જેલમાં બાપુની પહેલી વરસગાંઠ

સુશીલા નય્યર
22-06-2019

આજે અમે બધાંએ સારો જેવો વખત બાપુની વરસગાંઠને દિવસે શું કરવું એનો વિચાર કરવામાં ગાળ્યો. સરોજિની નાયડુએ વાત શરૂ કરી. પછી બધાંએ પોતપોતાની દરખાસ્ત મૂકી. રાત્રે હું આવી ત્યારે આઠ ઉપર દસ મિનિટ થઈ ગઈ હતી. બાપુ કંઈક પામી ગયા હશે. કહેવા લાગ્યા, “તમે લોકો શા હવાઈ કિલ્લા બાંધતાં હતાં?” તે હસતા હતા. મેં ટોળમાં કહ્યું, “બહુ સારી સારી વાતો કરતાં હતાં. એમાં બાઇબલની વાત પણ હતી. સરોજિની નાયડુ, અહીં જે લોકો છે તેમની સામાન્ય જ્ઞાનની પરીક્ષા લેવાનો વિચાર કરે છે. એને માટે પ્રશ્નો તૈયાર કરે છે. એમાં બાઇબલના ઉતારા પણ આવશે!”

બાની રાત સારી ન ગઈ. બાપુને વહેમ હતો કે ખાવામાં કંઈક અપથ્ય થયું હોવું જોઈએ.

૧ ओक्टोबर ’૪૨

કાલે બાપુની વરસગાંઠ છે. બાપુ ફરવા જાય પછી ફૂલ લટકાવવાને માટે દીવાલોમાં ખીલી ઠોકવામાં આવી. બાપુએ બપોરે કહ્યું, “જુઓ, બધાને કહી દો કે શણગાર થવો ન જોઈએ. શણગાર હૃદયની અંદર હોય.” હું હસી પડી. સરોજિની નાયડુએ મને બાપુને સંદેશો કહેવા જણાવ્યું હતું કે કાલે બપોરે ત્રણ વાગ્યાનો સમય ખાલી રાખજો. આ સંદેશો હું કહેતી હતી તે વખતે બાપુએ શણગાર ન કરવાની વાત કહી. પછી પૂછ્યું, “ત્રણ વાગે શું છે?” ભાઈએ કહ્યું, “એ અત્યંત છૂપી રાખવાની વાત છે.” બાપુનો શણગાર ન કરવાનો સંદેશો મેં સરોજિની નાયડુને કહ્યો ત્યારે તે હસવા લાગ્યાં અને બોલ્યાં, “બાપુ આપણને, ખાસ કરીને મને, પોતાનું દિલ બહલાવતાં નહીં રોકી શકે.”

મીરાબહેન આ સાંભળીને કહેવા લાગ્યાં, “બાપુ એમ કહે છે તો ફૂલના શણગાર કરવાની વાત જવા દો.” સરોજિની નાયડુએ કહ્યું, “ના,  તમે બધો દોષ મારા પર ઢોળી દેજો. જેલમાં પણ ગાંધીજીના હુકમનું પાલન કરવું એવો આદેશ મને ક્યાં આપવામાં આવ્યો છે!”

બેત્રણ દિવસ પહેલાં બા કહેતાં હતાં, “બાપુને જન્મદિવસે અમે હંમેશાં ગરીબોને ખાવાનું વહેંચીએ છીએ. આ વખતે એમ નહીં કરી શકીએ.” સરોજિની નાયડુએ કહ્યું, “કેમ નહીં?” બાએ જવાબ આપ્યો, “બાપુ કહે છે, આ જેલ છે અને આ રીતે સરકારના પૈસા ન ખરચાય.” મેં બાને કહ્યું કે આપણે આપણા પૈસાથી સામાન મગાવીએ છીએ, સરકારના પૈસાથી નથી મગાવતાં. એ રીતે મગાવી બધાંને વહેંચીશું. બા રાજી થયાં. માલિશ વખતે બાપુની ગાદી ઉપર ખીલી ઠોકવાની નિશાની જોઈ બોલ્યાં, “અહીં ફૂલ ન લગાવશો. બારણા આગળ તોરણ ભલે બાંધજો. અહીં એ બધા ઢોંગ ન જોઈએ.” સિપાઈ એ વખતે તો ચાલ્યો ગયો પણ પછી ખીલી ઠોકી ગયો. લેડી ઠાકરસીને ત્યાંથી શાકભાજીની ટોપલી લઈ આવ્યો. પહેલાં મધ આવ્યું, પછી ગોળ પણ આવ્યો. ગોળની टोफी મેં કાલની જ બનાવી રાખી છે. બાપુને સરોજિની નાયડુએ કહ્યું, “બાપુ, કાલે આપને એક સુધરેલા માણસની પેઠે જમવાનું મળશે.”

બાપુ હસી પડ્યા. પૂછ્યું, “એ કેવી રીતે?”

શ્રીમતી નાયડુએ જવાબ આપ્યો, “ખાસ બનાવેલું સૂપ, ફ્લાવર, રોટી, કાચું શાક વગેરે વાનીઓ એક પછી એક અને સારી રીતે પીરસવામાં આવશે.” બાપુ હસી પડ્યા. સરોજિની નાયડુને ના ન પાડી શક્યા.

અમારા જેલ સુપરિન્ટેન્ડેન્ટ ઘણાં ફૂલ લાવ્યા. અમે લોકોએ એના હાર બનાવ્યા. બાપુ સૂતા પછી તેમના બારણામાં બેસવાની જગ્યાએ, દીવાલ પર, સામે કબાટ પર, મહાદેવભાઈવાળા ઓરડામાં અને સરોજિની નાયડુના ઓરડામાં બારસાખોએ માળા લટકાવી. સીડી પર મેં અને ભાઈએ जीवेम शरद:  शतम्નો આખો મંત્ર સફેદ રંગોળીથી લખ્યો. ભાઈએ પહેલાં કોલસાથી લખ્યો. એમના અક્ષર વધારે સારા છે. મેં ઉપર રંગોળી પૂરી. એક એક પગથિયાં પર મંત્રની એક એક લીટી હતી —

जीवेम शरद: शतम्,


पश्येम शरद: शतम्,


श्रृणुयाम शरद: शतम्,


प्रब्रवाम शरद: शतम्


भूयश्च शरद: शतम्

બીજી બાજુ સીડી પર એ જ રીતે असतो मा सद् गमय, तमसो मा ज्योति र्गमय, मृत्योर्माडमृतं गमय એ મંત્ર ભાઈએ લખ્યો. એની શરૂઆત બહારની બાજુ થતી અને પહેલા મંત્રની અંદરની બાજુ. વિચાર એવો હતો કે એક બાજુથી બાપુને ફરવા લઈ જઈશું અને બીજી બાજુથી પાછા લાવશું એટલે એક મંત્ર ઊતરતી વખતે સીધો સામે હોય ને બીજો ચડતી વખતે. બંને બાજુની સીડીઓની વચ્ચેની જગ્યામાં રંગોળીથી ચિત્ર કાઢ્યાં હતાં. ઝરૂખામાં सुस्वागतम् લખ્યું. એ બધું લખતાં લખાવતાં રાત્રે બાર થઈ ગયા. મને ડર લાગ્યો કે બાપુ જાગી પડશે તો નારાજ થશે. ભાઈને પણ એવી જ બીક લાગી. તેમણે કહ્યું, “હવે જે રહી ગયું હોય તે રહેવા દે, સવારે જોઈશું.”

સવારે ઊઠીને જોયું તો રંગોળીને માટેના રંગ ખલાસ થઈ ગયા હતા. સરોજિની નાયડુએ રાત્રે સાડાઅગિયાર વાગે ચા બનાવીને પાઈ. કહ્યું, “એથી તાજી થઈ જઈશ.” જે ટોપલીમાં હું મહાદેવભાઈની સમાધિ આગળ રોજ ફૂલ લઈ જતી હતી તેમાં ફળ, બદામ, टोफीની બરણી, મધની શીશી વગેરે મૂક્યું. મીરાબહેને એને ફૂલોથી શણગારી. કળાવૃત્તિ તેમનામાં સ્વાભાવિક છે. બધી જગ્યાએ ફૂલોનો શણગાર કરવાનું કામ તેમણે માથે ઉપાડી લીધું હતું. સરોજિની નાયડુને માથે સામાન્ય દેખરેખ રાખવાનું કામ હતું. તે બેઠાં બેઠાં કાલને માટે રાત્રે બાર વાગ્યા સુધી વટાણાના દાણા કાઢતાં હતાં.

