અરુણ કોલટકર : મૃત્યુપશ્ચાત આંતરરાષ્ટ્રીય કીર્તિ

હેમાંગ દેસાઈ
19-06-2019

[હેમાંગ દેસાઈ (1978-) કવિ, અનુવાદક અને નૉન-કનફોર્મિસ્ટ નાગરિક-ચિંતક છે. હાલમાં જ તેમણે કોલટકરના ‘કાલાઘોડા પૉએમ્સ કાવ્યસંગ્રહનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.]

અરુણ કોલટકર (૧૯૩૨-૨૦૦૪) સદીના એક મહત્ત્વના, વૈશ્વિક કદના સર્જક છે. મરાઠી અને અંગ્રેજી ભાષામાં આધુનિક અને પ્રયોગવાદી, પરંતુ સામાજિક સરોકાર અને કળાકીય કટિબદ્ધતાને વરેલી કવિતાની ધારાનો આવિષ્કાર અને પ્રસાર કરવામાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. ‘જેઝુરી’ (૧૯૭૮) કાવ્યસંગ્રહના પ્રકાશનથી ભારતીય સાહિત્યમાં ખળભળાટ મચાવી દેનાર આ એકાકી અને અંતર્મુખી કવિ ત્યાર બાદ જાણે સુષુપ્તાવસ્થામાં સરી ગયા. પરંતુ ૨૦૦૪માં અકાળ અવસાનના અમુક મહિના પહેલાં જ એમના બે મહત્ત્વના અંગ્રેજી કાવ્યસંગ્રહો ‘કાલાઘોડા પોએમ્સ’ અને ‘સર્પસત્ર’ પ્રકાશિત થયા અને પાશ્ચાત્ય સાહિત્યજગત તેમની ધારદાર સર્જકતાનું કાયલ બની ગયું. ‘જેઝુરી’ માટે ખ્યાતનામ કૉમનવેલ્થ પોએટ્રી પ્રાઇઝ મેળવનાર કોલટકરને મૃત્યુપશ્ચાત આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી છે. પ્રસ્તુત કાવ્ય એમના ‘કાલાઘોડા પોએમ્સ’માંથી લેવામાં આવ્યું છે.

મીરાં

ટોચના જીવનથી ત્રાસી,
થોડું રસનું ને/કે
થોડું ખપનું,

એવું કંઈક કરવાની આશે
મૂક્યું પડતું નાળિયેરીના નફકરા ટપરાએ,
કરવાનું શું ઉપર બેઠાબેઠા

આખો દિવસ ને આખી રાત ઠેઠાઠેઠ
ખેંચો ફોડોમરોડો ત્રણસો આંગળાં
કે પછી વારેઘડીએ ને વળીવળી

કરો ચાંદાને બગલમાં ગલીપચી -
કરી લીધી છે દોસ્તી, મળી ગયું છે એનું મન,
આપણી ખરી ગયેલાં ફૂલોની રાણી સંગ,

- શહેરના આ ભાગમાં કાર્યરત
મ્યુનિસિપાલિટીની શેરી-સફાઈટુકડીનો
ગમગીન આંખાળો અર્ધનારી પ્રભાગ. -

હવે એના હાથમાં, એના ઇશારે
શીખી રહ્યું છે બેરોકટોક,
નવી તરકીબ, નવ લોકસબ રોજેરોજ,

અને મફતના સોદામાં
માણી રહ્યું છે
ભંગુર જીવનની મોજારીમોજ.

૨.

બદલામાં આપણી રાણીને મળ્યું,
વધુ જીવંત, વધુ મજેદાર,
વધુ નહિ તો એટલું જ કામઢું ઝાડુ.

નોકરી સાથે પકડાવી દીધેલા,
પંખ-પૂંછાળા ચીલાચાલુ ઠૂંઠા કરતાં
લાંબી પહોંચ, બહોળા લસરકાવાળું,

પેલું સરકારી તો બળ્યું સાવ બરડ ને જડ,
આ ભાયડાઓને કો’જાણે કેમવધારે ફાવે એ
એય મૂઆ એવા જ ને? અડિયલ ને અક્કડ.

અલગ જ મજા છે ટપરાંને જોવાની,
ફુદકતું આમથી તેમ, રંગલાની જેમ
જાણે ખેલ કરતું રીંછ, લીલુંછમ મોરપીંછ.

એની આગળ આગળ દોડતું,
એના રસ્તે આડું ઊતરતું,
એનો માર્ગ મોકળો કરતું;

એની ગોળગોળ ફરતું,
એને માથાભેર કુદાવતું,
ને થોભે ત્યારે થોભી જતું;

જુઓ તો, કેવું ધસી જાય છે એ
માર્ગભ્રષ્ટ કાગળિયાંને તો આડે હાથે લે,
રસ્તા વચ્ચે રમતાં હલકાં પાંદડાંઓને પડકારો દે.

૩.

મોટા ભાગના કલાવિવેચક,
ખિસ્સે ઘાલેલા,
કાજુના ગુપ્ત ભંડાર સાથે,

રાત્રે ઢીંચેલા મફત દારૂનું,
ઘેન ઉતારતા, ઘોરતા
ખાટલે પડયા હોય,

ત્યારે તાજાતરીન ઇન્સ્ટોલેશનનું
કોઈ જાતની ધામધૂમ વિના
થાય શ્રેણીબદ્ધ અનાવરણ,

- હંમેશની માફક
મોઢું વકાસી ઊંઘતી -
જહાંગીર આર્ટગૅલેરી સમક્ષ,

પારખુ કાગડા ને બિલાડીનાં બચ્ચાં સિવાય
બાકી બધાથી સદંતર ઉપેક્ષિત,
સાદી સહજ કચરાની ઢગલીઓનું પ્રદર્શન.

રસ્તાની ધારેધારે પડેલી પગલી,
પંદરેક પગલાંના અંતરે માંડેલી ઢગલી,
મોટે ભાગે સૂકાં પાંદડાં, ઊડતાં કાગળિયાં

ઝીંગાના કોટલા, કાંદાબટાકાની છાલ
ગાંઠ મારેલા કોન્ડોમ ને મરેલાં ફૂલ
- ખાસ કરી ગરમાળા અને ગુલમહોર -

ઇન્સ્ટોલેશનનું શીર્ષક, રાખવું હોય તો,
રાખી શકાય,
મુંબઈને શ્રદ્ધાંજલિ એક … બે … ત્રણ …

કેમ કે ખાસ્સું એવું શહેર
સદંતર નિર્ભર છે, આવી વાળઝૂડ પર
આખેઆખું કોલાબા કે ખેતવાડી સદરબદર.

૪.

દર સવારે
ફક્ત અડધોએક કલાક
ખુલ્લું મુકાય પ્રદર્શન.

કચરાની છેલ્લી ઢગલી,
જતનથી ગોઠવાઈ રહે,
ત્યાં તો પહેલી ઊપડી જાય, ટ્રોલીમાં ઠલવાય.

ખરું પૂછો તો એ જ છે પ્રયોજન.
કળાના અનિવાર્ય ભંગુરત્વનું
સ્તવન.

૫.

યુક્લિડના દિલમાં વસી ગઈ હોત
- પેલી ખખડધજ જર્જરિત
કચરાની ટ્રોલી -

સાબિતી આપ્યા વિનાના,
પ્રમેય જેવી,
ગુ-ગાડી,

એમાં બાળકોએ કાળા ક્રેયોનથી
દોરેલા ચિત્રની
સાદગી અને સ્થિરતાનો સ્પર્શ.

આમ તો, બે બાજુએ
સમબાજુ ત્રિકોણથી જકડાયેલી,
લોન્ડરી બાસ્કેટ જેવડી,

બે નેતરની ટોપલીને
ઘોડિયે ઘાલતી
ઘડતર લોઢાની ટ્રે છે બસ.

ભોંયભેગી રહે
પ્રેમની જેમ ધકેલાય.
વાટ વિનાનાં લોખંડી પૈડે,

દડબડ દડબડ ગબડે,
ત્યારે પોતાના જ ઘોંઘાટથી,
મેહ્યુના લંડનના નરમ

ખરીને અનુકૂળ રસ્તાનાં શમણેથી
- પોતે પણ એ જ રસ્તા માટે બની હશે -
ઝબકી, થથરી જવાની સભ્યતા છે એનામાં.

આ શહેરને સાફ કરવાના
ઉમદા ઉદ્દેશથી
છેક ૧૮૭૨ કે એવી જ કોઈ સાલમાં

દરિયાકાંઠે આવી ચડેલી ટ્રૉલીઓની
પહેલી ખંતીલી પેઢીની,
વારસદાર છે આ ટ્રૉલી,

એવું બહાર આવે કોઈ દિ’
તો નવાઈ નહીં.
સંજોગો સાનુકૂળ રહે ને બધું સીધું ઊતરે,

તોયે ખાસ્સું કાઠું લાગે એ અભિયાન
ને જે રીતે દરિયામાંથી,
મૅલેરિયા ને મીઠાંના ભીનાં કડણોમાંથી,

નેશ હેર ફરતી ખાડીઓમાંથી,
બેફામ તફડાવેલી જમીન પર
તથા શહેરમાં દિવસે ને દિવસે

વધતી જતી આવી વાળઝૂડ થકી,
પચાવી પાડેલી નવી ને નવી જમીન પર
ફૂટી રહ્યું છે નવું ને નવું બૉમ્બે,

એ જોતાં તો લગભગ
અશક્ય થઇ પડ્યું છે,
આ અથાક ટ્રૉલીનું મિશન.

પરિણામ એ કે,
જેટલું વધારે સાફ કરો બૉમ્બે
એટલું જ વધારે સાફ કરવાનું રહે બૉમ્બે.

૬.

જેવી નેતરની ટોપલી ભરાય,
- લગભગ ગળા સુધી -
કે તરત એની ઉપર ચડી જાય,

એની સાંકડી પરિધિમાં
ઊભી ઊભી
ડોલવા લાગે ધીમું-ધીમું,

પ્રભુ સમક્ષ નાચતી મીરાં, કેવું રૂડું સમણું!
એકતારો નથી હાથમાં, ઊભી ઝાડુ ઝાલી,
આલી રે આલી મીરાં ઝાડુવાલી;

શરીર આખાનું વજન,
વારાફરતી
એક પછી બીજા પગ પર ધરે,

ધીમે ધીમે
જાણે પોતાની જ પ્રદક્ષિણા કરે,
પગનાં એકેએક આંગળાંને,

ઘૂંટણિયે પડી,
પહેલાં તો ચારે દિશાઓને
ત્યાર બાદ વારાફરતી,

હોકાયંત્રનાં બત્રીસેબત્રીસ
દિશાબિંદુઓને વિધિવત્‌
પ્રણામ કરવા પૂરતો સમય આપે.

એનો બીજો હાથ ખાલી,
પણ પહેલા કરતાં સધ્ધર
હવામાં ઊડતું ફ્‌લેમિંગો, અધ્ધર.

૭.

કરાંજી કરાંજી કચરાના,
ભરખમ ગર્ભને નીચે ધકેલતી,
ગૂંદીગૂંદીને સંઘટ્ટ કરતી,

હજુ થોડા વધારે,
કચરાની જગા કરવા,
કુશળ પગની જોડી વતી,

કચરાને કચડતી એ લાગે અદ્દલ
દ્રાક્ષ ભરેલા ટબમાં
કદમતાલ કરતી વાઇન યાર્ડવૅન્ચ.

છુંદાઈને ગુંદાઈને,
પોતાની ભીતર ઊતરતા જતાં
ઈંડાંના કોચલાં ને મરેલાં ફૂલ,

સૂકાં પાંદડાં ને તરબૂચનાં છોડાં,
બ્રેડનાં ટુકડા, કૉન્ડોમ,
મરઘીની હડ્ડી નેબટાકાની છાલમાંથી,

ઝરપવા માંડે અંતરતમ સત્ત્વ,
ટપકવા માંડે વ્યર્થતાનું વાઇન,
વછૂટે આભારીપણાનું અત્તર,

ઘોડાપુર તુચ્છતાનું
ફરી વળે એની
એડીઓનાં કાતરામાં,

ચાટે પગનાં તળિયાં
અને કમાન,
મલ્હમ ચોપડે,

આટણો પર અને
ફૂટી નીકળે આંગળાં વચ્ચેથી
વ્યથાના ઝરા માફક.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 08-09

Category :- Poetry