‘ગાંધી : મહાપદના યાત્રી’ : એક અનોખું પુસ્તક

દક્ષા વ્યાસ
15-07-2019

કવિ, રેખાચિત્રકાર, અનુવાદક, ‘નિરીક્ષક’ના પૂર્વ તંત્રી, કર્મશીલ, વિદ્વત્તા-વિનમ્રતા-સાદગી - સરળતાથી દીપતી સૌજન્યમૂર્તિ એવા જયંત પંડ્યાનું અનોખું પુસ્તક છે : ‘ગાંધી : મહાપદના યાત્રી.’

નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં એમણે આપેલાં અને પ્રશંસા પામેલાં બે વ્યાખ્યાનો વિસ્તારીને એને કલાઘાટ અપાયો છે. આ પુસ્તક અત્યંત લાઘવપૂર્વક ગાંધીના વિરાટ જીવનકાર્યને ઊંડળમાં લઈને એમને સમજવાની દૃષ્ટિ આપે છે. એના ઉપરણા પર સુપ્રસિદ્ધ વિદ્વાન યશવંત શુક્લ નોંધે છે : ‘ઈસુ ખ્રિસ્ત, બુદ્ધ, મહાવીર આદિ માનવજાતને પોતાના જીવનકાર્યથી મોટો સંદેશ આપી જનારાઓ સાથે સરખાવતાં ગાંધીમાંથી કંઈક વિશેષ જડી આવે છે.’ આ ‘વિશેષ’ને આપણે પ્રતીતિકર રીતે આ નાનકડા પુસ્તક દ્વારા પામીએ છીએ. સમજાય કે ગાંધીજીને પૂરા પચાવ્યા પછી એ લખાયું છે અને એના કેન્દ્રમાં છે, ‘ગાંધીને મહાત્મા બનાવનાર પરિબળોની ખોજ.’

ગાંધીજીની જીવનયાત્રાને લેખક ચાર સમયખંડમાં વિભાજિત કરે છે અને કાવ્યમય સૂચક શીર્ષકો દ્વારા એ મહાપદની યાત્રામાં આધ્યાત્મિક યાત્રાની પ્રતીતિ કરાવે છે.

સર્જન જયંતભાઈ રચનાને કલાત્મક ઘાટ આપતો આરંભ કરે છે ગાંધીજીના અવસાનની ઘટનાથી. ‘ગાંધીને મેં કદી જોયા ન હતા ... એમની ભાષા હું જાણતો નથી. એમના દેશમાં મેં પગ મૂક્યો નથી, તેમ છતાં મેં મારું પ્રિયજન ગુમાવ્યું હોય એવું દુઃખ મને થાય છે.’ ફ્રાન્સના વડાપ્રધાન લિયાં બ્લૂમના આ ઉદ્‌ગાર ટાંકીને તેઓ પ્રશ્ન કરે છે : ‘અજાણ્યા માણસોને ય આવી લાગણી થવાનું કારણ શું હશે?’ આ વિસ્મય-પ્રશ્નથી એમની ખોજ શરૂ થાય છે.

પ્રથમ પ્રકરણ ‘હરિનો મારગ’ ગાંધીની બૅરિસ્ટર થવા સુધીની યાત્રાને આવરે છે. માતા સાધ્વી અને ભાવિક છે. ભૂતપ્રેતથી ભયભીત બાળકને રંભા રામનામનું ઓસડિયું પાય છે. ‘શ્રવણપિતૃભક્તિ’ નાટકનું વાચન અને ‘હરિશ્ચંદ્ર આખ્યાન’ની ભજવણી બાળ મોહનને પ્રભાવિત કરે છે. એક વિચારબીજ રોપાય છે : ‘હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ આ માર્ગે કિશોર મોહન ચોરી કરીને જોડણી સુધારતો નથી; પણ સુધારક અને સશક્ત જોવાના મોહમાં મિત્રોના સંગે બીડી-માંસ-મદિરાના રવાડે ચડે છે, પરંતુ એનો આતમરામ માતાપિતા સાથેની છેતરપિંડીને લાંબો સમય વેઠી શકતો નથી. પિતા સમક્ષ ચિઠ્ઠી લખી એકરાર કરે છે. પિતા-પુત્રનાં આંસુના સંગમની ક્ષણે તરુણ મોહન એકસાથે સત્યનો મહિમા અને અહિંસાના પ્રભાવનો સાક્ષાત્કાર કરે છે. આ બીજનું જળસિંચન થાય છે. બૅરિસ્ટર થવા વિલાયત જતા યુવાન દીકરા સમક્ષ માંસ-મદિરા-સ્ત્રીસંગથી દૂર રહેવાની માતાએ દોરેલી લક્ષ્મણરેખાથી.

