‘ગાંધી : મહાપદના યાત્રી’ વિશે

દક્ષા વિ. પટ્ટણી
19-07-2019

[ગાંધી : મહાપદના યાત્રી : જયન્ત પંડ્યા, પ્રકાશક – સંસ્કૃતિ, ૭૦૮, સાંકડી શેરી, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૭, પૃ. ૧૦૮, કિં. રૂ. ૬૦/-]

શ્રી જયન્તભાઈ પંડ્યા આપણા ચિંતનાત્મક સાહિત્યના સર્જક અને અનુવાદક તરીકે વિશેષ નોંધપાત્ર રહ્યા છે. તેમણે કરેલા મેઘદૂત અને ઇલિયડના પદ્યાનુવાદને બાદ કરતાં એમણે આપેલા લેખસંગ્રહો, શૂમાખર જેવા જગતવિચારકની કૃતિનો અનુવાદ અને એમણે લખેલાં ચરિત્રો એ મુખ્યત્વે વિચારપ્રધાન સાહિત્યનું સર્જન છે અને તેમાંયે ગાંધીવિચારને સમજવા-સમજાવવાનું જેમાં વિશેષ લક્ષ્ય છે તેવાં પુસ્તકોમાં ગાંધીજી, મહાદેવભાઈ અને મીરાંબહેન વિશેનાં એમનાં પુસ્તકો અને ‘ગાંધી – સવાસો’ પછી ‘ગાંધી : મહાપદના યાત્રી’ એ પણ ગાંધીવિચારને એક ચોક્કસ અભિગમથી આલેખતું ચરિત્રાત્મક પુસ્તક છે. આમ ચરિત્રસાહિત્ય અને તે પણ વૈચારિક ભૂમિકાને સ્પષ્ટ કરતું સાહિત્ય એ જયન્તભાઈના સાહિત્યસર્જનનું પ્રધાન અંગ છે. પ્રકૃત્તિથી અને પ્રવૃત્તિથી એમનો નાતો સદાયે વૈચારિક જગત સાથે રહ્યો છે.

‘ગાંધી : મહાપદના યાત્રી’ એ ગાંધીજીના જીવન વિષે લખાયેલું પુસ્તક હોવા છતાં એ ગાંધીજીનું સંપૂર્ણ ચરિત્ર નથી. લેખકનો એ પ્રયાસ પણ નથી. તેનો અભિગમ અને સર્જનપ્રક્રિયા બન્નેનો સ્પષ્ટ ખ્યાલ તેમણે નિવેદનમાં આપી દીધો છે.

ઈ.સ. ૧૯૯૭માં લોકભારતી સણોસરામાં આપેલાં વ્યાખ્યાનોનું આ સંવર્ધિત રૂપ છે. એટલે સ્વાભાવિક રીતે જ તેનો પૂર્વભાગ એ વ્યાખ્યાનની સહજ સરળ અભિવ્યક્તિ રૂપે લખાયો છે, પરંતુ એને જ્યારે લેખિત સ્વરૂપ અપાય છે ત્યારે તેમાં કેટલાક આધારો, અવતરણો, નોંધો મૂકી શકાય જેથી ગ્રંથ પ્રમાણભૂત બને. (જયન્તભાઈએ તે કર્યું છે) આથી જયન્તભાઈનું આ પુસ્તક લોકભારતીમાં આપેલાં વ્યાખ્યાનો અને લખાણનું મિશ્રણ છે અને એથી કદાચ વિશેષ ઉપયોગી બને છે.

આ ચરિત્ર-ગ્રંથ નથી. લેખકે ધાર્યું હોત તો ચરિત્ર લખી શકત એટલી દૃષ્ટિ અને સૂઝ તેમની પાસે છે તેનો પરિચય લેખકે પોતાના અંગ્રેજી (ગાંધીજી એન્ડ હિઝ ડિસાઇપલ્સ) અને ગુજરાતી (ગાંધી – સવાસો) બન્ને પુસ્તકોથી કરાવ્યો છે પણ ગાંધીજીનું ચરિત્ર જ હિમાલય જેવું ભવ્ય છે કે તેને બાથ ભીડવા કરતાં કોઈ પણ દૃષ્ટિકોણથી તેને નિહાળવું અને આલેખવું એ કલાકારને વધુ પસંદ પડે, અનુકૂળ પડે.

જયન્તભાઈએ આપેલ આ વ્યાખ્યાનોનો વિષય છે ગાંધીજીને મહાત્મા બનાવનારાં પરિબળો. લેખકને મોહ નથી બધાં જ પરિબળોની વિગત આલેખવાનો. શ્રોતાઓને રસ પડે, સમજાય અને વાતાવરણમાં સહજ રીતે પ્રગટ થાય તેવાં કેટલાંક પરિબળોનો તેમણે ઉલ્લેખ કર્યો છે જે વ્યાખ્યાનની સરળ શૈલીમાં ઉપયોગી છે પણ અભિવ્યક્તિની શાસ્ત્રીયતા તેમણે છોડી નથી.

પુસ્તક પાંચ પ્રકરણમાં લખાયેલું છે. પહેલું જ પ્રકરણ હરિનો મારગ – ગાંધીજીના મૃત્યુના આઘાતની વિશ્વવ્યાપી સંવેદનાને પ્રગટ કરે છે અને ગાંધીજીના આ વૈશ્વિક વ્યક્તિત્વને પામવા માટે લેખક આપણને ગાંધીજીના સમગ્ર જીવનમાંથી પસાર કરે છે, પરંતુ એમનું લક્ષ્ય સ્પષ્ટ છે – ગાંધી મહાપદના યાત્રી બન્યા છે તે માર્ગ દર્શાવવાનું. એ સિવાયની બધી જ વિગતો એમણે છોડી દીધી છે એટલે ક્ષેત્રની સ્પષ્ટ રેખાઓ દોરી આપીને એ જ દિશામાં ગતિ કરી છે.

ગાંધીજીના આ આન્તરવિકાસની ગાથાને એમણે ત્રણ વિભાગમાં આલેખી છે. પહેલો વિભાગ તે આત્મકથામાં નિરૂપાયેલ જીવનવિકાસ, બીજો દક્ષિણ આફ્રિકાનો ઘડતરકાળ અને ત્રીજો ઈ.સ. ૧૯૧૫માં હિન્દુસ્તાન આવ્યા પછી ગાંધીજીએ કરેલ કાર્યોમાંથી પ્રગટતા તેમના વિરાટ વ્યક્તિત્વનો. ગાંધીજીના મૃત્યુથી સર્જાતી શૂન્યાવકાશની સંવેદનાથી પુસ્તકનો પ્રારંભ કરી અંતે ગાંધી શાશ્વત સત્યના, પરમસત્યના યાત્રી હતા જેના વિચારોનો પ્રકાશ હજારો વર્ષ પછી પણ સમગ્ર વિશ્વને શાંતિ અને શ્રદ્ધા આપતો રહેશે એવી શ્રદ્ધા અને પરિતૃપ્તિ સાથે પુસ્તક પૂરું થાય છે.

જગતના કોઈ પણ મહાપુરુષ કરતાં ગાંધીજીની વિશેષતા એ છે કે એ તદ્દન સામાન્ય માણસમાંથી પોતે સભાનપણે પોતાની જાતને ઘડીને અસામાન્ય બન્યા. આત્માથી મહાત્મા સુધીની આ યાત્રા અથવા કહો કે સાધનાની રૂપરેખા એ આ પુસ્તકનો વિષય છે. લૂઈ ફિશરે ગાંધીજીના જીવન વિષે સરસ અને સાચું કહ્યું છે. “જાતે ઘડાવાની કળા” અલબત્ત આ પુસ્તકમાં તો જાતે ઘડવા પર પણ બહુ ભાર મુકાયો નથી. જે પરિબળોથી તેમનું ઘડતર થયું તેનાં દૃષ્ટાંતો આત્મકથા અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાંથી મૂક્યાં છે પણ એ મૂકતી વખતે લેખકની જે દૃષ્ટિ છે તે ધ્યાન ખેંચે તેવી છે. દા.ત. ગાંધીજી વિલાયતમાં અભ્યાસ કરવા માટે ગયા ત્યાં સભ્ય થવાની ઘેલછામાં ગાંધીજીએ જે જે પ્રયોગો કર્યા અને પછી છોડ્યા તે અત્યંત ટૂંકમાં દર્શાવી લેખક લખે છે : “એક પોષાકની ટાપટીપ બાદ કરતાં અન્ય કળાઓનો લોભ જતો કર્યો.” આ નિરીક્ષણ બહુ સૂચક છે.

