સાબરમતી જેલમાં

સરદાર પટેલ
22-06-2019

સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન અન્ય આગેવાનોની જેમ સરદાર પટેલે પોતાના જીવન વિશે ભાગ્યે જ કશું લખ્યું છે. ડાયરી જેવા નિત્ય લખાણ કરવામાં તો તેમને કલ્પવા જ મુશ્કેલ છે. તેમ છતાં જ્યારે તેઓ સાબરમતી જેલમાં એકલા હતા ત્યારે તેમણે તા. ૭-૩-’૩૦થી તા. ૨૨-૪-’૩૦ સુધીની ડાયરી લખી છે. આ ડાયરીનો આરંભનો હિસ્સો અહીં આપ્યો છે.

તા. ૭–૩–’૩૦ : શુક્રવાર

રાતના આઠ વાગે સેન્ટ્રલ જેલ સાબરમતીમાં, બોરસદથી મોટરમાં ડે. સુ. મિ. બીલીમોરિયા મૂકી ગયા. પકડતાં તેમ જ છૂટા પડતાં ખૂબ રોયો. રસ્તામાં ખૂબ ભલમનસાઈથી વર્ત્યો. રાતે જેલમાં ક્વૉરૅન્ટીન વૉર્ડ કહે છે તેમાં રાખ્યો. ત્યાં ત્રણ કામળી આપવામાં આવી. તે પાથરી સૂઈ રહ્યો.

તા. ૮–૩–’૩૦ : શનિવાર

સવારે ઊઠતાં આસપાસ બધે કેદી જોયા. પાયખાનામાં જવા માટે બે-બેની હારમાં બેઠેલા. એક જ પાયખાનું હતું. એકમાં જવાનું ને બીજામાં પાણી લેવાનું. આ નવો જ અનુભવ હતો, એટલે આપણે તો વિચાર જ માંડી વાળ્યો. પેશાબને માટે સામે જ ખુલ્લામાં એક કૂંડું મૂકેલું હતું. તેમાં જેને જવું હોય તે બધા જ ઊભા ઊભા પેશાબ કરે. આજુબાજુ કેદી, વૉર્ડર, પોલીસ ફરતા જ હોય, એટલે એ ક્રિયા કરવાની પણ હિંમત ન ચાલી. લીમડાના સુંદર ઝાડમાંથી વૉર્ડરે દાતણ કાપી આપ્યું એટલે દાતણ કર્યું. કેટલાક ઓળખાણવાળા કેદીઓ નીકળવા લાગ્યા. જલાલપુરના ત્રણે નવા આવેલા ત્યાં જ હતા. જૂના ખડતૂસો તો તરત જ કહેવા લાગ્યા કે તમને અહીં રાખશે જ નહીં. એમની એ વાત સાચી પડી. નવ વાગે વૉર્ડરે મારે માટે ખાસ સગવડ પાયખાનાની કરી. એક જ પાયખાનામાં બે કૂંડી મુકાવી. બીજા બધા કામ પતાવી આવેલા, એટલે આપણને અડધો કલાક પૂરો મળ્યો.

એટલામાં જેલર અને સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા. તેમણે કંઈ જોઈએ છે, એમ ખબર પૂછી. તેમને કહ્યું કે મહેરબાનીથી કંઈ જ ન જોઈએ. હકથી શું મળે છે, તે ખબર પડે તો વિચાર કરું. ખરી રીતે બધા કેદીને જે મળે તે મને મળે એમ હતું. ખાસ કંઈ સગવડ આપવાની રૂલમાં છૂટ નથી, એમ જાણી લીધું. પછી યુરોપિયન કેદીમાં અને હિંદી કેદીમાં કંઈ ફરક રાખવામાં આવે છે કે કેમ, તે પૂછતાં કંઈ ભેદ નથી એમ કહેવામાં આવ્યું. પરંતુ અંગ્રેજી રીતે રહેવાની આદત હોય તેવા હિંદીને માટે પણ અંગ્રેજ જેવી કંઈ સગવડ તો નહીં જ આપવામાં આવતી હોય, એમ પૂછતાં કંઈ બરાબર જવાબ મળ્યો નહીં. મેં જેલ મૅન્યુઅલ અને રૂલ્સની માગણી કરી. રૂલ્સ પ્રમાણે તે ન આપી શકાય એવો જવાબ મળ્યો. મેં કહ્યું કે તો પછી મારે લડવાનો વિચાર કરવો રહ્યો. ચોપડીઓમાં મને ભગવદ્ગીતા અને તુલસીરામાયણ આપવામાં આવ્યાં, એટલે બધી જ સગવડ મળી ગઈ એમ કહું તો ચાલે.

પછી દસ વાગે દાક્તર પાસે લઈ ગયા. નાના નાના બે છોકરા દાક્તર હતા. કેદીઓ તો તેમને ઉપાડીને નાસી જાય, એવા દૂબળા છોકરાઓ ચૌદસો કેદીઓની દવાની સગવડ કરતા હતા. વજન ૧૪૬ રતલ થયું. ઊંચાઈ ૫'–૫૧/૨" માપી પછી રજા આપવામાં આવી. પાછા ફરતાં મને બીજી બૅરેકમાં લઈ ગયા. બહાર તો જુવેનાઇલ હૅબિચ્યુઅલ નંબર ૧૨ એવું નામ આપેલું હતું. પરંતુ અંદર તો પાંચ બુઢ્ઢા કેદીઓ હતા અને એક આધેડ વયનો ભંગી કેદી હતો. પાંચમાં એક બોદાલનો ચમાર, બીજો કટોસણનો બારૈયો, ત્રીજો ઉત્તર હિંદુસ્તાનનો રખડતો સાધુ ડાકોરથી પકડી આણેલો, ચોથો ઉત્તર હિંદુસ્તાનનો ભૈયો મુંબઈથી પકડાયેલો, પાંચમો ઉત્તર હિંદુસ્તાનનો બુઢ્ઢો મુસલમાન. તેમાં મને મૂક્યો.

બોદાલના ચમાર ડોસાને ૩૨૩માં સજા થયેલી, અને તેના છોકરાને ખૂનના આરોપ માટે દસ વર્ષની સજા થયેલી. કટોસણવાળાને વીરમગામ તાલુકામાં ચોરીના કામમાં સજા થયેલી. ત્રીજો ખૂનના કામમાં, ચોથો સારી ચાલના જામીનમાં અને પાંચમો તો લૂંટ, ધાડ, ખૂન વગેરે ૫૬ ગુના માટે એક દોઢસોની ટોળી પકડાયેલી તેમાં દસ વર્ષ માટે આવેલો હતો. તેણે પાંચ વર્ષ તો ભરી દીધેલાં. આ કેદીઓ ઉપર બે મુસલમાન વૉર્ડરો હતા. બેઉ ખૂનના કામમાં સજા ખાઈને આવેલા હતા. એક તો અમદાવાદમાં તેલિયા મિલ પાસે પોલીસને છરી મારવા માટે, પાંચ વર્ષની સજા ખાઈ, બીજી વખત જેલમાં આવેલો. નાનપણથી જ જેલમાં ઘર કરી રહેલો અને બીજો પણ પાંચ વર્ષથી રહેલો. આ બધા ઉપર એક લાલખાં નામનો મુસલમાન સિપાઈ રાખવામાં આવેલો. અહીં મને લાવી મૂકવામાં આવ્યો.

કેદી બિચારા મારી સારવાર કરવા પ્રયત્ન કરે. વૉર્ડરને કેદી કરતાં ખાવામાં કંઈ ફેરફાર છે. તેમને ઘઉંના રોટલા મળે અને કેદીને જુવારના. એટલે મારા જુવારના રોટલા જોઈ તેઓ મૂંઝાયા. સવારમાં જુવારના લોટની મીઠું નાખેલી કાંજી આપવામાં આવે. તે તો લેવાની જ ના પાડી. બપોરે એટલે સવારે દસ વાગે અને સાંજે ચાર વાગે એમ બે ટાણાં, એક એક રોટલો, ભાજી અગર દાળ ખાવા માંડ્યું. કેદીઓની સાથે જ ચલાવ્યું. સૌને બે બે રોટલા વજન કરેલા અને માપથી દાળ અગર ભાજી વારાફરતી મળતાં. આપણે તો એક રોટલો જ લેવાનો રાખ્યો. બહાર ચારપાંચ વખત પાયખાને જવું પડતું. ચા, સિગારેટ વગેરે લાલચ અને ખુશામત કરતાં પણ પેટનું ઠેકાણું પડતું નહીં. અહીં તો ખુશામત જ છોડી. અને રોજ એક વખત જ જવું એમ રાખ્યું, એટલે આખરે ત્રણ દિવસે ઠેકાણું પડ્યું.

