મુક્તશીલા કેળવણીના મજેદાર શિક્ષક

વિપુલ કલ્યાણી
14-07-2019

અનિલભાઈ ભટ્ટનું અવસાન અનેક સ્પંદનો જગાડતું ગયું. એક મહત્ત્વની કડી લુપ્ત થઈ. એ ગુજરાતના એક ઉમદા પણ પ્રયોગશીલ શિક્ષક. મજેદાર, વિચારશીલ લેખક. બુનિયાદી કેળવણીના સફળ મશાલચી. એક બહાદુર, તપસ્વી પરિવારનું ફરજંદ. સર્વોદય, ગાંધી વિચારમાં તન-મન-ધનથી એકરૂપ બનેલ એ સમગ્ર પરિવાર.

અનિલભાઈને હળવામળવાના પ્રસંગો બન્યા છે. તેમાંનો છેલ્લો અવસર સાંભરે છે. એને ય હવે સત્તર સાલ થયા. એ ૨૦૦૨ની સાલ હતી. મનુભાઈ પંચોળી મોટે ગામતરે સિધાવ્યા તેને ય માંડ ચારેક મહિના ત્યારે થયા હતા. ૧૧-૧૨ જાન્યુઆરીએ, સણોસરા ખાતે, લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં, ૪૦મા નાનાભાઈ ભટ્ટ સ્મૃતિ પ્રવચનમાળાનો અવસર હતો. અતિથિ વક્તા રઘુવીર ચૌધરી હતા. સદ્દનસીબે એમની સંગાથે જ મારો ય ઊતારો હતો.

વળતે દિવસે સવારે ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાથી અનિલભાઈ ભટ્ટ રઘુવીરભાઈને મળવા પધારેલા. બન્ને વડેરી વ્યક્તિઓ વચ્ચેની વાતચીત ચાલતી હતી. શ્રોતા તરીકે નિરાંતવા બન્નેને સાંભળતો હતો. એમાં અનિલભાઈએ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના સ્મરણમાં, કાયમી ધોરણે, એક વ્યાખ્યાનમાળા ઊભી કરવાનુ સૂચન કરેલું તે સ્પષ્ટ સાંભરે છે. તેમાં ચર્ચવાને સારુ વિવિધ વિષયો સમેતનો એક આછેરો નકશો ય એમણે દર્શાવી આપેલો. બન્નેએ, એ વિચારોની આપ-લે જોડાજોડ, આ બાબતમાં સહમતી દર્શાવેલી.

અનિલભાઈ વિદાય થયા, અને રઘુવીરભાઈ સમક્ષ મન ખોલ્યું. જણાવ્યું કે ભારત બહારના ગુજરાતીઓ કનેથી, મનુભાઈ પંચોળી પ્રેમીજનો પાસેથી, આવું ભંડોળ ઊભું કરવાનું મુનાસિબ છે.

આ ‘દર્શક’ વ્યાખ્યાનમાળાના ત્રણ મણકા ય હવે પાર થયા છે. આ સાલ ચોથું વ્યાખ્યાન યાજાશે.

નયનાબહેન શાહ જોડે અવારનવાર બુનિયાદી તાલીમી કેળવણી અને અનિલભાઈની ખાંખતે વાત થયા કરી છે. આ ક્ષેત્રે એમનું પદાર્પણ સરસ, સફળ અને પોષક રહ્યું છે. ‘મુક્તશીલા કેળવણી’ તેમ જ ‘હૃદયકોષે અનિલભાઈ’ પુસ્તકો એનાં દ્યોતક છે. અનિલભાઈનું અવસાન દુઃખદ છે. એમને આ પેરેથી અમારી વિદાયવંદના હો. જૂહાર.

E-mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2019; પૂ. 06

છવિ સૌજન્ય : શિયલ મૂકેશની ફેઇસબૂક દિવાલ

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar