કવિનો કાવ્યરવ

નીરવ પટેલ / પ્રકાશ ન. શાહ
30-05-2019

નીરવ પટેલ (૨-૧૨-૧૯૫૦ • ૧૫-૦૫-૨૦૧૯) ગયા અને હૃદય તેમ જ ચિત્તને ઝંકૃત કરતો કાવ્યરવ મૂકતા ગયા. સમજની એક રીતે, આપણે ‘દલિત’ એવી સંજ્ઞા સ્વાભાવિક જ ખપમાં લઈએ છીએ. એમાં ઓળખ અને અસ્મિતા અનુસ્યૂત છે અને કેમ ન હોય, અંતે તો એ કવિતા કાન્તાર સમસ્તમાં અકુતોભય અવાજ બની રહે છે. રમેશચંદ્ર પરમાર આદિએ જગવેલ આંદોલનમાં આપણે ત્યાં, ભાનુ અધ્વર્યુના શબ્દોમાં, રુદ્રવીણાનો જે ઝંકાર પ્રગટ થયો એમાં નીરવ અગ્રયાયી હતા. પહેલવહેલું ધ્યાન એમના તરફ મારું ખેંચાયું એ એક વિલક્ષણ, લગભગ ચમત્કૃતિવત્કાવ્યોદ્ગાર હતો કે સફરજન પડતું જોઈ ન્યુટનને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સૂઝે, પણ એક દલિતવંચિત બાળકને વર્ગમાં આ વાત સાંભળતે સફરજન ખાવાનું સુઝે!

છેલ્લાં અઠવાડિયાઓમાં કેન્સર પરખાયા પછી જે અડસઠ કૃતિ (આમ તો આ આંકડો આપણી પરંપરામાં તીરથનો છે.) ચાલી આવી, રેવાલ ને ધ્રોપટ, એમાં સંઘર્ષ, રચના ને નવી દુનિયાની અતોનાત આરત પ્રગટ થતી અનુભવાય છે. આ એકધારા રચનાપ્રવાહમાંથી, કવિના પોતાના સૂચનથી ‘વૉન્ટેડ : પોએટ્સ’ (નિ. ૧/૧) પ્રકાશિત કરવાનું બન્યું હતું. (શ્રદ્ધાંજલિ સભામાં જાણ્યું કે ‘રંગદાર’ તરફથી સદ્યપ્રકાશ્ય સંગ્રહનું કવિદીધું નામ પણ આ છે.) છેલ્લી અડસઠ રચનાઓમાંથી થોડીકેક અહીં ઉતારી કવિને વિદાયવંદના પાઠવીએ છીએ.

— પ્રકાશ ન. શાહ, તંત્રી, “નિરીક્ષક”