મીરાબહેને સવારે જમતી વખતે બકરીનાં બચ્ચાંને બાપુને પ્રણામ કરાવવા માટે લાવવાનો વિચાર કર્યો હતો. ભાઈએ સૂચવ્યું કે सह नाववतुવાળો મંત્ર લખીને એને ગળે બાંધીએ. મીરાબહેનને વિચાર ન ગમ્યો. પહેલાં તેમણે આમતેમ થોડો વિરોધ કર્યો પણ સરોજિની નાયડુએ કહ્યું કે મને લાગે છે આ મૂળ મીરાબહેનનો વિચાર છે ને તેમાં બીજાં દખલ ન કરે તો સારું. ભાઈએ તેમની નામરજી જોઈ તરત પોતાની સૂચના પાછી ખેંચી લીધી. મને એ જરા ખટક્યું. મેં ભાઈને કહ્યું, “મીરાબહેનને તમારી સૂચના ન ગમી એ અફસોસની વાત છે; એનાથી બાપુ રાજી થાત અને બકરીનાં બચ્ચાં પાસે પ્રણામ કરાવવાની વિધિ બહુ શોભી ઊઠત.” ભાઈએ જવાબ આપ્યો, “હા, બકરીનાં બચ્ચાં સાથે ઐક્યની વાતથી બાપુ બહુ રાજી થાત, પણ એ વાત જવા દેવી જ સારી. આખરે આજના દિવસની વિશેષતા એ છે ને કે બધાંની સાથે મેળ રાખવો, પરસ્પર મીઠાશ જાળવવી અને જે વાત બીજાને ગમતી ન હોય એ ખુશીથી છોડી દેવી?”

રાત્રે હું સૂઈ ગઈ પછી મીરાબહેન પોતાની મેળે ભાઈ પાસે આવ્યાં અને બકરીનાં બચ્ચાં માટે सह नाववतुવાળો મંત્ર લખવાનો તેમને આગ્રહ કર્યો. તે સાબુનો એક ખાલી ડબ્બો લાવ્યાં હતાં. એમાંથી પાનના આકારનાં પત્તાં કાપી ભાઈએ તેના પર सह नाववतु મંત્ર લખ્યો અને નીચે લખ્યું, “મોટા ભાઈ ઘણું જીવો.” એ પત્તાં બકરીનાં બચ્ચાંના ગળામાં લટકાવવામાં આવશે. બાપુ બકરીનું દૂધ પીએ છે એટલે બકરીનાં બચ્ચાંના મોટા ભાઈ થયા ને! હું રાત્રે સાડાબાર વાગ્યે પથારી પર પડી. આંખો બળતી હતી. ભાઈએ માટીની લેપડી આંખ માટે બનાવી હતી તે આંખ ઉપર મૂકીને સૂતી, પણ ઊંઘ ન આવી. એક વાગ્યા પછી ઊંઘી શકી. ઊંઘ જ ઊડી ગઈ હતી. ત્રણ ને વીસ મિનિટે બાપુએ પ્રાર્થના માટે ઉઠાડી. માટીની લેપડીથી આંખને સારો આરામ મળ્યો.

