શું પકડી રાખવું, શું છોડી દેવું ?

રમેશ ઓઝા
02-06-2019

મારા મિત્ર અને ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી ડૉ. ગિરીશ જાનીએ સલાહ આપી હતી કે આ શ્રેણીમાં ભગવદ્ ગીતાની માત્ર રૂપરેખા આપીને આગળ ન જવું જોઈએ, પરંતુ ગીતા વિષે હજુ વધારે વાત કરવી જોઈએ. બે કારણ છે. એક તો એ કે ગીતા તમામ દર્શનોનો સમન્વયકારી ગ્રંથ છે. એ સમયે ભારતમાં પ્રવર્તતી લગભગ દરેક વિચારધારાનું દોહન ગીતામાં મળશે અને બીજું કારણ એ છે કે ભગવાન વ્યાસે અર્જુન (અર્થાંતરે સકળ જગત) માટે કલ્યાણકારી વિચાર વિવેકની એરણે તપાસીને ઉપદેશરૂપે કહ્યા છે. મને તેમની દલીલ વાજબી લાગી એટલે ગીતાની પરબે થોભીને થોડું વધારે પાન કરીએ.

પહેલા અધ્યાના ૪૭ શ્લોક અને બીજા અધ્યાયના પ્રથમ ૧૦ શ્લોક ગીતા કહેવા માટેના પ્રસંગની માંડણીરૂપ છે. અર્જુનને રણભૂમિમાં વિશાદ થાય છે, લડવાની ના પાડી દે છે અને ભગવાન તેને સારાસાર વિવેક કરાવે છે. ભગવાનના ઉપદેશની શરૂઆત બીજા અધ્યાયના ૧૧માં શ્લોકથી થાય છે. આ અધ્યાયના ૧૧થી ૩૦ શ્લોકમાં સાંખ્ય તત્ત્વજ્ઞાન આપવામાં આવ્યું છે. ૩૧થી ૩૯ સુધીના નવ શ્લોકમાં ધર્મ(ફરજ-સ્વભાવ)ની વાત કહેવામાં આવી છે. ૪૦થી ૫૩ સુધીના ૧૪ શ્લોકમાં યોગદર્શનનું તત્ત્વજ્ઞાન કહેવામાં આવ્યું છે અને ૫૪થી ૭૨ સુધીના ૧૯ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આમ એક રીતે આપણે કહી શકીએ કે જે કહેવું જોઈએ એ બધું જ આમાં આવી જાય છે. આનો અર્થ એવો નથી કે બાકીના અધ્યાય બીજા અધ્યાયના અર્થવાદ જેવા છે, પણ મારી દૃષ્ટિએ બીજો અધ્યાય કલગીરૂપ છે.

બીજા અધ્યાયનું નામ આપવામાં આવ્યું છે; સાંખ્યયોગ. સાંખ્ય એટલે સંખ્યા, પણ ગણિતશાસ્ત્રની સંખ્યા નહીં; સારાસાર વિવેકની સંખ્યા. જેમ ગૃહિણી સૂપડામાં ઘઉં સમા કરતી વખતે વીણી-વીણીને કાંકરા એક બાજુ કરતી જાય અને ઘઉં નોખા તારવતી જાય એ સાંખ્ય. સત્વ તારવી લેવાનું અને જેમાં સત્વ ન હોય તેને અલગ કરવાનું. જે નક્કર, સાત્વિક છે એનો સંગ્રહ કરવો ખરો, પણ એ આસક્તિથી નહીં, તટસ્થબુદ્ધિથી અને જે નશ્વર છે, નકામું છે તેના માટે મોહ નહીં પાળવાનો. ગૃહિણીનાં સૂપડામાં જે રીતે સાંખ્યદર્શન સંખ્યારૂપે આવે છે એ જ રીતે આપણાં જીવનરૂપી સૂપડામાં સાંખ્યદર્શન આવે છે. એટલે તો ગીતાના દસમાં અધ્યાયના ૨૬માં શ્લોકમાં સાંખ્યદર્શનના ઉદ્ગાતા કપિલ મુનિ વિષે કહેવામાં આવ્યું છે, सिद्धानां कपिलो मुनिः સિદ્ધોમાં શ્રેષ્ઠ કપિલ છે.