વખાર

બાપુનાં બહુબધાં નામોમાંનું એક નામ :
હીરો વખારિયો.
એમની વખારમાં અમૂલખ ચર્મપત્રો.
ગામેગામની સીમમાં રખડીરઝળી ભેળાં કરેલાં જેડૂ રતન.
મોજથી મીઠું પીવડાવે,
છેક ખારીનાં કોતરની લાલપીળી આવળનાં ફૂ્લોના પાણીમાં
ઝાઝાં વહાલથી પખાળે
ને એમ પાકાં ગલ થયેલાં ચર્મપત્રો !
અઢારેય વર્ણને
એમાંના એકની જરૂર પડે.
બ્રાહ્મણને વેદ લખવા,
ક્ષત્રિયુ ને ઢાલ કે મ્યાન બનાવવા,
વાણિયાભાઈને ઘીનાં કૂલ્લુ બનાવવા,
પાટીદારોને કોસનાડીજોતર બનાવવા,
મંદિરના પૂજારીને ઢોલનગારે ચઢાવવા,
પારધીને ગોફણગિલોલ બનાવવા
મોચીને પગરખાં બનાવવા ...
બાપુ નામેરી બની ગયેલા,
ગામમાં કોઈની મજાલ છે કે
કોઈ એમનું અપમાન કરે!
પણ બાપુને કાયમ ઓછું આવે,
તે બોર બોર જેવડાં આંસુએ રડી પડે.
‘આટલી મિલ્કતેય અમે માણહના તોલે તો નૈંને?’
બાપુની વખાર તો છલકાવા લાગી.
માધુપુરાના મોચીઓ ખટારા લઈને
આવવા લાગ્યા,
મીરઝાપુરના કુરેશીઓ ટ્રકો લઈને
આવવા લાગ્યા.
બાપુનો માલ તો મદ્રાસ ને કાનપુર
જવા લાગ્યો.
બાપુની લોટી તો રાણીછાપ રૂપિયે ઉભરાવા લાગી.
એના ખણખણાટથી ઈર્ષાળુ પાડોશીઓ જાગી જતા,
ચોરોને બાતમી આપી દેતા.
પણ ચૂલાના રાખભરેલા થાળામાં દાટેલી પશા કુંભારના
નિંભાડે પકવેલી
લોટી કદી શોધી શકતા નહીં.
એમને થયું સોનાની ગિનીઓ સાચવવી સહેલી પડશે.
ગિનીઓ વેચતા ગયા
ને ખેતરોના ટૂકડા ખરીદતા ગયા.
હીરો વખારિયો તો હવે
હીરો જમીંદાર કહેવાવા લાગ્યો.
બાપુ અડધી રાતે જાગી જતા,
વખાર ખોલીને આંટો મારી આવતા.
એમને થતું વખારને હવે વિખેરી નાખું.
‘કાળા, અમારે તો કાળા અક્ષર કુહાડી બરાબર.
એટલે જે હાથે ચઢ્યું એનાથી જીવતર પૂરું કર્યું.
તું રખે આવી કોઈ વખારનો વખારી બનતો.
મેં શહેરમાં જોયું છે
કાળાકોટ પહેરેલા લોકો
ઓટકોટ બોલીને પૈસા કમાઈ લે છે!
તું ભણીને ઉજળા ધંધામાં જતો રહેજે.’
ને એક દિ વખાર વિખેરી નાખી બાપુએ.
આજે મારી વખાર જોવા બાપુ તો રહ્યા નથી.
દેશવિદેશનાં માણેકમોતીઓથી ઊભરાય છે મારી વખાર.
હા, એમાં કેબિનવાળા ટોમકાકા સાથે આખી આફ્રિકન લિટરેચર સિરીઝ છે,
જોનાથન સીગલ છે,
પર્લ બકની ઓ-લાન છે,
રાવજીની સારસી છે,
મારો નામેરી પન્નાલાલનો કાળુ છે,
પણે ખૂણે ’બહિષ્કૃત ફૂલો’ય મહેંકે છે.
માર્ક્સ છે, ગાંધી છે, આંબેડકર છે, ચંદુ મહેરિયા છે.
એમાં દુનિયાભરના કવિઓ-લેખકો-ચિંતકો છે.
એકેકથી ચઢિયાતાં રતન,
કોનાં કોનાં નામ ગણાવું!
હું નહીં વિખેરું મારી વખાર.
માહી અને મનસ્વી,
મારો એક માત્ર વારસો તે આ વખાર
જે હું હવેથી તમને ભળાવું છું.
બેટા, એના સહારે આપણને લોકો માણસ ગણતા થયા છે.
અમૂલખ છે આ વખાર.
એને કદી વિખેરી ન નાખતાં.

