લેખ દ્વારા તે ગાંધીવિચારના પ્રચારક તરીકે કામ કરતાં લાગે છે. એ જમાનામાં અંગ્રેજ અમલદારોના આદેશો કે વહીવટી નીતિ સામે ગાંધીજીનો જે વિરોધ રહેતો તે મુદ્દા ઉપર ઉપહાસની રીતે આલેખી સરદાર વલ્લભભાઈ પટેલની ગાંધી પ્રવૃત્તિને મૂલવતા.

ગુજરાતી કવિતા જગતમાં ઉમાશંકર જોશી અને સુંદરમ્‌ને ગાંધીયુગના પ્રતિનિધિ માનવામાં આવે છે. દલિત, પીડિત, વંચિત, સહન કરનારાના પક્ષે ચાલતી તેમની કલમ ગાંધી પ્રભાવને વ્યક્ત કરે છે. એક વાત એ પણ નોંધવી જોઈએ કે ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીનો પ્રભાવ જેવો (જેટલો નહીં) ટાગોરનો પણ હતો. બંનેના સમન્વયનું ઉદાહરણ ઝવેરચંદ મેઘાણી કહી શકાય. અંગ્રેજ શાસનનાં મૂલ્યો સામે ભારતીય મૂલ્યોની ખોજ અને સ્થાપના એ ત્યારના સમયની માંગ હતી. ટાગોરે કહ્યું ‘ધરતી તરફ પાછા વળો’ અને મેઘાણીએ દેશ-પ્રદેશનાં મૂલ્યો મૂકી આપ્યાં. જો કે કેટલાક નોંધે છે કે ‘મન મોર બની થનગાટ કરે’ જેવી રચના જે ટાગોર દ્વારા ઢાકાની મલમલ સમાન સૌંદર્યબોધ આપે અને તે જ રચના મેઘાણીની પાસે આવતા બગસરાનું માદરપાટ બની જાય, તેમ કેટલુંક ગાંધી વિચારમાં પણ બને છે.

ગાંધીજીએ ‘આશ્રમ ભજનાવલી’ દ્વારા ભારતીય સંત સાહિત્યની વિદ્યાશાખાને સ્થાન આપ્યું. જે સ્વતંત્રતા સંઘર્ષ માટે તે એક અનિવાર્ય માંગ હતી. આ વિદ્યાશાખાના શ્રેષ્ઠ અભ્યાસી રહ્યા વિનોબા ભાવે. વિનોબાને આપણે ત્યાં ભૂદાન-ચળવળથી ઓળખીને સ્થાપી દેવાયા છે. વિનોબાનો ધર્મ-અધ્યાત્મ સાહિત્યનો અભ્યાસ એટલો વ્યાપક રહ્યો કે તેમના આ ક્ષેત્રના પ્રદાનનો એક અલગ ગ્રંથ બને. એ વાત યાદ રાખીએ કે ગાંધીજી જે પુસ્તકો જેલમાં વાંચતાં તેમાં ગુજરાતી પુસ્તકોનાં નામો બ.ક. ઠાકોર સૂચવતા. અને ‘આશ્રમ ભજનાવલિ’ના સંપાદનમાં વિવિધ વિચારધારાવાળા લગભગ પચાસ લોકોનો પ્રભાવ હતો.

ખેર, ગો.મા. ત્રિપાઠીનું ‘કલ્યાણગ્રામ’ ગાંધીજીના ‘હિન્દ સ્વરાજ’નું ગામડું આજે તો ગ્રામલક્ષ્મી, ગોપાલગ્રામ, નંદીગ્રામથી લઇ ગોકુળગ્રામ, ઇ-ગ્રામ બની ચૂક્યું છે. પણ ગુજરાતી સાહિત્ય જગતે આ આદર્શ સામે વાસ્તવ જગત પણ રજૂ કર્યું છે. દાખલા તરીકે મડિયાનું ‘લીલુડી ધરતી’ અને ‘શેવાળના શતદલ’ યાદ આવે.

વિધાયક અભિગમવાળા શિક્ષણમાં સ્નેહરશ્મિ તથા કર્મશીલ જયંતિ દલાલની કલમ ગાંધી પ્રભાવના આઘાત-પ્રત્યાઘાત આપે છે. સ્વતંત્ર ભારતમાં ગુજરાતી સાહિત્યકારોમાં ‘દર્શક’ ગાંધીજીને ‘ઝેર તો પીધાં જાણી જાણી’ નિમિત્તે રજૂ કરે છે. ગાંધી હયાત હતા ત્યારે એ ગાંધીજીને બરોબર વ્યક્ત નથી કરી શક્યા. પરંતુ ગાંધી ગયા પછી ગાંધી બળકટ રીતે પ્રગટ થયા. ‘સોક્રેટિસ’, ‘કુરુક્ષેત્ર’, તથા અધૂરી રહેલી ‘લિંકન’ વિષયક કૃતિ ગાંધીની સત્તા અને સમાજ વિશેની વિભાવના પ્રગટ કરે છે. આપણા જ્ઞાનપીઠ વિજેતા સર્જક રઘુવીર ચૌધરી ‘વેણુવત્સલા’ નિમિત્તે ગાંધી નિરૂપે છે. આ લખનારને નરેશભાઈ વેદે જણાવ્યું કે હરમાન હેસની ‘સિદ્ધાર્થ’ સાથે આ કૃતિની તુલના કરી શકાય એટલી સક્ષમ રચના છે.

