‘તરણ પારશી વીદીયારથીઓ’એ કરેલો તરજુમો

દીપક મહેતા
11-07-2019

કાળચક્રની ફેરીએ

આજથી લગભગ દોઢ-સો વર્ષ પહેલાંની વાત છે. ત્રણ પારસી છોકરાઓ મુંબઈમાં ભણે. ત્રણે પાકા દોસ્તો. ખાધેપીધે સુખી કુટુંબના, એટલે નવરાશના સમયમાં મનગમતી પ્રવૃત્તિ કરી શકે. પણ ૧૮૬૫ના અરસામાં તેમણે જે પ્રવૃત્તિ કરી તે એવી કરી કે લાંબા સમય સુધી જાણકાર લોકો તેની વાહ વાહ કરતા રહ્યા.

એવું તે કયું કામ એમણે કર્યું? ૯૬૪ પાનાંનું એક પુસ્તક બે ભાગમાં પ્રગટ કર્યું, સંખ્યાબંધ ચિત્રો સાથે. ના. ‘મૌલિક’ પુસ્તક નહોતું એ. તરજુમો કહેતાં અનુવાદ હતો, અરેબિયન નાઈટસની વાર્તાઓનો. અહીં એ યાદ રાખવું ઘટે કે અરેબિયન નાઈટ્સનો પહેલવહેલો અંગ્રેજી અનુવાદ જોનાથન સ્કોટે કર્યો હતો જે  ૧૮૧૧માં પ્રગટ થયો હતો. એટલે કે, તેના ૫૪ વર્ષ પછી તો આ ત્રણ વિદ્યાર્થીઓએ ગુજરાતી અનુવાદ કર્યો. પુસ્તકના ટાઈટલ પેજ પર કે બીજે ક્યાં ય પણ કોઈનું નામ નહિ! ટાઈટલ પેજ પર લખ્યું હતું: ‘બનાવનાર તરણ પારશી વીદીયારથીઓ.’ ૧૯મી સદીમાં પારસી લેખકો – અને કેટલીક વાર બિન-પારસી લેખકો પણ – લેખક, અનુવાદક, સંપાદક વગેરેને માટે આ ‘બનાવનાર’ શબ્દ વાપરતા. આ ‘બનાવનાર’ એટલે કર્તા, અંગ્રેજીમાં ઓથર. અને કાયદાની દૃષ્ટિએ અનુવાદક તેના અનુવાદનો, સંપાદક તેના સંપાદનનો ઓથર, કર્તા છે એટલે આ ‘બનાવનાર’ એવો સાવ ઘરેલુ શબ્દ પારસીઓએ ‘કર્તા’ને બદલે ચલણી કર્યો. વળી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ‘મૌલિક’, અનુવાદ, રૂપાંતર વગેરે વચ્ચે આજે આપણે જેટલો સ્પષ્ટ ભેદ કરીએ છીએ તેટલો ૧૯મી સદીમાં થતો નહોતો.

