માઉન્ટ એવરેસ્ટઃ અહીં પણ ‘ટ્રાફિક જામ’ મોતનું કારણ બની રહ્યો છે

ચિરંતના ભટ્ટ
02-06-2019

માઉન્ટ એવરેસ્ટ જોખમી બનવાનાં કારણો હિમશીલાની ટોચની ભ્રમણા જેવાં છે, ધાર્યા કરતાં કંઇક ગણાં મોટા અને કાતિલ

એક સમય હતો જ્યારે શહેરના ઘોંઘાટ અને ટ્રાફિકથી કંટાળીએ ત્યારે આપણને એમ થતું કે પહાડોમાં જતાં રહેવું જોઇએ. ત્યાં પરમ શાંતિનો અનુભવ પણ થાય અને કુદરતનો વૈભવ અને શક્તિ બંન્નેનો અનુભવ થાય. હવે એવા દિવસો આવ્યા છે કે માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ થવા માંડ્યો છે અને અકસ્માતમાં જીવ ગુમવાનારાઓનું પ્રમાણ ત્યાં પણ વધી ગયું છે. આ વર્ષે પવર્તારોહણની મોસમમાં એવરેસ્ટ પર ગયેલા ૧૧ જણા, જેમાં ત્રણ ભારતીય છે તે મોતને ભેટ્યા છે. આમ તો એવરેસ્ટ હંમેશાં કપરાં ચઢાણોનો એસિડ ટેસ્ટ રહ્યો છે, પણ સમયાંતરે ત્યાં સંજોગો વધુને વધુ વસમાં બની રહ્યાં છે. છેલ્લા અઠવાડિયામાં એવરેસ્ટ સર કરવા હારબંધ ઊભેલા પર્વતારોહકોની તસવીર બહુ પ્રચલિત બની છે. એ તસવીર એ વાતનો પુરાવો છે કે એવરેસ્ટ પર ટ્રાફિક ‘જામ’ થવા માંડ્યો છે અને ત્યાં હજારો ફૂટની ઊંચાઇએ પણ માણસ જાતે પોતાનું પોત પ્રકાશવામાં કંઇ બાકી નથી રાખ્યું. માઉન્ટ એવરેસ્ટ વધારે જોખમી બની રહ્યો છે તેનાં કારણો ઉપરછલ્લાં નહીં પણ ઘણાં ઊંડા છે, બિલકુલ દરિયામાં દેખાતી હિમશીલા જેવાં અને માટે જ એ સમજવાં જરૂરી છે.

પહેલી વાત તો એ કે, ૨૯ હજાર ફૂટની ઊંચાઇએ પહોંચતો માઉન્ટ એવરેસ્ટ ચઢવો હોય તો તમારી ગમે એટલી તૈયારી હોય કે પછી ત્યાં મોસમ બહેતર હોય, એ કોઇ કાચા-પોચાનો ખેલ નથી. એવરેસ્ટ પર ચઢવું એક ગંભીર ફોકસ માંગી લે તેવી બાબત છે, હવે સમસ્યા એ છે કે જે લોકોને પર્વતારોહણનો પૂરતો અનુભવ નથી તેવાં પણ એવરેસ્ટ પર ચઢાણ માંડે છે. ગાડરિયો પ્રવાહ એ એવરેસ્ટ પર ભેગી થયેલી ભીડનું સૌથી મોટું કારણ છે. એવરેસ્ટને ‘સર’ કરવાની ભૂખ મોતનું આમંત્રણ બની રહી છે. એવરેસ્ટ પર જનારાનો મૃત્યુ આંક ૧૯૨૨થી માંડીને આજ સુધીમાં ૩૦૭ છે પણ આઘાતની વાત એ છે કે આ વર્ષે ૧૧ જણા ત્યાં મોતનાં મ્હોમાં ધકેલાઇ ગયા. એવરેસ્ટ પર પરિસ્થિતિ સરળ નથી હોવાની પરંતુ ત્યાં ભેગી થનારી ભીડ આ પરિસ્થિતિને વધારે આકરી બનાવે છે.  શેરપા તેન્ઝિંગ નોરગે એ ૧૯૫૩માં એડમન્ડ હિલેરી સાથે શેરપા તરીકે એવરેસ્ટની ટોચ સુધી સફર ખેડી હતી. તેન્ઝિંગના પુત્ર જેમલિંગે એક અંગ્રેજી ન્યુઝ પોર્ટલ પર એવરેસ્ટ, પર્વતારોહક, સરકારી વલણ તથા દિવસે દિવસે વધુ અઘરાં બની રહેલા એવરેસ્ટની ડરામણી હકીકત જણાવી છે.