હરીન્દ્ર દવે ‘ગાંધીની કાવડ’ તથા ‘મોટા અપરાધી મહેલમાં’ નવલકથાઓ આપી આપણે ગાંધીથી કેટલા દૂર નીકળી ગયા તેની યાદ આપી. ગદ્યકારો ઉપરાંત કવિઓએ ગાંધીને યાદ કરીને પુષ્કળ લખ્યું છે.

‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો નથી.’ કહેનાર હસમુખ પાઠકથી લઇ રતિલાલ ‘અનિલ’, શેખાદમ આબુવાલા જેવા કવિઓ ગાંધીજીને યાદ કરે છે. રાજેન્દ્ર શુક્લ ગાંધીને રાજઘાટ પર જ યાદ નથી કરતા, આપણા રોજિંદા આરોગ્યની તકેદારી રૂપે કંઈક આ મતલબનું કહે છે : ‘કેટલા છે જીવલેણ રોગો પણ કામ આપતા નથી સત્યના પ્રયોગો પણ’. તો હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્ર ‘ગાંધીડો કઈ બકરીનું દૂધ પીવે ?’ કહી બહેતર સમાજ રચના માટે ઝીલવા પડતા પડકારોમાં ગાંધી-ઉદાહરણો આપે છે. તેમણે એક સારી વાત પર ધ્યાન દોરેલું કે વહાણના પાટિયા પર બેસી લખેલ પુસ્તકના લખાણોમાં કશીક ભૂલ હશે. પણ એ ભૂલો ગાંધીજીએ જીવન દ્વારા સુધારી હતી. તાજેતરમાં ગાંધી દોઢસોમી નિમિત્તે કવિ કમલ વોરાએ ‘પરબ’ સામયિકમાં ગાંધી વિષયક નાની ક્ષણિકાઓ રૂપે રચનાઓ આપી છે, તે ગાંધી સ્મરણનો શ્રેષ્ઠ ઉપક્રમ રહ્યો.

અહીં ગાંધીના પુત્ર હરિલાલ નિમિત્તે લખાયેલ નવલકથા કે કવિ નાનાલાલના ‘પ્રભાતનો તપસ્વી’ અથવા ‘વર્ધાના વંઠેલ’ના સ્મરણનો હેતુ નથી, કારણ કે ગાંધીના મૂળ તત્ત્વને કઈ રીતે પ્રગટ કરવું તે સર્જકની મથામણ હોય છે. ગાંધીની પ્રશંસા કે ગાંધીની ટીકા એ સર્જકકર્મ નથી, એ તો વિચારકો-વિવેચકો-દર્શનિકોનું કામ છે. સર્જક તો એ તપાસે છે કે મૂળમાં ગાંધી કેવી રીતે પ્રગટે. નાટકોમાં કે અન્ય સાહિત્ય સ્વરૂપમાં, ટી.વી., સિનેમા દ્વારા પ્રગટતા ગાંધીજી એ અલગ અભ્યાસનો વિષય છે. હા, એક અન્ય વાત નોંધવી જોઈએ કે ગુજરાતમાં સમગ્ર ગાંધી સાહિત્યનો અભ્યાસ કરનાર વ્યક્તિવિશેષ પણ પ્રાપ્ત થતાં જ રહ્યા છે. જેમકે ચી.ના. પટેલ, દક્ષાબેન પટ્ટણી, રામનારાયણ પાઠક, નગીનદાસ સંઘવી, નારાયણ દેસાઈ, જયંત ગાડીત અને પ્રબોધ પરીખ જેવાં કેટલાં ય નામ ગણાવી શકાય. અત્રે નોંધ મૂકવાનો હેતુ એ છે કે ગાંધીજીએ મુનશી જેવા સાહિત્યકારને ‘પૃથ્વીવલ્લભ’ નિમિત્તે કેવી રીતે જોયા તે તેમનો અભિગમ. પણ સાહિત્યકારોએ ગાંધીજીને કઈ રીતે જોયા છે, તે શોધકર્તાઓ માટે આજે પણ રસનો વિષય બને તેમ છે.

ગાંધી અનુપ્રાણિત ‘જોડણીકોશ’ ગુજરાતી સાહિત્યકારોએ અપનાવેલ પરંપરાનું સહજ ઉદાહરણ છે.

ગુજરાતી વિભાગના નિવૃત્ત વડા, ઉપલેટા કૉલેજ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ - 13; અંક - 141; પૃ. 06-07

Category :- Opinion / Literature