બીજું, ૧૯મી સદીમાં ગદ્ય અને પદ્યના પ્રવાહોમાં જુદા જુદા પ્રવાહ જોવા મળે છે. કવિતા માટેનું વાહન – અક્ષરમેળ અને માત્રામેળ છંદો, દેશીઓ, ગેય ઢાળો, વગેરેનું માળખું તો તૈયાર હતું. જે ફરક પડ્યો તે વસ્તુનો, સામગ્રીનો. પારલૌકિકને સ્થાને ઐહિકતા આવી. ઈશ્વરભક્તિને સ્થાને મનુષ્યપ્રેમ આવ્યો. જ્ઞાનવૈરાગ્યને સ્થાને જીવનનો ઉલ્લાસ આવ્યો. આમ, કવિતાની બાબતમાં સંદેશો નવો હતો, સંદેશવાહક નહિ. જ્યારે ગદ્યની બાબતમાં સંદેશો અને સંદેશવાહક બંને નવા હતા. કેટલાક અપવાદોને બાદ કરતાં આપણા મધ્યકાલીન સાહિત્ય પાસે સાહિત્યિક/લિખિત ગદ્યની લાંબી કે સમૃદ્ધ પરંપરા નહોતી. ગદ્યના વિવિધ પ્રકારો – નિબંધ, લેખ, વાર્તા, નવલકથા, પ્રવાસ વર્ણન, આત્મકથા, જીવનચરિત્ર વગેરે – નો વિકાસ મુદ્રણ વગરના જમાનામાં શક્ય જ નહોતો. એ શક્ય બન્યો આપણે ત્યાં મુદ્રણ આવ્યા પછી, ૧૯મી સદીમાં. એટલે, કવિતાની બાબતમાં પહેલાં ‘મૌલિક’ કવિતાઓ મળી, અને પછી બીજી ભાષાની (મુખ્યત્ત્વે અંગ્રેજી અને સંસ્કૃતની) કવિતાના અનુવાદ મળતા થયા. જ્યારે ગદ્યની બાબતમાં ઊલટું બન્યું: પહેલાં, ફારસી, સંસ્કૃત, અંગ્રેજીમાંથી અનુવાદો, પછી અંગ્રેજીને અનુસરી ગદ્યપ્રકારોમાં ‘મૌલિક’ કૃતિઓ. વળી, બીજી ભાષાના અનુવાદોએ અને શરૂઆતનાં પાઠ્ય પુસ્તકોએ આપણી ભાષાના ગદ્યને ઘડવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. પણ આપણા સાહિત્યનાં સંશોધન, સંપાદન, વિવેચન, ઇતિહાસ-લેખન કરનારાઓના મનમાં કોણ જાણે કેમ પણ આજ સુધી અનુવાદોનું મહત્ત્વ વસ્યું જ નથી!

પણ એ જમાનામાં આવા અનુવાદ વાંચતું કોણ? પુસ્તકના દિબાચા(પ્રસ્તાવના)માં જણાવ્યું છે કે મુખ્યત્ત્વે પારસી બાનુઓ અને બુઝર્ગ ગૃહસ્થોને ધ્યાનમાં રાખીને આ અનુવાદ કર્યો છે. તેમને વાંચવામાં સહેલું પડે માટે પુસ્તકમાં બને ત્યાં સુધી સંસ્કૃત શબ્દો વાપર્યા નથી, અને જોડાક્ષરો પણ બને તેટલા ઓછા વાપર્યા છે. યાદ રાખો: તરણ પારશી વીદીયારથીઓ. પછી કહે છે: “આ માહાભારત પુસતક દૈવજોગથી સમાપત થયું છે અને તે પરસીધ કરવામાં ભાષાંતર કરનારાઓએ પૈસાની મુતલગ આશા રાખી નથી, પણ આ પુસતકનાં ફેલાવાથી જો આપણા કેટલાક પારસી ભાઈબંધો અને અગત કરીને તેઓની ઓરતોમાં ગુજરાતી ભાષા વાંચવાનો શોખ ઉતપન થાય અને તેઓ જો પોતાનો વખત જે ગામનાં ગપાટામાં અને પર લોકની નિંદા કરવામાં રોકે છે તેનો બરાબર ઉપયોગ કરે તો, તરજુમાં કરનારાઓને પુરતો બદલો મલીઓ એમ તેઓ સમજશે.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે.) બાનુઓ અને બુઝર્ગો માટે આજે દોઢ-સો વરસ પછી આપણે ત્યાં કેટલાં પુસ્તક પ્રગટ થાય છે?

પુસ્તકમાં ત્રણ અનુવાદકોનાં નામ છાપ્યાં નથી તો શું થયું? ભાંગ્યાનાં ભેરુ જેવો પારસીઓ વિશેનો આકરગ્રંથ પારસી પ્રકાશ તો છે જ ને! તેના બીજાં દફતરના ૧૬૮મા પાના પર જણાવ્યું છે કે ૧૮૬૫ના નવેમ્બરની ૨૫મી તારીખે આ પુસ્તક પ્રગટ થયું હતું, અને તેના બનાવનાર હતા હોરમજજી મનચેરજી ચીચગર, એદલજી જમશેદજી ખોરી, અને શાપુરજી બરજોરજી ભરૂચા. નામ મળ્યાં એટલે કામ મળવામાં કેટલી વાર! હા, પારસી પ્રકાશના દસ દફ્તરનાં હજારો પાનાંમાંથી વિગતો વીણવી પડે, અલબત્ત, વિસ્તૃત સૂચિની મદદથી.