આ હરિના મારગે બૅરિસ્ટર થવા નીકળેલા યુવા મોહન સામે અનેક પડકારો અને પ્રલોભનો છે. ભાવતો શાકાહાર સુલભ નથી. માંસ-મદિરા અને સ્ત્રીસંગ સહજ પ્રાપ્ય છે. અપરિણીત હોવાનો દંભ બીજાઓની પેઠે જાળવી રાખવો પડે છે; પરંતુ લક્ષ્મણરેખા એને આગળ વધવા દેતી નથી. સત્ય જાહેર કરીને એ નિઃસ્વાર્થ મૈત્રીને પામે છે. શાકાહારી રેસ્ટોરાં શોધે છે, એમની ક્લબમાં જોડાય છે, પુસ્તકો વાંચે છે. પાઈએ પાઈનો હિસાબ રાખવાની ચીવટ અને કરકસર એને બાહ્ય ભભકાથી દૂર રાખી શકે છે. સમજાય છે કે યુવાન મોહનને નવું શીખવાની ધગશ છે. દરેક અનુભવ, પરિસ્થિતિ, ઘટનામાંથી એ શીખે છે અને આગળ વધે છે. ઉત્તમને આત્મસાત્‌ કરવા એ ઉત્સુક છે. ડિગ્રી મળતાં એ અનુભવી વકીલ ફ્રેડરિક પિંક્ટની મુલાકાત માગે છે. ઇતિહાસનાં અને મનુષ્યને ઓળખતાં શીખવે એવાં પુસ્તકો વાંચવાની સલાહને ગાંઠે બાંધે છે. “સામાન્ય પ્રામાણિકતા અને ખંતથી મનુષ્ય વકીલાતનો ધંધો સુખેથી ચલાવી શકે,” એવા એમના શબ્દો એના ચિત્તપટ પર અંકિત થઈ જાય છે. આમ, બાહ્ય પ્રલોભનોનો શૂરવીરતાથી સામનો કરી સ્વચ્છ છબી સાથે એ સ્વદેશ પાછા ફરી વકીલાત શરૂ કરે છે; પણ પ્રથમ કેસમાં ઊલટતપાસ કરવાના પ્રસંગે પગ ધ્રૂજે છે; ભીરુતા ઘેરી વળે છે અને એ મેદાન છોડી દે છે.

બીજા પ્રકરણ ‘વૈષ્ણવજન’માં ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની જીવનયાત્રાનો ચિતાર મળે છે. અહીં પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ શેઠ અબ્દુલ્લાના કેસના કામે ડરબનથી પ્રિટોરિયા જતાં ગાંધી પાંચ-પાંચ વાર અપમાનિત થાય છે, રંગભેદનો તીવ્ર અનુભવ કરે છે; પણ ચૂપ રહે છે. કેસ પૂરો થતાં વર્ષાંતે સ્વદેશગમનના વિદાય-સમારંભ વેળા છાપામાં પ્રકાશિત હિન્દીઓનો મતાધિકાર રદ્દ કરતા ખરડા પર નજર જાય છે અને સૌને સમજાવે છે કે આ તો હિન્દીઓનું કાસળ કાઢવા માટેનો કારસો છે. અવાજ ઊઠે છે, ‘ગાંધીભાઈને રોકી લો’. ‘તમે કહેશો તેમ લડત આપીશું.’ દેશબંધુઓ પ્રત્યેનું કર્તવ્યભાન એમને દેશ-કુટુંબ-પત્ની-પુત્રના મિલનનું પ્રલોભન છોડીને રોકાઈ જવા પ્રેરે છે. આત્મવાત્ ‌સર્વ ભૂતેષુની કરુણાપ્રેમી એમની જીવનયાત્રા સ્વમાંથી સર્વમાં પ્રવેશે છે. પ્રશ્ન ઊઠે છે, ‘એમની ફીનું શું કરીશું?’ અને સત્વર પ્રત્યુત્તર મળે છે, ‘જાહેર સેવામાં ફી કેવી ?’ ચેતનાનો આ વિસ્તાર તન-મન-ધનથી સૌને બેહાલ બનાવતી, થકવી નાખે એવી સત્યાગ્રહની લડતમાં અડગ રાખે છે. માલ-મિલકત, ધન-સંપત્તિ, કુટુંબસુખ, શરીર - સ્વાસ્થ્ય વગેરે તમામને ભોગે સત્યને વળગીને રહેવાનું કૌવત આપે છે. તેન ત્યક્તેન ભુંજીથાઃ - ત્યાગીને ભોગવી જાણો-નો મંત્ર ક્રમશઃ સાકાર થતો જાય છે અને ગાંધી સુખભોગની એક પછી એક કાંચળી ઉતારતા જઈ શ્રમ, સ્વાશ્રય, સાદગી, સેવા, સમર્પણની આશ્રમજીવન અપનાવે છે; દેશબંધુઓ સાથે સમરસ બને છે. સત્ય-અહિંસા સાથે અપરિગ્રહ જ નહીં સેવા-કરુણા અને બ્રહ્મચર્યપાલનનું વ્રત પણ ઉમેરાય છે. પરથમ પહેલું મસ્તક મેલીને હરિને મારગે નીકળેલો આ યાત્રી પરાઈ પીડને દૂર કરવા મૂઠી ઊંચેરો સાચા વૈષ્ણવજન રૂપે પ્રગટ થાય છે. એકવીસ વર્ષ ચાલેલી અથક લખાપટ્ટી, સત્યાગ્રહ અને જેલગમનના સિલસિલાવાળી, જુલમ-સિતમથી માણસનું હીર હણી લેતી મનુષ્યતા માટેની એ લડત ગાંધીભાઈને એક ભવ્ય ઊંચાઈ પર મૂકી આવે છે. થોરો, ઇમર્સન, રસ્કિન, ટૉલ્સ્ટૉય જેવા મનીષીઓના વિચારો એ માટેની નક્કર ભૂમિકા પૂરી પાડે છે. ત્યાગમૂર્તિ ગાંધીનો અહીં સુખદ પરિચય સાંપડે છે.