૪-૧-૨૦૧૯

• <> • <> •

૨૦૧૯નું ઈલેક્શન

શાણા ઘડવૈયાઓએ નાગરિકોને તક આપી :
દર પાંચ વર્ષે તમે પ્રતિનિધિઓ બદલી શકશો,
નાલાયકોને તમે ઉખાડી ફેંકી શકશો,
પ્રજાવત્સલોને તમે ચૂંટી શકશો.
ચૂંટણી જનતાનો એક માત્ર અધિકાર :
એ ચાહે એને રાજસત્તા સોંપી શકે,
એ ચાહે એને વનવાસમાં મોકલી શકે.
પણ પછી પાંચ વર્ષ જનતાએ મૂગામંતર થઈ જવાનું,
કાંડા કાપી આપ્યાં પછી તમારો કોઈ અધિકાર નહીં.
જનતા ચૂંટણીને લોકશાહીનું સૌથી મોટું પર્વ માને.
સૌ હરખભેર મત આપે :
રોજીરોટી, ઘર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સલામતી, શાંતિ, ભાઈચારો, બેકારી, મોંઘવારી
જેવા સેંકડો મુદ્દે રિબાતા મતદારો
હાશકારો અનુભવે :
હવે સૌ સારાં વાનાં થશે,
ભલા માણસો આવશે
ને બૂરા માણસો હારશે.
પણ મતપેટી ખૂલે કે
ખૂંખાર જાનવરો બહાર નીકળે.
ભોળી જનતા અચંબામાં પડી જાય!
આ કેવું?
કમળને મત આપો તો ય ધતૂરો નીકળે?
ગુલાબને મત આપો તો ય ગંધીલું ગોબર નીકળે?
ચૂંટણીનાં ગણિતથી બેખબર
જનતાને શી ખબર એની તો
ચૂંટણીની પૂર્વસંધ્યાએ જ નજરબંધી કરી કાઢેલી ચાણક્યોએ!
કાગડાઓ એના હાથમાંથી પૂરી પડાવી ગયા,
ને જનતા મોં વકાસી જોતી જ રહી ગઈ!
હમણાં જ એક ચાણક્યએ ચૂંટણી ઢંઢેરો ખુલ્લો મૂકી દીધો.
એણે કહ્યું :
૨૦૧૯ની ચૂંટણી પાણીપતના ચોથા યુદ્ધ બરાબરની છે!
જો હાર્યા તો મ્લેચ્છો બીજાં હજાર વર્ષ ચઢી બેસશે,
હિંદુ રાષ્ટ્રનું સપનું રોળાઈ જશે!
બિચારી જનતાનાં બે ફાડિયાં કરી કાઢ્યાં.
જનતાની જાણ બહાર સૌ બહુમતી લઘુમતીમાં વહેંચાઈ ગયા.
એમની આપદાના સઘળા સવાલો આ આઈડેન્ટિટી પોલિટિક્સમાં ઓઝલ થઈ ગયા.
જનતાની નજરબંધી કરવામાં ચાણક્યનો જોટો ન મળે!
લોકશાહીના ઉત્સવને ય એ લોહિયાળ યુદ્ધમાં પલટી શકે
ને યુદ્ધ જીતી શકે.
બિચારી લોકશાહી,
બાપડું બંધારણ,
બાપડા બંધારણના શાણા ઘડવૈયાઓ,
અને બિચારી બાપડી આ દેશની કમનસીબ જનતા!

