નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય

ભોગીલાલ ગાંધી

રાજા રામમોહન રાય અને દુર્ગારામ મહેતાજી

1. ભારતીય ભૂમિકા
યુરોપની સરખામણીમાં ભારતના પુનર્જીવન – ‘રેનેસાં’નો યુગ ઘણો મોડો આરંભાયો હતો. અને યુરોપ કરતાં ભારતની પાર્શ્વભૂમિની ભિન્નતા તથા ‘રેનેસાં’ સમયની પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ પણ નોંધપાત્ર હતી. ભારતમાંના આ પુનર્જીવન સાથે પશ્ચિમી-યુરોપી પ્રજાઓના ભારત-આગમનની અને વિશેષે ભારતમાં અંગ્રેજી રાજ્યશાસનની ઘટના, તેનાં શુભાશુભ લક્ષણો સાથે, નિર્ણાયક પરિબળ બની હતી.

અંગ્રેજ આગમન પૂર્વે

અંગ્રેજોના આગમન પૂર્વે, બલ્કે પશ્ચિમી પ્રજાઓના આગમન પૂર્વે ઘણા લાંબા સમયથી - અતિ પ્રાચીન કાળથી વિદેશી ટોળીઓ અને પ્રજાઓએ વારંવાર ભારત પર આક્રમણ કર્યાં હતાં. પરંતુ એ તમામ ટોળીઓ અને પ્રજાઓ, એક તો, અને નોંધપાત્ર રીતે, ભારતમાંના તે તે સમયના વિકાસની તુલનાએ, પછાત પ્રજાઓ હતી. અને બીજું, તે તે પ્રજાઓ ભારતમાં આવી ભારતની પ્રજામાં ભળી જઈ, ભારતની ભૂમિ સાથે અવિચ્છિન્ન બની ગઈ હતી. બલ્કે આ તમામ નવાગંતુકોને પોતાના ઉદરમાં સમાવી લેવાની, આત્મસાત કરી લેવાની, અને બને તેટલા એ ઓછા સંઘર્ષો, અને અધિકતર સંપર્ક દ્વારા ભેદોને ઓગાળી નાખવાની એક અદ્ભુત સાંસ્કારિક રાસાયણિક પ્રક્રિયા ભારતને માટે સહજ બની ગઈ હતી.

બીજી રીતે વિચારતાં એ પણ જણાય છે કે, પ્રાચીન યુગથી એટલે કે ઉપનિષત્કાળથી આરંભી છેક મધ્ય યુગના અંત સુધીમાં ભારતમાં જ્યારે જ્યારે પ્રચલિત સમાજરચનાનું સ્વરૂપ જડ-રૂઢ અને વિકાસરોધક બનવા પામ્યું હતું, ત્યારે ત્યારે તેની અંદરથી જ નવા ક્રાંતિકારી પરિવર્તનશીલ બળો પ્રગટ્યાં હતાં; અને યુરોપના ઇતિહાસની તુલનાએ, પ્રમાણમાં ઓછા ક્રૂર અને કાતિલ સંઘર્ષો દ્વારા, નવઘડતરની પ્રક્રિયા અખંડપણે ચાલતી રહી હતી (દૃષ્ટાંતરૂપે ઉપનિષત્કાળમાં મોટા ભાગના ક્ષત્રિય ઋષિઓનું નૂતન બ્રહ્મચિંતન, બુદ્ધનું બંડખોર તત્ત્વચિંતન, લોકાયતી-સાંખ્ય-ચાર્વાક-નાસ્તિકવાદની જેહાદ, જ્ઞાનમાર્ગી અને ભક્તિમાર્ગી સંતો અને કવિઓનાં લોકતાંત્રિક સમાનતાવાદી આંદોલનો વગેરે)

ભારતના ઇતિહાસની એક ત્રીજી વિશેષતા પણ નોંધપાત્ર છે. ભારત ઉપર વિદેશી આક્રમણો થયાં, સદીઓ લગી રાજ્યોની ઊથલપાથલો ચાલુ રહી, પરંતુ ભારતવર્ષની પાયાની સમાજરચના આદિયુગથી મધ્યયુગના અંત સુધી લગભગ એવી ને એવી અને અંગ્રેજોના ભારતપ્રવેશના સમય સુધી ઘણે અંશે અકબંધ રહી હતી.

આવી ભારતીય ‘અકબંધ’ સમાજરચનાના બે પાયા હતા –

(1) પહેલો પાયો : વર્ણવ્યવસ્થા (વેદકાળની મૂળ બે વર્ણમાંથી ઉપનિષત્કાળ સુધીમાં સ્થાયી બનેલી ચાતુર વર્ણવ્યવસ્થા) આરંભમાં ગુણકર્મે કરીને બનેલી અને પાછળથી જન્મથી નક્કી થઈ ગયેલી, ઉચ્ચનીચની શ્રેણીવાળી, બ્રાહ્મણ વર્ણના ઇજારદારી વર્ચસ્વવાળી હિંદુ સમાજરચના : ચિંતન અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે, ઈશ્વર યા દેવદેવીઓની કલ્પના અને પૂજા, કર્માનુસારી પાપપુણ્ય-આધારિત પુનર્જન્મ અને પરલોક, તથા અન્ય મહત્ત્વનાં અંગો વિષેના આચારવિચારના ભેદો સુદ્ધાં જ્યારે ગૌણ બની જતા હતા ત્યારે, ઉપર કહી તેવી વર્ણવ્યવસ્થાની ઇમારત અકબંધ રાખવા મરણતોલ પ્રયાસો થતા રહ્યા હતાં. અને વર્ણભેદની અતિશયતા જ્યારે અસંખ્ય ન્યાતિઓમાં વિસ્તાર પામી સમાજના આખા દેહને છિન્નભિન્ન કરી રહી હતી, ત્યારે આરંભકાળની ગુણકર્મ પ્રધાન વર્ણવ્યવસ્થા તરફ પાછા ફરવાનો પ્રયાસ વધુમાં વધુ ઉદ્દામ લેખાયો હતો.

(2) બીજો પાયો : ગ્રામપંચાયતી લોકશાહી અને પરસ્પર સહકારી સ્વપર્યાપ્ત આર્થિક રચનાનો, તેમાં જમીનની માલિકી, તમામ વ્યવહાર પૂરતી ગ્રામપંચાયતની ગણાતી; અને ગામ તરફથી રાજ્યસત્તાને નિયત ‘ભાગ’ (ઉત્પાદનનો) આપી દીધા પછી, તેના તરફથી શાંતિ અને સુકાળના સમયમાં ભાગ્યે જ કશી રોકટોક કે દખલ સહેવાની રહેતી હતી. સામેથી, નહેરો અને સંરક્ષણની બાબતમાં રાજ્યે પોતાની જવાબદારી માન્ય કરી લીધી હતી. અને બધી સ્થાનિક સત્તાઓ, જરૂરિયાતો તથા વ્યવસ્થાનો ભાર ગ્રામપંચાયતને શિર રહેતો હતો.

અંગ્રેજ આગમનનાં પરિણામ

અંગ્રેજોની સત્તા સ્થાયી થતાં ભારતની પૂર્વકાલીન સમાજ રચનાના આ બેઉ પાયા હચમચી ઊઠ્યા.

અંગ્રેજ વેપાર માટે ભારતમાં પ્રવેશેલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ધીમે ધીમે કરતાં, હરએક પ્રકારના કાવાદાવા, જૂઠાણાં, બેઈમાની, ખૂન, અત્યાચાર, લૂંટ, લાંચરુશ્વત અને કુનેહ તથા શસ્ત્રબળને આધારે મોગલ બાદશાહો, સ્થાનિક નવાબો, મરાઠાઓ અને પોતાના જ પશ્ચિમી – પોર્તુગલ, ડચ, ફ્રેંચ ભાંડુઓનો કાંકરો કાઢતા જઈ, 1757 સુધીમાં તો બંગાળમાં કબજો જમાવી દીધો હતો. કલાઈવ, હેસ્ટિગ્ઝ અને કૉર્નવૉલિસના અમલ દરમ્યાન, ચાંચિયાગીરી, જકાતનીતિ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નાનામોટા પગારદારોની બેફામ ઇજારદારી, અને મહેસૂલી નીતિએ દેશી વેપારી, દેશી કારીગર અને દેશી ખેડૂતની પાયમાલી કરી નાખી હતી.

ભારતના અર્થકારણનો પાયો - ગ્રામઅર્થરચનાનો પાયો - જ તોડી નાખવામાં આવ્યો હતો : સદીઓ થયાં ભારત પાકો માલ નિકાસ કરનાર પૂર્વનું એક મહાન મથક હતું તે અંગ્રેજોના રાજઅમલમાં કાચો માલ નિકાસ કરી પાકો માલ આયાત કરનાર બ્રિટનનું ખંડિયું બજાર બની ગયું હતું. એકંદરે, વેપાર વધ્યો હતો, પણ વેપારીઓ ડૂબ્યા હતા; દેશીઓ ગરીબ થયા હતા. પરદેશી ધનાવન બન્યા હતાં.

અઢારમી સદીને અંતે, રાજા રામમોહન રાયની ભરયુવાનીના સમયે, ભારતની આર્થિક-રાજકીય અવદશા બેસી ચૂકી હતી.

2. સામાજિક – સાંસ્કારિક ભૂમિકા

ઈ.સ.1800થી ભારતવર્ષમાં અંગ્રેજોની સત્તા સ્થાયી અને વ્યાપક સ્વરૂપ પામી ત્યારે ભારતવર્ષ, વિશેષત: બંગાળ જ્યાં ભારતીય પુનર્જાગૃતિની પ્રથમ જ્યોત પ્રગટી — ત્યાં સાંસ્કારિક-સામાજિક સ્થિતિ ઘણીબધી નામોશીની હતી.

ચાતુર્વર્ણ્યના જડબેસલાખ ચોકઠામાં પ્રજાનો પ્રાણ રૂંધાઈ રહ્યો હતો. બ્રાહ્મણવર્ગની જોહાકીનો પાર ન હતો. એમણે કહ્યો તે ધર્મ, એમણે લખ્યું તે શાસ્ત્ર, ને એમણે પ્રયોજ્યો તે ન્યાય એવી હાલત હતી. જન્મથી મરણ પર્યંતના તમામ નાનામોટા પ્રસંગે બ્રાહ્મણને હસ્તક ફરજિયાત ધર્મવિધિ કરવાની હોઈ એના વિરોધમાં કે એની અવકૃપામાં જીવવું જ મુશ્કેલ હતું. કાયદાનો બનાવનારો અને ન્યાય તોળનારો એ જ એકમાત્ર ઇજારદાર હતો (ઘણા લાંબા સમય સુધી ન્યાયની બાબતમાં કોર્ટમાં પણ પંડિત અને મોલવીના હાથે ન્યાય તોળાતો; અને એમણે રચેલાં શાસ્ત્રોના આધારો લેવાતા.) વળી આ બ્રાહ્મણ ‘નિબંધકારો’ નવી સ્મૃિતઓ પણ રચતા હતા;1 અને ધર્મને નામે જૂની રૂઢિઓને જીવતદાન આપી નવા વિચારો અને આચારોને ગળે ટૂંપો દઈ પોતાનો સ્વાર્થ સાધતા હતા. ભાવુક પ્રજા ધર્મને નામે, શાસ્ત્રને નામે, વધુ ને વધુ જડ બંધનોમાં પોતાની જાતને સુરક્ષિત માની જીવતી હતી; અને એની સામે અવાજ ઉઠાવનાર ઉપર કેવળ બ્રાહ્મણ – પૂજારી વર્ગનો જ નહિ, આખી પ્રજાનો ખોફ ઊતરતો હતો; અને એને ન્યાયજાતથી બહિષ્કૃત કરવામાં આવતો; એનો ‘દીવોપાણી’ સુદ્ધાં બંધ થતો. એવાની સાથે સંબંધ રાખનારનું પણ આવી બનતું.2 હિંદુ સિવાયની જાતિના લોકો સાથે ખાવાપીવાનો સંબંધ રાખવો એ તો મહાપાતક ગણાતું. એને ‘યવનદોષ’ ગણી તેવા માણસનો બહિષ્કાર થતો. અને છાણ-ગોમૂત્રનું પ્રાશન કરી, અપમાનિત થઈ ખાસો દંડ ભરી પ્રાયશ્ચિત કરનારને જ પાછો સમાજમાં લેવામાં આવતો! આવા ‘બહિષ્કૃતો’ રંજાડથી ત્રાસી જઈને, બચવા સારુ પરધર્મી બની જતા.
ઈશ્વર ઉપરની શ્રદ્ધા પણ હજારો દેવદેવીઓની − ‘શક્તિ’ (કાલિ આદિ)ની પૂજામાં પરિણમી હતી. આ પૂજાનાં સ્વરૂપો પણ અણઘડ હિસક હતાં. બૌદ્ધ સહજીયા, વામપંથી, તાંત્રિક પંથોની (પશુબલિ અને ક્વચિત માનવબલિ જેવી) અઘોરી પદ્ધતિઓ દાખલ થઈ ગઈ હતી અને હિંદુઓની અંદરના જ પંથો વચ્ચે અસહિષ્ણુતા અને દ્વેષ વ્યાપક બન્યાં હતાં. મૂર્તિપૂજા, વિધિ-આચારો, દેવદર્શન, તીર્થાટન, આભડવું-અડકવું, નહાવું-ધોવું, તિલક-માળા વગેરેમાં ધર્મની અથેતિ સમાઈ ગઈ હતી. તંત્ર-મંત્ર, જાદુ-ઇલ્મ, ભૂત-પ્રેત આદિ ધતિંગો પણ ધર્મને નામે ફૂલ્યાંફાલ્યાં હતાં તથા ઠાઠમાઠ, વિલાસવિષય ધર્મની છત્રછાયા નીચે સલામત બન્યાં હતાં.

અસ્પૃશ્યતા, અને નીચી ગણાતી જાતિઓનો તિરસ્કાર, સ્ત્રીઓની માનહાનિ અને તાબેદારી, ફરજિયાત ‘સતી’ અને ફરજિયાત ‘વૈધવ્ય’, ઉપરાંત ‘કુલીનગીરી’ (કુલિન બ્રાહ્મણોમાં અનેક પત્નીઓ કરવાની પ્રથા) તથા ‘દેવદાસી’ (સ્ત્રીઓએ મંદિરોમાં નર્તકી તરીકે જીવવાની પ્રથા) તો બંગાળમાં ખૂબ જ ભયંકર સ્વરૂપે પ્રચલિત હતી.

જ્ઞાન અને અનુભવના દરવાજા ભિડાઈ જતાં, અને અમુક વાડામાં જ આચારવિચાર ભરાઈ પડતાં, કોઈ પણ નવી શોધ, નવું જ્ઞાન, નવો અનુભવ, નવો વિચાર, નવું સાહસ, નવી દૃષ્ટિને માટે કશો અવકાશ જ ભાગ્યે રહ્યો હતો અને પ્રારબ્ધવાદમાં શ્રદ્ધા રાખી, જે છે તે હાલતને સ્વીકારી લઈ, જૂની ઘરેડમાં જીવન પૂરું કરી જવાની નિર્માલ્યતા પ્રજાજીવનમાં પ્રવેશી ગઈ હતી.
સમાજના ઘણા મોટા સમૂહની દશા ઉપર વર્ણવી તેવી હતી. આગળ જણાવ્યું તેમ, અવારનવાર તેની સામે સુધારા અને પ્રગતિ માટે પ્રયાસો થતા રહ્યા હતા પરંતુ તે મહદંશે ચાતુર્વર્ણી સમાજરચનાના ચોકઠાની અંદર જ. અને અંતે તો, દુનિયાથી લગભગ અલિપ્ત સ્વપર્યાપ્ત ગ્રામઘટકોમાં, સેંકડો વરસથી એકધારું જીવન જીવતો સમાજ બહુ જલદીથી પાછો જૂની ઘરેડમાં પડી જતો હતો. આવા રૂઢ બનેલા સમાજ માટે પશ્ચિમી પ્રજાનાં તદ્દન ભિન્ન પ્રકારનાં આચારમાનસ અને વ્યવહારનો સંપર્ક એક જબરજસ્ત ધક્કારૂપ હતો – પ્રબળ આઘાતરૂપ હતો.
એણે આ દેશનો આર્થિક પાયો જડમૂળમાંથી ઉખાડી નાખ્યો; તે જ રીતે આ દેશની પ્રાચીન પ્રણાલી અને ચિંતન તથા જીવનપદ્ધતિ ઉપર જ ઘા કર્યો. પ્રાચીન ભારતીયત્વની કેવળ ઉપેક્ષા કરી.
બીજી બાજુ, ખ્રિસ્તી ધર્મના એકેશ્વરવાદ તથા તેનાં નૈતિક તત્ત્વો ઉપરના ઝોકનું આકર્ષણ પણ જાગ્યું.

પશ્ચિમનાં સાહિત્ય, શિક્ષણ, ઇતિહાસ, આદિએ નવી જ દૃષ્ટિ અને ભાવના વિકસાવી.

પશ્ચિમના અતિ ઝડપી ભૌતિક વિકાસ-વિજ્ઞાન, યંત્રો અને ઉદ્યોગોએ ઉત્કર્ષની નવીન પ્રેરણા પાઈ નવી મહેચ્છાઓ જગાડી.

૩. નવી ક્ષિતિજો : નવી સમસ્યા

આમ, અંગ્રેજોના સ્થાયી સંપર્કે નવી જ ક્ષિતિજો ઉઘાડી દીધી હતી.