ત્રીજું પ્રકરણ ‘વડવાનલમાં ટકેલું ગુલાબ’ ૧૯૧૫થી ૧૯૪૪ સુધીના કાર્યકાળને સમાવે છે. ૧૯૧૫માં આફ્રિકાથી સદાને માટે ભારત આવેલા ગાંધીએ આમ પોતાની એક પૂર્ણપ્રતિમા જાણે કે ઘડી લીધી છે. એ સત્યાગ્રહ, અસહકાર અને ઉપવાસના શસ્ત્ર સાથે સજ્જ છે; આશ્રમજીવન અને અગિયાર મહાવ્રતને અપનાવી ચૂક્યા છે. બ્રિટિશ હકૂમત હેઠળના ભારતવાસીઓની ન્યાય અને અધિકાર માટેની લડત અહીં પણ એમની પ્રતીક્ષા કરી રહી છે. આવતાં જ તેઓ આશ્રમજીવન શરૂ કરે છે; જાણે કે એ સ્વચ્છ, પ્રામાણિક, શિસ્તબદ્ધ, સમજદાર સત્યાગ્રહીઓ તૈયાર કરવાની શાળા બની રહે છે. ગોખલેગુરુની સૂચના અનુસાર દેશભ્રમણા કરી રાષ્ટ્રના પાયાના પ્રશ્નો સમજે છે. આઝાદી એટલે પરદેશી શાસનમાંથી મુક્તિ એટલા સ્થૂળ અર્થમાં જ રમમાણ દેશબંધુઓને તેઓ સુરાજ્ય એવા સ્વરાજ્યના નવા વિચારની દીક્ષા આપે છે; જેમાં સૌને કામ, સૌને રોટલો, સૌને ન્યાય અને સ્વાવલંબન હોય. અન્યાય, અત્યાચાર અને શોષણની સામે જ એમનો જંગ સીમિત રહેતો નથી; સ્વદેશી, સ્વચ્છતા, અસ્પૃશ્યતાનિવારણ, કોમી એખલાસ, સાધ્ય સાથે સાધનની શુદ્ધિ, સર્વધર્મસમભાવ માટેનો જંગ પણ સાથે-સાથે જ ચલાવતા રહે છે. આ ગાળો અથક સવિનય કાનૂનભંગ, અસહકાર, સત્યાગ્રહ, જેલગમન અને ઉપવાસથી છલકાય છે. ગાંધીજી જે ઊંચાઈ પર વિરાજે છે, તે માત્ર આવી લડતોને લીધે જ નહીં; પણ નાની, નાની બાબતોમાં એમણે દર્શાવેલો વિવેક અભિભૂત કરે છે. એમને માટે કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના તુચ્છ કે નકામી નથી. એમનું સ્પષ્ટ દર્શન ... અને એમનો વિવેક અતિ સૂક્ષ્મ છે. રાજદ્રોહના આરોપ વેળા ન્યાયાધીશને સ્પષ્ટ શબ્દોમાં તેઓ કહે છે, ‘કાયદો પાપી લાગે અને હું નિર્દોષ લાગું, તો રાજીનામું આપી પદ છોડો’ અને ‘મારી પ્રવૃત્તિ પ્રજાહિતને નુકસાનકર્તા લાગે તો કડક સજા ફરમાવો.’ સ્વરાજ લઈને જ પાછા ફરવાની ભીષ્મ પ્રતિજ્ઞા સાથે દાંડીકૂચ આદરે છે, ત્યારે માત્ર શિસ્તબદ્ધ સાથીઓને જ સાથે લે છે. નારાબાજીને બદલે કૂચમાં પ્રાર્થનાગીતો ગવાય છે. ‘બ્રિટિશ પ્રજાજનને કાનૂનભંગમાં ધરી ન દેવાય’, એવો વિવેક મીરાંબહેનને કૂચમાં જોડાવાની અનુમતિ આપતો નથી. ભગતસિંહ વગેરેને થયેલી ફાંસીની સજાથી ઉશ્કેરાયેલા ક્રાંતિકારી યુવાનોને સ્પષ્ટ કહે છે, “ખૂની, ચોર, ડાકુને પણ સજા કરવી તે મારા ધર્મવિરુદ્ધ છે ... પણ ભૂખે મરતા કરોડો માટે સ્વરાજ લેવું હોય, તો તલવારને રસ્તે ન લઈ શકાય ... હિંસાને માર્ગે માત્ર આપત્તિ જ આવે છે.” મનુષ્યમાં એમની અગાધ શ્રદ્ધાનો પરચો લેન્કેશાયરના રોષે ભરાયેલા બેકાર કામદારોના પ્રસંગમાં મળે છે. પૂરા પ્રેમ અને સહાનુભૂતિપૂર્વક તેઓ તેમને સ્પષ્ટ કહે છે, “હિન્દુસ્તાનના કરોડો કંગાલોની કબર પર આબાદ થવાનો તમે વિચાર ન કરતા.” એ અધનંગા ફકીરની નિર્દંભ, સચ્ચાઈભરી વાણી એમનું હૃદય જીતી લે છે. શાસકોની કપટ નીતિને કારણે ગોળમેજી પરિષદ ભલે નિષ્ફળ ગઈ; પરંતુ ગાંધીનો ફેરો અફળ જતો નથી. દેશમાં વ્યાપેલી અસ્પૃશ્યતારૂપી ભયાનક બલાનો અંત લાવવા ૨૧ દિવસના આકરા ઉપવાસ આદરતા, તેને માટે દેશભરમાં ધૂમી વળતા ગાંધી, પોતાને ઘેરી વળેલાં ટોળાં વચ્ચેથી સામીછાતીએ પસાર થતા ગાંધી, ‘અમારી પીઠ પરથી ઊતરી જાઓ’નો સંદેશો પાઠવતા ગાંધી, ૧૯૪૨ની કૉંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ‘હિંદ છોડો’ના ઠરાવ સાથે ‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપી દૃઢપૂર્વક ‘આ ઘડીથી સૌ કોઈ માને કે આપણે આઝાદ છીએ’નું એલાન કરતા ગાંધીજીની દેદીપ્યમાન મૂર્તિ અહીં કંડારાય છે.