૧૪-૧-૨૦૧૯

• <> • <> •

શાંગ્રિલા

તંગ આવી ગયો છું
આ લિંચિસ્તાનથી.
આ રેપિસ્તાનથી.
આ ભદ્રિસ્તાનથી.
મારું શાંગ્રિલા શોધું છું.
ઘેર ઘેર સોનાનો સૂરજ ઉતારવાનું વચન આપીને
સામ્યવાદીઓ તો અધવચ્ચે જ ફસકી પડ્યા,
કાં ખુદ જ ફાસિસ્ટ બની ગયા.
ને સમરસતાવાદીઓ તો એમના ઈરાદાઓ સાથે જ
ઉઘાડા પડી ગયા.
હવે એક આશા છે મૃત્યુમાં.
બસ મરું એટલી જ વાર છે.
વેજલપૂરના સ્મશાનગૃહના ધૂમાડિયામાંથી છટકીને
આકાશ માર્ગે ઊડતો ઊડતો
ઊતરું હિમાલયની લીલીછમ તળેટીઓમાં,
ખાનાબદોશોની વસતીઓમાં.
કે એની સદાનીરા સરિતાઓમાં ઓગળી જાઉં.
કે તાજા જ ખેડાયેલા એના કોઈ ખેતરના ચાસમાં રોપાઈ જાઉં.
મને વિશ્વાસ છે મને નવીનક્કોર નાગરિકતા-રાષ્ટ્રીયતા મળશે.
મારી હાલત ઈરાક કે મ્યામારના શરણાર્થીઓ જેવી નહીં થાય.
લોકો કહે છે અહીંના સૌ નાગરિકોને બૌદ્ધ ધર્મરાજા
જેવાં જ લૂગડાં મળે છે.
રાજારૈયતમાં કશો ફરક જ નહીં.
કોઈ મારા પોશાકથી ય વર્તી નહીં શકો
હું પુરુષ છું કે સ્ત્રી.
ન કોઈની કોટે પવિત્ર જનોઈઓ,
ન કોઈની પૂંઠે સાવરણાઓ.
હું દલિત છું કે બ્રાહ્મણ --
અહીં તો કોઈને એવી કશી જાણફિકર જ નહીં કોઈના વિશે.
સૌ માનવી.
સૌ સરખા.
સૌ સરખા સુખી,
સૌ સરખા દુઃખી.
કોઈને પિઝા ને કોઈને ખડધાન
એવું નહીં.
કોઈને બંગલી ને કોઈને છાપરી
એવું નહીં.
કોઈને પિટર ઇંગ્લેન્ડ ને
કોઈને કાંઠલા વગરનું બાંડિયું
એવું નહીં.
જીવવાના અને મજેથી જીવવાના
મારા મહત્ત્વના કામમાં કશી ખલેલ ન પડે
ને ઉપરથી મદદ મળે,
તો મારે ભોળાભાઈને જાણીને શું કામ છે
મારા દેશમાં રાજાશાહી છે કે લોકશાહી?
એનો મુદ્રાલેખ આપણા નીરોલેન્ડના મુદ્રાલેખ જેવો જ છે અદ્દલઃ
‘સૌનો સાથ, સૌનો વિકાસ’ --
કોઈ પાછળ રહી જવું ના જોઇએ,
કોઈને કપાળે ’ઉજળિયાત’ કે ’પછાત’ની ઓળખ છૂંદેલી
ના હોવી જોઈએ.
માનવીના જીવનના ભોગે પ્રગતિ નહીં,
ભલે દુનિયા ’પછાત’ કહીને હાંસી ઉડાવતી.
એટલે જ તો માનવી માત્રને સુખ મળે
એ દેશને શાંગ્રિલા કહેવાય છે.
ભલે નથી રેલ કે રસ્તાઓ.
પણ હેપિનેસની વર્લ્ડ ઈન્ડેકસમાં
મારો નવો દેશ આવે છે સર્વ પ્રથમ.
અહીં જી.ડી.પી. નહીં, જી.એન.એચ. મપાતી રહે છે.
કોઈ કહે તો ખરું
દેવભૂમિ દ્વારકામાં દલિત દેવદાસી તરીકે જીવવામાં
નાગરિકનું શું ગૌરવ છે?
આઈ એમ પ્રાઉડ ઓફ માય ન્યૂ નેશનાલિટી,
માય ન્યૂ સિટિઝનશીપ.
તો ઝાઝા જુહાર, માય મધરલેન્ડ
બાય બાય, માય ફાધરલેન્ડ
અલવિદા, માય કાસ્ટ્સલેન્ડ.