૨ ओक्टोबर ’૪૨

સરોજિની નાયડુ અને મીરાબહેન બંનેએ પોતાને પ્રાર્થના માટે જગાડવાને કહ્યું હતું. હું ગઈ ત્યારે સરોજિની નાયડુ જાગ્યાં હતાં. આખી રાત ઊંઘી શક્યાં નહોતાં. મીરાબહેનને ભર ઊંઘમાંથી જગાડવાં પડ્યાં. બાપુને આજે પહેલું આશ્ચર્ય એ બંનેને પ્રાર્થનામાં આવેલાં જોઈને અને દીવાલ પર લટકાવેલાં ફૂલ જોઈ થયું. મીરાબહેને जागीए रघुनाथ कुंवर ભજન ગાયું. સવારે ગાવાનું એ એક જ ભજન તેમને આવડતું હતું એમ તેમણે મને કહ્યું. પ્રાર્થના પછી મેં જોયું તો એક સિપાઈ રંગોળી પૂરતો હતો. આજે બા પણ પ્રાર્થના માટે ઊઠ્યાં હતાં. મીરાબહેને પ્રાર્થના પહેલાં બાપુને પ્રણામ કર્યા. મેં, ભાઈએ અને બાએ પ્રાર્થના પછી કર્યા. પ્રાર્થના પછી બાપુ સૂઈ ગયા; બા પણ સૂતાં. સરોજિની નાયડુ, મીરાબહેન, ભાઈ અને હું નાહ્યાં. બાપુને માટે હું રસ કાઢતી હતી ત્યારે બાપુ ઊઠીને અંદર આવ્યા.

પ્રાર્થના વખતે દીવાલ પર ફૂલો લટકાવેલાં જોઈ બાપુએ બાને કહ્યું, “આ લોકોને તું ન રોકી શકી ને?” બાએ કહ્યું, “મેં મનાઈ કરી હતી પણ એમણે માન્યું નહીં.” બાપુએ સરોજિની નાયડુને કહ્યું, “મહોબત પણ કોઈના પર પરાણે લાદવી ન જોઈએ.” સરોજિની નાયડુએ દીવાલ પરથી ફૂલો ઊતરાવી લીધાં અને સીડીની પાસે મૂકી દીધાં.

નાસ્તા માટે બાપુ આવ્યા ત્યારે ફૂલથી શણગારેલી ફળની ટોપલી તેમની સામે મૂકવામાં આવી હતી. સરોજિની નાયડુએ આવીને ફૂલનો હાર પહેરાવ્યો અને મીરાબહેને સૂતરનો પહેરાવ્યો. અમારા જેલ સુપરિન્ટેન્ડેન્ટે પણ ફૂલનો હાર પહેરાવ્યો. સાથે ૭૪ રૂપિયા હરિજન કામ માટે ભેટ આપ્યા અને આદરપૂર્વક પ્રણામ કર્યા. મેં મારા સૂતરનો હાર બનાવ્યો હતો. ભાઈ આવ્યા અને કહેવા લાગ્યા, “મને પણ બનાવી આપ.” તે રસ કાઢવા લાગ્યા. મેં તેમના અને બાના સૂતરના હાર બનાવ્યા. સાથિયા પૂરવાના રંગથી ૭૪ નિશાની સૂતરના હારો પર કરી. નીચે હજારીનું એક ફૂલ બાંધ્યું. ભાઈએ પૂછ્યું, “મહાદેવભાઈનું સૂતર નથી?” મેં તરત જ કાઢીને તેનો પણ એક હાર બનાવ્યો.

બાપુ નાસ્તો કરતા હતા એટલામાં મીરાબહેન અને ભાઈ એક એક બકરીનું બચ્ચું લઈને આવ્યાં. બંને બચ્ચાંના ગળામાં ફૂલો અને પાંદડાંની માળા અને सह नाववतु મંત્રવાળાં પત્તાં લટકતાં હતાં. મીરાબહેને તેમના વતી એક નાનકડી સુંદર સ્તુતિ કરી અને હાથ જોડી બકરીનાં બચ્ચાં પાસે પ્રણામ કરાવ્યા. પછી બાપુને હાથે તેમને રોટી અપાવી. પણ એ પહેલાં જ, બચ્ચાંએ તેમને પહેરાવવામાં આવેલાં ફૂલો ને કુમળાં પાંદડાંની માળા એકબીજાના ગળા પરથી ખાવા માંડી હતી. બાપુ ખૂબ હસ્યા. મેં બાપુને મારા અને બાના સૂતરના હાર પહેરાવ્યા. બાએ તેમના સૂતરનો હાર પણ મારે પહેરાવવો એમ કહ્યું હતું. ભાઈએ પોતાનો હાર પહેરાવ્યો. એ પછી ફરવા નીકળ્યાં. રસ્તામાં બાપુએ અમારી રંગોળી અને સીડી પર લખેલા મંત્ર જોયા. બધી ફૂલની માળાઓ અને ટોપલીનાં ફૂલ મહાદેવભાઈની સમાધિ આગળ લઈ ગયાં. ત્યાં દીવાલ પર બધું ગોઠવી દીધું. રોજની પ્રાર્થના કરી. પ્રાર્થના પહેલાં ભાઈએ મહાદેવભાઈના સૂતરનો હાર બાપુને પહેરાવ્યો. બાપુ અને ભાઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. મહાદેવભાઈ અમારી સાથે ઊભા રહી પ્રાર્થના કરતા ન હોય એવો આભાસ પ્રાર્થના વખતે આજે ખાસ કરીને થયો.

