પીરાણાનો* પહાડ?

રમણીક અગ્રાવત
09-07-2019

 

એ અદ્ભુત અને વિચિત્ર રાત હતી.
એ રાતે આખા શહેરને એક સરખું સપનું આવ્યું.
આખેઆખું શહેર જાણે એક વ્યક્તિ હોય એમ
એક જ સ્વપ્ન જોતું હતું.
સપનામાં કંઈ દેખાતું નહોતું ...
બસ ન કરો મૂંઝારો ... મૂંઝારો ... મૂંઝારો ...
ધૂળધુમાડા અને ગંધનો દબદબો.
જાણે ગરુડપુરાણમાંથી નીકળેલું રૌરવ નરક
સમગ્ર શહેરને ભરડો લઈ ચૂક્યું હતું.
ઊંઘમાં પગની નસો જકડાઈ જાય
ને કોઈ માણસ ચીસ પાડી સફાળો જાગી જાય એમ
આખું શહેર કરાંજતું હતું.
એ ભયાનક સપનું કેટલું લાંબું ને કેટલું ઊંડું હતું,
એની કોઈને ખબર ન પડી.

સવારે સૌ જાગ્યાં ત્યારે
શહેર વચ્ચોવચ્ચ ધીખતો જોયો
કચરાનો ઊંચો ઊંચો પહાડ.

* અમદાવાદ પાસે એકઠો થયેલો કચરાનો પહાડ.

૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિલ્લો ભરૂચ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 09

Category :- Poetry