૨/૧/૨૦૧૯

• <> • <> •

મદારી

ત્રણ દિવસથી એક મદારીએ શહેરમાં ધામા નાખ્યા છે :
મોટ્ટા મોટ્ટા કલ્પનાતીત મેગા ઈવેન્ટ લોન્ચ કરીને
એણે નાગરિક માત્રની નજરબંધી કરી લીધી છે.
નાગરિકો તો આ તમાશાઓથી આભા જ રહી ગયા છે!
કક્કો ભણેલા ને કક્કો નહીં ભણેલા સૌ
માંહોમાંહે પૂછી રહ્યા છે આ વિદેશી શબ્દોના અર્થ :
વાઈબ્રન્ટ, ગ્લોબલ, સમિટ
એટલે શું?
આ કરિશ્માઈ મદારી પર એમનો ભરોસો ઓર વધતો જાય છે.
તે માનવા લાગે છે આ અલાદીન જ
દેશની કાયાપલટ કરી દેશે.
આ ગરીબ દેશ હવે શાંગહાઈ-ટોક્યો બની જશે.
અને આપણે સૌ સૂટેડ બૂટેડ રિસ્પેક્ટેબલ નાગરિકો.
મદારી ત્રણ દિવસે સી-પ્લેઈનમાં બેસી અલોપ થઈ જાય છે
ને લોકોની નજરબંધી તૂટવા લાગે છે.
ઇવેન્ટ મેનેજમેન્ટવાળા કરોડો રૂપિયા ખિસ્સામાં મૂકી શામિયાણાના વીંટા વાળી લે છે
કે નાગરિકોને ભાસ થાય છે
આપણને કોઈ જબરજસ્ત સપનું બતાવી ગાયબ થઈ ગયું!
શહેરની ગરીબી, શહેરની બેકારી, શહેરની મોંઘવારી
શહેરની હર સમસ્યા તો
જેવી વિકરાળ હતી તેવી પાછી નાગી દેખાવા લાગે છે.
વિકાસના નામે જેવી તેવી ઝૂંપડીઓ હતી તે ય બૂલડોઝરો તોડીફોડી નાખે છે.
નથી બચ્ચાં માટે નિશાળોમાં માસ્તરો, નથી માંદા માટે કિફાયતી દવાખાનાં,
નથી રહ્યા રૈનબસેરા.
નથી મળતી નોકરી, નથી ઘરમાં નમકઆટો.
પણ મદારી પાછો આવવાનો છે, આનાથી પણ મોટ્ટાં મોટ્ટાં સપનાં બતાવી તમારી કાયમી નજરબંધી કરવા.  

૧૮-૧-૨૦૧૯

• <> • <> •

કવિતા

અને આજે કવિતારાણી રુસણે બેઠાં છે :
‘તમે રોજ રોજ પોલિટિકલ સેટાયર લખો છો, અને નામ મારું પડે છે.
તમે રોજ રોજ દલિતોનાં ગાણાં ગાવ છો, ને નામ મારું પડે છે.
કોઈ કોઈ વાર ઈતર વંચિતો-શોષિતોનાં વિતક ચિતરો છો મારા નામે.
તમને નથી લાગતું,
તમે કોઈ મનોરુગ્ણતાનો શિકાર બની ગયા છો?
તમે ક્યારે ય મારે માટે, મારા પ્રેમ માટે ગીત-ગઝલ લખી?
આજે તો તમે લાખ કોશિશ કરો,
હું નહીં રિઝું.’
પ્રિય કવિતા, તને ખબર છે હું માત્ર તારો અને તારો જ પ્રતિબદ્ધ પ્રેમી છું.
વાર્તા-નાટક-નવલકથા મને પટાવવા ઘણાં લટકાં મટકાં કરે છે,
પણ હું એમને સહેજ પણ ભાવ આપતો નથી.
હું છેક કોલેજકાળથી તારા પ્રેમમાં પડ્યો છું,
તે આજે વૃદ્ધત્વના આરે ય તને
અને તને જ ચાહું છું પૂરી વફાદારીથી.
તને યાદ છે ’કવિની પ્રેયસી’ કવિતામાં
માત્ર શબ્દોથી જ કોરો પ્રેમ કરતા ગગનવિહારી કવિઓનો મેં કેવો ઉપહાસ કર્યો હતો?
મેં કહ્યું હતું કે પ્રેમ જ કરવો હોય તો પડ નવસ્ત્રી થઈને ધરામાં,
ને કરસન ગોવાળિયાની બાથમાં ભીડા,
તો તને ખબર પડશે
પ્રેમની મીઠી માયા ને મીઠી પીડા.
ચાલ, આજે તને સાબરમતીના કાંઠે લાગેલાં ફૂલોના મેળામાં લઈ જાઉં.
આજે દલિત-પલિત બધું વેગળું,
આજે હું ને મારી પ્રિયતમા કવિતા.
જુવાનિયાઓ ભલે મજાક ઉડાવે,
આજે એકેએક ફૂલછોડની સાખે
તસતસતાં આલિંગનોની સેલ્ફીઓ લઈએ.
બને કે ત્યાં જ કોઈ પ્રેમગીત લખાઈ જાય ને મારા પર તું રીઝી પડે ...
પ્રિય કવિતા, તું પ્રેમ કરવાનું છોડી દે,
તો બિચારાં દીનદલિતદુખિયાઓને કોઈ કવિ પ્રેમ કેમનો કરશે?

