ઓતરાતી દીવાલો-૧

કાકાસાહેબ કાલેલકર
22-06-2019

જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંનો ખોરાક, મજૂરી કરતાં પડેલાં કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલાં લખાણો, એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધૂમસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માન્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિ માતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દૃષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્ત્વનો તેટલો જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષાદ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હૃદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે.

સન ૧૯૨૩નો ફેબ્રુઆરીનો મંગળ દિવસ હતો. જેલનો પ્રવેશવિધિ પૂરો થયો અને હું ‘યુરોપિયન વૉર્ડ’ની એક કોટડીનો સ્વામી બન્યો. આ ઓરડીમાં ઊંચે બે જાળિયાં હતાં. પણ તે હવાને માટે હતાં. અજવાળું આપવાનું તેમનું કામ ન હતું. અજવાળું તો કોટડીના લગભગ મારા કાંડા જેવડા સળિયાવાળા બારણામાંથી જેટલું આવે તેટલું જ. આંગણામાં લીમડાનાં અઢાર ઝાડ ત્રણ હારમાં ગોઠવાયેલાં હતાં. પાનખર ઋતુ એટલે ઘરડાં પાંદડાં સવારથી સાંજ સુધી પડ્યાં જ કરે. આઠ દિવસની અંદર લગભગ બધાં જ પાંદડાં ખરી પડ્યાં અને અઢારેઅઢાર ઝાડ ક્ષપણક જેવાં નાગાં દેખાવા લાગ્યાં. આ સ્થિતિ જોઈને મને બહુ આનંદ ન થયો. મેં કહ્યું, ‘कथं प्रथममेव क्षपणक:!’

•••

અમારા મકાનની જમણી બાજુ પર દાબડે બાપાના વાવેલ કેટલાક છોડ હતા: બે આંબાના, બે લીમડાના ને એક જાંબુનો. એ પોતાનાં બાળકો જ ન હોય તેમ બાપા આ બધાં ઝાડની સારવાર કરતા. પ્રેમનો ઉમળકો આવે એટલે પોતાની કાનડી ભાષામાં ઝાડ સાથે વાતો પણ કરતા, અને મારી સાથે તેને લગતી વાતો કરતાં તો બિલકુલ થાકતા જ નહીં. જમી રહ્યા પછી અમે આ છોડ વચ્ચે બેસીને અમારાં વાસણ ઊટકતા. જસતનાં આ વાસણ ઊટકવાની ખાસ કળા હોય છે. મુનિ જયવિજયજીએ આ કળામાં વિશેષ પ્રાવીણ્ય મેળવ્યું હતું. ભારે ઉમંગથી અને થોડીક જબરદસ્તીથી તેમણે મને એ ઉપયુક્ત કળાની દીક્ષા દીધી. બીજે જ દિવસે તેઓ જેલ બહાર ગયા એટલે એક જ પાઠનો હું ભાગ્યશાળી થયો. જસતનાં વાસણનું તેજ એ તો જાહેર કામ કરનાર દેશસેવકની આબરૂ જેવું હોય છે. રોજ સાવધ ન રહે તો જોતજોતામાં ઝાંખું પડી જાય. એના પર જરાક ઝાંખપ આવે કે તરત સ્નેહપ્રયોગ કરવો પડે. સાથે કાંઈક ખટાશનો પણ અનુભવ કરાવીએ તો વધારે ઠીક.

સાંજના છ વાગ્યા એટલે અમે પોતાપોતાની કોટડીમાં પુરાયા. ખટ ખટ અવાજ કરતાં તાળાંએ સરકારને ખાતરી આપી કે કેદી રાત્રે નાસી જાય એમ નથી. પણ નર્યાં તાળાંનો વિશ્વાસ શો? રાત્રે લગભગ અર્ધે અર્ધે કલાકે ફાનસો આવી ખાતરી કરી લેતાં કે કેદી અલોપ થયો નથી, જાગતો ન હોય તો પણ જગા પર છે. જાગતા હોઈએ તો ફાનસને અમારું ને અમને ફાનસનું દર્શન થતું. જેલ બહાર ઠીક ઉજાગરા થયેલા તેથી જેલમાં સ્થિતિ થતાંવેંત ઊંઘવાનું જ કામ મેં પ્રથમ આદર્યું. ઊંઘ ખાતે રોજના સરેરાશ ચૌદ કલાક મંડાતા. આઠ દિવસમાં ઊંઘની ઉઘરાણી પૂરી કરી નવા અનુભવ માટે તૈયાર થયા.