ગીતાના બીજા અધ્યાયમાં સાંખ્ય તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરનારા વીસ શ્લોકમાં આત્માની અમરતા અને દેહની નશ્વરતાની વાત કહેવાઈ છે. गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः એટલે કે જ્ઞાની લોકો મરેલા અને જીવતાઓનો શોક કરતા નથી. ગતાસુનો અર્થ જેના પ્રાણ દેહમાંથી ચાલ્યા ગયા છે એવા મરેલા અને અગતાસુ એટલે જેના પ્રાણ દેહમાં છે એવા જીવતા. તું (અર્જુન) આ વિષે જે શોક કરે છે એનો અર્થ એ કે તું જ્ઞાની નથી, પણ જ્ઞાની હોવાનો ડોળ કરે છે. ઉપદેશ આપવાનો પ્રારંભ જ અર્જુનનો ઉપહાસ કરીને કરવામાં આવે છે. ભગવાનને એમ લાગ્યું હશે કે દશેરાના દિવસે ઘોડો બેસી જાય એ ન ચાલે. સોય ઝાટકીને કહેવું પડશે કે તું ખોટો નથી, સાવ ખોટો છે અને જ્ઞાની હોવાનો ડોળ કરે છે. આજના યુગમાં તો આની વિશેષ જરૂરત છે.

એ પછીના શ્લોકમાં ભગવાન સમજાવે છે કે આત્મા નિત્ય છે. આત્મા દેહ ધારણ કર્યો એ પહેલાં પણ હતો, એ દેહમાં પણ છે અને દેહ છોડ્યા પછી પણ હોવાનો. એ પછીના ૧૩મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે શરીરની બાળપણ, યુવાની અને ઘડપણ એવી ત્રણ અવસ્થા છે એમ નવા દેહની પ્રાપ્તિ એ ચોથી અવસ્થા છે. બૃહદકારણ્યક ઉપનિષદમાં એક સરસ રૂપક આપવામાં આવ્યું છે. જે પ્રકારે ઘાસ પર રહેનારો કીડો પહેલાં ઘાસના તણખલાંના આગળના ભાગમાં જાય છે, ત્યાં પોતાનો અડધો ભાગ પહેલા તણખલા ઉપર રાખીને પોતાના દેહનો આગળનો ભાગ બીજા તણખલા પર રાખે છે, અને ત્યાંનો આધાર સ્થિર થયા પછી પોતાના શરીરનો બાકીનો ભાગ પેલા તણખલા ઉપર લઈ આવે છે, એ જ પ્રકારે આત્મા દેહનો નાશ થવાના સમયે એક દેહમાંથી બીજા દેહમાં જતો રહે છે. (બ્રુ. ઉ. ૪/૪/૩-૪) આજ વાત આગળ ગીતાના પ્રસિદ્ધ બાવીસમાં શ્લોકમાં કહેવામાં આવી છે જે આ મુજબ છે:  वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्याति नरोऽपराणि I तथा शरीराणि विहाय जिर्णान्यन्यानि संयाति नवानि देही II અર્થાત્ જે પ્રકારે મનુષ્ય જીર્ણ વસ્ત્રોનો ત્યાગ કરી નવાં વસ્ત્રો ધારણ કરે છે એમ દેહધારી આત્મા જીર્ણ દેહનો ત્યાગ કરીને બીજો દેહ ધારણ કરે છે.

આ અધ્યાયનો ૧૬મો ૧૭મો શ્લોક અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ૧૬માં શ્લોકમાં કહ્યું છે કે જે અસત્ છે તેનો કદાપિ ભાવ ન હોય શકે અને જે સત્ છે તેનો કદાપિ અભાવ ન હોઈ શકે. આપણે કેટલીક વાર અજ્ઞાનનાં પડળોનાં કારણે ભ્રમિત થઈ જતા હોઈએ છીએ પણ અસત્‌માં ભાવ શક્ય જ નથી. એટલે આગળ કહ્યું છે કે તત્ત્વજ્ઞાનીઓ આ બન્નેનો અંતિમ વિવેક કરી ચૂક્યા છે. અને પછી ૧૭માં શ્લોકમાં હજુ વધુ ફોડ પાડતા કહ્યું છે : अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् I विनाशमव्ययस्यास्य न कश्चित्क्रर्तुंमर्हति II એટલે કે જેણે આ જગત ફેલાવ્યું છે તે અવિનાશી છે. અવ્યયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. બીજા શબ્દોમાં સત્ય કદી અસત્ય નથી થતું અને જે અસત્ય છે તેનું કદી સત્ય નથી બની શકતું. તત્ત્વજ્ઞાનનો આ અટલ સિદ્ધાંત છે. सत्यमेव जयते नानृतम् તો જાણીતું વાક્ય છે. સત્યનો જ વિજય થાય છે કારણ કે એ ટકી શકે છે અને અસત્ય લાંબો સમય ટકી શકતું નથી. આ જ અર્થમાં ૨૧મો શ્લોક પણ જોવો જોઈએ જેમાં કહ્યું છે; અજન્મા આત્માનો જન્મ નથી થતો, અમરનું મૃત્યુ નથી થતું, અવ્યયનો કોઈ પણ પ્રકારે વ્યય નથી થતો અને નિત્ય વસ્તુનો ક્યારે ય અભાવ નથી થતો.

બીજા અધ્યાયના આ ૨૦ શ્લોકમાં ભગવાને ફેરવી ફેરવીને અથવા ઘૂંટી ઘૂંટીને અર્જુનને સમજાવ્યું છે આ જગતમાં અમર શું છે અને નાશવંત શું છે. જ્ઞાની મનુષ્યે કોને પકડવું જોઈએ અને કોને છોડવું જોઈએ. ધીર પુરુષે કોનો શોક કરવો જોઈએ અને કોનો નહીં.

પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરે ભગવદ્ ગીતા પરની તેમની પુરુષાર્થ બોધિની ટીકામાં આત્માના અમરત્વને સમજવામાં અત્યંત ઉપયોગી થનારા ૧૦ શબ્દો કે વાક્યો એ જ ૨૦ શ્લોકમાંથી જુદા તારવીને આપ્યા છે, જે મનન કરવા યોગ્ય છે.

૧. सर्वगत: (શ્લોક-૨૪) એટલે કે જે દરેક જગ્યાએ અને દરેક પદાર્થમાં છે.

૨. अचल: (શ્લોક-૨૪)આત્મા સર્વવ્યાપક હોવાથી સ્વાભાવિકપણે અચલ છે.

૩. नित्य: (શ્લોક-૧૮,૨૦,૨૧,૨૪,૨૫,૩૦) જે ત્રણે કાળમાં સમાન રહેનારો.

૪. शाश्वत: (શ્લોક-૨૦) જેનો આદી નથી કે અંત નથી. અનાદી.

૫. अज: (શ્લોક-૨૦,૨૧) નથી જન્મતો નથી ઉત્પન્ન થતો.

૬. अनाशी (શ્લોક-૧૮) अविनाशी (શ્લોક-૨૧), अव्यय: (શ્લોક-૨૧), नित्यं अवध्य: (શ્લોક-૩૦), अच्छेद्य (શ્લોક-૨૪) જેનો નાશ થતો નથી, જેનો વ્યય થતો નથી,

૭. पुराण: (શ્લોક- ૨૦) જે પુરાણો હોવા છતાં પણ નવા જેવો છે તે પુરાણ

૮. अदाह्य: अक्लेद्य: अशोच्य: (શ્લોક- ૨૪) જેને બાળી, પલાળી કે સુકવી શકાતો નથી.

૯. स्थाणु: (શ્લોક-૨૪) સ્થિર. નથી હલતો, નથી બદલતો

૧૦. अव्यक्त: अचिन्त्यः (શ્લોક-૨૪), अप्रमेय: (શ્લોક-૧૮) વ્યક્ત નથી, એનું ચિંતન થઈ શકતું નથી, એનું પરિણામ થઈ શકતું નથી.

યુદ્ધને તે વળી સભ્યતા, સંસ્કાર અને મર્યાદા સાથે સંબંધ હોય? ન હોય. પણ અહીં તો યુદ્ધના મેદાનમાં પણ વિવેકનું વિજ્ઞાન શીખવવામાં આવે. કારણ કે આ ભારત છે. એકમેવ ભારત.

29 મે 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 જૂન 2019

Category :- Opinion / Opinion