ફરતી વખતે બાપુએ પૂછ્યું, “ભર્તૃહરિની વાત તેં સાંભળી છે?” મેં કહ્યું, “હાજી, સાંભળી તો છે.” બાપુએ કહ્યું, “યોગી થયા પછી છેલ્લે ભર્તૃહરિને તેની પત્ની પાસે ભિક્ષા માગવાને જવાનું હતું. જાય છે ત્યારે પોતાના ભાઈ અને તેના પ્રત્યેના પોતાના વર્તનનું સ્મરણ કરીને કહે છે, एरे जखम जोगे नहीं जशे. એ જ વાત મહાદેવ ચાલ્યા ગયા એથી પડેલા ઘાને પણ લાગુ પડે છે." બાપુ પોતાનું દુઃખ દેખાડતા નથી પણ મહાદેવભાઈના જવાથી તેમને બહુ ઊંડો ઘા પડ્યો છે.

બાને માલિશ અને સ્નાન કરાવી હું સરોજિની નાયડુને મદદ કરવા ગઈ. તેમણે વટાણાનો પુલાવ બનાવવાનું કહ્યું હતું. વેંગણનું રાયતું બનાવ્યું. બાપુના ભોજનની તૈયારી કરી. મીરાબહેને ભોજનના ટેબલ પર પાથરવાની ચાદરની કિનાર પર ફૂલોની વેલ અને ફૂલોનો સુંદર સ્વસ્તિક બનાવ્યો. બારણા આગળ લાલ રંગોળીનો મજાનો સ્વસ્તિક ચીતર્યો હતો. એક તસકમાં ફૂલોથી શણગારીને ફળો મૂક્યાં. મીરાબહેને કાચું શાક પણ સુંદર રીતે શણાગાર્યું. ટમેટાં ગુલાબના ફૂલના આકારમાં કાપ્યાં હતાં.

સાડાદસે વાગે કલેક્ટર અને ડૉ. શાહ આવ્યા. ડૉ. શાહે સારી પેઠે વાતો કરી. કલેક્ટર આટલું જ બોલ્યા : “આપની વરસગાંઠને દિવસે આપની તબિયત સારી છે ને?” તે આવે ત્યારે તેમની સાથે હાથ મિલાવી શકાય એટલા માટે બાપુ ખુરસી પર બેઠા હતા. નીચે ગાદી પર બેસીને ઊઠવું એમને મુશ્કેલ પડે છે. કલેક્ટર આવતાં ઊભા થયા અને તેની સાથે હાથ મિલાવ્યા. મને એ સારું ન લાગ્યું; કલેક્ટરને ખાતર બાપુ શું કામ ઊભા થાય? પણ બાપુ મર્યાદાની મૂર્તિ છે. જે કરવા ઘટિત હોય તેમાં કદી ચૂકતા નથી. બીજુ કરી જ શકતા નથી. કેદી તરીકે તેમણે કલેક્ટરનું માન રાખવું જોઈએ નાસ્તો કરતાં બાપુએ કહ્યું કે વરસગાંઠને દિવસે હું ઉપવાસ કરું અને બીજાઓને પણ તેમના જન્મદિવસે ઉપવાસ કરાવું છું. આજે મને ફળ અને ભાજી પર રહેવા દો. મેં કહ્યું, “ના, ફળ અને દૂધ લેજો.” સરોજિની નાયડુએ કહ્યું, “શાક તો ખાવું જ પડશે.” આખરે માત્ર રોટી સિવાય બીજું બધું લીધું. ખાધા પછી પગના તળિયામાં માલિશ કરાવી બાપુ સૂઈ ગયા. બા પણ આજે ઉત્સાહમાં હતાં. કાલે તેમણે આજની તૈયારીમાં માથું ચોળ્યું હતું. આજે નવો ચાંલ્લો કર્યો, માથામાં ફૂલ ઘાલ્યાં. ખાધું પણ સારી રીતે. હું અને મીરાબહેન બપોરે સારી પેઠે ઊંઘ્યાં; બા પણ ઊંઘ્યાં. બધાં થાકી ગયાં હતાં.