તેમના મતે આજકાલ હવે પર્વતારોહકોને ટોચ પર પહોંચતા પહેલાં માટે બે-ત્રણ કલાક સુધી લાઇનમાં ઊભા રહીને પ્રતિક્ષા કરવી પડે છે. કપરાં વાતાવરણમાં આટલી વાર ઊભા રહેવાનું થાય એટલે શરીરની ઊર્જા ખર્ચાય તે સ્વાભાવિક છે વળી શરીરની ગરમી જાળવવા ઉપરાંત પર્વતારોહક  ઑક્સિજનનાં બાટલાનો બોજ પોતાની જિંદગી ધબકતી રાખવા ખભે લઇને ઊભો હોય. હોલ્ડિંગ રોપ્સ ઝાલીને આટલા બધાં લોકો ઊભા હોય અને તાકડે જ જો સેફટી રોપ જ તૂટી જાય તો એક સાથે બધાં જ પડી જાય, જેને કારણે ઇજા અને મૃત્યુ બંન્ને થવાની શક્યતા રહે છે. બહુ જ સાદી અને સૌને સમજાય એવી હકીકત એ છે કે આટલી ઊંચાઇ પર આ રીતે લાંબા કલાકો ઊભા રહેવું શરીરને હાનિ પહોંચાડે છે. એવરેસ્ટની ટોચ પર પહોંચનારા ત્યાં રાતવાસો નથી કરતાં. ઉપર પહોંચી ત્યાં થોડી ક્ષણો માણી અને પછી નીચે ઉતરવા માંડે છે કારણકે શરીર એટલી ઊંચાઇ લાંબા કલાકો આમ પણ ન ખેંચી શકે. 

એક સમય હતો કે નેપાળની સરકાર એવરેસ્ટની ટોચ પર પહોંચવા માટેનાં માત્ર વીસ પરવાના આપતી. એ સિત્તેરના દાયકાની વાત હતી અને આજે આ પરવાનાનો આંકડો ૩૮૦ કરતાં પણ વધારે છે. જે રીતે લોકોને આડેધડ પરવાના અપાય છે તે સરકારની ટુરિઝમને પગલે આવક પેદા કરવાની મહેચ્છા દર્શાવે છે. દરેક વ્યક્તિ દીઠ પરવાનો આપવા માટે ૧૧,૦૦૦ અમેરિકી ડૉલર્સ સરકારને ચુકવવાનાં રહે છે. આ તો એક ખર્ચો છે પણ આ ઉપરાંત શેરપા ભાડે કરવાથી માંડીને, ટુર ઑપરેટર્સનાં સમીકરણો વગેરેને પગલે પર્વતારોહકો એવરેસ્ટની ટોચ પર જવા માટે ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ ડૉલર્સ ખર્ચે છે. વળી દરેક પર્વતારોહક સાથે એક શેરપા હોવાનો એટલે કે જો ૩૮૦ જણાંને પરવાના મળે તો કૂલ ૭૬૦ જણા એવરેસ્ટ તરફ પ્રયાણ કરે.

