પુસ્તકો વિશે

સુરેશ દલાલ

મને હંમેશાં મારા ઘર માટે એવું લાગ્યું છે કે દીવાલોને અઢેલીને પુસ્તકો નથી ઊભાં, પણ પુસ્તકોને અઢેલીને દીવાલ ઊભી છે. તમે જો પુસ્તકપ્રેમી હો અને તમારે ત્યાં નાનકડી લાઈબ્રેરી વસાવી હોય, તો તમને પણ આવા અનુભવો થતાં જ હશે.

ઘરે ક્યારેક એવા માણસો પણ આવે છે કે જે પુસ્તકોને જોઈને એમ પૂછે કે શું તમે આ બધાં પુસ્તકો વાંચ્યાં છે ?

એક ભાઈએ આવો પ્રશ્ન પૂછ્યો, ત્યારે મેં એમને જવાબ આપ્યો’તો કે તમારે ત્યાં કમમાં કમ ડિક્ષનેરી કે જોડણીકોશ તો હશે જ. તમે એનું પાનેપાનું, શબ્દેશબ્દ વાંચ્યો છે ? એને હું કેમ સમજાવું કે રોજ સવાર પડે ને ડ્રિલ ટિચર જેમ ડ્રિલ માટે છોકરાઓને ઉભા રાખે અને હાજરી લે એવી રીતે પુસ્તકો વાંચવાનાં નથી હોતાં. ઘણી વાર એવું બને છે કે ચાર–પાંચ પુસ્તકો બાજુમાં રાખીએ, આડા પડ્યા હોઈએ તો તકિયાની જેમ રાખીએ અને કોઈ એકાદમાં એવું મન ઠરી જાય કે પછી પેલા પુસ્તકોનો વારો આવે ત્યારે આવે. ક્યારેક એવું પણ બને કે કોઈ બે પાનાં વાંચીને પણ મન એવું તરબતર થઈ જાય કે ત્યાં જ અટકીએ અને આખો દિવસ એની વાતમાં કે એના વિચારમાં નીકળી જાય. ક્યારેક વાત ગમે, ક્યારેક એની શૈલી ગમે. થોડાક દિવસ પહેલાં ડી.એચ. લૉરેન્સના પત્રો વાંચતો હતો, એમાં એક પત્રમાંની એક વાત મને સ્પર્શી ગઈ તે આજ લગી વાગોળતો રહ્યો છું. કહે છે : મને સાગરની સોડમાં રહેવું ગમે છે. એના ઘૂઘવાટને બસ સાંભળ્યા જ કરું. એટલી હદે સાંભળ્યા કરું કે પછી એ સંભળાય જ નહીં. આ વાંચીને મેં તરત જ પુસ્તક બંધ કર્યું. કદાચ આવી વાતમાંથી જ જીવન માટેનો કોઈક રસ્તો ખૂલતો હોય એવું પણ લાગે.
માની લો કે કોઈક કાવ્યનું પુસ્તક હોય તો એની એકએક કવિતા વાંચવાનો તમે પ્રયત્ન કરો અને તમે કદાચ બધાં કાવ્યો વાંચો તો પણ શું એવું નથી બનતું કે કેટલાં કાવ્યોમાં તમે બેચાર પંક્તિથી આગળ વધી શક્તા નથી. કશુંક તમારા રસ કે રુચિને કઠે છે. કેટલુંક તમારા દિલદિમાગની આડે આવે છે; અને એ જ સંગ્રહમાં કેટલાંક કાવ્યો એવાં હોય છે કે જે તમે પાંચદસ વાર વાંચો તો પણ ધરાતા નથી, અને એ કાવ્યસંગ્રહ તમારી અભરાઈ પર અધિકારપૂર્વક પોતાનું સ્થાન જમાવીને બેઠો છે.

કોઈકનો પોતાનો ગુલાબનો બગીચો હોય, તો તમે એને એમ પૂછો છો ખરા કે તમે પ્રત્યેક ગુલાબને પાસે જઈને સૂંઘો છો ? એની પ્રત્યેક પાંદડીનું પૃથક્કરણ કરો છો ? ગુલાબનો બગીચો છે, એ હકીકત જ વાતાવરણ રચવા માટે પૂરતી નથી ? પુસ્તકો મારે માટે કે મારા જેવા તમારા કોઈ પણ માટે ગુલાબનો બગીચો હોઈ શકે.