અહીં જેમનું નામ છેલ્લું છે તે શાપુરજી બરજોરજી ભરૂચા ત્રણે મિત્રોમાં સૌથી ઓછું ભણેલા, સૌથી વધુ કમાયેલા, અને સૌથી વધુ જાણીતા થયેલા. અટક બતાવે છે તેમ શાપુરજીનો જન્મ ભરૂચ શહેરમાં, ૧૮૪૫ના એપ્રિલ મહિનાની ૩૦મી તારીખે. ૭૬ વર્ષની ઉંમરે ૧૯૨૦ના જૂનની ૨૩મી તારીખે મુંબઈમાં બેહસ્તનશીન થયા. નાનપણમાં પિતા ગુમાવ્યા. ૧૨ વર્ષની ઉંમરે મમ્મા સાથે મુંબઈ આવ્યા. એક મોટા ભાઈ થોડુંઘણું કમાતા તેમાંથી કુટુંબનું ગાડું ગબડતું. પણ થોડા વખતમાં જ મોટા ભાઈ પણ ખોદાઈજીને પ્યારા થઇ ગયા એટલે ભરણપોષણની બધી જવાબદારી આવી પડી નાલ્લા શાપુરજીના માથા પર. જાહેર બત્તી નીચે બેસીને શાપુરજી, તેમનાં મમ્મા અને બહેનો ભરતગૂંથણ કરે તેમાંથી ગુજરાન ચલાવવાનું. છતાં ભણવાનું છોડ્યું નહિ અને મેટ્રિકની પરીક્ષા આપી. પણ નસીબ બે ડગલાં આગળ, તે નાપાસ થયા. બીજી વાર પરીક્ષા આપી શકાય તેવી ઘરની હાલત નહોતી. એટલે મનેકમને બી.બી.સી.આઈ. રેલવે(આજની વેસ્ટર્ન રેલવે)માં નોકરી લઇ લીધી. પછી એકાદ વરસ એશિયાટિક બેન્કમાં કારકૂન બન્યા. ભલે ઝાઝું ભણી શક્યા નહોતા, પણ ઘટમાં ઘોડા થનગનતા હતા. એટલે થોડા વખત પછી નોકરીને અલ્વિદા કહી ૧૮૬૪માં શેર બજારના ધંધામાં પડ્યા. પડ્યા એવા જ ઉછળ્યા, ઉભરાયા. પાંચમાં પૂછાતા થયા. સરકારી અમલદારો, બેન્કના મેનેજરો, જાણીતા વેપારીઓ તેમની સલાહ લેતા. મુંબઈના નેટિવ શેર બ્રોકર્સ એસોસિયેશનના વર્ષો સુધી પ્રમુખ રહ્યા. પછી વધારામાં પડ્યા કાપડની મિલોના ઉદ્યોગમાં. કેટલીક મિલોમાં ડિરેક્ટર બન્યા. જાતમહેનતે અંગ્રેજી શીખી તેની ઉપર સારો એવો કાબૂ મેળવ્યો. ચાંદીના ભાવ અંગેના એક ઝગડામાં જુબાની આપવા સરકારે તેમને વિલાયત મોકલ્યા. તેમની જુબાનીને કારણે ફિનાન્સ કમિટીએ પોતાનો રિપોર્ટ બદલવો પડ્યો હતો. ૧૮૯૬માં જેપી બન્યા, ૧૯૧૧મા મુંબઈના શેરીફ. અને તે જ વર્ષે મિસ્ટરમાંથી બન્યા સર શાપુરજી બરજોરજી ભરૂચા. બાર વર્ષની ઉંમરે ભરૂચ છોડ્યા પછી ફરી ક્યારે ય તેની જમીન પર પગ મૂક્યો નહોતો, પણ ભરૂચને ક્યારે ય ભૂલ્યા નહોતા. ત્યાંના જરથોસ્તીઓ જ નહિ, સૌ કોઈને માટે કામ કરતી સંસ્થાઓને સતત દાન આપતા. મુંબઈમાં અને બીજે પણ સતત દાન આપતા. પોતાની જિંદગી દરમ્યાન તેમણે કુલ ૪૦ લાખ રૂપિયા (આજના ૪૦ કરોડ?) કરતાં વધુ રકમની સખાવત કરી હતી. તેમના ઉઠમણા વખતે બીજા ૧૪ લાખ ૨૨ હજાર રૂપિયાની સખાવત તેમનાં કુટુંબીઓએ જાહેર કરી હતી. 