નવા કાર્યક્રમો : નવાં સાધનો

ભારતીય સુધારકની સામે જબરજસ્ત સમસ્યાઓ મોં ફાડી ઊભી હતી :
(1) ધીમે ધીમે કરતાં હિંદુ ધર્મ અને સંસ્કારિતાનું જે રીતે પતન થયું હતું તેણે માનવીની ખુદ માનવતાનો પણ હ્રાસ કર્યો હતો.
(2) ભારત પર વિદેશી સત્તાનું જે ઘોર વાદળ જામ્યું હતું, તેની આર્થિક-રાજકીય ભીંસમાં ભારતની પ્રજા દીન અને દરિદ્ર બની રહી હતી.
(3) ભારતની સ્વતંત્રતા અને ઉત્કર્ષ-આબાદી માટે ભારતની એકતા અનિવાર્ય હતી, ત્યારે ભારત તો ધર્મો, ન્યાયજાત, રીતરિવાજ અને ઉચ્ચનીચ ભેદો દ્વારા શતધા ખંડિત હતું! એને નવેસરથી એકતા અર્પ્યા વિના, એની રાષ્ટ્રીયતાની અસ્મિતા જગાડ્યા વિના, એની ભાવિ પ્રગતિ અશક્ય જ હતી.
(4) આ પ્રગતિ માટે અંગ્રેજી શિક્ષણ અને રાજ્યપદ્ધતિ, તથા ઉદ્યોગો અને યંત્રોને અપનાવ્યા વિના છૂટકો નહોતો.
(5) આ પ્રગતિ માટે મંડળીઓ, સંસ્થાઓ, અખબારપત્રો, પુસ્તકો અને પ્રેસની પ્રવૃત્તિ અનિવાર્ય હતી.
(6) આને માટે ન્યાતજાત, ધર્મ ઇત્યાદિ ભેદોને ગૌણ બનાવી આખા દેશની ભાવના પ્રગટાવવાની, અને સાથોસાથ સ્ત્રીઓની પ્રગતિ સાધવાની પણ અનિવાર્યતા હતી.
(7) વિદેશીઓની પ્રગતિની પર્યેષણા માટે અને એમાંનાં સારાંનરસાં તત્ત્વોની સમજ માટે, તથા એવા વિકાસની તૈયારીઓ માટે વિદેશીઓના વધતા જતા સંપર્કની, વિદેશ-પર્યટનની, અને છેલ્લે એ રાજ્યસત્તા ગમે તેવી કઠોર હોય તોય, ભારતે નવા ચીલે ચડી જવા સુધીય, તેના લાંબા સંસર્ગની અનિવાર્યતા હતી!

આમ, ભારતીય સુધારકની સામે, નવી ક્ષિતિજને અનુરૂપ નવા ક્રાર્યક્રમો, નવાં સાધનો પડકારતાં ઊભાં હતાં. અને આપણે જોઈએ છીએ કે, ભારતીય પુનર્જીવનનાં પુરસ્કર્તાઓએ (ધાર્મિક, સાંસ્કારિક, સામાજિક અને રાજકીય-અાર્થિક દરેક ક્ષેત્રના પુરસ્કર્તાઓએ) આ કાર્યક્રમ અને સાધનો સહજ ભાવે અપનાવ્યાં જ છે (અલબત્ત જુદા જુદા તબક્કે જુદા જુદા અગ્રણીઓએ જુદો જુદો ઝોક દાખવ્યો છે, તેની ચર્ચા આ લેખમાં જવા દઈશ).

જટિલ સમસ્યા

પરંતુ ભારતીય ‘રેનેસાં’ સામે બીજા દેશો કરતાં વિશેષ જટિલ સમસ્યાઓ હતી –

1. ભારતીય (ખાસ કરીને હિંદુ, ઉપરાંત મુસ્લિમ, પારસી ધર્મસહિતની) સંસ્કૃતિના વિકાસમાં વ્યાપેલો સડો શું ભારતનું અનિવાર્ય અંગ હતું? ભારતીય સંસ્કૃિતના વિકાસના ઇતિહાસમાં નવી પ્રકટતી નૂતનતાઓને શમાવી લેવાની અસાધારણ ગુંજાશ રહેલી હતી એનું શું? એને કારણે ઓછામાં ઓછા સંઘર્ષો દ્વારા અનેક જાતિઓ, ટોળીઓ, ધર્મો અને માન્યતાઓ તથા આચારોને તેણે પોતાના પેટમાં શમાવી લઈ, ક્યાંય કશું ‘અલગ’ ન રહી જાય એ હદે એકાત્મય સાધી, તેમાંથી જ જે ‘અખંડ વિકાસશીલતા’ની શક્તિ લાંબો સમય દાખવી હતી, તેને હવે શું સર્વથા નષ્ટ ગણીને વિસ્મરી દેવી અનિવાર્ય હતી? કે પછી એ પ્રાચીન સંસ્કારિતાનાં શ્રેષ્ઠ તત્ત્વોનો આત્મા પકડી લઈ, નવી પરિસ્થિતિમાં નવેસરથી એ શક્તિ પાછી પ્રગટાવવી હજી શક્ય હતી?

જો આવી શક્યતા રહેલી હોય તો તેના પાયા ઉપર ભારતીય સંસ્કારિતાની નવરચના કરવી રહે. અને એની નવરચના કરવા જતાં જે જે જૂની રૂઢિઓ, માન્યતાઓ ધર્મને નામે આડે આવતી જણાય તે બધીને દૂર કરીને જૂના ધર્મની અને સંસ્કારિતાની શુદ્ધિ કરવી રહે.

આવી શુદ્ધિની પ્રક્રિયામાં જ્યાં પ્રાચીન ધર્મગ્રંથોના ખોટા અર્થ હોય ત્યાં મૂળ તત્ત્વોનું સંશોધન કરીને, તેની સત્યતા પ્રગટ કરવી રહે.

જ્યાં પ્રાચીન ગ્રંથો બુદ્ધિપુર:સરના અને નૈતિક ધોરણના વિકાસની આડે આવતા હોય ત્યાં તેમનો ત્યાગ કરવો રહે.

જ્યાં હિંદુ ધર્મ અને સંસ્કારિતાની અનિષ્ટતા દૂર થઈ શકે તેવી ન હોય ત્યાં તેનો ત્યાગ કરવાની સાથોસાથ, મુસ્લિમ, ખ્રિસ્તી આદિ ધર્મ અને સંસ્કારિતાના સદઅંશોને આવકારવા રહે.
અથવા –

2. આવી કશી શક્યતા જ હવે રહી નથી, એવું સમજવામાં આવે તો, અને અંગ્રેજી જ્ઞાનવિજ્ઞાન જ નહિ, પરંતુ પશ્ચિમી ધર્મ અને સંસ્કારિતાનાં તત્ત્વો ભારતીય તત્ત્વો કરતાં એકંદર વિશેષ ઉન્નત અને ઉત્કર્ષગામી જણાય તો ભારતીય સંસ્કારિતાના ત્યાગ અને પશ્ચિમીના સ્વીકાર ઉપર જ મદાર બાંધવી રહે.

અથવા –

3. હિંદુ ધર્મ અથવા ભારતીય સંસ્કારિતામાં કોઈ મૂળભૂત પાયાનાં દૂષણો છે જ નહિ, જે કાંઈ છે તે માટે પશ્ચિમી સંપર્ક જ જવાબદાર છે એવું માની જુનવાણી તત્ત્વોની રક્ષા કરવાનો મુખ્ય કાર્યક્રમ અપનાવવો રહે.

ભારતની નવજાગૃતિના અગ્રદૂતોએ નિ:શંક રીતે પ્રથમ માર્ગ (સ્વસ્થ સમન્વયનો) જ અપનાવ્યો હતો.

૪. સર્વાંગી પુનરુત્થાનનો પ્રથમ પુરુષ

ભારતને સર્વાંગી પુનરુત્થાનના સ્વસ્થ સમન્વયનો રાહ ચીંધી જનાર ભારતીય રાષ્ટ્રીયતાના આદ્યપુરુષ રાજા રામમોહન રાય હતા. તેમની પ્રથમ પ્રાત:વંદનીય સંસ્થાઓ હતી : આત્મીય સભા (1815) અને ‘બ્રહ્મસમાજ’ (1828); ભારતનાં પ્રથમ રાષ્ટ્રીય પત્રો હતાં – બંગાળી ‘સંવાદ કૌમુદી’ (1821) અને ફારસી ‘મિરાત-ઉલ-અખબાર’ (1822).

આ મહાપુરુષે ખ્રિસ્તીઓની વધતી જતી વટાળપ્રવૃત્તિની અસર સામે, વેદાન્ત સૂત્રોના શાંકરભાષ્યનો અને ઉપનિષદોના અનુવાદો કરી, ’વેદાન્તસાર’ નામનો મૌલિક ગ્રંથ રચી, હિંદુ ધર્મની શ્રેષ્ઠ પ્રણાલી (અદ્વૈતબ્રહ્મવાદ) આગળ આણી, ધર્મગ્રંથોના જ આધારો દ્વારા હિંદુ ધર્મમાં પ્રચલિત અનિષ્ટો (ફરજિયાત સતી, મૂર્તિપૂજા, કુલીનગીરી, નારીની અવનતિ) સામે જેહાદ ચલાવી, સંસારસુધારાનો પાકો પાયો ચણ્યો હતો; (1829માં સતીપ્રતિબંધક કાયદો થવા પામ્યો હતો અને મુસ્લિમ, ખ્રિસ્તી આદિ ધર્મની અંદરનાં અનિષ્ટો સામેય જેહાદ ચલાવી, તે તે ધર્મનાં શ્રેષ્ઠ તત્ત્વો સૂફીવાદ, એકેશ્વરવાદ (બાઈબલનું ભાષાંતર,’ઈસુના ઉપદેશો’ દ્વારા) પ્રકાશમાં આણી, સર્વધર્મસમભાવના આધાર પર બુદ્ધિવાદી એકેશ્વરી વિશ્વધર્મની સ્થાપના કરવાની નેમથી ’બ્રહ્મસમાજ’(1828)ની સ્થાપના કરી હતી.

બીજી બાજુ, અંગ્રેજી રાજ્યઅમલના અન્યાયો (1823નો પ્રેસ ઑર્ડિનન્સરૂપી દમનધારો, ભારતમાં વસતા યુરોપિયનોના કેસમાં ભારતીય જૂરી ન્યાયનું કાર્ય ન કરી શકે તેવો ‘જૂરી ઍક્ટ’, અંગ્રેજી કંપનીની ઇજારદારી વગેરે) સામે પડકાર કરનાર (1823ના ઑર્ડિનન્સ સામે વિરોધમાં પોતાનું ઉર્દૂ પત્ર બંધ કરી દઈને, જૂરી ઍક્ટ ન બદલવા અંગે યુરોપિયનોની ઝુંબેશ સામે ખુલ્લેઆમ રણે ચડીને, તથા પોતાના ઇંગ્લંડ નિવાસ દરમ્યાન અંગ્રેજી કંપનીનો પટ્ટો નવેસરથી ચાલુ ન કરવા અંગે પાર્લમેન્ટ સમક્ષ લડનાર) રાજકીય જાગૃતિના આ આદ્યપુરુસ્કર્તાએ, અતિ દૂરગામી આર્ષદૃષ્ટિના પરિણામરૂપ અંગ્રેજી શિક્ષણપદ્ધતિની પ્રતિષ્ઠા કરી (1817માં હિંદુ કૉલેજની તથા ઍંગ્લો-હિંદુ સ્કૂલની સ્થાપના, 1823માં શિક્ષણ નીતિ અંગેની અતિ પાયાની મૌલિક મશહૂર નોંધ), ભારતીય વિકાસની અપૂર્વ ક્ષિતિજો ઉઘાડી નાખી હતી.

તથા 1830માં વિદેશ પ્રવાસ ખેડનાર આ પુરુષે 1821થી આંતરરાષ્ટ્રીય ઘટનાઓની ઊંડી સમજ પ્રગટ કરી (ચીન, આયર્લૅન્ડની આંતરિક સ્થિતિ, નેપલ્સની નિષ્ફળ ક્રાંતિથી અફસોસ (1821), સ્પેિનશ-અમેરિકન ક્રાંતિથી આનંદનો મેળાવડો (1823), તથા પ્રવાસ દરમ્યાન ફ્રાંસના ક્રાંતિ જહાજને જાતે જઈ કરેલાં અભિવાદન વગેરે) ભારતને વિશ્વની સાથે સાંકળી દઈ ભારતના ભાવિને અપૂર્વ વિશ્વદૃષ્ટિ પ્રદાન કરી હતી.

ભારતીય રાષ્ટ્રીયતાનો આ આદ્ય પુરુષ પોતાનાં લેખન, કાર્ય, સૂઝ, દૃષ્ટિ અને દક્ષતા, નિષ્ઠા અને ત્યાગ દ્વારા પોતાની પછીની પેઢીઓ માટે ભારતના સર્વાંગી પુનરુત્થાનનો સંગીન પાયો રચી, વિદેશમાં (બ્રિસ્ટલમાં)જ 1833માં દેહ છોડી ગયો હતો. આ પ્રાત:સ્મરણીય રામમોહનની કબર ઉપર નીચેના શબ્દ આલેખવામાં આવ્યા છે :

“ઈશ્વરના એકત્વમાં સત્યનિષ્ઠાથી અને દૃઢતાપૂર્વક શ્રદ્ધા ધરાવનાર : એકલા પરમાત્માની જ ઉપાસના વિષેની એકાગ્ર નિષ્ઠાથી તેમણે પોતાનું જીવન પવિત્ર બનાવ્યું હતું.”

અને આ વાક્ય ટાંકી, જગતના એક બીજા મહામાનવ રોમાં રોલાં એમને અંજલિ આપતાં લખી ગયા છે -

“યુરોપની ભાષા વાપરીએ તો, ‘માનવજાતિના એકત્વની’ એવા શબ્દો (ઉપરના શબ્દોને સ્થાને) મૂકવા જોઈએ. બંનેનો અર્થ એક જ છે.”

૫. રામમોહનનો વારસ : દુર્ગારામ

ભારતના સર્વાંગી ઉત્કર્ષના આવા ધુરંધર શ્રેષ્ઠ સુધારકનું 1833માં અવસાન થયું ત્યારે, તેમણે ખેડેલા સ્વસ્થ સમન્વયના રાહે તત્કાલ અનુસારનાર બીજો વીર પુરુષ, ભારત સમસ્તમાં જો કોઈ આગળ આવી રહ્યો હોય તો તે હતો ગુજરાતનો એક અદના મહેતાજી!

ભારતના સંસારસુધારાનો બીજો આદ્યપ્રવર્તક મહેતાજી દુર્ગારામ (1809થી 1876); અને ભારતની બીજી પ્રાત:સ્મરણીય સંસ્થા તે ‘માનવધર્મસભા’ (1844)3.

અલબત્ત, રાજા રામમોહન જેવું વિભૂતિમત્વ દુર્ગારામમાં નથી. એવું જ્ઞાન, એવી મેઘા, એવી વ્યાપકતા નથી, એવી વિરાટતા નથી. અનેક મર્યાદાઓ અને કેટલીક કમજોરી પણ ખરી. છતાં આગવી સૂઝ, સ્વસ્થ દૃષ્ટિ અને ધીરગંભીર બુદ્ધિ તથા નિર્ભીક નિષ્ઠાને પ્રતાપે સુરત શહેરનો એક અલ્પશિક્ષિત મહેતાજી સંસારસુધારાના ક્ષેત્રે ઉચ્ચ ગિરિશૃંગો સર કરી, રામમોહન રાય પછી ભારતના તત્કાલીન સુધારાના અગ્રદૂત તરીકે લાયક ઠરે, એવું સામર્થ્ય પણ એનામાં છે જ છે.

સુધારાના શ્રીગણેશ

માતાનું મૃત્યુ થતાં 1825માં મુંબઈમાં માસીને ત્યાં રહી અભ્યાસ કરી, 1826માં શિક્ષક તરીકે સુરત પાછાં ફર્યા; 1827માં મહેતાજી તરીકે ઓલાપાડ જવાનું થયું. ત્યાં તેમને ‘ભૂતિયું ઘર’ રહેવા મળ્યું. અઢાર વરસની આ વયથી મહેતાજીનો સંસારસુધારાનો ધંધો શરૂ થઈ ગયો જણાય છે.

1828થી 1838નો આ દાયકો શાંત સુધારાનો છે. વહેમો અને ખોટા રીતરિવાજો અંગે જે કોઈની સાથે બેસવા ઊઠવાના પ્રસંગ મળે તેને તેઓ ઉપદેશ આપે છે.

પરંતુ 1838માં તેમની પત્ની ગુજરી ગઈ. એ પછી, વૈધવ્યની વ્યથા જાતે અનુભવી અને વિધવાનાં પુનર્લગ્નની છડેચોક હિમાયત કરવા ચટપટી જાગી.

એવામાં જ 1840માં શિક્ષક તરીકેની વધુ તાલીમ લેવા વળી મુંબઈ જવાનું થયું. પાછાં ફરતાં જ (1842) સુધારાનો કાર્યક્રમ ઉપાડી લીધો:

શાળાના શિક્ષણમાં ભૂગોળ અને ખગોળ વિદ્યાઓનું નવું શિક્ષણ આપવા માંડ્યું. એ શિક્ષણ અને જ્ઞાન પુરાણોની પ્રાચીન માન્યતાઓથી વિરોધી હોઈ મહેતાજી નિંદાને પાત્ર ઠર્યા ત્યારે, એમના જમાનાની બીજી શાળા (બે જ શાળા હતી)ના શિક્ષક પ્રાણશંકર છોકરાઓને આ નવું શિક્ષણ આપતા હતા ખરા, પણ કહેતા હતા: ‘સાહેબ પરીક્ષા લેવા આવે ને પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગોળ છે ને ફરે છે; પણ તે તમે માનશો નહિ; કેમ કે પૃથ્વી ગોલ હોય ને ફરે તો આપણાં ઘર પડી જાય; તે પડતાં નથી, માટે એ વાત ખોટી છે.’