એવા પણ અનુભવો થાય છે કે કોઈક ઉત્સાહી તમારે ત્યાં પુસ્તક જોઈને વાંચવા માટે માંગે. શરુઆતમાં તો હું સહેલાઈથી પુસ્તકો આપતો; પણ પછી અનુભવે સમજાયું કે પુસ્તકો લઈ જનારને એ પાછું આપવામાં રસ નથી. માણસ પોતાના ગજવામાંથી પૈસા ચૂકવીને પુસ્તક ખરીદે તો જ એને એનું મૂલ્ય સમજાય.

મુરલીભાઈ ઠાકુરની આ બાબતમાં એવી વૃત્તિ હતી કે એ પોતાનું પુસ્તક કોઈને આપતા નહીં. એમને પણ આવો જ અનુભવ થયો હશે. મુરલીભાઈએ આપણા એક નિબંધલેખકને કહ્યું હતું કે તમારે પુસ્તક વાંચવું હોય તો મારે ઘરે બેસીને વાંચો, પણ આ પુસ્તક કે કોઈ પણ પુસ્તક તમને આપી નહીં શકું. સાંભળનારને પહેલાં કદાચ કશુંક કડવું લાગે; પણ આવું કહેવું પડે એ માણસની વેદના કેટલી બધી હશે, એ હવે કલ્પનાનો વિષય નથી રહ્યો.

હજી પણ મને પૂરતી ના પાડતાં આવડતી નથી, એટલો હું કાચો છું. થોડા દિવસ પહેલાં એક ઓળખીતાએ પુસ્તક માંગ્યું, ત્યારે મેં એમને કહ્યું હતું કે જીવનમાં તમે પહેલી વાર મારી પાસે પુસ્તક માંગ્યું, એટલે આપું છું, મહેરબાની કરી બીજી વાર માંગતા નહીં.

જેમ કોઈનું ટી.વી. કે કોઈનું ફ્રીજ આપણે માગતા નથી, એમ પુસ્તકની બાબતમાં પણ માગણહારે આવી વૃત્તિ રાખવી જોઈએ.

માણસને જેમ બધું જ પોતાનું હોય, તેમ પુસ્તક પણ પોતાનું હોવું જોઈએ. પુસ્તક પોતા પાસે હોય, તો એની સાથે એ પોતાપણાનો ભાવ કેળવી શકાય છે. માગી આણેલું પુસ્તક તમે સજાગ હો તો એમાં થોડી દૂરતાનો આનુભવ થાય છે. કોઈના પુસ્તકમાં તમે ગમે ત્યાં અંડરલાઈન કરી શક્તા નથી. કોઈ નોંધ લખી શક્તા નથી. પુસ્તકોનો વૈષ્ણવજન ‘પર પુસ્તક જેને માત રે’ એવી રીતે વર્તે છે. અવૈષ્ણવજનને પોતાના અને બીજાના પુસ્તકનો ભેદ રહેતો નથી.

ક્યાંક વાંચ્યું’તુ, એની બધી વિગતો યાદ નથી; પણ એનો મર્મ યાદ છે. કોઈક પુસ્તકનો ઘાયલ જ કહી શકે એવી વાત હતી. કહે છે, ‘‘જો એક પુસ્તક મળે તો હું એ મનગમતા પુસ્તક માટે એકાદ ટંકનું ખાવાનું પણ ગુમાવું. મને ઉછીના પુસ્તકો ગમતાં નથી, એ સંપૂર્ણપણે મારાં જ હોવા જોઈએ જેથી હું કલાકો સુધી – અનંત કાળ સુધી એની જોડે જીવી શકું. પુસ્તકોની પણ પોતાની નિયતિ હોય છે. એ એવા જ માણસો પાસે જાય, જે એની પ્રતિક્ષા કરતાં હોય, અને કેટલાક પુસ્તકો તો આપણને એવે યોગ્ય સમયે મળે કે જ્યારે આપણા જીવનમાં છવાયેલી શૂન્યતાને ભરી દે. કેવી અદ્દભુત વસ્તુ છે આ પુસ્તક ! એનો સર્જક મરી જાય, અને છતાંય એ તો આપણા અંધારામાં પ્રકાશ ફેંક્યા જ કરે.’’