સરોજિની નાયડુએ બપોરે આરામ ન લીધો. સિપાઈઓ અને કેદીઓ માટે દાળ, સેવ, પેંડા, જલેબી અને કેળાં મગાવ્યાં હતાં. તેમણે બધાના ભાગ પાડી રાખ્યા. એ બધું તેમના, મીરાબહેનના અને મારા પૈસામાંથી મગાવ્યું હતું. ત્રણ વાગે બધા કેદીઓ આવીને એક હારમાં બેસી ગયા. બાપુએ આવી તેમને દર્શન આપ્યાં ને નમસ્કાર કર્યા. બાએ સૌને ખાવાનું વહેંચ્યું. તે બહુ ખુશ હતાં. કેદીઓને ખાતા જોઈ બાપુ પણ રાજી થયા. આજે સવારે બધા સિપાઈઓ બાપુને પ્રણામ કરવા આવ્યા હતા. દરેકને બાપુએ કોઈ ને કોઈ ફળ આપ્યું હતું. ફરતી વખતે બાપુએ કહ્યું, “સિપાઈઓને તો ફળ આપ્યાં, પણ કેદીઓને તો કશું આપ્યું નહીં.” મેં કહ્યું, “આપશું. આપ જોયા કરજો.” બપોરે કેદીઓને ખાવાની ચીજો મળતી જોઈ બહુ રાજી થયા. જેલમાં કેદીઓ સામાન્ય ચીજોને માટે પણ બહુ તલસે છે. કટેલી સાહેબે બધાંને માટે આઇસક્રીમ બનાવડાવ્યો. બાપુને માટે બકરીના દૂધનો બનાવ્યો અને પોતાના હાથે સંચો ફેરવ્યો. સાંજે ભોજન વખતે સરોજિની નાયડુના આગ્રહને વશ થઈ બાપુએ આજે ત્રીસ વરસ પછી થોડો આઇસક્રીમ ખાધો. અમે બધાંએ ધરાઈ ધરાઈને ખાધો. બધા સિપાઈઓ અને કેદીઓને પણ આપ્યો. બાપુ રાજી થયા. બોલ્યા, “આ લોકોને આવી વાનીઓ જોવાની પણ મળતી નથી.” સાંજે મહાદેવભાઈની સમાધિ પર નવાં ફૂલ ચડાવ્યાં.

સાંજે પ્રાર્થનામાં वैष्णवजन तोનું ભજન ગાયું. પ્રાર્થના પછી હું બાપુને ઝરૂખામાં લઈ ગઈ. ફુવારા અને રેલિંગ પર દીપમાળા હતી. સુંદર દૃશ્ય હતું. બાએ કહ્યું. “શંકર(મહાદેવભાઈ)ને ત્યાં પણ દીવો મૂકી આવો.” હું અને ભાઈ સિપાઈઓ સાથે ત્યાં સાત દીવા મૂકી આવ્યાં.

રાત્રે અમે બધાંએ પાછો આઇસક્રીમ ખાધો. એથી મારું પેટ બગડ્યું. બાપુ રાત્રે પથારીમાં સૂતા ત્યારે કહેવા લાગ્યા, “આ બધું તમે લોકોએ કર્યું એના ઔચિત્ય વિશે મને શંકા છે.” તેમને લાગતું હતું કે આપણે બધાં કેદી છીએ અને કેદીઓને વળી ઉત્સવ શા?

[‘બાપુના કારાવાસની કહાણી’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 173-177

Category :- Gandhiana