ત્યારે, મહેતાજીનો તો વિજ્ઞાનમાં વિશ્વાસ બેઠો હતો ને પુરાણોની કપોળકલ્પિત કથાઓમાંથી ઊઠી ગયો હતો. તેઓ જે માનતા હતા, તે જ ભણાવતા હતા. આથી મહેતાજી નાસ્તિક તરીકે વગોવાયા હતા.

ઘરમાં પત્નીની સંવત્સરીનો પ્રસંગ આવતાં, કોઈ સગાંને જમવા તેડ્યાં નહિ .... ત્રણ બ્રાહ્મણોને જમવા બોલાવી, ‘તેમના અજ્ઞાન પર દયા કરી’ તેમને ગીતાનો ઉપદેશ સંભળાવ્યો! અને ત્યારથી ‘ધર્મભ્રષ્ટ’ તરીકે નાતજાતમાં ગવાયા.

સુધારાની ઝુંબેશ

આ પછી તો, મહેતાજીએ સુધારાનો ખરેખરો ઉપાડો લીધો જણાય છે – સ્વાર્થી બ્રાહ્મણો પેટ ભરવાના પ્રપંચને કારણે જુઠ્ઠાં શાસ્ત્રો રચી પ્રજાને છેતરે છે; ધર્મને નામે વિધિતંત્રમંત્રની જાળ ફેલાવી ઠગે છે; તીર્થયાત્રાને નામે લોકો ધનથી લૂંટાય છે, ને અનાચારમાં સપડાય છે; રોવા-કૂટવાનાં, મરણવેરાનાં અને ઇતર કર્મજાળનાં દૃષ્ટાંતો આપી મહેતાજી પાખંડો ખુલ્લા પાડતા જાય છે.
પરંતુ હવે તો મહેતાજી સમાજના તમામ ભયો ત્યજી દઈને મહોલ્લે મહોલ્લે ને ચૌટે ચોકે, રાત ને દિવસ, વિધવાવિવાહનો ઉપદેશ આરંભી દીધો. કોઈ વિધવા છિનાળું કરે છે, એવી હકીકત જાણતાં જાતે (દાદોબા અને દિનમણિશંકરને લઈ) તેને ત્યાં જઈ ઉપદેશ આપ્યો: ‘વ્યભિચાર કર્મ મૂકી દો અને જ્ઞાતિનું ભય પણ મૂકી દો ને કોઈ સારો પુરુષ જોઈને સ્વામી કરો ...’
માસી કે જે દુર્ગારામનાં માતાતુલ્ય હતાં, તેમણે જાણ્યું કે આ છોકરો તેમના મૃત્યુ પછી ન્યાત જમાડશે નહિ, માટે તેમણે જીવતે-જીવત વરો કરી દીધો! અને તે દિવસે જમનારાઓએ ગાળાગાળી ને ભ્રષ્ટતા દાખવ્યાં ત્યારે દુર્ગારામે એમને ‘કળિયુગના બ્રાહ્મણ’ કહી ભાંડ્યા.

આવા પ્રસંગો પછી તો દુર્ગારામ બંડખોર ગણાયા ને અધિક હડધૂત થયા.

1842માં પાંચ દદ્દાઓ (દુર્ગારામ, દાદોબા, દિનમણિશંકર શાસ્ત્રી, દલપતરામ માસ્તર અને દામોદરદાસ)ની ‘મંડળી’એ સુધારાને વેગ આપ્યો. મુંબઈથી શિલા-છાપખાનું (લિથો પ્રેસ) મંગાવી વસાવ્યું. (ત્યાંના અમલદારે પરવાનગી નહોતી આપી − છાપું નીકળે તો અમલદારોનાં કૃત્યોની પણ જાહેર ચર્ચા થાય એ ભયે; એથી શરૂમાં સુરત શહેરની સરહદ બહાર કતારગામના દરવાજા આગળ મકાન ભાડે રાખી તેમાં છાપયંત્રો વસાવ્યાં. પાછળથી તે છાપખાનું શહેરમાં આણ્યું.) આ છાપખાનામાં શું શું છપાયું તેની માહિતી ઉપલબ્ધ નથી; પણ માનવધર્મસભા સ્થપાયા પછી તેના આંદોલનની પત્રિકાઓ બહાર પડી હતી તે ત્યાં છપાઈ હશે.

1843ના ફ્રેબ્રુઆરીની 10મી એ છ જણા ભેગા થયા અને વ્યવસ્થિત મંડળીના નિયમ વિચાર્યા.

પરંતુ તત્કાલ મંડળી થવા પામી નહિ. અને મહેતાજીએ એકલપંડે સુધારાનો જબરજસ્ત ઉપાડો લીધો. ‘મિશનરી’ની જેમ ચોરેચૌટે, ઘરેઘરે ફરી અથવા કોઈ ભેગું ન થયું હોય તોય, એકલા ફળિયામાં કે રસ્તા ઉપર ઊભા રહી, રોજ અમુક હજાર શબ્દોનો ઉપદેશ કરવાનો નિયમ રાખી સવા દોઢ વરસ લગી સુધારાનો સંદેશ લોકહૃદય સુધી પહોંચાડ્યા જ કર્યો.4
દુર્ગારામનો ઉપદેશ જેટલો શુદ્ધ હતો, એટલો જ સચોટ નીવડતો. એમની વક્તૃત્વશક્તિ અસાધારણ હતી.5

1844ના જૂનની 22મીએ રીતસર માનવધર્મસભાની સ્થાપના કરી, સુધારાનો પાકો પાયો નાખ્યો −

હજારો દેવદેવીઓ નહિ, એક જ ઈશ્વર.
હજારો પંથો જાતો નહિ, મનુષ્યમાત્ર એક જાતિ.
મનુષ્યમાત્રનો ધર્મ એક છે : માનવધર્મ.
ઉત્તમ અધમનો આધાર ગુણ ઉપરથી, કૂળ ઉપરથી નહિ.
વિવેકને અનુસરી કર્મ કરવાં (શાસ્ત્રમાં લખેલું છે માટે નહિ. – ભો.)
સન્માર્ગની શિક્ષા સર્વને કહેવી (ખુલ્લી રીતે, કશા ભય વિના. – ભો.)

દર અઠવાડિયે-પખવાડિયે ધર્મસભાની બેઠકો જામવા માંડી. હિંદુ ઉપરાંત, ખ્રિસ્તી પારસી પણ આવવા લાગ્યા. અને સામાજિક જીવનવ્યવહારના તમામ સવાલો ખુલ્લે આમ ચર્ચાવા, વિચારાવા લાગ્યા –

ઈશ્વર, જીવ, આત્મા, એકેશ્વર, આત્મકલ્યાણ, મૂર્તિપૂજા, મૂઆ પછીની દશા, ગુરુ, શ્રાદ્ધ, જોષ, ગ્રહણ, મુહૂર્ત, જન્મપત્રિકા તથા હજાર પ્રકારનાં વહેમો, રૂઢિઓ, રીતરિવાજો અને આચારવિચારો ઉપર દિવસો-મહિનાઓ સુધીની બેઠકોમાં મહેતાજીનો સ્વસ્થ બોધ ચાલ્યા જ કર્યો.

થાક નથી, હતાશા નથી, ભય નથી કે વ્યગ્રતા નથી.

આ બેઠકોમાં ને આ બોધ સાંભળનારાં ટોળાંમાં હિંદુઓ છે, મુસ્લિમો છે, પારસીઓ છે, ને ખ્રિસ્તીઓ પણ છે. દિનમણિશંકર શાસ્ત્રી જેવા, અંદરથી સહાનુભૂતિ છતાં, ખુલ્લી રીતે સધિયારો આપતા નથી, તેય કોક વાર ધર્મસભાની બેઠકમાં આવી ચડે છે. દાદોબા પણ ઘણીવાર હાજર રહે છે. તે ચર્ચા-વિચારણામાં ભાગ લે છે અને આગંતુકોને જ એકબીજાના સવાલોના જવાબો આપવા દુર્ગારામ સૂચવે છે. અંતે દુર્ગારામ પૃચ્છકોની શંકાઓના શાંત-સ્વસ્થ જવાબો આપી, ભલભલા ઉગ્ર અને ગરમ વાતાવરણને વણસતું બચાવી લે છે. મહેતાજીને કોઈને માટે કશો રાગદ્વેષ નથી.

દુર્ગારામના આ સવાલ-જવાબો જાણે પ્રાત:સ્મરણીય સૉક્રેટીસના ‘ડાયલૉગ્સ’ની યાદ તાજી કરાવે એવા સચોટ અને સયુક્તિક જોવા મળે છે.

આમ કરતાં વળી સુધારાની જ્યોત ભભૂકી ઊઠે છે: પાંચ પાંચ અઠવાડિયાં લગી બબ્બે હજારની મેદની સમક્ષ, ભૂતપ્રેતના ઉસ્તાદો, જાદુગરો, ભૂવા-જતિઓ, તંત્રમંત્રના જાણકારોને ખુલ્લો પડકાર આપી આમંત્રીને, વહેમ-યવનનો નાશ પોકારવામાં આવે છે! અને ભૂવાઓની ધીંગી ધમકીઓ છતાં (એકવાર મહેતાજી ઉપર શારીરિક હુમલો થયા છતાં) સુધારાનો રથ આગળ ધપ્યો જ જાય છે!

રાજદ્રોહના રાહે !

દુર્ગારામનો સુધારો કેવળ સાંસારિક બાબતો પૂરતો જ સીમિત રહ્યો નથી. 1844ના ઑગસ્ટની 29મી તારીખ ગુજરાતના રાષ્ટ્રીય ઇતિહાસની ગૌરવ તિથિ બની ગઈ. સરકારે મીઠા ઉપરના દાણમાં વધારો કર્યો, સર્વવ્યાપી જંગી હળતાળથી શહેર હેલે ચડ્યું. પોલીસે જુલમની ઝડી વરસાવી અને રોષ ભભૂકી ઊઠ્યો – બેકાબૂ બન્યો. કિલ્લા પર હલ્લો થયો – બંને બાજુ ઘવાયા, ને મૂઆ!

ત્રીસ હજાર નગરજનો જાણે જંગે ચડ્યા હતા!

હિંદુ-મુસ્લિમ સૌ એક બની ઝૂઝ્યા હતા!

એક દિવસ પૂરો થયો .... બીજે દિવસેય એ જ મક્કમતા ને શહૂર ... ત્રીજે દિવસેય એ જ રંગ .... એ જ જંગ!

સરકારે સમાધાન કર્યું. દંગલ શાંત થયું.

“(લોકોએ કરવેરાના વિરોધમાં) અરજી કરવી ઘટારત ખરી; પણ ક્યારે કે જ્યારે રાજા હોય ને પ્રજાનો વિચાર લઈને કંઈક કરે ત્યારે – પણ જો તેમ ન કરે ને પ્રજા ઉપર જુલમ કરે તો પ્રજાએ રાજા સામે લડીને રાજાને શિક્ષા કરવી, ને રાજ્ય બીજા રાજાને સોંપવું .... એવા કામમાં પ્રજા મધ્યેના માણસોને મરવાની કંઈ ચિંતા નહિ. કેમ કે જુલમગાર રાજાઓથી પ્રજાનું રક્ષણ થાય તેમાં મોટો પરોપકાર છે .... અમારું બોલવું કેવળ અંગ્રેજોને વાસ્તે નથી. પૃથ્વી પરના સર્વ રાજાઓ વાસ્તે છે ..... રાજા પોતે જ પ્રજાને દુ:ખી કરવા ઇચ્છે તો પ્રજાએ પોતાના હાથનું બળ રાજાને બતાવવું ને પરમેશ્વરની સહાયતા માગવી.”

માનવધર્મસભાની એ પછીની તરતની બેઠક (1-9-1844)માં ચર્ચા ભભૂકી ઊઠી: મહેતાજીએ ઉપસંહાર કરતાં કહ્યું :
“(લોકોએ કરવેરાના વિરોધમાં) અરજી કરવી ઘટારત ખરી; પણ ક્યારે કે જ્યારે રાજા હોય ને પ્રજાનો વિચાર લઈને કંઈક કરે ત્યારે – પણ જો તેમ ન કરે ને પ્રજા ઉપર જુલમ કરે તો પ્રજાએ રાજા સામે લડીને રાજાને શિક્ષા કરવી, ને રાજ્ય બીજા રાજાને સોંપવું .... એવા કામમાં પ્રજા મધ્યેના માણસોને મરવાની કંઈ ચિંતા નહિ. કેમ કે જુલમગાર રાજાઓથી પ્રજાનું રક્ષણ થાય તેમાં મોટો પરોપકાર છે .... અમારું બોલવું કેવળ અંગ્રેજોને વાસ્તે નથી. પૃથ્વી પરના સર્વ રાજાઓ વાસ્તે છે ..... રાજા પોતે જ પ્રજાને દુ:ખી કરવા ઇચ્છે તો પ્રજાએ પોતાના હાથનું બળ રાજાને બતાવવું ને પરમેશ્વરની સહાયતા માગવી.”

મહેતાજીના ચરિત્રલેખક મહીપતરામ નીલકંઠ લખે છે તે સાચું છે - “આ ભાષણ ઈ.સ. 1844ને બદલે ઈ.સ.1878માં (એપ્રિલના બીજી વારના દંગલ વખતે) કર્યું હોત તો તેમને તેમના જીવતરનો બાકીનો ભાગ કાળે પાણીએ ચડી આંદામાન બેટમાં કાઢવો પડત.”6

1844 પછી

દુર્ગારામની પ્રવૃત્તિનો 1844 પછીનો ઇતિહાસ હજી પ્રકાશમાં આવ્યો નથી. (મહેતાજીના ચરિત્રકાર મહિપતરામે પોતાના પુસ્તકને ‘૧લો ભાગ’ કહી પ્રગટ કર્યો હતો (1879), ત્યાર બાદની માહિતી તેમણેય પ્રગટ કરી નથી.) પરંતુ આટલું તો જાણવા મળે છે – મહેતાજી 1844 પછી, 1852 સુધી તો સુરતમાં જ રહ્યા હતા. અને 1853માં અંગ્રેજી શાળાધિકારી આયરિશ ગ્રેહામ સાહેબ (જેમને નંદશંકર મહેતા ‘દુર્વાસા’ તરીકે અને બીજા તીખા માણસ તરીકે ઓળખાવે છે) ‘સાથે ન બનવાથી’ તેમની રાજકોટ બદલી થઈ હતી.

1844-52 દરમ્યાનનાં વરસોમાં એમની જાહેર પ્રવૃત્તિના અછડતા ઉલ્લેખો મળે છે.

1850માં ફાર્બસની બદલી સુરત થતાં કવિ દલપતરામ સુરતમાં રહેલા; અને ત્યાંની ’પરહેજગાર’ મંડળીની સભામાં તથા અન્યત્ર કવિતા વાંચી સંભળાવતા હતા. તે સમયે દુર્ગારામ મહેતાજી દલપતરામની શીઘ્રકવિત્વ શક્તિની પ્રશંસા કરી સુરતના નામાંકિત પુરુષો પાસે તેમને લઈ જતા.7

1850ની સાલમાં શહેર સુધરાઈનો કાયદો પ્રથમ સુરતમાં લાગુ થયો હતો અને સુધરાઈએ જકાત નાકાં નાખ્યાં હતાં. પ્રજાએ આની સામે બંડ ઉઠાવ્યું હતું. આ સમયે ‘કવિ દલપતરામે તથા મહેતાજીએ શહેરમાં શેરીએ શેરીએ ફરી ભાષણ કીધાં; કાયદો કબુલાવરાવ્યો; લોકમતને વાળ્યો..... ’(‘કવિશ્વર દલપતરામ’, પૃ. 124)

મહેતાજી 1853માં સૌરાષ્ટ્ર ગયા. ત્યાં પણ તેમના જ જ્ઞાતિબંધુ મણિશંકર કીકાણી (જન્મ 1823) સુધારાનું કામ કરતા હતા. તેમણે ‘સુપંચ પ્રવર્તક મંડળ’ની સ્થાપના કરી હતી; તેમાં પરદેશગમન, બાળલગ્ન નિષેધ વગેરેનો પ્રચાર થતો હતો. (અલબત્ત, કીકાણી વિધવાવિવાહના વિરોધી હતા, એમ જણાય છે.) વળી કીકાણીએ ‘સૌરાષ્ટ્ર દર્પણ’ અને ‘વિજ્ઞાન વિલાસ’ માસિકો પણ પ્રગટૅ કર્યાં હતાં. Xxx કીકાણી દુર્ગારામના જ્ઞાતિબંધુ હતા. અને મૈત્રી થઈ હતી અને તેમને સુધારાના વિચારો પ્રગટ કરવામાં દુર્ગારામની સહાય મળી હશે એમ સૂચિત થાય છે. (સં.સુ.રે., પૃ. 26)

‘ગુજરાત અને સૌરાષ્ટ્રની પ્રજા નવયુગના આદિ શિક્ષાગુરુ તરીકે દુર્ગારામને આજેયે ભાવથી સંભારે છે’ (ક.દ., પૃ. 102) એમાં એ વાત સૂચિત થાય છે કે, દુર્ગારામે તેમના રાજકોટ-સૌરાષ્ટ્ર નિવાસ દરમ્યાન નોંધપાત્ર સુધારા પ્રવૃત્તિ આદરી જ હશે.

મહેતાજી નિવૃત્તિ-પેન્શન લઈ 1860માં સુરત પાછા આવ્યા પછીય એમની સુધારાની જ્યોત બુઝાઈ ન હતી. એની સાક્ષી પૂરતું એક જ્વલંત દૃષ્ટાંત મળી આવે છે – 1861માં મહીપતરામ પરદેશ પ્રવાસ કરી પાછા ફર્યા ને તેમને બહિષ્કૃત કર્યા, ત્યારે મહીપતરામને જમવા તેડનારા દુર્ગારામ હતા, અને એ કારણે તેઓ પણ ન્યાતબહાર મુકાયા હતા.8

પાછલાં વરસોમાં ‘મહેતાજીએ સંન્યાસ લઈને સંસારત્યાગ કર્યો હતો’ (ક.દ., પૃ. 110) આવા સમાચાર પણ પ્રાપ્ત થાય છે.

આમ, થોડીક છતાં મહત્ત્વની બાતમી ઉપરથી એટલું તો જાણવા મળે છે કે 1844 પછીય 1852 સુધી મહેતાજી સુરતમાં રહ્યા ત્યારેય, અને 1853થી 60 રાજકોટ રહ્યા ત્યારે, અને 1860માં નિવૃત્ત થઈ સુરત પાછા આવ્યા પછીય તેઓ સુધારાના જાહેર જીવનમાં લાંબો કાળ પ્રકાશમાન હતા, એટલું જ નહિ પણ, પાછલાં વરસોમાં સંન્યસ્તનો સ્વીકાર કરી અંત લગી વિશુદ્ધિના પંથે જ સ્થિત રહ્યા હતા.

સુરતના પ્રિન્સિપાલ હેનરી ગ્રીને મહેતાજીને ‘લ્યૂથર’ તરીકે નવાજ્યા હતા અને નવલરામે તેમને આર્નોલ્ડ કહી બિરદાવ્યા હતા, તે આપણે જાણીએ છીએ.

6. દુર્ગારામની સુધારા પ્રવૃત્તિની પ્રેરણા

દુર્ગારામ ઉપર કોની અસર હતી? દુર્ગારામના સુધારા પાછળ કોની પ્રેરણા હતી? - આવા સવાલો નિરર્થક છે. દરેક ક્ષેત્રના પુરસ્કર્તા પાછળ યુગની માગ ઊભેલી હોય છે – પરિસ્થિતિનો પોકાર હોય જ છે.

જો રાજા રામમોહન રાયને ભારતવર્ષની અને વિશેષે કરી બંગાળ-કલકત્તાની પરિસ્થિતિની પ્રેરણા હતી, તો દુર્ગારામ માટેય ગુજરાત-સુરત અને મુંબઈની પરિસ્થિતિ પ્રેરણારૂપ હતી જ હતી અને જેમ રાજા રામમોહન રાયે અનેક આપત્તિઓ અને વિરોધોનો સામનો કરી પોતાને અનુકૂળ વાતાવરણ સર્જ્યું અને જમાવ્યું હતું, તેમ દુર્ગારામનેય સાથીઓ, સહાયકો અને અનુયાયીઓ પ્રાપ્ત થયા હતા.

પરિસ્થિતિ અને વ્યક્તિઓની અસર દુર્ગારામના જીવન અને કાર્ય, વિચાર અને આચાર ઉપર થઈ જ હોય તે અતિ સ્વાભાવિક છે. આપણે એમના સમયનાં આ પરિબળોની ટૂંકી પિછાન કરી લઈએ.

દુર્ગારામ ઉપર અસર કરનારાં બળો –

1. સુરત નગરી : એની પાર્શ્વભૂમિ અને સામાજિક સ્થિતિ.
2. મુંબઈ નગરી : એની તત્કાલીન પ્રવૃત્તિની અસર.
3. બંગાળના સુધારાની અસર મુંબઈ દ્વારા યા સીધી રીતે ગુજરાત-સુરત અથવા દુર્ગારામ ઉપર થઈ હોય તે.
4. દુર્ગારામના સમયના સુરતના સાથી-સુધારકોની અસર.

આપણે આ અસરો સંક્ષેપમાં જોઈએ.

સુરત : પાર્શ્વભૂમિ

મોગલાઈના જમાનામાં પંદરથી સત્તરમી સદીમાં સુરત ભારત વર્ષનું સર્વશ્રેષ્ઠ બંદર હતું અને જ્યારે આગ્રા ભારતનું મુખ્ય વેપારી કેન્દ્ર હતું, ત્યારે પરદેશ સાથેનો વેપારી સંબંધ (બરાનપુરને રસ્તે 550 માઈલ હજારો વણજારો આવજા કરતી) સુરત જાળવતું હતું. સત્તરમી સદીમાં દરિયાઈ વેપાર અને વીમાની બાબતમાં ભારતભરમાં બંગાળીઓ, મલબારીઓની સરસાઈ કરનારા ગુજરાતી સાહસિકો હતા. સર એચ. લિટલટને જાતે સુરતી વહાણોનું કરેલું વર્ણન (1612માં) સૂચક છે : એક વહાણ 153 ફૂટ લાંબું, 42 ફૂટ પહોળું, 31 ફૂટ ઊંડું હતું; તેમાં 1500 ટન માલ ભરેલો હતો! બીજામાં 1700 મુસાફરો હતા ... ઇંગ્લૅન્ડનાં વહાણો કરતાં હિંદી વહાણો ઊંચી કોટિનાં ગણાતાં હતાં. તેમાં સુરતીઓ વહાણ બનાવવામાં વિખ્યાત હતા.9

સુરત ’84 બંદરો’ના કેન્દ્ર તરીકે મશહૂર હતું. મુસ્લિમો માટે સુરત મક્કાનું બારું હતું (મક્કાપુલ = મકાઈપુલ). આ સત્તરમી સદીમાં સુરતની વસ્તી સાતથી આઠ લાખની ગણાતી અને જાહોજલાલી અઢળક હતી. પરદેશી ઇતિહાસકારો અને પ્રવાસીઓ (ફ્રેન્ચ પ્રવાસી મેન્ડેસ્લો, ટેવર્નિયર, ઓરમે આદિ)એ સુરતનાં કરેલાં વર્ણનો આપણને આજેય આંજી દે એવાં છે.

ઔરંગઝેબના અમલ દરમ્યાન 1658થી શરૂ થયેલા સુરત પરના મરાઠા હલ્લાઓ 1706 સુધી – પાંચ દાયકા સુધી ચાલ્યા હતા. 1664માં શિવાજીએ પોતાના પહેલા હલ્લા દરમ્યાન ત્રણ દીમાં ત્રણ કરોડ રૂપિયા ઉસેડી લીધા હતા. આમ, મોગલ-મરાઠા ઘર્ષણના લાંબા કાળ દરમ્યાન સુરતની તારાજી શરૂ થઈ ગઈ હતી.

આ સમય દરમ્યાન, 1608માં અંગ્રેજોએ સુરત બંદરે ઊતરી, 1612માં પોતાની કોઠી (વેપારી પેઢી) શરૂ કરી દીધી હતી; અને 1614માં અંગ્રેજ એલચી ટૉમસ રો સુરત બંદરે લાંગરી, જહાંગીરના દિલ્હી દરબારમાં પહોંચી, અંગ્રેજો સારુ ખાસ વેપારી હકો (જકાત-માફી) મેળવી ચૂક્યો હતો. આ સમયે સુરતમાં દિલ્હીના મોગલ બાદશાહોના તાબેદાર નવાબોનો રાજઅમલ ચાલતો હતો.

પાછળથી 1733-59 વચ્ચે નવાબો સ્વતંત્ર થયા.

1759માં અંગ્રેજોએ કિલ્લાનો કબજો લીધો અને નવાબની સત્તા નામની રહી, સાચા કર્તાહર્તા અંગ્રેજ બન્યા. કિલ્લા પર નવાબી અને અંગ્રેજી બેઉ ઝંડા ફરકતા થયા ત્યારે સુરત બંદરની કેવળ જકાતી વાર્ષિક આવક રૂ.2,56,000 જેટલી હતી! ઈ.સ. 1800માં સુરતનું સંપૂર્ણ તંત્ર અંગ્રેજોને હસ્તક આવ્યું- નવાબી ઝંડો ગયો અને યુનિયન જૅક ફરક્યો, અને ‘સુરત ભાંગી મુંબઈ ઘડવાની’ નીતિએ સુરતની તારાજી પૂરી કરી .....

આપણે જોયું તેમ, ભારતવર્ષમાં સુરત એક એવું બીજું બંદર હતું જ્યાં સદીઓ થયાં હિંદુ-મુસ્લિમ અને પારસીઓ ઉપરાંત તુર્ક, જ્યૂ, આર્મીનિયન, જૉર્જિયન અને પાછળથી પોર્તુગીઝ, વલંદા, ફ્રેંચ, ઑસ્ટ્રિયન, સ્વિડિશ તથા અંગ્રેજી પ્રજા — દુનિયાની મશહૂર વેપારી અને સાહસિક પ્રજાઓ પોતાનાં વહાણો સુરતને કિનારે લંગારતી રહી હતી. અને સુરતના બાહોશ નાગરિકો આ વેપારીઓના દલાલો તરીકે માલ તૈયાર કરાવવો, લદાવવો, વહેંચાવવો આદિ કામો કરતા રહ્યા હતા; વેપારીઓના પ્રતિનિધિ તરીકે ભારતભરમાં અને ક્વચિત બીજા પડોશી દેશોમાં પ્રવાસો ખેડતા હતા; અને સૌની સાથે હળીમળી જઈ, સૌની રીતરસમો, આચારવિચારોથી જાણકાર થઈ જતા હતા; જરૂર મુજબ અનુકૂળ થઈ વર્તવામાં કાબેલ બન્યા હતા. મોગલ રાજ્યની નોકરી કરવા માટે ફારસી શીખી લેતા હતા; અને અંગ્રેજોનું રાજ્ય સ્થપાતાં એમનીય ભાષા શીખી લેવામાં પાછળ રહ્યા ન હતા.

આમ, અનેક સૈકાઓ થયાં, સુરતને અનેક જાતિઓ, સંસ્કારિતાઓ, ભાષાઓ તથા અનેક પ્રકારના વેપાર સંબંધોનો લાભ મળ્યો હતો.

અંગ્રેજોના હાથમાં સત્તા આવતાં તેમણે મરાઠા સમયની ‘દેસાઈગીરી’ઓ (મહેસૂલી-ઈજારદારી) રદ કરવા માંડી હતી; અને ‘ખેડૂત કરતાં વધારે ઠગાનારું પ્રાણી ભાગ્યે જ જોવા મળતું.’ વળે એક બાજુ, હાથઉદ્યોગો (જરી અને વણાટના મુખ્ય) નાશ પામતા થયા હતા; તથા અંગ્રેજી નોકરીઓમાં પણ પગારો નજીવા હતા. ‘દાણચોરી’ અને ‘દસ્તૂરી’ (લાંચરુશ્વત) સર્વસાધારણ બન્યાં હતાં. કોઈ ન લે તો એ ‘ઓલિયો ગણાતો.’

ભારતભરમાં વ્યાપેલાં સામાજિક અનિષ્ટો ઉપરાંત સુરતના ઉપલા વર્ગોમાં (પુરુષ ઉપરાંત સ્ત્રીઓમાં પણ) અનિષ્ટ રિવાજો અને રહેણીકરણી વ્યાપક બની હતી. ખુદ મહીપતરામના પોતાના સસરાના કુટુંબમાં પુત્રીને પૂનામાં વેચવાનો કિસ્સો બન્યો હતો!

સુરતની બીજી ખાસિયતોનું આલેખન ‘નંદશંકર જીવનચરિત્ર’માં આપણને પ્રાપ્ત થાય છે –

સુરતના ઉપલા વર્ગોમાં, ગરીબ છતાં મોટાઈ દેખાડવાનો અને ‘જીવ્યા કરતાં ભોગવ્યું ભલું’ની વિલાસિતાનો પુષ્કળ ફેલાવો હતો. છેક મુંબઈથી સુરતવાસીઓ તાડી પીવા ને બરફી ખાવા ને આરામ કરવા, ને ટાંકાનું પાણી પી જવા સુરત આવતા હતા! ‘રામજણી’ના હાથનું પાન ખાવામાં અને વેશ્યા સલામ કરે તેમાં મોટાઈ માનતા ને સુખ અનુભવતા. સુખદુ:ખમાં ‘રામજણી’ જ યાદ આવતી હતી. મરણ પ્રસંગે કૂટવા પણ રામજણી આવતી હતી! ઘરનાં બૈરાં અભણ અને રસશૂન્ય હતાં માટે અલભ્ય વસ્તુ મેળવવા પુરુષો બહાર ભટકતા હતા. રજપૂત સ્ત્રીઓ તો કેદીની પેઠે ગોંધાઈ મરતી. જમવાનો અભખરો એટલો કે કેટલાક તો ‘મરણક્રિયા’ જીવતાં કરી લેતા! ઉડાઉગીરી કરી દેવાદાર બનવું એ એક બડાશનો અને પ્રતિષ્ઠાનો વિષય બની ગયો હતો - નાગર, કાયસ્થો અને દેસાઈઓમાં લગભગ બધા જ કરજદાર હોય! ‘જેને બારણે ઉઘરાણીદાર શેઠનો મહેતો ફરકે નહિ તે અમીર નહિ’ – કન્યા તેને કોઈ આપે નહિ!

જાહિરદારીનો (નામ આગળ બોલાય એનો) શોખ : રાંધવામાં, શાક સમારવામાં, લગ્ન વખતે ઘોડો અને સાબેલા શણગારવામાં, છોકરીઓના ચોટલા ગૂંથવાની કળામાં અને રંગીલાપણામાં નામના મળતી. સુરતવાસી ઉડાઉની સાથે ઉદાર, વિલાસી ને રસિક, બટકબોલો ને ટીખળી ખરો જ ખરો. નવાબીના સમયમાં ફારસીનો વિશેષ પ્રચાર હતો : અને (પેશ્વાઈ આશ્રયે સંસ્કૃતનો કેટલોક પ્રચાર વધ્યો હતો.) નવાબીની નોકરીઓ કરનારી નાગર કાયસ્થ કોમમાં તો નામ પણ ‘મિજલસરાય’ ‘સાહેબરાય’ રખાતાં થયાં હતાં – અરે પૂજાવખતની સંધ્યા પણ ફારસીમાં કરવામાં આવતી – કુલગોરને પણ! આની અસરમાં માગર કાયસ્થો જાતે ‘કસીદા’ કહી સંભળાવતા. (પાછળથી, કોઈ પણ ઘટના બનતાં ગરબી ને લાવણી લખવાનો પ્રચાર હતો)10

આમ સુરતમાં ઉપલા વર્ગોમાં (પુરુષ અને સ્ત્રીઓમાં પણ) સામાજિક બંધનો એક બાજુ શિથિલ બની રહ્યાં હતાં, ત્યારે બીજી બાજુ સનાતનીઓ જડ જબરજસ્તીનો ઇલાજ અજમાવી પરિસ્થિતિ વધુ તંગ ને સ્ફોટક બનાવી રહ્યા હતા.

વધુમાં ‘ગુહ્ય સૂત્ર’ અનુસાર ધનવાન થવાના, પતિપત્ની વચ્ચે મનમેળ કરવાના, સંતતિ થાય તે માટેના, લગ્ન અને ધનપ્રાપ્તિ માટેના મંત્રો દ્વારા પ્રજાજનોને ધૂતવાના પ્રયાસો પુરજોશમાં હતા. એટલું જ નહિ પણ ધર્મભીરુ અને ભોળી પ્રજાને ધૂતવા સારુ બનાવટી શાસ્ત્રો ઊભાં કરવાનો ધંધો પણ ચાલતો હતો.11

દુર્ગારામના સુધારક સાથી દાદોબા કહે છે, તેમ, “જાતિભેદ જોવા હોય તો ગુજરાત જાઓ.”12

સુરત નગરીની આવી અવદશા હતી; અને જ્યારે ઉચ્ચ કુટુંબના ભલભલા શિક્ષિતો વિલાસ અને ભ્રષ્ટતાને માર્ગે, નામ કમાવવાની છિછરી અને છેલબટાઉ રીતરસમોમાં ગળાડૂબ ડૂબેલા હતા, અને એમાંય મોટાઈ માનતા હતા તયરે એકલદોકલ સુધારક સેનાની દુર્ગારામ આત્માની અને દેશવાસીની ઉન્નતિના કઠોર પંથે વિચરી રહ્યા હતા!

મુંબઈની આબોહવા

મુંબઈ અંગ્રેજી સત્તાનું મુખ્ય કેન્દ્ર હતું.

મુંબઈ નવા વિકસતા વેપારઉદ્યોગનું ધામ હતું અને અંગ્રેજી શિક્ષણ અને વિદેશી સંપર્કનું નવું અને જોરદાર મથક હતું. એટલે, સુધારાના આ ઉષ:કાળે મુંબઈમાં કલકત્તા અથવા સુરતના જેવો જુવાળ ઉછળ્યો ન હતો. પરંતુ ધીમી છતાં વ્યાપક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હતી. અને હવે પછીની મહારાષ્ટ્રી સુધારકોની પેઢી વ્યાપક ચિંતન અને સુધારાને પંથે અપૂર્વ ફાળો આપી જનાર હતી.

1830-44 દરમ્યાન મુંબઈની હાલત કેવી હતી?