•••

કેટલીક ખિસકોલીઓ સવારે, બપોરે ને સાંજે અમારી દોસ્તી કરવાના ઇરાદાથી આવતી. ખિસકોલીઓને જોઈને મારું મન ઉદાસ થયું. કૉલેજમાં ભણતો ત્યારે મેં એક ખિસકોલીનું બચ્ચું પાળ્યું હતું. એક વરસ સુધી મારી સાથે વસીને અક્ષયતૃતીયાને દિવસે તે અક્ષરધામ ગયેલું તેનું મને સ્મરણ થયું. ખીંટી પર ટાંગેલા સાઇકલના પૈડા પર ચડવાનો તે પ્રયત્ન કરતું. પૈડું ગોળ ગોળ ફરતું એટલે ઉપર ચડાતું જ ન હતું; એ જોઈ તે રોઈ પડતું. હું દૂધ પીતો હોઉં ત્યારે મારા પહોંચા પર બેસી મારી સાથે જ મારા વાટકામાંથી તે દૂધ પીતું. એ અને એવા બીજા અનેક પ્રસંગો યાદ આવ્યા.

કાગડાઓ પણ અનેક આવતા, પણ તે મારી સાથે દોસ્તી બાંધે જ શાના? મારી પડોશમાં કેટલાક સિંધી મુસલમાન રાજદ્વારી કેદીઓ રહેતા, તેમની પાસેથી આ હાડિયા મહાશયોનો માંસ તેમ જ હાડકાંના કકડા મળતા, એટલે તેમણે અચૂક એ જ દોસ્તી બાંધી હતી.

•••

એક દિવસ બપોરે મારી ઓરડી પાસે થઈને જતી કીડીઓની એક હાર મેં જોઈ. તેમની પાછળ પાછળ હું ચાલ્યો. કેટલીક કીડીઓ વૈતરાકામ કરનાર મજૂરો હતી, અને કેટલીક આગળ પાછળ દોડનાર વ્યવસ્થાપકો હતી, અને કેટલીક તો વ્યાજ ઉપર જીવનાર શેઠિયાની પેઠે અમસ્તી જ આમતેમ ફરનારી હતી. થોડીક કીડીઓ રસ્તો છોડીને આસપાસના મુલકમાં શોધે જતી અને દૂર સુધી જઈ પાછી આવ્યા પછી કોલંબસ કે મંગોપાર્કની પેઠે પોતાની મુસાફરીનાં બયાન વ્યવસ્થાપકો આગળ રજૂ કરતી. મેં રોટલીનો ભૂકો કરી તેમના રસ્તાની બાજુ પર બેએક હાથ દૂર મૂકી દીધો. અડધીક ઘડીની અંદર આ શોધક મુસાફરોને તેની ભાળ લાગી, તેમણે તરત જઈને વ્યવસ્થાપકોને રિપોર્ટ કર્યો. હુકમ બદલાયા, રસ્તો બદલાયો અને સાંજ સુધીમાં ખોરાકની નવી ખાણ ખાલી થઈ. કોઈ પણ મજૂર પર બોજો વધારે થયેલો દેખાય કે તરત જ વગર બોલાવ્યે બીજા મજૂરો આવીને હાથ દે જ છે — અરે ભૂલ્યો, પગ દે છે. પણ બોજો કયે રસ્તે ખેંચવો તે વિશે તેઓ જલદી એકમત થતા નથી. તેથી બે કીડીઓ બોજાની તાણાતાણી કરતી ગોળગોળ ફરે છે. આખરે એકમત થયા પછી બગડેલા વખતનું સાટું વાળવા તેઓ ઉતાવળે ચાલતી થાય છે.

આ કીડીની હાર આવે છે ક્યાંથી એ જોવાનું મને મન થયું અને ધીમે ધીમે હું ચાલ્યો. પાછળની બાજુમાં ઓટલા નીચે એક દર હતું તેમાંથી કીડીબાઈઓની આ વિસૃષ્ટિ નીકળતી હતી. પાસે જ માટીના જેવો નાનકડો લાલ ઢગલો દેખાયો. નજીક જઈને જોયું તો તે કીડીઓનું સ્મશાન હતું. ધ્યાનપૂર્વક નિહાળવામાં થોડોક વખત ગાળ્યા પછી બે કીડીઓ દરમાંથી બહાર આવતી નજરે પડી. મડદાં સ્મશાનમાં ફેંકી દઈ તેઓ સીધી પાછી ગઈ. કંઈ નહીં તો પાંચ સાતસો મડદાં ત્યાં ભેગાં પડ્યાં હતાં. આ કીડીઓની સમાજરચના કેવી હશે, તેમના સુધરાઈખાતાના નિયમો કેવા હશે, શા હેતુથી આવાં સ્મશાનો તેઓ ગોઠવતી હશે એ વિશે અનેક વિચારો મનમાં આવ્યા. બીજા કયાં કયાં પ્રાણીઓમાં સ્મશાનભૂમિની ગોઠવણ હોય છે એ જાણવાનું મન થયું. મધમાખો વખતે સ્મશાનસ્થાન નક્કી કરતી હશે. મંકોડાઓ તો અલબત્ત કરે જ છે. શા માટે બીજાં પ્રાણીઓમાં એ બુદ્ધિ નથી એ વિશે પણ ઘણા વિચારો મનમાં આવ્યા.