બીજા અનુવાદક હોરમજજી મનચેરજી ચીચગરનો જન્મ ૧૮૪૭માં, ૧૯૦૫ના ડિસેમ્બરની ૩૦મી તારીખે બેહસ્તનશીન થયા. ૧૮૬૪માં મેટ્રિક થયા. ૧૮૭૮માં બોમ્બે હાઈકોર્ટની સોલિસીટર માટેની પરીક્ષામાં પાસ થયા અને ત્યાં વકીલાત શરૂ કરી. આ ઉપરાંત તેઓ સ્ત્રીબોધ માસિકમાં અવારનવાર લેખો લખતા અને ૧૮૫૮થી કેખુશરૂ કાબરાજીના વડપણ હેઠળ પારસી રંગભૂમિ પર સક્રિય બન્યા.

ત્રીજા અનુવાદક એદલજી જમશેદજી ખોરીનો જન્મ ૧૮૪૭માં, અવસાન ૧૯૧૭ના જૂનની ૧૦મી તારીખે. ૧૮૬૫માં મેટ્રિક થયા. ૧૮૮૨માં ઈંગ્લન્ડની બેરિસ્ટરની પરીક્ષા પાસ કરી. ૧૮૮૦માં તેમનું પ્રાણીવિદ્યા નામનું પુસ્તક પ્રગટ થયું હતું. વિક્ટોરિયા નાટક મંડળીએ નાટ્યલેખન માટે એક હરીફાઈ જાહેર કરેલી તેમાં તેમના લખેલા રુસ્તમ અને સોહરાબ નાટકને ૩૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું હતું અને તેથી તે નાટક એ મંડળીએ ભજવ્યું હતું. આ ઉપરાંત નુરજેહાન, ખોદાબક્ષ જેવાં તેમનાં નાટકો છપાયાં હતાં. તેમણે સોને કી મુળકી ખુરશેદ નામનું નાટક ઉર્દૂ ભાષામાં લખ્યું હતું જે વિક્ટોરિયા નાટક મંડળીએ એ ભાષામાં ભજવેલું પહેલું નાટક હતું. વળી એક એમેચ્યોર નટ તરીકે તેમણે શેક્સપિયરના મર્ચન્ટ ઓફ વેનિસ નાટકમાં કામ કર્યું હતું. પણ પછી સ્વદેશ છોડી તેઓ પહેલાં સિંગાપુર અને પછી ઇન્ગલંડ જઈ વસ્યા હતા અને ત્યાં વકીલાત કરી હતી. તેમનું અવસાન પણ ત્યાં જ થયું હતું. પોતાની બધી મૂડી – ૬૦ હજાર રૂપિયા તેવણે પારસીઓ માટેની યોગ્ય સખાવાતમાં આપવા માટે મિત્ર રુસ્તમજી રતનજી દેસાઈને માત્ર મૌખિક સૂચનાથી આપી દીધી હતી.

એક વાત નોંધી? ૧૮૬૫માં જ્યારે આ પુસ્તક પ્રગટ થયું ત્યારે આ ત્રણેની ઉંમર ૨૦-૨૨ વર્ષની. ભણતર પૂરું કર્યું નહોતું. અને છતાં ભલે અનુવાદિત, પણ ૯૬૪ પાનાંનું પુસ્તક ધગશથી તૈયાર કર્યું અને કેટલાક દાતાઓની મદદથી પ્રગટ પણ કર્યું. આજના વિદ્યાર્થીઓ આવું સાહસ કરે? પણ ૧૯મી સદીમાં થયેલો અરેબિયન નાઈટ્સનો આ કાંઈ એકમાત્ર અનુવાદ નથી. પણ બીજા અનુવાદો વિષે ફરી ક્યારેક વાત.

xxx xxx xxx

પ્રગટ “શબ્દસૃષ્ટિ”, જુલાઈ 2019

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: [email protected]

Category :- Opinion / Literature