ભારતભરમાં વ્યાપેલા, અને બંગાળમાં પ્રચલિત બનેલાં (આગળ ઉપર નોંધેલાં) મોટા ભાગનાં અનિષ્ટો અને સડાઓ ઉપરાંત, કેટલાક સાલ મુંબઈમાં વિશેષ ધ્યાન ખેંચતા હતા –
ખ્રિસ્તીઓની વટાળ પ્રવૃત્તિ; અને તેની સામેની ‘શુદ્ધિ’ પ્રવૃત્તિ સામે સનાતનીઓનો રોષ.13

દરિયો ઓળંગવાથી લાગતો યવનસંપર્ક દોષ.14

ઈશ્વરને ચરણે સર્વસ્વ સમર્પણ કરવાની ભાવનામાંથી ક્રમશ: મૂર્તિને, અને બાદ ધર્માચાર્યોને જ ઈશ્વર માની પોતાની પોતાની વહુબેટી સુદ્ધાં (ઉપભોગ માટે) ‘સમર્પણ’ કરવાની અનીતિખોર ચાલ : 1850 પછી આ ચાલ ભયંકર બનતાં કરસનદાસ મૂળજી અને નર્મદનો ગોસાંઈ સામેનો સંઘર્ષ).

છાપવાની શાહીમાં ચરબી વપરાતી હોઈ, છાપેલા કાગળ-છાપાં, પુસ્તકોને સ્પર્શવાને વાંચવાની પણ મનાઈ! અને છાપખાનાંની હયાતી સામે જ વિરોધ.15

મિશનરીઓની પ્રવૃત્તિ લંડન મિશન ઉપરાંત શાળાઓ દ્વારાય ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતો – ઈશુને એકમાત્ર દેવ તરીકે રજૂ કરવામાં આવતા; અને હિંદુ ધર્મને ઉતારી પાડી, નાતજાત ઉપર પ્રહારો કરી, ખ્રિસ્તી ધર્મમાં આકર્ષવાના પ્રયાસો થતા અને તેમાં સંસ્કૃત ભણેલા બ્રાહ્મણોનો પણ ઉપયોગ કરવામાં આવતો. આને કારણે, ખ્રિસ્તી મિશનની જ નહિ, પણ અંગ્રેજી શિક્ષણની પ્રવૃત્તિ સામે પણ રોષ જણાય છે. એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓમાં આને અંગે ઉગ્ર ચર્ચાઓ થતી અને ખ્રિસ્તી પ્રચાર સામેની ‘પ્રતિહલ્લા પ્રવૃત્તિ’ અંગે તે સમયે ‘પ્રભાકર’ (મરાઠી પત્ર)માં લખાણો પણ લખાતાં હતાં. 16

શિક્ષણનાં ક્ષેત્રે મુંબઈમાં 1828માં એક જ અંગ્રેજી શાળા હતી. 1842 સુધીમાં 4; અને ઇલાકાભરમાં પ્રાથમિક સરકારી શાળાઓ 120 હતી, તેમાં 7750 વિદ્યાર્થીઓ ભણતા હતા.
1822માં મુંબઈમાં પ્રથમ પત્ર ‘મુંબઈ સમાચાર’17 (અઠવાડિક) પ્રગટ થયું હતું. તેના પારસી સંચાલક પારસી ગૃહસ્થ ફરદુનજી મર્ઝબાન હતા. તેમણે સુરતથી મુંબઈ આવી 1812માં સૌ પ્રથમ પ્રેસ (ગુજરાતી) મુંબઈમાં નાખ્યું હતું.

1830માં નવરોજી દોરાબજી ચાનદારૂનું બીજું પત્ર પ્રગટ થયું તેય ગુજરાતીમાં – ‘મુંબઈ વર્તમાન’ (અઠવાડિક) : બાદ 1831માં ત્રીજું પત્ર પ્રગટ થયું તે ‘જામેજમશેદ’ (ગુજરાતી અઠવાડિક) – પેસ્તનજી માણેકજી મોતીવાળાનું (1853માં તે દૈનિક થયું). (આ દરમ્યાન ‘ચાબુક’ નામનું ગુજરાતી પત્ર સુધારાની ‘બદનક્ષી’ કરનારું 1831માં પ્રગટ થયું હતું).

અને 1832 (જાન્યુ.)માં પ્રથમ અંગ્રેજી-મરાઠી પાક્ષિક - ‘દર્પણ’ બાળશાસ્ત્રી જાંભેકરે પ્રગટ કર્યું તે. તેમાં તેમણે શિક્ષણ, વટાળપ્રવૃત્તિ, તથા મૂર્તિપૂજા અંગે ચર્ચા કરતાં લખાણો છાપ્યાં હતાં. બાદ 1841માં ‘પ્રભાકર’ (મુંબઈથી) અને ‘જ્ઞાનપ્રકાશ’ (પૂનાથી) એમ બે મરાઠી પત્રો પ્રગટ થયાં હતાં. આ પત્રોમાં પાછળથી (1845થી ‘લોકહિતવાદી’એ જબ્બર વિદ્વત્તાપૂર્ણ ચર્ચાઓ આરંભી હતી. 1845માં મુંબઈથી ‘જ્ઞાનોદય’ (મરાઠી પત્ર) પણ પ્રગટ થયું હતું.

પરંતુ સુધારાની જાહેર સંસ્થાઓ ગણાવી શકાય તેવી 1844 સુધીમાં મુંબઈમાં એકે ન હતી.

મુંબઈના સુધારકો

હવે આ સમયના મુંબઈના સુધારકો વિષે જોઈએ. નિ:શંક રીતે મુંબઈના પ્રથમ આગેવાન ગણી શકાય તે નાના (જગન્નાથ) શંકર શેટ18 (1803-1865)ની કારકિર્દી 1822થી શિક્ષણ-પ્રચારક અને શિક્ષણ-સહાયક તરીકે આરંભાઈ હતી : મુંબઈમાં 1848માં ‘સ્ટુડન્ટસ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટી’ સ્થપાઈ ત્યારે તેને ઉત્તેજન આપ્યું હતું. 1848થી તેમણે કન્યાશિક્ષણ તરફ વધુ લક્ષ પરોવ્યું હતું અને 1852માં ‘ધ બૉમ્બે ઍસોસિયેશન’ જેવી રાજકીય સુધારાની સંસ્થાના તેઓ પ્રમુખ હતા, અને ડૉ. ભાઉ દાજી મંત્રી. સર્વાંગી શિક્ષણ, મેડિકલ કૉલેજ, બાળગુનેગાર-સુધાર, લૉ કૉલેજ, પછાતવર્ગ-સુધાર, ઉદ્યોગવિકાસ, શહેરવિકાસ, નાટ્યગૃહ વગેરેમાં શંકર શેટની સેવાઓ અનન્ય ગણાય.

ઉપરાંત, 1834 સુધી મુંબઈ શહેરનો બધો બંદોબસ્ત - સ્વચ્છતા, આરોગ્ય, ન્યાયદાન વગેરે તમામ બાબતો - ‘સ્થાનિક સ્વરાજ’ સંસ્થા (મ્યુ.) પણ યુરોપિયનોને હસ્તક હતી. શંકર શેટના અથાગ પ્રયાસને અંતે આ બધે સ્થળે હિંદીઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. ... સંસારસુધારાનાં સીધાં કાર્યોમાં, તેમણે ‘સતીબંધી’ અંગે તેમને પૂછવામાં આવતાં, પોતાનો અભિપ્રાય સરકારને લખી જણાવ્યો હતો; ‘શુદ્ધીકરણ’માં તેમણે આગળ પડી હિસ્સો લીધો હતો; પરદેશગમનની બાબતમાં જાતે ન જતાં, 1841માં માણેકજી કર્સેટજી યુરોપથી પાછા ફર્યા ત્યારે પારસીઓની કોમે તેમનો બહિષ્કાર કર્યો હતો, તે વેળા શંકર શેટે તેમને જમવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ બીજા પારસીઓએ હાજર ન રહેવાનું જણાવ્યું ત્યારે શંકર શેટે એ ‘મિજબાની’ રદ કરી હતી .... વિધવા પુનર્લગ્નની બાબતમાં તેમના ચરિત્રકાર કુળકર્ણી લખે છે : “તે સમયે ‘પુનર્વિવાહ’ શબ્દ ઉચ્ચરવાની પણ કોઈની છાતી ન હતી; પણ તે સંબંધી સહાનુભૂતિપૂર્વક વિચાર શરૂ થયો હતો. અલબત્ત નાના કાલમાન જોઈને વર્તનારા હતા …”19

ડૉ. ભાઉ દાજી (1822-1873) સરદાર ગોપાળ હરિ દેશમુખ ઉર્ફે ‘લોકહિતવાદી’ (1823), દાદાભાઈ નવરોજી (1825-1917) આ સૌની પ્રવૃત્તિ શિક્ષણ તથા રાજકારણની દૃષ્ટિએ ઉચ્ચ કક્ષાની હતી. પરંતુ તેમની પ્રવૃત્તિનો કાળ 1845 પછીનો હતો. x x x ડૉ. ભાઉ દાજીએ 1842માં ‘કાઠિયાવાડ તથા કચ્છની કેટલીક જાતિઓમાં બાળહત્યા’ નિબંધ લખી ઇનામ મેળવ્યું હતું.20

બાળ ગંગાધર શાસ્ત્રી જાંભેકર21 (1810-1846) : મહેતાજી મુંબઈમાં 1825-26માં હતા ત્યારે બાળશાસ્ત્રી પણ વિદ્યાર્થી હતા. 1830માં તેઓ નેટિવ એજ્યુકેશન સોસાયટીના મંત્રી બન્યા હતા. 1832માં તેમણે ‘દર્પણ’ નામનું અંગ્રેજી-મરાઠી પાક્ષિક પત્ર શરૂ કરેલું (તથા ‘દિગ્દર્શન’ નામનું માસિક22 ચલાવતા). 1834માં શ્રીપત શેષાદ્રિ નામના ખ્રિસ્તી થયેલા ગૃહસ્થને હિંદુ ધર્મમાં પાછો લાવનારામાં જાંભેકર અગ્રણી હતા. 1839-40માં તેઓ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં મરાઠી વિભાગમાં પ્રોફેસર હતા, અને ત્યાર બાદ ડેપ્યુટી ડિરેક્ટર નિમાયા હતા. દુર્ગારામ શિક્ષકની તાલીમ લેવા અર્થે મુંબઈ ગયા હતા, અને ત્યારે તેઓ સીધી યા આડકતરી રીતે આ પ્રોફેસર શાસ્ત્રીના સંપર્કમાં આવ્યા હશે. 1840માં જ તેમણે ગંગાધર શાસ્ત્રી ફડકે પાસે વિધવા વિવાહના સમર્થનમાં પુસ્તક તૈયાર કરાવ્યું હતું.23

જાંભેકરની 36 વર્ષની ટૂંકી કારકિર્દી અત્યંત ઉજ્જવળ છે. અચ્છા શિક્ષક, ઇતિહાસ અને ગણિતના ગ્રંથકર્તા, તથા પત્રકાર હોવા ઉપરાંત એક સારા વિચારક હતા. સુધારાના વિચારોને તેમનાથી પોષણ મળ્યું હતું. પરંતુ ‘દાદોબા ચરિત્ર’ના લેખક જણાવે છે તે મુજબ ‘સુધારક તરીકે તેઓ વિશેષ આગળ આવ્યા ન હતા; તથા ક્રાંતિ દ્વારા સામાજિક પુનર્ઘટના કરવાની ઇચ્છા કરનારાનો પક્ષ લીધો નહિ, તોય તેમના વિચાર પ્રગતિશીલ હતા.’ ઉપરાંત – સરકારી નોકરી હોવાથી અને બીજી અનેક પ્રવૃત્તિઓ અને જવાબદારીઓને કારણે તેમને સુધારાની પ્રવૃત્તિથી અલિપ્ત રહેવાની ફરજ પડી હતી.24

બંગાળની અસર

બંગાળના સુધારાની મુંબઈ ઉપર અને તે દ્વારા સુરત-ગુજરાત ઉપર सीधी અસર થવાની વાત પણ વિચારવા જેવી છે. એ વિષે એવું પણ મનાય છે કે –

મુંબઈમાં 1840માં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સુધારાનો પ્રચાર કરવા આવેલા; અને એમની પ્રેરણાથી મુંબઈમાં પરમહંસ સભાની સ્થાપના 1840માં જ થયેલી ! પરંતુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર 1840માં મુંબઈ આવે એવી સંભાવના જ નથી. તેમાંય તેમનો જન્મ ઈ.સ. 1820માં થયો હતો અને તેમણે 1829થી 1841 સુધી વિદ્યાર્થી જીવન ગાળ્યું હતું તથા બાળલગ્ન નિષેધ તથા વિધવા પુનર્લગ્નની સુધારા ઝુંબેશ તેમણે અનુક્રમે 1850 અને 55માં આરંભેલી – આ બધું જોતાં, સુધારાના પ્રચાર માટે 1840માં તેમનું મુંબઈ આવવું અશક્ય જ ગણાય. બંગાળના કોઈ વિખ્યાત સુધારક નેતા મુંબઈમાં સુધારાના પ્રચાર અને સંગઠન માટે આવ્યા હોય તો તે હતા કેશવચંદ્ર સેન. 1865માં તેમણે પ્રાર્થના સમાજની સ્થાપનાની પ્રેરણા આપેલી .... ગુજરાતમાં બંગાળની सीधी અસર નર્મદના સમયમાં વર્તાય છે. નર્મદ પોતે ‘બ્રાહ્મસમાજનો’ ગ્રંથ બંગાળમાંથી એક શાસ્ત્રી પાસે બાળબોધમાં ઉતરાવ્યો હતો, એમ પોતે ‘મારી હકીકત’માં જણાવે છે.

25 દાદોબા અને દુર્ગારામ

હવે આપણે જેમની અસરથી જ નહિ, જેમની સીધી પ્રેરણા અને દોરવણીથી દુર્ગારામે સુધારામાં ઝંપલાવ્યું અને માનવધર્મ સભાનો જન્મ થયો – એવી मान्यता વિષે જરા વધુ વિગતે વિચારવું જરૂરી બને છે.

સૌથી પ્રથમ તો આપણે એ જોઈએ કે દાદોબા સુરત આવ્યા તે પૂર્વે અને મુંબઈ પાછા ગયા બાદ તેમની સુધારા પ્રવૃત્તિ કેવા પ્રકારની હતી.

દાદોબા પાંડુરંગ (1819 – 1882) : વિદ્યાભ્યાસ પૂરો કરી 1835માં મુંબઈમાં તેઓ આસિસ્ટંટ શિક્ષક બન્યા; 1836માં મરાઠી વ્યાકરણકાર તરીકે ખ્યાતિ પામ્યા; 1836-37માં તેમણે જાવરાનો પ્રવાસ ખેડ્યો; બાદ, આઠ નવ મહિના એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ કાર્ય કર્યું હતું. 1840-41માં સુરત આવવા નીકળ્યા ત્યાં સુધી સંસારસુધારાની કોઈ સીધી પ્રવૃત્તિમાં પડ્યા ન હતા યા કોઈ સુધારક આંદોલન અને સંસ્થા સાથેનો તેમનો સંબંધ થયો ન હતો. 1846માં નૉર્મલ ક્લાસના ડિરેક્ટર બાળશાસ્ત્રી જાંભેકરનું અવસાન થતાં, તેમની જગાએ દાદોબાની નિમણૂક થતાં તેઓ સુરત છોડી મુંબઈ ગયા. બાદ પણ તત્કાળ કોઈ સુધારાની પ્રવૃત્તિ તેઓ કરી શકેલા નહિ.

1849ના સપ્ટૅમ્બરમાં મુંબઈમાં ‘જ્ઞાન પ્રસારક મંડળી’ સ્થપાઈ હતી (તેની ગુજરાતી, મરાઠી બે શાખા હતી), તેના મરાઠી વિભાગના અધ્યક્ષ તરીકે थोडोक समय રહ્યા હતા.
પરંતુ, ‘દુર્ગારામ જેવો कर्तबगार जोडीदार તેમને સાંપડ્યો નહિ’ (‘દાદોબા ચરિત્ર’, પૃ. 250), વરસો બાદ, છેક 1849માં રામ બાળકૃષ્ણ જયકર (રત્નાગિરીમાં શિક્ષક હતા) કસ્ટમ ખાતાની નોકરી માટે મુંબઈ સ્થાયી થયા બાદ (1849થી 1951), પરમહંસ સભાની સ્થાપના થઈ શકી. અને રામ બાળકૃષ્ણ તેના પહેલા અને છેલ્લા (1860 સુધી) અધ્યક્ષ રહ્યા હતા. આ બધો સમય પણ દાદોબા ‘પરમહંસ સભા’ની બેઠકોમાં હાજરી આપતા નહિ; પ્રત્યક્ષ કામમાં એમનો વિશેષ ઉપયોગ ન હતો; સલાહમસલત પૂરતો સંબંધ રહ્યો જણાય છે. વળી, 1865માં શૅરના મૅનિયામાં જાતે ફસાતાં પૈસાની તંગીમાં આવી પડતાં તેઓ રજવાડાની નોકરી માટે પ્રયાસ કરવા પાછળ રોકાયા હતા; અને જ્ઞાનોપાસના-ગ્રંથલેખનમાં પડ્યા હતા. સુધારાના સીધા કાર્યમાં પડ્યા ન હતા.