વળી મોસમનાં હાલને ધ્યાનમાં લઇએ તો ય એક સમયે, એક સાથે લગભગ ૨૦૦ કે ૨૫૦ જણાં કાં તો ચઢાણ કરતાં હોય અથવા તો ઊતરતા હોય. ૧૯૯૯ની સાલથી દર વર્ષે એવરેસ્ટ સુધી જનારાની સંખ્યા ૩૫૦ની આસપાસ રહી છે. આ આંકડા પર કોઇપણ જાતનો પ્રતિબંધ કે નિયંત્રણ મુકવાનું સરકારે હજી સુધી વિચાર્યું નથી. વધતી જતી જનસંખ્યાનો પ્રભાવ જાણે એવરેસ્ટ પર પણ પડી રહ્યો છે. ૨૨મી મેનો દિવસ પર્વતારોહકો માટે શરૂ સારા મોસમનાં સમાચારથી થયો. જે રીતે પર્વતારોહકોનાં ટોળાં ટોચને ‘સર’ કરવા સાબદા થયાં અને ‘ટ્રાફિક’ જામ થઇ ગયો. એક પણ ગ્રૂપ લિડરને એવો વિચાર ન આવ્યો કે પોતાના સમિટને લઇને આગળ વધવા માટે એ કોઇ બીજો દિવસ પણ પસંદ કરી શકે.  કુંતલ જોઇશેર નામના એક પર્વતારોહકે આપેલી જાણકારી અનુસાર એવરેસ્ટ ‘સર’ કરવા નિકળી પડેલાઓમાંથી કેટલાક તો સાવ નવા નિશાળિયા હતા, તેઓ પોતાનાં બુટની દોરી સુદ્ધાં જાતે નહોતાં બાંધી શકતા.

વધુ ઊંચાઇ પર ધાર્યા કરતાં વધારે કલાકો જ્યારે ‘રાહ’ જોઇને રહેવું પડે ત્યારે માણસનું શરીર જવાબ આપી દે તેવું થવાની સંભાવનાઓ વધી જ જાય. એવરેસ્ટ પર ૨૬,૦૦૦ ફૂટ પછીનો જે પ્રદેશ છે તેને ‘ડેથ ઝોન’ તરીકે જ ઓળખવામાં આવે છે જ્યાં માણસનું અસ્તિત્વ હોવું જ ન જોઇએ. માત્ર ગણતરીના કલાકો જ ત્યાં ગાળી શકાય પછી ગમે તેટલી ઑક્સિજન બૉટલ્સ હોય તો પણ. એક હદ પછી માણસનું શરીર મંદ પડવા માંડે. એક્યુટ માઉન્ટેન સિકનેસને કારણે ઊબકા આવવા, ચક્કર આવવા, થાક લાગવો જેવી સ્થિતિ ખડી થાય છે. વળી જ્યારે એવરેસ્ટ પર ‘ટ્રાફિક’ જામ થયો હોય એટલે એ પરિસ્થિતિમાંથી પોતાની જાતને બહાર કાઢીને વધુ સુરક્ષિત સ્થળે ખસી જવાનું પણ મુશ્કેલ જ હોય. ઊંચાઇ પર હવા પાતળી હોવાને કારણે મગજની આસપાસ રહેલા મેમ્બ્રેન્સ તથા ફેફસાં ગળવા લાગે છે – લીક થવા માંડે છે જેને કારણે શરીરમાં રહેલું પ્રવાહી જ્યાં ન જવું જોઇએ ત્યાં પણ પહોંચી જાય છે.

ફેફસાંમાં પ્રવાહી ભરાવા માંડે પછી ઑક્સિજન મેળવવું બહુ અઘરું થઇ જાય અને એમાં પણ વ્યક્તિ એવાં સ્થળે હોય જ્યાં ઑક્સિજન ઓછો છે. ફેફસાંની આ સ્થિતિને હાઇ-અલ્ટિટ્યુડ-પલ્મનરી-એડેમા કહે છે. મગજમાં પ્રવાહી ભરાવાની સ્થિતિને હાઇ-અલ્ટિટ્યુડ-સેરેબ્રલ-એડેમા કહે છે જે પરિસ્થિતિને વધારે ગંભીર બનાવે છે. આવા સંજોગોમાં માણસ સંતુલનની શક્તિ ગુમાવી બેસે છે, તેને માટે કો-ઑર્ડિનેશન કરવાનું પણ મુશ્કેલ થઇ જાય છે. ચઢાણ વખતે શરદી, થાક, ડિહાઇડ્રેશનના સંજોગોમાં આ બન્ને શારીરિક જોખમો ખડાં થઇ શકે છે. વળી અનુભવને અભાવે પર્વતારોહક શરીરની આ પરિસ્થિતિ સમજ્યા વિના પોતાની સફર ચાલુ રાખે તો પછી તેના જાનને ચોક્કસ જોખમ ખડું થાય. એવરેસ્ટની ટોચ પર પહોંચવામાં ગતિ બહુ અગત્યનું કામ કરે છે. ઝડપથી ઊપર પહોંચી, સમિટને ટેગ કરીને તરત નીચેની સફર શરૂ કરવામાં જ સાર છે. પર્વતારોહણ એક સિરિયસ એક્ટીવિટી છે, ઊંચાઇ પર તમે માત્ર ટકી રહ્યા છો - જીવી નથી રહ્યાં તે હકીકત સમજવી જરૂરી છે. ટોચ પર વધારે સમય પસાર કરવામાં તમારી પાછળ રાહ જોઇ રહેલાં લોકો આ ઊંચાઇ પર બહુ લાંબો સમય ટકવા માટે સક્ષમ નથી એનો ખ્યાલ રાખવો જ રહ્યો.

વળી જ્યાં એક સમયે વર્ષે ૨૦ જણ જતાં હોય ત્યાં જનારાની સંખ્યા ૭૦૦થી વધુ થાય એટલે ત્યાં થતી ગંદકી અંગે તો માત્ર કલ્પના જ કરવી રહી.

એવરેસ્ટની ટોચે પહોંચવા ભેગી થયેલી ભીડ, પાંચ જ દિવસની ‘ઑલ ક્લિયર’ પ્રકારની મોસમ, અણઘડ-બિનઅનુભવી પર્વતારોહકો અને ટૂર ઑપરેટર્સ વચ્ચેની સ્પર્ધા માત્ર માણસોનાં નહીં પણ પ્રકૃતિનાં આ જોખમી પણ અભૂતપૂર્વ ચમત્કારનાં કહેવાય તેવા એવરેસ્ટનાં મોતનું કારણ બની રહ્યાં  છે.

બાય ધી વેઃ

‘વધુ’ની એષણા પર્યાવરણ અને માણસ બન્નેનાં જીવ લઇ રહી છે. ત્યાં પહોંચી જનારાઓ વાતાવરણ પ્રત્યે લગીરેક સંવેદના નથી ધરાવતા. આ વર્ષે નેપાળી સરકારે જ્યારે એવરેસ્ટનું સ્વચ્છતા અભિયાન પૂરું કર્યું ત્યારે તેમણે દાયકાઓથી એવરેસ્ટની ટોચ પર ભેગો થયેલો કચરો દૂર કર્યો અને આ કચરાનું વજન ૧૧ ટન થયું. એવરેસ્ટની ટોચ પર જવામાં રહેલો રોમાંચ હવે ડેસ્ટિનેશન પર પાડેલી સેલ્ફીઓ પૂરતો સિમિત થઇ રહ્યો હોય એવું લાગે છે. જેમલિંગે પોતાની વાતમાં ખેદ વ્યક્ત કર્યો છે કે સાચા પર્વતારોહકો ઘટી રહ્યાં છે કારણ કે એવાં લોકો સુદ્ધાં એવરેસ્ટ ‘સર’ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે જે ઊંચાઇ પર હિટરની માંગણી સુદ્ધાં કરે છે. આ જ દર્શાવે છે કે એવરેસ્ટ ‘સર’ કરવો સાહસનો સંતોષ નહીં પણ દેખાડાની હોડ બની ચૂકેલી બાબત છે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2019

Category :- Opinion / Opinion