ત્રણ દિવસ તો પડી જ રહ્યા. રાતદિવસ આળોટવું અને ફરવું એટલું જ રાખ્યું. બરાકમાં ફરવાની જગ્યા સુંદર હતી. ત્રણ લીમડાનાં ઝાડ અને આશ્રમ જેવી સ્વચ્છતા. પાયખાનું સાફ, મારે માટે કેદીઓ અલગ જ રાખતા. પાણીનો નળ એટલે નાહવાની સરસ સગવડ, પણ ખુલ્લામાં એટલું જ. અપીલ કરવાનું પૂછતાં ના પાડી. મને જુવારનો રોટલો ખાતો જોઈને એક વૉર્ડર રોવા જેવો થઈ ગયો. પોતાનો ઘઉંનો રોટલો મારા સાથે બદલવા બહુ આગ્રહ કર્યો. પણ રૂલવિરુદ્ધ કંઈ કરવાની મેં ના પાડી. એ ભલા વૉર્ડરનો મેં આભાર માન્યો.

તા. ૯–૩–’૩૦ : રવિવાર

આખો દિવસ ઊંઘવામાં જ કાઢ્યો. રવિવારે ત્રણ વાગ્યાથી કોટડીમાં પૂરવામાં આવ્યા. બીજા દિવસોએ તો પાંચ સાડા પાંચ વાગે પૂરે. સવારમાં સાડા છ વાગે બહાર કાઢે. રવિવારે કપડાં ધોવા માટે ગરમ પાણી અને ખારો આપવામાં આવે છે. કેદીઓએ તેમાંથી નાહવાનું ગરમ પાણી મને કાઢી આપ્યું એટલે બે દિવસે નાહ્યો. દસ વાગ્યા પછી રોટલા ખાઈ સૂતા. બપોરના ત્રણ વાગે બે રોટલા, થોડું તેલ તથા ગોળ આપી તે સાથે ઓરડીમાં પૂર્યા. મેં તો તેલ લેવાની જ ના પાડી. એક તો ખાંસી લઈને જ આવેલા, અને કાચું તેલ ખાવાનો કંટાળો. સાંજે રોટલો અને ગોળ પાણીમાં પલાળી ખાઈ લીધાં. દાંત બે બાજુના ગયેલા હોવાથી, પાણીમાં પલાળ્યા સિવાય ખાઈ શકાતું નહોતું.

તા. ૧૦–૩–’૩૦ : સોમવાર

બપોરના મહાદેવ અને કૃપાલાની મળવા આવ્યા. ઑફિસમાં મુલાકાત થઈ. સાહેબ સિંધના છે. ગુજરાતી આવડે નહીં અને અમારે અંગ્રેજી બોલવું નહીં, એટલે જરા ચડભડાટ થયો. છેવટે ચલાવ્યે રાખ્યું. ખેડા કલેક્ટરે જજમૅન્ટની નકલ ન આપી એટલે મેં માગણી કરવા કબૂલ કર્યું. પૂછતાં ખબર આપી કે સામાન્ય કેદી તરીકે રાખવામાં આવે છે. મારી તો સ્વર્ગવાસ જેવી સ્થિતિ હતી, કારણ કે માથેથી બોજો અને ચિંતા જતાં જ રહેલાં. અને આરામનો તો પાર જ નહીં. ખાવાપીવાની તો ખાસ આદત રાખેલી હતી જ નહીં, એટલે એ મુશ્કેલી નહોતી. ભોંય પર કામળી પાથરી સૂવામાં એક દિવસ કઠણ લાગ્યું. પછી તો કંઈ જ મુશ્કેલી ન લાગી. તાપને લીધે બહાર સૂવાની અને રાત્રે બત્તીની માગણી કરતાં ના પાડવામાં આવી. લખાણ કરવા કહ્યું તે મેં ના પાડી. કોઈ જાતની ખાસ મહેરબાની જોઈતી જ નથી, એટલે લખવાનું માંડી વાળ્યું. કેસની બધી હકીકત મહાદેવે જાણી લીધી. તેમને પૂરી ખબર મળી નહોતી.

જેલના રેંટિયા ઉપર સૂતરને વળ દેવાનું શરૂ કર્યું.