દાદોબાની સુરત-કારકિર્દી

હવે, તેમની સુરત દરમ્યાનની કામગીરી વિષે જરૂર એમ સ્વીકારવું જોઈએ કે –

દાદોબા સુરત આવ્યા (1841) પછી, પાંચ દદ્દાના પ્રયાસોથી ‘42માં ‘પુસ્તક પ્રસારક મંડળી’ તથા ‘શિલા પ્રેસ’ની, અને 1844માં ‘માનવધર્મ સભાની’ સ્થાપના થઈ હતી. વળી દાદોબા આ ‘માનવધર્મસભા’ના પ્રમુખપદે રહ્યા હતા, અને દુર્ગારામ મંત્રી (ચિટણીસ) હતા. દાદોબા સુરતની પ્રથમ અંગ્રેજી શાળાના પ્રિન્સિપાલ, અંગ્રેજીના વિદ્વાન, મરાઠી ભાષાના લેખક હતા (સંસ્કૃતનું પાકું જ્ઞાન તો તેમણે સુરતમાં આવ્યા પછી જ દિનમણિશંકર શાસ્ત્રીના શિષ્ય યજ્ઞેશ્વર શાસ્ત્રી પાસે લીધું હતું). મુંબઈથી આવેલા હતા, એ જોતાં પ્રમુખપદે તેમને સ્થાન આપવાનું સુયોગ્ય જ ગણાય.

આ પ્રવૃત્તિ દરમ્યાન, તેમણે દુર્ગારામને સારો એવો સાથ સહકાર આપ્યો હતો (સુધારાના બોધમાં દુર્ગારામની સાથે સામેલ થઈને જતા. માનવધર્મની સભાની બેઠકોમાં મોટે ભાગે હાજરી આપતા, અને વિચારવિનિમયમાં ભાગ લેતા. ખ્રિસ્તી બની ગયેલા પારસી નસરવાનજીને તેના ધર્મમાં પાછો આણવાના કાર્યમાં દાદોબાનો સાથ મહેતાજીને મળ્યો હતો, તેય સ્પષ્ટ છે. પરંતુ -
દાદોબા પોતે પોતાના આત્મવૃત્તાંતમાં લખે છે કે, ‘મારા સુરત આવતાં પૂર્વે દસબાર વરસથી દુર્ગારામ મહેતાજી સુધારાનું કામ સુરતમાં કરી રહ્યા હતા’ ... અને ‘તેઓ સુધારક તરીકે સુરતમાં જાણીતા હતા.’ એટલે કે દુર્ગારામે 1828-30થી પૂર્વે કાર્ય આરંભી દીધું તો હશે જ.

‘માનવધર્મસભા’ની સ્થાપના અને તેના સિદ્ધાંતો નક્કી કરવાની બાબતમાં પણ દુર્ગારામે પોતે જ પહેલ કરેલી જણાય છે –

માનવધર્મસભા સ્થાપતાં પૂર્વે 10-2-1843ની નાનકડી મિત્ર મંડળીમાં થોડીક ચર્ચા બાદ મહેતાજી ‘હું લખાવું છું – હમણાં જ લખો’ કહીને તત્કાલ મોઢામોઢ ધર્મસભાનાં સાત સિદ્ધાંત-સૂત્રો લખાવી નાખે છે, તે આગળ ઉપર આપણે જોયું.

માનવધર્મસભાની સ્થાપના (22-6-1844) પછીય તેની બેઠકોમાં દુર્ગારામ જ મુખ્ય સૂત્રધાર અને સંયોજક હતા એ વાત માનવધર્મસભાની નોંધ (‘દુર્ગારામ ચરિત્ર’) ઉપરથી સ્પષ્ટ થાય છે.

‘માનવધર્મસભા’ અને ‘પરમહંસ સભા’

હવે એક વાતની સ્પષ્ટતા કરવી રહે છે. સુરતની ‘માનવધર્મસભા’ અને મુંબઈની ‘પરમહંસ સભા’ના સંબંધ વિષે. આટલી વાત હવે સિદ્ધ છે કે -

‘માનવધર્મસભા’ની સ્થાપના 1844માં થઈ હતી.

‘પરમહંસ સભા’ની સ્થાપના, આજ સુધી માનવામાં આવ્યું છે તેમ, 1840માં થઈ ન હતી. પરંતુ તે 1849-50માં જ થઈ હતી, એ વાત પણ આગળ ઉપર આપી દીધી છે.
સુરતની ‘માનવધર્મસભા’ મુંબઈની ‘પરમહંસ સભા’ કરતાં આદિ હતી, એટલું જ નહિ, તેની જનેતા હતી – (1) આ પરમહંસ સભામાં જે પ્રાર્થના ગવાતી હતી તે દાદોબાએ સુરતનિવાસ દરમ્યાન લખેલી હતી. (2) પરમહંસ સભાનાં સાતે સૂત્રો માનવધર્મસભાનાં સૂત્રો સાથે પૂરેપૂરાં મળતાં છે. (3) દુર્ગારામે માનવધર્મસભામાં વારંવાર ‘પરમહંસ’ શબ્દનો પ્રયોગ કરેલો છે (‘દુર્ગારામ ચરિત્ર’ પૃ. 56, 72, 80, 83, 138).26

સુરતના સાથીઓ

દુર્ગારામના પ્રવૃત્તિકાળ દરમ્યાનના મુખ્ય સાથી સુધારકોમાં ‘ચાર દદ્દા’માંના દાદોબા અંગે તો આપણે વિગતે જોઈ ગયા. બીજા છે દિનમણિશંકર શાસ્ત્રી. આપણે જોયું તેમ તેઓ એક ઉચ્ચ કક્ષાના પંડિત શાસ્ત્રી હતા. ખુલ્લી રીતે સુધારામાં ઝંપલાવવા તૈયાર ન હોવા છતાં, દુર્ગારામ મિત્ર-સાથી તરીકે તેમની પૂંઠે રહ્યા હતા. મહેતાજી અનેકવાર, - વિધવાને પુનર્લગ્ન કરી લેવાના ઉપદેશવાળા કિસ્સામાંય તથા બનાવટી શાસ્ત્રોના લખનારા પાસેય શાસ્ત્રચર્ચા કરવાના પ્રસંગે - તેમને પોતાની સાથે લઈને જતા હતા. પાછળથી તેઓ દુર્ગારામના ટેકેકાર રહ્યા ન હતા, એમ જણાય છે. બલ્કે, મહીપતરામ પરદેશથી પાછા ફર્યા બાદ, પાછળથી તેમણે પ્રાયશ્ચિત કર્યા છતાંય, તેમને ન્યાતમાં દાખલ ન કરવાના આગ્રહી જુનવાણીમાં દિનમણિશંકર મુખ્ય હતા x x x ત્રીજા દલપતરામ માસ્તર ઉત્સાહી અને સાચા દિલના સુધારક હતા, અને દુર્ગારામના પ્રસંશક-શિષ્ય સરખા હતા. છેલ્લા દામોદરદાસ શેઠ. એમની સુધારા પ્રત્યેની સર્વસાધારણ સહાનુભૂતિ નજરે પડે છે.

બાકી તો, દુર્ગારામને દાદોબા ઉપરાંત, જો કોઈ પુરુષની ખૂબ જ મોટી ઓથ મળી હોય તો તે હતા હેનરી ગ્રીન સાહેબ. તેઓ સુરતની અંગ્રેજી શાળાના પ્રિન્સિપાલ હતા. (દાદોબા તેમના આસિસ્ટંટ હતા. એ રીતે દાદોબા ઉપર ગ્રીનની અસર હોઈ શકે) ગ્રીન 'agnostic' અજ્ઞેયવાદી હતા; અને દેવળમાં પાઠ પૂજા કરવા જતા નહિ. તેઓ નાસ્તિક તરીકે પ્રખ્યાત થયા હતા અને દુર્ગારામના સુધારાને સહાય કરવામાં હંમેશાં તત્પર રહ્યા હતા.

27 નર્મદ 1851માં મુંબઈ અભ્યાસ કરી સુરત પાછો ફર્યો હતો અને 1851 (ફેબ્રુઆરી)થી 1854 (જાન્યુઆરી) સુધી સુરત રહ્યો હતો. આ દરમ્યાન પોતાના સગા દોલતરામ સાથે મળીને 'સ્વદેશ હિતેચ્છુ' નામની મંડળી ઊભી કરી હતી, અને 'જ્ઞાનસાગર' નામનું અઠવાડિક ભાગદારીમાં કાઢ્યું હતું. નર્મદ ઉમેરે છે કે, દોલતરામે28 આ છાપું શરૂ કર્યું તેની પાછળ તેની મતલબ દુર્ગારામ મહેતાજીની કેટલીક 'નરસી ચાલ' જાહેરમાં આણવાની હતી, તેવું તેને પાછળથી માલૂમ પડ્યું હતું ('મારી હકીકત' પૃ. 35).

પરંતુ હજી આ સમયે, નર્મદ પોતે જ લખે છે તેમ, તેનું મન બૈરામાં મહાલતું હતું; અને તે ભાંગનો કેફ કરતો હતો; પ્રેમસંબંધી અને દેશદાઝના વિચારો કરતો હતો; પરંતુ -

"સુધારાના અને તેને અમલમાં આણવાના વિચારો - પછી ખાનગી કે જાહેર - તે વખતે બિલકુલ ન હતા; જાતિભેદ, પુનર્વિવાહ, મૂર્તિપૂજા, અભક્ષ્યાભક્ષ્ય વગેરેના સુધારા સંબંધી વિચારોનું મને સપનું પણ નહિ હતું. ઉદ્યોગ કરવો, સંપ રાખવો, ભાષણ કરવાં, નિબંધો વાંચવા, ગ્રંથો લખવા અને દેશનું ભલું કરવું - એટલું જ હું સુધારા સંબંધી જાણતો હતો."

દુર્ગારામના શિષ્ય અને તેમની સુધારાની પ્રવૃત્તિના (ખાસ કરીને ભૂતપ્રેત વિરોધી જંગી આંદોલનના) કિશોરસાક્ષી; અને દુર્ગારામના ચરિત્રલેખક મહીપતરામ રૂપરામ નીલકંઠ (જન્મ : 1829) : 1851માં મિશનરીઓ તરફથી 'પરહેજગાર’ મંડળીનું પત્ર નીકળતું તે ઘણું ખરું મહીપતરામના હાથથી લખાતું.29 1852માં મુંબઈમાં એલિફન્સ્ટન ઇન્સિટ્યૂટમાં અભ્યાસ (નોકરી સાથે) કરવા ઊપડી ગયા હતા. અને 'કરણઘેલો'ના મશહૂર કર્તા, નંદશંકર મહેતા (જન્મ 1835) પણ 1845માં સુરતમાં અંગ્રેજી નિશાળમાં દાખલ થયા હતા; અને ત્યાર બાદ મુંબઈ અભ્યાસ માટે ગયા હતા.

આ બધા સુરતના સાથીઓ ઉપરાંત, ગુજરાત અને સુધારા સાથે સંકળાયેલી બે મહત્ત્વની વ્યક્તિઓની આ સમયની પ્રવૃત્તિ જોઈ લઈએ.

કવિ દલપતરામની 1850થી 1851 દરમ્યાનની સુરતની પ્રવૃત્તિ તો આપણે આગળ જોઈ ગયા છીએ. તે પૂર્વેની તેમની પ્રવૃત્તિની નોંધ કરીએ :

દલપતરામની પ્રવૃત્તિનો આરંભ 1848માં જ થયો હતો (1848ના ઉત્તરાર્ધમાં ફાર્બસ સાથેનો મેળાપ થયા પછી). 1848ના ડિસેમ્બરમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (હવે વિદ્યાસભા)ની સ્થાપના થઈ. 1849ના એપ્રિલમાં ‘વરતમાન’ બુધવારિયું પત્ર શરૂ થયું :30 1849માં જ પુસ્તકશાળા સ્થપાઈ; એ જ સાલમાં જૂનમાં ગ્રંથ પ્રકાશનની શરૂઆત કરી. અને 1849ના જુલાઈમાં પહેલી કન્યાશાળા સ્થપાઈ.

રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી31 : દુર્ગારામ ૧૮૨૫-૨૬માં મુંબઈ જઈ શિક્ષણ લેવા લાગ્યા ત્યારે, ’ગુજરાતના કેળવણીખાતાના પિતા’ તરીકે જાણીતા થયેલા અને નર્મદ જેમને ‘ગુજરાતની પ્રસિદ્ધિનો પહેલો પુરુષ’ કહે છે તે રણછોડદાસ ગિરધરભાઈ ઝવેરી મુંબઈમાં કેળવણીખાતામાં જોડાયા હતા અને દેશી નિશાળોને સારુ પુસ્તક રચવાના કામમાં ગુજરાતી વિભાગમાં કામ કરતા હતા.

1845 જૂનથી 1848ના ડિસેમ્બર લગી મુંબઈ રહ્યા પછી રણછોડદાસને સુરત મોકલવામાં આવ્યા. આ વખતે દુર્ગારામની સુધારણાની પ્રવૃત્તિ ધમધોકાર હતી. અને ગ્રીન સાહેબ દુર્ગારામની સલાહ લઈ મહેતાજીઓની વ્યવસ્થાનું કામ કરતા હતા. હવે ગ્રીન સાહેબની બદલી મુંબઈ થઈ અને તેમની જગાએ ગ્રેહામ32 અંગ્રેજી શાળાના હેડમાસ્તર બન્યા; પછી રણછોડદાસની સલાહ મુજબ કામ ચાલ્યું. અને મહેતાજીનો ‘અન્યાય દૂર થયો,’ એવું જાણવા મળે છે.

ગુજરાતની પ્રસિદ્ધિના આ પહેલા પુરુષના સુધારા અંગેના વિચારો તથા આચાર જોઈએ તો તેઓ મૂર્તિપૂજામાં માનતા હતા અને જાતે પૂજા કરતા હતા. જાદુમંત્રતંત્રને ખોટું માનતા અને મહેતાજી દુર્ગારામને તેમની આ પ્રવૃત્તિમાં મદદ કરતા હતા. મહેતાજીએ શિલાછાપ પ્રેસ અને પુસ્તક પ્રસારક મંડળ કાઢ્યું. તેમાં પાંચ દદ્દાની સાથે તેઓ પણ ભાગીદાર હતા. મહેતાજીને અંદરખાનેથી ‘સારા વિચાર બતાવતા અને મદદ કરતા.’

મુંબઈમાં 1848માં પ્રથમ જ્ઞાન પ્રસારક મંડળ નીકળ્યું ત્યારે તેના પહેલા પ્રમુખ હતા.

ગુજરાતભરમાં આ સમયે (1830-1844) સુધારા અંગેની સંસ્થા યા ઘટના ભાગ્યે જ બની જણાય છે.

સિવાય કે મહેતાજીનો સંસારસુધારો હજી પા પા પગલી ભરતો હતો ત્યારે, 1832માં શામળદાસ દેસાઈએ33 પરદેશ પ્રવાસ ખેડ્યો હતો.

આ પુરુષ વિષે વધુ માહિતી નથી. રાજા રામમોહન રાયે 1830માં પરદેશગમન કર્યું લગભગ તે જ અરસામાં પરદેશગમન કરનાર ભારતનો આ બીજો પુરુષ હશે!

ટૂંકમાં, સુધારાનો પવન હજી અમદાવાદમાં કે ગુજરાતમાં ક્યાંય વાતો થયો ન હતો.

એકંદરે જોતાં, કલકત્તા પછી સુરત સુધારાની બીજી નગરી તરીકે આગળ તરી આવે છે. અલબત્ત, હવે પછીની પેઢી દરમ્યાન, મુંબઈની પ્રવૃત્તિ ઊંડા ચિંતન સાથે ધમધોકાર આગળ વધવાની છે.
આ બધા ઉપરથી કહી શકીએ કે દુર્ગારામ ઉપરની મુખ્ય અસરોમાં સુરતની પરિસ્થિતિએ તેમના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવ્યો હશે જ.

એ વાત પણ બિલકુલ સ્પષ્ટ છે કે, મુંબઈમાં શિક્ષણ, વૃત્તપત્રો અને સુધારાની નાની નાની પ્રવૃત્તિઓની છાપ, દુર્ગારામના ચિત્ત ઉપર પડી જ હશે. ખાસ કરીને બીજી વાર, 1838માં પત્નીનું અવસાન થયા પછી, જ્યારે તેમનું મન ‘વિધવા વિવાહ’ જેવા ઉગ્ર સુધારાની દિશામાં પુરજોશથી ધસી રહ્યું હતું ત્યારે જ, મુંબઈ જવાનું થતાં, જરૂર તેમના ઉપર તેની પાકી અસર થઈ જ હશે. અને આ દરમ્યાન બંગાળના સુધારાની સીધી નહિ, પણ આડકતરી, અને વૃત્તપત્રો દ્વારા મુંબઈ પર જે અસર થતી રહી હશે, તે પણ આ જાગ્રત સુધારકે અવશ્ય પોતાની રીતે ગ્રહણ કરી જ હશે. તેમાં વળી, સુરત પાછા ફરતાં દાદોબાનો અને પાછળથી ગ્રીનનો સાથ-સહકાર અવશ્ય એમને સ્ફૂિર્ત આપનાર બન્યો જ છે. તથા ગુજરાતના પોતાના સુધારકો સાથીઓનાં જે કાંઈ સહાય અને ઉત્સાહ તેમને પ્રાપ્ત થયાં તે બધાંને કારણે, દુર્ગારામનો સુધારાનો પિંડ બંધાયો છે.

પરંતુ આ બધાંનાં ચોક્કસ સ્વરૂપો અને મર્યાદાઓ જાણ્યા જોયા પછી આપણે નિ:સંકોચ રીતે અને ગૌરવપૂર્વક એમ કહેવા અધિકારી ઠરીએ છીએ કે, દુર્ગારામ તમામ આદ્ય પ્રવર્તકોની જેમ પરિસ્થિતિમાંથી આપમેળે ઊભા થયેલા અને અંત:પ્રેરણાથી ધ્યેય પ્રતિ આગળ ધપતા આત્માર્થી હતા.

7. કમજોરીઓ – સુધારાની કસોટી ?

આમ છતાં, દુર્ગારામની – ગુજરાતના આદ્ય સુધારકની કેટલીક ગંભીર દેખાય તેવી કમજોરીઓ અંગે પણ આપણે વિચાર કરવો રહે છે.