ચોથા પ્રકરણ ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’માં ૧૯૪૪થી ૧૯૪૮નો સમય આવરી લેવાયો છે. ઝીણાની ‘સીધાં પગલાંદિન’ની જાહેરાતને પરિણામે કોમી રમખાણો મઝા મૂકે છે. આંતરયુદ્ધ તરફ વળી રહેલા દેશને - દેશબંધુઓને બચાવવા આ વયોવૃદ્ધ કરુણામૂર્તિ - પ્રેમમૂર્તિ કોલકાતા-નોઆખલી પહોંચી જાય છે. હિંદુમુસ્લિમ યાદવાસ્થળીને અટકાવવા જાતને હોડમાં મૂકે છે. નોઆખલીથી બિહાર, ત્યાંથી દિલ્હી એમની અજંપયાત્રા ચાલુ રહે છે. ભાગલા થઈને જ રહે છે, દેશ આઝાદદિનનો જશ્ન મનાવે છે; પણ ગાંધી રિસાઈને બેસી જતા નથી; આત્મશુદ્ધિ માટે ઉપવાસ કરે છે, બિહારમાં ભાનભૂલેલા બંધુઓને શાંત પાડવામાં વ્યસ્ત છે.

૩૦-૧-૧૯૪૮નું સાંજનું ભોજન એમને માટે શબ્દશઃ ‘છેલ્લુ ખાણું’ બની રહે છે. પ્રાર્થનાસભામાં જતાં એમની છાતી ત્રણ ગોળીઓથી વીંધાય છે. અને ‘છેલ્લા શ્વાસ સુધી મારું કર્તવ્ય બજાવતાં - બજાવતાં હું પડું એ મને અત્યંત ગમે.’ - એ ઇચ્છા પૂર્ણ થાય છે. નેહરુ ઉદ્‌ગાર કાઢે છે : ‘આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો છે.’

અંતિમ પાંચમાં પ્રકરણમાં લેખક ગાંધીજીનાં ૧૧ મહાવ્રતમાંથી સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસહકાર, અપિગ્રહની વિભાવના સ્પષ્ટ કરે છે; ચારિત્ર્ય અંગેની ગેરસમજનું સત્ય તારવે છે અને ‘ગાંધીને મહાત્મા બનાવનારું પરિબળ મુખ્યત્વે ગાંધી જ’ના નિર્ધાર ઉપર આવે છે. કહે કે :

“ગઈ કાલના ગાંધીને અતિક્રમી જનારા, એને સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતરમાં લઈ જનારા ગાંધી રોજ રોજ પ્રગટ થતા રહે છે. તેમની યાત્રા સદૈવ સત્યમાંથી પરમસત્યમાં પ્રવેશે છે ... ગાંધી એ શાશ્વત સત્યના યાત્રી છે.”

આ પુસ્તકમાંથી પસાર થતાં સતત એક અનુભવ થતો રહે છે કે ગાંધી પોતે જ જાણે છીણી અને ટાંકણું લઈને બેઠા છે અને બેડોળ પથ્થર સમા પોતાનામાંથી એક એક કાંકરી ખેવરતા જાય છે, પોતાને સતત ઘડતા જાય છે અને અંતે પોતાની એક અત્યંત ઘાટીલી મૂર્તિ સર્જે છે. ગાંધી એવા આત્મશિલ્પી હતા. સ્વમાંથી સર્વમય થતી જતી એમની ચેતનાનો વિસ્તાર કણકણમાં વ્યાપી વળે છે. આતમરામ જાગી જાય છે, પછી તે એમને એક વણ પણ જંપવા દેતો નથી. આત્મશુદ્ધિ સાથે સર્વની પરિશુદ્ધિ માટે ઉદ્વત બનાવતો રહે છે. અનાશક્તિ-ત્યાગ તે માત્ર સ્થૂળ વસ્તુનો નહીં, સંપત્તિનો નહીં, સુખ-ભોગ-વૈભવનો નહીં, દાંપત્યસુખ કે દેહધર્મનો નહીં, સૂક્ષ્મતમ - પોતાના અહમ્‌નો પણ ત્યાગઃ અતિ વિનમ્રતા, વિશાળ સમભાવ, અપાર કરુણા અને જીવમાત્ર સાથેની સમરસતા, ગાંધી પરિસ્થિતિ સામે લાચાર બનતા નથી; ઉકેલની શોધ કરે છે. વસ્તુ, ઘટના, વિષય, પરિસ્થિતિને અખિલાઈમાં તપાસે છે. ષડ્‌રિપુ ઉપરની જીત એમને દરેક પરિસ્થિતિમાં સ્થિર અને સચેત રાખે છે. દરેક અનુભવમાંથી એ શીખે છે. વ્યક્તિજીવનની નાની-નાની વાતોની સાથે વિશાળ માનવસમાજના પ્રશ્નોને ય સહજતાથી ઊંડળમાં લે છે. કોઈ બાબતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવતા નથી. લેખક કહે છે તેમ “તેમની બાથમાંથી કોઈ ક્ષેત્ર અણસ્પર્શ્યું રહેવા પામ્યું ન હતું. એ સ્પર્શમાં સંજીવની હતી.” સતત આત્મશોધનની સજગ પ્રક્રિયાએ એમને શુદ્ધિના ઝળહળતા શિખર ઉપર મૂકી આપ્યા.

વ્યારા, જિ. તાપી

સૌજન્ય : “નિરીક્ષક”, 15 જુલાઈ 2019; પૃ. 11-12

Category :- Gandhiana