૧૭-૧-૨૦૧૯

• <> • <> •

રીવર ફ્રંટ

નદી કાંઠાનું તમારું ગામ.
તે નદી તમારી જીવનદોરી.
તમે સેંકડો વર્ષોથી
જે નદીના કાંઠે રહેતા હોય,
એને કોઈ ચોર ચોરી જાય તો!
તમે વહેલી સવારે ઊઠીને સૂર્યનમસ્કાર કરી સ્નાન કરતા આ નદીમાં.
તમે નદી કાંઠે ઊતરી એનું કોપરા જેવું જળ પીતા.
બપોરે છોકરડાઓ એમાં ધૂબાકા મારતા.
દેશી જાળ બાંધીને બે ટંકનાં માછલાં પકડતા.
પડખેના ભાઠામાં રિંગણટમેટાંની વાડી કરતા.
કન્યાઓ વ્રતપૂજા કરતી.
વિદાય થયેલા વડીલોનાં ફૂલ પધરાવતા.
એકવાર લંડન બ્રીજ પર નીરો ગયો,
ને થેમ્સની ઝાકઝમાળથી એવો ઘેલો થયો કે એણે ત્યાં જ નક્કી કરી લીધું :
બસ અસ્સલ આવી જ રીવરફ્રન્ટ બનાવું મારા દેશમાં!
એણે તો આર.સી.સી.ના તોતિંગ સ્લેબથી આખી નદીના બેઉ કાંઠા નાથી લીધા.
એણે પહેલાં પૂર્વ કાંઠાની નાકાબંધી કરી લીધી.
પછી એણે પશ્ચિમ કાંઠાની નાકાબંધી કરી લીધી.
ન કોઈ ગામનો રહેવાસી નદીમાં પ્રવેશી શકે, ન કોઈ પ્રાણીપારેવું!
નદીકાંઠેના બિચારાં વૃક્ષોનો તો ખાતમો જ બોલી ગયો.
હવે ત્યાં વિદેશી મહેમાનો હિંચકે ઝૂલે છે.
પૈસાદાર હોય એ એમ્યુઝમેન્ટ પાર્કમાં મહાલી શકે છે.
હવે ત્યાંથી અમીરો માટે સી-પ્લેઈન ઊડે છે : મહેસાણાથી અમદાવાદ ને અમદાવાદથી ખંભાત.
લાંબી હવાઈપટ્ટી બની ગઈ છે નદી.
જેની નદી હતી એ ગામડિયાઓને ભાગે તો
એલિસબ્રિજની રેઈલિંગમાંથી આ જોણાં બચ્યાં છે.
નીરોના એજન્ડામાં નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ હતી જ ક્યાં?
એની તો બસ એક જ જિદ છે,
નાગરિકો મરે કે જીવે,
આ દેશને જાપાન અને અમેરિકા બનાવી દેવો છે.
આ દેશને સુપર પાવર બનાવી દેવો છે.               