1. પત્ની ગુજરી ગયા બાદ, 1841થી દુર્ગારામે વિધવા-પુનર્લગ્નની પ્રખર ઝુંબેશ ઉપાડી આખા સુરતને ઊંચું કરી મૂક્યું હતું. તે અરસામાં ‘મથુરી નામે જુવાન ડુંગરપુરી વિધવા’ તેમને વરવાને તૈયાર થઈ. આ ખબરથી નાગર બ્રાહ્મણોમાં ખળભળાટ થઈ ગયો. મથુરીનાં પુનર્લગ્ન દુર્ગારામ વેરે થતાં અટકાવવાને ભારે પ્રયત્ન ચાલ્યો ને સુધારાના શત્રુ જય પામ્યા. અને મહેતાજી અભેગૌરી નામે કુંવારી કન્યાને પરણી ગયા. તથા સાસુ સસરા સાથે એવી કબૂલાત પણ કરી કે ‘વિધવા-પુનર્વિવાહ સંબંધી જાહેર બોધ કરવો નહિ.’

મહેતાજીની આ ગંભીર નબળાઈ સામે મહેતાજીના ચરિત્રલેખક ખુદ મહીપતરામે ‘મહેતાજી પોતાના મતને અને નામને હીણપત લગાડી’ એ પ્રકારનાં આકરાં વેણ ઉચ્ચાર્યાં છે. અને જો વિધવા સાથે વિવાહ કરી ન્યાત બહાર રહ્યા હોત તો ‘એ વિશાળ બુદ્ધિનો ઉત્સાહી નર ભરતખંડના કોઈ મોટા આચાર્ય કે યુરોપના લ્યૂથર જેવો થાત’ એવી સંભાવના પણ પ્રગટ કરી છે.

અલબત્ત, આજીવન દુર્ગારામનો અભિપ્રાય વિધવા લગ્ન વિષે બદલાયો ન હતો અને કોઈ સામેથી પૂછે ત્યારે, સ્પષ્ટ વાણીમાં પોતાનો સુધારાનો મત વ્યકત કરતા રહ્યા હતા.34

2. દુર્ગારામ પોતે મૂર્તિપૂજાના વિરોધનો ઉપદેશ કરતા હતા. છતાં તેમનાં માસીના મૃત્યુ બાદ (1851ના અરસામાં હશે) માસીએ સોંપેલી મૂર્તિની પૂજા તેઓ કરતા હતા.35

આ પ્રસંગ ટાંકતાં કવિ નાનાલાલ કહે છે કે, અહીં આપણને દુર્ગારામનો બુદ્ધિવાદ વિ. હૃદયવાદ જોવા મળે છે.

3. મહીપતરમ વિદેશ જઈ પાછા ફર્યા પછી દુર્ગારામે તેમને પોતાને ત્યાં જમાડીને ન્યાતનો રોષ વહોર્યો હતો, એ આપણે આગળ જોઈ ગયા છીએ. આમ, ન્યાતની સામે થઈ ટેક રાખી રહ્યા હતા. પરંતુ દોઢેક વર્ષને અંતે ‘પ્રાયશ્ચિત’ કર્યું હતું.36

આ બનાવની નોંધ લેતાં નર્મદે કેવળ આકરાં નહિ, કડવાં અને અપમાનકારી વેણ ઉચ્ચાર્યાં છે. મહેતાજીનું ‘સઘળું જ લુચ્ચું વાજું હતું’, ‘મનમાં પાપ’ હતું ઉપરાંત, ‘ટેક બતાવવાનું તમારા સરખાનું કામ નથી; તે રાખનાર જુદા જ’37 (એટલે નર્મદ જેવા – લે.) વગેરે. વાત તો એમ છે કે મહેતાજીએ દોઢેક વરસ પહેલાં હિંમતભર્યું પગલું ભર્યું હતું ત્યારથી જ ‘આ કાંઈ મરદાઈ નહિ’, ‘ખરો ટેક તો મહીપતરામને વારે વારે જમવા તેડ્યાં કરે ત્યારે’ જ મનાય – એવી ટીકા પણ કરેલી, અને દુર્ગારામને ‘માનના ભૂખ્યા’ વગેરે કહી ઉતારી પાડેલા.

ઊણપો

આ ઉપરાંત મહેતાજીની ઊણપો તરીકે કેટલાક મુદ્દા રજૂ થયા છે – (1) ‘પરમહંસ સભા’ની જેમ પાંઉરોટીનો શિરસ્તો માનવધર્મ સભાએ દાખલ કર્યો નહિ38 (2) દુર્ગારામે ‘બાળલગ્ન’ તરફ ધ્યાન દીધું નહિ39 વગેરે.

સુધારાના આ આદિ યુગમાં ખુદ રામમોહન રાયે પણ આ તરફ લક્ષ આપ્યું ન હતું (અને બે પત્નીઓ હોવા છતાં રામમોહન બહુપત્નીત્વના વિરોધી પણ હતા!)
ઉપર જણાવી તે ઉપરાંતની પણ, પાછળના યુગના માણસોને યાદ આવે અને ખૂંચે એવી, અનેક બાતમીઓ, ઘટનાઓ અને કમજોરીઓની નોંધ થઈ શકે ખરી.

આવી અને બીજા પ્રકારની નબળાઈઓ અને ઊણપો શ્રેષ્ઠતમ બંગાળી, મહારાષ્ટ્રી અને ગુજરાતી સુધારકોની પાછલી પેઢીઓમાં (કેશવચંદ્ર સેન, રાનડે, નર્મદ, કરસનદાસ, મહીપતરામ વગેરે સુદ્ધાંમાં), સુધારો જ્યારે વધુ અનુકૂળ બન્યો ગણાય ત્યારે, ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.

સુધારકોના યુગની, સુધારકોની પોતાની, અને સુધારકોના સાથીદારોની શક્તિ-અશક્તિ-મર્યાદાના પ્રકાશમાં આ આખી ચર્ચા એક સ્વતંત્ર વિષય તરીકે કરવી જરૂરી છે.

આપણા પૂર્વજોએ ઉત્કર્ષના યુગપ્રેરક નવા વિચારો રજૂ કર્યા, એમનો પ્રચાર કર્યો, એને માટે મંડળો રચ્યાં. તેમાંની જ કેટલીક બાબતોમાં પોતાના જ આદર્શ અનુસાર સંપૂર્ણપણે જીવી નહિ શક્યા હોય, તોય, લગભગ આખી જિંદગી એ ધ્યેય માટેની નિષ્ઠા છોડ્યા વિના કાર્યરત રહ્યા, અને લગભગ આખી જિંદગી દુ:ખ વેઠતા રહ્યા – એ હકીકતો ઓછી પ્રેરણાદાયી નથી.

સાથોસાથ આપણે એ વિચારીએ કે – સુધારાઓનો સ્વીકાર કરનારા આપણે – આજની પેઢીના શિક્ષિતો પણ ખરેખર ક્યા સુધારાને, કેટલી હદે જાગ્રત રીતે અનુસરીએ છીએ? જે સુધારાઓ આજે સહજ થયેલા જણાય છે તે મોટે ભાગે તો, બાહ્ય પરિસ્થિતિના હડસેલાને જોરે, યા કાનૂનના દબાણને કારણે અનુસરાઈ રહ્યા નથી શું?

8. ઉપસંહાર

ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ભારતમાં ત્રણ નવાં બળો કામ કરી રહ્યાં હતાં –

1. ઈસ્ટ ઇંડિયા કંપનીની વેપારી ઇજારદારી લૂંટણનીતિ, તથા રાજ્દ્વારી એકહથ્થુ તંત્ર.
2. જુદાં જુદાં ખ્રિસ્તી મિશનોની સંસ્થાઓ : તેમની ધારણા તે સમયે એવી હતી કે જો ભારતની આખી પ્રજાને ખ્રિસ્તીધર્મી બનાવી શકાય તો બ્રિટન સાથે ઐક્ય સધાતાં ભારતની પછાત પ્રજા ઉન્નતિના પંથે પળી શકશે; અને બ્રિટન પણ એક મહાન શક્તિ બની જશે.
3. અંગ્રેજી વેપારીઓમાંનાં અને અમલદારોમાંનાં કેટલાંક પ્રગતિશીલ દૂરંદેશી તત્ત્વો – (બંગાળમાં જૉન ડિગ્બી,40 ડેવિડ હૅર,41 તથા ગુજરાતમાં પાછળથી (1848) ફાર્બસ – જેમણે ભારતની સાંસ્કૃિતક-સાંસ્કારિક પ્રગતિમાં દેશી પુરસ્કર્તાઓને સાથ સહાય આપ્યાં હતાં.
4. આ સમયે ભારતવાસીઓનું પોતાનું એક બીજું પણ પરિબળ હતું –
ભારતની દુર્દશા જોઈ અકળાઈ ઊઠી; ખ્રિસ્તી મિશનરીઓના જેવા જ ભાવના સેવનારા અને ‘જૂનું તેટલું ખતમ કરો’ના આવેશમાં હિંદુ ધર્મ અને પ્રાચીન ભારતીય સંસ્કારિતા પ્રત્યે તિરસ્કાર સેવનારા, અંગ્રેજી નૂતનતાના આશક, ખ્રિસ્તી ધર્મ પ્રશંસક, તથા મુક્ત વ્યવહારના પ્રતીક તરીકે મદ્ય અને ગોમાંસ અપનાવનારા, બંગાળમાં ઘરોઘર બંડ પેટાવી જનાર - ‘a generation without fathers and children’ જેવા ‘યંગ બંગાલ’ આંદોલનના નેતા પ્રોફેસર હેનરી વિવિયન ડેરોઝિયો (1809-1831) અને તેમના સાથીદારો હતા. અલબત, આ તેજસ્વી ક્રાંતિકારી જુવાનોએ જ ભારતમાં પ્રથમ રાજકીય સંસ્થા ‘બ્રિટિશ ઇન્ડિયન ઍસોસિયેશન’ની સ્થાપના કરી હતી (1851) અને મજૂર આંદોલનનાં પણ બીજ વાવ્યાં હતાં; અને તેમણે (1834-35માં) ‘Enquirer’ (જ્ઞાનાન્વેષણ) તથા ‘બંગાળ સ્પેકટેટર’ (1842) પત્ર દ્વારા રાજકીય – આર્થિક સમસ્યાઓની ઊંડી છણાવટ કરી અવિસ્મરણીય સેવાઓ પણ બજાવી હતી.42

રામમોહન રાય અને દુર્ગારામ મહેતાજી બંને વચ્ચેના વિભૂતિ તત્ત્વમાં અપરંપાર ભેદ હોવા છતાં, બંનેની શ્રદ્ધા એક જ હતી – બંનેના રાહ લગભગ સરખા હતા.

રાજા રામમોહન રાય તથા દુર્ગારામ મહેતાજીની સર્વશ્રેષ્ઠ વિશેષતા એ છે કે એમણે સર્વાંગી સુધારાનો સ્વસ્થ સમન્વયનો માર્ગ અખત્યાર કર્યો હતો, જેને પરિણામે તેઓ –
ભારતીય શ્રેષ્ઠ તત્ત્વો અને પ્રણાલીની રક્ષા કરી, તેના પાયા ઉપર ભારતીય સમાજની નવરચના કરવા કૃતનિશ્ચય હતા. અને આખી હિંદી પ્રજા ખ્રિસ્તી બની જાય તો સંસ્કારી બની આગળ આવે એવી માન્યતા તથા ખ્રિસ્તી પાદરીઓની વટાળપ્રવૃત્તિ સામે સર્વથી જાગ્રત અને સક્રિય રહ્યા હતા.

કેવળ હિંદુ સમાજ નહિ, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મ અને સમાજનાં અનિષ્ટોને ખુલ્લાં પાડ્યાં છતાં, તે ધર્મ અને સંસ્કારિતાનાં શુભ તત્ત્વોને પ્રકાશમાં આણી ‘સર્વધર્મ સમાનતા’ના પાયા પર ‘વિશ્વધર્મ’ની રચના કરવાના પ્રયાસો (બ્રાહ્મસભા : માનવધર્મસભા) આદર્યા હતા.

અંગ્રેજી રાજ્યસત્તાનાં અનિષ્ટો જોયા જાણ્યા ને અનુભવ્યા પછી, અને પ્રસંગ આવ્યે તેની સામે વિરોધ કર્યા છતાં, પુરાણી શાસ્ત્રી પ્રથા – મદ્રેસા પ્રથાની સંકુચિતતા અને નિષ્ફળતા સામે જેહાદ ચલાવી ભારતના પુનર્જીવન માટે અંગ્રેજી શિક્ષણ-પ્રથા, જ્ઞાન-વિજ્ઞાનને જીવનદાયી અમીકૂપી સમજી ઉમળકાભેર આવકારતા રહ્યા હતા.

અને એકંદર એવી શ્રદ્ધા સેવતા હતા કે બ્રિટનનો સહકાર ભારતના અને દુનિયાના ઉત્કર્ષ માટે ઐતિહાસિક રીતે અનિવાર્ય છે.43

આથી જ તો એ વાત પણ સ્પષ્ટ થાય છે કે, પ્રથમ માર્ગ અખત્યાર કરનાર આ પુરસ્કર્તાઓ માટે તેમના પછીના સુધારક સેનાનીઓ માટે ઊભી જ થઈ ન હતી. દા.ત.

(1) પહેલાં રાજકીય ક્રાંતિ વા પહેલાં સંસાર સુધારો? (ખાસ કરીને મહારાષ્ટ્રમાં ‘લોકહિતવાદી’, રાનડે, ટિળક, આગરકરની વર્ષો સુધી ચાલેલી ચર્ચા).
(2) સુધારો ઉગ્ર, ઉદ્દામ કે શાંત, મવાળ? ક્રાંતિકારી કે ક્રમશ:? બલ્કે- યાહોમ કરીને, કે ધીરે ધીરે? (ગુજરાતમાં નર્મદ દ્લપત યુગની ચર્ચા).

ઉપરાંત, આ પુરસ્કર્તાઓને પાછળના વિવેચકોએ ઊભાં કરેલાં ‘ઓરિએન્ટાલિસ્ટ’ કે ‘ઍંગ્લિસિયન’ ‘સુધારાવાદી’ કે ‘સંરક્ષણવાદી’ આવાં ચોકઠાંમાં આપણે બેસાડી શકતા નથી. તથા ‘અંગ્રેજી સરકારની મદદથી’ કે ‘મદદ વિના કેવળ પ્રજાની જાગૃતિના બળે’ સુધારા કરવાની સમસ્યા પણ હજી જાગી ન હતી. બલ્કે આવા અપૂર્વ સમન્વયનો બીજો જોટો આપણે અનેક દાયકા બાદ, મહાત્મા ગાંધીમાં જોવા પામીએ છીએ. રાષ્ટ્રપિતા ગાંધીના આ પૂર્વજોને – સર્વાંગી, સ્વસ્થ, સમન્વયવાદીઓને – રાષ્ટ્રીય નવજાગૃતિના આ આદ્યપ્રવર્તકોને વંદીને વિદાય લઈએ.