•••

પાનખર ઋતુ હતી છતાં ઉનાળો બેઠો ન હતો. દાબડે બાપા ઘરડું પાન. ભારે જહેમત ચલાવીને જેલમાં તેમણે નાહવા માટે રોજ ગરમ પાણીનો હક મેળવ્યો હતો. સવારે ધૂમસ ફેલાતું. દયાળજીભાઈ અમારી સાથે રહેવા આવ્યા ત્યારે સવારે ઊઠીને ધૂમસમાં સાથે આંટા મારતાં ખૂબ મજા પડતી. કોક કોક વાર આજુબાજુની દીવાલો કે મકાનો પણ દેખાતાં ન હતાં. નાનપણમાં બેલગામથી સાવંતવાડી જતાં આંબોલીઘાટમાં કેટલીયે વાર આવા અનુભવ લીધેલા તે યાદ આવ્યા. ધૂમસ ફેલાયું હોય ત્યારે ઝપાટાબંધ ચાલવાનો ઉમંગ ખૂબ વધે છે. કપડાં પૂરતાં પહેરેલાં હોય ને માથું ઉઘાડું હોય ત્યારે તો વળી વધારે આનંદ આવે છે. ટાઢ અને ધૂમસ નાકને, આંખને, કાનને ગરબદિયાં કરે છે. ટાઢ વધારે હોય તો સખત કરડે પણ ખરી. મૂછ ઉપર ઝાકળ પડે અને ઝપાટાબંધ ચાલતાં શ્વાસ ગરમ થઈ ઝાકળનાં બિંદુ મોટાં મોટાં થઈ જાય, એ અનુભવ જેણે લીધો હોય તે જ ધૂમસમાં ચાલવાનો આનંદ ઓળખી શકે.

ધૂમસમાંથી દેખાતું આસપાસનું અસ્પષ્ટ ચિત્ર જોઈ કેશવસુત કવિએ વર્ણવેલા કવિહૃદયની સ્થિતિ યાદ આવી?

कविच्या हृदयीं उज्ज्वलता आणिक मिळती अंधुकता।


तीच स्थिति ही भासतसे सृष्टि कवयित्रीच दीसे॥

ધ્યાન અને તપસ્યાથી ઋષિમુનિઓ જે તત્ત્વનું સ્પષ્ટ દર્શન કરે છે તેનું સહેજ સ્પષ્ટ અને સહેજ ઝાંખું દર્શન કવિઓને સહેજે થાય છે. તેથી જ કેશવસુતે ધૂમસવાળા પ્રભાતકાળને કવિહૃદયની ઉપમા આપી છે.

•••

એક દિવસ બપોરે અમે આંટા મારતા હતા, એવામાં દયાળજીભાઈના પગ તળે એક મંકોડો ચગદાઈ ગયો. એમનું તે ત્યાં ધ્યાન પણ ન ગયું, પણ મારા પેટમાં કંઈનું કંઈ થઈ ગયું. બિચારો મંકોડો કેમ મરી ગયો, એણે શું પાપ કર્યું હતું, વગર ગુને એને આવું મોત કેમ આવ્યું, દુનિયામાં નીતિનું સામ્રાજ્ય છે કે અકસ્માતનું, આવા આવા વિચારો એક જ ક્ષણની અંદર આવ્યા અને ગયા. ફરી નવો વિચાર આવ્યો કે આવું મોત માઠું જ શા માટે ગણવું? મંકોડાને એક ભવમાંથી આ રીતે રજા મળી તે તેના કોઈ પણ ગુનાની સજારૂપે મળી કે કોઈ સત્કર્મને માટેના ઇનામ તરીકે મળી એનો નિવેડો કોણ આણી શકે? પ્રાણીમાત્ર મોતથી ડરે છે, મોતથી ભાગતાં ફરે છે એ યોગ્ય છે કે અયોગ્ય? મોતથી નાસી જવું એ પ્રાણીમાત્રનો જન્મસિદ્ધ સ્વભાવ છે. એ સ્વભાવ અયોગ્ય છે કે અજ્ઞાનમૂલક છે એ કોણ કહી શકે? ફરી વિચાર આવ્યો, મોત ગમે તે રીતે આવો પણ અજાણ્યે મોત આવે એ કેમ પાલવે? મોત આવવાનું છે એમ જાણ્યા પછી જે મોતનો સાક્ષાત્કાર થાય છે તે કીમતી અનુભવથી વંચિત થવું એ શું દુર્ભાગ્ય નથી? અને કોણ કહી શકે છે કે મોતમાં અમુક જાતની લિજ્જત નહીં જ હોય? ઊંઘનું આગમન જો મીઠું હોય તો મોતનું કેમ ન હોય? ફાંસી જનાર માણસને આઠ-દસ દિવસની નોટિસ મળે છે.

એટલા દિવસમાં પરલોક માટેની કેટલી મજાની તૈયારી તે કરી શકે એમ છે!

[‘ઓતરાતી દીવાલો’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 167-169

Category :- Gandhiana