૧૨-૧-૨૦૧૯

+=+=+=+=+=+=+=+

‘એકંદરે ઘણો સારો માણસ’ 

• નીરવ પટેલ

આપનો રોલ મોડલ (આદર્શ)

.... વંચિત રહેલા માટે પ્રતિબદ્ધ લેખિકા સમાજ સેવિકા અરુંધતી રૉય

છેલ્લે ક્યારે રડ્યા હતા?

‘બહિષ્કૃત ફૂલો’ને ગુ.સા.પ.નું મહેન્દ્ર ભગત પારિતોષિક મળ્યાના સમાચાર સાંભળીને હર્ષાશ્રુ આવ્યા હતા.

દેશ વિશે શું વિચારો છો?

અનેક પ્રકારના પ્રશ્નોથી ઘેરાયેલા આ દેશ તૂટી જવા ભણી જઈ રહ્યો છે, ને જાણે કોઈને કંઈ પડી નથી!

આપની દૃષ્ટિએ પ્રેમ એટલે ...

જો સ્ત્રીપુરુષના સંદર્ભે હોય તો આંતરબાહ્ય વ્યક્તિત્વથી પેદા થતું એકબીજાં માટેનું આકર્ષણ જે અદ્દભુત આનંદની અનુભૂતિ કરાવે છે.

આપની દૃષ્ટિએ લગ્ન એટલે ...

જૈવિક (જાતીય) આવેગના નિયમન માટે રચાયેલી સામાજિક સંસ્થા જે સુખદુઃખનો આજીવન સાથી પણ આપી શકે છે, ને કિલ્લોલતું કુટુંબ પણ.

આપની સફળતાનું રહસ્ય?

હું મને સફળ વ્યક્તિ માનતો નથી. અલબત્ત કોઈ પણ સફળતાને હું પરિશ્રમને કારણે મળેલી ગણું.

આપ અન્ય લોકોના આપવા ઇચ્છતા હો તેવો સંદેશ એક વાક્યમાં ...

આપસી ભાઈચારાથી હળી-મળીને રહો. આ દુનિયાને આપણે સ્વર્ગ બનાવી શકીએ.

મનપસંદ અભિનેતા - અભિનેત્રી

નસિરુદ્દીન શાહ - સ્મિતા પાટીલ

મનપસંદ ફિલ્મ

પાર

મનપસંદ રાજકારણી

વિશ્વનાથ પ્રતાપસિંહ, (વી.પી. સિંહ) જે કવિ છે.

તમારા વિશે એક વાક્યમાં તમારો અભિપ્રાય શું હોઈ શકે?

આ માણસ એકંદરે ઘણો સારો માણસ છે.

તમે આ ક્ષેત્રમાં ના હોય તો કયા ક્ષેત્રમાં હોત?

શિક્ષણ

માસ્ક પાર્ટીમાં કયો માસ્ક પહેરવાનું પસંદ કરો?

સાન્તાક્લોઝ

સૌથી વધુ ખુશ ક્યારે થાવ છો?

મારા માપદંડથી કશુંક સારું લખાય છે ત્યારે.

તમારી જિંદગીને એક વાક્યમાં વર્ણાવવી હોય તો ...

અનેક સંભાવનાઓ છતાં વેડફાઈ ગયેલું જીવન.

તમારો તકિયા કલામ?

ઓહ વન્ડરફૂલ!

એક ચોરી માફ કરવામાં આવે તો શું ચોરવું પસંદ કરો?

પુસ્તક

અત્યારે કયું પુસ્તક વાંચો છો?

રીટા કોઠારી દ્વારા અનુવાદિત તથા અચ્યુત યાજ્ઞિકની પ્રસ્તાવનાવાળી જોસેફ મેકવાનની નવલકથા “The Stepchild”

ગમતા ગુજરાતી લેખક - કવિ

લેખક પ્રકાશ શાહ, કવિ પ્રવીણ ગઢવી

[“આરપાર”(૧ જાન્યુઆરી ૨૦૦૭)માં પ્રકાશિત મુલાકાતનો કેટલોક અંશ, સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019; પૃ. 08-11

Category :- Opinion / Literature