તા. ૧૧–૩–’૩૦ : મંગળવાર

સરકારમાંથી કંઈક હુકમ આવ્યો કે મને ખાસ કેદી તરીકે રાખવો અને સગવડ આપવી. મને જણાવવામાં આવ્યું. મેં કહ્યું કે મારે કશી સગવડ જોઈતી નથી. અહીં બધી જ વાતનું સુખ છે. માત્ર એક જ દુ:ખ છે. તે કહેવાની જરૂર નથી. સુપરિન્ટેન્ડેન્ટના આગ્રહથી કહ્યું કે, જેમ હિંદુસ્તાનનું રાજ્ય આપણા જ લોકોથી ચાલે છે, તેમ આખી જેલમાં કોઈ અંગ્રેજ નથી, એટલે કોની સાથે લડવું?

ત્રણેક વાગે કલેક્ટર અને ડી. એસ. પી. મળવા આવ્યા. તેમણે મારે જે સગવડ જોઈએ તે કહેવાનું કહ્યું. મારે કંઈ જ નથી જોઈતું એમ મેં જવાબ આપ્યો. અને ખેડાના કલેક્ટરની અયોગ્ય વર્તણૂકની વાત કરી. જેલરનો અતિશય આગ્રહ જોઈ, ઘેરથી પથારી તથા થાળી, વાટકો, લોટો મંગાવ્યાં. અંબાલાલ શેઠની મોકલેલી છ ચોપડીઓ મળી. બત્તી રાખવાની રજા મળી, એટલે રાતે અગિયાર વાગ્યા સુધી રામાયણ વાંચ્યું. આજથી ચા, દૂધ, દહીં અને રોટીની સગવડ થઈ, તેથી પેલો વૉર્ડર બિચારો ખૂબ રાજી થયો.

તા. ૧૨–૩–’૩૦ : બુધવાર

સવારના ચાર વાગે ઊઠી પ્રાર્થના કરી. ગીતા વાંચી. આજે છ સાડા છ વાગે બાપુ આશ્રમમાંથી નીકળવાના [દાંડી કૂચ માટે.] તે યાદ કરી, ખાસ ઈશ્વરસ્મરણ કરી તેમની સફળતા માટે પ્રભુની સહાયતા માગી. સવારે નવ વાગે. મિ. જોષી મૅજિસ્ટ્રેટ આવ્યા. રસ્તામાં લોકોની ભારે ભીડ જામેલી તેથી તેમને વાર થઈ. પછી તેમણે બાર ઍસોસિયેશનનો ઠરાવ થયાની અને તે ઠરાવ મિ. ડેવિસ [અમદાવાદના ડિસ્ટૃિક્ટ જજ. તેઓ વિલાયતમાં સરદારના સહાધ્યાયી અને મિત્ર હતા.] મારફતે હાઈકોર્ટમાં મોકલી આપવાની માગણી કર્યાની વાત કરી. સાંજના સુપરિન્ટેન્ડેન્ટ આવ્યા તેમને મારા તરફથી મિ. ડેવિસને ખાસ સંદેશો મોકલવા વિનંતી કરી, અને કહેવરાવ્યું કે, એવો ઠરાવ મોકલવાની કશી જ જરૂર નથી. અને તેમણે મોકલવો ન જોઈએ એવી મારી ઇચ્છા છે. તેઓ ખાસ જઈને ડેવિસને કહી આવ્યા.

આજથી સવારના એક રોટી અને બે ઔંસ બટર મંગાવ્યાં છે.

તા. ૧૩–૩–’૩૦ : ગુરુવાર

ચાર વાગે ઊઠ્યા. પ્રાર્થના અને રામાયણ. મિ. ડેવિસ મળવા આવ્યા. ઘેરથી ખાટલો-પથારી આવ્યાં. બહાર સૂવાની રજા મળી. બત્તી બહાર મૂકી રાતે વાંચ્યું. અંબાલાલભાઈને ત્યાંથી ડેક ચૅર આવી. જજમૅન્ટની નકલ મળી. આજે વળી જેલર કહે કે સરકારનો મને A વર્ગના કેદી તરીકે રાખવાનો હુકમ આવ્યો છે, એટલે તમે જે સગવડ જોઈએ તે માગજો.

[‘નરહરિ દ્વા. પરીખ લિખિત સરદાર વલ્લભભાઈ’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 170-172

Category :- Gandhiana