મને પુસ્તકો મોંઘા લાગ્યા છે, પણ જીવનમાં બધે જ મોંઘવારી છે તેમ એની મોંઘવારીને સ્વીકારી લીધી છે. મને માણસો ‘પુસ્તકો મોંઘા છે’ એવી ફરિયાદ કરે છે ત્યારે ચીડ ચડે છે. તમે જે ચંપલ પહેરો છો એ પણ પહેલાના ભાવે મળે છે ખરાં ? તમારા પેન્ટ, શર્ટ અને સાડીનું શું ? ટામેટાં મોંઘા થઈ જાય છે તો પણ બબડતાં બબડતાં તમે ખરીદો છો તો ખરા. ગુજરાતીનો પ્રોફેસર પુસ્તક ખરીદે ત્યારે એના ગજવાનું પણ હંમેશાં ગજું નથી હોતું. ક્યારેક એમ પણ લાગે છે કે સંતાનોનાં મોંનો કોળિયો ઊણો કરીને આપણે આપણા પુસ્તક વસાવવાના શોખને (કદાચ જરૂરિયાતને) પોષીએ છીએ.

વાત નીકળી છે તો એક બીજી વાત પણ છેડવાનું મન થાય છે. આપણે ત્યાં કેટલાક માણસો પુસ્તક ખરીદતી વખતે અચૂક ડિસ્કાઉન્ટ માગે છે. તમે કાપડ ખરીદવા જાઓ છો કે કારનું ટાયર લેવા જાઓ છો, કે પેટ્રોલ ભરાવો છો ત્યારે ડિસ્કાઉન્ટ માગો છો ખરા ? આ ડિસ્કાઉન્ટની પદ્ધતિ માટે મારા એક મિત્ર–પ્રકાશકને ભારે નફરત છે. એને એમ લાગે છે કે જે માણસ પુસ્તક ખરીદે છે, એ જાણે આપણા ઉપર ઊપકાર કરતો હોય એવા ભાવથી ખરીદે છે. અમારે ત્યાં કોઈક વાર કોઈ શ્રીમંત પણ પુસ્તક લેવા આવે. ઘણાં બધાં પુસ્તકો જુએ, કિંમત જોઈને પાછા મૂકી દે. છેવટે દસ રૂપિયાવાળી એકાદ પરિચય પુસ્તિકા ખરીદવાનું નક્કી કરે અને એમાંયે પાછું ડીસ્કાઉન્ટ માંગે ત્યારે મને એમ થાય કે આ લોકો આ રીતે જ શ્રીમંત થતા હશે. એક જણને પૂછ્યું કે તારું પ્રિય પુસ્તક કયું તો કે બૅન્કની પાસબુક. એ ખોટો નથી, એ એની રીતે સાચો છે કારણ કે અત્યારે બે જ વસ્તુ જીવનમાં મહત્વની છે ધન અને કીર્તિ. નહીંતર તમને કોઈ પૂછે નહીં. એક ક્ષણ તો વિચારો કે કોઈ પણ પ્રજા પાસે પુસ્તકો ન હોય તો પ્રજાનું શું થાય? છાપું પણ બીજાનું વાંચનારી આપણી પ્રજા પુસ્તક સાથે ઘરોબો ક્યારે કેળવશે ?

મારી પાસે મારાં પુસ્તકોનો કિલ્લો છે. આ કિલ્લામાં હું ભારે સલામતી અનુભવું છું. દૂર પડેલાં પુસ્તકોને હું આંખથી પંપાળુ છું. નજીક લઈને એની બારાખડી ઉકેલું છું. નવું પુસ્તક હોય તો એને સ્હેજ – ફૂલ હોય એમ – સૂંઘી પણ લઉં છું. કોઈક નવું પુસ્તક હાથમાં આવે અને જચી જાય તો પછી એવો સંબંધ બંધાય છે કે પુસ્તક મને છોડતું નથી અને હું પુસ્તકને છોડતો નથી. જે માણસ પુસ્તકને પ્રેમ ન કરતો હોય, સંગીતને માણતો ન હોય એ મારે મન જીવતેજીવત ફર્નીચર જેવો છે. પુસ્તકો રચાય છે માણસોથી પણ માણસની જેમ દગો દેવાની કળા એમની પાસે નથી. અઢળક પુસ્તકો એ જ મારું બૅન્ક–બેલેન્સ. આ બાબતમાં મને હંમેશાં લાગ્યું છે કે હું ખૂબ ધનવાન છું. પણ સમાજને આવા પ્રકારના ગ્રંથવાન માણસો સાથે ઝાઝી લેવાદેવા નથી. સમાજની પાસે માપવાનાં ધોરણો જુદાં હોય છે. સમાજ પાસે માપવાનાં ધોરણો છે, પરંતુ કશુંક કિંમતી નહીં – પણ મૂલ્યવાન પામવાનાં ધોરણો હોતા નથી.

[પ્રેષક : િવજય ધારીઆ, શિકાગો (યુ.એસ.એ.)]

(સૌજન્ય " "ઓપિનિયન", 26 સપ્ટેમ્બર 2012)

Category :- Opinion Online / Opinion