પહેલાં ૨૨ પાનાંમાં આત્મકથાના પ્રસંગોનું આલેખન છે જેમાં ગાંધીજીના જીવનને ઘડનાર અનુકૂળ અને પ્રતિકૂળ પરિબળોનું વર્ણન છે. એ પ્રત્યેકમાંથી ગાંધીજી શું શીખે છે જે એમને મહાપદની યાત્રાએ લઈ જાય છે તેનું આલેખન છે પણ અત્યંત સીમિત છે. એ વિભાગ પૂરો કરતાં લેખક જે કહે છે તેમાં એમનું દૃષ્ટિબિંદુ કેટલું સ્પષ્ટ છે ! તેનો હજુ સામાન્ય માણસોને ખ્યાલ નથી. ઈ.સ. ૧૮૯૩માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા જવા નીકળે છે ત્યાં પહેલા ખંડની સાધનાનું વર્ણન પૂરું કરતાં લેખક લખે છે –

“ઈ.સ. ૧૮૯૩ના એપ્રિલ માસમાં નવા મુલકની સફરે નીકળેલા ચોવીસ વર્ષના આ યુવાન બૅરિસ્ટરે જીવનની વિદ્યાપીઠ પાસે શીખી શકાય તેટલું શીખી લેવામાં આળસ કરી ન હતી. એ શિક્ષણ વર્ગખંડોમાં નહીં પણ વર્ગની બહાર પ્રકૃતિ, પુરુષ અને પરિવેશ પાસેથી મળેલું અને તેના સાર રૂપે જે સત્ય ગાંધીજીને લાધ્યું તે હતું ‘આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિ માત્રનો સમાવેશ સત્યમાં છે.’”

ગાંધીજીએ આપેલ આ સારરૂપ તત્ત્વને પકડીને લેખક આપણને સત્યની શોધ તરફ લઈ જાય છે. આમ પહેલું પ્રકરણ એ આન્તર ઘડતરનું છે અને બીજામાં એ વ્યક્તિગત સાધનામાંથી વિસ્તરી સામાજિક જીવન સાથે સંકળાય છે તેનું આલેખન છે.

બીજા પ્રકરણનું નામ છે ‘વૈષ્ણવજન’. લેખકે દક્ષિણ આફ્રિકાની અનેક અદ્ભુત ઘટનાઓ અને ઘડતરની પણ અનેક વાતો જતી કરી છે. એમનું લક્ષ્ય છે વૈષ્ણવજન તરીકેના ગુણો ગાંધીજીના જીવનમાંથી ક્યાં અને કેવી રીતે પ્રગટ્યા તે દર્શાવવાનું, આથી, અત્યંત સંયમપૂર્વક એમણે અનેક આકર્ષક પ્રસંગો જતા કર્યા છે એ એમની વિશેષતા છે, પરંતુ ગાંધીજીના આધ્યાત્મિક વિકાસની અત્યંત ઊંચી ભૂમિકાને આલેખતા પ્રસંગોને લેખક કેમ ચૂકી ગયા હશે ? તેવો પ્રશ્ન સહેજે ઊભો થયા વિના રહેતો નથી.

દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ઈ.સ. ૧૯૧૫માં હિન્દુસ્તાન આવ્યા તે દર્શાવતાં લેખક કહે છે : “ઇતિહાસનાં પાનાંમાં અવતરતું સ્વચ્છ વ્યક્તિત્વ ...” ગાંધીજીનું ઐતિહાસિક સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું છે. એમનું પારદર્શક વ્યક્તિત્વ જગતે નિહાળી લીધું છે. એ સિદ્ધિનું તેમાં સૂચન છે.

ત્રીજો ખંડ છે ‘વડવાનલમાં ટકેલું ગુલાબ’. આ ખંડમાં હિન્દુસ્તાનમાં આવ્યા પછી ગાંધીજીએ કરેલ વિવિધ સત્યાગ્રહોની વાત છે પણ લેખકનું જે તારણ છે તે છે : “સત્યાગ્રહોએ ગાંધીની આકૃતિને નખશિખ કંડારનારા ટાંકણાનું કામ કર્યું હતું.” અને પછી લખે છે : “ગાંધીને ઘડનારાં પરિબળોના કેન્દ્રસ્થાને ઘડવૈયા રૂપે ઊભેલા છે સ્વયમેવ ગાંધી.” અહીં એમનો વિચાર લૂઈ ફિશરના વિચાર સાથે એક થાય છે અને દર્શન સ્પષ્ટ થાય છે.

ઈ.સ. ૧૯૧૬ના બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગાંધીજીએ આપેલા વ્યાખ્યાનથી ૧૯૨૨માં અમદાવાદના સર્કિટ હાઉસમાં ચાલેલા કેસની ભવ્યતાને લેખકે આલેખી છે. ધીમે ધીમે વિરાટ થતું વ્યક્તિત્વ ખડું થાય છે.