સંદર્ભ સાહિત્ય :-
ગુજરાતી
1. દુર્ગારામ મહેતાજીચરિત્ર : (મહીપતરામ રૂપરામ)
2. મારી હકીકત : (નર્મદાશંકર)
3. નંદશંકર જીવનચરિત્ર : (વિનાયક નંદશંકર મહેતા)
4. મહીપતરામ : (ભાનુસુખરામ નિ. મહેતા)
5. જૂનું નર્મગદ્ય : (નર્મદ)
6. નવલગ્રંથાવલિ : (નવલરામ પંડ્યા)
7. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન : ખંડ 1 (હીરાલાલ પારેખ)
8. સંસાર સુધારાનું રેખાદર્શન : (નવલરામ ત્રિવેદી)
9. શ્રી રામકૃષ્ણ પરમહંસ : (રોમાં રોલાં; અનુ. : ચંદ્રશંકર શુક્લ)
10. હિંદની અંગ્રેજ વેપારશાહી : (મગનભાઈ પ્ર. દેસાઈ)
11. આધુનિક ભારત : (આચાર્ય જાવડેકર; અનુ. : દેશપાંડે)
12. અર્વાચીન ગુજરાતી શિક્ષણનાં સવાસો વર્ષ : (સં. રામલાલ નવનીતલાલ)
13. અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય : (વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી)
મરાઠી
14. દાદોબા પાંડુરંગ : (અનંત કાકબા પ્રિયોળકર)
15. નામદાર જગન્નાથ શંકર શેટ : (વિનાયક માધવરાવ પિતળે) (1916)
16. ના. નાના શંકર શેટ : (પુ. બા. કુલકર્ણી)
17. ડૉક્ટર ભાઉ દાજી લાડ : (શ્રીનિવાસ નારાયણ કર્ણાટકી)
અંગ્રેજી
18. Raja Ram Mohan Roy (G. A. Natesan)
19. Rammohan Roy Vol. I (Iqbal Singh)
20. A Century of Social Reform in Inda (S. Natrajan)
21. Notes on Bengal Renaissance (Amit Sen)
22. Swami Vivekanand (Dr. B. N. Dutt)
23. Social Background of Indian Nationalism (Dr. A. R. Desai)
24. India To-day (R. P. Dutt)
Bombay Gazetter Vol. II (1877)

પાદટીપ - 1 થી 43 :-
1. નિબંધકર રઘુનંદન શાસ્ત્રીએ ‘સતી’ની પ્રથા સાબિત કરતા ઋગ્વેદનું એક વાક્ય ફેરવી પણ નાખ્યું હતું. “All those women, well-dressed ascend the room in front of them’ને બદલે ‘enter the fire-room” એવું કરી નાખ્યું હતું ! આ જ શાસ્ત્રીએ આ પ્રકારની બીજી પણ બનાવટો કર્યાના ઉલ્લેખો મળે છે. (Swami Vivekanand, p.39) ... ગુજરાત અંગેના આવા કિસ્સાની નોંધ આગળ જતાં આપી છે.
2. આનો એક કિસ્સો મુંબઈ અંગેનો આગળ જતાં નોંધ્યો છે.
3. આજ સુધી એવું સ્વીકારી લેવામાં આવ્યું છે કે, દુર્ગારામ ગુજરાતના આદ્યસુધારક હોવા છતાં, સુરત ગુજરાતની પ્રથમ સુધારા નગરી હોવા છતાં રામમોહન રાય પછી ભારતવર્ષનો સંસારસુધારાનો પ્રવાહ કલકત્તા બાદ તત્કાલ મુંબઈમાં પ્રગટ થયો હતો; અને તેના અગ્રણીઓ મહારાષ્ટ્રી સુધારકો નાના શંકર શેટ, બાળશાસ્ત્રી જાંભેકર, દાદોબા પાંડુરંગ હતા અને દાદોબાનાં પ્રેરણા અને ઉત્તેજનથી દુર્ગારામે સુરતમાં સુધારાનું અને ‘માનવધર્મસભા’ની સ્થાપનાનું કાર્ય કર્યું હતું વગેરે.
આ માન્યતાઓ આધારરહિત છે, અને હકીકતોથી વેગળી છે, જેની વિગતો આગળ ઉપર આપણે જોઈશું.
4. 1843ની 4થી ફેબ્રુઆરી : “વસંતપંચમીએ ‘પૃથ્વીમાં સર્વ મનુષ્યો ગરક થવાનાં છે,’ તેવી ઠગાઈની વાત પ્રથમ કાશીમાં કોઈ બાહામણાયે ધૂતવાને કાઢીને મહાદેવના દેરામાં કાગળ નાખ્યો હશે…” આ કાગળની હજારો નકલો થઈ દેશભરમાં તેનો પ્રચાર થયો હતો; આખો ગુજરાત દેશ ખળભળી ગયો હતો ! ત્યારે મહેતાજી લખે છે : “હું નિશ્ચય જાણું છૌં કે એ મનુષ્યની મૂર્ખાઈનું લક્ષણ છે ….” (દુ.ચ. પૃ.17)
કતલની રાતે હજારો મુસલમાનોને છાતી કૂટતા જોઈ દયા આણી બોધ કરવાનું મન થયું (ન.ગ્રં.1, પૃ. 153)
હોડીમાં બેઠાં બેઠાં એક ઘરડી ડોશીને જાતિભેદ તોડવાનો ઉપદેશ કર્યો. (ન.ગ્રં.1, પૃ. 143)
હોડીમાં રાંદેર જતાં એક મુસ્લિમ ઉપદેશકની મેલી બુદ્ધિ જોઈ એનેય ઉપદેશ કર્યો. (દુ. ચ., પૃ. 41) વગેરે દૃષ્ટાંતો.
5. ગુજરાતમાં આટલી બધી અસર કોઈ પણ વક્તાની એટલા થોડા વખતમાં થયેલી અમે જોઈ નથી. (ન. ગ્રં. પૃ. 141)
6. મહેતાજીનું અવસાન 1876માં થઈ ચૂક્યું હતું.
7. આના બે કિસ્સા : (‘મારી હકીકત’, પૃ. 39)
8. સં. સુ. રે., પૃ. ૨૭
9. ‘હિંદની અંગ્રેજ વેપારશાહી’, પૃ. 335
10. ‘નંદશંકર ચરિત્ર’, પહેલા પ્રકરણના આધારે
11. બંગાળના રઘુનંદન શાસ્ત્રીની જેમ સુરતમાં દુર્ગારામને હાથ આમોદવાળા શાસ્ત્રી દીનાનાથ ભટ ચડી ગયા હતા. આ શાસ્ત્રીએ ઋષિઓને નામે ‘ડાકોર માહાત્મય’ નામે નવો શાસ્ત્રગ્રંથ બનાવેલો; અને તે રાધાવલ્લભી મતના ગોસાંઈની સૂચનાથી. તે જ રીતે તેણે સ્વામી સહજાનંદજી ઈશ્વર હતા એવું પ્રતિપાદિત કરવા સ્વામીનારાયણી પંથનો ગ્રંથ બનાવ્યો હતો. આ શાસ્ત્રીએ આ પ્રકારનો એકરાર કરવા ઉપરાંત એય સ્વીકાર્યું હતું કે તેણે આ કાર્ય ધનલોભે કર્યું હતું. (‘દુર્ગારામ ચરિત્ર’, પૃ. 43-44 )
12. ‘દાદોબા ચરિત્ર’, પૃ. 192
13. ખ્રિસ્તી બની ગયેલા શ્રીપત શેષાદ્રિને હિંદુ ધર્મમાં પાછો લાવવાના ‘શુદ્ધિ પ્રવૃત્તિ’ના આ પાપ સામે પગલાં ભરીને પૂનાના બ્રાહ્મણોએ તો અવધિ કરી નાખી હતી! ઠરાવ કરીને પ્રાયશ્ચિત્તો જાહેર કર્યાં હતાં – શુદ્ધિ કરનાર બ્રાહ્મણને દર અમાસે એક લઘુરુદ્ર અને 1000 ગાયત્રી જાપ કરવાની સજા; કારપિતૃત્વ પ્રયુક્ત દોષ માટે બાળશાસ્ત્રી જાંભેકરને 4 પ્રાજાપત્ય કરવાની સજા; અને બાળાજી દિવાણજીને ‘સંસર્ગજનિત દોષ’ માટે 1 પ્રાજાપત્યની સજા! આ ઠરાવ ઉપર પૂનાના 21 બ્રાહ્મણોની સહી હતી. (‘દાદોબા ચરિત્ર’, પૃ.239)
14. ગંગાધર દીક્ષિત ફડકે નામનો એક ગૃહસ્થ 1821માં સરકારી નોકરી માટે મુંબઈ ગયો હતો; ત્યાં છ વરસ નોકરી કરી પૂના પાછો ગયો ત્યારે તેને ‘દરિયો ઓળંગવા’ માટે ન્યાતબહાર મૂકવામાં આવ્યો હતો! (C. S. R. in India)
15. ‘દાદોબા ચરિત્ર’, પૃ.159-60
16. એજન, પૃ. 231-37
17. રાજા રામમોહનના ‘સંવાદ કૌમુદી’ પછીનું આ પ્રથમ પત્ર હતું. (1932માં આ પત્ર દૈનિક બન્યું હતું.)
18. ‘શ્રીમંત નામદાર જગન્નાથ શંકર શેટ’ (વિ.મા. પીતળે) તથા ‘ના. નાના શંકર શેટ’ (પુ. બા. કુળકર્ણી)
19. ‘નાના શંકર શેટ’, પૃ. 441
20. ‘ડૉક્ટર ભાઉ દાજી લાડ’ (શ્રી.ના. કર્ણાટકી)
21. ‘દાદોબા ચરિત્ર’ના આધારે
22. ‘આધુનિક ભારત’, પૃ. 82
23. એજન, પૃ.82
24. ‘દાદોબા ચરિત્ર’, પૃ. 238
25. આ ઉપ-પ્રકરણમાં દાદોબા અંગેની માહિતી ‘દાદોબા ચરિત્ર’ને આધારે
26. ‘દાદોબા ચરિત્ર’ના સંપાદક-લેખક શ્રી પ્રિયોલકર એક નિષ્ઠાવાન સંશોધક હોવા છતાં, તેમણે આ બાબતમાં કેટલીક ગંભીર ભૂલો કરી છે.
દા.ત. (1) માનવધર્મસભાની તા. 25-8-1844ની બેઠકમાં દુર્ગારામે પોતાના ઉપદેશમાં ‘માનવધર્મસભા’ને સ્થાને ‘પરમહંસસભા’ એવો ઉલ્લેખ કર્યાનું શ્રી પ્રિયોલકર જણાવે છે – (અને તેના આધારમાં ‘દુર્ગારામ ચરિત્ર’નું પા. 101 ટાંકે છે.) : ‘એક ભગવાં લૂગડાંવાળા પરમહંસસભામાં આવીને પ્રશ્ન કીધો કે આત્મા શું મેલો થાય છે કે તમે એને ધુઓ છો?’ હકીકતે, આ ઉતારો કરવામાં જ ભૂલ છે. મૂળ વાક્ય નીચે મુજબ છે : ‘એક ભગવાં લૂગડાંવાળા પરમહંસે સભામાં આવીને પ્રશ્ન કીધો....’ x x આવી જ રીતે, ‘દાદોબા ચરિત્ર’માં એક બીજી પણ ગંભીર ભૂલ છે.
(2) મુંબઈની ‘પરમહંસસભા’ ગુપ્ત રીતે મળતી હતી; તેની બેઠકોમાં નાતજાત-ભંજનના કાર્યક્રમ તરીકે ‘પાંઉભક્ષણ’નો કાર્યક્રમ હતો. શ્રી પ્રિયોલકર આ કાર્યક્રમ વિષે ખોટી રીતે એવો ઉલ્લેખ કરે છે કે - “આ પાંઉભક્ષણનો પ્રકાર સુરતની માનવધર્મસભામાં પણ હતો.” અને તેના સમર્થનમાં ‘દુર્ગારામ ચરિત્ર’ના પા. 59નો એક ઉતારો ટાંકે છે : “તે જ વેળા (તા. 6-7-1844ની બેઠકમાં) ભઠિયારાની દુકાનેથી રોટલો મંગાવી મહેતાજી દુર્ગારામ, માસ્તર દાદોબા અને તેમના મતના સાથીઓએ જોડે ખાઈ,"- આવો અધૂરો ઉતારો આપ્યો છે. હકીકતે - આ વાક્ય નીચેની રીતે પૂરું થાય છે. "જોડે ખાઈ દેખાડ્યું હોય તો ... તેઓ જગતના ઇતિહાસમાં પહેલા વર્ગના મહાપુરુષોની પંક્તિમાં દાખલ થયા હોત."
(બીજી નાની પણ મહત્ત્વ ધરાવતી ભૂલોય નજરે ચડે છે. દા.ત. નવલરામ જ. ત્રિવેદી તેમના સં.સુ.રે.માં એવું જણાવે છે કે, (પા. ર) 'માનવધર્મસભાની હકીકતનું દફતર મહેતાજીએ લખ્યું છે. તેમાંથી અર્ધું ચૌટાની નિશાળ બળી તેમાં બળી ગયું, ને બાકીનું અર્ધું મહેતાજી પાસે રહ્યું હતું. તેમ જ ઈ.સ. 1853થી મહેતાજી પોતાના જીવનની ખાનગી નોંધ લખવા માંડ્યા હતા, તે બંને સ.બા. મહીપતરામે લખેલ 'દુર્ગારામ ચરિત્ર'માં આપવામાં આવેલ છે. x x x આનો જ આધાર લઈ શ્રી પ્રિયોલકર એવુ લખે છે કે - 'સભાનું અરધું દફતર તેમની શાળા કોઈ દુષ્ટોએ બાળી નાખી તે વેળા આગનું ભોગ બન્યું. અરધું બાકી રહ્યું તે ઉપરથી દુર્ગારામે પોતાના જીવનવૃત્તાંતની ખાનગી નોંધ 1853માં લખાવવાની શરૂઆત કરી હતી, તેના ઉપરથી રા.સા. મહિપતરામ રૂપરામે 'દુર્ગારામ ચરિત' એ પુસ્તક તૈયાર કર્યું.' (દાદોબા ચરિત્ર' પા.249)
27. મારી હકીકતના આધારે
28. આ દોલતરામ વકીલ હશે. કેટલાક પાંચ દદ્દામાં દામોદરદાસને બદલે એમનું નામ મૂકે છે. (જુઓ સ.સુ.પૃ.17) આ ગૃહસ્થ સુધારાના સાથી તરીકે જેમની ગણતરી કરેલ છે તે દોલતરામ કેશવરામ હશે. (દુ.ચ. પા. 28) અને પાછળથી વિરોધમાં પડ્યો હશે, એમ લાગે છે.
29. ‘મારી હકીકત’, પૃ. 40
30. સુરત બાદ અમદાવાદમાં પહેલવહેલું શિલા છાપખાનું 1846-47 (સં. 1902-03)માં બજીભાઈ અમીચંદે નાખ્યું હતું; તેમાં આ બુધવારિયું પ્રગટ થવા લાગ્યું હતું (‘કવીશ્વર દલપતરામ’ ભા. 2, પૃ. 84)
31. કૃષ્ણલાલ મો. ઝવેરીના પિતામહ : માહિતીનો આધાર - ‘અર્વાચીન ગુજરાતી શિક્ષણનાં 125 વર્ષ.’
32. આ જ ગ્રેહામ સાહેબની સાથેના અણબનાવથી મહેતાજીને રાજકોટ બદલી થયાનો ઉલ્લેખ આગળ આવી ગયો છે.
33. ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ ખંડ-1, પૃ. 263
34. ‘દુર્ગારામ ચરિત્ર’, પૃ. 9-10
35. કવિ દલપતરામે જાતે જોયેલ પ્રસંગ (‘કવીશ્વર દલપતરામ’ ભા. 2, પૃ. 107-08)
36. જૂનું નર્મગદ્ય, પૃ. 418
37. જૂનું નર્મગદ્ય, પૃ. 416
38. ‘દુર્ગારામ ચરિત્ર’, પૃ. 60
39. ‘નવલગ્રંથાવલિ’, ભા. 1 પૃ. 146
40. રામમોહન રાય આ અમલદારના ખાનગી ‘મુનશી’ તરીકે કામ કરતા હતા, જેણે રામમોહન રાયને અસાધારણ સાથ અને પ્રેરણા અાપી (જુઅો ‘Rammohan Roy’, Ch. 4)
41. ડેવિડ હૅર : ઘડિયાળી વેપારી હતો. ખૂબ ધન કમાઈ ને તે કલકત્તામાં સ્થાયી થયો હતો. 1815માં રામમોહન રાયે ‘આત્મીય સભા’ શરૂ કરી ત્યારે કશા આમંત્રણ વિના તે તેમાં હાજર થયો હતો. અને ત્યારથી તેનું આખું કુટુંબ રામમોહનનું આત્મીય બની ગયું હતું.
42. Notes on the Bengal Renaissance પ્રકરણ 3. અહીં, એવી પણ એક નોંધ મળે છે કે એક ડેરોઝિયન સંન્યાસી બની કાઠિયાવાડ ચાલ્યો ગયો અને ત્યાં તેણે કોઈ રજવાડા સામેના પ્રજાકીય બંડમાં ભાગ લીધો હતો.
43. માતૃભાષા બંગાળી દ્વારા સાધારણ પ્રજાજન સુધી જ્ઞાનની અપૂર્વ જ્યોત (ધર્મના મૂળ ગ્રંથોના અનુવાદ, મૌલિક સિદ્ધાંતચર્ચાના ગ્રંથ, માસિકપત્રો, વ્યાકરણનું પુસ્તક વગેરે દ્વારા) પહોંચાડનાર રામમોહન રાયે કૉલેજના શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી ભાષાનો આગ્રહ સેવ્યો હતો! (‘Social Reform in India’, P.7; ‘Social Background of Indian Nationalism’, p. 134.)
અલબત્ત, અમારે (ભો. ગાં) મતે અંગ્રેજી ભાષાનું માધ્યમ તે સમયમાં ‘Liberating force’ હતું, તે જતે દિવસે ‘Imperialistic force’ બની ગયું …..
રામમોહન રાય તો એટલી હદે ઇચ્છા ધરાવતા હતા કે, અંગ્રેજો હિંદમાં એવી રીતે કામ કરે કે ઇંગ્લંડ તે હિંદનું લોહી ચૂસી તેને ફીકુંફચ કરી મૂકનારું ભૂત બનીને ન રહે; પણ ઇંગ્લંડ અને હિંદનાં લોહી, તેમનું સોનું, ને તેમના વિચારો એકબીજા સાથે ભળી જાય. તેમણે તો આગળ વધી એટલે સુધી ઇચ્છા રાખેલી કે હિંદી પ્રજા અંગ્રેજીને પોતાની રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારે, હિંદી સમાજમાં પશ્ચિમી સભ્યતા દાખલ કરે, અને પછી આઝાદી મેળવી એશિયાના બાકીના ભાગમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે. (‘શ્રી રામકૃષ્ણ પરમહંસ’, પૃ. 155-56 )
અલબત, આ પ્રકારની શ્રદ્ધા અને ઇચ્છા આજે તો આપણને તરંગી જ લાગે છે, પરંતુ, પશ્ચિમી – અંગ્રેજી પ્રજાઓની પૂર્વે, ભારતમાં રાજકર્તા તરીકે આવી વસેલી અને ભારતના સંસ્કાર જીવનમાં ઓતપ્રોત બની ગયેલી અનેક પ્રજાઓની જેમ, અંગ્રેજો પણ ભારતની પ્રાચીન તત્ત્વપ્રણાલીની શ્રેષ્ઠતા અપનાવી લઈ, ભારતને પોતાની ભૌતિક અને ભાષાકીય પ્રગતિનું પ્રદાન કરી વિશ્વઐક્ય સ્થાપે એવી ઝંખના આની પાછળ હશે.

(સદ્દભાવ : “વિશ્વમાનવ” મે 1960. ભોગીલાલ ગાંધીકૃત ‘મિતાક્ષર’; પહેલી આવૃત્તિ : 1970 – પૃ. 168 -217)

Category :- Opinion Online / Opinion