અદેખો ચકલો

ઘનશ્યામ દેસાઈ
05-06-2013

એક હતું જંગલ

જંગલમાં એક કૂકડો. રોજ સવારે વહેલો ઊઠે. ઝાડ પર ચડે અને જોર જોરથી બોલે : ‘કૂકડે…. કૂક…. કૂકડે… કૂક…..’

કૂકડાની બાંગ સાંભળીને સિંહ, વાધ, વરુ ઊંઘમાંથી ઊઠે. ઊઠીને શિકાર કરવા જાય. કાગડો, મોર, પોપટ ઊઠે. ઊઠીને દાણા ચણવા જાય. મેના, કોયલ અને સુગરી ઊઠે. ઊઠીને સળીઓ વીણે અને માળા બાંધે. બધાં વહેલાં ઊઠે, કામ કરે અને સાંજ પડે ત્યારે કૂકડાનો આભાર માને : ‘વાહ, કૂકડાભાઈ, વાહ ! તમે વહેલા ઉઠાડો છો તો અમારું કામ થાય છે.’

કૂકડાભાઈના વખાણ સૌ કોઈ કરે, પણ એક ચકલો ખૂબ અદેખો. તે કહે : ‘તમે અમસ્તાં કૂકડાનાં વખાણ કરો છો. ઝાડ પર ચઢીને એ જોરજોરથી બરાડે છે એમાં કૂકડા એ શું ધાડ મારી ? હું પણ બધાંને ઉઠાડું.’

બધાં પ્રાણીઓ અને પંખીઓ બહુ ચિડાઈ ગયાં. ચકલાને કહે : ‘ભલે, કાલથી તું ઉઠાડજે, તો અમે તારાં વખાણ કરીશું.’

બીજે દિવસે ચકલો વહેલો ઉઠયો, ઝાડ પર ચઢયો. જોરથી કૂકડે કૂક બોલવા ગળું ફાડયું. પણ અવાજ તો ખૂબ ધીમો નીકળ્યો. : ‘ચીં…ચીં…ચીં….ચીં’. ફરીથી ગળું ફાડયું પણ ચીં…ચીં એવો ધીમો અવાજ જ નીકળ્યો. કોઈને સંભળાયો નહીં. કોઈ ઉઠયું નહીં. કોઈ શિકારે ન ગયું. કોઈ દાણા ચણવા ન ગયું. કોઈએ માળો ન બાંધ્યો.

મોડાં મોડાં બધાં ઉઠયાં. ઊઠીને ચકલાને ખૂબ ધમકાવ્યો. ‘કેમ અમને ઊઠાડયાં નહીં ? અમે ભૂખ્યા રહ્યાં. અમારું કામ રખડી ગયું.’

ચકલો જુઠ્ઠું બોલ્યો : ‘આજે રવિવાર છે ને એટલે.’ બધાં બહુ ચિડાઈ ગયાં. ચકલો કહે : ‘કાલે જરૂર હું તમને ઉઠાડીશ.’

આખો દિવસ ચકલો ચિંતા કરતો રહ્યો : બધાંને કાલે ઉઠાડીશ કેવી રીતે ? છેવટે તેને એક વિચાર આવ્યો. ચકલો ખુશ ખુશ થઈ ગયો. બાજુ ના ગામમાંથી એક મોટું નગારું લઈ આવ્યો. સવારના ચકલો વહેલો ઊઠયો અને જોર જોરથી નગારું વગાડવા માંડયો : ઢડડડડડં ઢમ. ધ્રુબાંગ ઢમ…

જંગલમાં કોઈએ નગારાનો અવાજ સાંભળ્યો ન હતો. બધાં ઝબકીને જાગી ઊઠયાં. ખૂબ ગબરાઈ ગયાં. નાનાં બચ્ચાં રડવા લાગ્યાં. બીકના માર્યા સૌ અંધારામાં અંહીથી તહીં દોડવા લાગ્યાં.

જ્યારે બધાંને ખબર પડી કે આ અવાજ તો નગારાનો છે અને નગારું ચકલો વગાડે છે. ત્યારે બધાં એવાં ચિડાઈ ગયાં કે ચાંચો મારી મારીને ચકલાને અધમૂઓ કરી નાખ્યો. ચકલો રડતો રડતો બાજુના ગામમાં ભાગી ગયો. તે દિવસથી બધાં જ ચકલા-ચકલીઓ ગામમાં રહે છે. કોઈ જંગલમાં રહેવાની હિંમત કરતું નથી.

(સૌજન્ય : "રિડગુજરાતી")

Category :- Opinion Online / Short Stories