ઈ.સ. ૧૯૩૧માં ગાંધી-અર્વિન સમજૂતી થયા પછી; ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસીની સજા માફ કરાવવા ગાંધી વાઇસરૉયને મળે છે તે અંગેની વિગત આપીને લેખકે ઘણા યુવાનોના મનમાં ગાંધીજી વિશે ચાલતી ગેરસમજને દૂર કરી સાચી માહિતી આપી છે. આ પ્રકરણમાં લેખકે પ્રમાણભૂત માહિતી આપવા મોટાભાગે ‘અક્ષરદેહ’માંથી અવતરણોનો આશ્રય લીધો છે જે એમને કહેવાની વાતને પુષ્ટ કરે છે.

૧૯૪૪થી ’૪૮ સુધીનો સમય જે ગાંધીજીના જીવનનો મહાભિનિષ્ક્ર્મણનો કાળ, જેમાં ગાંધીની કરુણા, એમની વેદના અને એમની આધ્યાત્મિકતા પરાકાષ્ઠાએ પહોંચે છે. તેની અહિંસાનાં અપૂર્વ પરિણામો જગત નિહાળે છે અને છતાં ગાંધીની કલ્પનાનું ચિત્ર ભૂંસાતું જાય છે તેનું આલેખન ‘પ્રેમપંથ પાળકની જ્વાળા’ એ શીર્ષક નીચે કર્યું છે.

જગતના મહાન સાહિત્યકારોએ કહ્યું છે કે જેણે જેણે માનવજાતને પ્રેમ કર્યો છે તેને માટે પાવકની જ્વાળા અનિવાર્યપણે આવે છે. પ્રોમિથિયસ બાઉન્ડની કવિતાની જાણે યાદ આપે એવી આ ઘટના છે.

ઘેરી કરુણતા, નિષ્ફળતા, વેદના, આઘાતો અને એ બધાંમાંથી મુક્ત થઈ અન્તરાત્માના અવાજને અનુસરતો, સત્યની વાટે એકલો જતો આ પ્રકાશ, વ્યક્તિ મટી વિચાર બની જતા ગાંધી, તેનું કરુણ-ભવ્ય દર્શન છે અને છેલ્લે ‘પ્રભુ પરમ સત્યે તું લઈ જા’ એ પ્રકરણમાં ગાંધીજીના જીવનમાં સ્થૂળ સત્યના પાલનથી વિકાસ થતાં થતાં પરમ સત્ય સુધી એ પહોંચ્યા એનું આલેખન છે. વિચારના આ વિકાસમાં ‘ઈશ્વર સત્ય છે, પ્રેમ છે’ એ અનુભવથી માંડી ‘સત્ય એ જ ઈશ્વર છે’ એ દર્શન સુધી પહોંચ્યા તેનું આલેખન છે. ઉપરાંત ગાંધીજી વિષેની કેટલીક ગેરસમજોને સ્પષ્ટ કરતી વિગતો છે જે અભ્યાસીને ઉપયોગી બને તેવી છે.

વ્યાખ્યાનમાંથી પુસ્તક બનેલ આ કૃતિમાં વાતચીતની સાહજિકતા છે તો ગ્રંથની ક્રમબદ્ધ આલેખનપદ્ધતિ પણ છે. પ્રસંગોની રોચકતા છે તેમ વિગતોના આધારો પણ છે. કેટલીક જગ્યાએ આધારો ટાંક્યા પછી તેના અનુસંધાને કરેલ નોંધમાં વિગતદોષ છે તે નિવારી શકાઈ હોત. કેટલીક સરતચૂક જે અત્યંત મહત્ત્વની છે – દા.ત. પાના નં. ૮૮ પર રાષ્ટ્રપિતા નામ વિશેની વિગતે ચર્ચા છે, પરંતુ ગાંધીજીને રાષ્ટ્રપિતા એવું સંબોધન આપનાર સુભાષચંદ્ર બોઝ હતા અને હિંસાને માર્ગે જઈ ગાંધીજીથી છૂટા પડ્યા પછી પણ એમનો એ આદર જીવનભર હતો એ વાતનો ઉલ્લેખ થયો હોત તો ઘણું સારું હતું.

એકંદરે ગાંધીજીના આન્તરવિકાસને આલેખતું – આત્માથી મહાત્મા સુધીની વિકાસયાત્રાનું આ પુસ્તક તેની સહજ સરળ અભિવ્યક્તિ, પ્રમાણભૂત આધારો, સ્પષ્ટ જીવનદૃષ્ટિ અને ગાંધીજીના ઊંડાણભર્યા અભ્યાસથી આસ્વાદ્ય બન્યું છે. ગુજરાતીમાં ગાંધીજી વિશે લખાયેલાં અભ્યાસપૂર્ણ પુસ્તકોમાં તેનું મહત્ત્વનું સ્થાન રહેશે.

[‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ પ્રકાશન]

Category :- Gandhiana